value of life books and stories free download online pdf in Gujarati

કિંમત

વરસાદની એક ઘોર અંધારી રાત અને નર્મદા જિલ્લો...
શૂળપાણેશ્વર અભ્યારણની ચેકપોસ્ટ પર......

"સર પ્લીઝ જો આટલી મોટી ઈમરજન્સી ન હોત તો કદાચ ન જાત આવા વરસાદી માહોલમાં અંદર પણ, નસીબ... મારા દીકરાના જીવનનો પ્રશ્ન છે. પ્લીઝ જવા દો. અમે બધી તકેદારી રાખશું. તમારી પર કોઈ પ્રશ્ન ઉભો નહિ થાય પણ પ્લીઝ અમને અંદર જવા દો."
"જાણો છો ને કે સતત 2 અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. નદી તો પુરજોશમાં છે જ, અને સાથે-સાથે જંગલમાં જાનવરો પણ ભૂખ્યા હશે. જો કોઈ જાનવર આવી ચઢ્યું તો શું કરશો?" ત્યાંનો એક ફોરેસ્ટ અધિકારી બોલ્યો.
"એ જાનવરોનો કોળિયો તો કદાચ જ બનશું. પણ કાળનો કોળિયો બનતા કોઈ નહિ રોકી શકે. સર પ્લીઝ...." ઓફિસરની સામે ઉભેલા એ પુરુષ આજીજીના સ્વરમાં બોલ્યો અને જવા માટે વિનવવા લાગ્યો.
ઓફિસરે એની સામે ઉપરથી નીચે સુધી નજર કરી બોલ્યો, "ક્યાં જવું છે????"
સામેવાળો પીગળી રહ્યો છે એ જોઈ એ પુરુષ બોલ્યો, "સર મારે અભ્યારણમાં બીસ્સાબાબાને ત્યાં જવું છે"
'બીસ્સાબાબા' નામ સાંભળી ઓફિસરે એની ભ્રમર ઊંચી કરી અને બોલ્યા, "તો તો પાછા જ જતા રહો. બીસ્સા હવે તમારી મદદ નહિ કરી શકે. એણે એ કામ છોડી દીધું છે."
"હા સર, જાણું છું. પણ હું જમાનાની સામે લડી રહ્યો છું. હાલ તો એક તણખલું પણ મને એક મોટી નાવ દેખાઈ રહ્યું છે. અને બીસ્સાબાબા તો પોતે જ એક મોટી આશા છે. હું ત્યાં જવાનું કેમ ટાળી શકું. સર પ્લીઝ તમે જે કઈ માંગશો એ હું આપીશ પણ મને હાલ અંદર જવા દો."
સામેવાળાનું ફરી ઉપરથી નીચે સુધી નિરીક્ષણ કર્યા બાદ ઓફિસર એની જરૂરત જોઈ એટલું કહી શક્યો, "મને કંઈ જ આપવાની જરૂર નથી. તમે અંદર જઇ શકો છો, પણ તમને કઈ પણ થાય તો અમારી જવાબદારી રહેશે નહિ. અને પ્રયત્ન કરી જોજો બાકી તો જેવી ભગવાનની ઈચ્છા."

એ પુરુષ ઓફિસરનો આભાર માની બીસ્સાબાબાનું એડ્રેસ સમજી પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં આવી ડ્રાઈવિંગ સીટ પર બેઠો. બહાર ગયે એને હજુ પાંચ મિનીટ થયા હતા, તેમ છતાં તે આખો પલળી ગયો હતો. એની બાજુમાં બેઠેલી સ્ત્રીએ એને રૂમાલ આપ્યો અને એણે પોતાનો ચહેરો અને વાળ લૂછી રૂમાલ સાઈડમાં મુક્યો અને ગાડીનું ઇગનીશન ચાલુ કર્યું. બાજુમાં બેઠેલી એ સ્ત્રી તરફ એક નજર કરી, હમેશા ખીલતો એનો ચહેરો આજે મુરજાયેલો હતો, વાળ વિખરાયેલા અને આંખો રડી-રડીને સૂઝી ગઈ હતી. નજર કરી એણે અને એક હાથ સ્ટેરીંગ પર મૂકી બીજા હાથે તરત ગાડી ગેરમાં નાખી અને આગળ જવા દીધી.
2 કલાકના આડા-અવળા, વાંકા-ચુકા અને કાચા રસ્તા પરના ડ્રાઇવિંગ બાદ એણે એક જગ્યાએ ગાડી ઉભી રાખી. બહાર વરસાદ હજુ ખૂબ પડી રહ્યો હતો. આજુબાજુ કઇ જ નજરે ચઢી રહ્યું નહતું. એ ધીમા અવાજે હાથથી સ્ટેરિંગ દબાવતા બોલ્યો, "નમ્રતા અહીંથી થોડે ઉપર બીસ્સાબાબાની ઝૂંપડી છે, બહાર વરસાદ ખૂબ છે. હું જઈને એમને લઈને આવું એ સારું રહેશે. તું અહીં રાહ જો. બહાર ન નીકળતી. હું પ્રયત્ન કરીશ કે જેમ બને એમ જલ્દી આવું." ત્યારબાદ એ સ્ત્રી તરફ જોઈ એના ગાલ પર એક હળવો હાથ ફેરવી બેકસીટ પર એક નજર કરી અને એ બહાર નીકળી ગયો. એ સ્ત્રીમાં જાણે જીવ જ ન હોય એમ એ શૂન્યવકાશમાં તાકી રહી હતી. અને બસ થોડી-થોડી વારે આ દુનિયામાં પાછી આવી બેકસીટ તરફ એક નજર કરી લેતી.

