insaaniyat books and stories free download online pdf in Gujarati

ઇન્સાનિયત (માણસાઈ)

ઇન્સાનિયત (માણસાઈ)
મનુષ્ય ને ઉર્દુ માં ઈન્સાન કહેવામા આવે છે.ને માણસાઈ ને ઇન્સાનિયત. પશુ ને હેવાન કહેવાય ને હેવાન પર થી હેવાનીયત શબ્દ ની ઉત્પત્તિ થઈ.
થોડા સમય પહેલા મેરા ભારત મહાન ના કેરળ રાજ્ય માં એક ઘટના ઘટી. એક ગર્ભવતી હાથણી ના મોં માં કોઈ દુષ્ટ વ્યક્તિએ નારિયેળ સાથે વિસ્ફોટક પદાર્થ મૂકી દીધા. ને આ વિસ્ફોટકો ને લીધે હાથણી ઇજાગ્રસ્ત થઈ ને બિચારી નું મોત નીપજ્યું.થોડો ઉહાપો ને ડિબેટ થઈ.પછી બધા બધું ભૂલી ગયા.પણ હાથી મેરે સાથી નું પેલું મશહુર ગીત જબ જાનવર કોઈ, ઈન્સાનકો મારે,કહેતે હૈ દુન્યા મેં વ્હેશી ઉસે સારે.યાદ આવી ગયું.આજના સાંપ્રત સમય માં મનુષ્ય ના વ્હેશીપણા ના અનેકો કિસ્સા જોવા સાંભળવા મળે છે.બાપ દીકરાનું મર્ડર કરી નાખે.પત્ની પતિ નું કાસળ કાઢી નાખે.કોઈ હિસ્ટ્રીશીટર આઠ દસ પોલીસવાળા ના ઢીમઢાળી દે.આપણા પેટ નું પાણી હાલતું નથી.
બીજી તરફ હેવાન કહેવાતા જાનવરો આ કળિયુગ માં પણ પોતાની વફાદારી, માલીક પ્રત્યે નો પ્રેમભાવ, સમજદારી ને હેવાન હોવા છતાં ઇન્સાનિયત છોડતા નથી.જે કહેવાતો ઇન્સાન ક્યાર નો છોડી ચુક્યો છે.આજ ની વાર્તા એક કૂતરા ની સમજદારી ને ઇન્સાનિયત ની વાત કહે છે.
એક નાનકડા ગામ નિશાપુર માં જાન્યુઆરી મહિનાની શિયાળાની ઋતુની એક ઠંડી રાત્રે એક કૂતરા એ કૈક અજુગતું જોયું.કૂતરાએ ભસી ભસી ને પોતાનો વિરોધ નોંધાવ્યો ને ગામવાસીઓ ને જગાડવાની કોશીશ પણ કરી.લોકો ની આંખ તો ખુલી પણ જાન્યુઆરી ની કાતિલ ઠંડી માં કોઈ રજાઈ છોડી બહાર ના નીકળ્યું.કૂતરું આખા ગામ માં આમ થી તેમ દોડ્યું.ભસતું જાય ને દોડતું જાય. કેટલાક લોકો ને શંકા પડી,પણ એ લોકો એ બારી માંથી બહાર ઝાંકી ને ખાતરી કરી લીધી કે કૂતરા સિવાય ગલી માં કોઈ નહોતું.કેટલાક અંધશ્રદ્ધાલુઓ ને લાગ્યું કે કૂતરાને કોઈ ગેબી વસ્તુ ભૂત, પલિત,જિન દેખાતું હશે.ટૂંક માં કોઈ બહાર ના નીકળ્યું.હા ખોબલા જેટલા ગામ માં દરેક ની એ રાત ની ઊંઘ હરામ થઈ.બીજા દિવસે ગામ માં સહુ કોઈ કૂતરા ને દોષ દેતું ફરતુ હતુ કે સાલા કૂતરા એ સુવા ના દીધા આખી રાત ભસ્યો બધા ની ઊંઘ બગાડી.
પણ દિવસે પણ એ કૂતરા ની હરકત વિચિત્ર જણાઈ.એ હજુ પણ ભસતું હતું, હજુ પણ અમુક લોકો પાસે આવી એમનું પેન્ટ ધોતિયું કે પાયજામાં નું પાયચુ ખેંચતુ હતું.લોકો કૂતરું હડકાયું થયું છે ને કરડવા દોડે છે સમજી ભયભીત થયા.થોડી વાર પછી એક બાઈ કૂતરા ની પાછળ બુમો પાડતી દોડતી જણાઈ.જોતા ખબર પડી કે બાઈ એ તડકા માં મુકેલો એનો ચારસો કૂતરું લઇ ભાગી રહ્યું છે.લોકો ને તો રમૂજ થઈ.કૂતરું પુરપાટ ભાગ્યું કોઈ ના હાથ માં ના આવ્યું.બાઈ ગાળો આપતી ઘરે ગઈ.થોડીવાર પછી ફરી દેકારો થયો જોયું તો એક બાઈ એ પોતાના છોકરા ને ભૂખ્યું થવા થી દૂધ ની બોટલ આપી ને પોતે કામે વળગેલી, ક્યાંક થી આ વિલન કૂતરું પ્રગટ થયું ને બચ્ચા ના હાથ માંથી દૂધ ની બોટલ લઇ ને ભાગ્યું.એકજ દિવસ માં કૂતરા એ બરોબર નો ત્રાસ ફેલાવી દીધો. કૂતરું talk of the town બની ગયું.રાત્રે ના સુઈ શકેલા લોકો બપોર ની નિંદર પણ ના લઇ શક્યા એટલે બધાનો પૂણ્યપ્રકોપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો.
પોતાને ગામ ના મોભી ને નેતા સમજતા લોકો આગળ આવ્યા.ખોબા જેવડું ગામ હતું .માટે નાનકડા બજાર માં સભા થઈ.આ કુતરૂ ગાંડુ થયું છે.એનું કૈક કરવું પડશે.નહીંતર આ ગાંડીયા કૂતરા નું અસ્તીત્વ ગામ ના લોકો માટે ખતરારૂપ છે.સર્વાનુમતે નક્કી થયુ કે આ કૂતરા ને ગામમાંથી ભગાડી મૂકવું.એ તો અશક્ય છે કૂતરા ની જાત જંગલ માં મૂકી આવ તો પણ સૂંઘતીસૂંઘતી પાછી આવે.કોઈ ડાહ્યા એ જ્ઞાન પીરસ્યું.તો પછી અમારી પર છોડી દો ,એલા ઓ કાઢો લાકડા ના ફટકા સપાટા મારી ને ભગાડી મુકીશુ સાલા ને,આજે તો આ પાર કે પેલે પાર.જાણે ચીન કે પાકિસ્તાન સાથે લડવા જવાના હોય એવા ઉત્સાહ થી ગામના ના કામ કે ના કાજ કે દુશ્મન અનાજ કે તરીકે પ્રસિધ્ધિ પ્રાપ્ત ચોરે બેકાર બેસી ગપાટા મારવાનું કામ કરતી ટોળકી બોલી પડી.
આ ગંભીર ચર્ચા ચાલતી હતી કે કોઇ એક જણ ની નજર કૂતરા પર પડી.એ બોલી પડ્યો "પેલું રહ્યું". કોણ? ક્યાં? બધા એ કોરસ માં પૂછ્યું.પેલાએ જવાબ આપ્યો કોણ હોય?પેલું કૂતરુંજ વળી બીજું કોણ? કિયા છે દેખાતું નથી ને? ફરી કોરસ માં સવાલ પૂછાયો. આંધળાઓ ધ્યાન થી જુવો પેલા ભગાની દુકાન ના દરવાજા પાછળ લપાયું છે,પૂંછડી દેખાય.હા એ હા,કુતરુજ છે,મારું બેટુ.કરતું ટોળું દેકારો કરતું દોડ્યું.આખા દિવસ ની દોડધામ બાદ ઘડીક આરામ લેવા ને ઇરાદે સલામત જગ્યા જોઈ ને લાપાયેલું કૂતરું પણ પોતાની કિસ્મત ને દોષ દેતું ભાગ્યું.
આગળ કૂતરું પાછળ ઈન્સાનો નું ટોળું.કોઈ ના હાથ માં લાકડી તો કોઈ ના હાથ માં ડાંગ.બાકી ના ના હાથ માં પથ્થર.કોઈ રહેમ નહીં ને મૂંગુ જીવ વાચા વગર નું, રહેમ ની ભીખ પણ કેવી રીતે માંગી શકે.ને માની લો કે એને વાચા ફૂટે ને રહેમ ની ભીખ માંગે તો પણ મોબલિંચિંગ ના આ યુગ માં ઈન્સાન પર રહેમ ના કરતો આ માનવી જાનવર પર રહેમ કરે?
કૂતરું જાન બચવા ગામ ની બહાર ઉકરડા ભણી દોડયું. લોકો પણ આજ ફેંસલો કરી નાખવાના મૂડ માં હતા.આજ રાતની ઊંઘ કોઈ બગાડવા માંગતું નહોતું.હાકોટા પાડતું કૂતરા ના લોહી નું પ્યાસુ ટોળું ઉકરડા ના ડુંગર પાસે આવ્યું તો થંભી ગયુ. બ્રેક લાગી ગઈ એમના પગો માં કેમ કે લોકોએ જોયું કે ઉકરડા પાસે એક નવજાત બાળક પડેલું હતું.એની ઉપર ચારસો ઓઢાડેલો હતો . બાળક ની બાજુ માં દૂધ ની બોટલ પડેલી હતી.ટોળા માં સામેલ ગામ ના સરપંચ બધું સમજી ગયા.બાળક ને ખોળા માં લીધું ને લોકો તરફ ફરી બોલ્યા.આપણે વગર વિચાર્યે મોટો અપરાધ કરવા જઈ રહ્યા હતા.આપણે બુદ્ધિશાળી, ના સમજી શક્યા કે એક મુગુ પ્રાણી શુ કહેવા માંગતું હતું.એ પહેરણ ધોતિયું પાયજામો ખેંચી આપણને અહીં સુધી લાવવા માંગતું આપણે અબુધ ના સમજી શક્યા.આપણી ઊંઘ બગડી આપણે ખીજાયા આ બિચારું કાલ રાત થી થાક્યા વિના આ બાળક ને જીવાડવામાં પડ્યું હતું.આ દૂધ ની બોટલ ને આ ચારસો કેમ ખૂંચવી ભાગ્યું હસે,સમજાયું?
શરમ ને કારણે શીશ ઝુકાવી દિગ્મૂઢ થઈ ઉભેલા ટોળા માંથી એક ને વાચા ફૂટી એ બોલ્યો કે કૂતરું ક્યાં? ભાન માં આવેલ ટોળાએ આસપાસ નજર કરી,તો ઉકરડા ની બીજી બાજુ ઘાયલ અવસ્થા માં બિચારુ પડ્યું હતું.કોઈ ડાહ્યાએ કીધું કે કૂતરા એ તો માણસાઇ બતાવી, હવે માણસો નો વારો છે માણસાઈ બતાવવાનો.હાલો, હેંડો હવે, કૂતરા ને ઉચકી જોડે લઇ લો એનો ઈલાજ કરાવી જીવાડવા ની ફરજ હવે આપણી છે.