Yog-Viyog - 8 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 8

યોગ-વિયોગ - 8

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૮

અભયે ઘડિયાળમાં જોયું. સવારે ત્રણ ને પાંત્રીસ... એ સફાળો બેઠો થઈ ગયો. “ઓહ શીટ...” અને ઝડપથી બાથરૂમમાં જઈ મોઢે પાણી છાંટ્યું. પછી વીખરાયેલાં કપડાં શોધવા માંડ્યાં... આછા બ્લ્યુ અંધારામાં એને કપડાં જડ્યાં નહીં એટલે એણે લાઇટ કરી.

“ઓહ માય ગોડ ! યુ આર લિવિંગ ?” બેડમાં ઊંધી સૂતેલી છોકરીએ માથું ઊંચકીને અભય સામે જોયું. એ કમર સુધી ચાદર ઓઢીને સૂતી હતી. એની આરસપ્હાણમાંથી કંડારી હોય એવી ડાઘ વગરની સુંદર પીઠ ઉઘાડી હતી. લાઇટ પડતાં જ એની ગોરી ચામડી ચમકી ઊઠી. એ હાથને કોણીમાંથી વાળીને માથા નીચે મૂકી ઊંધી સૂતી હતી. ઓઢેલી ચાદરમાંથી પણ એના શરીરનો આકાર સ્પષ્ટ થતો હતો. કમર સુધીના એના વાળ પલંગમાં આમતેમ વીખરાયેલા હતા. સુંદર, નમણો ચહેરો અને મોટી મોટી માછલી જેવી ભાવવાહી આંખો એણે અડધી ખોલી અભય સામે જોયું, “ક્યાં જાય છે ?” એણે પૂછ્‌યું.

“ખબર તો છે, મારે સાડા અગિયારની ફ્‌લાઇટમાં દિલ્હી જવાનું છે અને ત્યાંથી હરિદ્વાર...’’ અભયે કહ્યું અને છોકરીનું સ્કર્ટ જમીન પરથી ઊંચકીને એના તરફ ફેંક્યું. પછી નીચેથી પોતાની અંડી અને પેન્ટ ઉઠાવી અને બાથરૂમ તરફ ચાલવા માંડ્યું.

“કોણ કોણ જાવ છો ?” પેલી છોકરીએ પૂછ્‌યું.

“અમે, ત્રણ ભાઈઓ અને મા.” અભયે કહ્યું અને બાથરૂમમાં કપડાં પહેરવા માંડ્યાં.

“વ્હાય અભય ?” પેલી છોકરીના ચહેરા પર અચાનક જ ઉદાસી ઊતરી આવી. “સવારની ચા તારી સાથે પીવાનું ક્યારેય મારા નસીબમાં નહીં હોય ?”

“સ્વીટહાર્ટ !” અભય બાથરૂમમાં કપડાં પહેરતો હતો. એણે અંદરથી જ વાત કરવા માંડી, “યુ નો માય સ્વીચ્યુએશન,

રાઈટ ? મારે બહુ બધા લોકોને જવાબો આપવા પડે છે અને છતાં હું અઠવાડિયામાં બે રાત તારી સાથે ગાળું છું. મને સમજવાનો પ્રયત્ન કર. અઘરું છે મારા માટે.”

“હું તને બહુ મીસ કરું છું અભય. મારા નસીબમાં માત્ર તારી રાહ જોવાનું લખ્યું છે.” એની માછલી જેવી આંખો સહેજ ભીની થઈ ગઈ હતી.

“જાન ! મને તકલીફ નહીં થતી હોય ? તું તો એકલી રહે છે, એકલતા સિવાય કોઈ પ્રોબ્લેમ નથી તારો. મારે તો મન મારીને રાત-દિવસ પેલી કર્કશા સાથે જીવવું પડે છે. એની કમેન્ટ સાંભળવાની, એની દાદાગીરી સાંભળવાની અને છતાંય એને પ્રેમ કરું છું એવો ડોળ કરવાનો...”

“એકલતા...” પેલી છોકરીની આંખમાંથી આંસુ હવે છલકાવા લાગ્યાં હતાં. “તને શું ખબર એકલતા શું હોય છે ? આખું ઘર ખાવા ધાય છે મને. સાંજના સાત વાગે ઑફિસથી ઘરે આવું, પછી છેક બીજા દિવસની સવાર સુધી મારે એક જ કામ કરવાનું હોય છે... તારા ફોનની રાહ જોવાની, અને એ પણ હવે તો તું રોજ નથી કરતો.”

અભય શર્ટના બટન બંધ કરતો બાથરૂમમાંથી બહાર નીકળ્યો. એણે પેન્ટ ખોલીને શર્ટ બરાબર ટક-ઇન કર્યું, બેલ્ટ પેન્ટના લૂકમાં પરોવ્યો. અરીસામાં જાતને એક વાર જોઈ, પછી ડ્રેસિંગટેબલનો કાચ ખોલીને અંદર પડેલું પરફ્‌યુમ કાઢ્યું. શરીર પર છાંટ્યું. વાળમાં બ્રશ ફેરવ્યું...

