Tran Vikalp - 5 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 5

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૫

"મમ્મી, જે વાત તું ૨૦ વર્ષથી સહન કરે છે, એ જ વાત હવે તારાથી સહન થતી નથી!"

નિયતિના પ્રશ્નએ રાધાના દિલમાં એક વજ્રાઘાત કર્યો હતો. માતા-પિતાનાં ૨૦ વર્ષના લગ્નજીવનને, ૧૦ મિનિટની વાતચીતમાં ૧૪ વર્ષની દીકરી, કેટલા પ્રમાણમાં સમજી શકી છે! એ અંદાજ કરવો અશક્ય હતો. રાધાની ઇચ્છા નહોતી, આનંદની બીજી પત્ની અને બાળક વિષે વાત કરવાની. બાળકો પોતાના બાપને નફરત કરે, એક માની એવી ઇચ્છા ક્યારેય હોય નહીં. બન્ને દીકરીઓને સંપૂર્ણ સત્ય ખબર પડે, એ પણ જરૂરી હતું. નિયતિ માટે એના પપ્પા એક આઇડિયલ, સુપર હીરો હતા.

રાધાની સામે પોતાના જીવનમાં આવતા ત્રણ વિકલ્પ કરતાં પણ, મોટી વિટંબણા ચારેકોર ઘૂમી રહી છે અને કહે છે કે; 'કેવી મા છું? આનંદ એક સારો પતિ નહોતો થઇ શક્યો, પણ સારો પિતા હતો. પુત્રઘેલછા હોવા છતાં દીકરીઓને ખૂબ પ્રેમ કરતો હતો. દીકરીઓના મુખ પર ખુશી જોવા માટે આજીવન પ્રયત્નશીલ રહ્યો છે.' રાધાની આંખોમાં અસમંજસ નિયતિ, નિમિતા અને વાસંતી જુએ છે. રાધાના હોઠ બોલવા પ્રયાસ કરે છે, પણ જીભ હિંમત હારી જાય છે.

વાસંતી: “બેટા, બીજી પણ એક વાત છે, જે મમ્મી તમને કહી શકશે નહીં… એ વાત હું કહીશ; તારા પપ્પાનું માનવું હતું કે, નોકરી શરૂ કર્યા પછી રાધા અને કિશન ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. એ વાતનો બદલો લેવા આનંદે, એની સાથે નોકરી કરતી મીના જોડે સંબંધ શરૂ કર્યો હતો. તારા પપ્પાની બીજી એક પત્ની અને એક બાબો છે... તારી મમ્મીને એ માહિતી બે દિવસ પહેલાં મળી... એટલે રાધાએ તમને બન્નેને સાથે લઈને, આ ઘર છોડીને જવાનો નિર્ણય કર્યો છે.”

દાદી અને મમ્મીની વાત સાંભળીને નિયતિ કોઈપણ પ્રકારના પ્રતિભાવ વગર, દિવાલ પરના ફોટાને જોયા કરે છે. એ ફોટો, પાંચ સભ્યોના ખુશખુશાલ પરિવારની સાક્ષી પૂરતો હતો. નિયતિ રોજ ફોટો જોઈને ગર્વથી બોલતી કે ‘મારા પરિવારથી વધારે ખુશ બીજો પરિવાર આ દુનિયામાં નથી.’ આજે એ અભિમાનના ટૂકડે-ટૂકડા થયા હતા. ઘરમાં તનાવભરી બેચેનીની થોડીક ક્ષણો વિતે છે. એ સમય દરમિયાન રાધા અને વાસંતીનું સમગ્ર ધ્યાન નિયતિ ઉપર હોય છે. નિમિતાને દિલમાં ઊંડે ઊંડે શૂળ ભોંકાય છે; ‘મમ્મી અને દાદીને મારી કોઇ ચિંતા નથી, બન્ને આરૂને પ્રેમ કરે છે એટલો મને કરતાં નથી.’ નિયતિની આંખોમાં પાણી આવે છે. પણ બન્ને આંખમાંથી આસું ટપકે એ પહેલાં આંગળીઓથી પાંપણો પર ફેલાવે છે. જાણે વિચારે છે કે, ‘આસું અનમોલ છે, ટપકાવીને બરબાદ કરવાની જરૂર નથી.’ નિયતિ એકસાથે નિમિતા અને રાધાને ભેટે છે. મન શાંત થાય છે પછી રાધાની સામે જોઇને બોલે છે.

