Chain of love books and stories free download online pdf in Gujarati

પ્રેમની સાંકળ

સંધ્યાનો સૂરજ ધીમે ધીમે ઢળે છે. જવાનીના ઉંબરે ચડતો હમીર એક નધણિયાતું સંતાન ડુંગરા ખુંદતો ઘરે આવે છે. એના ઘેટા - બકરાની સંગાથે. સૂરજ પણ સંતાવાની ઉતાવળમાં છે. હમીર એના દાદાના દૂરના લોહીના સગા એવા અરજણને ત્યાં ઉછરે છે. દિવાળીના દા'ડે હમીર પૂરો અઢારનો થશે. એના ઘેટા - બકરા હમીરની સિસોટીની હારે હારે ઘરે જવા દોટ મૂકે છે. એક પછી એક ઢોળાવ ઉતરતું એ 'વાઘ' જયારે ગામને છેડે આવેલ છેલ્લા ઘરના વળાંકે બેં....બેં...બેં... કરતા આગળ વધે છે ત્યારે ગીદેડાને પણ ભાગતા ભાગતા હમીર પુચકારતો પુચકારતો આગળ વધે છે. આજે એણે મીઠી સીટી વગાડી એ સાથે જ બકરાઓએ બેં..બેં...બેં....ની સરગમ ચાલુ કરી. એ દરમિયાન બકરીએ એક ઘરના બારણે શિંગડા ભરાવ્યા. એ જ સમયે ક્યાંકથી સાંકળ ખખડવાનો અવાજ આવ્યો. હમીરના કાન સરવા થયા. ફરી એકવાર સીટી વાગી ફરી એ જ મધુરી સાંકળ ખખડી. આજ તો હમીરને બહુ નવાઈ લાગી.
એણે ઘરે આવી અરજણને વાત કરી કે " ડાડા આજ મારી સીટીના પડઘે સામે સાંકળના પણ પડઘા પડતા હતા એવું કેમ ? " ડાડે સમજાવ્યું, ' તારી ઉંમર ને પાંખો આવી છે એટલે આવા અનુભવ થાય અંદરખાને.' આમ કહી, ડાડો હસતો હતો. હમીર એક મોટો રોટલો અને દૂધ પીને ઢોલિયે સૂતો.એની આંખમાં છેવાડાનું ઘર જ હતું.
‌બીજે દિવસે સૂરજે આળસ ન કરી એના સમયે એ ઊગ્યો અને હમીર ચાલ્યો ડુંગરાને માણવા......... ડચકારા ,પુચકારા અને મધમીઠી સીટીની સાથે ફરી એ સાંકડી ગલી આવી. હમીરે જોયું તો એક કમર ભાંગલી ચાળિસેક વર્ષની લાજ કાઢેલી સ્ત્રી આંગણુ વાળી જલ્દીથી ઘરમાં જતી રહી. એ તો ચાલ્યો એની મોજીલી ધૂનમાં. છેક ટોચે બેસીને એ ઘર સામે નજરું ઢાળી એ બેઠો હતો ત્યાં જ એક વૃક્ષ પર એક તણખલા કાજે મીઠો કજિયો કરતા બે યુગલ પક્ષી જોયા. હવાની લહેરખી મનના અભરખાને ઊભરાવતી હતી. દૂર દૂર સુધી થતા ક્ષિતિજના મિલનથી આકાશ-ધરતી એકાકાર લાગતા હતા.
જોતજોતામાં ફરી સંધ્યાવેળા થઈ. હમીરે પોતાના 'વાઘ'ને પુચકારયું. એક હાકોટે ફરી એ ઘેટા-બકરા અને ગીદેડા લાઈનબદ્ઘ એની મસ્તીએ ઊછળકૂદ કરતા ઢોળાવને માપી ઊતરી રહ્યા હતા. ફરી મધુરી સીટી, બેં...બેં.....