જંગલના આ ભાગમાં જાનવરોનો ખતરો વધુ હતું અને ઝૂંપડી માટે ચઢાણ પણ ખાસ્સું હતું પણ હાલ એ પુરુષમાં કંઈક એવું ઝનૂન હતું જેને લીધે એને આ કોઈ સમસ્યાઓ નજરે ચઢી રહી નહતી. એ ઝૂંપડી નજીક હાંફતો પહોંચ્યો અને તરત બારણું ખખડાવ્યું. એ આખો નીતરી રહ્યો હતો, વરસાદ અને ઠંડીને કારણે ધ્રુજી રહ્યો હતો. પણ હાલ એને પોતાની પરવાહ નહતી.
એ આ વિચારી જ રહ્યો હતો કે દરવાજો ખુલ્યો, અને સામે એક 30 વર્ષનો યુવક નજરે પડ્યો, સામે એક મુસાફર આવેલો એણે જોયો અને એની તરફ એક ઘૂરકિયા કરતી નજર નાખી.
આ નજરનો સામનો ન કરી શકતા એ મુસાફર બોલ્યો, "હું બીસ્સાબાબાને મળવા આવ્યો હતો, મને અહીંનું એડ્રેસ આપવામાં આવ્યું હતું, પણ......" એ યુવકની સામે જોઈ એ કઈક વિચારતા બોલ્યો, "હું કદાચ કોઈ ખોટી જગ્યાએ આવ્યો છું. મને બીસ્સાબાબાનું ઘર બતાવશો."
એની આજીજી જોઈ સામેવાળો યુવક થોડો નરમ પડ્યો અને એની નજરની કઠોરતા થોડી ઓછી કરી, "મું બીસ્સા, પણ મુ બાબા ની. તું જા અબ...." એટલું કહી એણે દરવાજો બંધ કરવા માટે હાથ લંબાવ્યો.
"બાબા સાંભળો પ્લીઝ..... આ છેલ્લો દરવાજો છે જે હું ખખડાવી રહ્યો છું. જો તમે મદદ નહિ કરો તો......."
આટલું બોલતા તો એ સામેવાળાના પગમાં પડી ગયો અને જોરજોરથી મદદ મેળવવા આજીજી કરવા લાગ્યો. હાલ એને પોતાના બ્રાન્ડેડ કપડાં કે એની પરિસ્થિતિ કશાની કોઈ પરવાહ નહતી. હાલ એ સામેવાળા પાસે ભીખ માંગવા પણ તૈયાર હતો.
બાબાએ એને ઉઠાવ્યો અને અંદર લઇ ગયા, "તું પહેલે અંદર આ. જાનવર બહોત હૈ ઇધર."
એ મુસાફર ઝૂંપડીની અંદર ગયો, વાસ અને નળિયાની બનેલી આ કાચી ઝૂંપડી સ્વચ્છ હતી. એકબાજુ ચૂલો અને બીજીબાજુ એક ખાટલો અને થોડું ઘરવખરી, બસ આટલું જ અહીં હતું. ઝૂંપડીના એક ખૂણામાં એક સ્ત્રી આખો પલ્લું ઢાંકીને ઉભી હતી જોવાથી એ કોઈ આદિવાસી સ્ત્રી જ લાગતી હતી.
બાબા તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યા અને એ મુસાફરને આપ્યો, એણે એ લીધો અને આશાભરી નજરે બાબા સામે જોવા લાગ્યો.
"શાંતિ સે પી ઓર મું ને બતા કહાઁ સે આયા"
એ મુસાફરના હાથમાં હજી ગ્લાસ હતો એ બોલવા લાગ્યો, "બાબા મેં વો......"
"અરે કુછ ના તું ગુજરાતી બોલ. મું સમજ જાઉં."
એણે કચવાતા મને વાત શરૂ કરી, "બાબા હું સિદ્ધાર્થ. અમદાવાદથી આવ્યો છું. આજે સવારે જ મારા એક મિત્રએ તમારી વિશે વાત કરી અને હું તમને મળવા નીકળી આવ્યો. જીવન-મૃત્યુનો સવાલ છે. તમે મદદ કરશો તો જ કંઇક થઈ શકે એમ છે. તમે ભૂતકાળ જોઈ શકો છો એમ મારા મિત્રએ જણાવ્યું અને હું તમારી મદદ લેવા નીકળી પડ્યો. મારી પાસે એક દિવસ જેટલો પણ સમય નથી. પ્લીઝ મારી મદદ કરો."
બાબા હજુ એની સામે ઊભા હતા એ ખાટલા પાસે ગયા અને બોલ્યા, "દોસ્તને બોલા અને તું આયો, ઉસને ન બોલા કી મું અબ યે ના કરતો. મૈને વો સબ છોડ દિયા."
"બાબા મારા છોકરો મરી જશે જો તમે મદદ નહિ કરો તો.. એની ઉપર....."
"તું મને કહે છે કે તારો છોકરો મરી જશે, પણ હું જે મારા જ સંતાનને ન બચાવી શક્યો એ તારી મદદ કેવી રીતે કરી શકશે?" હવે બાબાના ગુસ્સાનો પાર ન રહેતા એ બોલવા લાગ્યા.
"બાબા તમે અચાનક આમ..... અને તમારો દીકરો....." સામેવાળો મુસાફર આશ્ચર્યમાં ગરકાવ થતા બાબના ગુસ્સાથી ડરી બે ડગલાં પાછો થઈ ગયો.
'હા મારી ભાષા.. હું... બધું જ.... આદિવાસી છું પણ માં-બાપનો એકનોએક દીકરો હોવાને કારણે એમણે મને ભણાવ્યો. એ ખેતી કરતા અને હું ભણતો. મને સંસ્કૃતમાં પી.એચ.ડી. કરવા અમદાવાદ મોકલ્યો."
આ સાંભળી સિદ્ધાર્થના હોશ ઉડી ગયા. બાબા એમની વાત આગળ ચલાવતા બોલ્યા, "હું અમદાવાદમાં જ હોસ્ટેલમાં રહીને ભણતો હતો. જ્યારે પી એચ.ડી. કરતો હતો એ સમય દરમિયાન મને વાંચનસમય વધુ મળી રહેવાને કારણે મેં ઘણા પુસ્તકોનું વાંચન કર્યું. કેટલાક સારા અને કેટલાક ખરાબ. જ્યોતિષશાસ્ત્રમાં પણ અદભુત સિદ્ધિ હાંસલ કરી લીધી હતી મેં. મારા આસપાસના બધા જ લોકોની કુંડળી જોઈ હું એમનું ભવિષ્ય એમને બતાવતો હતો. મારુ મનોરંજન થતું અને એ લોકો પોતાનું સારું ભવિષ્ય જાણી ખુશ થતા. એ બાદ એટલેથી સંતોષ ન રહેતા, હું જાતજાતની વિદ્યા શીખવા લાગ્યો. જ્યોતિષશાસ્ત્રનું અધ્યયન જાતે કર્યા બાદ એ બધું પણ જાતે જ શીખીશ એમ વિચારતા હું કોઈ ગુરુ પર ભરોસો ન કરી શક્યો અને એ મારી સૌથી મોટી મૂર્ખામી પુરવાર થઇ. હું ધીમે-ધીમે એવા ચક્રવ્યૂહમાં ફસાયો કે બહાર જ ન નીકળી શક્યો. જ્યોતિષશાસ્ત્ર એ ગુપ્ત જ્ઞાન છે અને એની જેમ બીજા ગુપ્ત જ્ઞાન લેવાની મારી લાલચ મને ખુબ ઊંડે લઈ ગઈ. ગુપ્ત જ્ઞાનની સારી કળાઓ સાથે હું ખરાબ કળાઓ પણ શીખ્યો. અને એ જ ખરાબ કળાઓનું પરિણામ મને મળ્યું કે હું લોકોનું ભુતકાળ જોઈ શકવા સક્ષમ બન્યો."
થોડીવાર બાબા અટક્યા કે એ આદિવાસી સ્ત્રી પાણીનો ગ્લાસ લઈ બાબાની સામે આવી ઉભી રહી, બાબાએ ગ્લાસ લીધો અને ત્યારબાદ એ મુસાફર સામે જોયું, "આ મારી ઘરવાળી છે, મારી આ કળા શીખવાની જીદમાં એણે જ સૌથી વધુ ભોગવ્યું છે. મારા લગ્ન 20 વર્ષે થઈ ગયા હતા. ત્યારબાદ હું થોડો સમય અહીં રહેતો અને બાકી અમદાવાદમાં. હું જ્યારે આ કળાઓ શીખી રહ્યો હતો ત્યારે એ અહીં જ રહેતી મારા એક વર્ષના બાળક અને મારા માતા-પિતા સાથે. એ ગુપ્તજ્ઞાનના કારણે મારામાં જે શક્તિ આવી હતી એનો બધાની સામે દેખાડો કરવા લાગ્યો અને ઘણા લોકોનું ભૂતકાળ જણાવ્યું. પણ એક દિવસ મને ચેતવણી મળી. એ દિવસે અજાણતા જ મને મારુ ભવિષ્ય દેખાયું મારા હાથમાં મારા જ બાળકનું શબ દેખાયું. હું ચિંતિત થયો અને એમ થયું કે આ ફક્ત એક સપનું છે, હકીકત નહિ. તેમ છતાં જો એ સપનું નહિ હકીકત હોય તો.... હું કોઈ જ જોખમ લેવા ઇચ્છતો નહતો. આથી મને લાગ્યું કે જો હું ભવિષ્ય જોઈ શકું છું તો એને બદલી પણ શકું છું. મેં જે પ્રમાણે જોયું એમ મારુ બાળક પકડ્યું ત્યારે તે ભીનું હતું અને મેં ફોન કરી બધાને ઝૂંપડીમાંથી બહાર નીકળવાની ના પાડી દીધી અને હું ત્યાંથી અહીં આવવા નીકળી ગયો. હું અહી આવ્યો તો ખ્યાલ આવ્યો કે મારું બાળક તો પહેલેથી જ મરી ગયું હતું. જાણે છે એની મોત કઈ રીતે થઈ? ઝૂંપડામાં શ્વાસ રૂંધાવાથી. મેં જેટલી ચેતવણી આપી હતી એ ધ્યાન રાખતા મારા માતા-પિતાએ મારી પત્ની અને બાળકને ઝૂંપડામાં જ પુરી રાખ્યા એમને બહાર પણ ન નીકળવા દીધા અને કોઈને અંદર પણ ન જવા દીધા. એ દિવસે ખૂબ વરસાદ હતો. મારા માતા-પિતા બીજી ઝૂંપડીમાં જતા રહ્યા અને અહીં બધું બંધ કરી દીધું. ફક્ત વરસાદને કારણે એક મીણબત્તી ચાલુ રાખી હતી જેના કારણે ઓક્સિજન ન મળતા મારુ બાળક ઊંઘમાં જ મરી ગયું અને મારી પત્ની સાવ મરવાની હાલતમાં પહોંચી ગઈ. મારા જ લીધે મારુ બાળક મરી ગયું અને ત્યારબાદ આ બધું જ છોડી હું અહીં આવી ગયો. ત્યાં મેં કંઈક નવું કરવા અને પોતાનો દબદબો ઉભો કરવા ઘણા લોકોનું ભૂતકાળ જણાવ્યું. જેના કારણે ઘણા લોકો સાથે ખરાબ વસ્તુઓ પણ થઈ. ભૂતકાળ બતાવાને કારણે ઘણાબધાના સબંધ પણ તૂટ્યા કદાચ એ બધાના જ શ્રાપ લાગ્યા મને. જે બાબત એક મનોરંજનથી શરૂ થઈ એ જ્ઞાન મારા માટે સૌથી મોટો શ્રાપ બની ગયું. જો આમાં પડ્યો જ ન હોત તો આ બધું ન થયુ હોત. એ બાદ મારા માતા-પિતા પણ એ જ દુઃખમાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા. કહેવાય છે ને કે સારી વસ્તુઓ શીખીએ તો એ હમેશા આપણું સારું જ કરે પણ ખરાબ વસ્તુઓ શીખીએ ત્યારે એ આપણું સારું બતાવે ખરા પણ કરે તો ખરાબ જ.... આ બધું શરૂ તો ભૂતકાળ જોવાથી થયું અને પૂરું થયું મારા ભવિષ્યકથનથી.. "

