Other side of coin books and stories free download online pdf in Gujarati

સિકકા ની બીજી બાજુ

સિક્કાની બીજી બાજુ
બપોરનો સમય હતો. સૌરાષ્ટના રસ્તા પર એક બસ દોડી રહી હતી. આખી બસ મુસાફરોથી ખચોખચ ભરેલી હતી. યુવાન, વૃદ્ધ સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો સમાજના દરેક વર્ગના માણસો હતા. થોડા થોડા અંતરે આવતા સ્ટોપ પર ઉભા રહેતા રહેતા બસ આગળ વધી રહી હતી. બસની બધી સીટો પહેલાથી જ ભરાયેલી હતી.તેમ છતાં બીજા મુસાફરો બસમાં ચડી રહ્યા હતા. બપોરનો સમય હતો એટલે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા.અમુક માણસો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. કેટલાક લોકો હેન્ડલ પકડીને ચુપ ચાપ ઉભા હતા. આખી બસમાં ફક્ત બે જ વ્યક્તિઓ વાત કરી રહ્યા હતા. એક વૃદ્ધ પુરુષ અને એમનો પાંત્રીસેક વર્ષનો દીકરો.
“એ પપ્પા જોવો તો પેલું દેખાય છે એ ઝાડ છે ને...? એનો રંગ છે એ કયો રંગ કેહવાય..? અને પેલું એની બાજુમાં શું છે...?”
“હા દીકરા એને ઝાડ જ કેહવાય. ને જો એના પાંદડાઓનો રંગ લીલો છે. લીલા રંગના છે એ બધા એના પાન છે અને જે ભૂખરા રંગની દેખાય છે એ એની ડાળીઓ છે. અને નીચે દેખાય છે એ ઝાડનું થડ કેહવાય.”
“પપ્પા જોવોને કેટલા બધા ઝાડ છે...!!! બધા ઝાડના પાન લીલા રંગના જ છે. એ પપ્પા આપણી આગળ બેઠા છે એ ભાઈના કપડાનો રંગ છે, એને પણ લીલો જ કેહવાય..?”
“હા બેટા એ પણ લીલો રંગ જ છે.”
“અરે પપ્પા જોવો તો પેલું આકાશ છે ને..? ને પેલું વાદળું છે નહિ..?”
“હા બેટા..”
“એ પપ્પા જોવો તો આ બધા ઝાડ પણ આપણી બસ સાથે દોડી રહ્યા છે. કેવી મજા પડે છે....”
આ બાપ-દીકરાના એકધારા વાર્તાલાપથી આજુબાજુના બધા મુસાફરો અકળાઈ રહ્યા હતા. ત્યાં જ પેલો યુવાન અતિ ઉત્સાહિત થઈને બોલ્યો.- “એ પપ્પા જોવો પેલું વાદળું ડામર જેવા કાળા રંગનું થઇ ગયું. જલ્દી જોવોને પપ્પા નહિ તો હમણાં એ પાછળ રહી જશે..”
બસ આટલું સાંભળતા જ આગળની સીટ પર બેઠેલા એક મુસાફરે તેની પત્નીને કહ્યું - “સાવ ગાંડો લાગે છે આ તો...!!!”
“હા એવું જ હશે. જોવોને ૩૦-૩૫ વર્ષનો હોય એવો લાગે છે પણ વાતો તો સાવ નાના બાળક જેવી કરે છે.”-પત્નીએ જવાબ આપતા કહ્યું.
સામેની સીટમાં બેસેલી એક મહિલા પણ વાતમાં જોડાઈ,- “એ તો અસ્થિર મગજનો છે પણ એના પપ્પાએ તો સમજવું જોઈએ ને... ક્યારનો બોલ બોલ કરે છે. આખી બસના મુસાફરોને ખલેલ પહોચે છે. પણ તોય એના પપ્પા એને કઈ નથી કેહતા. એટલું પણ નથી સમજતા.”
ત્યાં પાછળની સીટ પરથી એક યુવાન બોલ્યો.- “આવા માણસોને તો હોસ્પીટલમાં જ રાખવા જોઈએ. જેથી બીજા લોકો તો એના કારણે હેરાન ના થાય.”
