rang samgam - 3 books and stories free download online pdf in Gujarati

રંગ સંગમ - 3

રંગ સંગમ ( ભાગ-૩)

વંદન બોસની કેબિનમાં એમના જવાબની રાહ જોઈને બેઠો હતો. બોસ ફોન પર રોમા સાથે વાતચીતમાં લાગ્યા હતા. થોડીવાર પછી વાતનો નિષ્કર્ષ એમ આવ્યો કે જેટલો સમય વંદન રોકાશે તેટલો જ સમય રોમા પણ રોકાશે, કેમકે વંદનના બોસ જ આવું ઇચ્છતા હતા. હા, પણ એ માટે રોમા પાસે તાત્કાલિક સમય ફાળવવો શક્ય નહોતો. એટલે તેણે એક મહિનાની મુદ્દત માંગી હતી.

આ તરફ વંદનના બોસ સાથે વાત થયા બાદ રોમાનું ઘૂમરાતું મન શાંત થયું. ધાર્યા કરતાં ઘણો વધુ સમય હવે તેને મળશે.ચાલુ વાતે પણ છાતીના ધબકારા જાણે બહાર સંભળાતા હોય તેમ ઊંડા શ્વાસ લઇ, તે હૃદયને કાબૂમાં લેવા કોશિશ કરી રહી હતી. મન ભરીને વંદનનો ચહેરો જોવા મળેલો એ મોકો, એનું સાનિધ્ય, પોતે અને વંદન, આ વિચારો માત્ર રોમાના તન-મનને તરબતર કરવા લાગ્યા હતા.

કોઈપણ રીતે વંદનની સમીપ આવવાની તક, હવે ગુમાવવી પોસાય તેમ નહોતી. રોમાને વંદનનો નશો થવા લાગ્યો હતો. પરંતુ આ માટે અત્યારે તો ચડત કામનો ઢગલો ફટાફટ ઠેકાણે પાડવાની તાતી જરૂરિયાત હતી. કંપનીની મેનેજમેન્ટ હેડ તરીકે તેણે પોતાની કાર્યદક્ષતા પુરવાર કરી હતી અને બાકીના કામ આટોપવા તે કટિબદ્ધ હતી.

રોમાનો ભૂતકાળ એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી તરીકેનો રહ્યો હતો. મુંબઈની એક પ્રખ્યાત કોલેજમાંથી મેનેજમેન્ટ કોર્ષ કર્યા બાદ, તે હાલની આ કંપનીમાં જોડાઈ હતી. એ વાતને લગભગ છ વર્ષ થયાં હતાં. આથી રોમા પોતાની કંપનીમાં એક કીરોલ ભજવતી હતી. ખૂબ વ્યસ્તતા વચ્ચે એ પોતાની અંગત જરૂરિયાતોને ક્યારેય મહત્વ આપતી નહોતી. ખરેખર જોવા જઈએ તો તે લાગણીશૂન્ય જ હતી.

બાકી કોલેજમાં સાથે ભણતા એક પારસી મિત્ર સોહરાબની સાથે સગાઇ કરવાની ભૂલ કદી ન કરી હોત. સોહરાબ દસ્તુરનો પરિવાર પેઢીઓથી મુંબઈમાં વસેલો હતો અને ખાસ્સો સુખી સંપન્ન પણ હતો. સોહરાબ અને રોમા બંને પાર્ટીઓ અને મોજશોખના બહાનાઓ શોધતાં. પાર્ટીઓ દરમિયાન જ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ અને તેને પ્રેમ સમજવાની ભૂલ કરી. કોલેજ પત્યા બાદ તુરંત જ બંનેએ સગાઇ કરી, સંબંધને મહોર મારવા કોશિશ કરી જે પૂરા ત્રણ મહિના પણ ન ચાલી. સોહરાબની પ્રકૃતિમાં કોઈ સાથે બંધાવવું, કોઈ રીતે બંધ બેસતું નહોતું. આ તરફ રોમાના પણ કૈક એવા જ હાલ હતાં. જે દિવસે સોહરાબે સગાઇ તોડવા ફોન કર્યો તે દિવસ રોમા બિલકુલ વિચલિત નહોતી થઇ, ઉલ્ટું તેને તો હળવાશ લાગી હતી. તે પછી ભૂતપૂર્વ પતિ રાગ સાથે પરાણે બે વર્ષ, ટૂંકું લગ્નજીવન વીતાવેલું. બંધન સાથે એને બનપ જ નહોતી જાણે.

ખેર, ઉંમર ઉંમરનું કામ કરી ગઈ કે જે હોય તે, રોમા હવે જીવનમાં કોઈક જગ્યાએ એક ઠહેરાવ ઇચ્છતી હતી; આમ છતાં તે પોતાના આ મનોભાવને પિછાણી શકતી નહોતી. નોકરીમાં તો ઘણા ધ્યેય હાસિલ કર્યા હતાં. પરંતુ ઘરે જઈને વાત કરવા માટે પિતા સિવાય કોઈ ખાસ અંગત નહોતું. બહુ જ અલ્હડ અને બિન્દાસ જીવન જીવ્યા બાદ એની હવામાં ઊડતી લગામને પણ કોઈ થામે તેવી લાગણી, ઊંડે-ઊંડે આકાર લેવા મંડી હતી.

સમી સાંજે વંદનની કાર બંગલા પાસે જઈને અટકી. બહુ સમય બાદ પિતાનો અવાજ ઘરની બહાર આવે તેમ સંભળાયો. પાખી હતી ત્યારે તે મોટેથી વાત કરતી, માં પણ ખુશ રહેતી. હવે સમય જુદો હતો. માતાને લંડન જવા વિશે બધું કહેવા વંદનને ઘણું મન હતું, પણ પિતા કોઈ સાથે ફોન પર વાત કરતા નજરે ચડ્યા એટલે વંદને વાત કરવી મોકૂફ રાખી.
જમ્યા પછી થોડીવાર બાદ તેણે એ બિઝનેસ ટુર અંગે વિસ્ત્રુત વાત કરી. ત્યાં લગભગ એક મહિના જેવો સમય થશે અને પોતાની જોડે રોમા આવનાર છે, તેમજ રોમાની કંપની કઈ રીતે પોતાની કંપનીના પ્રોજેકટમાં સંકળાયેલી છે તે જણાવ્યું. માતાપિતાએ એકમેકની સામે જોયું.

“સારું, જઇ આવ. નવી જગ્યા પર કામ કરવાની તક મળી. ” માંએ વિવાદ ટાળ્યો. વંદન તેના રૂમમાં ગયા બાદ માતાએ ધીમા અવાજે વાત શરુ કરી. ” વંદન આમ તો ત્યાં જાય તો વાંધો નહિ પણ લંડન જ શા માટે? ઈશ્વર શા કાજે તેની કસોટી કરે છે? ”

“મારો દીકરો પ્રેમ કે લગ્નસુખ તો ન પામ્યો પણ ભરજુવાનીમાં એનું કલેજું નંદવાઈ ગયું.” પિતાએ નિસાસો નાખ્યો.

લંડન જવાનો દિવસ આવી પહોંચ્યો. ઘણી ના પાડવા છતાં માતાપિતા વંદનને મૂકવા એરપોર્ટ ગયાં. ત્યાં તેઓ રોમાને મળ્યાં. થોડી રાહત પણ લાગી કે વંદન એકલો નથી જઇ રહ્યો.

બધી ફોર્માલિટીઝ પત્યા બાદ રોમા અને વંદન એકલાં પડ્યાં. વંદન ખાસ ઉત્સાહિત નહોતો લાગતો એ જોતાં રોમાએ પૂછ્યું,” વંદન, આર યુ કમ્ફર્ટેબલ ?”
“હા હા, બિલકુલ.”
” તો પછી, થાકેલા હશો એમ માનું છું. પણ તમે આજ તમારો યુઝવલ સેલ્ફ તો નથી જ લાગતા.”
” ના એવું તો કઈ નથી, હા કદાચ વર્ક ઓવરલોડને લીધે હશે.”

