ત્રણ વિકલ્પ - 4 in Gujarati Novel Episodes by Dr Hina Darji books and stories Free | ત્રણ વિકલ્પ - 4

ત્રણ વિકલ્પ - 4

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૪

 

નિયતિની કાર રાજકોટ તરફ આગળ વધી રહી હતી, કારમાં બેઠા બેઠા એનુ મન પોતાના ભૂતકાળને વાગોળી રહ્યું હતું.  રાજકોટમાં એ પિતા આનંદ પંચાલ, માતા રાધા, દીદી નિમિતા અને દાદી વાસંતી સાથે રહેતી હતી.  એ ક્યારેય ના ભૂલી શકાય તેવા દિવસો હતા.  ૧૦ વર્ષથી એ દિવસો જીવન જીવવા માટે સતત પ્રેરણા આપતા હતા.

આનંદ એક નાની કંપનીમાં કામ કરતો હતો.  તેની આવક છતાં હંમેશાં ઘરમાં પૈસાની તંગી રહેતી હતી.  રાધાએ ઘણીવાર નોકરી માટે આનંદને વાત કરી હતી, પણ એ કોઈ દિવસ રાધાને નોકરી કરવા માટે મંજૂરી આપતો નહીં.  તે કહેતો થોડી કરકસર કરીશ તો ઘરને ચલાવવું અઘરું નહીં પડે.  જેમ જેમ બન્ને દીકરીઓ મોટી થઈ, તેમના અભ્યાસના તથા બીજા ખર્ચા વધી રહ્યા હતા, એટલે ૫ વર્ષ અગાઉ રાધાએ આનંદની મરજી વિરુધ્ધ એક સ્કૂલમાં ક્લાર્કની નોકરી ચાલુ કરી હતી.  ઘરમાં આવકનો વધારો થવાથી ઘરમાં પૈસાની તંગી દૂર થવા લાગી, પણ રાધા અને આનંદના સબંધમાં તંગદિલીનો વધારો થયો હતો.  તે દૂર કરવામાં રાધાને સતત નિષ્ફળતા મળી હતી.

નિયતિ ૯મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.  એક દિવસ રોજના સમયે સ્કૂલેથી ઘરે આવી, ત્યારે હાથમાં એક પેમ્ફલેટ હતું.  તેમાં સ્કૂલ દ્વારા કચ્છની ટૂરનો બે દિવસનો કાર્યક્રમ હતો.  એને ટૂરમાં જવાની, ખાસ કરીને દીદી વગર ટૂરમાં જવાની ઈચ્છા હતી.  એને લાગ્યું,  તે મોટી થઈ ગઈ છે અને એકલી બે દિવસ બહાર ફરવા જઇ શકે છે.  અત્યાર સુધી દરેક જગ્યાએ ઘરના કોઈપણ એક સદસ્યની હાજરી એની સાથે રહેતી.  આજે દિલમાં મોટા થવાના નવા ઉમંગે આગમન કર્યું હતું.

નિયતિ ઘરમાં દાખલ થાય છે, ત્યારે રાધા રૂમમાં એક મોટી બેગમાં કપડાં ભરતી હતી.  આનંદ રાધાને કપડાં ભરતા જોઈને મોટેથી કશુંક બોલતો હતો.  વાસંતી અને નિમિતા દંપતિ વચ્ચે શું વાત થાય છે તે જાણવાની કોશિશ કરતાં હતાં.  નિયતિ ઘરમાં આવી ગઈ, તે ઘરમાં કોઈનેય ખબર પડી નહોતી. 

“હા, હવે તને મારી સાથે રહેવામાં કોઈ રસ ના હોયને... તને તારો પહેલો પ્રેમ મળી ગયો છે...”

“આનંદ... બોલવામાં થોડું ભાન રાખ...  મારો પ્રેમ માત્ર ને માત્ર તું જ છે… એ તને ખબર છે... એટલે જ મારા માતાપિતાની મરજી વિરુધ્ધ મેં તારી સાથે ભાગીને લગ્ન કર્યાં હતાં...”

“હા... અને એ વાતનું તને આજીવન દુ:ખ રહ્યું છે... લગ્ન મારી સાથે કર્યાં, પણ મનમાં હંમેશાં તું કિશનને પ્રેમ કરતી રહી છું...”