“મમ્મી, આપણે ક્યાં રહેવા જવાનું છે? તેં ઘર શોધ્યું છે? શું પપ્પા ત્યાં કોઇ દિવસ નહીં આવે? તું પપ્પાને માફ કરીશ? તું મીના અને તેના બાળકને મળી છું? પપ્પા મને અને દીદીને તારી સાથે આવવા દેશે? દાદી આપણી સાથે નહીં રહે? તને તારા મમ્મી અને પપ્પાને મળવાનું મન નથી થતું?”

રાધા અને વાસંતીએ વિચાર્યું હતું કે નિયતિ ખૂબ જ રડશે, મમ્મી અને પપ્પા બન્નેની સાથે રહેવું છે, એવું કહેશે. પણ બન્નેના વિચારોથી ખૂબ આગળ નિયતિએ વિચાર્યુ હતું. એના સવાલોના બન્ને પાસે કોઈ જવાબ નહોતા. આજે ૧૪ વર્ષની સગીર નિયતિએ અચાનક પુખ્ત-અવસ્થામાં પ્રવેશ કર્યો હતો. બાળપણ અને સ્મિત એના મુખ ઉપરથી એક સાથે વિદાય લઇને હંમેશ માટે બ્રહ્માંડમાં લુપ્ત થયાં હતાં.

આનંદને ખાતરી થઈ હતી કે રાધા ઘર છોડીને ચોક્કસ જશે. એ કંટાળીને બીજી પત્નીના ઘરે જતો રહ્યો હતો. મીનાના બીમાર પતિને દવાખાનામાં એડમિટ કર્યા, તે દિવસો દરમિયાન બન્ને વચ્ચે સંબંધની શરૂઆત થઈ હતી. પતિના મૃત્યુ પછી બન્ને વચ્ચેની સીમા-રેખા તૂટી હતી. આ સંબંધના સ્વરૂપે બન્નેનું બાળક પણ આ દુનિયામાં આવ્યું હતું.

એ રાતે પરિવારના કોઈ સભ્યની આંખમાંથી આસું બહાર આવ્યાં નહોતાં. આખી રાત વીજળીના કડાકાઓ થયા, પણ વરસાદ પડ્યો નહોતો. જાણે વરસાદ પણ બધાની મન:સ્થિતિ સમજીને હાથતાળી આપી કહેતો હતો ‘હું પણ તમારી સાથે છું.’ આખી રાત કોઈને ઉંઘ આવી નહોતી. પરોઢિયે વાસંતી એકલી પડે છે, ત્યારે કોઈને ફોન કરે છે અને તમામ પરિસ્થિતિ જણાવે છે.

સવારે રાધા બન્ને દીકરીઓ સાથે ઘર છોડીને જવાની તૈયારી કરે છે. મીના અને તેના બાળક ધ્રુવને લઈને આનંદ આવે છે. ત્રણેયને જોઈને વાસંતી આનંદને કહે છે “શરમ મર્યાદા બધું ક્યાં મૂકી આવ્યો છું? હું આ ઘરમાં રહેવાની પરવાનગી બન્નેને આપતી નથી.”

નિયતિ ધ્રુવના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવે છે “દાદી, તમે વાર્તા કહેતાં ત્યારની એક વાત યાદ આવે છે, મા-બાપનાં કરેલાં કર્મોનું ફળ બાળકોને મળે છે... આ તો બહુ નાનો છે, આ બન્નેને અહીં રહેવા પરવાનગી આપો… પપ્પાને એકલા રહેવાની આદત નથી... પપ્પાના કરેલા કર્મોના ફળ ભોગવવાનો અધિકાર તેમની બીજી પત્ની અને બાળકને પણ છે... આ બાળક પણ, મોટો થયા પછી જાતે જ નક્કી કરશે કે તેનાં માતા-પિતાએ કેટલું યોગ્ય કર્યું છે.”