બેં... બકરીઓના ગીતડા એ જૂનવાણી ઘરના પછવાડે પસાર થતા હતા કે હમીરે ધીમી સીટી વગાડી તો સાંકળનો પણ ધીમો અવાજ આવ્યો. હમીરે ફરી બે વાર વગાડી અને અવાજ મોટો કર્યો તો સામે સાંકળ ખખડવાનો એવો જ પ્રતિસાદ. એણે બારણાની તિરાડે અંદર નજર કરી કોઈ ન દેખાયું. એ દોડીને આગળના દરવાજે ગયો તો પેલી બાઈનો આધેડ ઘરવાળો તાળું ખોલી રહ્યો હતો. એ હમીરને જોઈને બોલે છે કે " આદમજાત નથી ભાળી કે શું? હાલતો થા ! જોયા કરે છે તો.." હમીર દોડીને એ બારણે ફરી ધીમી સીટી વગાડે છે તો કોઈ અવાજ જ નહીં. એ વિચારતો વિચારતો ઘરે આવે છે‌. એ સાંજે વાળું ટાણે એ એના ડાડાને કે છે કે "ડાડા, ગામની ભાગોળના ઘરની સાંકળ રોજ ખખડતી હોય ત્યારે એ મને બરકતી હોય એવું લાગે છે? આવું રોજ કાં થાય?" ડાડો એને તાંસળીમાં દૂધ આપતો જવાબ આલે છે કે 'મૂંછનો દોરો સળવળે ત્યારે આવું જ થાય ગગા! '
ગામમાં આજ તો ઘરે-ઘરે દીવડા ઝગમગે છે. હમીરે સૂતી વેળાએ જોયું કે રાતે ગામના છેવાડાના મકાન બાજુ દીવડા ઝગમગતા હતા. એના મનમાં જુવાનીનો રણકાર અને સાંકળનો ખખડાટ જ રણકતા હતા. એ સમજી નહોતો શકતો મનની અવસ્થાને. દીવાળીનો તહેવાર આવતો હતો.એ હળવેથી એના વાડામાં ગયો. એક ઘેટું જાગતું હતું. એ હમીરને જોઈ ઠેકડા મારવા લાગ્યું. એને રમાડવા માટે પોતે એને સાંકળેથી છોડી પોતાના ખાટલે લઈ આવ્યું. સાંકળથી છુટયું કે એ ઘેટું બધે દોડવા માંડ્યું. હમીરના પગને ચાટવા લાગ્યું. હમીરે પણ હાથેથી ખૂબ વ્હાલ કર્યુ. હમીરને આ બધી વાત કે વ્હાલમાં એ સાંકળ ખખડવાનો અવાજ જ યાદ આવતો હતો.
ફરી સવાર પડી આજ એ ન ગયો બકરા ચરાવવા. આળસ મરડી ઊભો થયો કે બકરા અને ઘેટા ખીલેથી છુટવા દેકારો કરી રહ્યાં હતા. એ બધાને એ જ હાલતમાં છોડી નદી ભણી નહાવા જાય છે. નદીમાં ચાર પાંચ ધુબાકા ખાય એ ઝાડ પર ચડીને ડુંગરાની ઊંચાઈ માપતો હોય એમ ટોચ પર આરામથી ડાળીના ટેકે લંબાવીને ઝુલે છે. ત્યાં એ નદીએ આઠ-દસ સ્ત્રીઓ પાણી ભરવા આવે છે. એમાંથી એક ઝુકેલી કમરવાળી પણ હોય છે. હમીર ઓળખી જાય છે કે આ તો ભાગોળે આવેલા ઘરે આંગણું વાળનારી જ છે. એ બધી સ્ત્રીઓની વાત સાંભળે છે.
એ કમરભાંગલી સ્ત્રી જમુના એની સખી જેવી બાઈ સામે વાત ચાલુ કરવા જાય છે કે સામેવાળી સ્ત્રી નાક પાસે આંગળી રાખી ચૂપ રહે એવું સમજાવે છે. બીજી સ્ત્રીઓ જતી રહી પછી બેય સ્ત્રીઓ કપડાં ધોતી ધોતી વાત ચાલુ કરે છે....
"આજ પૂજા કરવી છે તો અબોટ પાણીની હેલ ભરતી જાવી પડશે...ને આ બધા રીવાજો અકળાવે છે કયારેક..."સાથે હતી એસ્ત્રી બોલી.

જમુના : "કંટાળી ગઈ છું આ કમરના દર્દથી..."

સાથે આવેલી સ્ત્રી : "કમરના દર્દથી નહીં પેલી અભાગણ હંસલીથી થાકી છો તું !"

"સાચી વાત છે. પણ ક્યાં મેલવા જવી હંસલીને તું કે?"

"ઝેર પાઈ દે. કોકની પનોતી તું કાં પાળે છે? હું હોવ તો કેદા'ડાની ઠેકાણે પાડી દીધી હોત."

" આખો દા'ડો ખેતીના ઢસરડા અને સાંજે આવીને એની સેવા. આજ આ ધનતેરસ તો આવી પહોંચી. કાલે નૈવેદ્ય..સાચું કહું માણા જેવી નથી રહેતી."

" તારામાં બુદ્ધિ ઓછી છે. ખીર બનાવીને એમાં વખ ઘોળી સુવડાવી દે. તારો જીવ ન હાલે તો હું તો છું જ."

" પણ, આ તારો કાકો ક્યાંક આઢે તો જ થાય. બાકી મારા હાથમાં હોત તો કેદુનું પાર પડી ગયું હોત."

" મા મરી ગઈ પણ પનોતી મારી વાંહે મેલતી ગઈ. બેન, ચાર સાંકળે બાંધી ખેતરે જાવ છું નહિંતર આ ક્યાંક ભાગી જાય તો પણ કલંક લાગે આપણને."

હમીરને હવે ચમકારો થયો સાંકળનો. એને એ છોડી અપંગ અને મુંગી છે એ વાત નહોતી ખબર. એ તો એના સાંકળ ખખડાવાના અવાજમાં જ મોહી ગયો હતો. એણે તો મનોમન એ રૂપસુંદરીની કલ્પના કરી લીધી. એણે ફરી કાન માંડ્યા બેયની વાતો પર...

" તો મારા કાકા ક્યાંય ગામતરે નથી જાતા કે શું ? એ જાય એટલે કામ તમામ કરી નંખાય. સમજી ગયા તમે?"

" હા, આવતા અઠવાડિયે એના બાપની પાંચમ છે તો જાહે કદાચ...."

" આપણે તે દા'ડે જ ગોઠવીએ.. પાકું, હો જમનીકાકી."

બેય કપડાં ધોઈને ઘરભેગી થાય છે. હવે આ હમીરને તો શેની શાંતિ થાય? એમાં પણ એ ઘરની અંદર રહેલી છોડીને મળવાની વાત. એ દિવસે પોતે એકલો જ એ ઘરની આગળથી પસાર થાય છે. એ બારણે તાળું હોય છે. એ પાછલા બારણે પહોંચી થોડીવાર ઊભો જ રહે છે કે અવાજ આવે છે કે કેમ? શાંતિ છવાયેલી હતી ત્યાં જ હમીરે સીટી વગાડી ધીમી. તો સાંકળનો અવાજ પણ ધીમો આવ્યો. ધીમે-ધીમે સીટી અને સાંકળના અવાજ વધવા લાગ્યા. હમીરને તો મનમાં માયા વધતી ગઈ અને એ પોતે બારણાની તિરાડમાં નજર નાંખે છે તો એક પડછાયો હકારમાં માથું હલાવતો હોય એવો દેખાયો. અંદર રહેલી છોકરીને પણ હમીરનો લાંબો પડછાયો પાતળો એવો દેખાયો. એણે બે હાથે જોરજોરથી સાંકળ ખખડાવી.
હમીરને ઘરે જવાની ઈચ્છા ન થઈ. પણ સંધ્યા સમયે એ ઘરે આવતા દંપતિની પણ બીક તો હતી જ.
એણે એ રાતે એ ઘરના બાજુના ઝાડ પર રાત વિતાવવાનું નક્કી કર્યું. એ ઘરે આવ્યો. ડાડાના હાથનો રોટલો ખાધો. આજ તો એણે એના બધા ઘેટાં બકરાને મનભરી નવડાવ્યા. આજ એને કોઈ મનગમતું મળ્યાની ખુશી હતી. બધા સૂઈ ગયા છે અને આસપાસના દીવડે તેલ ખુટયું કે દીવડા ઓલવાયા. એ પોતે ભાગોળવાળા ઘરની પડખે ઊભેલા ઝાડે ચડ્યો. ઠંડી લાગતી હતી અને બીક પણ. એ સ્વપ્ન સુંદરી કેવી હશે એ કલ્પનામાં આખી રાત વિતાવી.
વહેલી સવારે એ ઝાડ પરથી એ છોડીના ઘરના નળિયા પર ધીમે-ધીમે ઉતરે છે. જેવું એ દંપતિ ખેતરે જાય છે કે પોતે એ ફળિયામાં પ્રવેશ કરે છે. એ ફળિયામાં બે બારણે તાળા અને આસોપાલવના તોરણ ઝુલતા હતા અને ત્રીજું અર્ધ ખુલ્લું હોય છે. એ ખુલ્લા બારણાની બહાર ધીમી સીટી વગાડે છે તો સાંકળનો હળવો ખખડાટ થાય છે. ફરી સીટીનો અવાજ વધાર્યો તો ફરી સાંકળનો ખખડાટ વધ્યો. હવે હમીરથી ન ખમાયું. એણે એ બારણું ઉઘાડી જ દીધું. એ જોતો જ રહી જાય છે કે એક છોકરી જે સતર વર્ષની જ હોય છે એ બધી બાજુ સાંકળથી વિંટાયેલી હોય છે. એ અનિમેષ પલકે હમીરને જોતી હોય છે. હમીર એની નજીક બેસે છે અને એના માથા પર હાથ મૂકે છે કે એ છોકરી પણ એને આ કેદમાંથી મુક્ત કર એવું ઈશારાથી અને આંખોથી કહે છે.
હમીર એની સાંકળ ખોલે છે. એને હવે આ સાંકળ અડકવી પણ નથી ગમતી. એ તો એ છોકરી જેનું નામ હંસલી છે એના હાથમાં થયેલા ઉઝરડા અને કાળા ચાઠાં જોવે છે. એને પાણી પીવડાવે છે. એના પગે ઓઢેલી ચાદર હટાવે છે તો એક પગ સાથળેથી જ કપાયેલો છે. કરૂણા અને દયનીય સ્થિતિમાં જીવતી એ હંસલી પણ હમીરને ખભે માથું મૂકીને રડે છે. હમીરે આવી લાચારી પહેલીવાર જોઈ હતી. એ પણ હ્રદયમાં વ્યથા અનુભવે છે. એ વિચારે છે કે એને કેમ કરી આ ઘરની બહાર કાઢવી. એ છોકરી બોલી નથી શકતી પણ એનો પ્રેમ જે હમીર તરફી છે એ સ્પષ્ટ રીતે હાથ અને આંખોના હાવભાવથી વ્યક્ત કરે છે. એ છોકરી માટે કાંઈ જ સુવિધા નથી હોતી. દંપતિ એ હંસલીને ખવડાવીને ગયા પછી સાંજે પાછું ફરે ત્યારે જ ખાવા આપતું. એ બદબુદાર ઓરડો પણ વ્યથિત કરનાર હતો. એણે એને ટેકો દઈ ફળિયામાં લાવવા જહેમત આદરી. સફળતા ન મળી. અંતે હંસલીને ગોદડાં સાથે ઢસડી. હા, એ છોકરી ફળિયામાં આવી ગઈ. એણે સૂરજનો સામનો કેટલા વર્ષોથી નહીં કર્યો હોય રામજાણે ! એને હમીરે નવડાવી...માથાબોળ ! હંસલીને પણ મજા આવી. આ અનોખી પ્રિતની સાક્ષી કાબરોનું ઝુંડ હતું જે આ દ્રશ્ય ડાળીએ બેસી માણી રહ્યું હતું. હમીરે એ છોકરીનો વિશ્વાસ જીત્યો અને હંસલીએ હમીરનું દિલ જીત્યું. સંધ્યાવેળા થઈ હમીરે એ છોકરીને ફરી રડતા રડતા સાંકળે બાંધી અને એના ઓરડામાં કેદ કરી. આજ એ છોકરીને પણ બંધનનો મોહ હતો. પ્રેમબંધનનો મોહ..
ફરી હમીર એ નળિયા પર ચડી ઝાડના સહારે નીચે ઉતર્યો. એણે જોયું કે દંપતિ ગાડું લઈને આવી રહ્યું હતું. કમરથી ઝુકેલી જમુનાએ પણ લગભગ દસમી વાર હમીરને આ રસ્તે જોયો. એને ન ગમ્યું કે હમીરની આવ-જા આ રસ્તે થાય.
એ રાત હમીર અને હંસલી સૂઈ ન શકયા. જમનાને વિચાર આવ્યો કે આખા ફળિયામાં પાણી કેમ હતું? પોતે પાણીના નળ ખુલ્લા મૂકી ગઈ હશે કે શું એ વિચારે એ પણ ઊંઘી ગઈ. બીજે દિવસે રાબેતા મુજબ એ કામથી પરવારી ખેતરે જાય છે. હમીર ફરી ઘરમાં પ્રવેશે છે. હંસલી પણ જાણે રાહ જોતી હોય એમ ચાતક નજરે બારણાને જોયા કરે છે. આજ દિવાળી પણ હતી. હમીર એના માટે ખાટી આમલી લાવ્યો છે. બકરીનું દુધ અને માખણભરેલો રોટલો લાવ્યો છે. બેય એકબીજાને ખવડાવે છે. હસે છે અને રમતો કરે છે. હંસલી બોલી નથી શકતી પણ હમીરને સમજાવી દે છે શાનમાં. અચાનક જ હમીર એ હંસલીના એના મા-બાપ વિશે પૂછે છે. રડતી આંખોએ હંસલી એ લોકો સ્વર્ગે સિધાવ્યા એવું કહે છે. જમનાનો ત્રાસ અને એને પડતા મારનું પણ વર્ણન કરે છે. હમીર તો ક્યારેય એની બકરીઓને પણ નથી મારતો એને મારના જખમ જોઈ જમુના તરફ ધૃણા ઉપજે છે. એ પોતે આજ હંસલીને ત્યાંથી કાઢી જવાનો વિચાર કરે છે. એણે પાછલા દરવાજાના તાળાને તોડ્યું. ભરબપોરે ગામડાની ભાગોળે ચકલું પણ ન ફરકતું. બારણું અને તાળું બેય તોડી હમીરે એની પ્રેમિકા હંસલીને ખભે ઉંચકી અને વાડીના રસ્તે થઈને એના ઝુંપડે પહોંચાડી. ડાડો આજ ઘરે નહોતો. હંસલીએ પણ ઘેટાં બકરાંને પંપાળ્યા. એને તો હમીર દેવદૂત જેવો લાગતો હતો. ખાટલે બેસીને હંસલીએ આજ કુદરતી વાતાવરણ માણ્યું. સુખે ખાધું અને પીધું. રોંઢી વેળાએ ડાડો આવ્યો. એ તો હંસલીને જોતો રહ્યો. હમીરને ગુસ્સે થયો પણ હમીરની વાત સાંભળી તો ગદગદિત પણ થયો. એણે આ ઘટના સારી ન કહેવાય એ કહ્યું પણ હમીરની જીદ પાસે કાંઈ ન ચાલ્યું.
ગામડે સૂરજ ઢળ્યા પછી અંધારું તરત ઘર કરી જાય. એમાં પણ અમાસની રાત એટલે શું ઘટે. દંપતિ ખેતરેથી પાછું ફર્યું કે હંસલી ક્યાંય જોવા ન મળી. બેય જણ પોક મૂકી રોવા બેઠા. ગામને પાદર ચર્ચાઓ ચાલી. ડાડો ડરી ગયો! એ હમીરને બધું જણાવે છે. હમીરને ઘરની બહાર ન નીકળવા સલાહ દે છે. હવે આમ પણ હમીરને હંસલી મળી પછી કાંઈ ગમતું ન હતું. હજી આ પ્રેમ નિઃસ્વાર્થ જ હતો. ડાડાએ કહ્યું ,"આજની રાત હું બહાર ઢોલિયો ઢાળીને સૂઈ જાવ. હંસલી ભલે અંદર સુએ. કાલનું કાલ વિચારીશું."
આ બાજુ જમુનાને હમીરની સકલ યાદ આવે છે અને એ ગામલોકોને એની વાત કરે છે. ગામના પુરુષોએ હમીરને પતાવી દેવાનું નક્કી કર્યું. એ રાતે હમીર અને ડાડો બેય ખુલ્લા આકાશની ચાદર ઓઢી સુતા હતા. હમીરને થોડીવાર પછી સાંકળનો ખખડાટ થયો હોય એવું લાગ્યું. એ અંદર જઈને જોવે છે તો હંસલીને પાણી પીવું હતું. હમીર એને કળશાથી પાણી પાતો હોય છે કે બહાર શોરબકોર થાય છે. એ બહાર ડોકિયું કરે છે કે ગામના મૂંછાળા પુરુષો હાથમાં લાકડીઓ અને દાતરડા સાથે લઈને આવતા દેખે છે. હમીર હંસલીને જલ્દીથી ત્યાંથી દૂર લઈ જવા પ્રયત્ન કરે છે કે બધા લોકો એને ઘેરી વળે છે. એ રાત અમાસની અંધારી રાત જ હોય છે. છેટે છેવાડે બેક દિવડા પ્રગટેલા દેખાય છે. ત્યાં એક આદમી બોલે છે કે "આજ દિવાળી છે તો માતાજીને‌ આજ જીવતો જાગતો દીવડો દાન કરીએ." હંસલી હાથ જોડી કરગરે છે ને એમ ન કરવા સમજાવે છે. મુંગી હતી તે શું બોલે બિચારી... અને એક નાળિયેર વધેરાય એમ હમીરનું માથું વધેરાઈ જાય છે. હંસલી તો આ જોઈને ગુસ્સામાં જ એ આદમીના હાથેથી દાતરડું છીનવી પોતાનું શિશ પણ વધેરી દે છે. માથું હમીરના હ્રદયે જ પડે છે અને એનો એક હાથ બે આંગળીઓ ચીંધીને ઈશારો કરે છે કે
'એક નહીં બે - બે દીવડા..' જેવા શીશ વધેરાય છે કે ઘેટા બકરા એની સાંકળેથી છુટવા ધમપછાડા કરે છે...ફરી આખા વાતાવરણમાં એ જ ખખડાટ સાંકળનો...

નિરવ શાંતિને બે આત્માના મિલન અને માથે ઊભી દિવાળીની છાંયા......... ચારેબાજુ સાંકળોના અવાજ.....ઘેટા-બકરાના બેં.......બેં....ને....ફરી પવનની સિસોટીનો અવાજ....