the secrets of nazargadh 13 books and stories free download online pdf in Gujarati

The screts of નઝરગઢ ભાગ 13

આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની ત્રિશા અને અનિરુદ્ધ પુન્ખરાજ ની પર્વત શ્રેણી તરફ પ્રયાણ કરે છે અને ધીરે ધીરે એ એક ઊંડી ખાઈ માં ઉતરે છે જ્યાં અનિરુદ્ધ ના કહેવા પ્રમાણે બન્ને બહેનો મંત્ર થી મનસા ને શોધવા નો પ્રયાસ કરે છે પરંતુ એ સ્પષ્ટ કઈ જોઈ શકતા નથી,બસ એક જગ્યા નું ધૂંધળું ચિત્ર જણાય છે,આગળ યાત્રા દરમિયાન એક વિચિત્ર જીવ મનસા ની આજ્ઞા થી તેઓ પર હુમલો કરે છે જેમાં ત્રિશા ઘાયલ થાય છે,અંતે અનિરુદ્ધ એ જીવ ને બેસુદ કરી ને ત્રિશા ને ઉચકી ને ત્યાં થી દુર લઇ જાય છે,થોડેક દુર તેઓ ને એક ચમત્કારી નદી દેખાય છે જેના જળ ના પાન થી ત્રિશા ના ઘા ભરાઈ જાય છે અને અનિરુદ્ધ ની પ્યાસ બુજાય છે અહી વિદ્યુત ની પત્ની રેવતી માયા ની પુત્રી ના રહસ્ય વિષે વિદ્યુત અને ભીષણ ને જણાવે છે અંતે વિદ્યુત બન્ને બહેનો ને મૃત્યુ આપી ને રેવતી ને શક્તિશાળી બનાવવાનું વચન આપે છે.

ક્રમશ: ........

રેવતી : આપ નો કહેવાનો મતલબ શું છે મહારાજ ?
વિદ્યુત : મતલબ એ કે મહારાણી રેવતી ...એમની શક્તિ ના સાચા હકદાર તમે છો ... એ બન્ને બહેનો આટલી શક્તિશાળી હોવાનો ફાયદો શું ? જો એ બન્ને એનો ઉપયોગ સત્તા કે શાસન માટે નાં કરે ...

આટલા વર્ષો થી એમની પાસે અપાર શક્તિ છે ..છતાં પણ તમારા નગર માયાપુર નાં એ શાસક નથી ..માત્ર રખેવાળ છે ...એનો સ્પષ્ટ મતલબ એ છે કે એમને શાસન માં કોઈ પણ પ્રકાર ની રૂચી નથી...મતલબ કે એમને હવે શાસન બીજા કોઈ સમર્થ વ્યક્તિ ને સોંપી દેવું જોઈએ .

અને જ્યાં સુધી હું જાણું છું અહી તમારા જેટલું સમર્થ બીજું કોઈ છે જ નહિ.

રેવતી : પરંતુ ...... મારા કરતા મારા માતા વધુ શક્તિશાળી છે ...

ભીષણ : બેશક મહારાણી .... તમારા માતા સમીરા અત્યંત શક્તિશાળી છે ... એમને મને મૃત્યુ માંથી પાછો ખેંચી ને પુનર્જીવિત કર્યો છે એ કઈ રીતે ભૂલી શકું હું.પરંતુ જે રીતે મહારાજ એ કહ્યું કે અવની અને ત્રિશા ની જેમ સમીરાજી ને પણ શાસન કે સત્તા માં કોઈ રૂચી નથી.આ પ્રસ્તાવ અમે એમની સમક્ષ પણ રજુ કરી ચુક્યા છીએ.

વિદ્યુત: બિલકુલ ... અને એમને સ્પષ્ટ રીતે એ પ્રસ્તાવ નકારી દીધો હતો.

રેવતી : પરંતુ ફક્ત શક્તિ પ્રાપ્ત કરી દેવા માટે એ બન્ને બહેનો ને મારી નાખવા એ ઉચિત નથી જણાતું ...કારણ કે હજુ સુધી એ લોકો એ અમારું કઈ પણ અહિત કર્યું નથી.

વિદ્યુત અને ભીષણ એ એકબીજાને ઈશારો કર્યો.

ભીષણ ઈશારો સમજી મહારાણી ની આજ્ઞા લઇ કક્ષ ની બહાર નીકળી ગયો.

વિદ્યુત શાંતિ થી રેવતી ની સમીપ જઈ બેઠો.

