Mari 2 daykani shiksnyatrani safar bhag 5 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 5

એક અનોખો ગણિત ખંડ

મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માટે “હું કદી ભણાવતો નથી,માત્ર બાળક ભણે તેવા સંજોગો ઉત્પન્ન કરું છું.”આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે તો માત્ર સ્માર્ટ માર્ગદર્શક જ બનવું પડે. બાળકોમાં અખૂટ શક્તિઓનો ભંડાર હોવા સાથે તેઓ જીજ્ઞાસા વૃતિનો પણ ભંડાર છે.માત્ર આંગળી ચીંધી તેમને રસ્તાની દિશા જ બતાવવાની હોય છે અને પછી જુવો તમે ચિંધેલ દિશા તરફના રસ્તા પર તે કેવો સડસડાટ દોડે છે અને નવા નવા રસ્તાઓ પણ શોધી લાવે છે....અને તે વખતે ગુરુ કરતા શિષ્ય સવાયાની અધિક આનંદની લાગણી શિક્ષકને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યાનો સંતોષ મળે તે તો અદકેરો જ હોય!! આવો જ એક સુંદર અનુભવ મારા વર્ગમાં મેં અનુભવ્યો જે આપ સહુ સુજ્ઞજનો સાથે વહેચવાની ઈચ્છા થઇ.

