The burden of truth books and stories free download online pdf in Gujarati

સત્યનો ભાર

" આટલામાં નજીકમાં ક્યાંય બેંકનું એટીએમ છે ? " પાર્લા સ્ટેશન ઉતરીને મેહુલે એક પાનના ગલ્લાવાળાને પૂછ્યું.

"અહીં અગ્રવાલ માર્કેટમાં સીધા જાવ. આગળ તમને એટીએમ દેખાશે." ગલ્લાવાળાએ જવાબ આપ્યો.

એણે બતાવ્યા પ્રમાણે શાક માર્કેટ પૂરું થતાં જ એક એટીએમ દેખાયું. મેહુલે પચીસ હજાર ઉપાડી લીધા અને ત્યાંથી સીધો ચાલતો નહેરુ રોડ ઉપર ગયો. શિવસાગર ક્રોસ કરીને એ કૌશિક ભાઈ ના મોબાઈલ શો રૂમમાં પહોંચી ગયો.

કૌશિકભાઈ કાઉન્ટર ઉપર જ બેઠા હતા. મેહુલે એમને પચીસ હજાર આપી દીધા.

" કાલે પહેલી તારીખ છે અંકલ. સોનિયા આવે તો આ એને આપી દેજો. ઘરેથી પૈસા લેવાનું ભૂલી ગયો હતો એટલે અહીંયા આવીને એટીએમ થી ઉપાડ્યા."

" એ તો ઠીક છે મેહુલ. પણ ક્યાં સુધી તું આ રીતે ગુપ્ત મદદ કરતો રહીશ ? સોનિયા ને તો ખબર જ નથી કે એક વર્ષથી તું દર મહિને પહેલી તારીખે આટલી રકમ પહોંચાડે છે !! મેં એની મમ્મી ભારતીબેન આગળ તે કહ્યું એ પ્રમાણે સ્ટોરી તો બનાવી દીધી. પણ ક્યારેક તો સત્ય બહાર આવવું જ જોઈએ ને ? ખોટો યશ મને શું કામ આપે છે?"

" અંકલ ! તમને ખબર તો છે કે હું આપું છું એવી સોનિયાને જાણ થશે તો એક રૂપિયો પણ નહીં લે ! મારા પપ્પાએ એના પપ્પા સાથે ધંધામાં જે વિશ્વાસઘાત કર્યો એના કારણે એ મારા પપ્પાને નફરત કરે છે ! એ અમને લોકોને દુશ્મન માને છે કારણકે નવનીતલાલ ના મૃત્યુ પાછળ મારા પિતા જવાબદાર છે "

" હા બેટા બધું જ જાણું છું સોનિયાના પિતા નવનીતભાઈ એક ખૂબ જ સજ્જન માણસ હતા. તારા પપ્પાએ એમને રોડ ઉપર લાવી દીધા ! આઘાતમાં ને આઘાતમાં છ મહિનામાં જ એમને હાર્ટએટેક આવી ગયો. એમનું ફેમિલી રખડી પડ્યું. "

પંદર વર્ષ પહેલા મૂળજી જેઠા માર્કેટમાં મેસર્સ નવનીતલાલ એન્ડ કંપની ની ખુબ જ જાહોજલાલી હતી. નવનીતલાલે પોતાના બુદ્ધિબળથી અને આવડતથી કાપડનો આ ધંધો જમાવ્યો હતો. પાંચ વર્ષ પહેલા મફતલાલ કાપડની આ પેઢીમાં જોડાયા હતા.

પાંચ વર્ષની અંદર મફતલાલે એવી એવી રમતો રમી કે આખો ધંધો મફતલાલ ના નામે થઇ ગયો. મફતલાલ પોતે એકાઉન્ટસમાં માસ્ટર હતા. તમામ ખરીદી નવનીતલાલ ના નામે બતાવે અને વેચાણ પોતાના નામે !! એક સમય એવો આવ્યો કે નવનીતલાલ દેવાળિયા થઈ ગયા. વધુ પડતા વિશ્વાસમાં એ રોડ ઉપર આવી ગયા.

ભૂલેશ્વર વિસ્તારના અનંતવાડી ના માળામાં નવનીતલાલ રહેતા હતા. જ્યારે મફતલાલ પ્રાર્થના સમાજ પાસે રહેતા. નવનીતલાલ નુ અવસાન થયું ત્યારે તેમના પત્ની ભારતીબેન અને બે દીકરીઓ સોનિયા તથા રૂપલ સાવ નોંધારા થઈ ગયા. સોનિયા ત્યારે 22 વર્ષની અને રૂપલ 20.

પાંચ વર્ષ પહેલા જ્યારે જાહોજલાલી નો સમય હતો ત્યારે મેહુલ ની આવન-જાવન ભારતીબેન ના ઘરે રહેતી. ભારતીબેન પણ એને દીકરાની જેમ જ પ્રેમ કરતા.

પોતાના પિતાએ ધંધામાં આ સજ્જન પાર્ટનર સાથે જે રમતો રમી એ મેહુલને જરા પણ ગમી નહોતી. એને જો કે આ બધી વાત ની પછી ખબર પડી. પણ પિતાના કડક સ્વભાવ ને કારણે એ એમને કંઈ કહી શકતો નહોતો.

મેહુલે માર્કેટિંગમાં એમ.બી.એ કર્યું હતું અને દોઢ વર્ષ પહેલાં જ એક મલ્ટિનેશનલ કંપનીમાં વાર્ષિક વીસ લાખના પેકેજમાં એને સારી જોબ મળી હતી. પિતાએ સારા પૈસા ભેગા કર્યા હતા એટલે એના માથે બીજી કોઈ જવાબદારી નહોતી. એટલા માટે જ એણે ભારતીબેન ના ખરાબ સમયમાં ટેકો રહે એટલા માટે પોતાના પગારમાંથી દર મહિને પચીસ હજારની મદદ કરવાનું નક્કી કર્યું.

સીધી રીતે તો ભારતીબેન કે સોનિયા પોતાની મદદ સ્વીકારે જ નહીં. એટલે એણે એક આખો પ્લાન બનાવેલો. એણે એના દૂરના એક સગા કૌશિકભાઇ છેડાનો સંપર્ક કર્યો. તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એક સુંદર યોજના બનાવી અને એ યોજના મુજબ નવનીતલાલ ના મૃત્યુના લગભગ બે મહિના પછી કૌશિકભાઈ અનંતવાડી જઈને ભારતીબેન ને મળ્યા.

" ભારતીબેન તમે તો મને ના ઓળખો પણ પેપરમાં નવનીતભાઈ નું બેસણું વાંચી મને ખૂબ જ આઘાત લાગ્યો. નવનીતભાઈ ના મારા ઉપર બહુ જ ઉપકાર હતા. નવનીતભાઈ ના હોત તો આજે કદાચ હું હયાત પણ ના હોત. મારે માથે લાખો નું દેવું હતું ત્યારે નવનીતભાઈ એ મારો હાથ પકડેલો. દસ વર્ષ પહેલા ઉભા ઉભા એમણે મને પાંચ લાખ રોકડા ગણી આપ્યા. "

" એ રૂપિયા તો પાંચ વર્ષ માં મેં પાછા ચૂકવી દીધા પણ આવા દેવ જેવા માણસ નું ઋણ કેમ ભૂલી શકું ? આજે જે પણ કંઈ છું તે નવનીતભાઈ ની કૃપાના કારણે છું. તમારા ઉપર મોટી આફત આવી પડી છે એટલે હું આવ્યો છું. મને પારકો ના ગણતા. પાર્લા ઈસ્ટ માં મોબાઈલનો મારો શોરૂમ છે. ધંધો સારો ચાલે છે. "

" હું વધારે નહીં પણ દર મહિને તમને પચીસ હજારનો ટેકો કરી શકું એમ છું જેથી તમને ઘર ચલાવવામાં કોઈ તકલીફ ના પડે. દર મહિનાની પહેલી તારીખે તમારી દીકરીને મારી દુકાને મોકલી આપજો. આ મારું એડ્રેસ છે." કહીને કૌશિકભાઇ એ તેમનું વીઝીટીંગ કાર્ડ ભારતીબેન ના હાથમાં આપ્યું.

" અરે પણ કૌશિકભાઈ તમારા પૈસા હું કઈ રીતે લઈ શકું ? તમે તમારી ખાનદાની બતાવી પણ મારાથી આ પૈસા ના લેવાય. હું આટલું મોટું અહેસાન માથે ના લઈ શકું. "

ભારતીબેન થોડા અસમંજસ માં હતા. આજ સુધી ક્યારેય પણ કૌશિકભાઈ એમને મળ્યા નહોતા. તેમના પતિએ પણ કોઈ દિવસ એમના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.

" અરે બહેન તમે આ શું બોલ્યા ? તમે તો મારા નાના બહેન જેવા છો. તમને તમારી આ દીકરી ના સોગન !! જ્યાં સુધી મારાથી બનશે ત્યાં સુધી હું તમને ટેકો કરતો રહીશ. હવે એક પણ અક્ષર ના બોલશો."

અને મેહુલે આપેલા પચીસ હજારનું કવર આપી ચા પાણી પીને કૌશિકભાઇ ત્યાંથી નીકળી ગયા. દર મહિનાની આખર તારીખે મેહુલ રેગ્યુલર કૌશિક ભાઈ ને પૈસા પહોંચાડી દેતો અને સોનિયા આવીને લઈ જતી. છેલ્લા એક વરસથી આ ક્રમ ચાલતો હતો એટલે જ આજે કૌશિકભાઈએ મેહુલ ને કહ્યું કે હવે સત્ય બહાર આવવું જોઈએ !!

સારા કામ નો બદલો ઈશ્વર હંમેશા આપતો જ હોય છે. માનવી ભલે અપેક્ષા ન રાખે પણ કુદરતના ધ્યાનમાં જ હોય છે. આ સત્ય બહાર આવવાનો સમય છ મહિના પછી આવ્યો.

ઘટના એવી બની કે ભારતીબેન ને અવાર નવાર ઉલટીઓ થવા લાગી. ખોરાક પચવામાં પણ પ્રોબ્લેમ શરૂ થયા. લીવર માં દુખાવો પણ ચાલુ થયો. લીવર ના તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા તો લીવર અને ફેફસા વચ્ચે કેન્સરની એક નાની ગાંઠનું નિદાન થયું.

ભારતીબેન ને કોઈ મેડીકલ પોલીસી હતી નહીં એટલે જો કદાચ ઓપરેશન કરાવવાનું થાય તો આટલી મોટી રકમ ક્યાંથી કાઢવી ? એટલે એમણે સોનિયાને કૌશિકભાઇ પાસે મોકલી. કૌશિકભાઇ એ એને આશ્વાસન આપ્યું.

" તું ચિંતા ના કર દીકરી......બધું સારું થઈ જશે. તું એક કામ કર... તમામ રીપોર્ટ લઈને આવતીકાલે મને આપી જા. આપણે કંઇક રસ્તો કાઢીએ છીએ. "

સોનિયા ગયા પછી કૌશિકભાઇ એ તરત જ મેહુલને બધી વાત કરી. .

" તમે એક કામ કરો અંકલ. પૈસાનું કોઈ ટેન્શન ન કરો. તમે કાલે ને કાલે ભારતી માસી ને હરકીશનદાસ હૉસ્પિટલમાં દાખલ કરાવી દો. જે પણ પૈસા ભરવાના આવે એ હું ભરાવી દઈશ."

બીજા જ દિવસે ભારતીબેન ને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા. લીવર અને ફેફસા વચ્ચેની સર્જરી બહુ જટિલ હતી. ઓપરેશન તો સરસ રીતે પાર પડી ગયું. પણ ઓપરેશન પછી કીમો થેરપી લીધા પછી એમની તબિયત લથડવા લાગી અને ઓપરેશનના લગભગ ત્રણેક મહિના પછી શ્વાસોશ્વાસમાં પણ તકલીફ થવા લાગી.

ભારતીબેનને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયાએ કૌશિકભાઈ ને ફોનથી જાણ કરી. કૌશિકભાઈ હોસ્પિટલ પહોંચી ગયા અને ડોક્ટરને પણ મળી લીધું.

