Rang sangam - 2 books and stories free download online pdf in Gujarati

રંગ સંગમ - 2

રંગ સંગમ (ભાગ-૨)

” હેલો, હું રોમા, તમે વંદન રાઈટ ?” અંતે જાતને રોકી ન શકતાં રોમાએ અધવચ્ચે જ જંપલાવ્યું. જે વાતનો સિલસિલો ચાલતો હતો તેને તોડીને આ કોણ આવી ચડ્યું તે અનુમાન કરતાં કરતાં વંદને પણ હાથ લંબાવ્યો, ” હા, હું વંદન !”

વંદને વાત આગળ ચલાવી, “અમે તમારી કંપનીનું પ્રેઝન્ટેશન જોવા આવ્યા છીએ.”

રોમા એક અતિ પ્રભાવશાળી, મહત્વાકાંક્ષી, આત્મવિશ્વાસ સભર યુવતી હતી. તેને વંદનમાં રસ પડ્યો હતો અને વંદનની બીજા સાથેની ચાલુ વાત તોડીને પણ તે બિલકુલ ખચકાટ વગર ત્યાં ઉભી રહી હતી. એનો શિકાર જે બને તેની લોકોને ઈર્ષા આવે તેવું તેનું વ્યક્તિત્વ હતું. વંદનને આ વાર્તાલાપ ટૂંકે પતાવવા મન હતું. રોમા પણ જાણે આ વાત કળી ગઈ હોય તેમ બોલી, ” પ્લીઝ એકસ્કયુઝ મી, મારે તમારી કંપનીના હેડ સાથે વાત કરવાની બાકી છે..પછી મળીએ….નાઇસ ટુ મીટ યુ. ”

મિટીંગથી પાછાં ફરતાં પેલો સહકર્મચારી રોમા અંગે વાત કરવા માંગતો હતો, પણ એ વાત તેણે છેડી નહીં, વળી વંદનનો ચહેરો તદ્દન નિર્લેપ હતો. વંદન પહેલેથી જ આવો હશે કે પત્નીના અવસાન બાદ આવો થઇ ગયો હશે તેની અટકળમાં ગૂંચવાતો સહકર્મચારી, ચૂપચાપ બેઠો રહ્યો.

ઓફિસમાં પ્રવેશીને વંદન પોતાની કેબીન તરફ ગયો. ઈ મૅલ ચેક કરવાનું શરુ કર્યું. તરત જ રોમાની મેલ ઇનબોક્સમાં દેખાઈ. વંદને રોમાની મૅલને વાંચવાનું ચાલુ કર્યું.

” હેય જેન્ટલમેન,

તમને મળીને ઘણી ખુશી થઇ..હવે તો આપણી બંનેની કંપનીઓ કામ અંગે સમ્પર્કમાં રહેશે. એ ઉપરાંત પણ કામકાજ હોય તો જરૂરથી જણાવજો. વેલ, તમારો ફોન નંબર મારી પાસે છે, વાતચીત કરતાં રહીશું.

રોમા.”

વંદને એ વાતને બાજુએ મૂકી, બીજા મૅલ પર ધ્યાન આપવાનું પસંદ કર્યું.

એ જ દિવસે રોમાએ ચાલાકીથી વંદનના જીવન અંગે બાતમી મેળવી. પાખીના મોત અંગે જાણીને રોમા વ્યથિત થઇ. પોતે જેને અપરિણીત સમજી બેઠી હતી તે હજુ પત્નીના મોતના આઘાતમાંથી બહાર નહોતો આવ્યો. પોતાનાથી ઉંમરમાં નાનો તેવો વંદન કોઈ જુદી જ માટીનો બનેલો હતો તે બાબતમાં કોઈ શંકા નહોતી..