ધોરણ ૯માં નવી શિક્ષણ પદ્ધતિ મુજબ બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવી પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ ફરજીયાત થવા સાથે ખાસ તો ગણિતશિક્ષક પક્ષે વિચારતા પણ કરી દીધા છે કે ગણિતમાં રોજ શું નવું આપવું?કે નવી કઈ પ્રવિધિઓ અપનાવવી?આજે તો મોટા ભાગે મેં જોયું છે કે કોઈ પણ વિષયમાં બાળકને પ્રોજેક્ટ આપવામાં આવે એટલે સીધો જઈને ઉભો રહે સાઈબર કાફેમાં ને કહે :”અંકલ ..આ વિષય પર સર્ચ કરી આપો ને પ્લીઝ..” અંકલ સારા હોય તો વિષય વસ્તુ સાથે એકાદ ફોટો પણ સર્ચ કરીઆપે ને બાળક એ બધું પ્રિન્ટ કાઢવી પ્રોજેક્ટ ફાઈલમાં પોતાનું નામ લખી શાળામાં જામ કરાવી દે.કેટલા બાળકોને નેટ ફાવતું હોય તો જાતે સર્ચ કરે પણ એમાં ટેકનોલોજી સિવાયબીજી કોઈ વૃતિ કેળવાતી ન હોય કે કઈ નવી શક્તિ વિકસે નહિ.એવું મને સતત લાગતું હતું. એટલે બાળકોને ગણિતમાં રસ,રૂચી કેળવાય એવા જ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિ આપીએ તો જ બાળકને ગણિત શિક્ષણ કંટાળાજનક ન લાગે...આ બધું વિચારતા એક વખત પ્રોક્ષી તાસમાં ધોરણ ૯માં બાળકો સાથે વાતો કરી ને ચર્ચા કરી....બુદ્ધિજીવી આજની સ્માર્ટ પેઢીના બાળકોના સર્જનાત્મક વિચારો જાણી ખુબ આનંદ થયો.શિક્ષણ જગતને પ્રોજેક્ટ પદ્ધતિની અનુપમ ભેટ આપનાર જ્હોન ડ્યુઈના શબ્દો યાદ આવ્યા:”શાળા લઘુ સમાજ છે” અને આ અર્થમાં સામાજિક ચેતના નું કેન્દ્ર પણ છે,શિક્ષણ એ ઉત્કૃષ્ટતાનો સામાજિક વ્યાયામ છે.જ્ઞાન અને જાણકારી એક અનંત યાત્રા છે.આવું વિચારી મેં બાળકોને કહ્યું કે મારું એક સ્વપ્ન છે ...કે...મારે એક ગણિતખંડ બનાવવો છે.જેમાં એન્ટ્રીમાં ગણિતના તોરણ,ખંડમાં છત પર ગણિતના ઝુમ્મર,દીવાલો પર સરસ મજાની ગણિતની ફ્રેમ,ખંડમાં કબાટ, ફ્રીજ, શોકેશમાં રમકડા પણ ગણિતના......!!! થોડી વાર તો બધા મારી સામે અચરજથી જોઈ રહ્યા...પછી કહે બહેન આઈડિયા તો આપો...આવું કેમ બને?મેં સસ્મિત ઉતર આપ્યો કે મેં તો આઈડિયા આપ્યો હવે તમારે એના પર વિચારી મારું સ્વપ્ન સાર્થક કરવાનું..... !! બાળકોને પડકાર ઝીલવા બહુ ગમે અને પોતાના પ્રિય શિક્ષકે સોપેલા કામ પર ઉતમ કરી દેખાડવાનું એ તો બાળસહજ બહુ જ પ્રિય બાબત હોય છે...પરિણામે બાળકો તો તરત તૈયાર....માંડી પડ્યા વિચારવા ને પોતાના ઉતમ વિચારોને સખીઓ સાથે ચર્ચવામાં......વર્ગમાં જોરદાર ગણગણાટ ચાલુ....મને બહુ મજા પડી.પછી મેં કહ્યું પણ....આ મોડેલ્સ બનાવવામાં એક શરત છે હો!..વળી વર્ગમાં સન્નાટો....હે બહેન એ વળી શું?ના ભાવથી સહુ મને સાંભળવા ચુપ થઇ ઉત્સુકતાથી મને તાકવા લાગ્યા.મેં મારી શરત કહી કે આ મોડેલ્સ બનાવવા તમારે કોઈ સાઈબર કાફેનો ઉપયોગ કરવાનો નથી.માત્ર અને માત્ર તમારા મનમાં આવતા આઈડિયા અને ઘરમાં પડેલ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ મોડેલ બનાવવાનું એ નિયમને ખાસ જાળવવાનો છે.ઘરમાં કે આસપાસ નકામી પડેલી વસ્તુનો જ “રીયુઝ”કરી બેસ્ટ મોડેલ બનાવવાનું છે..ફરી પાછો ગણગણાટ ચાલુ...”મારા ઘરે આ નકામું પડ્યું છે એમાંથી આવું બને ને તેવું બનાવીશું......!! પછી મેં બાકીની શરતો સંભળાવી ...”ગણિતના આખા પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ મુદો પસંદ કરવાનો....સહુ પ્રથમ વિચારવું કે શું બનાવીશું ને એમાં પણ કઈ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીશું?પછી રોજ થોડો ટાઇમ કાઢવાનો એ મોડેલ બનાવવા પાછળ...એ પણ નક્કી કરવાનું ને એક સપ્તાહ પછી અહી આખું મોડેલ રજુ કરવાનું...ને ગણિત ખંડ સજાવવાનો....”બાળકોને તો મજ્જા પડી ગઈ.કૈક નવું કરવાના ઉત્સાહ સાથે મંડી પડ્યા નવા પ્રકારના પ્રોજેક્ટની તૈયારીમાં... મારા અનહદ આશ્ચર્ય વચે એક સપ્તાહ પછી અનેરો અનોખો ગણિત ખંડ તૈયાર થયો.બારણે વેસ્ટ પૂઠા કે થર્મોકોલના બનાવેલ તોરણ જેમાં ભૂમિતિના પાયાના સંકલ્પો સુંદર રીતે લખેલા હતા.ખંડમાં છત પર વિવિધ પ્રકારના ઝુમ્મરો કે જે વેસ્ટ સીડી,વેસ્ટ પ્લાસ્ટિક બોટલ વગેરેનો ઉપયોગ કરી બનાવેલ હતા જે લટકતા સુંદર ગણિત દ્રશ્યો મન મોહી લેતા હતા.તો કબાટ,ફ્રીજ,ઘરેણા બોક્ષ કે જેમાં ચતુષ્કોણના વિવિધ આકારો,વેસ્ટ વસ્તુમાંથી કટ કરી લગાવ્યા હતા કે સુંદર મજાના રંગબેરંગી ચિત્રો દોરી મુક્યા હતા.સહુથી વધુ આકર્ષક તો ગણિત નો ટ્રક હતો કે જેના વ્હીલ એક સાવરણાની સળીને બે છેડે આઈસ્ક્રીમના કપના ઢાંકણથી બનેલા હતા.! ટ્રકનું ખોખું નકામા બોક્ષમાંથી બનાવી તેમાં રંગબેરંગી આકર્ષક ધ્વજ લગાવી તે પર સુંદર હસ્તક્ષારોથી ગણિતના વિવિધ સુત્રો લખેલા હતા. ગણિતશાસ્ત્રીના ફોટો દોરેલી ને વિગત લખેલી વિવિધ ફોટો ફ્રેમ મેથ્સ લેબ.ની દીવાલોની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.તો વેસ્ટ બોટલમાંથી બનાવેલ પેન સ્ટેન્ડ કે જેના પર વિવિધ સુત્રો ધ્યાન આકર્ષક રહ્યા.પૂઠા કે નકામા લાકડામાંથી જાતે બનાવેલ ગણિત ભવન કે ગણિતઘર કે જેની દીવાલો પર ગણિતની વિષયવસ્તુઓ વિશિષ્ટ કલાથી શણગારેલી જોઈ શબ્દશૂન્ય જ બની જવાયું....સુંદર મજાનો ગણિત હાથ પંખો અને અદભૂત ગણિત છત્રીએ તો સહુના દિલ જીતી જ લીધા હતા! એક આઈડિયા શરૂઆતમાં આપ્યો હતો બાળકોને કંકોત્રી અને રીસેપ્શન કાર્ડનો રિયુઝ કરી તેમાં પણ કૈક ગણિતનું વિષયવસ્તુ---વ્યાખ્યાઓ કે સુત્રો વગેરે લખી શકાય...એ આઈડીયાને તો એટલો સરસ રીતે અપનાવ્યો હતો કે તેનું કલેક્શન જોનારા “વાહ...અદભુત...”ના ઉદગારો કાર્ય વિના ન જ રહી શક્યા ..અને એમાંથી બાળકની સર્જનાત્મક સાહિત્યિક વૃત્તિ પણ ખીલી અને ગણિતના શબ્દોનો ઉપયોગ કરી ગણિત કંકોત્રીની રચના કરી!

