THE CURSED TREASURE - 9 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 9

ચેપ્ટર - 9

વિક્રમ અને રેશ્મા બંને કબરને તપાસી રહ્યા હતા. કબરમાં જે વ્યક્તિ અનંત નિદ્રામાં પોઢેલો હતો એ રાજા જ હતો એની આ બંનેને ખાતરી થઇ ગઇ હતી. પણ રાજા કોણ હતો એ એ બંને જાણતા ન હતા. એટલામાં વિક્રમનું ધ્યાન એ કંકાલના હાથો પર ગયું. એ કંકાલના હાથ છાતી પર હતા અને બંને હાથની હથેળીઓ વચ્ચે એણે કંઇક પડેલું હતું. એ એક કાગળ હતો જે રોલ કરીને વાળેલી અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. એ કાગળ પણ આ કંકાલની જેમ સદીઓ જૂનો લાગતો હતો. વિક્રમે એ કાગળ એ કંકાલના હાથમાંથી છોડાવ્યો. અને એ કાગળને ખોલીને જોયો.

દરમિયાન રેશ્મા એ કબરની આજુબાજુ તપાસી રહી હતી. અચાનક એને કબરની એક બાજુ કંઇક લખાણ લખ્યું હોય એવું લાગ્યું. પણ અડધા અક્ષરો પર ધૂળ જામી ગઈ હતી. એથી તેણીએ પોતાના બેગમાંથી એટ નાનકડું બ્રશ કાઢ્યું અને એ બ્રશ વડે એ સાવચેતી પૂર્વક એ ધૂળને સાફ કરી રહી હતી. થોડીક સફાઈ કર્યા પછી એણે એ અક્ષરો પર ફુંક મારી. એક નાનકડી ધૂળની ડમરી ઉડીને શાંત થઈ ગઈ. હવે એ લખાણ સ્પષ્ટ વંચાતું હતું. પણ રેશ્મા ચોંકી જ્યારે એને ખબર પડી કે એ લખાણ સંસ્કૃત ભાષામાં લખેલું છે. પણ એને સંસ્કૃત આવડતું હતું એટલે એ એ વાંચવા લાગી.

એમાં લખ્યું હતું કે, " યુવરાજ શુદ્ધોદન, આપણી સાથે આવેલા સૈનિકોની સ્થિતિ અત્યંત દુષ્કર બની ગઇ છે. હવે હું પણ તમારી પાછળ જ સ્વર્ગમાં આવી રહ્યો છું. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી ન શક્યા અને એ વાતનું મને સદૈવ દુ:ખ રહેશે કે આપણે આપણા રાજ્યને શ્રાપમુક્ત ન કરી શક્યા. તમે પંચાવતી ની અંતિમ આશા હતા. પણ તમારા અવસાન પછી સૈનિકોની હીંમત તુટી ગઈ છે. હું તમારા પવિત્ર દેહ સાથે ત્યાં જવાનો માર્ગ પણ સદાને માટે બંધ કરી દઇશ. જેથી કોઇ મનુષ્ય એ નર્ક તરફ ન જાય. આપણા રાજ્યની પરંપરા પ્રમાણે તમારા દેહ માટે મે કુશળ કારીગરો દ્વારા આ કબરનું નિર્માણ કરાવ્યું છે. અહીંયા તમને શાંતિ પ્રાપ્ત થશે. અહીંયા કોઇ તમારી નિદ્રામાં ખલેલ ન પહોંચાડે એની વ્યવસ્થા મે કરી રાખી છે. અને બધા જ સૈનિકો પણ અનંત કાળ સુધી અહીંયા ભૂમિ તળે રહેશે જેથી આપણને લાગેલો શ્રાપ અંહીથી બહાર ન જાય. "