વિદ્યુત : જુઓ મહારાણી ... હું મહારાજ વિદ્યુત અવશ્ય છું પરંતુ એક એવો મહારાજ કે જેની પાસે અત્યારે કોઈ પણ રાજ્ય નથી ..... મારું રાજ્ય છે નઝરગઢ જે એ દુષ્ટ અનિરુદ્ધ અને એના પિતા એ કપટ થી અમારા જોડે થી પડાવી લીધું છે,મારે કોઈ પણ પરિસ્થિતિ માં નઝરગઢ ને પુનઃ પ્રાપ્ત કરવું છે.અને જ્યાં સુધી હું મહારાજ નથી ત્યાં સુધી તમે પણ મહારાણી નથી...

તમે સમજી શકો છો ?

રેવતી : જી મહારાજ .....હું સમજી રહી છું

વિદ્યુત : અનિરુદ્ધ આજે અનાધિકૃત રીતે નઝરગઢ નો સમ્રાટ થઇ ને બેઠો છે.એ પણ એ બન્ને બહેનો ના શક્તિ ના કારણે ... મારી શક્તિ સીમિત છે ...મારે તમારી શક્તિ અને સહાય ની આવશ્યકતા છે .... અને એના માટે એ બન્ને બહેનો નો અંત જરૂરી છે

રેવતી : પરંતુ મહારાજ એવું ન થઇ શકે કે આપણે એ બન્ને પાસે થી શક્તિ છીનવી લઇ એમને જીવિત છોડી દઈએ ?

વિદ્યુત સમજી ગયો કે રેવતી એ બન્ને બહેનો નો હત્યા માટે કોઈ દિવસ સાથ નહિ આપે જેથી અત્યારે સમય સુચકતા વાપરી એને રેવતી ના કહ્યા અનુસાર વર્તન કરવાનો નિર્ણય લીધો.

વિદ્યુત : બિલકુલ થઇ શકે રેવતી ... અને એમ જ કરીશું.. આપણે એ બન્ને બહેનો ને શક્તિહીન કરી ને કોઈ સુરક્ષિત જગ્યા પર છોડી દઈશું.

રેવતી : ઠીક છે તો મને કોઈ વાંધો નથી.

વિદ્યુત : બસ થોડોક સમય રેવતી ..... આપણે બન્ને આપના નઝરગઢ ના મહેલ માં નિવાસ કરતા હોઈશું.અને સંપૂર્ણ પ્રદેશ માં આપણું શાસન હશે ..હું werewolves પર રાજ કરીશ ..તમે witches પર રાજ કરશો ....vampires હશે આપણા ગુલામ ....

અને આપણી આવનારી સંતાનો ચારેય દિશા માં આપણું નામ અમર કરશે.

રેવતી : એમ જ થશે મહારાજ.

અહીં આ તરફ ...

સૂર્યોદય થયો...

અવની અને ત્રિશા જાગૃત થઇ ને આજુબાજુ માં પરીક્ષણ કરી રહ્યા હતા ...અનિરુદ્ધ હજુ સુધી નિદ્રા માં હતો નદી ના જળ થી મળેલા સંતોષ થી વર્ષો ની નિદ્રા પૂરી કરી રહ્યો હતો...

જેથી બન્ને બહેનો એ અનિરુદ્ધ ને વિશ્રામ કરવા દેવું જ ઉચિત સમજ્યું ....

અડધા પ્રહર બાદ અનિરુદ્ધ ની આંખો ખુલી... એક સંતોષ સાથે એ ઉભો થયો.

અનિરુદ્ધ : લાગે છે મેં થોડુક વધારે જ વિશ્રામ કરી લીધો.

અવની : બિલકુલ નહિ ..તને ગાઢ નિદ્રા માં જોઈ આનંદ થયો.

અનિરુદ્ધ : હા ...નિદ્રા માટે તો ઘણા વર્ષો થી પ્રયત્ન કરું છું પરંતુ આવી ગુઢ નિંદ્રા તો વર્ષો બાદ આવી છે.

ઠીક છે .. તો હવે આગળ ની યાત્રા નો પ્રારંભ કરીએ ...પણ એ પહેલા ....

અનિરુદ્ધ ગતિ થી નદી પાસે પહોચ્યો અને એમાં છલાંગ લગાવી

અનિરુદ્ધ ; થોડીક તાજગી પણ જરૂરી છે ...

અવની અને ત્રિશા બન્ને એને જોઈ હસવા લાગ્યા અને એની પાછળ નદી માં પ્રવેશ્યા...

અનિરુદ્ધ એ ઉદર ભરાય એટલું જળ પાન કર્યું ..જાણે એ જળ નો શરીર માં સંગ્રહ કરી રહ્યો હોય ..અને ત્યારબાદ તેઓ નદી ના કિનારે ... વિરુદ્ધ દિશા માં આગળ વધ્યા.

એકાદ પ્રહર ચાલ્યા બાદ નદી નો પ્રવાહ થોડો થોડો સાંકડો થવા લાગ્યો ....અને હવે સમતલ ભૂમિ પણ પૂરી થઇ રહી હતી ...હવે શરુ થઇ રહ્યા હતા ...ઊંચા ઊંચા ટેકરા અને મોટા મોટા પથ્થરો ..જેમાં થી નદી નો પ્રવાહ આવી રહ્યો હતો.જે વિશાલ પર્વતો નું મૂળ અને તળેટી હતી.અહી થી અવની અને ત્રિશા માટે યાત્રા દુર્ગમ હતી ..કારણ કે મોટા મોટા પથ્થર પાર કરવા ખુબ મુશ્કેલ હતા.પરંતુ અનિરુદ્ધ માટે આ એકદમ સરળ કામ હતું .કારણ કે નઝરગઢ માં પણ બરફ ના પહાડો એ પલભર માં પાર કરી દેતો.

જેથી મોટી શીલા પાર કરવા માટે અવની અને ત્રિશા બન્ને ને એક એક કરી ને એ પાર કરાવી રહ્યો હતો.

ખુબ જ લાંબી ચડાઈ બાદ તેઓ પહાડ ની મધ્ય માં પહોચ્યા જ્યાં થોડોક સપાટ ભાગ હતો.ત્યાં થોડીક વાર વિશ્રામ કરવા બેઠા ...નદી ની ધારા માં થી થોડુક પાણી ગ્રહણ કર્યું.

અવની : આ ચડાઈ તો અત્યંત મુશ્કેલ છે ...

ત્રિશા : હા સાચેજ ..જો અહી થી હરરોજ યાત્રા કરવાની થાય તો ..પ્રાણ જ નીકળી જાય.

અનિરુદ્ધ : એક વાત જણાવો ... તમે બન્ને મહાન શક્તિશાળી માયા ની પુત્રી છો ?

અવની : હા .. પરંતુ આવો પ્રશ્ન કેમ ?

અનિરુદ્ધ : તો તમને કોઈ એવો મંત્ર નથી જાણતા કે જે સ્થાન પર પહોચવું હોય ત્યાં મંત્ર થી પહોચી શકાય ?

ત્રિશા : હા એવો મંત્ર છે .....

અનિરુદ્ધ એ બન્ને ની સામે જોઈ રહ્યો ..

અનિરુદ્ધ : તો શું તમે કોઈ ની પરવાનગી નો ઈન્તેજાર કરી રહ્યા છો ...? છેલ્લા એક પ્રહર થી હું તમને બન્ને ને ઊંચકી ઉચકી ને પહાડ પાર કરાવી રહ્યો છું.

ત્રિશા અને અવની એ એકબીજા ને સામે જોયું અને અનિરુદ્ધ ની થોડીક મજાક કરવાનું વિચાર્યું.

અવની : હકીકત માં એમ છે કે અમે વિચાર્યું તો હતું કે શરૂઆત જ્યાંથી આપણે હરિહર થી છુટા પડ્યા ત્યાંથી જ મંત્ર નો પ્રયોગ કરી ને સીધા જ મનસા સુધી પહોચી જઈએ .

અનિરુદ્ધ : તો ? એવું કેમ ન કર્યું ?

ત્રિશા : પરંતુ અમે વિચાર્યું કે વ્યર્થ માં ક્યાં મંત્ર નો પ્રયોગ કરી શક્તિ વ્યર્થ કરવી ? એમ પણ ચાલી ને બે દિવસ વધુ થાય એટલો જ ફર્ક છે.

અનિરુદ્ધ લાલચોળ થઇ ગયો ..બન્ને બહેનો અંદર થી ખુશ થતા હતા.

અનિરુદ્ધ : હવે તો મને એમ લાગે છે કે તમને સાચા મંત્ર આવડતા જ નથી....જેથી કરી ને તમે પ્રયોગ કરતા નથી.

અવની : એવું નથી ..અમને બધા જ મંત્ર આવડે છે ..

અનિરુદ્ધ : અરે તો પ્રયોગ કેમ નથી કરતા ..એમાં ક્યાં તમારી બધી શક્તિઓ છીનવાઈ જવાની છે ?

બન્ને જોર જોર થી હસવા લાગ્યા ...

બન્ને ને હસતા જોઈ અનિરુદ્ધ સમજી ગયો કે એ બન્ને એની મજાક કરી રહ્યા છે. એ ચુપ થઇ ગયો.

અવની : અનિરુદ્ધ ...તને શું લાગે છે ? જો એ સાચે જ અહી શક્ય હોત તો .. અમે આ રીતે કષ્ટ ઉઠાવતા હોત ?

અનિરુદ્ધ : મતલબ ?

ત્રિશા : તારી વાત સત્ય છે કે અમારી પાસે અનેક શક્તિઓ છે ..પણ દરેક શક્તિ ની અમુક મર્યાદા છે ..અમારે જે કોઈ પણ સ્થળ પર જવું હોય તે સ્થળ પહેલા જોયેલું કે પરિચિત હોવું આવશ્યક છે ...

અવની : અને ઉપર થી અહી ની દરેક જગ્યા મનસા ની કાબુ માં છે ..અને તું જાણે છે કે એ અમારો કોઈ પણ મંત્ર સફળ નહિ થવા દે ..એવામાં જો આપણે એના સુધી મંત્ર થી પહોચવા નો પ્રયત્ન કરિએ તો બની શકે કે એની શક્તિઓ થી મંત્ર માં ફેરફાર કરી આપણ ને નઝરગઢ પુનઃ પહોચાડી દે .

અનિરુદ્ધ : ઠીક છે ......

ત્રિશા : તો હવે આગળ વધીએ ....

અનિરુદ્ધ : હા ...અહી થી નદી પહાડ ને ભેદી ને એના પાછળ થી વહી રહી છે ..જેથી આપણે હવે પહાડ પાછળ થી ચઢવો પડશે

અવની : પરંતુ .. અહી થી પાછળ કઈ રીતે જઈશું ?

અનિરુદ્ધ ...જ્યાંથી નદી નું વહેણ નીકળે છે ત્યાંથી જ જવું પડશે .....

ત્રિશા : પરંતુ અનિરુદ્ધ ....આ જગ્યા ખુબ જ સાંકડી છે..

એમાં થી પસાર થવું મુશ્કેલ છે ?

અનિરુદ્ધ એ ફરી બન્ને ના સામે જોયું ..

અનિરુદ્ધ : હવે એમ ના કહેતા કે તમે આ સાંકડી સુરંગ ને વિસ્તૃત પણ નહિ કરી શકો.

ત્રિશા : અરે ..એટલું તો કરી જ શકીએ ..

અનિરુદ્ધ હસવા લાગ્યો.

ત્રિશા એ પોતાના થેલા માંથી ચમકતા બે નાના પથ્થર ના ટુકડા કાઢ્યા અને એક ટુકડો એ સુરંગ ના પ્રવેશ દ્વાર પર મુક્યો અને બીજો ટુકડો એના હાથ માં ...ત્રિશા એ આંખો બંદ કરી ને મંત્ર શરુ કર્યો...

પલક ઝબકતા જ એક વિસ્ફોટ સાથે આખી સુરંગ ધ્વસ્ત થઇ ગઈ અને બીજી બાજુ જવાનો માર્ગ મળી ગયો.

ત્રણેય ધીમે ધીમે આગળ વધ્યા ..અને પહાડ ની બીજી તરફ આવ્યા...

બીજી બાજુ આવી ને જોયું તો નઝારો એકદમ નયન રમ્ય હતો...

ચારેય બાજુ ઊંચા ઊંચા પહાડો ની ઉંચી ઉંચી દીવાલો થી જાણે એક વિશાલ મહેલ જેવી રચના હતી...

પહાડો ની દીવાલો જે મહેલ ની સરહદી કોટ હતી,અને હજારો ફૂટ લાબા અને પહાડ ની ટોચ થી છેક નીચે સુધી લટકતા લીલાછમ વેલા ...અને વૃક્ષો ના મૂળ ..જાણે મ્હેલ ની દીવાલો પર લીલા અને કથ્થાઈ રંગ ના પડદા ની જેમ ભાસી રહ્યા હતા.ઉચાઇ થી પડતું નદી નું પાણી એક ધોધ સ્વરૂપે નીચે પડી રહ્યું હતું ..એ ધોધ નો અવાજ જાણે એક સંગીત પેદા કરી રહ્યો હતો...

ધોધ ના પછડાતા પાણી માંથી પસાર થતી સૂર્ય ની કિરણો થી રચાતું સુંદર અને વિશાળ મેઘ ધનુષ્ય જાણે આ મહેલ ની છત બનાવી રહ્યું હતું.અને નાના મોટા અનેક ઝરણા ઓ જાણે મહેલ ના બગીચા ના ફુવારા હોય એમ પાણી નો છંટકાવ કરી રહ્યા હતા.ચારેય બાજુ બીછાયેલા રંગ બેરંગી ફૂલો ની ચાદર જાણે મહેલનો લાંબો કાલીન હોય એમ લાગી રહ્યું હતું.

એ ત્રણેય આ જગ્યા ની સુંદરતા જોઈ ને મંત્ર મુગ્ધ થઇ ગયા.

અનિરુદ્ધ : અદ્ભુત છે આ સ્થળ ....જાણે આ જ છે સ્વર્ગ ..

અવની : સાચેજ ..આનાથી સુંદર દ્રશ્ય મેં મારા સંપૂર્ણ જીવન માં જોયું નથી.

ત્રિશા : આ જગ્યા ની સુંદરતા જોઈ ને લાગી રહ્યું છે કે અહી જ નિવાસ કરે છે મનસા

“ તે સત્ય કહ્યું ત્રિશા .... અહી જ નિવાસ કરું છું હું ?”

આ અવાજ એ જગ્યા ની ચારેય તરફ ગુંજી રહ્યો હતો.

ત્રણેય આમ તેમ જોવા લાગ્યા ..કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે

“ મને શોધવા નો પ્રયાસ કરવાની કોઈ આવશ્યકતા નથી ....હું અહી જ છું તમારી સામે”

અવની ના આંખ માંથી આંસુ સરી પડ્યા .....

અવની : ક્યાં છે તું મનસા ...મારી સમક્ષ આવ બહેન ...

મનસા : હું અહી જ છું ..........

ત્રિશા : તો અમને કેમ દેખાઈ નથી રહી મનસા ?

મનસા : ઉચિત ક્ષણ આવશે એટલે દેખાઈ પણ જઈશ.

મનસા નો અવાજ ચારેય તરફ ઘેરાયેલી પહાડ ની દીવાલો થી ટકરાઈ ને ગુંજી રહ્યો હતો જેથી સ્પષ્ટ જણાતું ન હતું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે.

મનસા : હું તો સદીયો થી જ અહી નિવાસ કરું છું ..પરંતુ સવાલ એ છે કે ... અવની અને ત્રિશા ને અહી આવવાની જરૂર કેમ પડી ? એક પિશાચ ની સહાયતા માટે ?

અવની: તને દરેક વાત જણાવીશ બહેન ..બસ તું મારી સમક્ષ આવી જા ...આ આંખો સદીયો થી એની નાની બહેન ને જોવા તરસી રહી છે.

મનસા : હું નિયમો થી બંધાયેલી છું અવની ... તારી સમક્ષ આવી શકું એમ નથી.

ત્રિશા : કેવા નિયમ બહેન ..પોતાની બહેન ને મળવા કયા નિયમ ની જરૂર છે ?

મનસા : એ જ નિયમ જે માતા એ બનાવ્યા છે ..મારી શક્તિ ને નિયંત્રિત રાખવા માટે ...

અવની : તો અમારે તારા સુધી પહોચવા માટે શું કરવું પડશે ?

મનસા : તમારી પાસે આવેલા પિશાચ એ ..એના શરીર ના કોઈ પણ એક હિસ્સા નો અહી ત્યાગ કરવો પડશે ..પરંતુ યાદ રહે આ ત્યાગ એ સ્વૈછિક ત્યાગ છે ..હું જાણું છું કે આ પિશાચ નું કોઈ પણ હિસ્સો પુનઃ નિર્માણ પામી શકે છે ..પરંતુ અહી એની એવી કોઈ શક્તિ કાર્ય નહિ કરી ..એનો એ હિસ્સા નો ત્યાગ સદાય રહેશે.

અવની અને ત્રિશા એ અનિરુદ્ધ ની સામે જોયું અને એવું કરવા માટે નકારી રહ્યા હતા.

અવની : મનસા ... આની કોઈ આવશ્યકતા નથી.અનિરુદ્ધ ને ત્યાગ કરવા મજબુર ન કરીશ બહેન .

મનસા : અનિરુદ્ધ અહી દુર એક ઈચ્છા સાથે આવ્યો છે ... તો એના ત્યાગ ની ભાવના જોવી પણ એટલી જ આવશ્યક છે ...અને ત્યાગ સિવાય તો ન્યાય સંભવ નથી.અનિરુદ્ધ ની આગળ એક વિશાલ યુદ્ધ છે ....આ ત્યાગ સાબિત કરશે કે એ કેટલી સીમા સુધી શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ છે ?

અનિરુદ્ધ એ મનસા ની વાત ધ્યાન થી સાંભળી ...

થોડીક ક્ષણો બાદ

અનિરુદ્ધ : હું તૈયાર છું ..

ત્રિશા : નહિ અનિરુદ્ધ ..આનો બીજો કોઈ વિકલ્પ અવશ્ય હશે ..તારે કઈ કરવાની જરૂર નથી ..મનસા મારી બહેન છે હું એને સમજાવીશ ...

અનિરુદ્ધ : ત્રિશા ..મનસા ની વાત ઉચિત છે ..કઈ પ્રાપ્ત કરવા માટે કઈ ગુમાવવું આવશ્યક છે .

અને એમ પણ મનસા મારી શારીરિક તથા માનસિક ચકાસણી કરવા ઈચ્છે છે.

હું તૈયાર છું મનસા ..

એટલામાં એ ત્રણેય જ્યાં ઉભા હતા ત્યાં ની ધરતી માં ધ્રુજારી આવી ..ત્રણેય એકબીજા ને સાચવી ને ઉભા રહ્યા ...એક પથ્થર ની શીલા ધરતી ફાડી ને બહાર આવી ...

મનસા નો અવાજ ફરી થી ગુંજ્યો...

“ તારી પાસે તલવાર છે અનિરુદ્ધ ... ત્યાગ કર અને શરીર નો હિસ્સો એ શીલા પર રાખી દે ... જો એ હિસ્સો એ પથ્થર માં સમાઈ જાય તો સમજી લેજે કે તારો ત્યાગ સફળ થયો અન્યથા નિષ્ફળ ...યાદ રહે માત્ર એક અવસર છે ....”

અનિરુદ્ધ : ઠીક છે ...

અનિરુદ્ધ એ પોતાની તલવાર બહાર કાઢી ... અવની અને ત્રિશા એકબીજા ના હાથ પકડી લીધા...

અનિરુદ્ધ તલવાર પોતાના ગરદન ની પાછળ લઇ ગયો..બન્ને બહેનો એ પોતાની આંખો બંદ કરી લીધી.

અનિરુદ્ધ એ ધીમેક થી પોતાના લાંબા કેશ માંથી એક હથેળી ભરી ને કેશ કાપી ને એ પથ્થર પર રાખી દીધા ....

બન્ને બહેનોએ આંખો ખોલી ...

અને પથ્થર પર કેશ જોઈ ને આશ્ચર્ય થયું ..એ બન્ને સમજી શકતા નહતા કે અનિરુદ્ધ એ શું કર્યુ .

કેશ હજુ એમ જ પથ્થર પર જ હતા ..અને મનસા નો કોઈ અવાજ પણ સંભળાતો ન હતો.

થોડીક વાર પ્રતીક્ષા કર્યા બાદ ..

ત્રિશા : અનિરુદ્ધ માફ કરજે પણ મને નથી લાગતું કે..આ ત્યાગ ..

અનિરુદ્ધ એ ત્રિશા ને બોલતા વચ્ચે થી અટકાવી ...અને એ પથ્થર તરફ જોવા કહ્યું ...

એ કેશ ધીમે ધીમે પથ્થર માં સમાઈ ગયા.

ત્રણેય ની ખુશી નો પાર ના રહ્યો ..પથ્થર પુનઃ ધરતી માં સમાઈ ગયો.

મનસા : અદ્ભુત અનિરુદ્ધ ... અદ્ભુત ....તું જેટલો શક્તિશાળી એટલો બુદ્ધિમાન પણ છે અને એટલો દયાળુ પણ ...

તું તારી અંતિમ પરીક્ષા માં પણ સફળ થયો.

અનિરુદ્ધ :અંતિમ ? પરંતુ આ તો ફક્ત એક જ પરીક્ષા હતી.

મનસા : નહિ ... આ તારી તૃતીય પરીક્ષા હતી ..પ્રથમ જયારે મારા મિત્ર અને રક્ષક પશુ ભદ્ર એ તમારા પર હુમલો કર્યો ..ત્યારે એ સમયે તે ગુસ્સા અને શક્તિ પ્રદર્શન નાં કરતા કરુણા થી એને માત્ર બેસુદ કરી છોડી દીધો ..એમાં તું પ્રથમ પરીક્ષા માં સફળ થયો..

બીજા માં તારે કઈ કરવાનું હતું જ નહિ ...પુન્ખરાજ નદી નું પવિત્ર જળ કોઈ કપટી ,લોભી અને ક્રૂર વ્યક્તિ ગ્રહણ કરી જ ન શકે,પરંતુ તે સરળતા થી એનું ગ્રહણ કર્યું ઉલટા માં એ જળ એ તને તૃપ્તતા આપી અને તૃતીય પરીક્ષા માં પણ તે તારી બુદ્ધી ક્ષમતા નું પ્રદર્શન કર્યું ,જેમાં મેં તારા શરીર ના કોઈ પણ હિસ્સા ની માંગણી કરી ..અને કેશ પણ આપણા શરીર નો જ ભાગ છે ....એ દર્શાવી તું દરેક પરીક્ષા માં સફળ થયો છે .

અનિરુદ્ધ ને આ સાંભળી આનંદ થયો.

ત્રિશા : હવે પણ કઈ બાકી છે કે તું અમારી સમક્ષ આવીશ ?

મનસા નો અવાજ બંદ થયો ...

પવન એક લહેર ચારેય બાજુ ઉડવા લાગી ..જે પહાડ ની ચારેય દીવાલ થી ટકરાઈ ને ત્યાંથી નાના રજકણો સાથે લઇ ઉડી રહી હતી..એ લહેર પાણી નાં ધોધ માં પસાર થઇ અને દૂધ સમાન શ્વેત જળ સાથે લઇ ઉડવા લાગી ,ત્યારબાદ ..નીચે છવાયેલી ફૂલો ની ચાદર માંથી એ લહેર પસાર થઇ ને અનેક રંગ બેરંગી ફૂલો લઇ લતા અને વૃક્ષો માં પસાર થઇ અને એ લહેર એક નાના વંટોળ નું સ્વરૂપ લઇ લીધું અને એ નાનું વંટોળ એ ત્રણેય ની સામે આવી ને ઉભું રહ્યું.

વંટોળ માના રજકણો .જળ ,ફૂલો ,લતા અને વૃક્ષો ના પાન બધું જ મિશ્ર થઇ અંતે એક સુંદર નાની છોકરી નાં રૂપ માં પરિણમી ગયું.

મનસા એ આંખો ખોલી અને પોતાની બહેનો સામે જોયું ....ત્રિશા આજે પણ એ જ બાળ સ્વરૂપ માં હતી જે રૂપ માં એ પોતાની બહેનો થી છૂટી પડી હતી ...બંન્ને મનસા ને ઓળખી ગયા અને ભાગી ને ભેટી પડ્યા ....

ત્રણેય બહેનો મન મૂકી ને આંસુ સારી રહી હતી ...સદીઓ બાદ આજે એકસાથે હતા.

અનિરુદ્ધ હજુ પણ મૂંઝવણ માં હતો કે મનસા એક નાની બાળક છે ...

ત્રણેય છુટા પડ્યા ..

અવની : બહેન ... તું ? આ હાલત ? અને અહી ? મને કઈ પણ સમજાતું નથી.

મનસા : બધું જ સમજાવીશ અવની ..

પરંતુ પ્રથમ અનિરુદ્ધ સાથે મુલકાત કરી લવ

મનસા અનિરુદ્ધ પાસે ગઈ ..

અનિરુદ્ધ પોતાના ઘૂંટણ પર બેઠો ...

અનિરુદ્ધ એ મનસા ના હાથ પોતાના હાથ માં લીધા ...

અનિરુદ્ધ : હું નથી જાણતો મનસા કે આ બધા પાછળ શું રહસ્ય છે ..બસ આ ત્રણ દિવસ ના પુન્ખરાજ ના પ્રવાસ માં એટલું જાણ્યું કે મનસા ..તું સાચે જ અદ્ભુત છે ....આ સ્થળ ના કણ કણ માં તું વસેલી છે ...જે સાંભળ્યું હતું આજે પોતાની નઝરે જોઈ પણ લીધું.

મનસા : અનિરુદ્ધ ... તું કોઈ સાધારણ વ્યક્તિ નથી .હું કેટલાય સમય થી તારી આવવાની પ્રતીક્ષા કરી રહી હતી.

અવની અને ત્રિશા અને સાથે અનિરુદ્ધ પણ વિચાર માં પડી ગયો.

ત્રિશા : પ્રતીક્ષા કરી રહી હતી મતલબ ?તું જાણતી હતી કે અમે અને અનિરુદ્ધ અહી આવીશું ?

મનસા : હા ...

અવની : કઈ રીતે ?

મનસા : બધું જણાવીશ .... પરંતુ એ પહેલા મારા નિવાસ પર જવું યોગ્ય છે

અનિરુદ્ધ : હા બિલકુલ ....

મનસા એ ત્રણેય ને ત્યાં થી થોડેક દુર ફૂલો ના બગીચા ના બીજી તરફ એક મોટી ગુફા માં લઇ ગઈ ... એ ગુફા કોઈ એક વિશાલ મહેલ થી ઓછી પડે એમ નહતી ..

બધા એ સ્થાન ગ્રહણ કર્યું.

અવની : તું અહી કેટલા સમય થી છે મનસા ?

મનસા : બસ એટલા સમય થી જ્યાર થી માતા એ મને તમને બન્ને થી અલગ કરી ને અહી લાવી .

આ પુન્ખરાજ માં હું સદીયો થી નિવાસ કરું છું..એમ સમજ કે અહી નઝરકેદ છું...માતા એ શક્તિ ના સંતુલન માટે એક મોટો હિસ્સો મારા શરીર માં સમાવી દીધો ... અને માયાપુર થી દુર અહી પુન્ખરાજ માં મને સ્થિર કરી.મારા શરીર માં માતા ની પ્રચંડ ઉર્જા અને શક્તિઓ હતી.જે મારું શરીર કાબુ કરવા સક્ષમ ન હતું ..એ વખતે આ પહાડો અને આ જગ્યા મારો સહારો બની .. મારી અડધી ઉર્જા મેં અહી ઉપસ્થિત દરેક નિર્જીવ વસ્તુ માં સમાહિત કરી દીધી.જેથી શક્તિ સંતુલિત રહે.

ત્રિશા : પરંતુ તારું શરીર ...આજે પણ એક નાના બાળક જેવું કેમ ?

મનસા : માતા ખુબ જ શક્તિશાળી હતી ત્રિશા ..અને એમની શક્તિ માંથી એક સૌથી મોટી શક્તિ હતી સમય શક્તિ ...

અવની : સમય શક્તિ ?

મનસા : હા ..માતા સમય ને કાબુ કરી શકતી હતી ...અને પોતાની મરજી મુજબ એમાં ફેરફાર કરી શકે એમ હતી પરંતુ એમણે કોઈ દિવસ સમય સાથે છેડછાડ કરી નહિ ..એ જાણતા હતા કે ..સમય સાથે છેડછાડ વિનાશકારી પરિણામ લાવી શકે છે.પરંતુ માતા ની બહેન કાયા ની નઝર આ શક્તિ પર હતી ..જેથી કાયા થી દુર એમને આ શક્તિ મારા માં સમાહિત કરી ને મને સદાય માટે પુન્ખરાજ માં કેદ કરી લીધી.

અવની : મતલબ કે ...માતા ની સમય શક્તિ તારા માં સમાહિત છે ...?

મનસા : હા ..જેથી ...સમય ના કોઈ પણ ભાગ માં પણ આયામ માં કોઈ પણ વસ્તુ સરળતા થી જોઈ શકું છું ..કોઈ પણ આયામ માં સરળતા થી પ્રવેશ કરી શકું છું ..બસ એમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નથી કરતી ..મારું શરીર સમય શક્તિ ના કાબુ માં છે.જેથી હું હજુ પણ બાળ સ્વરૂપ માં છું.

હું હમેશા સમય ના આયામ માં જઈ તમને બન્ને ને નિહાળતી ....તમને હસતા ખુશ રહેતા જોઈ ને મને આનંદ મળતો .

અનિરુદ્ધ : મતલબ .. તું ભવિષ્ય માં પણ જોઈ શકે છે ?

મનસા : હા ..પરંતુ ભવિષ્ય હમેશા રહસ્ય રહે એ જ આપણા માટે ઉચિત છે...

ત્રિશા : તો આ શક્તિ ની મદદ થી તું જાણી શકી કે અમે અહી આવી રહ્યા છીએ ...

મનસા : હા

અવની : બસ બહેન ... પૂર્ણ થઇ તારી આ કેદ ...સમય આવી ચુક્યો છે કે તું પણ અમારી સાથે આવે માયાપુર .

મનસા : એ શક્ય નથી બહેન ....

ત્રિશા : કેમ ?

મનસા : હજુ પણ ભવિષ્ય ના ગર્ભ માં અનેક રહસ્ય છુપાયેલા છે ..અને હવે સાચો સમય આવ્યો છે આપણી શક્તિ ની સુરક્ષા નો ...ફક્ત મારી જ નહિ તમારી પણ ....

Witches ની જે દુનિયા છુપાયેલી હતી એ ધીરે ધીરે ઉજાગર થઇ રહી છે ... દુષ્ટ લોકો એ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે ....આપણે બહેનો મળી ને પોત પોતાની શક્તિઓ ની રક્ષા કરવાની છે ..

અવની : પરંતુ તારી મુક્તિ નું શું ?

મનસા : મારો મુક્તિ નો સમય હજુ થોડોક દુર છે ...કોઈક એવો વ્યક્તિ આવશે જે મને આ બંધન માંથી આઝાદ કરશે.

બસ તમારું એટલું જાણવું જરૂરી છે કે ...આવનારા ભવિષ્ય માં નઝરગઢ પર એક વિકરાળ સંકટ આવી રહ્યું છે ...

ક્રમશ:...............................

નમસ્કાર વાચક મિત્રો .

આપના પ્રતિભાવ અને message મળ્યા .The secrets of નઝરગઢ ને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા માટે ...હું આપ સૌ નો ખુબ ખુબ આભારી છું ....પૃથ્વી : એક પ્રેમ કથા અને .The secrets of નઝરગઢ ની લોકપ્રિયતા ને જોતા PLATFORM એની E BOOK તથા COMICS માં રૂપાંતર કરવા વિચારી રહી છે જે થોડાક જ મહિના માં તમારી સમક્ષ આવશે ....ત્યાં સુધી જોડાયેલા રહો નઝરગઢ નાં અદ્ભુત સફર સાથે.

આભાર.......