THE CURSED TREASURE - 10 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 10

ચેપ્ટર - 10

રેશ્માને ખુબ જ ચિંતા થવા લાગી હતી. નક્કી અહીંયા કોઇ જાળ ફેલાયેલી હતી જે થોડા સમયમાં જ એક્ટિવેટ થવાની હતી. થોડી થોડી વારે સંભળાય રહેલા ટકોરા પરથી એણે એક વાતનો તાળ તો મેળવી લીધો હતો અને એ એ કે બે ટકોરા વચ્ચે એક સો એંશી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ જેટલો ગેપ હતો. અને જ્યારે એકવાર 'ટક્ક...' નો અવાજ આવતો ત્યારે સામેની દિવાલ પર જે રાજાનું ચિત્ર હતું કે જે ત્રણ અલગ અલગ વર્તુળોને ફેરવીને એક ચોક્કસ પોઝિશનમાં ગોઠવીને બનાવ્યું હતું એ વર્તુળો ધીરેધીરે ફરી પોતાની પહેલાની સ્થિતિમાં આવી રહ્યા હતા. રેશ્મા નું ધ્યાન સૌથી પહેલાં જ્યારે એના પર ગયુ ત્યારે એ ચોંકી ઉઠી. કારણ કે એમણે પોતે એ ચક્રોને એક ચોક્કસ પોઝિશનમાં ગોઠવ્યા હતા. રેશ્મા નું ધ્યાન એ વાત પર પણ ગયું કે જ્યારે પેલો 'ટક્ક..' નો અવાજ આવતો ત્યારે બે માંથી એક વર્તુળ થોડા અંશ જેટલું ફરી જતું. અને પછીના ટકોરે બીજું. જો રેશ્માની ગણતરી સાચી હતી તો લગભગ પંદર મિનિટમાં એ ચક્રો ફરી પાછી પોતાની યોગ્ય પોઝિશનમાં આવી જશે. અને પછી કંઇક તો થશે જ. અને એનું મન કહી રહ્યું હતું કે જે કંઇ પણ થશે એ સારૂ નહીં જ હોય.

બીજી બાજુ વિજયના અહીં આવવાથી વિક્રમને જરા પણ ગમ્યું ન હતું. વિજય હંમેશા વિક્રમને નિચો દેખાડવાનો પ્રયાસ કરતો રહેતો. પણ સંબલગઢની શોધ કરવી વિક્રમનું સપનું હતું. એ સપનું પૂરું કરવા માટે એણે ઘણી મથામણ કરી હતી. જ્યારે આજે આ વિજય કશી મહેનત વગર એનું સપનું એના હાથમાંથી છિનવી લેશે એ વિચારીને જ વિક્રમના મગજની નસો ગુસ્સેથી તંગ થઈ રહી હતી. તે અહીંથી જીવતા નીકળવા માટે કંઇક પ્લાન વિચારી રહ્યો હતો. વિજયે એક મૂર્ખાઇ તો કરી નાખી હતી. એણે વિક્રમ અને રેશ્માને સીડીઓ પાસે ઉભા રાખ્યા હતા. જો વિક્રમ કંઇ કરે તો એ બંનેને ભાગવામાં આસાની થઇ જાય. આમ તો વિજય આવી મૂર્ખામી કરે એટલો બેવકૂફ નથી પણ સંબલગઢનું રહસ્ય જાણવાની એની ઉત્સુકતા વિક્રમ અને રેશ્માથી ઓછી ન હતી. અને એ જ ઉત્સાહ અને જલ્દબાજીમાં તે એ જોવાનું ભુલી ગયો કે વિક્રમ અને રેશ્માને એણે સીડીઓ તરફ રાખ્યા હતા.

ફરી એક વાર 'ટક્ક' નો અવાજ આવ્યો અને એક વર્તુળ થોડું ફર્યું. હવે બાર મિનિટ જેટલો જ સમય બચ્યો હતો. રેશ્માએ વિક્રમ સામે જોયું. વિક્રમની આંખોમાં વિજય માટે નારાજગી ગુસ્સો દેખાય રહ્યો હતો. એનું કારણ રેશ્મા જાણતી હતી.

