Promise of my dad books and stories free download online pdf in Gujarati

પપ્પા ની પ્રોમિસ


સ્ટેજ પર મારું નામ બોલવામાં આવ્યું.

" મૈત્રી મલ્હોત્રા !!! આ નામ ને કોઈ પરિચય આપવાની જરૂર લાગતી નથી. તો પણ એમના માટે બે શબ્દ કેહવાનું મન થાય છે. આજના 21 મી સદી ના યુગ ની શ્રવણ જેવી દીકરી, નામાંકિત મનોચિકિત્સક અને એક ઉમદા લેખક. આજે ખાસ આપણે એમણે આજ ના શું પ્રસંગે આમંત્રિત કર્યા છે. અત્યાર ની પેઢી ને મા -બાપ ની કોઈ લાગણી જ નથી ત્યારે તમારે સામે ઊભેલું આ એવું વ્યક્તિત્વ કે જેમને એમના 300 પુસ્તક માંથી 189 જેટલા પુસ્તક પિતા પર લખ્યા છે."

મારા પરિચય મા એ જે બોલ્યા એ મને ગમ્યું પણ હું એને લાયક હોય એવું મને બિલકુલ ન લાગ્યું...

મારી ચીફ ગેસ્ટ ની ખુરશી થી પોડિયમ સુધી ની સફર મે મારો સંપૂર્ણ ઇતિહાસ વાગોળી લીધો.

" त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बंधुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणं त्वमेव
त्वमेव सर्वं मम देव देव ॥

શ્લોક થી મારા વક્તવ્ય ની શરૂઆત કરી અને આ વખતે મે મારા જીવન ની સૌથી દુઃખદ ઘટના ની શરૂઆત મારા જીવન ની સૌથી સુખદ ઘટના થી શરૂ કરી.

"પપ્પા, હું તમને છોડીને ક્યાંય નઈ જાવ હો ને. ચાલો મને પ્રોમિસ આપો કે તમે મને ક્યાંય નઈ મોકલો. હું તમારી સાથે આ જ ઘર માં રહીશ. ઓકે પપ્પા." બસ દરરોજ ની આ એક જ લપ.

" અરે બેટા, દીકરી ને ઘરે થોડી રખાય, તું તો પારકી થાપણ કહેવાય દીકરા." અને પપ્પા નું આ દરરોજ નું ઘડેલું વાક્ય.

" એક બાજુ દીકરો કરવો છે અને સાસરે પણ મોકલવી છે એમ ને ?" હું મારા પપ્પા ને કાયમ આજ શબ્દો પાછા આપતી. જ્યારે જ્યારે એ મને સાસરે મોકલવાની વાત કરે ત્યારે ત્યારે.

પપ્પા અને આખું ઘર સારી રીતે જાણે કે મને લગ્ન મા અને એમના વખત ના જૂના રિવાજો મા કઈ જ રસ નહીં. તો મને ચીડવવા માટે આવું બોલ્યા કરે. હું ચિડાવ એમાં મારા પપ્પા ને બવ જ રસ પડે.

" હા તે તું મારો દીકરો જ તો છે ને, નાનપણ થી તને દીકરા ની જેમ જ તો ઉછેરી છે."

" ના મારે તમારો દીકરો નથી થાવું હો, હું તમારી દીકરી જ બરાબર છું. દીકરા મા અને દીકરી મા લાખ ગાડા નો ફરક છે. એટલે હું તમારી દીકરી જ બરાબર છું." પપ્પા ની વાત મે વચ્ચે થી જ કાપી નાખી .

" સારું ચાલ. તું મારી લક્ષ્મી, તું જ સરસ્વતી અને તું જ દુર્ગા બસ હવે."

" હવે બેવ બાપ - દીકરી નું પ્રવચન પૂરું થયું હોય તો જમવા બેસો." મમ્મી ને આ રોજ નું થયું. દરરોજ અમે લપ કરતા હોય અને મમ્મી ને કાયમ એમને બોલવાના.

એક દિવસ કોલેજ થી આવી તો ખબર નહિ કેમ અચાનક ચક્કર આવવા લાગ્યા. મમ્મી ને એમ કે તડકો લાગ્યો હોય અને છોકરી ભૂખી હશે એટલે એને જલ્દી થી મને જમવા બેસાડી. જામી લીધા પછી બરાબર લાગ્યું એટલે હું સૂઈ ગઈ.