આનંદની આંખોમાં પાણી આવે છે “આરૂ, બેટા તમે બન્ને મને છોડીને ના જશો... આપણે ખૂબ મજાથી સાથે રહીશું...”

“પણ હું તો તમારી દીકરી ક્યાં છું? હું તો કિશનની દીકરી છું!”

નિયતિની આ વાત સાંભળીને મીના મનમાં વિચારે છે કે ‘આનંદે આજીવન રાધા ઉપર શક કર્યો છે તો એને દૂર કરવા માટે મહેનત કરવી પડશે નહીં. પણ છોકરીઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. આ બન્ને ચિબાવલીઓને અળગી કરવી મુશ્કેલ છે. આનંદને એની છોકરીઓથી દૂર કરવાનો આ મોકો ઝોળીમાં ટપકી આયો છે. એને હાથમાંથી ગુમાવીશ નહીં.

મીના: ”આનંદ, આ છોકરી તને ટોણો મારે છે.”

નિયતિ: “આ બાબત મારા અને મિ. આનંદ પંચાલની વચ્ચે છે. તેમાં, કોઈપણ વચ્ચે નહીં બોલે… એક વાતનો જવાબ આપો મિ. આનંદ પંચાલ! શું એક પણ વખત તમને શક થયો નથી કે મારા અથવા દીદીના પિતા તમે નહીં, પણ કિશન છે?”

આનંદ: “આરૂ!”

નિયતિ: “તમે મને એક વખત કહ્યું હતું કે, તમારા બન્નેનુ અસ્તિત્વ હોય તેવું મારું નામ રાખવાની ઇચ્છા હતી તમારી. એ લાગળીને ધ્યાન પર રાખી આનંદનો ‘આ’ અને રાધાનો ‘રા’ લઈને તમે મારૂ નામ ‘આરા’ રાખ્યું, તેનું ‘આરૂ’ કર્યુ. પણ સ્કૂલમાં મારૂ નામ મમ્મીએ પાડ્યું એ નિયતિ રાખ્યું! એ સમયે પણ તમને શક હતો જ ને?”

નિયતિનું એક નવું જ સ્વરૂપ આજે ઉભરી આવ્યું હતું. આનંદની જે વાત બોલવાની હિંમત આજ સુધી થઈ નહોતી, એ વાત એક નવા અંદાજથી નિયતિ બોલી હતી. આનંદ વિચારે છે કે; તેને ઘણી વખત આ વિચાર આવ્યો હતો. તેનો શક દૂર કરવા માટે પોતે, રાધાએ નોકરી ચાલુ કરી તે પછી બન્ને દીકરીઓનો DNA ટેસ્ટ કરાવ્યો હતો. જેની જાણ ઘરમાં કોઈને નહોતી. એ વાત નિયતિ આટલી જલ્દી કેવી રીતે સમજી ગઈ?

મીના કોઈ મોકો છોડવા તૈયાર નહોતી: “આનંદ, તું આ છોકરીની વાતો કેમ સાંભળી રહ્યો છે?”

નિયતિ: “મિ. આનંદ પંચાલ, તમારી બીજી પત્નીને કહો કે, વચ્ચે ના બોલે... તમે જવાબ આપો... શક હતો કે નહીં? “

આનંદ: “ના, મને શક નહતો.”

નિયતિ: “કારણ કે, તમે એ વાતની ખાતરી ઘણા સમય પહેલાં જ કરી લીધી હશે કે, અમારા બન્નેના પિતા તમે છો...!”

આનંદ: “હા.”