પછી પેલી છોકરી પાસે આવીને એનાં આંસુ લૂછ્‌યાં. એનો ચહેરો પોતાના બે હાથની વચ્ચે પકડ્યો અને પછી એની આંખોમાં આંખો નાખીને કહ્યું, “પ્રિયા, હું જ્યારે ઘરે જાઉં ત્યારે તું આમ રડે એ તો કેમ ચાલે ? તને ખબર છે મારે એક ઘર છે, પત્ની છે, બે બાળકો છે, એક મા છે. કશુ ંછુપાવીને તો નથી બાંધ્યો આ સંબંધ તારી સાથે.”

“આઇ નૉ, જાણું છું હું...” પ્રિયા બેઠી થઈ. એણે ચાદર ખેંચી, પછી એના બે છેડા પકડીને પોતાના ખભા પર થઈને ગરદનની પાછળ ગાંઠ વાળી અને અભયને બાવડામાંથી પકડી લીધો. એના ખભે માથુ મૂકીને લાડથી કહ્યું, “બધું જાણું છું હું, પણ છતાંય તારા વિના જીવવું અઘરું પડે છે. આઈ લવ યુ અભય...”

“આઈ લવ યુ ટુ સ્વીટહાર્ટ !” અભયે કહ્યું અને પછી હળવેકથી બાવડું છોડાવી ઊભો થયો. પ્રિયાના ગાલ પર ટપલી મારી, “ચલ, ઑફિસમાં મળીએ છીએ.” અને બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.

પ્રિયા ઊભી થઈ, એણે લગભગ બૂમ પાડી, “અ..ભ..ય..”

“બોલ સ્વીટહાર્ટ, મને મોડું થાય છે.” અભયે બારણાની ફ્રેમમાં ઊભો રહી ગયો.

પ્રિયાએ દોડતાં આવીને અભયની છાતી પર માથુ મૂકી એના શરીરની આસપાસ હાથ લપેટી દીધા. “કંઈ ભૂલી નથી ગયો

ને ?”

“બધું જ અહીં મૂકીને જાઉં છું, જાણી જોઈને, ભૂલીને નહીં. તને શું ખબર મને કેટલી તકલીફ પડે છે તારા વિના, પણ જીવવું પડે સ્વીટહાર્ટ !” કહીને એણે પ્રિયાને હળવેકથી પોતાનાથી અળગી કરી, “અને જીવવું હોય તો જવું પણ પડે” કહીને એણે એ બે બેડરૂમના ફ્‌લેટના મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું.

એ દરવાજા સુધી પહોંચે એ પહેલાં દોડીને દરવાજા સુધી પહોંચી ગયેલી પ્રિયા આડી ઊભી રહી ગઈ. એણે દરવાજા સાથે પીઠ ટેકવી અને પોતાના બંને હાથ દરવાજાની ફ્રેમ પર જોડી દીધા. “જાન, એક રાત... એક રાત એવી જેની સવાર મારા પડખામાં પડે...”

“તથાસ્તુ !” અભયે કહ્યું હસીને, “આ વખતે સિંગાપોરની કૉન્ફરન્સમાં તને લઈને જઈશ, બસ !”

“પ્રોમિસ ?” પ્રિયાની આંખો ચમકી ઊઠી.

“પ્રોમિસ.” અભયે કહ્યું અને એનો હાથ પકડીને ખસેડીને બારણું ખોલ્યું અને બહાર જવા લાગ્યો.

“આઈ લવ યુ અભય...”

“લવ યુ ટુ...” વાક્ય પૂરું થાય એ પહેલાં અભય દાદરા ઊતરી ગયો હતો.

વૈભવીએ મોબાઈલની સ્વીચ ઑન કરીને સમય જોયો. ચાર...

“આજે અભયની વાત છે.” એ સ્વગત બબડી, “આટલી લાંબી કઈ પાર્ટી ચાલે ? ને મલહોત્રાનું નામ લઈને ગયો છે. ત્યાં તો કોઈ પાર્ટી જ નહોતી... જરૂર પાર્ટીના નામે ક્યાંક પીવા બેઠો હશે. આજે આવે એટલે સીધો કરી નાખીશ. આજ પછી બાર વાગ્યે મોડામાં મોડા ઘરે આવી જવાનું... સમજે છે શું એના મનમાં...” વૈભવી અકળાઈ રહી હતી. એણે હાથમાં પકડેલા મોબાઈલ પર અભયનો નંબર ડાયલ કર્યો.

કંપાઉન્ડમાં દાખલ થતી ગાડીનો અવાજ સાંભળીને ફોન કટ કર્યો અને આંખો મીંચીને ઊંઘવાનો ડૉળ કરવા લાગી.

લથડતાં પગે લગભગ પાંચ-સાત મિનિટ પછી અભય રૂમમાં દાખલ થયો. બાથરૂમમાં ગયો. નાઇટશૂટ પહેરી, બહાર આવી પથારીમાં પડ્યો. વૈભવી હળવેકથી અભય તરફ ફરી અને જાણે અભયના પથારીમાં પડવાથી જાગી હોય એમ ઊંઘરેટા અવાજે બોલી, “કેટલા વાગ્યા ?”

“બે...” અભયે કહ્યું.

“ઓહ જાનુ...” કહેતી કહેતી વૈભવી નજીક આવી ગઈ. એણે પોતાનો એક હાથ એના ગળામાં લપેટી એક પગ એના પગ પર નાખ્યો, “મને તો એમ કે બહુ બધા વાગ્યા હશે. કેવી રહી પાર્ટી ?”