આખું લખાણ વાંચીને રેશ્માના આશ્ચર્યનો પાર ન રહ્યો. એની આંખો પહોળી થઈ ગઈ. એને લાગતું હતું કે આ કબર કોઈ રાજ્યના રાજાની હશે. પણ આ તો કોઇ રાજ્યના યુવરાજની કબર છે. અને એ પણ પંચાવતી ના રાજા! પણ આ પંચાવતી રાજ્ય ક્યાં આવેલું છે? એના વિશે તો એણે ક્યારેય સાંભળ્યું નથી. અને એનો સંબલગઢ સાથે શું સંબધ? એના મનમાં હજારો પ્રશ્ન ઉભા થઈ રહ્યા હતા. આ લખાણ કોણે લખ્યું છે એના વિશે ત્યાં કંઈ માહિતી ન હતી. લખનારનું નામ ન હતું. પણ કદાચ યુવરાજનો કોઇ વફાદાર સૈનિક હશે એમ રેશ્માએ વિચાર્યું. અને બિજા સૈનિકોને શું થયું હશે વળી? અને અનંત કાળ સુધી અહીંયા ફસાઇ રહેવાનો મતલબ? શું એ લોકો અનંત કાળ સુધી જીવી શકે એવી શક્તિ હતી એમની પાસે? તો યુવરાજ કઇ રીતે મર્યો? અને આ લખનાર ની મૃત્યુ કઇ રીતે થયું? અને એણે એવી કેવી વ્યવસ્થા કરી છે કે યુવરાજ સુધી કોઇ ન આવે? શું અહીંયા બીજા કોઇ જાળ બિછાવેલા છે? કૂ પછી એ અહીંયા આવતી વખતે જે બીજો રસ્તો લોકોને ભ્રમિત કરવા માટે બનાવ્યો છે એની વાત કરી રહ્યો છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ એની પાસે ન હતો. પણ જવાબ મેળવવા જરૂરી હતા. એણે માથું ઉંચકીને વિક્રમ સામે જોયું. એ કબરમાં જ કંઇક જોઇ રહ્યો હતો. તેણીએ નિચે બેઠા બેઠા જ વિક્રમને પુછ્યું, " શું મળ્યું તને?"

" તું જાતે આવીને જોઈ લે." વિક્રમે એની નજર ફેરવ્યા વગર જ જવાબ આપ્યો. રેશ્માએ ઉભા થઇને વિક્રમ સામે જોયું. વિક્રમની આંખો હજી નીચે તરફ મંડાયેલી હતી. એની આંખોમાં ગજબ ચમક હતી અને એનું મોઢું ખુલ્લું હતું. કદાચ આશ્ચર્ય ને લીધે. વિક્રમના હાથ કભબર પર હતા. કદાચ એ બંને હાથ વડે કંઇક પકડીને ઉભો હતો.

રેશ્માએ પણ કબરમાં નજર કરી. ફરી એને એક ઝટકો લાગ્યો. વિક્રમના હાથમાં એક મોટો કાગળ હતો. અને એ કાગળ પર એક મોટો નકશો બનાવેલો હતો. એ નકશા વાળુ કાગળ ખૂબ મોટું હતું. રેશ્માએ આખા નકશાને ધ્યાનથી જોઇને એને સમજવાનો પ્રયત્ન કરવા લાગી.

સૌપ્રથમ એનું ધ્યાન ઉપર તરફ ગયું. એ નકશામાં ઉપર તરફ બરફથી ઢંકાયેલી પહાડીઓ દર્શાવેલી હતી. અની પાસેથી ઊપરથી નીચે તરફ એક મોટી નદી આવી રહી હતી. અને નદીની જમણી બાજુ થોડે દૂર એક નિશાન હતું. અને એ નિશાન સાથે એક કાળા રંગથી બનાવેલી રેખા જોડાયેલી હતી. જે નિચે તરફ જઈ રહી હતી. રેશ્માની નજર એ રેખાનો પીછો કરતી કરતી નિચે તરફ આવી. થોડે નીચે અમુક ભાગ પીળા રંગનો રંગેલો હતો. અને એમા આડી લીટીઓ દોરેલી હતી. અને ઊભી રેખા એ ભાગને વચ્ચેથી ચીરીને નીચે જઇ રહી હતી. થોડે નિચે જતા વળી અમુક ભાગ લીલા રંગનો હતો. અને એની સાથે ક્ષિતિજને સમાંતર બે નદીઓ વહી રહી હતી. અને એ કાળી લીટી એ બંને નદીઓ ટપીને નીચે આગળ વધી રહી હતી. થોડે આગળ જતા એ લીટી ફરી એક વાર એક નદીને ઓળંગીને આગળ આવી અને ત્યાં જ પુરી થઇ ગઇ. અને તે જ્યાં પુરી થતી હતી. ત્યાં એક સુર્યનું નિશાન હતું. એ સુર્યનું નિશાન જોઇને એ ચમકી. એને એનો મતલબ ખબર ન હતી.