સિદ્ધાર્થની સામે જોઈ એ બોલ્યા, "તું જ બોલ જે પોતાના બાળકને ન બચાવી શક્યો એ તારા બાળકને કઈ રીતે બચાવશે?"
સિદ્ધાર્થ હવે રડતા-રડતા જમીન પર બેસી ગયો, "બાબા મારુ પણ કંઈક આવું જ છે. સફળતાના મકામ સર કરતા ઘર તરફ ધ્યાન ન આપ્યું, મારી પત્ની નમ્રતા લગ્નના બહુ વર્ષે ગર્ભવતી થઈ અને એક દીકરાને જન્મ આપ્યો. એણે જ એને મોટો કર્યો. એ જ્યારે ઊંઘતો હોય ત્યારે જ હું એને જોઈ ખુશી મેળવી લેતો. હું એની માટે એક મહેલ ઉભો કરવા ઈચ્છતો હતો જ્યાં એની બધી જરૂરત પુરી કરી શકાય. એ જ ચક્કરમાં વ્યાપાર વધારવા દેશ-વિદેશની યાત્રા કરતો. દીકરાને ફક્ત ઊંઘમાં જ મોટો થતો જોયો. અચાનક એક દિવસે પત્નીનો ફોન આવ્યો અને... ત્યારબાદ આ બધું શરૂ થયું. એ રડી-રડીને અડધી થઈ ગઈ છે. આખો દિવસ ગાંડાની જેમ મારા દીકરા નિસર્ગ પાસે બેસી રહે છે. ના ખાવાના હોશ અને ના તો બીજા કોઈ. જો તમે મારી મદદ નહિ કરો તો હું મારી પત્ની અને મારા પાંચ વર્ષના દીકરા બંનેને ગુમાવી બેસીશ."
બાબા કઈ બોલવા જઇ રહ્યા હતા કે એ આદિવાસી સ્ત્રીએ હોંકારો દઈને એમને બોલાવ્યા અને કાનમાં કંઈક કહ્યું. બાબા પાછા આવ્યા ને બોલ્યા, "મારી પત્ની મને તમારી મદદ કરવા કહી રહી છે. એ નથી ઇચ્છતી કે જેમ એણે એનું બાળક ગુમાવ્યું એમ તારી પત્ની પણ પોતાનું બાળક ગુમાવે. હું મદદ કરીશ પણ એ માટે મારે તારા બાળકને મળવું પડશે."
"જી બાબા એ નીચે ગાડીમાં જ છે." મુસાફર ઉભો થઇ બોલ્યો.
"પાગલ છે કે શું? ગાડીમાં? આવા વરસાદમાં? એ પણ નદીની નજીક? આ જગ્યા ઊંચી છે અહીં નદીનું પાણી નહિ આવી શકે પણ રસ્તા પાસે તો આવવાની શક્યતા છે જ અને જો પાણી ન પહોંચે તો કોઈને કોઈ જાનવર એમના સુધી પહોંચી જશે પોતાના શિકાર માટે. ચાલ જલ્દી એમને લેવા." કહેતા બાબા ખાટલાથી તરત દરવાજા પાસે પહોંચી ગયા અને સીધા જ ટેકરીથી નીચે ઉતરવા લાગ્યા.

