Discovery - the story of rebirth - 21 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૧

ઇશાન ઘણી ખરી સ્વસ્થ અવસ્થામાં આવી ગયો હતો. પરંતુ હજુ તેના મનમાં સુનિતા વિષેના વિચારો ચાલતા હતા.

‘તો...! મિસ્ટર ઇશાન! કેવું છે તમને?’, ઇંસ્પેક્ટરે રૂમનો દરવાજો ઉઘાડતા જ કહ્યું.

‘સારૂ છે.’, ઇશાને ટૂંકમાં પતાવ્યું.

‘મારૂં નામ છે, ઇંસ્પેક્ટર વિજય...!’

‘નમસ્તે સાહેબ...!’, ઇશાને ઉડાઉ પ્રત્યુત્તર આપ્યો.

‘સીધી વાત કરૂ છું, તમને ગોળી છાતીમાં વાગી...એટલે કે ગોળી ચલાવનાર તમારી સામે ઊભો હશે. તમે તેને જોયો જ હશે... મને ખાલી તેના વિષે જણાવો... તેનો ચહેરો, પહેરવેશ, કોઇ ખાસ વાત જે તમારા ધ્યાનમાં આવી હોય...’, વિજય ટેબલ પર પડેલ સફરજનને દડાની માફક હાથમાં રમાડવા લાગ્યો.

‘ના... સાહેબ! હું તેને ઓળખતો નથી. તેમજ તેણે ચહેરા પર નકાબનું આવરણ ચડાવેલું. તો ચહેરો ર્દશ્યમાન બને તેવી કોઇ શક્યતા નહોતી.’, ઇશાને વિજયની સામે જોયા વિના જવાબ આપ્યો.

‘તમે મારાથી નજર કેમ ચોરી રહ્યા છો. કંઇ છુપાવતા તો નથી ને?’, વિજયે સફરજન ઇશાનના હાથમાં આપ્યું.

‘અરે...ના, ના સાહેબ! મને છુપાવવાથી શો ફાયદો? આમેય હું મૈસુરુ છોડવાની ઉતાવળમાં છું. અહીં આવ્યો જ કેમ? એ વિચાર મારી આત્માને વારંવાર ટોકે છે.’, ઇશાને સફરજન ટેબલ પર મૂકી દીધું.

‘નસીબ... ઇશાન... કપાળમાં ખેંચાયેલા માર્ગથી કેટલા પણ દૂર જાઓ, આખરે તો તે કેડીઓ પર ચાલવું જ પડે છે. તેમજ તમારી કેડીઓમાં આવેલા અને દૂર થયેલા કાંટાઓ વિષે અમે ઘણી માહિતી એકઠી કરી નાંખી છે.’, વિજયે ઇશાનની આંખોની રમત પારખવાનો પ્રયાસ કર્યો, ‘બીજી વાત..., મારી મંજૂરી લીધા વિના મૈસુરુ છોડતા નહિ.’ વિજય રૂમમાંથી નીકળી ગયો.

‘હા...! સાહેબ...! હવે તો હું અહીંથી ક્યાંય જવાનો નથી.’, ઇશાને દાંત કચકચાવ્યા, ‘શું થઇ રહ્યું છે? મારા જીવનમાં...’, ઇશાન બોલતા બોલતા અટકી ગયો અને હાથ આપોઆપ જ માથા પર ચાલ્યા ગયા. આંગળીઓ વાળમાં રોકાઇ ગઇ. વિચારોનું તોફાન અટકી ગયું. કારણ હતું ફરીથી રૂમનો દરવાજો કોઇએ ખોલ્યો, અને ખૂલવાનો અવાજ.

ઇશાનની આંખો દરવાજા પર જડાઇ ગઇ.

‘કેમ છો?’, સુનિતા રૂમમાં પ્રવેશી.

‘વિજય તમારા સાહેબ છે? મારી આટલી તપાસ કેમ કરી રહ્યા છે?’, ઇશાને સુનિતાના પ્રવેશતાં જ પૂછ્યું.

‘અમારૂ કામ જ છે, શંકા કરવાનું અને સવાલો કરવાનું... એટલે પૂછતાછ તો કરે જ ને... વળી તમને ગોળી વાગી છે અને એક હત્યા થઇ છે, જેની તપાસ કરવાથી અમને જાણવા મળ્યું છે કે આપનો મિત્ર હતો... એટલે અમારા સવાલોમાંથી તમારૂ છટકવું અશક્ય છે...’, સુનિતાએ ઇશાન સામે જોયું.

‘તો કરી લો તપાસ... તમને કંઇ પણ નહિ મળે.’

*****

‘કંઇ બોલે છે?’, વિજયે સુનિતાની સામે જોયું.

વિજય હોસ્પિટલની લોબીમાં જ હતો. તેણે કોન્સ્ટેબલ પાસેથી જાણ્યું હતું કે સુનિતાને ઇશાને ભાનમાં આવતા જ “બાનુ” કહીને સંબોધી હતી. વિજય ઇચ્છતો હતો કે સુનિતા થકી માહિતી મેળવી લેવી. પરંતુ ઇશાન મગનું નામ મરી પાડતો નહોતો.

‘સાહેબ...આપણે તેને શ્રીરંગપટમના ગઢ પર લઇ જઇએ તો કેવું?’, સુનિતાએ સલાહ આપી.

‘હા! કેમ નહિ…’, વિજયે સમર્થન દર્શાવ્યું.

‘વળી, એક વાત એ પણ સાહેબ! ઇશાન એ જ વ્યક્તિ છે, જે મારા દાદા પાસે જ્ઞાનની શોધમાં આવતો હતો. હું તેને ઓળખી ગઇ છું. પણ હા તે મને ઓળખી નથી શક્યો.’, સુનિતાએ અગત્યની વાત વિજયને જણાવી અને વાતનો દોર ચાલુ રાખ્યો, ‘વધુમાં... તે બધું જાણે છે. આપણી શોધ, તેની શોધ પર જ જઇને જ પૂરી થશે. પરંતુ કંઇ પણ બોલતો નથી.’

‘તને શું લાગે છે... ઘડિયાળના રહસ્ય વિષે તે કંઇ જાણતો હશે?’, વિજયે શંકા દર્શાવી.

‘સાહેબ! તે ફોટાઓ મને આપો...હું ફરીથી તેની મુલાકાત કરૂ છું. તમે મારા દાખલ થયાની થોડી ક્ષણો બાદ પ્રવેશજો. ઇશાનની આંખોની રમત અને હિલચાલ તેના બધા જ જવાબોની ચાડી બનશે. આપ ફક્ત અવલોકન કરજો...પૂછીશ હું.’, સુનિતા આટલું કહેતાની સાથે જ ફરીથી રૂમમાં પ્રવેશી.

‘અરે...મેડમ! તમે ફરી, કંઇ યાદ આવ્યું કે શું?’, ઇશાને કહેવા પૂરતું હાસ્ય સુનિતા તરફ ફરકાવ્યું.

સુનિતાએ બારીમાંથી પ્રવેશતા પ્રકાશને રોકનાર પડદાને ખસેડી અંધકારને ખસેડ્યો. રૂમમાં અજવાળાની ચાદર પથરાઇ અને ચમકતી ચાદરમાં ઇશાનના ચહેરાની ચમક પણ દેખાઇ. ચહેરા પરથી જાણી પણ ન શકાય કે તેને એક દિવસ પહેલાં ગોળી વાગી હતી અને મૃત્યુની ટકોર હાર્દ પર વાગી ચૂકેલી. અત્યંત શાંત અને નિયંત્રીત મન ધરાવતો ચહેરો કંઇ પણ કહેતો નહોતો.

‘મારા પાસે ફોટાઓ છે, જે મારે તમને બતાવવા છે...’, સુનિતા ઇશાનની નજીક આવી, અને એટલામાં જ વિજય પણ રૂમમાં દાખલ થયો, ‘આ જુઓ જરા....’, સુનિતાએ બન્ને ઘડિયાળના ફોટા ઇશાનની સમક્ષ રજુ કર્યા.

‘આમાં મારે શું જોવાનું છે?’, ઇશાને જાણે પહેલી વાર ઘડિયાળ જોઇ હોય તેવું વર્તન કર્યું. પરંતુ તેની આંખોની ચમકે દર્શાવી દીધું કે તેણે બન્ને ઘડિયાળો પહેલા પણ જોઇ હતી.

‘ખોટું ના બોલીશ...’, વિજય ઇશાન તરફ આગળ વધ્યો.

‘જો... મારે તને થોડી વાત કરવી છે.’, સુનિતાએ વિજયને ઇશારો કરી રોક્યો, ‘જો... ઇશાન! તે જેની પાસેથી ઇતિહાસનું જ્ઞાન મેળવ્યું અને તારા એમ.એ.નો શોધનિબંધ તૈયાર કર્યો તે પ્રોફેસરની પૌત્રી છું હું, અને મને ખબર છે કે આ ઘડિયાળો વિષે મારા દાદાએ તને જાણ કરી જ હશે. કારણ કે આ જ તો હાર્દ છે, ટીપુ સુલતાનના ખજાનાનું...કેમ?’

‘એમ... તો તું મારા નિર્દેશકની પૌત્રી છે. ગુડ... વેરી ગુડ... કોઇ એવી વાત છે, જે તેની પુષ્ટિ કરે...’, ઇશાને શંકા દર્શાવી.

સુનિતાના હોઠ મલકાયા, ‘મને ખબર હતી, કે તું આવું જ કહીશ. આ રહ્યો પુરાવો.’, સુનિતાએ તેના દાદા સાથેનો ફોટો ઇશાનની સામે મૂક્યો.

‘ઠીક છે... તારી વાતને હું સમર્થન આપું છું, “બાનુ” ઓહ સોરી... “સુનિતા”, સાંભળ કદાચ તારા દાદાએ તને જણાવ્યું નહિ હોય, જે હું હવે બોલવાનો છું.’, ઇશાને ફોટા સુનિતાને પાછા આપ્યા.

સુનિતાએ ફોટા પરત લીધા. તેની આંખોમાં ઇશાન પ્રત્યે અણગમો દેખાયો. કારણ કે તેના દાદાએ કોઇ પણ વાત છુપાવી નહોતી. વિજય ટેબલ લઇને ઇશાનના બેડની નજીક બેસી ગયો.

ઇશાન જરાક મલકાયો અને વાત આરંભી, ‘ટીપુ સુલતાનનો સૌથી વિશ્વાસુ હતો...પૂર્ણૈયા... અને તેના વંશજો આજ દિન સુધી ટીપુની માલિકીના ખજાનાની વિશ્વના ષડયંત્રકારીઓથી રક્ષા કરી રહ્યા છે. સુનિતા તે કુળની જ દીકરી છે. પેઢી દર પેઢી આ કાર્ય આગળ વધતું જ આવ્યું, અને તેઓ મહ્દઅંશે સફળ પણ રહ્યા. પરંતુ ત્રણ વર્ષ પહેલાં એક સ્ત્રીએ અહીં મૈસુરુમાં એક ઘડિયાળ માટે હત્યા કરી અને તે ઘડિયાળ તે સ્ત્રીના હાથે લાગી ગઇ. તે હત્યા એટલે એ જ કેસ જેની તપાસ પૂર્ણ ન થઇ અને જેનો સંબંધ હાલના સમયમાં થયેલી હત્યા સાથે છે. જે કેસમાં વિજયે તે ઘડિયાળનો ફોટો શોધી કાઢ્યો અને અત્યારની હત્યાના કેસમાં તમને બીજી ઘડિયાળનો ફોટો મળ્યો. પહેલી ઘડિયાળનો ફોટો જે કેસ સાથે સંકળાયેલ છે, તે વ્યક્તિનો ફોટો તે જોયો છે સુનિતા...’, ઇશાન અટક્યો.

‘ના...’

‘તો પહેલાં તે ફોટો જોઇ લે.’

વિજયના ઇશારાથી કોન્સ્ટેબલે ફોટો સુનિતાના હાથમાં મૂક્યો. ફોટો આંખોમાં ગોઠવાતાની સાથે જ સુનિતાની આંખોમાં જળ પ્રતિબિંબીત થયું અને શબ્દો સરી પડ્યા, ‘પિતાશ્રી.’

‘હા... તે તારા પિતા હતા, જેમની હત્યા ઘડિયાળ માટે ત્રણ વર્ષ પહેલાં થઇ, તારા પિતાજી ટીપુના ખજાનાની રક્ષા કરતા કુળના આખરી વંશજ હતા. તને આ કાર્ય સોંપી શકાય તેમ નહોતું. આથી તારા દાદાજી પાસે જ્યારે હું ઇતિહાસ ભણવા આવ્યો ત્યારે તેમણે ગુરૂદક્ષિણા તરીકે મારી પાસે આ કાર્ય માટે વચન માંગ્યું.’, ઇશાન સુનિતાની સામે તાકી રહ્યો.

વિજય અવાક બની ગયો. સુનિતાના પાંપણોનો બંધ અશ્રુધારાને વહેતા રોકી શક્યો નહિ. તે ઇશાનની નજીક આવી અને ફોટો બેડ પર મૂક્યો. ઇશાનના હાથને હાથમાં લીધો અને એટલું જ બોલી શકી, ‘મારા પિતાજીની હત્યા...કોણ?’

‘મેં કહ્યું ને એક સ્ત્રી... હું નથી ઓળખતો...’, ઇશાને નજર ફેરવી અને બારી તરફ ચોંટાડી.

‘એવું ન બને... તને આટલી બધી ખબર છે, તો હત્યા કોણે કરી તે પણ ખબર જ હોય ને?’, વિજયથી રહેવાયું નહિ અને બોલી પડ્યો.

‘હા...ઇશાન, પૂરી વાત જણાવ.’, સુનિતાએ ઇશાનના જમણા હાથની હથેળીને બન્ને હથેળી વચ્ચે દબાવી.

‘સુનિતા... હું તને પહેલીથી જ જાણતો હતો. તને યાદ હોય તો... એક વિડિયો કોલમાં તારા દાદાજીએ તને દર્શાવી હતી. તેમણે મને કહેલું કે તેમની પૃથ્વી પરથી વિદાય પશ્ચાત તારૂં ધ્યાન રાખવું. માટે જ હું બીજી ઘડિયાળના રહસ્યને મારી અંદર દબાવી, મુંબઇ ચાલ્યો ગયો. પરંતુ મને ખબર નહોતી કે ખજાનાની શોધ કરવાવાળા મારો પીછો નહિ છોડે.’, ઇશાને સુનિતાની પકડમાંથી હથેળી છોડાવી, ‘ગુરૂજી પાસે જ્યારે હું આવ્યો તેના એક વર્ષ પહેલાં એટલે કે આજથી ચાર વર્ષ પહેલાં એક સ્ત્રી ટીપુ વિષે જાણવા આવી હતી. તે ઘણું બધું જાણે છે તારા દાદા અને વંશ વિષે. તે જાણે છે કે બસો વર્ષથી તમારૂ કુળ તે ખજાનાની રક્ષા કરી રહ્યું છે, અને તારા પિતા પછી તે કાર્ય મને સોંપાયું તે પણ તેની જાણમાં છે.’

‘તું તે સ્ત્રીને ઓળખે છે.’, સુનિતા બેબાકળી બની.

‘હા, પહેલાં નહોતો ઓળખતો પણ ધીરે ધીરે ઓળખવા લાગ્યો.’, ઇશાન વિચારોમાં ખોવાયો.

‘આનો અર્થ શું સમજવો?’, વિજય મૂંઝવાયો.

‘ઇશાન... આગળ શું?’, સુનિતાએ ઇશાનને વિચારોમાંથી બહાર ખેંચ્યો.

‘અરે...હા! તે સ્ત્રી જાણી ગઇ કે તારા પિતા પાસે એક ઘડિયાળ છે, જે તેણે ત્રણ વર્ષ પહેલાં તારા પિતાની હત્યા કરી મેળવી લીધી. હવે તેને જરૂર હતી બીજી ઘડિયાળની જે દાદાએ મને સોંપી હતી. પરંતુ તે ઘડિયાળ કોઇને મળે નહિ તે માટે મેં મુંબઇ જતી વખતે ટ્રેનમાંથી નદીમાં ફેંકી દીધી.’, ઇશાન અટક્યો.

‘શું? તે આટલી કિંમતી વસ્તુ, ફેંકી દીધી.’, સુનિતા ઇશાન પર ગુસ્સે થઇ.

‘બસ... અહીં જ મેં ભૂલ કરી. પિતાની હત્યાના ત્રણ દિવસ પછી જ બોરિવલી સ્ટેશન પર હું એક સ્ત્રીને મળ્યો... જેનું નામ હતું શ્વેતા...’, ઇશાને સુનિતાની સામે જોયું, ‘પછી અમારા વચ્ચે પ્રેમ પાંગર્યો... હું તો મને સોંપેલા કાર્યને સંપૂર્ણ રીતે ભૂલી ગયો હતો... પરંતુ અચાનક એક દિવસ એક ફોન આવ્યો... મને મહારાજ તરીકે સંબોધાયો, બીજા દિવસે તે વ્યક્તિની પણ હત્યા થઇ ગઇ...ત્રીજા દિવસે શ્વેતા અચાનક અલોપ થઇ ગઇ, તેની શાળામાં તપાસ કરી, આસપાસની દુકાનોમાં તપાસ કરી...કોઇ તેને ઓળખતું જ નહોતું. વધુમાં શાળામાં જે શ્વેતા નોકરી કરતી હતી, તે મારી શ્વેતા નહોતી. તે જ દિવસે મારા ઘરની તપાસ કરતાં મને તે જ ઘડિયાળની આકૃતિવાળો કાગળ મળ્યો, જે મેં ત્રણ વર્ષ પહેલાં ફેંકી દીધી હતી.’

‘પછી...’, વિજયે પાણીનો પ્યાલો ઉપાડ્યો.

‘હું મૂંઝવણમાં હતો... મેં એકલા એ જ પૂરી તપાસ ચાલુ કરી. નીરજના ભૂતકાળ વિષે જાણ્યું. નીરજ અને શ્વેતા બન્નેની શોધમાં હું લાગ્યો. એક વાર તો નીરજને શોધી જ લીધો અને મારો અકસ્માત થયો. ત્યાર પછી એ જ ઘડિયાળની આકૃતિએ મને પરેશ સુધી પહોંચાડ્યો. પરેશે જ મને નીરજ અને શ્વેતા સુધી પહોંચાડ્યો.’, ઇશાને ઇશારાથી પાણી માંગ્યું.

‘પરેશે...કેવી રીતે?’, સુનિતાને પાણીનો પ્યાલો આપતા પૂછ્યું.

‘એક રાત્રે પરેશ મને તેના ઘરે લઇ ગયો. ત્યાં મેં શ્વેતાનો ફોટો જોયો...પૂછતાં તેણે મને જણાવ્યું કે તે શ્વેતા નહિ પણ શ્યામા છે. બસ આ જ શરૂઆત હતી મારી શંકાને વિશ્વાસમાં ફેરવવાની. ત્યાર પશ્ચાત પરેશનું વારેઘડિયે મારૂ ધ્યાન ટીપુ સુલતાન તરફ દોરવું, જે કામ શ્વેતા પણ કરતી હતી જ્યારે મારી સાથે હતી. બધા જ બંદ પાનાઓ એક પછી એક ખુલવા લાગ્યા. તે વ્યક્તિ, જેણે મારા પર મુંબઇમાં હુમલો કર્યો હતો, તેનું મૈસુરુમાં હોવું અને મારી સમક્ષ પ્રતીત થવું, તે ઘટનાએ મારી શંકા પર વિશ્વાસનો સિક્કો મારી દીધો. હજી હું વધુ તપાસ કરૂ તે પહેલાં મારા પર તેઓએ હુમલો કર્યો અને આજે અહીં આપણે ચર્ચા કરી રહ્યા છીએ.’, ઇશાને બન્ને હાથ હવામાં ઉડાડતા વાત પૂરી કરી.

‘એનો અર્થ એ છે કે તેઓ હજી મૈસુરુમાં જ છે, અને ખજાનાની તપાસમાં જ હશે.’, સુનિતાએ વિજય સામે જોયું.

‘હા, આપણે બંદોબસ્ત જડબેસલાક કરી નાંખીએ.’, વિજય ટેબલ પરથી ઊભો થયો.

‘ના, એવું કંઇ કરશો નહિ. ખજાનો બન્ને ઘડિયાળના રહસ્યને જાણવાથી મળી જાય તેમ નથી. તે ફક્ત જગા જાણવા પૂરતું જ છે. તેમને આગળની માહિતી તે જગા પર પહોંચ્યા પછી જ મળશે. જ્યારે હું ખજાનાની જગા વિષે પણ જાણું છું.’, ઇશાને વિજયને રોક્યો.

‘કઇ જગા છે? અને તને ખજાનાની કેવી રીતે ખબર?’, સુનિતાએ પૂછ્યું.

‘કારણ કે જે તેઓ મને વિશ્વાસ અપાવા માંગતા હતા, તે હું પહેલેથી જ જાણું છું. હું જ ટીપુ સુલતાન છું. આ મારો પુર્નજન્મ છે.’, ઇશાનની આંખો ચમકવા લાગી અને અવાજના પડઘા પડ્યા.

‘એમ... તો... મહારાજ એ જગા વિષે જણાવો... એટલે આપણે જગા પર જ પરેશ અને શ્યામાને પકડી પાડીએ.’, સુનિતા હસવા લાગી.

‘તે જગા પર આજે વિશાળ પેલેસ બની ગયો છે, “મૈસુર પેલેસ”, અને આપણે તેમને નહિ તેમના માસ્ટર માઇન્ડને પકડવાનો છે, જે અહીં નથી.’, ઇશાને સુનિતાને જવાબ આપ્યો.

‘તેમનો પણ માસ્ટર માઇન્ડ...! કોણ છે?’, સુનિતા અકળાઇ.

‘ડૉ. ભાટિયા...!’

*****