“ગુડ... વેરી ગુડ...” અભયે કહ્યું, “દેસાઈએ ત્રીસેક લાખના કોન્ટ્રેક્ટનું પ્રોમિસ કર્યું છે.” અને વૈભવીનો હાથ હળવેકથી ગળામાંથી કાઢી નાખ્યો. વૈભવીએ એ હાથ ફરી ગળામાં નાખ્યો અને બળપૂર્વક અભયને નજીક ખેંચ્યો, “તારી પાર્ટી જ્યાં હતી ત્યાં, પણ મને તો એટલી તો ખબર જ છે કે મલહોત્રાને ત્યાં આજે કોઈ પાર્ટી નહોતી... શોધવાનું એ છે કે તું હતો ક્યાં ?” વૈભવી સ્વગત કહ્યું અને પછી અભયના હોઠ પર હોઠ મૂકીને એક ગાઢ ચુંબન લેવાનો પ્રયત્ન કર્યો, પણ અભયની ઠંડક અને સાવ માંદલો રિસ્પોન્સ જોતાં એના અભિમાનને ઠેસ પહોંચી... એણે પોતાનો પગ અને હાથ અભય પરથી લઈ લીધા અને પડખું ફરીને સૂઈ ગઈ. અભયે નિરાંતનો શ્વાસ લીધો અને એ પણ વૈભવીની વિરુદ્ધ દિશામાં પડખું ફરીને સૂઈ ગયો.

અલય પેકિંગ કરી રહ્યો છે. કોણ જાણે કેમ એનું મન મા સાથે હરિદ્વાર જવા તૈયાર નહોતું. જે માણસને એ આટલો બધો ધિક્કારતો હતો એનું શ્રાદ્ધ કરવા એણે શું કામ જવું જોઈએ ? એવો સવાલ એનું મન એને સેંકડો વાર પૂછી ચૂક્યું હતું. પરંતુ વારે વારે એને શ્રેયા પર ગુસ્સો આવતો હતો. એ છોકરીએ એટલી તો ચાલાકીથી એને ફસાવીને એની પાસે વચન લીધું હતું કે એ ના નહોતો પાડી શક્યો.

માત્ર અને માત્ર શ્રેયાનું મન રાખવા ખાતર એ હરિદ્વાર જઈ રહ્યો હતો. સાથે સાથે એને એક વાતની નિરાંત પણ હતી કે હવે આ ઘરમાં એ માણસને મૃત્યુ પામેલો ગણવામાં આવશે. એની મા કોઈની રાહ જોઈને જીવ નહીં બાળે. કદાચ પોતાની માને એ માણસને મૃત્યુ પામેલો સ્વીકારતી જોવાની લાલચે પણ એને હરિદ્વાર જવા માટે થોડોક તૈયાર કર્યો હતો. એ પોતાની બેગ ભરી રહ્યો હતો....

“ચાચુ,” લજ્જા એના રૂમમાં દાખલ થઈ. એના હાથમાં સફરજન હતું. એ સફરજનને બટકું ભરીને કૂદકો મારીના અલયના રાઇટિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ. એણે પહેરેલી શોટ્‌ર્સ ખરેખર શૉર્ટ-ટૂંકી હતી.વળી એટલું ઓછું હોય એમ રિવૉલ્વિંગ ચેરના બે હાથા પર પગ મૂકીને એને પગથી જ પોતાની નજીક ખેંચીને એણે અભયને કહ્યું, “ચાચુ, ડૉન્ટ ગો યાર, આઈ વીલ મીસ યુ...”

“વેલ...” અલય નજીક આવ્યો. એણે લજ્જાના પગ ખુરશીના હાથા પરથી ખસેડ્યા અને ખુરશીની પીઠ ઉપર લટકાવેલો નેપકીન લઈ એના પગ ઉપર ઢાંક્યો, “સીટ લાઇક અ લેઇડી... તું હવે નાની નથી અને પૂરાં કપડાં પહેરતાં શીખ.”

“ચાચુ, બહુ ઑર્થોડેક્સ છે તું.” લજ્જાએ કહ્યું, “મારા પગ કેટલા સરસ છે, એકદમ ડાઘ વગરના લાંબા અને અમેરિકન !”

“આવું તને કોણે કહ્યું ?”

“મારા બોયફ્રેન્ડ્‌સ કહે છે.” લજ્જાએ કહ્યું અને અલય સામે આંખ મારીને હસી.

“સિલી ગર્લ...” અલયે કહ્યું, “મૂર્ખા છે તારા બોયફ્રેન્ડ, તને ખબર છે- સુંદર પગ કોને કહેવાય ? અનુપમા ઘોષના પગ જોયા છે? ઉફ ! શું પગ છે છોકરીના ! જાણે ચામડી નહીં, માખણ પાથર્યું હોય. અડતાંય બીક લાગે.”

“તે તમારે ક્યાં અડવું છે ?” લજ્જા હસી, “એક કરોડની હિરોઇન છે, તમને અડવા નહીં દે... એ તો સ્ક્રિન પર જોવાના...”

“એક દિવસ અડીશ...” અલયે કહ્યું.

એની આંખમાં કોણ જાણે શું ભાવ હતો એ સોળ વર્ષની છોકરીને સમજવામાં જરા અઘરો પડી ગયો પણ, લજ્જાએ વાત બદલી નાખી. “ચાચુ... ડુ યુ બિલિવ ઇન શ્રાદ્ધ ?”

“આઇ બિલિવ ઇન માય મધર અને મારી મા જે કહે એ મારે કરવું પડે...”

“ચાચુ, મારે આવવું છે.”

“જઈને કહે દાદીને.”

“એમણે તો પહેલાં જ પોતાનો નિર્ણય આપી દીધો હતો. ત્રણ દીકરાઓ અને એ, એના સિવાય કોઈ નહીં. હવે હું કંઈ પણ કહું, દાદીનું ડિસિશન બદલાવાનું છે ?”

“કોઈ સવાલ જ નથી.” અલયે કહ્યું અને હસી પડ્યો. “મારે જવાનું નક્કી છે અને તું નહીં આવી શકે એ પણ નક્કી છે.”

કોઈ ગોસિપ શેર કરતી હોય એમ ટેબલ પર બેસીને પગ હલાવતા લજ્જાએ કહ્યું, “મારી મા બહુ અપસેટ છે, ખબર છે તમને ?” અને સફરજનનું એક બીજું બચકું ભર્યું.

“આઇ નૉ,” અલયે કહ્યું, “માએ જ્યારથી ત્રણ દીકરાઓની સાથે એકલા હરિદ્વાર જવાની વાત કરી છે ત્યારથી તારી મા અને મારી બહેન બંને ધુઆંપુઆં છે.”

“એમ ? અંજલિ ફોઈ પણ ગુસ્સે છે ?”

“તે હોય જ ને... ત્રણ દીકરાઓ જાય ને અંજલિ રહી જાય એ વાતે એની છટકે તો ખરી જ ને ?”

“પણ અંજલિ ફોઈને કેમ ના પાડી દાદીએ ?”

અલયે કહ્યું, “કેમ તે, એ પ્રેગનન્ટ છે. એણે આટલું લાંબું ટ્રાવેલ પણ ના કરવું જોઈએ અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધમાં હાજર ના રહેવું જોઈએ.”

“આ બધી વાહિયાત માન્યતાઓ છે.” લજ્જાએ કહ્યું.

“હશે, હવે તું જરા ખસ તો હું પેકિંગ કરું. હમણાં મા બૂમ પાડશે. આઠ ને વીસ થઈ છે. બ્રેકફાસ્ટ ટાઇમ.”

“મને પણ પૅક કરી દોને ચાચુ...” લજ્જાએ લાડ કર્યાં.

“જા... જા, તારા રૂમમાં જઈને સરખાં કપડાં પહેરીને નીચે આવ. સ્ટુપીડ ગર્લ...” અલયે કહ્યું અને લજ્જાને કમરમાંથી પકડીને ટેબલ પરથી નીચે ઉતારી.

લજ્જા હસતી હસતી અલયને બાવડામાં ચૂટલો ખણી નીચે ઊતરી ગઈ... અલય એને જોઈ રહ્યો. પછી સ્વગત જાણે જાતને જ કહેતો હોય એમ બબડ્યો, “આ છોકરી દુઃખી થવાની છે.” એ જ વખતે અલયનો મોબાઈલ રણક્યો.

“શ્રેયા...” લજ્જાએ કહ્યું.

“શ્રેયાકાકી કહે”.

“શું કામ ?”

“અરે ! કાકી થવાની છે તારી !”

“પણ થઈ તો નથી ને ! થાય ત્યારે કહીશ.” લજ્જાએ કહ્યું. અલયે એના ગાલ ઉપર એક હળવી ટપલી મારી અને શ્રેયાનો ફોેેન ઉપાડ્યો.

“બોેેલો...” અલયે કહ્યુ.

“થઈ ગયું પેકિંગ ?” શ્રેયાએ પૂછ્‌યું.

“થઈ રહ્યું છે.” અલયે કહ્યું.

“થેન્ક ગૉડ !” શ્રેયાએ કહ્યું, “મને તો એમ હતું કે તું સવારે કહીશ કે તું નથી જવાનો...”

“હિંમત છે મારી, તું કહે અને હું ન જાઉં ?”

“જા જા હવે, તું મહા જિદૃી છે. તારું ધાર્યું જ કરે એમ છે. મને તો ડર હતો કે તમે તેટલું સમજાવું, તારા મગજમાં ઊતરશે નહીં.”

અલય અચાનક ગંભીર થઈ આવ્યો. “ન જ જાત, પણ મને તો એ માણસના શ્રાદ્ધમાં રસ છે. અમસ્તોય એ માણસ મારે માટે જીવતો જ નહોતો. પણ જો મારી મા એના પડછાયામાંથી મુક્ત થતી હોય તો મને હદ્વિાર શું, હિંમાલય સુધી જવામાં વાંધો નથી.”

“અલય, જે થાય છે તે સારા માટે...”

“કોને ખબર... ખરાબ કે સારા મને નથી ખબર, પણ હું જે કરું છું તે મારા માટે નથી કરતો, મારી માટે કરું છું.”

“અલય, મન શાંત રાખજે.”

અલય હસી પડ્યો, “તું તો એવી રીતે કહે છે જાણે હું સાચેસાચ મારા પપ્પાનું શ્રાદ્ધ કરવા જતો હોઉં.”

“જાય છે તો શ્રાદ્ધ કરવા અને એ પણ સાચે જ.”

“હા, પણ એ માણસનું, જે મારા માટે પચીસ વર્ષ પહેલાં મરી પરવાર્યો છે. અરે, એમ કહે કે એ હતો જ નહીં. મારે માટે તો નહોતો જ. મેં જોયો છે એને ? મળ્યો છું ક્યારેય ? તો પછી મારે માટે શું મહત્ત્વ શું હોઈ શકે એનું ?”

“એમ તો તેં ઈશ્વરને પણ નથી જોયો, એને પણ નથી મળ્યો, તો ?”

“ઈશ્વર અને આને એક કક્ષાએ મૂકે છે તું ? એક, જે પોતાનાં કરોડો સંતાનોની સંભાળ લે છે અને બીજો, જે પોતાનાં ત્રણ સંતાનોની પણ સંભાળ ના લઈ શક્યો.”

“અલય, એક વાત કહું- આ જે કડવાશ ઘૂંટે છે તું મનમાં, એને કાઢી નાખ. એ તને જ પીડા આપે છે... જેને વિશે આટલી કડવાશ ભરી છે તેં મનમાં એને તો તારા અસ્તિત્વ વિશે પણ...”

અલયનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો, “હા, એને તો મારા અસ્તિત્વ વિશે પણ જાણ નહીં હોય. ને ક્યાંથી હોય ? સમયના એક ટુકડા પૂરતા જાગેલા પ્રેમમાં મારી માને પત્ની બનાવીને અનિચ્છાએ જોડાયેલા સંબંધનું પરિણામ છું હું... નો બની વૉન્ટેડ મી... આઇ એમ જસ્ટ ધેર, બિકોઝ કુડ નૉટ બી અવોઇડેડ...”

“અલય...” શ્રેયાના અવાજમાં ખૂબ માર્દવ અને લાગણી ઊતરી આવી હતી. અલયને લાગ્યું, એનો અવાજ જાણે ભીનો થઈ ગયો હતો. અલયની આંખો પણ સહેજ, ખૂબ સહેજ- પણ ભીની થઈ ગઈ. એણે કહ્યું, “એક તું ને એક મારી મા, એ સિવાયના કોઈની ચિંતા નથી મને. કોણ શું માને છે, શું વિચારે છે, મને કોઈ રસ નથી. બસ, એક મારી ફિલ્મ રિલીઝ થાય... એ જ શુક્રવારે પરણી જઈશ તને.”

“અચ્છા ! મને પૂછ્‌યું છે ?” શ્રેયાએ અલયનો મૂડ બદલવા માટે તોફાની સવાલ પૂછ્‌યો.

“પૂછવાનું શું ? આવીશ અને ઠક્કર સાહેબ પાસેથી તને માગી લઈશ.”

“અલય...” શ્રેયાના અવાજમાં એક આખેઆખી સ્ત્રી ધબકવા માંડી હતી. “ક્યારે થશે એવું, કોને ખબર ?”

“મારું ચાલે તો કાલે, કાલે શું કામ ? અત્યારે ! લગન પહેલાં ફિલમ પૂરી કરવાની શરત તો તેં મૂકી છે, મેં નહીં.”

“હા, મેં જ મૂકી છે, અને એ એટલા માટે મૂકી છે કે તારી સામે કે તને બે ગૉલ તરફ ઝડપથી ધકેલી શકું. અલય, હું તને સફળ જોવા માગું છું. તારું નામ આકાશમાં લખાયેલું હોય તો હું બૂમ પાડીને કહીશ કે આ મારો અલય છે- મારી એકલીનો...”

“તને ખબર છે ને કે તું ગાંડી છે ?”

“સર્ટિફાઇડ !”

“આઈ લવ યુ શ્રેયા !”

“આઈ લવ યુ મોર ધેન યુ લવ મી...”

ફોન કપાઈ ગયો હતો, પણ અલય શ્રેયાના વહાલના નશામાં તરબોળ ફોન પકડીને થોડી વાર એમ જ ઊભો રહ્યો. પછી ધીમેથી ફોન નીચે મૂકીને ફરી પાછો બેગ તરફ વળ્યો. એ જ વખતે નીચેથી જોર જોરથી રડવાનો અવાજ આવતો હતો. અલયે પોતાના રૂમમાંથી બહાર નીકળીને પેસેજના કઠેડાથી વાંકા વળીને જોયું.

અંજલિ ડાઈનિંગ ટેબલ પર બેસીને રડી રહી હતી. જાનકી એની બાજુમાં બેઠી હતી. બીજી તરફ રાજેશ બેઠો હતો. રાજેશે ટેબલ પર પડેલા ટીસ્યુના બોક્સમાંથી એક બીજું ટીસ્યુ ખેંચીને અંજલિને આપતા કહ્યું, “ડોન્ટ ક્રાય બેબી. તને ખબર છે ને, આવી હાલતમાં રડવું તારા અને બાળક - બંને માટે ખરાબ છે. હું લઈ જઈશ તને હરિદ્વાર, નેક્સ્ટ ઈયર.” પછી હસીને ઉમેર્યું, “આપણે ત્રણેય જઈશું બસ?”

“મારે તો હમણાં જ જવું છે. બધાની સાથે, માની સાથે.”