એમ બે - ત્રણ મહિના નીકળી ગયા અને પછી પાછા ફરી ચક્કર આવવા લાગ્યા અને આ વખતે તો અશક્તિ પણ હતી. એટલે મમ્મી ને થયું કે ચાલ ને ડોક્ટર ને દેખાડીએ.

પપ્પા મારી સાથે વિજય અંકલ ના દવાખાને આવ્યા. વિજય અંકલ અમારા ફેમિલી ડોક્ટર. એ અમારા ઘર ના તમામ સભ્યો ની નસે નસ થી વાકેફ. પપ્પા એ બધી વાત કરી.

"હવે આને શું થવાનું? ગલગોટા જેવી તો છે. " પપ્પા ની વાત સાંભળી ને અંકલે હસતા હસતા બોલ્યા.

" એક વાર ચેક કરી લે ને ભાઈ, એના મમ્મી ના મન માંથી વહેમ નીકળી જાય." પપ્પા એ પણ હસતા હસતા કિહ્યું.

"ચાલો ત્યારે મૈત્રી બેન, કરી લઈએ બધા ના મન નું સમાધાન." અંકલે કરી પીઠ થાબડી ને કહ્યું.

" મને શું થવાનું વળી? પણ મમ્મી ને શાંતી થઈ જાય તો બસ. કેમ પપ્પા? " હું પપ્પા સમુ જોઈ ને હસતા હસતા બોલી.

મારું ફુલ બોડી ચેકઅપ કર્યું. પછી મને કઈ એવું ઇંજેક્શન આપ્યું કે મારી આખો ઘેરાવા લાગી.

કદાચ હું બે - પાચ કલાક પછી ઊઠી. પપ્પા અને અંકલ બેવ સામે જ હતા.

" કેવું લાગે છે હવે મૈત્રું બેટા? "

" નોર્મલ જ. જેવી હતી એવી જ છું. પણ તમે બંને કઈ ચિંતા મા છો." જાગી ત્યારે વાતાવરણ કઈક અલગ જ હતું.

" ના હવે એવું કઈ નથી, એતો તારા પપ્પા જૂની વાતો કરતા એટલે."

" તો ઠીક. મને તો એમ કે તમે મને વિદાય કર્યે જ જપશો." હું હસવા લાગી અને એ બેવ એક બીજા સામે જોઈ રહ્યા.

એક દિવસ અચાનક પપ્પા ના રૂમ માં ગઈ તો એ સ્ટડી ટેબલ પાસે બેઠા બેઠા કઈક લખતા હતા. દરવાજા ના અવાજ થી એમણે જટ દઈ ને બધું સંકેલી લીધું. એ રાતે મે અને પપ્પા એ આખી રાત વાતો કરી અને હું ક્યારે એમના ખોળા માં માથું નાખી ને સુઈ ગઈ એ મને ખબર જ ન પાડી. થોડા દિવસ બાદ બરાબર ચાલ્યું. મને કઈક અજીબ લાગ્યું હતું. એટલે મેં ડોક્ટર અંકલ ને મળવા નું નક્કી કર્યું.

પાચેક દિવસ પછી હું ઘરે કોઈ ને પણ કઈ કહ્યા વગર હોસ્પિટલ નીકળી ગઈ. મને દાળ માં કઈ કાળું હોય એવું લાગ્યું.

" હું અંદર આવું ડોક્ટર ?" અંકલ કઈક ફાઈલ ગોતી રહ્યા હતા.

"અરે ! મૈત્રી તું. આવ બેટા. આજ પણ ચક્કર આવે છે કે શું?" એમને હસવાનો પ્રયત્ન કર્યો પણ હું ગંભીર હતી એટલે એમનું હાસ્ય એમની ઓફિસ મા ક્યાંય ખોવાઈ ગયું.

" ડોક્ટર, મને શું થયું છે? હું ઘરે ગઈ ત્યાંથી જોવું છું. બધા નું વર્તન બદલાયેલું છે અને પપ્પા તો હસવાનું અને હસાવવાનું નાટક કરે છે એ હું સારી રીતે જાણું છું. મને જે કઈ પણ હોય એ જણાવો. પ્લીઝ." મારામાં હતી એટલી બધી હિંમત અને બે હાથ ભેગા કરી ને કહ્યું.

કેટલી બધી હા - ના અને આનાકાની પછી અંતે એમણે વાત શરું કરી.

