Ashru virahni ratna... books and stories free download online pdf in Gujarati

અશ્રુ વિરહની રાતના....

ઘરમાં બધા જ શાંતિની ઊંઘ લઈ રહ્યા હતા, આજે તો વહેલા સૂઈ સવારે વહેલી પરોઢે ઉઠી જવાનું હતું કારણ કે, આંગણિયે ધનિક શેઠ બળવંતરાના ઘરેથી જાન આવવાની હતી.

પણ...નીતુ...નીતુ ને તો આજે મટકું ય મારવાનું ન હતું.

ગામમાં વચ્ચોવચ્ચ ઉંચી શેરીમાં નીતુનું ઘર.નીચે બે રૂમ અને મેડી ઉપર એક મોટો ઓરડો, શેરીમાં આવતા-જતા બધા આ મેડી ઉપર નાની બારી મઢેલી તેમાંથી દેખાય...

ઘરમાં બધાના સૂઈ ગયા પછી નીતુ તો આ મેડીએ જઈ પેલી બારીએ ગોઠવાઈ ગઈ, શેખરે તેને વચન આપ્યું હતું કે, " ચિંતા કર મા, હું તારા લગનની આગલી રાતે તને આવીને ભગાડી જઈશ એટલે તારે તારાથી દશ વર્ષ મોટા હેમંત સાથે લગન નહિ કરવા પડે, વિશ્વાસ રાખજે મારી પર અને આપણા સાચા પ્રેમ ઉપર..."

નીતુ તો વાટ જોતી જોતી બેઠી તો બેઠી... શિયાળાની ઠંડી રાત હતી, જનાવરો ય ખોંખારો ન હતા ખા'તા, એક વાગ્યો, બે વાગ્યા, ત્રણ વાગ્યા નીતુ તો શેખરનો રસ્તો તાકી રહી હતી પણ ન તો શેખર દેખાય, ન તો તેના આવવાના કોઈ એંધાણ.. એમ કરતાં કરતાં ચાર વાગ્યા, પાંચ વાગ્યા અને હવે તો સવાર પડી છ વાગ્યા...આખી રાત નીતુએ શેખરના વિરહમાં અશ્રુ વહાવીને વીતાવી પણ શેખર ન આવ્યો તે ન જ આવ્યો....

આજે ત્રીસ વર્ષ પછી નીતુએ શેખરને જોયો, તે અવાર-નવાર પોતાના ગામમાં આવતી અને શેખરના સમાચાર પૂછતી પણ શેખરની કોઈ ભાળ તેને મળતી નહિ.

આજે અચાનક, શેખર અહીં ક્યાંથી...?? પોતાના ઘરની બાજુમાં રહેતા મુકેશભાઈનું અવસાન થઈ ચૂક્યું હતું અને આજે તેમનું બારમું હતું. ઘરની બહાર જમવાની પંગત પડી હતી, પહેલા પુરુષોને જમવા બેસાડેલા હતા. નીતુ લાડવા પીરસતી હતી. ગામના રિવાજ પ્રમાણે જરા આઘું પણ ઓઢેલું હતું. તેથી શેખર તેને ન ઓળખી શક્યો પણ એ શેખરને ઓળખી ગઈ...

શેખરને પીરસવાનો વારો આવ્યો એટલે શેખરે લાડવો લેવાનો ઈન્કાર કરતાં થાળી માથે જરા હાથ આડો કર્યો એટલે નીતુ હળવેકથી જરા બોલી, " લ્યોને તમને તો લાડવા બહુ ભાવે છે. "

નીતુનો અવાજ સાંભળી શેખર ચોંકી ઉઠયો. એ જ અવાજ, એ જ લહેકો, એ જ સ્ટાઈલ, એ જ રૂપ.. બસ ફરક હતો તો ફક્ત સમયનો....

મુકેશભાઈના બારમાનું પત્યું એટલે શેખર નીતુને મળવા તેના ઘરે ગયો. ઘરમાં નીતુ એકલી જ હતી. પહેલા તો નીતુએ તેની સાથે વાત જ કરવાની " ના " પાડી અને કંઈક ખરી-ખોટી તેને સંભળાવી.

પણ, પછી શેખરે નીતુના હાથ પોતાના હાથમાં લઈ લીધા અને તે નીતુની સામે બે હાથ જોડી નીતુની માફી માંગવા લાગ્યો તેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તે રડીને કહેવા લાગ્યો કે, " નીતુ, હું તારો ગુનેગાર છું, તારે મને જે સજા કરવી હોય તે તું કરી શકે છે, હું સજા ભોગવવા તૈયાર છું. પણ પહેલા મારી વાત તો શાંતિથી સાંભળ, મારો તને દગો કરવાનો કોઈ ઈરાદો ન હતો. પણ, આપણાં ગામમાં જે પ્રેમ લગન કરે તેને ગમે ત્યાંથી શોધી ગામવાળા ફાંસીએ લટકાવે છે, તને ખબર છે ને..?? આપણી પણ એ જ દશા થાત અને તારા અને મારા બાપાને જીવતેજીવત મરી જવું પડત.. આ વિચારે હું તને ભગાડવા ન આવ્યો, મારો એમાં કોઈ દોષ નથી. તું સમજે તો ઠીક છે બાકી તારી ઈચ્છા, તારા લગ્નના આગલા દિવસે જ મેં આ ગામ છોડી દીધું હતું તે પછી આજે આટલા વર્ષે આ મુકેશના સમાચાર સાંભળ્યા મુકેશ મારો ખાસ મિત્ર હતો તું જાણે છે એટલે આ ગામમાં મેં પગ મૂક્યો છે. કોઈપણ દિવસ એવો નથી ગયો કે મેં તને યાદ ન કરી હોય હું હજી પણ તને એટલું જ ચાહું છું જેટલું પહેલા ચાહતો હતો. પણ, મેં તને દગો કર્યો હોય એવું તને લાગતું હોય તો હું તારી માફી માગું છું. " અને શેખર અને નીતુ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા...

નીતુ બોલી ઉઠી, " શેખર, આપણે આ જનમમાં ન મળી શક્યા તો કંઈ નહીં પણ આવતા જનમમાં આપણે ચોક્કસ મળીશું, હું તારી રાહ જોઇશ, તું મને ચોક્કસ લેવા આવજે..." અને બંને આવતા ભવનો વદાર કરી છૂટા પડ્યા.

- જસ્મીન