બોર્ડિંગ શરુ થતાં વંદન અને રોમા એ તરફ વળ્યાં. રોમાએ પહેરેલ પોશાક અતિ આકર્ષક હતો.ધ્યાન ખેંચવા રોમા વારંવાર મેકઅપ સરખો કરતી હતી, છતાં વંદન એ અંગે કઈ ન બોલ્યો. કોમ્પ્લિમેન્ટની આશા ગુમાવી ચુકેલી રોમાનું મન અત્યારે હિલોળે ચડ્યું હતું. એક આખો મહિનો છે, કેટલો વખત દૂર ભાગશે ? વંદન આખરે તો એક પુરુષ છે અને તેને જીતવો અઘરો નથી જ, એમ મનોમન સંકલ્પ કરીને રોમાએ ઊંચી એડીના સેન્ડલ સાથે પગ ઉપાડ્યા ને પોતાની રુઆબદાર ચાલથી એરક્રાફ્ટમાં પ્રવેશ કર્યો..

તે વંદનની બાજુમાં બેસી , તેના ચહેરાને નીરખી રહી. કઈ દુનિયામાં વિચરતો હતો વંદન? આખરે શું હતું જે તેને ડંખી રહ્યું હતું ? જે હશે તે પોતે જાણવા પ્રયત્ન કરશે એમ વિચારીને રોમાએ થોડીવાર આંખો બંધ કરી.

વંદને હળવેકથી એક પુસ્તક બહાર કાઢ્યું. પોતાના દિલની નજદીક આવેલી બંને સ્ત્રીઓની તસ્વીર તે સદાય આ પુસ્તકમાં છુપાવીને રાખતો. એ પુસ્તકમાં રાખેલા એક ફોટોગ્રાફને જોઈને તે મલકી ગયો. એ ફોટો પાખીનો હતો. તેના મૃત્યુના બે માસ પૂર્વે લીધેલો. થોડા પાનાંઓ ફેરવી તે બીજા ફોટોને જોવા માંગતો હતો. બાજુમાં આંખ બંધ કરીને બેઠેલી રોમા તરફ એકવાર નજર ફેરવી લીધી. રખેને પોતે શું કરે છે તે પકડાઈ ન જાય તેની ખાતરી કરી.

ધબકતા હૃદયે નક્કી કરેલું પાનું ખોલે તે પહેલાં જ એરહોસ્ટેસ પાસે આવીને ધીમે રહીને બોલી,” પ્લીઝ ટાઇ યોર સીટ બેલ્ટ્સ” અને પછી હળવું સ્મિત આપીને આગળ વધી. વંદનની ભૂતકાળ-સફરમાં ભંગ પડ્યો. એ હચમચી ગયો. રોમા તેને જોઈ રહી છે તે આંખના ખૂણેથી તેણે નોંધ્યું. તરત જ સીટ બેલ્ટ્સ બાંધ્યા.

એકદમથી બધું ખંખેરી નાખવા અને રોમા વળી કઈ આશંકા વ્યક્ત કરે તો ખુલાસાઓ આપવાના ડરે, હવે તેણે આંખો બંધ કરી. પુસ્તક છાતી સરસું ચાંપ્યું.શરીરની નસો જોરથી ધબકી રહી હતી. ક્યારેય કલ્પ્યું નહોતું કે પોતે આ રીતે લંડન જશે. જીવનનો આ અધ્યાય, કઈ દિશા તરફ લઇ જઇ રહ્યો હતો ? માંડ મેળવેલી મનની શાંતિ અને સ્થિરતા, સમુદ્રમાં વમળ ઊઠ્યો હોય તેની પેઠે વલોવાઈ ગયાં હતાં.પુસ્તકમાંનો બીજો ફોટો તેના પ્રથમ પ્રેમ, એટલે કે અંતરાનો હતો. અંતરાનું એડ્રેસ-ફોન નંબર, તમામ વિગત એ ફોટોની પાછળ લખેલી હતી.

વંદનનો દેહ અને મન તેના કહ્યામાં નહોતા. બસ,એ એક જ નામ તેને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી રહ્યું હતું. પ્રથમ પ્રેમ અને ભૂંસ્યો ન ભૂંસાય તેવો અભિન્ન યાદનો ટુકડો, આજ તેના હૃદયમાં ચિત્કારી રહ્યો હતો.

एक नफरत ही नहीं दुनिया में दर्द का सबब फ़राज़,
मोहब्बत भी सुकून वालों को बड़ी तकलीफ देती है।

ક્રમશઃ

Rupal Vasavada