હજુ એ વિક્રમને કંઇક પુછવા જતી હતી ત્યાં જ એનું ધ્યાન બીજી એક વાત પર ગયું. એને લાગ્યું કે એણે કંઈક સાંભળ્યું. એને એક 'ટક્ક..' એવો અવાજ સંભળાયો હોય એવું એને લાગ્યું. એણે આજુબાજુ જોયું. પણ કંઇ ન દેખાતા એનો ભ્રમ હશે એમ સમજીને એણે એ વિચાર ખંખેરી નાખ્યો.

એણે વિક્રમ સામે જોઇને કહ્યું, " વિક્રમ.. શું આ સંબલગઢનો નકશો છે?"

જવાબમાં વિક્રમે માત્ર હકારમાં માથું હલાવ્યું. પછી એ જાણે કોઇ મંત્રથી અભિભૂત થઈ ગયો હોય એમ સંમોહિત સ્વરમા બોલ્યો, " સંબલગઢ પશ્ચિમ ઘાટના જંગલોમાં આવેલું છે. કર્ણાટક રાજ્યમાં. કાલી નદીની દક્ષિણે." એણે રેશ્મા સામે જોયું. વિક્રમની આંખોમા સફળતાની ચમક હતી અને હોઠો પર એક વિજયની સ્માઈલ. રેશ્માને પણ એની વાત સાંભળીને એક ગજબ પ્રકારની ખુશી થઈ. એની આંખોમા ખુશીના આંસુ આવી ગયા. એણે મુસ્કુરાહટ સાથે વિક્રમની આંખોમા જોઇને કહ્યું," આપણે કરી બતાવ્યું." જવાબમાં વિક્રમે હકારમાં માથુ હલાવ્યું. ખુશીનો ઉછાળો આવતાં જ રેશ્મા વિક્રમને ભેટી પડી. આમ અચાનક રેશ્માના આ પગલાથી વિક્રમ પહેલા તો જરાક થોથવાયો પણ પછી એણે પણ રેશ્માના આલિંગનનો સ્વીકાર કર્યો. એ કેટલા સમય પછી રેશ્માને સ્પર્શી રહ્યો હતો. એ અનુભૂતિ એક અલગ સંતોષ એને આપી રહી હતી.

એટલામાં એ બંનેને કંઇક સંભળાતા એ બંનેનું ધ્યાન ભંગ થયું. રેશ્મા વિક્રમ થી અલગ થઈ ગઈ. અને બંને એ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ અવાજ એવો હતો કે જાણે કોઇ તાળી પાડી રહ્યું હતું. થોડી વારમાં એક વ્યક્તિના પગ સીડીઓ પર એમને દેખાયા. અને પછી એ વ્યક્તિ એમની સામે આવ્યો. એ વ્યક્તિને જોતાં જ વિક્રમ અને રેશ્મા બંનેની આંખો ફાટી ગઇ. અચરજના મારે એ બંને કંઇ જ બોલ્યા નહીં. વિક્રમે તરત જ પોતાની બંદૂક એ વ્યક્તિ પર તાકી. એ વ્યક્તિ તાળીઓ વગાડતો બંદ થઈ ગયો. અને એણે વિક્રમને કહ્યું, " એ ભૂલ ન કરતો વિક્રમ." કહીને એણે પોતાનો ડાબો હાથમાં ઊંચો કરીને એની પહેલી બે આંગળીઓ વડે એક ઈશારો કર્યો. અને બીજી જ ક્ષણે કેટલાક લોકો એકસાથે અંદર ધસી આવ્યા. એ બધા જ લોકોએ ઉપરથી લઇને નીચે સુધી કાળા કપડા પહેર્યા હતા. અને સાથે બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટ પણ પહેર્યું હતું. એ પણ કાળા કલરનું જ. બધાના હાથમાં એક એક, એકે-47 હતી. અને એમના નાળચા વિક્રમ અને રેશ્મા સામે તાકેલા હતા. એ ટોટલ સાત લોકો હતા. છ બંદુક ધારી અને એક એમનો બોસ. એ લોકોએ વિક્રમ અને રેશ્માને ચારે તરફથી ઘેરી લીધા. એ છ એ છ લોકોને જોતા જ વિક્રમ અને રેશ્મા બંને એ પોતાની બંદૂક એમના બોસ તરફ તાકી. એમના બોસે ફરી કહ્યું, "બંદુક નીચે મુકી દો નહીંતર..." બંને આ નહીતર પછીનું વાક્ય પુરૂ કઇ રીતે થશે એ સારી રીતે જાણતા હતા. છતા બંનેએ પોતાની બંદૂક નીચે ન કરી. બંનેની આંખોમાં એ વ્યક્તિ માટે ક્રોધ સાફ દેખાય રહ્યો હતો. અને સાથે ધિક્કારની લાગણી પણ ઝલકી રહી હતી. પણ અહીંયા પરિસ્થિતિ એમના પક્ષમાં નથી એ વિક્રમ સારી રીતે જાણતો હતો. જો એણે ગોળી ચલાવી તો એ અને રેશ્મા બંને જીવતા નહીં બચે. એમનું અહીંથી જીવતા નીકળવું જરૂરી હતું. એમને જે મળ્યું છે એની તપાસ તો કરવી જ છે. એટલે વિક્રમે પીછેહટ કરીને ડાબો હાથ ઉપર કરીને જમણા હાથમાં પકડેલી બંદુક ધીરેધીરે નીચે નમીને જમીન પર મુકી દીધી. અને ફરી ઉંચા થઇને બંને હાથ ઉંચા કરીને ઉભો રહ્યો.

વિક્રમને આમ કરતા જોઇને રેશ્મા શોક તો લાગ્યો પણ વિક્રમ પર ભરોસો કરીને તેણીએ પણ પોતાની બંદૂક નીચે મુકી દીધી. પછી એના માણસોએ વિક્રમ અને રેશ્માને ગોઠણ ભેર બેસાડીને એમને સીડીઓ તરફ આવવા કહ્યું જે એમની મોટી ભૂલ સાબિત થવાની હતી. હવે વિક્રમ અને રેશ્મા બંને સીડીઓ પાસે સીડી તરફ પીઠ કરીને હાથ માથાના પાછળના ભાગે રાખીને ગોઠણભેર બેઠા હતા. જ્યારે એ છ હથિયાર લેસ વ્યક્તિઓ કમરામાં ચારે બાજુ ગોઠવાઈ ગયા. હવે પરિસ્થિતિ એ બોસ ના હાથમાં હતી. અને એ કબર પાસે ગયો અને એણે નકશો ઉપાડ્યો. નકશો જોઇને એની આંખોમાં અદ્ભૂત ચમક આવી ગઇ. નકશા પરથી નજર ઉપાડીને એણે વિક્રમ તરફ જોતા કહ્યું, "વાહ.. ધ ગ્રેટ આર્કિયોલોજીસ્ટ વિક્રમ.. તો આખરે સંબલગઢ સુધી પહોંચવાનો રસ્તો શોધી જ કાઢ્યો એમ.."

એનો જવાબ આપતા વિક્રમે કહ્યું, " તું દર વખતેની જેમ અહીંયા પણ લેટ જ આવ્યો, વિજય...

હા.. એ વિજય હતો. વિજય મહેરા. વિક્રમનો કટ્ટર પ્રતિસ્પર્ધી. અને એનો શત્રુ પણ. એના એ સોહામણા ચહેરા પર જીતની ચમક દેખાય રહી હતી. બદામ જેવી એની આંખોમાં ઘમંડ ચોખ્ખો દેખાતો હતો. એના રૂપનો અને એના પૈસાનો પણ. સુંદર બ્રાઉન વાળ અને કસરતી શરીરમાં વિજય કોઇ હીરો જેવો લાગતો.

વિક્રમે પુછ્યું, " તું અહીંયા કેવી રીતે પહોચ્યો વિજય?"

વિજયે કહ્યું, " આસાન હતું. મે તમારો પીછો કર્યો."

જે સમયમાં વિજય એ નકશો જોઇ રહ્યો હતો ત્યારે રેશ્માને ફરી પેલો 'ટક્ક...' જેવો અવાજ સંભળાયો. આ વખતે એને આશ્ચર્ય થયું. એણે આજુબાજુ જોયું. એને વિશ્વાસ આવી ગયો કે આ કોઇ ભ્રમ નથી. એણે આજુબાજુ જોયું એને કંઇજ ન દેખાયું. રૂમમાં તદ્દન શાંતિ પ્રસરેલી હતી. વિજય નકશો જોઇ રહ્યો હતો અને વિક્રમ શાંતિથી અહીયાંથી નીકળવાનો પ્લાન વિચારી રહ્યો હતો. એક વાત સારી હતી કે વિજયે એ બંને ને સીડીઓ તરફ રાખ્યા હતા. એ તો હતો જ મુર્ખ. પણ એમની સીડીના છેલ્લા પગથિયે એક વ્યક્તિ ઉભો હતો. એનાથી પીછો કેમ છોડાવવો એ વિક્રમ વિચારી રહ્યો હતો.

થોડી વાર થઇ હશે ત્યાં તો રેશ્માને ફરીવાર 'ટક્ક.. નો અવાજ સંભળાયો. એના હૃદયમાં ફાળ પડવા લાગી. એણે કબર પર સંસ્કૃત ભાષામાં જે લખ્યું હતું કે 'તમને ખલેલ ન પહોંચે એની વ્યવસ્થા મે કરી રાખી છે' એ વાક્યનો જરાક અંદાજ આવવા લાગ્યો હતો. અને એ વિચારથી જ એના ધબકારા વધવા લાગ્યા હતા.

થોડી વાર પછી ફરી એક વાર 'ટક્ક...' એવો અવાજ આવ્યો. અને આ વખતે અવાજ આવતા જ એણે ગણતરી કરવાની શરૂઆત કરી દીધી. એક, બે,ત્રણ, ચાર..... એમ. સાથે એની નજર સામેની દિવાલ પર ગઇ કને એનું હૃદય એક ધબકારો ચુકી ગયું.

સામેની દિવાલ કે જેમા પેલા રાજાનું ચિત્ર એમણે પેલા બે ચક્રાકાર પથ્થરોને ફેરવીને બનાવ્યું હતું એ વર્તુળો ફરી પાછા હતા એ સ્થિતિ મા આવી રહ્યા હતા. એ વર્તુળ થોડુક ફર્યું અને એની સાથે જ પેલો 'ટક્ક્ક્ક...' એવો અવાજ આવ્યો. હવે રેશ્માને સમજાય ગયું કે,

" જેવા એ બંને વર્તુળો પોતાની જુની સ્થિતિમાં આવી જશે એટલે અહીંયા કંઇક ઘટશે.. અને નક્કી એ તેમના માટે સારૂ નહી જ હોય...."

(ક્રમશઃ)

* * * * *