Jingana jalsa - 19 books and stories free download online pdf in Gujarati

જીંગાના જલસા - ભાગ 19

પ્રકરણ 19


આગળ આપણે દિલ્હીના અમુક સ્થળો જોયા.. જીંગાને બસ શીખવવામાં ચેક પોસ્ટ પાસે ફસાયા.
હવે આગળ....

"ઓય નીચે આઈએ ચલો.લાયસન્સ ઔર પરમીટ દિખાઓ ચાલો."

જીંગો અને ભગતબાપા નીચે ઊતર્યા.

"સાહબ લાયસન્સ તો નહીં ઓર પરમીટ ડ્રાઇવર કે ખિસ્સેમે રહ ગઇ હૈ."

"ક્યાં તુમ ડ્રાઇવર નહી હો! તો ક્યાં ઇતની બડી બસ ચુરાકે નીકલ દિયે હો."

"નહીં નહીં સાહબ ચુરાઈ નહિ હૈ. શીખવા નીકળ્યા હૈ.મેં બસ કા કિલિંડર હું.ઔર યે બસ કા માલિક."

"તો ડ્રાઇવર કૌન હૈ?"

"મેરા છોકરા વિજય."

"વો કહા કહા હૈ?"

"વો તો ધર્મશાળા મેં સુતા હૈ. આને બસ શીખવાનાથા તો હમ ચલે શીખવાને કે લિયે."

"અરે ક્યા બોલ રહા હૈ બુઢા? કુછ સમજમે નહીં આ રહા."

વાત વણસતી લાગી એટલે હું નીચે ઊતર્યો.

"દેખિયે સાહબ ઈસ ભૈયા કો ડ્રાઈવિંગ શીખનાથા, ઈસલીયે હમ ડ્રાઇવર કો પતા ન ચલે ઈસ તરહ નીકલે.યાદી આપ ચાહે તો યહી પંચાયતી ધર્મશાળા હૈ વહી હમ લોક ઠાહરે હૈ.વહા આકે દેખ લીજીએ. મગર અભી હમે જાને દિઝિયે.અગર ડ્રાઇવરકો પતા ચલ જાયેગા તો હમ તીનો કોઈ યહીં છોડ કે ચલે જાયેંગે."

"હમ આપકો ઐસે હી નહી જાને દે શકતે. જૂર્મના ભરના પડેગા."

"સાહબ ખીસ્સામાં તમાકુ લેવાના પૈસા નહીં હે! ઔર આપ કહેતો પૈસે દો. આપ કહે તો હમ ઉઠબેસ કરતે હૈ મગર રૂપિયા નહિ હૈ."

"તેરી જુબાન બહોત લંબી હૈ.તું ઇધર આ ઔર પૂરી સો ઉઠબેસ કર.સાથહી યહાં સે ધર્મશાળા તક ચલકે હી જાના હૈ."

જીંગાએ સો ઊઠબેસ કરી અને ચાલતો થયો.થોડી વાર બાદ અમને કહ્યું હવે તમે જાઓ.

અમે ધર્મશાળા એ આવીને બસમાં જ સૂઈ ગયા. લગભગ વહેલી સવારે ચારેક વાગ્યે જીંગો લંગડક લંગડક કરતા આવ્યો અને અમારા પર બહુ ખીજાયો.

મે એને શાંત પાડતાં કહ્યું;"એલા ભાઈ તું ગયા પછી અમને જમાદારે કહ્યું જો તમે આગળથી એ ભાઈને બેસાડ્યો તો તમારી આખી બસ ડિટેઈન કરીશું,હવે તું જ કહે કેમ તને બેસાડવો?"

"હા તે હારું (સારું) કર્યું ન ઊભા રયા (રહ્યા).હવે હું બસ ઉપર સુઈ જાવ છું.મને ઉઠાડતા નય (નહીં).

સવારે બધા નાહી પરવારીને બસ પાસે આવ્યા. મારી અને ભગત બાપની આંખો ઉજાગરાને લીધે લાલ દેખાતી હતી.બધાએ ઘણા પ્રશ્નો કર્યા પણ અમે કોઈને રાત વાળી ઘટનાની ખબર પડવા દીધી નહી.અલબત્ત વિજયભાઈને બસમાં બેઠા ત્યાં જ ખબર પડી ગઈ હતી, પણ એમને અત્યારે કઈ કહ્યું નહીં.બધા નાસ્તો કરી ચાલી નિકળ્યા ઇન્ડિયા ગેઈટ જોવા.

નવી દિલ્હીના રાજપથ ના એક છેડે ઇન્ડિયા ગેઈટ આવેલ છે. ઇન્ડિયા ગેઈટ એવા ભારતીય સૈનિકોની યાદ અપાવે છે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સૈન્ય માટે લડતા પોતે શહીદ થાય હતા. આ સ્મારકમાં શહીદ થયેલ સૈનિકોના નામ પણ લેખેલ છે.1921માં હિઝ રોયલ હાઇનેસ દ્વારા ઇન્ડિયા ગેઈટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડિયા ગેઈટને એડવિન લ્યુટિયન્સે ડિઝાઇન કર્યો હતો. આ સ્મારક લગભગ દસ વર્ષ પછી વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા દેશને અર્પણ કરવામાં આવ્યું હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ અમર જવાન જ્યોતિનું એક બીજું સ્મારક બનાવવામાં આવ્યું છે. જે 1971ના ભારત -પાક. યુદ્ધમાં પોતાનો જીવ આપનારા સૈનિકોની શહાદતની યાદ માટે બનાવવામાં આવ્યું છે.રાત્રી દરમિયાન ઇન્ડિયા ગેઈટનો નઝારો અદભૂત દેખાય છે. રંગીન ફુવારા સાથે લાઈટિંગની જ્વાળા મનને મંત્ર મુગ્ધ કરી દે છે.અહીંયા શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવા દરેક સ્વતંત્ર દિવસે આપણા વડાપ્રધાન આવે છે, ત્યાર બાદ પરેડ શરૂ થાય છે. અમે પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પી ચાલી નીકળ્યા લોટસ ટેમ્પલ.

લોટસ ટેમ્પલ એ કમળના ફૂલના આકારથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર શુદ્ધ સફેદ આરસથી બનાવવામાં આવ્યું છે.અહીંયા કોઈપણ ધર્મના અનુયાયીઓ ધ્યાન,પ્રાર્થના કરવા આવી શકે છે,સાથે સાથે પવિત્ર લખાણ વાંચી શકે છે.પણ અંદર કોઈ પણ પ્રકારનું પ્રવચન કે સંગીત વગાડી શકાતું નથી. અહીંયા એકદમ શાંતિ પૂર્વક બેસવાની વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે.જો કે અંદર બેસનાર જાતે જ શાંતિ પૂર્વક બેસે છે. આ મંદિરમાં એકસાથે લગભગ બેહજાર પાંચસો માણસો બેસી શકે છે.નવ દરવાજા આસપાસ તળાવ અને સુંદર બગીચા પણ બનાવવામાં આવ્યા છે.રાત્રે લાઈટિંગથી આખું મંદિર ઝળહળી ઉઠે છે.

આ મંદિર 1986માં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લોટસ ટેમ્પલની ડીઝાઈન ફેરીબોર્ઝ સહબાએ કરી હતી.26 એકરમાં ફેલાયેલ ઉદ્યાનમાં ઉંચા પલંગ પર નવ પૂલ દ્વારા ઘેરાયેલા, સફેદ આરસપહાણનું બનેલ આ મંદિર 130 ફુટ કરતા વધુની ઊંચાઇએ ધરાવે છે. 2001માં એક વૈશ્વિક અહેવાલ મુજબ આ સ્થાપત્ય વિશ્વની સૌથી વધુ મુલાકાત લીધેલ સ્થળ તરીકે બતાવવામાં આવ્યું હતું.

અહીંયા અમને તથા અમારા મનને આહલાદક શાંતિનો અનુભવ થયો.

બધા બસ પાસે આવ્યા.અહીંયા બપોરનું ભોજન કરી ચાલી નિકળ્યા જામા મસ્જિદ જોવા.

દિલ્હીમાં આવેલ જામા મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે. આ મસ્જિદનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ લગભગ દસ લાખ જેટલા ખર્ચે કરાવ્યું હતું.જે 1656માં તૈયાર થઈ હતી,જેમાં લાલ રેતિયા પથ્થર અને સફેદ આરસપહાણના પટ્ટાઓમાંથી બનાવવામાં આવેલા ત્રણ દરવાજાઓ,ચાર ટાવરો અને બે 40 મીટર ઊંચા મિનારા બનાવવામાં આવ્યા છે. અહીંયા એક સાથે પચ્ચીસ હાજર લોકો નમાજ પઢી શકે એટલું વિશાળ આંગણું બનાવવામાં આવ્યું છે.