એ બંને જણ ફટાફટ ટેકરી ઉતરતા ગાડી પાસે પહોંચ્યા, ત્યાં તો પોતાના પતિને પાછો આવતો જોઈ નમ્રતા બહાર નીકળી. એની પાછળ એક પોતડી પહેરેલ આદિવાસી પુરુષ હતો. એને લાગ્યું કે કદાચ આ જ બીસ્સાબાબા છે અને બાબાને નમસ્કાર કર્યું. ત્યારબાદ તરત જ પાછળનો દરવાજો ખોલ્યો. એ બંનેએ ધ્યાનથી પોતાના દિકરાને બહાર નીકળ્યો અને નમ્રતાએ એના માથા પર એક પ્લાસ્ટિક ઓઢાડી દીધું. જલ્દીમાં એમને છત્રી કે બીજો કોઈ સામાન યાદ ન રહેતા માત્ર દીકરાનો સામાન જ લીધો હતો. તરત એણે એક બેગ લીધી અને ગાડીનો દરવાજો બંધ કરી એ બંનેની પાછળ ચાલવા લાગી.
અત્યાર સુધી અંદર એક આરક્ષિત વાતવરણમાં ઊંઘેલો નિસર્ગ એના પિતા જોડે જતા ધ્રુજવા લાગ્યો. વરસાદ અને એના પિતા આખા પલળેલા. જેના કારણે નિસર્ગ ખૂબ ઠંડો પડવા લાગ્યો. ઝૂંપડીમાં પહોંચતા જ સૌપ્રથમ એના કપડાં કાઢી બીજા પહેરાવવામાં આવ્યા અને બાબાના પત્ની જે અત્યાર સુધી આ બધું જોઈ રહ્યા હતા તે નિસર્ગને ધ્રૂજતો જોઈ તરત જ એક ઉકાળો બનાવી લાવ્યા અને પીવા માટે આપ્યો. નિસર્ગ ભાનમાં નહતો પણ નમ્રતાએ ચમચીથી ધીમે-ધીમે એ ઉકાળો પીવડાવવા લાગી.
આ બધું પત્યું કે બાબાએ એમની પત્ની તરફ નજર કરી, "પ્રેમા જા... જા કે કંબલ લા. ઇનકો ઠંડ લગેગી" એમણે એક કામળો લાવી નમ્રતાને આપ્યો. અને નમ્રતાએ એમનો આભાર માન્યો. ત્યારબાદ બાબાએ બધું પૂછ્યું, કે એ લોકો કેવા પ્રકારની મદદ ઈચ્છે છે?

