DIVORCE - PROBLEM OR SOLUTION... - 8 books and stories free download online pdf in Gujarati

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૮

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૮

આગળના ભાગમાં આપણે વાત કરી કે છૂટાછેડા લેતા માતા-પિતાના સંતાનની માનસિક પરિસ્થિતિ કેવી વિચલીત હોઇ શકે છે. હવે આગળ...

છૂટાછેડા લીધેલ વ્યક્તિઓનાં સંતાનોના માનસપટલ પર સૌથી વધૂ ખરાબ અસર ત્યારે થાય છે જ્યારે કોઇ સ્કુલમાં તેને એડમિશન વખતે તેના પિતાનું નામ પૂછવામાં આવે, ત્યારે બાળક ગભરાઇ જાય છે. તદઉપરાંત જ્યારે સ્કુલના અન્ય વિધ્યાર્થીઓને માતા-પિતાના છૂટાછેડાની જાણ થાય ત્યારે આવા બાળકોને અન્ય સ્ટુડન્ટ્સ દ્વારા મજાક મશ્કરીઓ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. જો બાળક માતા/પિતા પાસે રહેતું હોય તો માતા/પિતાને વારંવાર પિતા/માતા અંગે સહજ સવાલો કરવામાં આવે છે. અને બાળકના વારંવારના એક જ સવાલો નો જવાબ આપવામાં તથા વારંવાર સમજાવવામાં ક્યારેક માતા-પિતા ઘણી વખત ગુસ્સે થઇ જાય છે. બાળકને વઢે છે. તેને મારે છે. અને ધીરે-ધીરે બાળકનું માનસ સંકુચિત થઇ જાય છે. ક્યારેક બાળક ન જવાના રસ્તે પણ ચઢી જાય છે.

જ્યારે આ જ બાળક પુખ્ત વયનું થાય છે અને હાઇસ્કુલ કે કોલેજમાં આવે છે ત્યારે તેની સાથેના અન્ય વિધ્યાર્થીઓની મજાક-મશ્કરીઓ ક્યારેક વાહિયાત સ્વરૂપ પણ લઇ લે છે. બાળકને પ્રેમ, લગ્ન, લાગણીઓ વગેરે પરથી વિશ્વાસ ઉઠી જાય છે. અને લગ્નનો વિરોધી થઇ જાય છે. આમ, બાળક અથવા સંતાનો પર પણ પતિ-પત્નિના છૂટાછેડાની બહુ જ ખરાબ અસર થાય છે.

હવે વાત કરીએ છૂટાછેડા લીધેલ પુરૂષની છૂટાછેડા લીધા પછીની લાઇફની....! જો પુરૂષે પચાસ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હોય તો બીજી વખતના લગ્ન કરતી વખતે કન્યા મળવી મુશ્કેલ થઇ જાય છે. અથવા જેવી મળે તેવી કન્યા સાથે એડજસ્ટ કરવું પડે છે. ક્યારેક પોતાની પસંદગી સાથે ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. તેમાં પણ જો આગળના લગ્નજીવન દરમ્યાના કોઇ સંતાન હોય તો પણ ઘણી વખત બીજા લગ્ન કરવામાં મુશ્કેલીઓ પડે છે. બીજા લગ્નથી આવનાર પત્નિ પ્રથમ પત્નિના સંતાનને પોતાના સંતાનની જેમ સ્વિકારશે કે નહી તે પણ એક મોટો પ્રશ્ન બની જાય છે. ઘણી વખત સંતાનને મા નો પ્રેમ આપવા પુરૂષ બીજા લગ્ન કરે છે પરંતું બીજી પત્નિ એ સંતાનને સ્વિકારતી નથી અથવા સ્વિકારી શકતી ન હોય તો ઘરમાં કકળાટ, કંકાસ, ઝઘડા તો ક્યારેક સંતાન સાથેની મારપીટના કિસ્સાઓ પણ જોવા મળે છે. છૂટાછેડા લીધેલ પુરૂષને તેના સમાજમાં તથા કુટૂંબમાં અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ક્યારેક તો મિત્રવર્તુળમાં ખુબ જ ગંદી કમેન્ટ્સનો સામનો પણ કરવો પડતો હોય છે.

હવે વાત કરીએ છૂટાછેડા લીધેલ સ્ત્રીની છૂટાછેડા લીધા પછીની લાઇફની....! છૂટાછેડા લીધેલ સ્ત્રીની લાઇફ ઘણી વખત ખુબ જ જટીલ બની જતી હોય છે. સમાજની વિચારધારા બદલાઇ જાય છે. લોકો જાત-જાતના સવાલો પૂછે છે તેમના જવાબો આપવા અઘરા બની જતા હોય છે. ક્યારેક અમુક વિકૃતી ધરાવનાર વ્યક્તિઓ આવી છૂટાછેડા લીધેલ સ્ત્રીને “now available for all” ની દ્રષ્ટિથી જોતા હોય છે. ક્યારેક આવા બિભત્સ વિચારો ધરાવતા લોકોની ગંદી કોમેન્ટ્સ કે વર્તણૂંકનો પણ સામનો કરવો પડે છે. જો સ્ત્રી સુંદર હોય તો આવી સ્ત્રીને પામવા માટેના પ્રયત્નો પણ ઘણાં વ્યભિચારી પુરૂષો કરતાં હોય છે. અને જો સ્ત્રી દેખાવમાં સુંદર ન હોય તો એમ કહીને તેને બદનામ કરતા હોય કે સ્ત્રીમાં જ કોઇક ખોટ હશે કે પોતાનું લગ્ન જીવન ટકાવી ન શકી. અમુક સમાજમાં દિકરીની વિદાય બાદ તેને પિયરનાં ઘરમાં સ્થાન મળતું નથી જેથી છૂટાછેડા પછી જો સ્ત્રી ઘરે જાય તો માતા-પિતા, ભાઇ-ભાભી વિગેરેના મહેણાટોણા સાંભળવા પડે છે અથવા પોતાનો આશરો બીજે ક્યાંક શોધવાની ફરજ પડે છે. જો પિયરમાં સ્થાન મળે તો પિયર તરફથી બીજા લગ્ન માટે દબાણો કરવામાં આવે છે અને જે મળે તેની સાથે પરણાવી દે છે. જો બીજો પતિ સ્વભાવે સારો હોય તો તે સ્ત્રીનું જીવન તરી જાય છે. પરંતું જો બીજો પતિ સારા સ્વભાવનો ન હોય તો નવી સાસરીમાં પણ ખુબ જ દુઃખ વેઠવાનો વારો આવે છે.

આમ, મારા આ લેખમાં છૂટાછેડા લેવામાં ઘણાં લોકો સમસ્યાનું નિવારણ સમજતા હોય છે પરંતું ખરી હકિકતે આટલી બધી મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે. મારા આ લેખમાં જણાવેલ વિગતો તો માત્ર સામાન્ય જ છે પરંતું ક્યારેક તો આના કરતા વધુ ખરાબ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. આથી આ લેખ લખવા પાછળનો મારો મુખ્ય આદેશ એ જ છે કે નાની-નાની વાતો કે મનભેદ કે મતભેદથી ભાગીને છૂટાછેડા ન લેતા આવા મનભેદ કે મતભેદ ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઇએ. પતિ-પત્નિ પોતાની જાતે જો સમસ્યાનું નિવારણ ન લાવી શકે તો પરિવારના પડિલો મારફતે, કુટુંબના વડિલો મારફતે અથવા સમાજના પડિલો કે મધ્યસ્થિની મદદ લઇ સમાધાન લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

આ લેખથી હું એવું નથી કહેતો કે કોઇએ છૂટાછેડા ન જ લેવા જોઇએ. પરંતું એવું કહેવાનો પ્રયત્ન કરેલ છે કે પહેલા બનતા પ્રયત્નો કરો સાથે રહેવાના જો કોઇ વિકલ્પ ન રહે અથવા કોઇ કાયદાનું ઉલ્લંઘન થતું હોય, જાનનું જોખમ હોય, બીજો કોઇ રસ્તો જ ન હોય અથવા કોઇ અસામાન્ય પરિસ્થિતિ ઉદભવેલ હોય તો જ છૂટાછેડા લેવાનો નિર્ણય કરવો જોઇએ.

મારો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી લખશો. અને કોઇ પ્રશ્નો હોય તો મને ઇનબોક્ષમાં મેસેજ કરશો. બનતી કોશિશો કરીશ આપની સમસ્યાનો ઉકેલ લાવવાની. આપે મારો લેખ વાંચ્યો અને પ્રતિભાવો આપ્યા તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર...!

ફરી મળીશું એક નવા લેખ સાથે...!