મસ્જિદમાં ઉપર સુધી પહોંચવા માટે પગથિયાં ચડીને જવાનું છે.અહીંયા પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણેય બાજુ પગથિયાં બનાવેલ છે.આ પગથિયાં લાલ રેતીના પથ્થરથી બનાવવામાં આવ્યા છે.મસ્જિદની ઉત્તર બાજુ ઓગણચાલીસ પગથિયાં છે. જ્યારે દક્ષિણ બાજુ તેત્રીસ પગથિયાં છે.મસ્જિદનો પૂર્વી દરવાજો શાહી પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો હતો જેમાં પાંત્રીસ પગથિયાં છે.

અહીંયા ફોટો ગ્રાફી કરી અમે ચાલી નિકળ્યા અગ્રેસન કી બાઓલી તરફ.

અગ્રેસન કી બાઓલી 1958માં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા એક સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ અગ્રેસન કી બાઓલીને ઉગ્રસેન કી બાઓડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે લગભગ સાંઈઠ મીટર લાંબી અને પંદર મીટર પહોળી છે.એવું માનવામાં આવે છે કે મહાભારત કાળમાં આ સ્થાપત્યનું નિર્માણ મહારાજા ઉગ્રેસન દ્વારા કરવામાં આવ્યું છે, જોકે અગ્રસેન કી બાઓલીનું નિર્માણ કોણે કર્યુ તે સાબિત કરવા માટે કોઈ ઐતિહાસિક જાણકારી લેખિતમાં મળતી નથી.

બાઓલીને ગુજરાતીમાં પગથિયાં અથવા વાવ કે વાવડી કહેવાય છે.ટુંકમાં પગથિયાંવાળી વાવ કે કૂવો એવો અર્થ પણ નીકળી શકે.આ બાઓલી લગભગ 108 જેટલા પગથિયાં ધરાવે છે.અહીંયા ફોટો પ્રેમી લોકોનો ઘસારો ઘણો જોવા મળે છે. એકદમ શાંતિ ધરાવતું આ સ્થળ મનોહર દેખાય છે.

આ સ્થાપત્યનો ઉપયોગ ઘણા ફિલ્મોના શુટિંગ માં પણ થયો છે.

હવે અમે બસમાં ગોઠવાયા.હવે અમારે લાંબી મુસાફરી કરી પુષ્કરધામ જવાનું હતું.અમારા પ્રવાસના છેલ્લા ચરણ તરફ.વિજયભાઈએ બસ ચલાવી મૂકી પુષ્કરધામ તરફ.

બે ત્રણ કલાકની મુસાફરી બાદ એક પેટ્રોલ પંપ પર બસ ઉભી રાખી રસોઈની તૈયારી ચાલુ કરી.અમે બધા આસપાસ ચક્કર મારવા નીકળ્યા. જીંગાને કહ્યું પણ હજુ એને ઉઠબેસનો તથા લગભગ ત્રણ ચાર કિલોમીટર ચાલવાનો થાક ઉતર્યો ન હતો, એટલે એ બસ ઉપર જ સૂતો રહ્યો.

બધા જમીને પાછા નીકળી પડ્યા પુષ્કરધામ...

વહેલી સવારે લગભગ ચારેક વાગ્યે બસમાં પંચર પડ્યું. સ્પેરવિલ ચડાવી લગભગ પચાસેક કિલોમીટર ચાલ્યા હશું ત્યાં પાછું પંચાર પડ્યું.હવે જીંગાભાઈને ઉપર ચડી ઉઠડવો પડ્યો, કેમ કે અહીંયા આજુબાજુ પંચરની દુકાન હોઈ એવું દેખાતું ન હતું.

ફટાફટ વ્હીલ ખોલી બંને વ્હીલ લઈ રોડ પર જીંગાભાઈ ઊભા રહી ગયા.અડધી રાતે આટલો થાક લાગ્યો હોવા છતાં આટલી સ્ફૂર્તિથી કામ કર્યું એ જોઈ મનોમન જીંગા પ્રત્યે માન વધી ગયું.એક ટ્રક ઉભો રાખી બંને વ્હીલ લઈ એમાં ચડી ગયો. અમે બધા બસમાં સુઈ ગયા.

ક્રમશ::::

જીંગાભાઈ ક્યારે પાછા આવશે??

અમે પુષ્કર ધામ સમયસર પહોંચીશું??

આ બધા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો જીંગાના ઝલસા ભાગ 20...

આપના પ્રતિભાવોની રાહે...રાજુસર...