કોલેજ કાળથી વિક્રમ અને વિજય બંને એકબીજાને જરા પણ પસંદ ન કરતાં. અવારનવાર બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયા રાખતો. પણ એમાં વાંક વિજયનો જ હતો. એનો અહમ્ અને વિજયને હરાવવાની ઇચ્છા દર વખતે એમના ઝગડાનું કારણ બનતો. વિક્રમને વિજયથી કોઇ પ્રોબ્લેમ ન હતો. એ તો વિજયે જ વિક્રમને શત્રુ બનાવી રાખ્યો હતો. કારણ કે જ્યારથી વિજયને ખબર પડી કે કોલેજમાં બધાને એવું લાગે છે કે વિક્રમ વિજય કરતા ચડિયાતો છે, બસ ત્યારથી જ વિજય પોતાને વિક્રમ થી ચડિયાતો સાબિત કરવા માંગતો હતો. આજે પણ એ અહીંયા એટલા માટે જ આવ્યો છે કે જેથી સંબલગઢનું રહસ્ય શોધીને પોતે ફેમસ થઇ શકે.

વિક્રમ અને રેશ્મા બંને ગોઠણભેર બાજુ બાજુમાં બેઠા હતા. રેશ્મા ધીમા અવાજે વિક્રમને કહ્યું, " વિક્રમ, આપણે ખતરામાં છીએ." રેશ્માએ ધીમા અવાજે કહ્યું જેથી એમની પાછળ ઉભેલા વિજયના માણસને એનો અવાજ ન સંભળાય.

વિક્રમે કટાક્ષ કરતા કહ્યું, " લે... મને તો ખબર જ નથી... સારૂ તે કીધું..મને દેખાય છે કે આપણે ખતરામાં છીએ. હું એને નીપટાવવાની રીત જ વિચારી રહ્યો છું. "

" ઇડિયટ.. હું એની વાત નથી કરી રહી."

" તો..? તું કહેવા શું માગે છે?" વિક્રમે પુછ્યું.

" પેલી રાજા વાળી પેઇન્ટિંગ તરફ નજર કર. " રેશ્માએ કહ્યું.

વિક્રમે પેઇન્ટિંગ તરફ જોયું. જોતાંભેર જ એ ચમક્યો. એ વર્તુળો જેની મદદથી રાજાનું ચિત્ર બનતુ હતું એ ફરી પોતાની જુની પોઝિશન લઇ રહ્યા હતા. વિક્રમ એનો મતલબ સારી રીતે સમજી રહ્યો હતો. વિક્રમે મુઝાંએલા સ્વરે રેશ્માને પુછ્યું, " અહીંયા કોઇ ટ્રેપ છે..?"

રેશ્માએ હકારમાં માથું હલાવ્યું.

વિક્રમને એક આંચકો લાગ્યો. હવે ચિંતા કરવા માટે એમની પાસે બે કારણો હતા. એક તો વિજય અને એના લંગુરો,અને બીજું આ જાળ જે ગમે ત્યારે એક્ટિવેટ થવાની શક્યતા છે. વિક્રમે રેશ્માને પુછ્યું, "કેટલો ટાઇમ છે..? "

" મેક્સિમમ નવ મિનિટ."

" ઓહ્ શીટ્" વિક્રમે એક નિસાસો નાખ્યો. એને લાગ્યું કે એનું મગજ કામ કરતું બંધ થઈ જશે. શું કરવું કંઈ સમજાતું ન હતું. એણે વિજય તરફ જોયું. એ કેટલા સમયથી નકશામાં માથું નાખીને ઉભો હતો. અચાનક એને કંઇક સુઝયુ. એણે રેશ્માને કહ્યું, "રેશ્મા, તું એ ટ્રેપની ટાઇમિંગ ઉપર ધ્યાન રાખજે. હું અહીંથી બહાર નીકળી શકાય છે કે નહીં તે જોઉં છું. " રેશ્માએ પોતાની સહમતિ આપી.

વિક્રમે વિજયને કહ્યું, " વિજય, તને નકશો મળી ગયો ને..? હવે અમને બંનેને જવા દે.."