" તો સાંભળ બેટા, તારી બંને કિડની ખરાબ થઈ ગઈ છે. આ રોગ ને મેડિકલ ભાષામાં “chronic kidney disease” કહેવાય છે.પણ તું ચિંતા ન કરીશ મે કિડની નો બંદોબસ્ત કરી લીધો છે અને એ વ્યક્તિ ફ્રી મા દાન કરવા તૈયાર છે. અને તારું ઑપરેશન હું અમદાવાદ ના બેસ્ટ નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ હિરેનભાઈ મેહતા પાસે કરાવીશ. એમના 90 % દર્દીઓ આજ સુખી જીવન જીવે છે. ભગવાન પર શ્રદ્ધા રાખજે. સૌ સારા વાના થશે. મારી દવા અને પરિવાર ની દુવા થી સૌ સારું થઈ જશે."
આંથી આગળ એ કઈ બોલી શકવાની હાલત માં ન હતા. અને હું કઈ સાંભળવાની હાલત માં ન હતી.

" Thank you uncle. પણ જો એ 90 % માં મારો સમાવેશ ન થતો હોય તો ?"

મારા પ્રશ્ન ને એ ઓફિસ મા હું રમતો મૂકીને આવી તો ગઈ પણ મન ને જરાય શાંતિ ન હતી. તો પણ જાણે મને કઈ ખબર જ નથી એમ જ વર્તન કરતી હું ઘરે આવી.

ઘરે આવી ને મારા રૂમ માં જઈ ને ખુબ રડી અને રડતા રડતા ક્યારે નીદર આવી ગઈ એ કઈ ખબર જ ન પડી. પણ એ ઑપરેશન ના દિવસ સુધી ની સૌથી મીઠી નીંદર હતી.

થોડા દિવસ મા તો મમ્મી પપ્પા બંને ને ખબર પડી ગઈ કે મને બધી ખબર છે અને હું નાટક કરું છું. એટલે એમાને મને આશ્વાસન આપવાની કોશિશ કરી. પણ એમનો દર્દ એમના અવાજ મા છલોછલ ભરેલો હતો.

ઘર નું વાતાવરણ એક દમ શાંત થઈ ગયું હતું. બસ બધા કામ પૂરતું જ બોલે. પપ્પા બિચારા એકલા એકલા બોલવાની કોશિશ કરે પણ મમ્મી ને તો એટલું વસમું લાગેલું કે જાણે એ તો બધા શબ્દો જ ભૂલી ગઈ ન હોય.

25 ઓક્ટોબર ના રોજ સવારે 9: 30 મારું ઑપરેશન થવાનો સમય હતો. મમ્મી અને પપ્પા બંને જણ હું મારા રૂમ ની બહાર નીકળી ત્યારે ભગવાન પાસે ઉભા ઉભા ભગવાન ને એમના આંસુ થી નવડાવતા હતા. એ મારા જીવન નું સૌથી ભયાનક દૃશ્ય હતું. આજ પણ એ મારી આંખ સામે થી જતું નથી.

હતી એટલી હિંમત ભેગી કરી ને મમ્મી ને બોલાવી.

એ બંને તો જાણે જીવવાનું જ ભૂલી ગયા ન હોય. ઘર ની એટલી શાંતિ મને અંદર થી વધારે ખાઈ રહી હતી. હું બોલવાનો પ્રયત્ન કરું પણ એ બંને ના ચેહરા જોઈ ને હું આખી ભરાઈ જાવ.

આજ તો ઘર ની બહાર પગ મૂકતાં જાણે એમ જ થયું કે હવે આ ઘર ને ફરી વાર જોઈ શકીશ કે નહી.

ગાડી એ એનો રસ્તો પકડ્યો. 15 કિલોમીટર ના અંતર મા જાણે હું 15 વર્ષ થી બેઠી હોય એવું લાગ્યું. અંતે હોસ્પિટલ આવી. પપ્પા અને વિજય અંકલ મળી ને કઈ વાત કરતા હતા. મને વ્હીલચેર માં બેસાડી ને ઑપરેશન થીએટર તરફ લઈ ગયા. જ્યાં સુધી દરવાજો ન આવ્યો અને મારો હાથ ન મુક્લવ્યો ત્યાં સુધી મમ્મી પપ્પા એ મારો હાથ પકડી રાખ્યો.

ઑપરેશન સફળ થયું એ વાત ની ખબર મને ભાન માં આવ્યા પાછી પડી ત્યારે જ મને પપ્પા નો વિચાર આવ્યો કે એ બવ જ ખુશ થશે અને મને ઉચકીને નાચવા માં કઈ બાકી નઈ રાખે.