“મે એને કોઈ દિવસ યાદ કર્યો નથી... મારે કોઈ સબંધ હતો જ નહીં... તું એને કોઈ દિવસ ભૂલ્યો નથી... લગ્નનાં ૨૦ વર્ષ પછી પણ તું, એ જ બેકાર, મતલબ વગરની વાત કરે છે... હવે હું તારા આ વર્તનથી,  તારા... નવા સબંધની... વાત જાણીને એટલી હદે તૂટી ગઈ છું; કે તારી સાથે રહી શકિશ નહીં.”

રાધા, કાન્તાબેન ઠક્કર અને રણછોડભાઇ ઠક્કરની દીકરી હતી.  પિતાની રાજકોટમાં રેડીમેડ કપડાંની મોટી દુકાન હતી.  દુકાનમાં દરેક ઉંમરની વ્યકિત માટે કપડાં મળતાં હતાં,  તેમની જ દુકાનમાં કામ કરતા સુરેશ મહેતાના દીકરા કિશન સાથે રાધાનું લગ્ન કરવાની રણછોડભાઇની ઈચ્છા હતી.  જ્યારે પણ કિશનને વેકેશન શરૂ થાય, ત્યારે એ પોતાના પપ્પાને મદદ કરવા આવતો.  નાની ઉંમરમાં કિશન  દુકાનનો હિસાબ, કયા કપડાંનું વેચાણ વધારે થાય તથા નવી ફેશન પ્રમાણે કયાં કપડાં દુકાનમાં વેચવા મૂકવાં જોઈએ તે બધું જ શીખી ગયો હતો.  રણછોડભાઈને તેની આ કુશળતા નજરમાં આવી હતી અને એટલે જ તે રાધાનું લગ્ન કિશન સાથે કરવા માંગતા હતા.  ઉપરાંત રાધા અને કિશન નાના હતા ત્યારથી એક સાથે ભણતાં હતાં.  તે બન્ને એકબીજાને સારી રીતે જાણતાં પણ હતાં.

કોલેજમાં રાધા અને કિશનની સાથે આનંદ જોડાયો હતો.  તે દિવસો દરમિયાન રાધા અને આનંદ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ વાત કિશન પણ ખૂબ સારી રીતે જાણતો હતો.  કિશન નાનો હતો ત્યારથી જ રાધા માટે પ્રેમ હતો.  પરંતુ રાધા આનંદને પસંદ કરતી હતી.   એટલે કોઈ દિવસ રાધા અને આનંદની વચ્ચે તે આવ્યો નહોતો.  કાન્તાબેન અને રણછોડભાઈએ રાધાને કિશનની સાથે લગ્ન કરવા માટે ખૂબ સમજાવી હતી.  છતાં રાધાએ ઘરનો અને માતાપિતાનો ત્યાગ કરીને આનંદનો હાથ પકડ્યો હતો.

નિયતિએ પ્રથમ વાર મમ્મી અને પપ્પાને આ રીતે ઊંચા અવાજે બોલતા અને એકબીજાની ઉપર દોષારોપણ કરતાં જોયાં હતાં.  એ પાછળ આવીને ઉભી છે તેની હજુ પણ કોઈને ખબર નહોતી.  એટલી વારમાં રાધા હાથમાં બેગ લઈને બહાર આવી.  નિયતિને ત્યાં જુએ છે અને સ્તબ્ધ ઉભી રહે છે.  બીજા બધાની પણ નિયતિની ઉપર નજર પડે છે.  થોડી વાર ઘરમાં નીરવ શાંતિ પથરાઈ જાય છે, જાણે ઘરમાં કશું બન્યું જ નથી.  આનંદ નિયતિને જોઈને ખૂબ ખુશ થાય છે; કારણ કે નિયતિની સામે રાધા ઘર છોડીને જવાની વાત કરે જ નહીં.  પરંતુ રાધાએ તે બાબતનો વિચાર પણ કર્યો હતો. 

તે બેગ નીચે મૂકીને નિયતિ પાસે જાય છે અને કહે છે “ચાલો બેટા, આપણે તારા પપ્પાને છોડીને જવાનું છે.”  નિયતિને તે સાંભળીને હોશ ઉડી ગયા હતા.  એને પોતાના કાને સાંભળેલી વાત ઉપર વિશ્વાસ નથી આવતો.  અપલક બસ રાધાની સામે જોવા સિવાય કશું કરી શકતી નથી.  પેમ્ફલેટ હાથમાંથી ક્યારે છૂટી ગયું તે પણ ધ્યાનમાં આવ્યું નહીં.  

“રાધા… તારે જવું હોય તો તું જઇ શકે છે... મારી છોકરીઓ મારી સાથે જ રહેશે.”

આનંદ આગળ આવીને રાધાને રોકે છે.  વાસંતીને સ્થિતિ બગડી રહ્યાનો ખ્યાલ આવે છે : “આનંદ લઈ જવા દે... બન્ને છોકરીઓ તારા વગર રહી શકશે, પણ રાધા વગર નહીં...”  આનંદને આ વાત પસંદ નથી આવતી.  તે નિયતિને પકડીને કહે છે “બેટા, મારી સાથે રહીશને?”  રાધા પણ નિયતિને તેના હાથમાંથી છોડાવીને પૂછે છે “બેટા આરૂ, મારી સાથે રહીશને?”

વાસંતી અને નિમિતા બન્નેને અંદાજ આવે છે કે, વાત ખૂબ વધી ગઈ છે.  વાસંતી ઈશારો કરે છે નિમિતા સમજી જાય છે અને નિયતિને હાથ પકડીને તેમના રૂમમાં લઈ જાય છે.

“રાધા… વહુ દીકરા... તું આનંદથી દૂર જવા માંગે છે, હું તને નહીં રોકું.... પણ તું ક્યાં જઈશ?  તેં લગ્ન કર્યાં ત્યારથી કાન્તાબેન કે રણછોડભાઈએ તારી સાથે કદી વાત કરી નથી... તું કોના ઘરે જઈશ?”

“સમજાવ મા, જો તે એક વાર ઘર છોડીને ગઈ તો આ ઘરના દરવાજા પણ બંધ થશે.”

“આનંદ, તારા આ શંકાભર્યા સ્વભાવના કારણે, તેં તારુ હર્યુભર્યુ ઘર ઉજાડયું છે...  અને શંકા કરતાં કરતાં તેં જ એ અધર્મનું કામ કરીને બીજી સ્ત્રી સાથે સબંધ રાખ્યો છે...”

“મા, તું મારી મમ્મી છું કે તેની ?  તું હંમેશા તેનો જ પક્ષ લઈને વાત કરે છે.”  આનંદ તેના હાથમાં જે વસ્તુ આવી તે ઉઠાવીને ગમે તેમ ફેંકવા લાગે છે.  વાસંતી તેને એક લપડાક લગાવે છે.  “મારે આ કામ પહેલાં કરવા જેવુ હતું...”  આનંદને મા આ રીતે લાફો મારશે તેવો સ્વપ્નમાં પણ ખ્યાલ નહતો.  “તું મહેરબાની કરીને થોડી વાર માટે ઘરની બહાર જા, મારે રાધા સાથે થોડી શાંતિની પળો જોઈએ છે.”

આનંદ ગુસ્સામાં બન્ને હાથની મુઠ્ઠી ભીંસીને રાધા સામે જુએ છે “મારી માને પણ તેં બરાબર પટ્ટી ભણાવી છે.”  છોકરીઓને પોતાની સાથે રાખવા માટે શું કરવું, તે વિચારતો ઘરની બહાર જાય છે.

રાધા વાસંતીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.  વાસંતી તેને રડતાં રોકતી નથી.  “રડી લે જેટલું રડવું હોય એટલું...  કદાચ કાલથી તારી પાસે રડવા માટે કોઈનો ખભો હાજર નહીં હોય...  તેં જવાનો નિર્ણય કર્યો છે, તો કંઈક વિચારીને જ કર્યો હશે... હું પણ નથી ઇચ્છતી કે પૂરૂં જીવન તું આનંદની શંકાઓનું નિવારણ કરતી રહે અને ચૂપચાપ તેની તકલીફોને સહન કરે.”

“મા, આજે ફરી મારા જીવનમાં ત્રણ વિકલ્પે પ્રવેશ કર્યો છે...  ૧) હું મારી બન્ને દીકરીઓને લઈને આનંદથી જુદી રહેવા લાગું. ૨) હું મારી બન્ને દીકરીઓને આ ઘરમાં તેમના પિતા સાથે મૂકીને એકલી જુદી રહેવા લાગું.  ૩) હું આ જ ઘરમાં પૂરા પરિવાર સાથે રહું, અને મારા પતિની એક બીજી પત્ની અને એક બાળક છે; તે જાણીને પણ અજાણ બની ને રહું અને ચૂપચાપ સહન કર્યા કરું...  મા, આ ત્રણ વિકલ્પ ક્યારે મારા જીવનમાંથી વિદાય લેશે?  જીવનની ચાલીસી વટાવ્યા પછી મારે છૂટાછેડા લેવાનો વિકલ્પ આવ્યો છે; તો શું એ કરી શકીશ?  મારી દીકરીઓનાં લગ્ન એકલા હાથે કોઈ સારા છોકરાઓ સાથે કરી શકીશ?”

“રાધા, એક સ્ત્રી તરીકે હું જાતે જ સહન ના કરી શકું કે મારા પતિની બીજી પત્ની અને બાળક પણ છે, તો હું તને સહન કરવાનું ક્યારેય નહીં કહું... મારા પોતાના પુત્રમાં અનેક ખામીઓ છે... તારા જેવી પત્ની નસીબ હોય તો મળે, પણ લગ્ન-જીવનમાં વિશ્વાસ જરૂરી છે એવી ખબર હોત તો, તે હંમેશા સુખી થયો હોત...  બસ એક વાત મારી માની જા...  આજે નહીં કાલે સવારે તું જજે...  તારે આરૂને ખૂબ શાંતિથી સંભાળવી પડશે...  તે માસૂમ બાપના આ પાસાથી પરિચિત નથી...  તેને બરાબર સમજાવીને આજે રાતે મારી સાથે રહે... કાલે હું તને બિલકુલ જતાં રોકીશ નહીં.”

“હા, મા તમે સાચું કહો છો, આરૂને કેવી રીતે સમજાવીશ એ તો મને ખબર જ પડતી નથી... તમે સાથે હશો તો મને મદદ રહેશે...  અને કાલથી મને ખભો નહીં મળે, પણ નિમૂ અને આરૂને હું મા અને બાપ બન્નેનો પ્રેમ આપીશ... મા, તમે અમને મળવા આવશોને?”

“ના, વહુ બેટા, જો હું એક વખત આવીશ તો આનંદ પણ આવશે... અને પછી તને અને મારી દીકરીઓને તકલીફ પડશે... જે મારે કરવું નથી.”  રાધા અને વાસંતી બન્ને હંમેશાં મા અને દીકરી બનીને રહ્યાં હતાં.  વાસંતી આનંદના શંકાશીલ સ્વભાવને ખૂબ સારી રીતે જાણતી હતી.  તેઓ રાધાને પણ આટલાં વર્ષોમાં સારી રીતે સમજી શક્યાં હતા.  એટલે જ તેમણે રાધાના નિર્ણયને સ્વીકાર્યો હતો.  આનંદ જ્યારે પણ શંકાને લીધે ઘરમાં ઝગડો કરતો, તે સમયે રાધાને વાસંતીનો સાથ મળતો.  એટલે જ તેમને છોડીને જવાનું દુ:ખ રાધાને હતું.

રાધા અને વાસંતી બન્નેને નિયતિ એટલે ‘આરૂ’ને કેવી રીતે સમજાવવી તેનો રસ્તો શોધવાનો હતો.  ઘરમાં રાધા અને આનંદ વચ્ચેના રોજના ઝગડા કોઈએ પણ નિયતિ સુધી આવવા નહોતા દીધા.  નિયતિના દિલ ઉપર આ સ્થિતિની શું અસર થશે એ તેઓ સમજી શકતા નથી.  રાધા બસ એ જ વિચારીને આગળ વધે છે કે, સમયથી વધારે બળવાન કોઈ નથી અને સમય જ તેની બન્ને દીકરીઓને આગળ કેવી રીતે તકલીફોનો સામનો કરવો પડશે તે શીખવાડશે.  રાધા તેના જીવનની એક નવી લડાઈ લડવાની તૈયારી કરે છે.  મનને મજબૂત બનાવીને તેની દીકરીઓના રૂમનો દરવાજો ખોલે છે.

નિમિતા નિયતિને લઇને તેમના રૂમમાં આવે છે.  આ રૂમમાં બન્નેએ બાળપણ, હસીમજાક, એક બીજાથી રિસાવાના અને મનાવવાના, પરસ્પર મસ્તીમાં ઓતપ્રોત થઇને ખોવાઇ જવાના, જીવનને ભરપૂર હર્ષોલ્લાસથી જીવવાના દિવસો વિતાવ્યા હતા.  બન્ને માટે તે રૂમ ધરતીના છેડાનું પ્રતિક હતો.  ગમે તેવી તકલીફ, થાક આ રૂમમાં પ્રવેશવાની સાથે ગાયબ થતો એવો અતૂટ વિશ્વાસ હતો.  આજે તે જ રૂમમાં નિયતિને એક ના સમજી શકાય તેવી અકળામણનો અહેસાસ થાય છે.  એ ચારે બાજુથી પોતાના રૂમને જુએ છે, પણ રૂમમાં રોજના જેવું પોતિકુ વાત્સલ્ય ક્યાંય દેખાતું નથી.

નિમિતા મોટેથી ટેપ રેકોર્ડર ચાલુ કરીને ગીત ઉપર ડાન્સ કરવા લાગે છે.  જ્યારે ઘરમાં તંગદિલી ઉભી થાય ત્યારે નિમિતા આ રીતે રૂમમાં ગીત ઉપર ડાન્સ કરવા લાગે અને દીદીને જોઇને નિયતિ પણ ડાન્સમાં જોડાતી.  પરંતુ આજે નિયતિના મનમાં હજારો સવાલોનો જ્વાળામુખી પ્રગટયો હતો.  તેના પરિવારમાં કોઇપણ પ્રકારનો ઝઘડો થઇ શકે નહી, તેવો દ્દઢ વિશ્વાસ તૂટયો હતો.  તેને આનંદની એક વાત કાનમાં ગુંજયા કરે છે કે; ‘તારે જવું હોય તો જા, પણ છોકરીઓ મારી સાથે જ રહેશે.’  એટલે મમ્મી ઘર છોડીને જાય તો પપ્પાને કોઈ વાંધો નથી.  આનંદની આ વાત ઉપરથી નિયતિ એટલું તો સમજી ચૂકી હતી કે વાત હાથમાંથી રેતીની જેમ સરકી ચૂકી છે.

"આરૂ, આ નવા પિચ્ચરનું ગીત છે, કેવો સરસ ડાન્સ છે, ચાલ બન્ને કરીએ!!!"

"દીદી...  જ્યારે મમ્મી પપ્પાને ઝઘડો થાય ત્યારે તમે મને આ જ રીતે ડાન્સ કરાવો છો!!!"

નિયતિના આ સવાલથી નિમિતા પથ્થરની મૂર્તિની જેમ સ્થિર થઇ જાય છે.  પહેલા જ વાક્યમાં નિયતિએ જે હાવભાવથી પ્રશ્ન પૂછ્યો હતો તે જોઇને નિમિતાને અંદાજ લગાવવો પણ મુશ્કેલ લાગે છે કે; ૧૦ મિનિટ પહેલાં ખિલખિલાટ હાસ્ય છલકાવતી તેની નાની બેન કેટલી મોટી થઇ ગઇ!!!  તેં આગળ કઈપણ વિચારે તે પહેલાં રાધા અને વાસંતી રૂમમાં પ્રવેશ કરે છે.  નિયતિ કોઇપણ જાતનો પ્રતિભાવ આપ્યા વગર તેની જગ્યાએ સ્થિર ઉભી રહે છે.  રાધા, વાસંતી અને નિમિતાને અચાનક મોટી થયેલી નિયતિને તેમની સમક્ષ હજારો સવાલ દિલમાં દબાવીને ઉભી હોય તેવું લાગે છે.  રાધા પણ વિચારે છે કે, આજે જ તેના બધા સવાલોના જવાબ આપી દેવા. 

"આરૂ, હું અને પપ્પા કાલથી અલગ રહેવાનુ શરૂ કરીશું. તારા મનમાં અસંખ્ય સવાલો છે કે, આ શું થઈ રહ્યું છે?  બેટા, બહુ લાંબી વાત છે.  પણ આજે પૂરી વાત મારે તમને બન્નેને કહેવી છે.  મેં અને પપ્પાએ, મારા મમ્મી અને પપ્પાની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં...  એ સમયે મારી પાસે ત્રણ વિકલ્પ હતા ૧) મારા પપ્પા જે છોકરા સાથે લગ્ન કરવા માંગે છે તેની સાથે લગ્ન કરવાં, ૨)  આનંદ સાથે લગ્ન કરવા મારા પપ્પા હા પાડે ત્યાં સુધી રાહ જોવી, ૩) આનંદ સાથે ભાગીને લગ્ન કરવા... 

મને ખબર હતી કે પપ્પા કયારેય આનંદ સાથે લગ્ન કરવાની ‘હા’ નહીં પાડે, એટલે મેં ત્રીજો વિકલ્પ પસંદ કર્યો હતો... પપ્પા જે છોકરા સાથે મારા લગ્ન કરવા માંગતા હતા તે કિશન, અમારી બન્ને સાથે કોલેજમાં ભણતો હતો...  આનંદ પણ ખુબ સારી રીતે જાણતો હતો કે મારા પપ્પાની ઇચ્છા શું હતી...  હું અને આનંદ લગ્ન કરીને ખુશ હતાં... પણ આનંદ હંમેશા વિચારતો કે હું કિશનને પ્રેમ કરતી હતી…   લગ્ન પછી પણ હું રોજ તેને યાદ કરૂ છું...  અસંખ્ય વખત તારા પપ્પાને સમજાવવાની કોશિષ કરી કે મેં કોઇ દિવસ કિશનને પ્રેમ કર્યો નથી... પણ એ વાત ઉપર તેમણે ક્યારેય વિશ્વાસ કર્યો નહીં.

થોડા મહિના પછી દીદીનો જન્મ થયો, અમારા લગ્ન જીવનમાં ખુશીઓનું નિમિત બનીને આવી!  એટલે તેનુ નામ નિમિતા રાખ્યું...  ૪ વર્ષ પછી હું ફરી મા બનવાની હતી, તે સમયે આનંદની ઇચ્છા છોકરો આવે એવી હતી...  પણ તારો જન્મ થયો...  તું અમારી નિયતિ છું તે સ્વીકારીને તારું નામ નિયતિ રાખ્યું...

આનંદના પગારમાં ઘર ચલાવવામાં મુશ્કેલી થતી હતી...  તેને છોકરો જોઇતો હતો, પણ મે ત્રીજા સંતાન માટે હંમેશાં ના પાડી... હું નોકરી કરું તે આનંદને પસંદ નહોતું...  પણ પાંચ વર્ષ પહેલાં પૈસાની તંગીના કારણે તમારી સ્કૂલની ફી ભરવાની પણ તકલીફ થવા લાગી...  તે સમયે પણ મારી પાસે ત્રણ વિકલ્પ હતા, ૧) તમારા સપનાઓને ભૂલીને તમને સરકારી સ્કૂલમાં ભણાવવા, ૨) મારા પપ્પા પાસેથી મદદ લેવી, ૩)  આનંદની મરજી વિરૂધ્ધ મારે પણ નોકરી કરવી.

મેં પ્રેમલગ્ન કર્યાં તે દિવસથી મારાં મમ્મી, પપ્પાએ મારી સાથે સબંધ પૂરો કર્યો હતો...  મારા પપ્પા એવું વિચારતા હતા કે આનંદ જવાબદારી પૂરી કરી શકવા માટે સક્ષમ નથી, એટલે જ તેઓ લગ્નની વિરૂધ્ધ હતા...  મેં આનંદના માન-સન્માનને કોઇ હાનિ ના થાય, તેમ વિચારીને ત્રીજો વિકલ્પ પસંદ કર્યો.  મારી નોકરીથી હું તમારાં સપનાઓ પૂરા કરવા લાગી...  પણ આનંદનો વિશ્વાસ ના જીતી શકી... તેણે કિશન અને મારા સબંધ ફરી શરૂ થયા છે તેમ મને રોજ કહેવાનું શરૂ કર્યુ...  અને હવે આ વાત મારાથી સહન થતી નથી."

"મમ્મી, જે વાત તું ૨૦ વર્ષથી સહન કરે છે, તે જ વાત હવે તારાથી સહન નથી થતી?"

નિયતિના આ પ્રશ્નએ રાધાના દિલમાં એક વજ્રાઘાત કર્યો.  રાધા નિયતિની સામે જુએ છે, ત્યારે એની આંખોમાં સવાલનો જવાબ પણ જોઈ શકે છે કે; વાત માત્ર આ નથી, બીજી કોઈ વાત જાણવાની બાકી છે!

 

 

ક્રમશ:

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Hiren Patel

Hiren Patel 6 months ago

Saurabh Bhatt

Saurabh Bhatt 7 months ago

Bhakti Bhargav

Bhakti Bhargav 7 months ago

Bhakti

Bhakti 8 months ago