Love you teacher books and stories free download online pdf in Gujarati

લવ યુ ટીચર

હું મારા હાથમાં ધુરંધર હસ્તી એવા લેખક મહોદય " ચંદ્રકાન્ત બક્ષી"ની નવલકથા પેરાલીસીસનું પુસ્તક લઈ ધ્યાનમગ્ન થઈ વાંચી રહી હતી. ત્યાં જ પપ્પાએ રૂમના બારણે આવી ટકોર કરતા કહ્યું, " બેટા..તારી કોલેજ ફ્રેન્ડ વિધી આવી છે." સામાન્ય સંજોગોમાં પુસ્તક વાંચતા મને કોઈ હેરાન કરે એ ગમતું નહિ પણ વિધિનું નામ સાંભળી હું તરત પુસ્તક બાજુમાં મૂકી ખુશ થતી દોડી. મને આમ દોડતાં જોઈ પપ્પા પણ મલકાયા.

"હા..!! વિધિ એટલે મારી કોલેજ સમયની મારી બેસ્ટ ઓફ બેસ્ટ ફ્રેન્ડ. ખરું કહું તો મારા જમણા હાથ સમાન હતી.!!"

" વિધુડી...!!! ના કોલ,. ના મેસેજ આમ જ ગમે ત્યારે ટપકી પડવાનું તારે નહિ..??" હું એને ગળે લગાવતા મસ્તીમાં બોલી.

" તો,,?? યસુડીને હેરાન કરવા મારે શું અપોઇનમેન્ટ લઈને આવવાનું..!?" વિધિ બનાવટી ગુસ્સો કરતા બોલી.

"હાહાહા..ચાલ બેસ હવે. આમ જ ઉભા ઉભા નાટક રચવાનો વિચાર હશે તારો નહિ..!?.."મેં એના માથે હળવેથી ટપલી મારતાં કહ્યું.

ત્યારપછી અમે બંને હસતાં હસતાં મારા રૂમમાં જઈ બેઠા ને અમારી વાતોએ એક્સપ્રેસ પકડી.

વિધિ : " યક્ષી...હાલ કયા વિષય પર દોડી રહી છે તારી પ્રિય કલમ..??"

સામાન્ય રીતે હંમેશા મને "યક્ષુ કે યસુડી" કહીને બોલાવનાર વિધિના મુખેથી આ..."યક્ષી".. સાંભળી ક્ષણભર માટે હું ચોંકી અને પછી તરત મારા ચેહરા પર એકસો એંશી વોલ્ટની મસ્ત મોટી સ્માઈલ આવી ગઈ.."

મને આમ મલકાતાં જોઈ વિધિ મારી મસ્તી કરતા બોલી,..."ઓહો...હો...!!!...મેડમને કોની યાદમાં આટલી મોટી સ્માઈલ આવી ગઈ .!??"

"શું તું પણ યાર..?!..એવું કંઈ નથી."મેં કહ્યું...પણ એમ ને એમ માની જાય એ વિધિ શાની..! એટલે વાત આગળ વધારતા મેં કહ્યું,,"એક ટીચર હતા અમારા હાઈસ્કૂલ સમયનાં..."

"ધોરણ 11 માં આવ્યાનાં એ અમારા શરૂ શરૂનાં દિવસો હતા. એ જ સમયે અમુક નવા સર ટીચર્સ પણ અમારી શાળામાં જોડાયા હતા. એમ તો ઇકોનોમિક્સ જેવા વિષયમાં સૌને કંટાળો આવે પણ અમારા કલાસ ટીચરનો એ મેઈન સબ્જેક્ટ હોવાથી પ્રથમ પિરિયડ અમારો એ જ વિષયનો રહેતો. શરૂ શરૂમાં કઈ ખાસ મજા નહિ આવતી પણ જેમ જેમ દિવસો વીતતાં ગયા એમ એમ અમને મજા આવતી ગઈ. અને આવે પણ કેમ નહિ,,!! સામે ભણાવનાર ટીચર હતા જ એવાં...! એકવાર ભણાવવાનું શરૂ થાય એટલે સૌનું ધ્યાન કા તો બોર્ડ પર હોય કા તો ટીચર પર.."

"એ ટીચર એટલે દોરણ 11 નાં અમારા કલાસ ટીચર...'અમિષા પટેલ'...શાંત, હસમુખા, ખૂબ જ ઉમદા,ઋજુ હૃદયનાં અને માયાળુ સ્વભાવનાં માલકીન. નામ મુજબ જ વિદ્યાર્થીઓ માટે એમની આંખોમાંથી હંમેશા અમી ઝરતી જોવા મળે. દરેક વિદ્યાર્થીઓ સાથે મિત્રની જેમ વર્તે. જ્યારે જરૂર હોય ત્યારે એમનું માર્ગદર્શન હાજર જ હોય. એક બેસ્ટ ટીચર કહીયે તો જરાય અતિશયોક્તિ ભર્યું નથી. સમય જતાં મારા તો ફેવરિટ ટીચર બની ગયા હતાં." આટલું બોલતાની સાથે તો મારા ચહેરા પર એક મસ્ત મોટી મુસ્કાન આવી ગઈ અને મેં વિધિ સામે જોયું. વિધિ એકધારું મારા તરફ જ જોઈ રહી હતી અને આંખોથી જ જાણે મને વાત આગળ વધારવા કહી રહી હતી. એટલે હું પણ ફરી મારા જીવનનાં એ ગોલ્ડન ડેઝ વાગોળવામાં લિન થઈ ગઈ.

"વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, વિષય પ્રત્યે રુચિ જગાવી, કાયમ યાદ રહે એવી રીતે શીખવવાની એમની ભણાવવાની એક અલગ જ પદ્ધતિ,, એક એવો નોખો અંદાજ કે ઇતિહાસની સગી બહેન જેવી સાલો અને ઇસવીસનથી ભરેલી ઇકોનોમિક્સમાં પણ વિદ્યાર્થીઓને રસ દાખવતા કરી મૂકે, અમિષા ટીચર એવી રીતે ભણાવે કે છેલ્લી બેન્ચ વાળાં ય ધ્યાન આપ્યા વગર રહે નહીં. કોઈ પણ ટોપિક હોય એટલી સરળ અને સુંદર રજુઆત કરે કે સાંભળ્યા જ કરવાનું મન થાય."

"દરેક વિષય કે મુદ્દો એવી રીતે ઉદાહરણ લઈને સમજાવે કે એક વાર મગજમાં ઉતરી જાય તો પછી નીકળે જ નહીં. એકઝામ ટાઈમે પાછું વાંચવાની ય જરૂર ન રહે. ઉદાહરણ પણ કલાસનાં હોંશિયાર વિદ્યાર્થીઓના નામ લઈને આપે એટલે એવી મજા આવે ન પૂછો વાત..! જેનું પણ નામ લેવાય એતો જાણે સાતમાં આસમાનમાં ઉડવા લાગી જાય...હાહાહા..!! અને ઉડે પણ કેમ નહિ..!??...પુરા કલાસની વચ્ચે અદબથી આપણા નામનું દ્રષ્ટાંત લઈને કઈ સમજાવાય તો ભલા કોણ ખુશ નહિ થાય..!! જેનું પણ નામ લેવાય એના તરફ જ કલાસમાં દરેક વિદ્યાર્થીની એકીસાથે નજર મંડાય. આપણે એવોર્ડ લેવા જતા હોઈએ અને દર્શકો આપણાં પર જ મીંટ માંડી જોઈ રહ્યા હોય એવી ગજબની ફીલિંગ આવતી ત્યારે."

હું સંપૂર્ણપણે એ દિવસોમાં જતી રહી હતી જાણે આજે આ કહેતાં પણ ફરી એ દિવસો જીવી રહી હતી..વિધિ પણ મને ખલેલ પોહચાડ્યા વિના એકચિત્તે બસ મને સાંભળી રહી અને મેં અનુભવેલી ક્ષણો મારી સાથે જાણે એ પણ માણી રહી.

"દરેક મુદ્દા જેમ જેમ સમજાવતા જાય એમ એમ પૂછતાં જાય.. સમજાય ગયું..???.. ન સમજાયું હોય તો પાછું સમજાવુ...?? વિદ્યાર્થીઓને પણ આજ જોઈતું હોય એમ સમજાયું હોવા છતાં ફરી એક વાર એમની સમજણનો લહાવો લેવા માટે હા... હઆઆ.. કરી દેતા..અને અમારી ભણતરની ટ્રેન બસ આમ જ ચાલ્યે જતી."

"એક શિક્ષક હોવા છતાંય વિદ્યાર્થીઓ સાથે મિત્રની જેમ વર્તતા. સૌ પ્રત્યે સમભાવ દાખવતાં. જ્યારે પણ અમને કઈ મૂંઝવણ હોય, સવાલ હોય કે અન્ય કોઈ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે તેઓ અમારી પડખે જ રહેતા."

"એમનું ભણાવેલું મને આજે ય બખૂબી યાદ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. પછી એ માંગની વ્યાખ્યા હોય કે નિયમ, પુરવઠાનો નિયમ, જમીન, મૂડી, શ્રમ, નિયોજક હોય કે...વસ્તી, તેજી-મંદી, ફુગાવો, આવક અને ખર્ચનાં ખ્યાલો, અંદાજપત્ર, રાષ્ટ્રીય આવક...બધું એવી રીતે મગજમાં ફિટ થઈ ગયેલું છે કે કોઈ ઊંઘમાંથી જગાડીને પૂછે તોય હું આસાનીથી દરેક મુદ્દો સમજાવી શકું."

"પંદર મિનિટની રિસેસમાં પણ ઘણીવાર અમિષા ટીચર બે ઘડી અમારી સાથે બેસતાં,.. અને ભણતરની જ નહિં.. પણ કારકિર્દીની, જીવનની એક્ષામની, રમતગમતની વગેરે અનેક પ્રકારનાં ટોપિક પર ખુલ્લા મને ચર્ચા પણ કરતા. ક્યારેક હળવી મજાક મસ્તી પણ થતી. ખરેખર..!! જીવનનાં અતિ અદભુત દિવસો હતા એ. કેવી મજા આવતી એ દર્શાવવા શબ્દો ખૂટી પડે."

"કલાસનાં અમુક તોફાની માથાફરેલ વિદ્યાર્થીઓ ક્યારેક ઘણું સમજાવવા છતાં પોતાની મસ્તીમાં જ રચ્યા પચ્યા રહેતા. પોતે તો નહીં જ ધ્યાન આપતા સાથે બીજા વિદ્યાર્થીઓને પણ ડિસ્ટર્બ કરતા ત્યારે ટીચરની આંખોમાં આંસુ આવી જતા. બે મિનિટ માટે તેવો કલાસની બહાર જતા રહેતા..મારી નજરે જોયેલ આ દ્રશ્ય સામે આવતાં આજે પણ ગમગીન થઈ જવાય છે. કેટલા સંવેદનશીલ હતા એવો...!!"

"આજે પણ યાદ છે જ્યારે શિક્ષકદિન નિમિત્તે અમને શિક્ષક તરીકે ભણાવવાનો હાઈસ્કૂલનાં દિવસોમાં એ બીજો અવસર મળ્યો હતો, અને મેં અમારા જ કલાસમાં અમારા જ ટીચરનો રોલ ભજવવાનાં આશયથી ઇકોનોમિક્સ સબ્જેક્ટ પર પસંદગી ઉતારી હતી. અર્થતંત્રમાં વિવિધ કારણોસર આવતી તેજી-મંદી અને ફુગાવાની પરિસ્થિતિનો વિષય રાખ્યો હતો મેં. એ વિષયમાં એમની જ અદાથી મેં મારું શ્રેષ્ઠ આપ્યું હતું. એ વિષય તૈયાર કરાવવામાં પણ એમનો જ મહત્વનો ફાળો હતો. એમના માર્ગદર્શન વિના હું મારું શ્રેષ્ઠ ન આપી શકી હોત. અમારા કલાસના વિદ્યાર્થીઓને પણ મારું ભણાવવું ગમ્યું હતું."

...અને....

છેલ્લા પિરિયડનાં સમયે જ્યારે સૌ શિક્ષકોને પુષ્પગુચ્છથી સમ્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સૌની વચ્ચે મને શિક્ષકદિન નિમિત્તે બેસ્ટ ટીચરનો રોલ ભજવવામાં પ્રથમ નંબર મળ્યો ત્યારે આશ્ચર્યસહિત હું એટલી ખુશ હતી કે હું મારી સ્પીચમાં એમનો આભાર માનવાનું જ ભૂલી ગઈ હતી.,!!! કેટલું ખરાબ નહિ .. ત્યાર બાદ બધા છુટા પડ્યા ને મને મારી ભૂલનું ભાન ઘયું ત્યારે મારા પોતાના પર મને શર્મિન્દગી મહેસુસ થઈ હતી. બીજા દિવસે હું માફી તો ના માંગી શકી પણ મારો પ્રથમ નંબર આવવાનું સંપૂર્ણ શ્રેય મેં એમને આપી દીધું. ત્યારે મને રાહત થઈ. "

જોકે આભાર માનવા ન માનવાથી એમના અમારા પ્રત્યેના પ્રેમમાં કોઈ ઉણપ ના આવી હતી..કે ના તો આવવાની હતી. એમના માટે આવો કોઈ શ્રેય મેળવવાની ભાવના હતી જ ક્યાં..!?? એમને મન તો બસ એમના વિદ્યાર્થીઓ શીખતાં રહે આગળ વધતા રહે એ માટે પોતાનું બેસ્ટ આપ્યે જવાની મહેચ્છા હતી.

વધુ તો શું કહું વિધુ..??? ક્યારેક એમના હાથનું ભણવાનું મળેલું એનો ગર્વ થાય છે...શાળાના દિવસો દરમિયાન એવા તો ઘણાં શિક્ષકો મળ્યા જેમને ક્યારેય ભૂલી ના શકાય. પણ અમિષા ટીચર મારા ઘણાં નજીક હોય એવું મને કાયમ લાગતું. મારા તો એવો બેસ્ટ અને ફેવરિટ ટીચર રહ્યાં છે.

અને,..

" ...યક્ષી..!!.. મને સૌપ્રથમ આવું મસ્ત મીઠું અત્યંત પ્રિય લાગતુ હુલામણું નામ આપનાર પણ એવો જ હતા." આટલું કહેતા હું એ સ્મરણોમાંથી બહાર આવી અને એક હલકી હસી સાથે વિધિ સામે જોયું.

સમય ક્યાં જતો રહ્યો ખબર જ નહીં પડી. વિધિનાં ઘરેથી કૉલ આવતા એ જલદિધી ફરી મળવાના ઈરાદા સાથે મને ગળે લગાવતી છુટી પડતા છેલ્લે મને એક સવાલ પૂછતાં બોલી,.."યક્ષુ,..ગમે ત્યારે તને એ ટીચર સામે મળ્યા તો તું એમને શું કહેવું પસંદ કરે..!??"

એક ક્ષણ મેં વિધિ સામે નજર કરી અને પછી મારી આંખો બંધ કરી નજરો સામે અમિષા ટીચરનો એ હસતો ચેહરો યાદ કરી જાણે એમને કહેતી હોવ એમ બસ ત્રણ જ શબ્દો મને સૂઝયા,..." લવ યુ ટીચર...."



***********************************


વાચકમિત્રો આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

ધન્યવાદ🙏
©યક્ષિતા પટેલ