... and the daughter began to struggle to take her father's mortal body home from the hospital books and stories free download online pdf in Gujarati

...અને દિકરીએ પિતાના નશ્વર દેહને હોસ્પિટલથી ઘરે લઇ જવા મથામણ શરૂ કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચંદ્રનગર ગામની વાત છે. વડોદરા જિલ્લામાં માત્ર ૨૦૦ માણસની વસ્તી ધરાવતા ચંદ્રનગર ગામમાં મહિજીભાઇ કરીને એક વ્યક્તિ રહેતા હતા. તેમની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. અહીં સુધી વાત સામાન્ય હતી પરંતુ તેમની દિકરીએ તેમના નશ્વર દેહને તેમના ગામ ચંદ્રનગર લઇ જવા જે મથામણ કરી તે વાત ખરેખર જીવનમાં દિકરીનું મહત્વ સમજાવી જાય છે.
સાવલી તાલુકાના ચંદ્રનગરના વતની મહિજીભાઇનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. દિકરી નાની હતી ત્યારે જ માતાનું અવસાન થયું હતું. મહિજીભાઇ ખેતમજૂર તરીકે જીવન નિર્વાહ કરી રહ્યા હતા. દરમિયાન એક ગંભીર બિમારીનો ભોગ બનતા સારવાર દરમિયાન તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થવા આવ્યા હતા. વડોદરાથી ગામ માત્ર ૨૫ કિ.મી જ દૂર હતું માટે જાતે જ બસમાં બેસી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. પણ ખરી વાત તો હવે, આવે છે. હોસ્પિટલમાં તેઓ દાખલ થયા ત્યારે તેમની સાથે કોઇ આવ્યું નહોતું. માટે હોસ્પિટલ સત્તાધિશોને એમ થયું કે મહિજીભાઇના પરિવારમાં કોઇ નહીં હોય. જેથી તેમના નશ્વર દેહને બિનવારસી ગણીને કાગળીયા કરવાની શરૂઆત કરવાનો આદેશ આરએમઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જે આદેશનો સંબંધિત તબીબો દ્વારા પાલન કરવાની શરૂઆત પણ કરવામાં આવી હતી.
એટલમાં જ એક યુવાન દિકરી આરએમઓની ઓફિસમી દાખલ થઇ. રડતાં અવાજમાં દિકરીએ આરએમઓને પુછયું સાહેબ મારા બાપુ બિમાર હતાં એટલે સારવાર કરાવવા અહીં આવ્યા હતા. દિકરીને રડતી જોઇને આરએમઓએ તેને ખુરશી પર બેસાડી પાણી આપ્યું. પછી પુછયું કે, બેટા તારા બાપુનું નામ શું હતું અને તે ક્યાંના રહેવાશી છે ? દિકરીએ પાણીનો ઘુટડો ગળાથી નીચે ઉતારીને જવાબ આપ્યો કે, સાહેબ મારા બાપુનું નામ મહિજીભાઇ છે અને અમે સાવલી તાલુકાના ચંદ્રનગર ગામના રહેવાશી છીએ. એટલે થોડી જ વાર પહેલા આરએમઓએ જાતે આપેલા આદેશો યાદ આવ્યા. તેમને પોતાના ટેબલ પર પડેલી ઘંટડી વગાડી એટલે બહારથી એક બેન ઓફિસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા. જે બેનને આરએમઓએ કહ્યું કે, ડોક્ટરને કહો કે, મહિજીભાઇની દિકરી આવી છે અને તેમને કાગળો લઇને બોલાવો. થોડી જ વારમાં એક ડોક્ટર કેટલાક કાગળો લઇ આવ્યા. આરએમઓએ ડોક્ટરને કહ્યું કે, આ મહિજીભાઇની દિકરી છે.
આરએમઓએ દિકરીના માથે હાથ મુક્યો અને કહ્યું કે, બેટા તારા બાપુની સારવાર કરવાનો અમે ઘણો પ્રયાસ કર્યો પણ અમે તેમને બચાવી શક્યા નથી. આજે બપોરે જ તેમનુ અવસાન થયું છે. દિકરીએ આરએમઓને સામે વળતો જવાબ આપ્યો કે, સાહેબ મને ખબર છે કે મારા બાપુ હવે નથી રહ્યા. હું અહીં તેમના નશ્વર દેહને લેવા જ આવી છું. રડતા રડતા પણ મક્કમ મને દિકરીનો આ જવાબ સાંભળી આરએમઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે, તુરંતજ સ્વસ્થ થઇ તેમણે ડોક્ટરને મહિજીભાઇનો નશ્વર દેહ તેમની દિકરીને સોંપવાના આદેશ કર્યા. થોડી જ વાતમાં બધી વિધી પતાવી દિકરીને તેના બાપુનો નશ્વર દેહ સોંપી દેવામાં આવ્યો. એટલે દિકરીએ ડોક્ટરને વિનંતિ કરી કે, સાહેબ અમારૂ ગામ અહિંથી ૨૫ કિલોમીટર દૂર છે. જ્યાં બાપુને લઇ જવા માટે હું કોઇ વ્યવસ્થા કરીને આવું છું ત્યાં સુધી તમે મારા બાપુને સાચવજો. ડોક્ટરે પણ માનવતા દર્શાવી અને દિકરી વાહનની વ્યવસ્થા કરવા હોસ્પિટલની બહાર આવી. અનેક લોકોને પુછયું તો કોઇ પણ એમ્બ્યુલન્સ વાળાએ તેની મદદ ન કરી. તેનું કારણ એ હતંુ કે દિકરી પાસે રૂપિયા જ ન હતા. જેથી દિકરી હોસ્પિટલની બહાર આવી અને લોકોની મદદ માંગવા લાગી હતી. કલાક વિત્યો, બે કલાક વિત્યા પણ કોઇ જ વ્યવસ્થા ન થઇ.
દરિમયાન સ્વયમ તેની કાર લઇ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેને રસ્તા પર લોકો પાસે મદદ માગતી યુવતીને જોઇ. એટલે તેને કાર બાજુમાં ઊભી રાખી અને તે યુવતી પાસે ગયો. બેટા શું થયું ? તારે શું મદદ જોઇએ છે મને કહે હું તને મદદ કરીશ.... યુવતીએ કહ્યંુ કાકા મારા બાપુનું અવસાન થયું છે. તેમના નશ્વર દેહને મારે ગામ લઇ જવો છે. મારી પાસે રૂપિયા નથી એટલે કોઇ આવવા તૈયાર નથી. તમે મારી મદદ કરશો ? સ્વયમને પણ શું થયું ખબર નહીં તેને કશું જ વિચાર્યા વિના કહ્યું ચાલ બેટા હું તારી સાથે આવું છું આપણે તારા બાપુને તારા ગામ લઇ જઇએ. દિકરી સ્વયમની કારમાં બેઠી અને બન્ને જણાં કોલ્ડરૂપ તરફ ગયાં. જ્યાં પહોંચતા દિકરી કોલ્ડરૂમમાં ગઇ અને પિતાના નશ્વર દેહને સ્ટ્રેચરમાં મુકીને બહાર લઇને આવી. દેહને કારની પાછલી સિટ પર મુક્યો અને પોતે પણ પાછળ જ બેસી ગઇ. પિતાના માથાને ખોળામાં મુકી દિકરીએ કહ્યું કાકા ચાલો.
સ્વયમે પુછયંુ બેટા તારૂ કામ કયું છે. એટલે દિકરીએ જવાબ આપ્યો સાવલી તાલુકાનું ચંદ્રનગર. મંજુસરથી માત્ર ૬ કિલોમીટર જ છે. સ્વયમ વડોદરમાં જ જન્મો હતો એટલે એને મંજુસર સુધીનો રસ્તો તો ખબ જ હતો. સાંજનો સમય હતો. શિયાળાની ઠંડી કહે મારૂ કામ. પરંતુ કારમાં મૃતદેહ હોવાથી સ્વયમે કારના કાચ ખુલ્લા રાખ્યા હતા. સ્વયમે કાર મંજુસર તરફ હંકારી કાઢી. થોડી થોડી વારે તે પાછળ જોઇ રહ્યો હતો. દિકરીના ખોળામાં તેના બાપુનું માથું હતું, દિકરી તેમના માથામાં આંગળીના ટેરવા ધીમે ધીમે ફેરવી રહી હતી. શિયાળો હોવાથી અંધારૂ પણ વહેલું થઇ જાય. અંદાજે ૪૫ મિનીટ જેટલો સમય સ્વયમે કાર ચલાવી અને મંજુસર જીઆઇડીસી આવી. એટલે સ્વયમ કશું પણ પુછે તે પહેલા દિકરીએ તેને રસ્તો બતાવવાની શરૂઆત કરી. કાકા આગળથી રસ્તો થોડો કાચો છે અને રસ્તા પર લાઇટ પણ નથી તો થોડું ધ્યાન રાખજો. સ્વયમે દિકરીએ બતાવેલા રસ્તા પર કાર હંકારી અને અંદાજે ૪૫ મિનીટ કાર ચલાવી ત્યાં તો દિકરી બોલી કાકા બસ ઘર આવી ગયું. સામે જે તાળુ દીધેલી ડેલી દેખાય છેને તે જ અમારૂ ઘર છે. તમે અહીં રોકાવ હું પાડોશમાંથી ચાવી લઇને આવું છું. સ્વયમને એમકે, થોડી વારમાં યુવતી આવશે. શિયાળાએ માઝા મુકી હોય અને ગામની વસ્તી પણ માત્ર ૨૦૦ જ હોય આસપાસ કોઇ દેખાતું ન હતું.
સમય રાહ જોઇ રહ્યો હતો પણ દિકરી પાછી ન આવી. એટલે કારમાંથી ઉતરી તેને પણ સિગરેટ સળગાવી અને યુવતીની રાહ જોવા લાગ્યો. સિગરેટ પતિ ગઇ પણ દિકરી ન આવી. જેથી સ્વયમ જાતે જ યુવતીને શોધવા આમ તેમ ફાંફા મારવા લાગ્યો પણ યુવતી દેખાઇ નહીં. એટલે એણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો. થોડી વાર તો કોઇ બહાર ન આવ્યું. તે બીજા ઘરનો દરવાજો ખખડાવવા જતો જ હતો ત્યાં પેલા ઘરનો દરવાજો ખુલ્યો. એક ભાઇએ બહાર આવીને પુછયું કે, એક યુવતી તેના પિતાના મૃતદેહ સાથે અહી આવી હતી. ઘરની ચાવી લેવા ગઇ પણ પરત નથી આવી. તેના પિતાનો મૃતદેહ મારી કારમાં જ છે. એટલે એ ભાઇ મૃતદેહ કોનો છે તે જોવા કાર તરફ આવ્યા. તેમને મૃતદેહ જોઇને જ મહિજીભાઇને ઓળખી ગયા. તેમને ગામના અન્ય કેટલાક લોકોને બોલાવ્યા અને મહિજીભાઇના ઘરનું તાળું તોડી તેમના મૃતદેહને ઘરમાં લઇ ગયા. સ્વયમ બધુ જોઇ રહ્યો હતો પણ તેના મનમાં એક જ સવાલ હતો કે યુવતી ગઇ તો ગઇ ક્યાં ?
એટલામાં જ સ્વયમની નજર મહિજીભાઇના ઘરમાં પડી ત્યાં એક યુવતીનો ફોટો લટકતો હતો જેના પર સુખડનો હાર ચઢાવેલો હતો. સ્વયમ તે યુવતીને ઓળખી ગયો. એ એજ યુવતી હતી જે તેના પિતાના મૃતદેહને લઇને સ્વયમ સાથે ગામ સુધી આવી હતી. એટલે તેને એક વ્યક્તિને પુછયું આ કોનો ફોટો છે ? પેલા ભાઇએ કહ્યું આ મહિજીભાઇની દિકરી દ્રષ્ટી છે. ગયા વર્ષે જ સાપ કરડવાથી ૧૯ વર્ષની કુમળી વયે તેનું મૃત્યંુ હતું. દ્રષ્ટી નાની હતી ત્યારે જ તેની માતાનું પણ મૃત્યું થયંુ હતું. પરંતુ દિકરીના જીવનમાં મુશ્કેલી ન આવે તે માટે મહિજીભાઇએ બીજા લગ્ન કર્યા ન હતા. સ્વયમ વાત સાંભળીને જ સ્તબ્ધ થઇ ગયો. થોડીવાર પછી તે પરત ઘરે જવા નિકળ્યો. ત્યાં જ રસ્તામાં તેને પેલી જ યુવતી ઊભેલી દેખાઇ એટલે સ્વયમે કાર ઊભી રાખી અને યુવતી પાસે ગયો. તે કંઇ પુછે તે પહેલા જ યુવતીએ બોલવાની શરૂઆત કરી કાકા મારા બાપુનો મૃતદેહ અજાણ્યા ગામમાં અંતિમ વિધી થયા વિના પડયો ન રહે અને તેઓ બિનવારસી મૃતદેહમાં ન ખપે એ માટે જ હંુ તેમના મૃતદેહને ગામ પહોંચાડવા આવી હતી. જેમાં તમે મારી મદદ કરી, જે માટે હું તમારી આભારી છું.
આટલા શબ્દો પુરા થતાની સાથે જ દ્રષ્ટી ગાયબ થઇ ગઇ. સ્વયમ થોડી વાર ત્યાં જ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. થોડી વાર પછી તેના મોબાઇલી રિંગ વાગી એટલે તેને ભાન થયું. સ્વયમે ફોન ઉપાડયો અને સામે છેડેથી તેની દિકરીએ પુછયું પપ્પા કેટલી વાર ઘરે આવોને મને તમારી યાદ આવે છે. દિકરીના આ શબ્દો સાંભળતા જ સ્વયમની આંખોમાં આશું આવી ગયા. સ્વયમ કારમાં બેઠો અને કાર સીધી જ ઘર તરફ દોડાવી મુકી.

નોંધ : આ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની સત્ય ઘટના પર આધારીત વાત છે. પાત્રો અને ગામના નામ ખબર ન હોવાથી તેને મૌલિકતા આપવા મને ગમતાં નામ આપ્યા છે.