" જુઓ સાહેબ પેશન્ટની તબિયત હવે ખૂબ જ નાજુક બનતી જાય છે. ઓપરેશન તેમ જ કિમો થેરપી ના કારણે તેમની જમણી બાજુનું ફેફસું સારું એવું ડેમેજ થયું છે. અત્યારે તો એક-બે દિવસમાં એમને સારું થઈ જશે પણ હવે ચાર છ મહિનાથી વધારે ખેંચી શકશે નહીં. ઘરે પણ ઓક્સિજન ની વ્યવસ્થા કદાચ કરવી પડે "

બે દિવસ પછી ઓક્સિજન સિલિન્ડર સાથે ભારતીબેન ને રજા આપવામાં આવી પણ કૌશિકભાઈ હવે ચૂપ રહી શકે એમ નહોતા.

ચાર-પાંચ દિવસ પછી ખબર કાઢવા ના બહાને એ ભારતીબેન ના ઘરે અનંતવાડી પહોંચી ગયા. ભારતીબેન ની આંખમાં આંસુ આવી ગયા.

" ભાઈ મારી જિંદગીનું હવે કોઈ જ ઠેકાણું નથી ત્યારે આ બે દીકરીઓને શું થશે એ ચિંતામાં હું અડધી થઈ ગઈ છું. બંને દીકરીઓ યુવાન છે. બંને કોલેજમાં ભણે છે. પણ જ્યારે હું નહીં હોઉં ત્યારે તેમનું ધ્યાન કોણ રાખશે ?"

" બહેન તમે ખોટું ન લગાડો તો એક વાત કહું ? મફતલાલે નવનીતભાઈ સાથે જે પણ ખરાબ વ્યવહાર કર્યો પણ એના કારણે એમના આખા પરિવારને આપણે દુશ્મન શું કામ માની લેવો ? "

" તમે મેહુલને તો સારી રીતે ઓળખો જ છો . કેટલો બધો ડાહ્યો છોકરો છે ? એના પપ્પાએ આવું કર્યું એનાથી એ પણ પપ્પા ઉપર બહુ જ ગુસ્સે છે. તમારી સાથે કરેલો આ ખરાબ વ્યવહાર મેહુલને જરા પણ પસંદ નથી. એના પરિવાર સાથે તમારે કેટલો બધો ઘરોબો હતો ? "

"અંકલ એ લોકોનું તમે નામ જ ના લેશો. અમારે હવે એ ફેમિલી સાથે કોઈ જ લેવાદેવા નથી. માની લો કે એમની ફેમિલીને મફત અંકલ નો વ્યવહાર પસંદ નહોતો પણ તો પછી પપ્પાના ગુજરી ગયા પછી આ દોઢ વર્ષમાં એ ઘરમાંથી અમારી ખબર કાઢવા કેમ કોઈ આવ્યું નહીં ? અમે કઈ રીતે જીવીએ છીએ એ આજ સુધી કોઈએ ફોન ઉપર પણ પૂછ્યું છે ?" સોનિયાએ ગુસ્સે થઈને જવાબ આપ્યો.

" તારો ગુસ્સો તારી જગ્યાએ વ્યાજબી છે બેટા... પણ બધા માણસો સરખા નથી હોતા. અને બીજાની વાત જવા દઈએ... મેહુલ તો એવો નથી જ. એણે એના પપ્પા સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી છે. એણે તો અલગ રહેવા માટે એક ફ્લેટ પણ બુક કરાવ્યો છે. " મેહુલ માટે આ લોકો થોડુંક પોઝિટિવ વિચારે એના માટે કૌશિકભાઇ એ થોડી પૂર્વભૂમિકા તૈયાર કરી.

" જો તમે કહો છો એવું જ હોય અંકલ તો આજ સુધી અમારી ખબર એણે કેમ ના પૂછી? અને મેં તો સાંભળ્યું છે કે દોઢ બે લાખનો એનો પગાર છે તો મમ્મીનું આવડું મોટું ઓપરેશન થયું તો હોસ્પિટલ આવીને એણે થોડી ઘણી પણ મદદ કરી ? અરે મદદ તો દૂર, ખબર પણ પૂછી ? શું એને આ વાતની જાણ નથી ?" સોનિયા એકી શ્વાસે આ બધું બોલી ગઈ.

" બધી જ ખબર છે બેટા પણ બાપ ના કરતૂતો ના કારણે એના પગ ભારે થઈ ગયા છે. એને પોતાને તમારા ઘરે આવતા સંકોચ થાય છે. મમ્મી ના ઓપરેશન પછી એ ત્રણ વાર હોસ્પિટલમાં આઈસીયુમાં આવીને જોઈ ગયો છે."

" મેહુલ હોસ્પિટલમાં આવ્યો હતો ?" હવે ભારતીબેને પૂછ્યું.

" હા બહેન.. હું આજે તમારી પાસે જાણી જોઈને કેટલાક ખુલાસા કરવા આવ્યો છું. મારાથી હવે આ ભાર સહન થતો નથી. જો અત્યારે સત્ય પ્રગટ કરવામાં નહીં આવે તો કોઈને બહુ મોટો અન્યાય થઇ જશે. તમારી આટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે નાછૂટકે મારે હવે કહેવું પડશે "

" કેવું સત્ય અંકલ ? આજે કેમ તમે આવી ભેદભરમ જેવી વાતો કરો છો ? કોને અન્યાય થઇ જશે ? " સોનિયા બોલી

" મેહુલ ને બેટા ! ભારતીબેન..... તમે પણ શાંતિથી મારી વાત સાંભળો. હું તો તમને કોઈને ઓળખતો પણ નથી. છેલ્લા દોઢ વર્ષથી દર મહિને પચીસ હજાર રૂપિયા તમને આપવા માટે મેહુલ મને આપી જાય છે. પહેલી તારીખ આવે એ પહેલા એ મારી દુકાને પૈસા પહોંચાડી દે. તમને લોકોને કલ્પના પણ નથી કે મેહુલ ના દિલ માં તમારા લોકો માટે કેટલી વેદના છે ? એ જાણતો હતો કે તમે લોકો એના ફેમિલીને ધિક્કારો છો એટલે એણે બિચારાએ મને વચ્ચે રાખીને મદદ કરી."

" ઘણીવાર તો સોનિયા પહેલી તારીખે પૈસા લેવા આવે ત્યારે એ દુકાનની સામેના ભાગમાં છુપાઈને સોનિયા ને જોઈ લેતો. હું એનો સાક્ષી છું બેટા ! તને મળવાની એની હિંમત નહોતી ચાલતી. મેહુલ ના દિલમાં તારા માટે પ્રેમ અને લાગણી મેં જોયા છે સોનિયા."

" ભારતીબેન બીમાર પડ્યા ત્યારે ઓફિસમાં રજા રાખીને મેહુલ હોસ્પિટલમાં દોડ્યો હતો અને એમને દાખલ કરવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી. પોતાના બાપ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર એણે બે લાખ રૂપિયા હોસ્પિટલમાં જમા કરાવ્યા હતા ત્યારે તારી મમ્મી નું ઓપરેશન થયું."

" મફતલાલ ગમે તેવા હતા પણ દીકરો દેવ જેવો છે. બેટા તું જો એને સાથ આપે તો તારી મમ્મીની હાજરીમાં એના નવા મકાનમાં તમે તમારો સંસાર શરૂ કરી શકો !! ઈશ્વરની લીલાને સમજવાનો પ્રયત્ન કર સોનિયા. નફરતથી કંઈ જ વળવાનું નથી અને આ ઘટનામાં એ છોકરો બિચારો એકદમ નિર્દોષ છે."

" એ છોકરાએ દોઢ વર્ષ પહેલા તારો હાથ ના પકડ્યો હોત તો તમારા લોકોની શું હાલત થાત એ વિચારો. તમામ પૈસા એણે એના પગારમાંથી આપ્યા છે ! એનો હાથ પકડી લે બેટા ! મેં એની આંખોમાં તારા માટે ભરપૂર પ્રેમ જોયો છે "

કૌશિકભાઇ એ જોયું કે સોનિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા . એમની વાત સાંભળીને સોનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી ! છેલ્લા દોઢ વર્ષથી પોતાના ફેમિલીને આ માણસ સંભાળતો હતો. એટલું જ નહીં મમ્મી ને બચાવવા માટે એણે બે અઢી લાખ ખર્ચી નાખ્યા. આ માણસને શું કહેવું ? અને આ બધું એણે એકદમ છાની રીતે કર્યું. કૌશિક અંકલે વાત ના કરી હોત તો આજ સુધી મને તો ખબર જ ન પડત કે આ બધું મેહુલ કરી રહ્યો છે !!

ભારતીબેન.... ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે પણ જિંદગીનો કોઈ ભરોસો નથી. મેહુલ જેવો જમાઈ તમને ખરેખર નહીં મળે. ગઈ ગુજરી ભૂલી જાવ એ બિચારો પોતાનો અલગ ફ્લેટ લઈને જીવન જીવવા માગે છે તો સોનિયાના હાથ પીળા કરી દો . મને તો મેહુલે ચોખ્ખી ના જ પાડી છે પણ મારાથી આ સત્ય નો ભાર સહન થતો નથી એટલે નાછૂટકે આજે તમને લોકોને મળવા આવ્યો છું. " કહી કૌશિકભાઇ એ બધાને બે હાથ જોડ્યા અને ઉભા થયા.

" અંકલ તમે મને મેહુલ નો નંબર આપોને !!" સોનિયાએ કહ્યું

કૌશિકભાઇ એ મેહુલ નો નંબર લખાવી દીધો અને નીકળી ગયા. કૌશિક ભાઈ ના ગયા પછી સોનિયાએ મેહુલ ને ફોન લગાવ્યો.

"મેહુલ તું ક્યાં છે ?; આજે સાંજે તું મને મળી શકીશ ?"

" અરે સોનિયા તું !!... તારો ફોન મારા ઉપર ?"

" એ બધી વાત જવા દે મેહુલ.... મને સાંભળ.... આજે સાંજે છ વાગે પારલા માં નેહરુ રોડ ઉપર શિવસાગર રેસ્ટોરન્ટમાં હું તારી રાહ જોઈશ " અને સોનિયા એ ફોન કાપી નાખ્યો.

સોનિયાએ પાર્લા સ્ટેશન ઉતરી સામેથી બે ગુલાબનો દાંડી સાથે પ્લાસ્ટિકમાં પેક કરેલો એક નાનકડો બુકે લીધો અને પર્સ માં મૂક્યો. ચાલતી ચાલતી લગભગ સવા છ વાગે શિવસાગર પહોંચી ગઈ ત્યારે ખૂણાના ટેબલ ઉપર મેહુલને બેઠેલો જોયો. સોનિયાને જોઈને મેહુલ ઊભો થયો.

" અરે ઉભો કેમ થાય છે ? હું તારી બૉસ નથી" કહી હસીને સોનિયા મેહુલ ની સામે ગોઠવાઇ ગઈ.

" તે તો આજે મને ગભરાવી જ દીધો ! કેટલા વર્ષો પછી તારો અવાજ સાંભળ્યો ? બોલ શું લઈશ ? શું મંગાવું ? "

" માત્ર સેન્ડવીચ વિથ કૉફી ! "

અને મેહુલે બે સેન્ડવીચ અને બે કોફીનો ઓર્ડર આપ્યો.

" મેહુલ આ બધું કરવાની શું જરૂર હતી ? પપ્પા ના મૃત્યુ પછી તું સીધો મારા ઘરે આવ્યો હોત અને પૈસાની મદદ કરી હોત તો ? "

" સોનુ હું તને વર્ષોથી ઓળખું છું. તું તારા દિલ ઉપર હાથ રાખીને જવાબ આપ. એ વખતે તારા પપ્પાના મૃત્યુનો ઘા તાજો હતો અને મારા પપ્પા એના માટે જવાબદાર હતા. હું તારા ઘરે આવ્યો હોત તો તમારા લોકોનો બધો આક્રોશ મારે એકલાએ સહન કરવો પડ્યો હોત. જ્યારે હું તો એકદમ નિર્દોષ હતો !! "

" પપ્પાના પાપોનું પ્રાયશ્ચિત મારે કરવાનું હતું ! નાછૂટકે મારે કૌશિક અંકલને વચ્ચે લાવવા પડ્યા. પણ તમને લોકોને આ બધી જાણ કેવી રીતે થઈ ? મેં તો કૌશિક અંકલને સોગંદ આપ્યા હતા !!"

" કૌશિક અંકલે મને કંઈ પણ કહ્યું નથી. મને કાલે રાત્રે સપનું આવ્યું હતું. સપનામાં મારા પપ્પા આવ્યા અને એમણે બધી વાત મને કરી. અને આદેશ આપ્યો કે કાલે ને કાલે તું મેહુલને મળી લે અને એને ગુલાબનું ફૂલ લઈને પ્રપોઝ કર કે.... વિલ યુ મેરી મી ?....મુજસે શાદી કરોગે ?" કહી સોનિયાએ પર્સમાંથી ગુલાબનો નાનકડો બુકે કાઢી મેહુલ ની સામે ધર્યો.

મેહુલ તો સોનિયા સામે જોઇ જ રહ્યો. એને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું શું થઇ રહ્યું છે ? જેને વર્ષોથી એ ચાહતો હતો એ આજે સામે ચાલીને પ્રપોઝ કરતી હતી !!

" છુપા રુસ્તમ... લાખો ની મદદ તો છાની રાખી પણ પ્રેમને પણ છાનો રાખ્યો ? પહેલી તારીખે કૌશિકભાઈ ની દુકાન સામે સંતાઈને મને કેમ જોતો હતો.... બોલ !!! "

મેહુલે ફૂલનો બુકે લઇ લીધો અને બંને આંખે સ્પર્શ કર્યો.

" આજે ખોટું નહીં બોલું. ... વર્ષોથી હું તને ચાહવા લાગ્યો હતો પણ કહેવાની હિંમત નહોતી. અને સંજોગો પણ વિપરીત થતા ગયા હતા. માત્ર તારા પ્રેમને કારણે જ દોઢ વર્ષથી હું તારી સંભાળ રાખું છું અને મમ્મીની આટલી મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવી !!"

" પપ્પા ના અવસાન પછી તને કોઈ તકલીફ પડે તે હું સહન કરી શકું તેમ નહોતો સોનુ !! હા સોનુ... હું તને દિલથી પ્રેમ કરું છું !! " કહી મેહુલે સોનિયા નો હાથ ચૂમી લીધો.

" મેહુલ મારા દિલમાં અત્યારે તારા માટે કેવી કેવી લાગણીઓ ઉભરાઇ રહી છે એ તને કઈ રીતે સમજાવું ?: મારા પરિવાર ઉપરના તારા ઉપકાર તો હું નહીં ચૂકવી શકું પણ તારી સાચી જીવન સંગીની બનીને જીવનભર તારો સાથ હું ચોક્કસ નિભાવીશ. "

આ બંનેની વાતો ચાલતી હતી ત્યાં જ રૂપલ ટપકી પડી.

" અરે તમે બંને જણા આજે ને આજે એકબીજા ઉપર આટલા ઓળઘોળ ના થઈ જાઓ. લગન પછી પણ થોડું બાકી રાખો " કહી એ સોનિયાની બાજુમાં ગોઠવાઈ ગઈ.

" અરે ચિબાવલી તું ક્યાંથી આવી ? "

" કેમ !! તારી વાતો ફોન ઉપર સાંભળી હતી. એટલે સમજી ગઈ હતી કે આજે જીજુ ઉપર એટેક થવાનો છે !! "

" અને જીજુ તમે પણ સાંભળી લો... આ સોનિયા મેડમ ને પામવા હોય ને તો પહેલા આ સાળીને ખુશ કરવી પડશે !! " રૂપલ બોલી.

" આપકા હુકુમ સર આંખો પર ! બોલો ક્યા સેવા કર સકતા હું આપકી રૂપલ દેવી ? "

" બસ એક ગ્રીન પિસ્તા આઈસ્ક્રીમ દિલા દો ! રૂપલ દેવી ખુશ !! " અને રૂપલ હસી પડી.

અશ્વિન રાવલ. ( અમદાવાદ)