આ વખતે નમ્રતાએ વાત શરૂ કરી, "બાબા મારા પતિ સિદ્ધાર્થ હંમેશા કામથી બહાર રહેતા અને હું અને મારો દીકરો એમની ખોટ અનુભવતા પણ અમે બંને ખૂબ મજા કરી રહ્યા હતા. એક દિવસ એને અચાનક ઊલટીઓ થવાની શરૂઆત થઈ. મને લાગ્યું કઈક આડુંઅવળું ખાઈ લીધું હશે, અને ડોક્ટરની દવા ચાલુ થઈ પણ કોઈ ફરક નહિ. છેવટે ડોકટર બદલ્યો. એમને એમ ઘણા ડોકટર બદલ્યા પણ એની હાલત વધુ ગંભીર થવા લાગી. ઉલટી બાદ હવે ઝાડા અને ત્યારબાદ તો ખાવાનું સાવ ઓછું કરી દીધું. અત્યારે તો માત્ર પ્રવાહી જ લે છે. હું એની સાથે આખો દિવસ બેસી રહેતી. પહેલા એ આખા ઘરમાં મસ્તી કરતો, બધા નોકરો સાથે રમતો. પણ પછી એ બધું જ બંધ થઈ ગયું. બસ આખો દિવસ બેડ પર ઊંઘતો રહેવા લાગ્યો. એની આ હાલત ન જોઈ શકતા મેં સિદ્ધાર્થને ફોન કર્યો. એ વખતે એ બેંગ્લોરમાં હતા અને મારા આ ફોન બાદ એ તરત ઘરે આવી ગયા. ત્યારબાદ અમે દેશના ઘણા ડોકટરોને બતાવ્યું. પણ કોઈ જ પરિણામ ન મળ્યું. મને ઘણા લોકોએ અમુક બાબા કે તાંત્રિક પાસે જવાની સલાહ આપી પણ સિદ્ધાર્થ એ બધામાં માનતા ન હતા. છેવટે દીકરાની આ હાલત ન જોઈ શકતા એ પણ આવવા તૈયાર થયા. એ બાદ એક પછી એક ઘણા બાબાને મળ્યા અને એમણે જણાવ્યું કે અમારો દીકરો કોઈ ખરાબ શક્તિ દ્વારા વશમાં કરાયો છે. પણ એ બધા એ ખરાબ શક્તિ નીકાળી ન શક્યા." આટલું બોલ્યા બાદ નમ્રતા પોતાના દીકરાને જોઈ ફરી રડવા લાગી.

બાબાએ કહ્યું, "તમારી સાથે બહુ ખરાબ થયું છે પણ હું આમા તમારી શુ મદદ કરી શકું? હું કોઈ તાંત્રિક નથી"

એટલામાં ક્યારનો ત્યાં ઉભો રહેલ સિદ્ધાર્થ આગળ આવ્યો અને બોલ્યો, "હા અમને ખબર છે પણ અમને મોકલનાર બીજું કોઈ નહિ તમારો એ જ મિત્ર છે જેનો જીવન તમારા ભૂતકાળકથનને કારણે બચ્યું હતું. એની પત્ની વિશેની ગેરસમજો દૂર થતાં એના જીવનમાં ખુશીઓ પરત ફરી. અમારા મનમાં એ સવાલ ક્યારનો હતો કે ભુતકાળકથનથી અમે નિસર્ગને કઈ રીતે બચાવી શકશુ? પણ એવું કંઈ પણ જે તમે અમને જણાવી શકતા હોવ જે માત્ર એક કડી પુરવાર થાય તો પણ બહુ છે. બધું જ કરીને જોયા પછી અમને ખ્યાલ આવી ગયો કે નિસર્ગ પાસે હવે વધુ સમય નથી. એટલે સમય અમારી માટે ખૂબ કિંમતી છે. બસ તમે અમને એ જણાવી શકો કે એવું કંઈ પણ જે અમે ચુકી ગયા હોઈએ જેને કારણે આ બધું થયું હોય. અમે કઈ પણ કરી જઈશું અમારા નિસર્ગને બચાવવા."
હવે આગળનું કઈ પણ બાબાને સમજાવવાની જરૂરત નથી એ જાણી સિદ્ધાર્થ આગળ કઈ જ ન બોલ્યો. બાબા ખાટલા નજીક ગયા અને ત્યાં બેઠેલી નમ્રતા ત્યાંથી ઉભી થઇ દૂર ખસી ગઈ. બાબાએ નિસર્ગના માથા પર હાથ મુક્યો અને જોવાની કોશિશ કરી કે એના ભૂતકાળમાં શુ છે? બાબા આંખો બંધ કરી 2 મિનિટ બેસી રહ્યા અને ઉભા થતા બોલ્યા, "એની પાછળ કોઈ ખરાબ શક્તિ નથી. બસ એવું કંઈક છે જે એનું અને તમારું સારું નથી ઇચ્છતું. તમારા દીકરાનું સારું ન ઇચ્છનાર તમારી આસપાસનું કોઈ વ્યક્તિ છે અને કોઈ વસ્તુ.... હું તમને ફક્ત આટલું જ જણાવી શકું છું એ સિવાય કંઈ જ નહીં."

નમ્રતા અને સિદ્ધાર્થ એકબીજાની સામે જોવા લાગ્યા, આટલી અમથી વાત પણ એમને માટે એક બહુ મોટો ઈશારો હતી. એ બંને જણ બાબાને પગે પડી ગયા. બાબાએ એ બંનેને ઉભા કર્યા અને કહ્યું, "હું મારા દીકરાને ન બચાવી શક્યો પણ જો તમારુ સંતાન બચી ગયો તો હું એક સંતોષ મેળવીશ."
એ બંને ઉભા થયા અને ત્યાંથી નીકળવા માટે નિસર્ગ તરફ હાથ લંબાવ્યો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, "હમણાં ન જાઓ, બચ્ચાં બીમાર સે." એમને સાંભળી એ બંને ત્યાં જ રોકાઈ ગયા.
અચાનક સિદ્ધાર્થને એક વિચાર આવ્યો, એ બાબા સામે જોઈ બોલ્યો, "બાબા જો તમને કોઈ તકલીફ ન હોય તો શું હું મારી પત્ની અને નિસર્ગને ફક્ત 2 દિવસ માટે અહીં મૂકી શકું, ત્યાં એના જીવને જોખમ છે. એ જો ત્યાં પાછો જશે તો નહિ બચી શકે. હું ત્યાં એ વ્યક્તિને શોધવા ઇચ્છું છું. પ્લીઝ મારી મદદ કરો."
અને બાબાની હા પડતા જ સિદ્ધાર્થ એ બંનેને ત્યાં મૂકી નીકળી ગયો. નમ્રતા હાલ પૂરતી ચિંતામુક્ત થઈ ગઈ. એને હવે વિશ્વાસ બેસી ગયો કે અહીં એના દીકરાને કઈ જ નહીં થાય અને એ પણ પોતાના દીકરાને માથે હાથ ફેરવવા લાગી.

2 દિવસ થયા અને એ દરમિયાન નિસર્ગ પણ સ્વસ્થ બની રહ્યો હતો, નમ્રતા જે એને 2 મહિનાથી માત્ર ઊંઘતો જોઈ રહી હતી તે નિસર્ગની અચાનક આંખો ખોલવાથી ખૂબ ખુશ હતી. વરસાદ અને ઠંડીને કારણે એ લોકો બહાર જઇ શકતા નહતા. નિસર્ગ હવે ખાટલામાં બેસી શકતો હતો અને એની મમ્મીની સામે જોઈ એક સ્માઈલ આપતો થયો હતો. પ્રેમા અને બીસ્સા પણ એને જોઈ ખુશ થતા અને પોતાના બાળકને યાદ કરી લેતા. નમ્રતાની સિદ્ધાર્થ સાથે કોઈ વાત થઈ નહતી. એ ક્યારે આવશે એ પણ જાણ નહતી. પણ અહીં જે સુરક્ષા એમને મળી એ અલગ જ હતી. અને સિદ્ધાર્થ પણ ત્રીજા દિવસે આવી ચઢ્યો.

એ આવ્યો કે સીધો બીસ્સાને પગે પડી ગયો, "તમારી જ કારણે મારો છોકરો બચી શક્યો. તમારું એક કથન અને મને બધું સમજાવા લાગ્યું. તમારો ખૂબ આભાર બાબા."
બીસ્સાએ એને ઉભો કર્યો અને આખી વાત પૂછી. એ તરત નિસર્ગ જોડે ગયો અને એને ખોળામાં લઈ બોલવા લાગ્યો, "તમે જ્યારે કોઈ વસ્તુ કહ્યું ત્યારે મને ખ્યાલ આવી ગયો કે ઘરનું કોઈ આમાં હોવું જોઈએ અને ઘરે ગયા પછી મેં દૂર રહી બધી જ બાબતો પર નજર રાખી. અને મને ખ્યાલ આવ્યો કે જે આયાને અમે નિસર્ગનું ખાવા-પીવાનું જોવા માટે રાખી હતી એ જ એના દૂધમાં કોઈ ડ્રગ નાખી એને આપતી હતી અને આ બધું એણે મારા પાર્ટનરે આપેલી લાલચના કારણે કર્યું હતું. એ મારી બધી સંપત્તિ પડાવી લેવા ઇચ્છતો હતો, એટલા માટે એણે નિસર્ગને મારવાનું કાવતરું કર્યું. કે જેથી એને કઈક થાય અને હું મારી સુધબુધ ખોઈ બેસું અને એ બધું પડાવી લે. હવે એ બંને જેલમાં છે અને મારો દીકરો સુરક્ષિત." પોતાના દીકરાને જોરથી ગળે લગાડ્યો અને બાબાની સામે જોતા બોલ્યો, "તમારા જ કારણે આજે એનો જીવ બચ્યો છે હું આખી જિંદગી તમારા ચરણોમાં પડી રહું તોપણ ઓછું છે. તમે જે કહેશો એ કરીશ. મને મારો દીકરો પાછો આપી તમે જે ઉપકાર કર્યો છે એનો બદલો હું ચૂકવી શકું એમ નથી."
અત્યાર સુધી મુકપ્રેક્ષક બની ઉભી રહેલી નમ્રતા પણ જઈને પોતાના દીકરાને ગળે લગાવે છે અને હવે એની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગે છે.
એમને જોઈ બાબા બોલ્યા, "મારે કઈ જ નથી જોઈતું, બસ મેં જે ભૂલ કરી એ તું ના કરીશ. ભવિષ્ય બનાવ પણ વર્તમાનને જોખમમાં ન મુકીશ. તારો દીકરો ખોવાનો સમય આવ્યો ત્યારે તને એની કિંમત સમજાઈ. પણ હવે બીજીવાર એ ભૂલ ન કરીશ. હવે નિસર્ગ અને તારી પત્ની પર પૂરું ધ્યાન આપ. હું આ બધું ફક્ત મનોરંજન માટે શીખ્યો અને એને કારણે ઘણુંબધું ગુમાવ્યું. પણ આજે તારા દીકરાને જીવંત જોઈ મારો દીકરો બચી ગયો એવું અનુભવાઈ રહ્યું છે. બસ હવે તમે બંને ખુશી-ખુશી આનું પાલનપોષણ કરો. એમા જ મારી ખુશી છે."

અને એ બંને જણ બાબાનો આશીર્વાદ લઈ ખુશી-ખુશી ત્યાંથી નીકળી જાય છે. પાછળ રહી જાય છે માત્ર બીસ્સા અને પ્રેમા. ત્રણ દિવસ પહેલા જ્યારે આ લોકો આવ્યા હતા એ પહેલાં એ બંને જણ પોતાના દીકરાને ન બચાવી શકવાના દુઃખમાં ખાવામાં ઝેર ભેળવી એ ખાઈ મરવાની તૈયારી કરતા હતા અને ત્યાં જ દરવાજો ખખડે છે અને સિદ્ધાર્થ આવે છે. અને કમને પણ બાબા એને જલ્દી અહીંથી નીકળવા પોતાની આખી જીવનકથની એને જણાવે છે. કે જેથી એ કોઈ આશા વગર ત્યાંથી જલ્દી નીકળી જાય. પણ એની વાત સાંભળી બીસ્સા એની મદદ કરવા મજબૂર થઈ જાય છે. આ વિચારતા જ બંને એકબીજા સામે જોવા લાગે છે.
આજે એક નહિ પાંચ લોકોનો જીવ બચ્યો છે એમ વિચારી બીસ્સા હવે નક્કી કરે છે ભલે આ જ્ઞાનને લીધે એનું જીવન ખરાબ થયું હોય પણ જો કોઈ વ્યક્તિ આવી રીતે જો એની સામે આવશે અને જો કોઇના જીવન-મૃત્યુનો સવાલ હશે તો એ જરૂર મદદ કરશે. અને એ બંને એક નાનકડો જીવ બચાવી શકવાને કારણે ખૂબ શાંતિ મેળવે છે.

બીસ્સાનું ગુપ્તજ્ઞાન એને એક એવી જગ્યાએ લઇ ગયું કે જ્યાં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું, પણ એ સાથે જ અનેકોના જીવ બચાવાની તાકાત એને મળી.