“અંજલિબેન તમે જાવ એટલે સાથે સાથે બીજા કેટલા પ્રશ્નો ઊભા થાય ખબર છે ને? વૈભવીભાભીને તો દલીલ કરવાનો અવકાશ જ નથી રહેતો, બાકી એ અભયભાઈને એકલા જવા દે?” જાનકીએ ખૂબ શાંતિથી એને સમજાવતાં કહ્યું.

“આ મારા બાપનું શ્રાદ્ધ છે, ડેમ ઈટ. વૈભવીભાભી જાય કે નહીં, એ મારે નથી જોવાનું. મારો હક્ક છે જવાનો...”

“બેબી, તું સમજે છે ને? હું તો તારી ટીકીટના પૈસા પણ આપું. અરે એક વાર, ફ્‌લાઈટ ચાર્ટર કરી દઉં, પણ તારા મમ્મી તને નહીં જાય, પછી શું કામ રડે છે? આપણે અહીંયાં મજા કરીશું. ‘ઓલીવ’માં જમવા લઈ જઈશ તને, બસ?”

“નથી આવવું મારે.”

“તો બોમ્બે બ્રેઝરીમાં?” રાજેશ કોઈ પણ ભોગે અંજલિને મનાવવાના મુડમાં હતો પણ અંજલિને ખરેખર ગુસ્સો આવ્યો, દુઃખ થયું હતું કે માએ સાવ આવી રીતે માત્ર ભાઈઓને લઈને જવાનો નિર્ણય કરી લીધો. પોતે આ ઘરની દીકરી હતી, એ વાત જાણે કોઈ સ્વીકારતું નહોતું, એવું અંજલિને સતત લાગ્યા કરતું. એને લડી-ઝગડીને, રડી-કકળીને પણ બાળપણના દિવસોની જેમ પોતાની વાત સાચી સાબિત કરવી હતી. કોઈ પણ રીતે એને મા પાસે હા પડાવવી હતી. પણ એને ખબર હતી કે મા ‘હા’ નહોતી જ પાડવાની! ક્યારેય નહોતી પાડી.

વસુમાની ‘ના’ ‘હા’માં કે ‘હા’ ‘ના’માં પલટાતી કોઈએ નહોતી જોઈ, આજ સુધી!

એ જ રાજેશ ડાઈનિંગ ટેબલ પર એની બાજુમાં બેસીને એને સમજાવી રહ્યો હતોે.

“આપણે જઈશું ને આવતે વરસે?! આઈ ગીવ યુ પ્રોમિસ.” અને એણે ફરી એક ટીસ્યુ ખેંચીને અંજલિના હાથમાં મૂક્યું...

સિંગાપોર એરલાઈન્સની ન્યુ યોર્ક-મુંબઈની ફ્‌લાઈટ હજી હવામાં ચક્કર કાપી રહી હતી. મુંબઈના સહારા ઈન્ટરનેશનલ અથવા છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ જેટને ઉતરવાની જગ્યા નહોતી મળતી હજી.

સૂર્યકાન્ત આંખો બંધ કરીને વિમાન ઉતરવાની રાહ જોતા હતા. બાજુમાં લક્ષ્મી ઘસઘસાટ ઊંઘતી હતી. અઢાર કલાકની ન્યુયોર્ક-મુંબઈની ફ્‌લાઈટમાં લક્ષ્મી તો જાણે સદીઓની થાકી હોય એમ ઘોરતી રહી હતી. પણ સૂર્યકાન્તની આંખોમાં એક ક્ષણ માટે પણ ઊંઘ ડોકાઈ નહોતી.

એનાં બે કારણો હતાંઃ એક, મુંબઈ ઉતરીને બનનારી ઘટનાઓ વિશે એમનું મન જાત-જાતની કલ્પનાઓે કર્યા કરતું હતું. અભય અને અજયના નાનકડા ચહેરાઓ એમની આંખો સામે આવીને નીકળી જતા હતા. અંજલિ નાના-નાના પગે દોડતી આવતી અને પિતાના ગળામાં ઝૂલી જતી હતી... “એ બધાં જ હવે પુખ્ત હશે. સમજદાર, જિંદગી જોઈ ચૂકેલી વ્યક્તિઓ હશે. લગ્નો થઈ ગયાં હશે એમનાં. કદાચ એમને ઘેર પણ સંતાનો હશે... આ બધા પછી શા માટે બોલાવ્યો હશે મને? વસુની તબિયત તો...” પરંતુ વસુંધરા વિશે કોઈ અમંગળ કલ્પના કરવા એમનું મન તૈયાર નહોતું. અને છતાંય, અમંગળ કલ્પનાથી દૂર રહી શકાતું નહોતું. જે રીતે ગયા હતા એ પોતે, એ પછી સંતાનો કઈ રીતે વર્તશે, એ વિચારતાં મન ધ્રૂજી જતું હતું. તો બીજી તરફ વસુંધરાના સંસ્કારમાં અને એના ઉછેરમાં જે શ્રદ્ધા હતી, એ કોઈ રીતેય ડગવા તૈયાર નહોતી...

અને બીજું કારણ હતું, રોહિતનું વર્તન!

સામાન ગાડીમાં મૂકાઈ ચૂક્યો હતો. મધુકાન્તભાઈ અને ઘરના નોકરો પોર્ચમાં ઊભા હતા. લક્ષ્મી તો ક્યારનીય ગાડીમાં બેસી ગઈ હતી. ઈન્ડિયા જવાની ઉતાવળે એ છોકરી તો જાણે ગાંડી થઈ ગઈ હતી. એની માની એક સાડી અને ફોટો સાથે લીધો હતો એણે. સ્મિતાના એક પત્રમાં ગંગામાં એની સ્મૃતિ પધરાવવાની વિનંતી હતી... આઠ વરસે વાંચેલો એ પત્ર લક્ષ્મી આજેય ભૂલી નહોતી.

સૂર્યકાન્ત બસ બંગલાનાં પગથિયાં ઉતરીને બેન્ટ લીનો દરવાજો ખોલીને બેસવા જ જતા હતા ત્યાં એક સ્પોટ્‌ર્સ કાર આવીને ઊભી રહી. જે રીતે એ ગાડીની બ્રેકના ચીચુડા બોલ્યા, એનાથી બધાનાં હૃદય એક ધડકારો ચૂકી ગયા. હજી તો સૂર્યકાન્ત ગાડીમાં બેસે એ પહેલાં સ્પોટ્‌ર્સ કારમાંથી ઉતરીને રોહિત ધસી આવ્યો.

“મારા ડોલર્સ મળ્યા નથી મને.”

“નહીં મળે.” સૂર્યકાન્તના અવાજમાં બરફની ઠંડક અને સંન્યાસીની સ્વસ્થતા હતી.

“ન તો શું મળે? યુ સ્ટીલ ડોન્ટ નો મી. મને ઓળખતા નથી તમે.” રોહિતની આંખો અંગારા વરસાવા લાગી હતી.

સ્હેજ ઊંડો શ્વાસ લે તો નીચે ઉતરી જાય એટલું લોએસ્ટ પેન્ટ, ભૂરા રંગનું ગંજી જેવું વેસ્ટ, કમરે બાંધેલું ડેનિમનું જેકેટ, કાનથી નીચે આવતાં વચ્ચે પાંથી પાડીને ઓળેલા સોનેરી રંગેલા વાળ, ડાબા કાનમાં એક બુટ્ટી અને કાંડામાં ત્રણ-ચાર જાતનાં કડાં, બાવડે કોતરેલું મોટું મસ અજગરનું ટાટુ... અને સાવ મવાલીની જેમ જે રીતે ઊભો હતો રોહિત, એ જોતાં જ સૂર્યકાન્તનું હૃદય દ્રવી ઉઠ્યું.

રોહિતના ઉછેરમાં શું ભૂલ રહી ગઈ હતી? એ જેટલી વાર રોહિતને મળતાં, એટલી વાર એમને આ જ વિચાર આવતો. જો કે મળવાનું બહુ થતું નહીં. રોહિતના કહેવા પ્રમાણે રોહિતને એમનું “ફોલ્સ એન્ડ સીલી બિહેવીયર” નહોતું ગમતું. એેટલે રોહિત એમને મળવાનું ટાળતો. માત્ર આર્થિક જરૂરિયાત ઊભી થાય ત્યારે જ એ સૂર્યકાન્તને ફોન કરતો...

એણે આગલે દિવસે પણ ફોન કર્યો જ હતો. અને દસ હજાર ડોલર માંગ્યા હતા. સામાન્ય રીતે સૂર્યકાન્ત એને પૈસા આપીને વાત ટૂંકી પતાવતા. પણ, લક્ષ્મી સાથે વાત થયા પછી પહેલી વાર આ વખતે સૂર્યકાન્તે રોહિતના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહોતા કર્યા.

કદાચ એમણે વિચાર્યું હતું કે એ એક વાર ઈન્ડિયા જતા રહેશે તો પાછા આવતા સુધીમાં પડતી તકલીફોના કારણે રોહિતને કદાચ ડોલર્સની કિંમત સમજાશે. પણ રોહિત એમણે ધાર્યું હતું એટલો ગાફેલ નહોતો. એ ઘરેથી નીકળે અને ચેક-ઈન કરીને એરપોર્ટમાં ઘુસી જાય એ પહેલાં જ રોહિતે એમને પકડ્યા હતા.

“મને હમણાં જ ટેન થાઉઝન્ટ ડોલર્સ જોઈએ છે.”

“નથી મારી પાસે.”

“યુ... લાયર...” રોહિતે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી હતી.

મધુકાન્ત અને ઘરના નોકરો ધસી આવ્યા હતા. લક્ષ્મી પણ ગાડીનો બીજી તરફનો દરવાજો ખોલીને પિતાની બાજુમાં આવીને ઊભી રહી ગઈ હતી. નોકરોએ રોહિતને બાવડેથી ઝાલી લીધો હતો. રોહિત હાથમાં રિવોલ્વર પકડીને બરાડા પાડતો હતો. “યુ રાસ્કલ, યુ ચીટ, યુ લાયર. આઈ વોન્ટ માય મની. આઈ વોન્ટ માય ટેન થાઉઝન્ડ ગ્રાન્ડસ.... ગીવ મી માય મની ઓર આઈ’લ કિલ યુ... યુ બ્લડી ઈન્ડિયન. યુ ચીટેડ માય મધર... યુ કાન્ટ ચીટ મી...” નોકરોએ પકડેલો રોહિત ઉશ્કેરાટમાં જમીનથી ઊંચો થઈ ગયો હતો. હવામાં ટાંટિયા ઉછાળતો હતો અને રાડારાડ કરતો હતો...

“હું પોલીસને બોલાવીશ.” મધુભાઈએ કહ્યું.

“રોહિત, શું કરે છે?” લક્ષ્મીએ કહ્યું.

“યુ સ્ટે આઉટ ઓફ ધીસ.” રોહિતે લક્ષ્મીને કહ્યું. “એ તને પણ મૂરખ બનાવે છે.”

“બેટા.” સૂર્યકાન્તે ખૂબ શાંત અને સંયત અવાજે કહ્યું. “મારી નાખવો છે મને? મારી નાખ... પણ એથી તો એકેય પૈસો નહીં મળે. મેં બધી મિલકત લક્ષ્મીના નામે વિલ કરી દીધી છે.”

“યુ... સ્ક્રાઉન્ડ્રલ.” રોહિત ફરી બરાડ્યો.

“પૈસા જોઈએ છે ને તારે?” સૂર્યકાન્તે પૂછ્‌યું.

“પૈસા નહીં, યુ બ્લડી ઈન્ડિયન, ડોલર્સ... ટેન થાઉઝન્ડ ડોલર્સ...”

“મધુભાઈ, આને પૈસા આપી દેજો.”

“પણ ભાઈ...”

“એના પૈસા છે, હું ના પાડનાર કોણ?”

“હું ના પાડું છું.” લક્ષ્મીએ કહ્યું. “આ મારા પૈસા છે. યુ વીલ નોટ ગેટ એ સીંગલ પેની... ઈઝ ધેટ ઓલ? ચલો, ડેડી.” અને એ ફરી પોતાની તરફનો દરવાજો ખોલીને બેસવા જતી હતી. ત્યાં જ રોહિતે હવામાં ધડાકા કર્યા.

“આઈ વીલ કિલ યુ...” અને પછી, કોઈ કશું સમજે એ પહેલાં જઈને લક્ષ્મીનો ડાબો હાથ પકડી, ઊંધો વાળીને પીઠ પર દબાવી દીધો. એના લમણા પર રિવોલ્વર મૂકીને એ ગાંડા માણસ જેવું હસ્યો. “આઈ વીલ કિલ યોર ડોટર.”

“એને કંઈ નહીં કરતો.”

“આઈ નો... હવે પ્રાઈસ વધી ગઈ. આઈ વોન્ટ ટ્‌વેન્ટી થાઉઝન્ડ... નાઉ... હીયર...”

સૂર્યકાન્તે પોતાનો ફોન બહાર કાઢ્યો. નંબર જોડ્યો. કસ્ટમર કોડ જોડ્યો અને રોહિતને પૂછ્‌યું, “અકાઉન્ટ નંબર બોલ.”

રોહિતે જે નંબર કહ્યો તે જોડીને થોડી વાર ઊભા રહ્યા. પછી ફોન ખિસ્સામાં મૂકતા અત્યંત સ્વસ્થતાથી રોહિતને કહ્યું, “યોર મની ઈઝ ટ્રાન્સફર્ડ. ટ્‌વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ડોલર્સ. લીવ માય ડોટર.”

“મારે આમેય કાંઈ કામની નથી.” રોહિતે લક્ષ્મીને ધક્કો માર્યો. એનું માથું દરવાજા પર અથડાયું.

મધુકાન્તભાઈ અને ઘરના નોકરો સ્તબ્ધ થઈને આખું નાટક જોઈ રહ્યા હતા.

સૂર્યકાન્ત એક પણ અક્ષર બોલ્યા વિના પોતાની તરફનો દરવાજો ખોલીને ગાડીમાં બેઠા અને ખૂબ સ્વસ્થતાથી કહ્યું, “અબ્દુલ, ચલો.”

એક પણ અક્ષર બોલ્યા વિના અબ્દુલે ગાડી ચાલુ કરી અને ગાડી ‘આઉટ’ના ગેટમાંથી બહાર નીકળી ગઈ. ગાડી ચલાવતા અબ્દુલના હાથ સ્ટીયરીંગ પર એવી રીતે ભીંસાતા હતા કે જો એ રોહિતનું ગળું હોત તો જીવતો બચ્યો ના હોત!

સગાપોર એરલાઈન્સની ન્યુ યોર્ક-મુંબઈની ફ્‌લાઈટ મુંબઈની જમીન પર પોતાનાં પૈડાં ઘસતી અટકી...

ઍર હૉસ્ટેસે આરોહ-અવરોહ વગરના અવાજમાં અનાઉસમેન્ટ કર્યું, “મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તમારું સ્વાગત છે. બહારનું તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ છે અને અત્યારે સવારે ૮ વાગી ને ૩૬ મિનિટ થઈ છે...”

અને સૂર્યકાંતે આંખો ખોલી.

ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી પોતાની સીટ પરથી ઊભા થયા. એમણે જોયું કે બાજુની સીટમાં લક્ષ્મી ઘસઘસાટ ઊંઘી રહી હતી. એમણે હળવેથી લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, “બેટા...”

લક્ષ્મીએ હળવેથી આંખો ખોલી. પછી પૂછ્‌યું, “આવી ગયા?”

(ક્રમશઃ)

Rate & Review

Reeta Choudhary

Reeta Choudhary 1 month ago

Chhotalal

Chhotalal 2 months ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Kishor D Adhia

Kishor D Adhia 2 months ago

Kunal Bhatt

Kunal Bhatt 4 months ago