આ પ્રોજેક્ટની સફળતાની વધુ અગત્યની વાત તો એ છે કે બધા વિષયોમાં માત્ર અને માત્ર તૈયાર બાબતોના પ્રોજેક્ટ બનાવી આપી દેવાની વૃતિમાંથી બાળક બહાર આવ્યું અને બીજા વિષયોમાં પણ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ મોડેલ કે પ્રોજેક્ટ બનાવી સર્જનાત્મકતાને કામે લગાડી....આજની સળગતી સમસ્યા પ્રદુષણને નાથવાના ૩ R બાબતે સ્વયં જાગૃત થઇ “રીડ્યુસ,રીયુઝ અને રીસાયકલ”સ્વયંભુ સમજ્યા.જે વિજ્ઞાનનો મુદો આપોઆપ સમજી ગયા.

આમ આ નાવીન્યસભર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ દ્વારા અને ખાસ તો ગણિત સિવાયના વિષયોમાં જ રસ ધરાવતા બાળકો પણ ગણિતને શુષ્ક વિષય ન માનતા ખુબ રસ કેળવતા થયા. એ જ આ પ્રોજેક્ટની સાચી અને મોટી સફળતા... બાળકોએ સ્વયં બનાવેલ મોડેલનો આનંદ તો અદકેરો હતો જ.પણ વાલીઓને પોતાનું બાળક ગણિતમાં જાતે રસ લેતું થયું ને ઉત્સાહથી આવું સુંદર કાર્ય તેમને જાતે કર્યાનો સંતોષ સાથે ગણિતમાં અભિરુચિ કેળવાઈ એનો અધિક આનંદ હતો.અન્ય શાળાઓમાંથી આવેલા બાળકો સાથે શિક્ષકો પણ ઝૂમી ઉઠ્યા આ અનોખી મેથ્સ લેબ.જોઇને.....મોબાઈલમાં ચપોચપ ફોટા લેવાયા ને આ અદભુત આઈડિયા માત્ર મારી શાળા પુરતો જ ન રહેતા જીલ્લા અને રાજ્યની ઘણી શાળાઓમાં અન્ય બાળકો સુધી વહેતો થયાનો આનંદ એક શિક્ષક જીવને થયો.ખરેખર બાળકોમાં કળા,સૂઝ,આવડતને ઓળખી કામ સોપવામાં આવે તો ખરા અર્થમાં પ્રોજેક્ટ પદ્ધતિ સાથે બાળકના સર્વાંગી વિકાસનું ધ્યેય સાર્થક થાય જ એનો મેં સ્વાનુભવ કર્યો.

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે દેશના વિકાસમાં ગણિત વિજ્ઞાનનો ફાળો જ મુખ્ય છે.જેના પ્રત્યે ભાવિ પેઢી રસ કેળવતી થાય સ્વયં તે તરફ આકર્ષાય તે માટે આપણે ખાસ તો ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા આવું કૈક નવતર કરતા રહીશું તો જરૂર શિક્ષક્ધર્મ સાર્થક થયનો સંતોષ માણી શકીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી....