Corona - 2 books and stories free download online pdf in Gujarati

કોરોના – હકારત્મક પ્રસંગો - 2

કોરોના – હકારત્મક પ્રસંગો-

સંપાદન-વિજય ઠક્કર

(2)

(કોરોના વાયરસ [સાંકેતિક])

‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઇ મહામારી આવશે જ અને મોટે ભાગે એ શ્વસનને લગતા વાયરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ હાલ આપણા માથા ઉપર ઝળૂંબતી આફત ખરેખર ક્યારે ત્રાટકશે એનો જવાબ નથી. એ એક અકળ કોયડો છે. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારી (પેન્ડેમિક) સામે લડવા માટે સજ્જ કરવા મચી પડવું જરુરી છે..

તાજેતરની કોરોનાની નવી વૈશ્વિક મહામારી ટાણે કોની પાસેથી શી અપેક્ષા રાખવી એનું ચિત્ર આપણી આગળ સ્પષ્ટ નથી. હવે તો ખરેખરી ભયજનક સ્થિતિ પેદા થઇ છે, કારણ કે, કોરોના વાયરસથી થયેલા લોકોના મૃત્યુદર સાથે હવે ૯૦ ટકા લોકોનો જીવ લઈ લેતા મારબર્ગ વાયરસના મૃત્યુદરનો સરવાળો કરવામાં આવે છે. વાયરસના અસ્તિત્વ માટે આ સ્થિતિ વધુ અનુકુળ બનતી જાય છે. આને કારણે દર્દીઓનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધ્યું છે. આપણે સામાજિક અંતર જાળવ્યા વગર સાવ એકબીજાથી સાવ પાસે પાસે યા સાવ અડીને રહીએ છીએ અને પ્રવાસો પણ વધુ પડતા કરીએ છીએ-પ્રાણીઓમાંથી મનુષ્યદેહમાં થતા વાયરસના સંક્રમણને માટે આ તમામ પરિબળો પોષક છે. આ સંજોગોમાં હવે આજના ચેપી વાયરસનો ફેલાવો કેવળ ચીન પૂરતો સિમિત રહેશે એમ માનવું ભૂલ ભરેલું છે..

આજે એ પણ એક વક્રતા છે કે રસીને કારણે અમુક રોગમાંથી બચી ગયેલા લોકો પણ પોતાનાં બાળકોનું રસીકરણ ઈચ્છતા નથી. કોરોના વાયરસ સામેની રસીને આપણે વ્યાપક બનાવવા માગતા હોઇએ તો આ નકારાત્મકતા પણ એક જબરી સમસ્યા બની જશે,કેમ કે, ઘણા બધા લોકોએ રસી લેવાનો કે પોતાનાં સ્વજનોને આપવા-અપાવવાનો ઈન્કાર કરશે. એવું થશે તો સમગ્ર વિશ્વને ભરડો લઇ રહેલી આ મહામારીને આપણે કદી કાબૂમાં લાવી શકીશું નહીં.

એ બાબતે કોઈ શંકા નથી કે કોરોના વાયરસથી પેદા થયેલો આર્થિક ફટકો 2008માં ઉભી થયેલી આર્થિક કટોકટી કરતાં ઘણો આકરો હશે. યુરોપિયન કમિશન આ કટોકટીને વર્તમાન સમયની સૌથી મોટી કટોકટી ગણે છે.

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે આધુનિક પગલાંને બદલે હાલ લેવાઇ રહેલાં મધ્યયુગીન પ્રકારના એવાં ક્વોરન્ટાઈનનાં પગલાંની સામેપ ડછે એની સામે લોકોની એ તરફ વધતી જતી ઉદાસિનતા પણ એક જબરો વિરોધાભાસ ઉભો કરે છે. ખાસ તો જ્યારે આપણને એવો અણસાર આવી જાય કે દરદી પ્રતિ ક્ષણ મૃત્યુ ભણી ધસી રહ્યો છે ત્યારે આ બધું એમને એમ ચાલુ રાખવા દેવું હિતાવહ નથી. અધુરામાં પુરું આ મધ્યયુગીન પગલાંમાં પણ મૂકાતી હળવી છૂટછાટો પણ આ રોગના કેસની સંખ્યામાં નવેસરથી વૃદ્ધિ કરશે.

હું તો એવી ઉમેદ પણ રાખું કે આ કોરોના-કટોકટી ઘણા વિસ્તારોમાં રાજકીય ગરમાગરમી જ હાલ ચાલી રહી છે તેને ઘટાડવામાં નિમિત્ત બને.આવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે પોલિયો રસીકરણની ઝુંબેશ એની આડપેદાશ તરીકે સુમેળ અને શાંતિ તરફ દોરી ગઈ છે. એ જ ધોરણે હું આશા રાખું છું કે કોવિડ-19 સામેની લડતમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા વિશ્વ આરોગ્ય સંગઠન[WHO]માં જરૂરી સુધારા કરીને તેને બાબુશાહી(Buerocracy) અને સલાહકાર સમિતિઓ પર ઓછું નિર્ભર બનાવવામાં આવે. એ એક એવું સંગઠન બની રહે કે જેના માધ્યમથી જે તે દેશ પોતાનાં હિતનું રક્ષણ કરી શકે.

વાયરસમાં મને હંમેશાં ખૂબ રસ રહ્યો છે, જે હજી આટલા અનુભવ પછીય જરા પણ ઘટ્યો નથી. એઈડ્સના વાયરસ સામે લડતાં મેં મારું ઘણું જીવન વ્યતિત કર્યું છે. મારાં નિરીક્ષણ મુજબ તે એટલો ચંચળ હોય છે કે તેને રોકવાની આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ તે છટકી જ જાય છે. આ બોલતાં બોલતાં જ્યારે હવે મારા શરીરમાં(કોવિડ-19) વાયરસની અકાટ્ય હાજરી હું અનુભવી રહ્યો છું ત્યારે હું એને જરા નવી નજરે જોઇ રહ્યો છું. વાયરસ સાથે થયેલા મારા અગાઉના મુકાબલાના અનુભવો છતાં મને લાગે છે કે નક્કી આ વાયરસ મારા જીવનને ધરમૂળથી પલટી નાખવાનો છે. અને એ રીતે વિચારતાં હવેમ ને મારા જાન ઉપર વધુ જોખમ હોવાનું લાગે છે..

ખેર, હૉસ્પીટલમાંથી મને રજા આપ્યાના એક સપ્તાહ પછી મને શ્વાસની તકલીફ સતત વધવા લાગી. ત્યારે મારે ફરી હોસ્પિટલે જવું પડ્યું, પણ આ વખતે સદ્ભાગ્યે મારી સારવાર એક આઉટપેશન્ટ (OPD Patient)તરીકે કરી શકાઈ. તપાસમાં મને ન્યુમોનિયા પ્રેરિત ફેફસાંનો રોગ હોવાનું માલૂમ પડ્યું, જે કહેવાતા સાયટોકાઈન સ્ટોર્મને કારણે હતો. મારી રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી સક્રિય હોવાનું એ પરિણામ હતું. વાયરસ દ્વારા થયેલા પેશીઓના નુકસાનથી નહીં,પણ તેમની રોગપ્રતિકારક શક્તિની વધુ પડતી પ્રતિક્રિયાઓને કારણે ઘણા એવા લોકો મૃત્યુને ભેટે છે,કે જેમને ખબર નથી કે વાયરસ સાથે શી રીતે કામ પાડવું?

ખેર, ફરી મૂળ વાત પર આવું તો કોરોના માટેની મારી સારવાર હજુ ચાલુ છે. કોર્ટિકો સ્ટેરોઈડના ભારે ડોઝ મને આપવામાં આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને મંદ પાડે છે. નવાઇ લાગે તેવી વાત છે કે આ પ્રતિકારક શક્તિ વધુ તીવ્ર બનાવવાને બદલે મંદ પાડવી પણ જરૂરી છે.! કારણ કે એવું જોવા મળ્યું છે કે ઘણા દર્દીઓ વાયરસને કારણે શરીરની પેશીઓને થતા નૂકશાનને કારણે નહીં,પરંતુ આ વાયરસ સામેની પોતાની રોગપ્રતિકારકતાની વધુ પડતી (Excessive) પ્રતિક્રિયાને કારણે મરણને શરણ થાય છે.(બહાદૂર લડવૈયો પણ જો વધુ પડતો ઝનૂને ચડી જાય તો પોતાના જ માણસોના ઢીમ ઢાળી દે એના જેવી આ વાત છે.) આમ થવાનું કારણ એ છે કે આપણા રોગપ્રતિકારક તંત્ર માટે આ નવતર વાયરસનો મુકાબલો એ નવા મોરચાની નવી લડાઇ છે. મારા કિસ્સાની વાત કરું તો મેં કહ્યું તેમ હજુ એ માટેની મારી સારવાર ચાલુ જ છે, પણ ઉપરની થિયરી જોતાં મને લાગે છે કે પણ મારા શરીરમાં આ વાયરસની સામે જો મારી ભીતરનું રોગપ્રતિકારક તંત્ર પણ વધુ પડતું સક્રિય બની રહ્યું હોત તો કદાચ હું બચી શક્યો ન હોત ! વધુ પડતો પ્રતિકાર મને જીવવા દેત નહિં. રોગમાં મને એટ્રીયલ ફાઈબ્રીલેશન હતું.

એક વાત આમાં ઉમેરવી જરૂરી લાગે છે કે આ સારવાર દરમીયાન મારા હૃદયની ધડકન 170 પ્રતિ મિનીટ સુધી પહોંચી ગઇ હતી.લોહીને ગંઠાઈ જતું રોકવા માટે કે પક્ષાઘાતના સંભવિત હુમલાને ખાળવા માટે આ ગતિ અનિવાર્ય છે.

વાયરસની તાકાતને હજુ આપણે ઓછી આંકીએ છીએ : વાયરસ આપણા શરીરનાં તમામ અંગોને અસર પહોંચાડી દે છે. ઘણા લોકો માને છે કે કોવિડ-19 માત્ર એક ટકો દરદીઓનો જ જીવ લઇ લે છે.અને બાકીના નવ્વાણું ટકાને તો માત્ર ફ્લુ જેવાં લક્ષણો જ રહે છે. પણ ના,આ વાત ધારીએ તેટલી સહેલી નથી. આ રોગ પછી ઘણા લોકોમાં કીડની અને હૃદયની સતત(ક્રોનિક) સમસ્યાઓ પેદા થશે. તેમનું ચેતાતંત્ર પણ છિન્નભિન્ન થઇ ગયું હશે.

દુનિયાભરમાં હજારો કે કદાચ એથી વધુ લોકો એવા હશે કે જેમણે બાકીની જિંદગી ડાયાલિસીસ કરાવવું પડશે. આમ, કોરોના વાયરસ વિષે જેમ જેમ વધુ જાણતા જઈએ છીએ, એમ એમ વધુ સવાલો ઉભા થાય છે અને એના જવાબો શોધતાં શોધતાં જ આપણું એ અંગેનું જ્ઞાન વૃધ્ધિ પામતું જાય છે.

આજે હવે કોરોનાનો ચેપ લાગ્યાના સાત સપ્તાહ પછી, પહેલી વાર મને કંઇક સારું લાગે છે. હમણાં જ મારા ઘરની પાસેના ખૂણે આવેલા ટર્કીશ દુકાનદાર પાસેથી સફેદ એસ્પારેગસ(શતાવરી) મંગાવીને મેં ખાધી. મારા માટે એ પરિચિત વનસ્પતિ છે. કારણ કે હું બેલ્જિયમના કીરબર્ગનનો છું અને અમે એસ્પારેગસ ઘેર જ ઉગાડતા હોઈએ છીએ. મારાં ફેફસાંની ઈમેજ પણ આખરે બહેતર દેખાય છે. જો કે, થોડા સમય માટે મારે મારી ગતિવિધિઓ પર મર્યાદા રાખવી પડશે, પણ તેમ છતાં હું પાછો કામે ચડી જવા માગું છું. મેં ફરી હાથમાં લીધેલું પહેલવહેલું કામ છે વૉન ડેર લેયનના કોવિડ-19ના આર એન્ડ ડી વિશેષ સલાહકાર તરીકેનું.”

(મુલાકાત લેનાર: ડર્ક ડ્રૉલાન્સ, ડચમાંથી અંગ્રેજી અનુવાદ: માર્ટિન એન્સરીન્ક)

(અંગ્રેજી પરથી ગુજરાતીમાં અનુવાદ: બીરેન કોઠારી | સંમાર્જન: રજનીકુમાર પંડ્યા )

લેખકસંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ, અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ:

rajnikumarp@gmail.com