રાધા જવાબ સાંભળીને તિરસ્કારભરી નજરોથી આનંદ સામે જુએ છે. એને જીવનમાં પ્રથમ વાર પોતાના ઉપર નફરત થાય છે. વિચારે છે, પોતે પ્રેમમાં અંધ બનીને કેવા માણસ માટે માતા-પિતાને છોડીને આવી? એવાં માબાપ જે બીમારીમાં દિવસ-રાત ઉજાગરા કરીને તેની સારવાર કરતાં. ઘરમાં તેની ભાવતી વાનગીઓ રોજ બને તેવો આગ્રહ રાખતાં. જે વસ્તુ ગમી હોય તે વસ્તુ હાજર કરતાં. પોતાના એક હાસ્ય માટે પપ્પા કેટલાં બધાં પાત્રોનો અભિનય કરતા. પ્રેમમાં અંધ બનીને જીવથી પણ વધારે પ્રેમ કરતાં માતા-પિતાનો અનાદર કર્યો હતો. તેમના પ્રેમ અને ભાઈના દુલારથી વંચિત રહી હતી. પોતાના કરેલા ઉતાવળીયા નિર્ણયનો આજે પસ્તાવો હતો. એ પશ્ચાતાપ રાધાની આંખોમાં આગના ગોળાની જેમ ધધકતો હતો. રાધાની એ નજરનો સામનો આનંદ કરી શકતો નથી અને આંખો ફેરવે છે. ત્યાં આનંદની નજર નિયતિની આંખો પર પડે છે. એ નજરમાં પણ આનદને અંગારા જ દેખાય છે.

નિયતિ: “તો, એટલી જ ખાતરી તમારા પ્રેમ ઉપર ના કરી શક્યા? કે પછી, તમે મમ્મીને કદી પ્રેમ કર્યો જ નથી? તમને લગ્ન પહેલાં મમ્મી અને કિશનની બધી જ માહિતી હતી, તો તમે મમ્મી સાથે લગ્ન શું કામ કર્યાં? પતિ-પત્ની વચ્ચે પ્રેમથી પણ વધારે એકબીજા ઉપર વિશ્વાસ મહત્વનો હોય છે... પૂરું જીવન તમે તમારા પોતાના ઉપર વિશ્વાસ કરી શક્યા નથી... જે તમારી સાથે બધું છોડીને આવી, તેને તમે સાચવી શક્યા નથી… તો આ બન્નેને કેવી રીતે સાચવશો મિ. આનંદ પંચાલ?”

નિયતિ ધ્રુવને હાથમાં તેડે છે. “તમને મીના ઉપર પૂરો વિશ્વાસ છે કે, એ તમને પ્રેમ કરે છે? શું તમે પણ પ્રેમ કરો છો? આ બાળક તમારૂં છે એનો પૂરો વિશ્વાસ છે? આ ખાતરી પણ તમે કરી જ હશેને?”

આનંદની અંદર રહેલા પુરુષે તેને ઝકઝોરી નાંખ્યો. જે વ્હાલસોયી દીકરીએ કોઈ દિવસ આંખ ઊંચી કરીને વાત કરી નથી; તે દીકરીએ આજે સવાલોના પહાડ ઊભા કરીને અંદરથી હચમચાવી નાંખ્યો હતો. એ સહન કરી શકતો નથી કે, દીકરી એવા સવાલો પૂછે. બધા જવાબ પોતાના અંતર-આત્મા પાસે છે, પણ બોલવાની હિમંત નથી. ગુસ્સાથી એના રુંવે રુંવે અગ્નિની બળતરા પેદા થઈ હતી. આનંદ નિયતિની ઉપર હાથ ઉગામે છે.

એ સમયે પાછળથી કોઈ આનંદનો હાથ પકડીને મરોડે છે. કોણ છે તે જોવા પોતે પાછળ ફરે છે. એ વ્યક્તિને જોઈ આનંદ બાકી રહેલી હિમંત પણ હારી જાય છે. એ રાધા અને દીકરીઓને ઘર છોડી જવા માટે મૂક સંમતિ આપે છે.

એ રણછોડભાઈ હતા. વાસંતીએ કાંતાબેનને ફોન કરીને બધી વાત જણાવી હતી. એક પિતા તેમની દીકરી અને બન્ને દોહિત્રીઓને લેવા આવ્યા હતા. રાધા પિતાને જોઈને પોતાને રોકી શક્તી નથી, ૨૦ વર્ષની બધી જ વેદના, તકલીફ એક સેકન્ડમાં દડદડ આંસુ સાથે તેના ગાલ ઉપરથી સરકી રહ્યાં હતાં.