પણ જોડે જોડે એક દુઃખ ના પણ સમાચાર હતા. મને જે વ્યક્તિ એ કિડની ડોનેટ કરી એ વ્યક્તિ નું મૃત્યુ થઈ ગયું. સાંભળી ને મને બહુ દુઃખ લાગ્યું.

જ્યારે સાંભળ્યું ત્યારે તો દુઃખ થયું પણ જોયું ત્યારે તો મારો જીવ જતો રહ્યો. મારા અને મૃત્યુ વચ્ચે બસ મારી મમ્મી હતી.

મને કિડની ડોનેટ કરનાર બીજું કોઈ નહિ પણ મારા પપ્પા જ હતા એ જાણતા ની સાથે માનો મારી પર આભ તુટી પડ્યું, નીચે થી જમીન ખસી ગઈ અને એવું કેટકેટલું થયું એના માટે મારી પાસે શબ્દો જ નથી.

વિજય અંકલ ને મને સાંત્વના આપવાની ખૂબ કોશિશ કરી પણ આ બાબતે આશ્વાસન આપવા કોઈ સક્ષમ ન હતું. મને પેલા જેટલું રડી એટલું રડવા દઈ ને અંકલે એક પત્ર આપ્યો.
એ પત્ર હું તમને વચી ને સંભળાવા માગું છું."

આટલું બોલતા મે પત્ર ખોલ્યો. એ મરોડદાર અક્ષર અને બવ જ પ્રેમ થી છલોછલ પત્ર વાચવાની મે શરૂઆત કરી.

...........................................................................

" મારી વ્હાલી મૈત્રુ,

આ પત્ર જ્યારે તારા હાથ માં આવશે ત્યારે કદાચ હું તારી સાથે નહી હોવ. પણ તારી અંદર જરૂર થી હોઈશ. તારી બીમારી ની ખબર પડી ત્યારે મે જ તારા વિજય અંકલ ને કીધેલું કે મારી કિડની આપવા તૈયાર છું.

મારા ચેકઅપ બાદ ખબર પડી કે મારી કિડની આપવા માં મારા જીવ નું જોખમ છે. તારી મમ્મી એ એનો પણ ચેકઅપ કરાવ્યો પણ એની કિડની મેચ ન થઈ. મારા ને તારા દિલ જેટલા મળે છેને એટલી જ આપડી કિડની પણ મળતી હતી.

મે મારી કિડની આપવા નું નક્કી કર્યું.

મારે તો તારું પ્રોમિસ પુરું કરવાનું હતું એટલે તને કેમ જવા દઉં? એટલે આ રસ્તો મે પોતે જ સ્વીકાર્યો છે તું આના માટે કોઈ ને જવાબદાર ન ગણીશ. અને તારી મમ્મી સાવ તુટી ગઈ છે એને જોડવાનું કામ પણ તરે જ કરવાનું છે બેટા.

હા એક વાત છે, હું ઉપર જઈ ને તને ચીડવવા નું બવ જ મિસ કરીશ. તારા બાળપણ ના તમામ નાટકો ને યાદ કરી કરીને ભગવાન સાથે હસ્યાં કરીશ. પણ તું ક્યારેય દુઃખી ન થતી કેમ કે મે આ બલિદાન તારી જ ખુશી માટે આપ્યું છે.

તું સાચું કેહતી કે તું મારો દીકરો નહી દીકરી જ છે. કેમ કે એક બાપ ને આટલી લાગણી એની દીકરી સાથે જ હોય. હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે તારા જેવી દીકરી બધા ને આપે.

તું જીવન માં ખૂબ આગળ વધે અને તારા બધા સ્વપ્ન પૂરા થાય એવું હું ભગવાન ને જઈ ને કહીશ.

~ તારા વહલા પિતા
............................................................................................
"મને ખબર ન હતી કે મારી પ્રોમિસ મને જ આટલી મોંઘી પડેશે." એથી વધારે હું કઈ જ ન બોલી શકી. અને બધા ને પ્રણામ કરી ને મારું વક્તવ્ય પૂરું કર્યું.

સમગ્ર હોલ માં એટલી શાંતિ હતી કે મને એમાની ઘણી દીકરીઓ અને બાપ ના ડુસકા સાંભળવા લાગ્યા અને દૂર બેસી ને મારા પપ્પા મારી સફળતા ને વધાવી રહ્યા હતા.



✍️ કિરણ પટેલ