janas books and stories free download online pdf in Gujarati

જણસ

જેસંગ એટલે કાઠીયાવાડ નો હાકોટો ,
જેસંગ એટલે આસપાસ નાં દહ દહ ગામોના રખોપાં કરનાર પાણીદાર ઘોડી ધનક નો અસવાર હો ‌‌.... દૂર દૂર નાં પંથકમાં ગાડીત (વળાવિયા) તરીકે ઈ જ નામનાં પડઘા હંભળાય મારા વા'લા......જેને જમડાં નાં તેડાં આયા હોય ને ઈ જ એની હામે ભેખડે ભરાય બાપલિયાં , ....ખમ્મા ઘણી એને હો...!!!

પૂરા છ ફૂટ થી ઉપરે નો માથાડો માથાભારે માનવી , ચિત્તાની ચાલ કરતાં ય ચેતિલો , વાણીયા ની બુદ્ધિ ને માપનારો , ને વનરાજ હામે બાથોડે થાનાર ઈ જેસંગ ને
તોયે એનાં દલડાં ની માલી કોરનો કસવાટ ઈ રાત-દિ ભૂલી નો હકે ....

એની જિંદગી ની ઈ રાત હતી ને આજ નો દા'ડો સે...
ઈ રાતે બારેમેઘ ખાંડેધાર હેલી કરતાં'તા...... ને...જેસંગે એનાં જીવથીય વધારે વ્હાલી લાખી ને હદાય ને માટે ખોઈ બેઠો...જાણે કાળ ત્રાટક્યો ને બેય પંખીડાને જનમો જનમ માટે નોખાં કરી ગ્યો....

હાં ,એ લાખી જેસંગ નાં દલડાં નો ધબકાર હતી , વાને જરા શ્યામ હતી પણ એનાં જેવી નમણાશ પંથક આખામાં નો જડે હો ....!!!! એય ને મોટી મોટી આંખો પણ નેહે નીતરતી કાયમ.....
લલાટે ઉગતાં સુરજ જેવો લાલ ચાંદલો જેસંગ નો દિ ઉજાગર કરતો .... બે ય હાથમાં લાંબા ચૂડલા - ચૂડીઓ નાં ખણકારાં ને પગનાં ઝાંઝરા નાં ઝણકારાં થી જેસંગ નાં દલડાં નાં તાર ઝણઝણી ઉઠતાં ...!!
એનાં અસ્સલ કાપડામાં ઈ નખશિખ રતિ નો અવતાર બનીને જેસંગ નાં રૂદિયા માં એક હથ્થું ઈ અહર્નિશ રાજ કરતી....!!
આસપાસ નાં ગામોમાં બે ય મનખાં ની પ્રીતડી નાં દાખલા દેવાતાં....!!

ઈ દા'ડે અહૂરી વેળા એ જેસંગ ને લાખી ખુલ્લાં આકાશ નીચે ઢોલિયો ઢાળીને પૂનમનાં ચાંદા ને ધારી ધારીને જોતાં જોતાં ધરમાં આવનારાં નવાં મહેમાન નાં સોનેરી સપનાં જોતાં હતાં ને ઈ ટાણે ધનજી હાંફતો હાંફતો હડી કાઢીને જેસંગ પાહે આયો ને બોલ્યો, "જેસંગ ભા , રૂપચંદ શેઠે તમને તાબડતોબ બોલાવીયા સે.....ગાડીતું કરવા..ઝટ હાલો મારી હારે"...
"એ ધનજીડા ,થોડો પોરો તો ખાવા દે તારા અછવાસ ને (શ્વાસ)...આમ ,ધમણ ની જયમ કાં હાંફે સે, લે પાણી પી ને પસે વાત કર".... જેસંગે એને પાણી દીધું.
એક જ હાહે લોટો પાણી ગટગટાવી ગ્યો ધનજી ને અટકીને બોલ્યો,
"ઓલા રૂપચંદ શેઠને અટાણે રતનપર ગીગા કારભારી ને ન્યાં જણસોનો દાબડો પૂગાડવાનો સે ,તે તમારે હારે ગાડીત થઈ ને જાવાનું સે...બે-એક 'દિ માં વળતાં થાઈ જાહું." એણે લાખી સામે જોઈ ને કીધું...

"ના, ના, મારાથી હવે ગાડીતે નહીં અવાય, તું લાખીની દશા તો હમજે સે ને?? ઈને અટાણે ભર ચોમાહે એકલી મેલી હું ના આવી સકું....જા , ના પાડી દે શેઠને..."જેસંગ બોલ્યો

"ના,ના, એવું ના 'કો , જેસંગ ભા ,શેઠની આબરૂ નો સવાલ સે, જણસો નહીં પોગે ને તો કારભારી ખારો થાહે ને તણખાં ઝરસે ઈ લાગામાં.....રૂપચંદ શેઠને તમારો ભરોહો ભારી સે...ઝટ હાલો ભા... ધનજી રડું રડું થાઈ ગ્યો.....ને પગે પડયો.

આ જોઈ ને લાખીએ ગળગળા હાદે જેસંગ ને કીધું"મને કાંઈ નહીં થાય...જાવ તમતમારે ,મારે હજી બોર સુટવા માં (પ્રસુતિ) અઠવાડિયું સેટુ સે...શેઠની આબરૂ ઈ ગામની આબરૂ.....ઈ એમ નો જાવા દેવાય.."
ઝાઝી રકઝક પછી જેસંગ લાખી ની વાત માની ને લાખીને કપાળે વ્હાલ કરીને ધારી-ધારીને નીરખી રહ્યો ને બોલ્યો," હટ વળતો થાઈસ....મારી ફીકર નો કરતી"...

અંગરખો ને પાઘડી પહેરી ને કેડે કટાર ને તલવાર ખોહી ને માથે પસેડી ઓઢીને ધનજી હારે ધનક માથે અસવાર થયો ને નીકળી પડ્યો ઈ.....

કોણ જાણે કેમ પણ ઓલો વરહાદ બે -બે 'દિ લગી ગાંડોતૂર બનીને રાત -દિ ખાબક્યો....આખાયે નેહડાંમાં એકેય મનેખ નજરે નો ચડે.....વિજળીઓ ય ત્રાડ નાંખી ને એનો સુર પુરાવતી હતી...ને બીજે દા'ડે મધરાતે લાખી ને કટાણે વેણ ઉપડ્યું (પ્રસવપીડા) .લાખી એમ તો બહુ જબરી કાઠી ની પણ આ પીડા તો શરીર નાં હંધાય ગાતરો તોડી નાંખે એવી ..!!!

ઈ પેટ પકડીને દરદમાં કહણતી ઢોલિયા ઉપર થી નીચે પડી ગઈ ને રાડારાડ કરી મૂકી કે કોઈ આવે ઈ ની મદદે...પણ ખાબકતાં વરહાદમાં એની ચીસો કોઈ ને નો હંભળાઈ.....આખી રાત ઈ મથતી રહી , જોર કાઢતી રહી , પીડાતી રહી...એક નવાં જીવને જનમ આપવા ટળવળતી રહી.... જેસંગ ને યાદ કરતી કરતી ઈ આખુંય શરીર ઠલવતી રહી આખી રાત ને અંતે મળસ્કે મેઘરાજા અટકી ગયો ને લાખી ની ચીસો પણ...!! ને એક નવાં માસુમ જીવનાં રડવાનાં અવાજથી આખુંય નેહડું ભરાઈ ગ્યું...ને અવાજ હાંભળીને રાજી રાજી થ્યાં..પણ આ હું ..!!ગમે તેટલું ઉઠાડવા છતાંય લાખી જાગી જ ન‌ઈ.....??
એવામાં જેસંગ ઘોડો લ‌ઈને આવી પૂગ્યો...કંઈ સમજે ઈ પેલાં'જ ટોળા ને કાપી ને લાખી કને ગયો ને "લાખી લાખી , ઉઠ જો હું આવી ગ્યો.....એય ઉઠને જો મેં તારાં કીધાં મુજબ શેઠની લાખોની જણસ સહીસલામત પોગાડી આયો સું... ગામની આબરૂ રાખી સે હો...!!!હવે તો હસને જરા....ઉઠ ને ઉઠ જો ને મારી હામું...."જેસંગ ફાટી આંખે તાકી રહ્યો લાખીને....
ત્યાં જ કેસર માડી ખોળામાં રૂપાળો, તેજસ્વી ને કાનુડા જેવો દિકરો જેસંગ પાસે લઈ ગયા ને રડતાં રડતાં બોલ્યાં," ભા, લાખી જતી ર‌ઈ સે આપણને મેલી ને , જતાં જતાં આ તારાં પેંગડામાં પગ ઘાલનારને જનમ આલતી ગઈ સે..લે...જો તો ખરો, કેવો તને જોઈ ને હરખે સે ઈ...!!!

જેસંગે દિકરાને છાતી સરસો ચાંપ્યો ને
"મારો વ્હાલો લાખો" નામથી બોલાવ્યો....
ને ચોધાર આંસુડે રડી પડ્યો.... જિંદગી માં પેલ્લી વાર આ ભાયડો રડયો.....જેસંગ તૂટી ગયો..એને લાખી નો જતાં જતાં જોયેલો ચહેરો યાદ આવી ગયો.. એની જિંદગી નાં ઓરતાં વિધાતાએ છીનવી લીધાં....

એ શેઠની જણસ તો સોંપી આવ્યો પણ પોતાની જણસ ખોઈ બેઠો આજે.....

લાખી ની અંતિમ ક્રિયા કરયા પસે જેસંગે ગાડીતનું કામ મેલી દીધું.એની દુનિયા એણે સમેટી લીધી.
લાખા ને એકલે હાથે ઉછેરવા માટે... ઢોરઢાંખર ને લાખો બસ બે જ એની દુનિયા....

ઈ વાત ને આજે પુરાં અઢાર - અઢાર ચોમાસા વીતી ગ્યાં સે ને પંથક આખાય માં "લાખા ગાડીત" નાં નામે કાઠું કાઢ્યું સે....ઘણી ખમ્મા...!!!

આજે પણ દર પૂનમની રાતે જેસંગ નાં ઢોલિયે આવીને લાખી જેસંગ ને માથે વ્હાલ કરી જાય સે..!!
© ફાલ્ગુની શાહ ✍️