૩૧ વર્ષીય રોમા, સફળતા અને સુંદરતાના એક ગજબ સમન્વયરૂપે, જાત ઉપર ખૂબ અભિમાન લેતી. અગાઉ એક વખત સગાઇ અને એક વખત લગ્ન તોડીને સ્વનિર્ભર જીવન જીવતી રોમા, કોઈ પુરુષ પરનું અવલંબન નહોતી ઇચ્છતી. તો પછી વંદનમાં એવું શું ખાસ હતું જે એને મજબૂર બનાવી રહ્યું હતું ? પહેલીવાર વંદનને મીટિંગમાં જોઈને તેણે પોતાનામાં રહેલી સ્ત્રીને વિવશ થતી અનુભવી હતી. વંદનનું લાંબુ કદ, એકવડિયો બાંધો, ચહેરા પર ઉંમર કરતાં વધુ પરિપક્વતા છતાં એક સુકોમળ ભાવની છાંટ, નજરની પેલેપાર ચીરી જાય તેવી ધારદાર આંખો..અને ખૂબ શાંતિથી સામી વ્યક્તિની વાત સાંભળવાની અદા. આટલો સ્થિર માણસ આખી ભીડમાં તો શું, આટલા વર્ષોમાં તેને જોયાનું યાદ નહોતું.

બીજા દિવસે સવારે ઉઠતાવેંત વંદને મોબાઈલમાં રોમાનો મેસેજ જોયો. ‘ વિકેન્ડમાં ફ્રી હોવ તો મળીએ.’ વંદને વિનમ્રતાપૂર્વક સામો મેસેજ કર્યો કે ‘ વિકેન્ડમાં હું બહુ ખાસ બહાર જતો નથી. ફરી કોઈવાર.’ રોમાની હરકતથી ખાસ વિચલિત થયા વગર તે પોતાના નિત્યક્રમમાં જોડાઈ ગયો.

પોતાને મળવામાં વંદનને કોઈ રસ નહોતો એ જાણીને રોમા હતાશ થઇ. પણ સહેલાઈથી મળે તે જીતનો શું આનંદ? વળી વધુ પ્રયત્નો કરી પકડાઈ જવાશે તે દેખીતું લાગતાં, રોમાએ સમય ઉપર બધું છોડ્યું. રોમા અને વંદન ફરી પોતપોતાની જિંદગીમાં ખોવાઈ ગયાં.

આશરે છ માસ બાદ ફરી એકવાર ઓફિસના કામને લીધે વંદને રોમાને મળવા જવું પડ્યું. રોમાની ઓફિસ એક સી-ફેસિંગ બિલ્ડિંગના બારમે માળે હતી. રિસેપશન લોન્જમાં રોમાએ આપેલ સમયે વંદન પહોંચ્યો. દસેક મિનીટો બાદ રોમાએ તેને અંદર બોલાવ્યો. તે ઉત્કંઠાપૂર્વક આ ઘડીની રાહ જોતી હતી. સુંદર સમુદ્ર જોડે ભળી જાય તેવી આસમાની સાડીમાં સજ્જ રોમા રિવોલ્વીંન્ગ ચેરમાંથી ઊભી થઇ, લગભગ દોડતી વંદનને આવકારવા સામી ગઈ.

ઓફિસના એક ભાગમાં ઉછળતા સમુદ્રની સન્મુખ એક નાની બેઠક બનાવેલ હતી. ત્યાં સામસામે બેસીને બંનેએ વાતચીત શરુ કરી. વંદને થોડી ઔપચારિક વાતો કર્યા બાદ કામ અંગે વાતો કરવી જરૂરી સમજી. રોમા વંદન સાથે બેસીને એકેક પળનો રોમાન્ચ અનુભવતી હતી. વંદનની દરેક ખાસિયતને તે બારીકીથી નોંધી રહી હતી. તેનો સુઘડ અને સ્વસ્થ દેખાવ, દરેક વાતને ઊંડાણથી સમજવાની શક્તિ, ટૂંકમાં વાત કરી ઘણું કહી જવાની આવડત વગેરે. . ફાઈલો અને બીજા ડોકયુમેન્ટ્સની આપ-લે કરતી વખત વંદનનો એક અછડતો સ્પર્શ રોમાને તારતાર કરી ગયો. મન સતત તેના તરફ ઢળતું જતું હતું,પરંતુ મનોભાવો સંતાડ્યા વગર છૂટકો નહોતો.

વંદને પણ જોયું કે પહેલીવાર મળેલી રોમા કરતાં આ રોમા જુદી પડતી હતી. અલબત્ત ફક્ત પોશાકની બાબતમાં. પેલા દિવસે તે વેસ્ટર્ન, ફોર્મલ્સમાં હતી. આજે તે એક સરળ અને સુંદર ભારતીય નારી તરીકેની છાપ ઉપસાવી રહી હતી.વંદને પણ નોંધ્યું કે રોમા કામ કરતાં તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. અંતમાં તે પૂછી બેઠી,” વંદન, તમને જો અનુકૂળ હોય તો આપણે હજુ એકાદવાર મળી શકીએ…??!! આઈ મીન..કામ અંગે. આ લંડનના પ્રોજેક્ટ માટે હજુ થોડી માહિતી મારે તમને આપવાની બાકી છે.”

વંદને કહ્યું, ” ડન. હું પણ મારા બોસ સાથે એકવાર વાત કરી લઈશ. તે પછી નક્કી કરીએ.” હાથ મિલાવી વંદન ચાલતો થયો. પોતાનું અસ્તિત્વ વંદનના જવાથી જડ બની ગયું હોય તેમ રોમા ત્યાં જ બેસી રહી.

સાંજે વંદનનો ફોન છે તેમ રિસેપશનીસ્ટે જણાવતાં, સામે છેડે વંદનનો અવાજ સાંભળવા રોમા અધીરી બની. ” હાય રોમા ! મારે બોસ સાથે વાત થઇ, એમના કહેવા મુજબ કદાચ મારે લંડન જઈને જ પ્રોજેક્ટ માટે કામ કરવું જરૂરી બનશે. તમારે આવવું પડશે. તમે જો બે દિવસ ફાળવી શકો તો એ મુજબ નક્કી કરીએ. ઓફિશિયલ માહિતી તમને મારા બોસ તરફથી આપવામાં આવશે. ” એકધારું આટલું બોલી ગયાં પછી વંદન રોમાનો જવાબ સાંભળવા રોકાયો. રોમાને અણધારી રીતે આ બધું કેમ કરતાં બની ગયું એ સમજતાં વાર લાગી. તે થોથવાતાં બોલી, ” મને કોઈ વાંધો નથી. તમારી અનુકૂળ ડેટ્સ આપજો. ”

” શ્યોર, સી યુ ધેન ” વંદને વાત પતાવી રીસીવર મૂકી દીધું.

“તમારે આવવું પડશે…..” આ શબ્દો થોડી ઘડીઓ માટે તેના કાનમાં ગુંજતા રહ્યા. માનવામાં નહોતું આવતું કે ખરેખર વંદને પોતાની સાથે લંડન જવા અંગેનો પ્રસ્તાવ મુક્યો હતો. શું વંદન થોડો જુક્યો હતો, કે પછી તે કામને લઈને ખરેખર બહુ ગંભીર હતો.

અતિ માનુની અને મનચલી રોમા, વંદન પાસે દિલ હારીને પણ કૈક મહામૂલું મેળવ્યાની મૂંઝવણ અનુભવી રહી હતી. તેને પ્રેમમાં પડવાનો અફસોસ નહોતો, વંદન જેવો કોઈ માણસ જો પહેલાં જીવનમાં આવ્યો હોત તો આ ખુમારીમાં એકલતા અનુભવતી રોમા કોઈ જુદી સ્ત્રી હોત.

ફ્લાઇટથી લઈને લંડનમાં બે આખા દિવસ વંદન સાથે ગાળવાની કલ્પના માત્રથી તેનો ચહેરો રતુમડો બની ગયો. દરિયા પર પથરાતી લાલ-કેસરી-ગુલાબી સાંજ તેના ચહેરા પર પ્રતિબિંબ પાડવા લાગી. આ સુંદર યોગાનુયોગ માટે તે મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગી.

ઇત્તેફાક સે તો, નહી હમ દોનો ટકરાયે,

કુછ તો સાઝીશ, ખુદા કી ભી હોગી…!

Rupal Vasavada