આજુબાજુના માણસોની વાતો સાંભળીને પેલા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. એમનો દીકરો પણ હવે તો સાવ ચુપ થઇ ગયો અને ચુપચાપ બારી બહાર જોઈ રહ્યો હતો. વૃદ્ધ પુરુષે બધા મુસાફરોને ઉદેશીને કહ્યું – “મિત્રો, મારા દીકરાને લીધે તમને બધાને જે તકલીફ પડી એના માટે હું આપ સર્વેની માફી માંગું છું. અને રહી વાત હોસ્પીટલની તો અમે લોકો હોસ્પીટલથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મથી અંધ હતો. ગયા અઠવાડિયે મારી પત્નીનું દેહાંત થયું ને એણે મરતા પેહલા એની આંખોનું દાન એના દીકરા માટે કર્યું હતું. એટલે મારા દીકરાને આંખો મળી. અને હવે એ આ સુંદર દુનિયાને જોઈ શકશે. એ આ ઝાડ, પાન, આકાશ, વાદળ ને બીજું બધું જ પેહલી વાર જોઈ રહ્યો છે. એટલે જ એ બહુ ઉત્સાહિત છે.”
આ વાત સાંભળતા જ આજુબાજુના મુસાફરોની આંખો પણ ભીની થઇ ગઈ.
મિત્રો, આપણે બધા પણ આપણી જીન્દગીમાં આવું જ કઈક કરીએ છીએ. પેહલી નજરે જે દેખાય કે સંભળાય એના પરથી જ કોઈ અભિપ્રાય બાંધી લઈએ છીએ, સિક્કાની બીજી બાજુ જોવાની તસ્દી જ નથી લેતા. કોઈ વ્યક્તિ કઈ કહી રહ્યું છે કે કરી રહ્યું છે તો એના પાછળનો હેતુ કે હકીકત જાણવાની તો આપણને ફુરસત જ નથી. સાસુ કોઈ વાત પર વહુ ને ટોકે તો વહુ સીધો રોકડો જવાબ આપી દેશે. પણ કયારેય વિચારશે નહિ કે સાસુ શા માટે એને ટોકી રહ્યા છે. અને સાસુ નું પણ એવું જ કઈક હોય છે. ક્યારેય વહુ કેમ ના પાડે છે એની પાછળનું કારણ જાણવાની કોશિશ જ નહિ કરે. પત્નીની કોઈ વાત પતિને નહિ ગમે તો તરત, તને આમાં કઈ ના ખબર પડે. એમ કહીને એને ચુપ કરાવી દેશે. આવું જ કઈક બધા જ સંબંધોમાં થઇ રહ્યું છે. લોકો દુરથી રસ્તા પર જતા લોકોને જોઇને, એની વાતો કે વર્તન પરથી જ એનું ચરિત્ર નક્કી કરી લેતાહોય છે. કોઈ છોકરી જાહેરમાં કોઈ છોકરા સાથે હોય અને જો એ છોકરો એનો ભાઈ ના હોય તો એ ચરિત્રહીન હશે કે લફડાવાડી હશે એવું માની લેવામાં આવે છે. બીજી બાજુની વાત તો કોઈને વિચારવી જ નથી. કેમ એ એની સાથે ભણતો કે એની સાથે કામ કરતો એનો સાથી કર્મચારી હોઈ શકે. ખાલી દુરથી જોઇને કે સાંભળીને એનું ચરિત્ર નક્કી કરવા વાળા આપણે કોણ...? આ એક વાતે જ નહી પણ જિંદગીની દરેક પરિસ્થિતિમાં સિક્કાની બીજી બાજુ જોવીને જાણવી બહુ જ જરૂરી છે. આટલું અચૂક યાદ રાખજો. મિત્રો કોઈપણ પરિસ્થિતિ કે વ્યક્તિ વિષેનો અભીપ્રાય કે નિર્ણય સિક્કાની એક બાજુ જોઇને ના કરશો. દરેક સિક્કાને બે બાજુ હોય છે, એ યાદ રાખશો. એટલે સિક્કા ની બીજી બાજુ જોવાનું ના ભૂલતા.
ચાલો ત્યારે આવજો. ફરી મળીશું નવી વાત અને વિચાર સાથે. વાંચતા રહો, મસ્ત રહો.
-પુર્ણાંશની ડાયરીમાંથી