વિજયે નકશામાં થી નજર ઉંચી કરીને વિક્રમ સામે જોયું. એના ફેસ પર એક સ્માઇલ આવી ગઈ. એણે વિક્રમ પાસે આવીને કહ્યું,"એટલી જલ્દી શેની છે વિક્રમ, હજુ તો આપણે મળ્યા જ છીએ. થોડી ઘણી વાતો તો કરીએ."

" તો જો વાતો જ કરવી હોય તો આપણે આ મકબરા ની બહાર નીકળીને કરીએ તો કેવું રહેશે?" વિક્રમે કહ્યું.

" અરે.. વિક્રમ.. તને બહાર જવાની એટલી જલ્દી શેની છે?" વિજયે કહ્યું." અહીંયા ડર લાગી રહ્યો છે? "

વિક્રમે ચિડાએલા અવાજે કહ્યું," બેવકૂફ, આર્કિયોલોજીસ્ટ થઇને તને એટલી ખબર નથી પડતી કે આવી જગ્યાએ ઘણા ટ્રેપ હોઇ શકે છે. કદાચ ભૂલથી એકાદ એક્ટિવેટ થઇ ગયું તો શું થશે.? "

રેશ્મા મનોમન બબડી.." હવે છ મિનિટની વાર છે. "

વિજય પોતે ઉભડક બેસી ગયો. હવે વિજયે અને વિક્રમની સમાંતર અની આંખોમા આંખો પરોવીને કહ્યું, " હું તને કવ ને શું થશે.. હવે હું અહીંથી આ નકશો લઇને બહાર જઇશ. અને સંબલગઢનું રહસ્ય દુનિયાની સામે ઉજાગર કરીશ. અને તમે બંને આ જ કબરમાં હંમેશા માટે દફન થઇ જશો. " કહેતા વિજયના મોં માંથી રાક્ષસી હાસ્ય નીકળ્યું.

વિક્રમે વિજયની આંખોમાં જોઇને આત્મવિશ્વાસથી કહ્યું, " તો ચાલ.. અમને બંનેને ગોળી મારી દે એટલે વાત પતી જાય. "

" એટલી જલ્દી નહીં વિક્રમ." વિજયે કહ્યું, "પ્રોફેસર નારાયણની ફાઇલ મેળવવા માટે મે કેટલી મથામણ કરી હતી. અને એ ફાઇલ મારી પહેલા લેવાની તારી હિંમત કઇ રીતે થઇ..?" કહીને એણે વિક્રમના મોઢા પર એક મુક્કો માર્યો. આમ અચાનક પ્રહાર થવાને લીધે વિક્રમને આંખે અંધારા આવી ગયા. વિજયના હાથમાં ગજબનું બળ હતું. વિક્રમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. એના જબડાં માં ભયંકર પીડા ઉપડી. એ જમીન પર પડે એ પહેલા જ એણે બંને હાથ જમીન પર ખોડી દીધા. પોતાને કાબુમાં રાખીને એ ફરી બેઠો થયો. એણે રેશ્મા તરફ નજર કરી. રેશ્માએ એના હાથની. ત્રણ આંગળીઓ દેખાડી. વિક્રમ એનો મતલબ સમજી ગયો. હવે ત્રણ મિનિટ બાકી છે. એણે પોતાના હોઠો પર આવેલું લોહી લૂછીને વિજયને કહ્યું, " વિજય.. આપણે બધા અહીં જ દફન થઇ જઇએ એ પહેલા આપણે બધાએ અહીંથી નીકળી જવું જોઈએ. પછી જો તું ઇચ્છે તો આપણે ત્રણેય સાથે મળીને સંબલગઢની શોધ કરી શકીએ છીએ. પણ અહીંથી ચાલ અહીંયા જાળ ફેલાયેલી છે જે અઢી મિનિટમાં એક્ટિવેટ થઇ જશે. પછી શું થશે એની કોઇને ખબર નથી."

" તને લાગે છે કે હું તારી આ બકવાસ ઉપર વિશ્વાસ કરી લઇશ? " વિજયે વિક્રમ ના માથા પર ગન તાકી. હવે તે ઉભો થઇ ગયો હતો. પછી એણે એના સાથીઓ માંથી એકને સંબોધતા કહ્યું," કમાન્ડર, આ કબરમાં પડેલી લાશના શરીર પર થી બધા જ કીંમતી ઘરેણાં ઉતારી લો."

એ વ્યક્તિએ એમ કરવાનું શરૂ કર્યું. વિક્રમ અને રેશ્મા બંને ચોંક્યા. વિક્રમે વિજયને ગુસ્સેથી કહ્યું, "વિજય.. આમ મૃતદેહ પરથી એના ઘરેણાં ઉતારી લેવા એ એનું અપમાન છે. કમ સે કમ મરેલાઓની તો ઇજ્જત કર.. "

" એ મૃતદેહને ઘરેણાઓની શું જરૂર વળી?" વિજયે બેશર્મી થી કહ્યું.

રેશ્માએ વિક્રમને સંબોધીને આતુરતાથી કહ્યું, "ત્રીસ સેકન્ડ વિક્રમ..."

" શેની ત્રીસ સેકન્ડ? " વિજયે શંકાસ્પદ સ્વરે પુછ્યું.

" એ તને ખબર પડી જશે." વિક્રમે કહ્યું.

વિજયને કંઇ સમજાયું નહીં. એણે હજી વિક્રમ પર ગન તાકેલી હતી. એણે એના કમાન્ડરને જલદી કરવા કહ્યું. કમાન્ડર એને મળેલા આદેશ નું પાલન કરવા લાગ્યો. વિજય વિક્રમ પર ગન તાકીને ઉભો હતો.

થોડીવાર પછી રેશ્મા વિજય સામે જોઇને બોલી, " ટાઇમ્સ અપ... વિજય."

એ બોલી એ સાથે જ એક મોટો અવાજ થયો. એ અવાજ એવો હતો કે જાણે બે મોટા પથ્થરો એકબીજા સાથે અથડાયા હોય. એ અવાજ આવ્યો એ સાથે પલક ઝબકતાં જ એક પછી એક એમ બે ઘટનાઓ ઘટી.

પહેલી ઘટના એ બની કે એ ધડાકાને લીધે વિજયનું ધ્યાન ભટકાયું અને એણે અવાજની દિશાં શોધવા માટે જમણી બાજુ નજર કરી. એ મોકાનો લાભ ઉઠાવીને વિક્રમે એના જે હાથમાં બંદુક હતી એ હાથ પકડીને ખેંચ્યો. એથી એ પોતે ઉભો થય ગયો. અને એણે પોતાના બીજા હાથની મુઠ્ઠી ભીંસીને વિજયના પડખામાં એક જોરદાર મુક્કો માર્યો. આ અણધાર્યા હુમલાથી વિજયને પડખામાં જોરદાર પીડા ઉપડી. એના મોઢામાંથી એક ચીખ નીકળી ગઇ. પીડાને લીધે એના હાથમાંથી બંદુક છુટી ગઈ અને એ જમીન પર પડી ગયો.

ધડાકાને લીધે વિક્રમ અને રેશ્માની પાછળ ઉભેલો માણસ પણ ચોંકી ગયો અને એનું પણ ભટકી ગયું. મોકાનો લાગ જોઇને રેશ્માએ એના ગોઠણ પર એક જોરદાર કીક મારી. એ વ્યક્તિ એ પ્રહાર જીરવી ન શકતા એ ચિલ્લાઇ ઉઠયો. અને રેશ્માએ ઉભા થઇને એની ગરદન પાછળથી પકડીને એને ખેંચીને એને સીડીઓથી દૂર કમરાની અંદર તરફ ફેંકી દીધો. અને વિક્રમ અને રેશ્મા બંને સીડીના પહેલા પગથિયા પર ઉભા રહી ગયા.

બીજી ઘટના એ બની કે ધડાકાના અવાજ સાથે જે દિવાલમાં રાજાનું ચિત્ર હતું એ ત્રણેય ચક્ર દિવાલમાં અંદર ધસી ગયા. અને એ સાથે જ એ દિવાલની ડાબી બાજુની દિવાલ જમીનમાં અંદર ધસી ગઇ. ત્યાંથી એક રસ્તો હતો જે આગાળ અંદરની તરફ જઇ રહ્યો હતો. એ રસ્તા પરથી ભયાનક અવાજો આવવા લાગ્યા. જાણે અંદર કોઇ ભયાનક પશુ રાખવામાં આવ્યા હોય.

બીજી જ ક્ષણે એ તરફથી કેટલાક ભયાનક જીવો કમરામાં ધસી આવ્યા. ત્યાં ઉભેલા દરેકની આંખોમાં મોતનો ભય ઉતરી આવ્યો. એ જીવો મનુષ્યો જેવા જ દેખાતા હતા. પણ એ મનુષ્યો ન હતા. એમનો દેખાવ ભયાવહ હતો. એમની ચામડી સડી ગઈ હતી. અમુકના તો માંસ પણ ખવાઇ ગયા હતા અને શરીરના કેટલાક ભાગોમાં હાડકાં દેખાતા હતા. એમના દાંત એકદમ તીક્ષ્ણ હતા. બધાના ચહેરા સડેલા હતા. એમા જીવડા ખદબદી રહ્યાં હતાં. પણ છતાંય એક વાત વિચિત્ર હતી બધાએ કમરથી નિચે ધોતી પહેરેલી હતી. જે ખુબ જ ગંદી હાલતમાં હતી. એમની આંખો ખૂબ જ ડરામણી હતી.

એ જીવોએ વિજયના માણસો પર હુમલો કર્યો. અને એમને મારવા લાગ્યા. વિજયના માણસોને એમનો જીવ બચાવવાનો એકમાત્ર રસ્તો હતો એ અપનાવ્યો. એમણે બંદુકો વડે એ જીવો પર અટેક કર્યો. જેથી એ પોતાનો બચાવ કરી શકે. એક જીવે વિજયના એક માણસને મારીને એની છાતી ફાડીને એનું હૃદય કાઢી લીધું. અચાનક એનું ધ્યાન વિક્રમ અને રેશ્મા પર ગયું. વિક્રમ અને રેશ્મા બંને એ ભયાનક નજારો જોઇને થથરી ઉઠ્યા. અચાનક એમને ભાન થયું કે એ જીવોએ એમની નોંધ લીધી છે. ડરના માર્યે રેશ્મા ત્યાં જ થીજી ગઈ. પણ વિક્રમે એનો હિથ પકડીને એને ખેંચીને લઇ ગયો. ભાનમાં આવતાં જ રેશ્મા અને વિક્રમ બંને જેટલો હતો એટલો દમ લગાવીને દોડ્યા. એ જીવ પણ એમની પાછળ દોડ્યું.

સુરંગનો અંત આવતા જ બહાર નીકળવાનો દરવાજો ઉપર હતો. વિક્રમે રેશ્માને ઉપર ઉઠાવી. રેશ્મા ઉપર ચડી ગઇ અને એણે ઉપર ચડીને વિક્રમને ઉપર ખેંચી લીધો. ઉપર આવીને તરત જ વિક્રમે દરવાજો બંધ કરી દીધો. અને ત્યાં ઉભા રહીને થાક ખાવાને બદલે એ બંને દોડ્યા. એમને ખૂબ જ હાંફ ચડી ગઈ હતી અને હૃદય પણ જોરજોરથી ધડકી રહ્યું હતું. પણ અત્યારે ઉભા રહેવાનો મતલબ છે મોત.. એટલે એ બંને પોતાનો જીવ બચાવવા દોડીને પોતાના ઉંટ પાસે આવ્યા. ખુબ જ ઉતાવળમાં એમણે ઉંટોની દોરી છોડી અને એમના પર સવાર થઇને એ બંનેને ફરી પાછા ગજનેર તરફ હંકારી મુક્યા. વિક્રમે એકવાર પાછળ ફરીને જોયું. એ ભયાનક જીવ એમની તાકીને ઉભું હતું. થોડીવાર ઉભું રહીને એ ફરી સુરંગ તરફ ચાલ્યું ગયું.

(ક્રમશઃ)

* * * * *