રણછોડભાઈ તે દિવસે પ્રેમ મૃગજળ સમાન છે તે સમજી ગયેલી રાધા, માતા કે પિતા કોની સાથે રહેવું તે વિચારમાં અટવાતી નિમિતા અને જીવનમાં ગમે તે સમયે કોઈપણ પરિસ્થિતિ તમારી સામે આવી શકે છે, તે સમજી ગયેલી નિયતિને લઈને તેમના બંગલા રાધા-સદનમાં આવે છે.

***

ટેક્ષી સીએનજી પંપની લાઇનમાં ઊભી હોય છે. નિયતિની તંદ્રા તૂટે છે. પોતાના ભૂતકાળના સૌથી દુ:ખદ દિવસની યાદમાંથી જાગે છે. કારનો નંબર આવવાથી એ બહાર આવે છે. એની નજર લાઇનમાં ઊભેલી બ્લૂ કલરની ટાટા ઇન્ડિકા કાર ઉપર પડે છે. તે કાર સંતોષની હતી. એને વિચાર આવે છે કે, આ કાર તો હોસ્ટેલની બહાર ઊભી હતી. મનમાં એક સવાલ ઉઠે છે કે, ‘આ કાર પણ રાજકોટ જાય છે?’ આગળ બીજું કઈ વિચારે તે પહેલાં તેની નજર વોશરૂમના બોર્ડ ઉપર પડે છે. એને ખ્યાલ આવે છે કે, હોસ્ટેલમાંથી જલ્દી નીકળવાના કારણે તે વોશરૂમમાં જવાનું ભૂલી હતી. બધા વિચારોને એક બાજુ મૂકી વોશરૂમ તરફ આગળ વધે છે.

નિયતિ જે રીતે કારને જોઈ રહી હતી તે જોઈને સંતોષને લાગ્યું; નિયતિને શક થયો છે કે, કોઈ પીછો કરી રહ્યું છે. તરત નિયતિને વોશરૂમ તરફ જતી જોઈને સંતોષ શાંતિનો શ્વાસ લે છે. વિચારે છે કે આગળ હવે સાવચેત થવું પડશે, નહીં તો નિયતિને તેના ઉપર શંકા થઈ શકે છે.

***

સવિતા-વિલાસમાં એકબીજાના ધબકારા સાંભળી શકાય તેવી નીરવ શાંતિ હતી. સેજલના ચહેરા ઉપર રહસ્યમય આછું સ્મિત આવીને તરત વિલીન થાય છે. જેના ઉપર બીજા કોઈનું ધ્યાન નથી. હર્ષદરાયની સામે કોઈ સ્ત્રી શરત કે માંગણી કરે એ વાત તેમને ક્યારેય મંજૂર નહોતી. દરેક સ્ત્રીઓએ એમની તમામ વાત માનવી પડતી અને વિરોધ કરનાર સ્ત્રીને અનેક તકલીફોનો સામનો કરવો પડતો.

“નાનકા, એ છોકરી તને વિકલ્પ આપે અને તું એમાંથી એક પસંદ કરીશ! આપણા ખાનદાનમાં સ્ત્રીઓની વાત માનવાનો રિવાજ નથી. હંમેશાં સ્ત્રીઓ પુરુષની વાત માને છે. એ છોકરીની એવી દશા કરવામાં આવશે કે, તે વિકલ્પો આપવાનું ભૂલી જશે. આખું જીવન પસ્તાવો કરશે, કોને વિકલ્પ આપવાની તેની હિંમત થઈ છે. તું ચિંતા ના કરીશ. અત્યાર સુધી કોઈ છોકરીની હાલત ના કરી હોય, તેવી હાલત કરવામાં આવશે એની.”

માધવ: “પપ્પા, તમે એવું કશું નહીં કરો."

સુહાસિની: “નાનકાને નિયતિ સાથે લગ્ન કરવા હોય તો કરવા દો..."

હર્ષદરાય: “સુહાસિની, પુરુષોની વાતમાં સ્ત્રીઓને શું ખબર પડે? મને પણ મારા દીકરાના જીવનની ચિંતા છે. નાનકા, તારી શું ઇચ્છા છે?"

"પપ્પા, મારે વિચાર કરવા માટે થોડો સમય જોઇએ છે."

ક્રમશ: