Strange story sweetheart ..... 14 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની.....14

જોત - જોતામાં ખૂબ જ ધામધૂમથી ઘણાં બધાં મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલનાં લગ્ન સપન્ન થયાં. ચાર - પાંચ દિવસનાં કાર્યક્રમમાં સંગીત, મહેંદી, હલ્દી, ફેરા, રીસેપ્શન જેવાં વિવિધ ફંક્શન્સ રાખવામાં આવ્યાં હતાં. લગ્ન પછી સુશીલ અને પ્રિયા યુરોપ હનીમૂન માટે પણ જઈ આવ્યાં. હનીમૂનથી આવ્યાં પછી હવે એ લોકોનું અસલ લગ્નજીવન શરૂ થયું.

સાસરે પહેલો દિવસ હોવાથી પ્રિયા સવારે વહેલી ઉઠી ગઈ. નાહી - ધોઈ લીધું. પછી ભગવાનનાં મંદિરની રૂમ હતી ત્યાં દર્શન કરવા ગઈ ને પછી કિચનમાં ગઈ. પોતાનાં માટે ચા કરી. ચા પીધી. પ્રિયાને છાપું વાંચવાની આદત એટલે ચા પીધાં પછી થોડીવાર છાપું વાંચવા બેઠી. ઘરમાં હજી સુધી બીજું કોઈ ઉઠ્યું ન હતું. પ્રિયા હવે એકલી - એકલી બેસીને કંટાળવા લાગી હતી. લગભગ સાડા આઠ વાગ્યા આસપાસ એનાં સાસુ એટલે કે સુશીલનાં મમ્મી ઉઠ્યાં. એ ઉઠ્યાં એટલે પ્રિયા એમને પગે લાગી.

"બસ, બસ આવી રીતે પગે લાગવાનું નહિ...." હસતાં - હસતાં એ બોલ્યાં.

"મમ્મીજી તમારાં માટે ચા બનાવું..."

"હા...પ્લીઝ..."

પ્રિયા અંદર કિચનમાં ચા બનાવવા ગઈ. ત્યાં તો રંજનબેન આવી ગયાં.

"લાવો...વહુરાણી....હું બનાવું છું. તમે બહાર જઈ બેસો. તમે ચા પી લીધી લાગે છે..."

"હા..., હું તો ક્યારનીય વહેલી ઉઠી ગઈ છું." એમ કહી પ્રિયા કિચનમાંથી બહાર આવી ગઈ.

"છાપું તેં વાંચવા માટે લીધું હતું....?"

"હા..."


"એટલે....જ આ તારાં સસરા કટકટ કરી રહ્યાં હતાં."

"કટકટ?"

"હા...., એમને જ ઘરમાં સૌથી પહેલાં છાપું વાંચવા માટે જોઈએ. કોઈનાં વાચી લીધાં પછી એ વાંચેલું છાપું વાંચવામાં એમને મજા આવે નહિ."

આ સાંભળીને પ્રિયાને ઘણી નવાઈ લાગી. બે મિનિટ માટે તો એ વિચારમાં પડી ગઈ. કોઈની આવી વિચિત્ર આદત હશે એવું તો એણે કદી સાંભળેલું જ નહોતું.

"એટલે કાલથી તારાં સસરા પહેલાં છાપું વાંચી લે ને ત્યાર પછી તારે વાંચવું હોય તો નિરાંતે વાંચજે."

"સારું મમ્મી જી..."

"આ સુશીલ હજી સુધી ઉઠ્યો નથી?"

"ના.., મમ્મી જી..."

"જા..ઉઠાડ..એને....ઓફિસ જવાનું મોડું થશે એને."

"હા..., મમ્મી જી..."

પ્રિયા અંદર બેડરૂમમાં સુશીલને ઉઠાડવા માટે ગઈ. સુશીલ ઘસઘસાટ સૂતો હતો. પ્રિયા એની પાસે ગઈ ને એને ઉઠાડવા માટે ઢંઢોળવા લાગી.

"સુશીલ..., સુશીલ...., ઉઠો..., ઉઠો....,કેટલા વાગી ગયાં છે!"

"હા..., તું જા. હું ઉઠું છું." સુશીલ ઉંઘમાં જ બોલ્યો.

પ્રિયા પાછી હૉલમાં આવીને બેઠી. સાસુ - સસરા બેય સવારની ચા પી રહ્યાં હતાં.

"ચાલ ..બેસી જા, ચા પીવા.."

"ના...., મેં સવારે ઉઠીને જ પી લીધી છે."

"સુશીલ હજી સુધી ઉઠ્યો નથી ...?" પ્રિયાને સસરાજીએ પૂછ્યું.

"ના..."

"ઉઠાડો..., ઉઠાડો....કેટલાં વાગ્યા? ક્યારે ઉઠશે ને ક્યારે ઓફિસ પહોંચશે?"

"હા...., જાઉં છું. એમને ઉઠાડવા માટે....."

પ્રિયા સુશીલને ઉઠાડવા માટે ફરી બેડરૂમમાં ગઈ.

"સુશીલ...., સુશીલ.....,ઉઠો...ને......હવે....."

"હા....ઉઠું....છું....."
પ્રિયા એને ઉઠાડવા માટે ફરી ઢંઢોળવા લાગી. કાલુ - કાલુ બોલવા લાગી. થોડી મસ્તી કરી. પણ....

"આવું બધું નહિ...કર...., મને ગમતું...નથી...., તું જા અહીંયાથી...., હું ઉઠી....જઈશ...." સુશીલ એની પર ચિડાઈને જોરથી બોલ્યો.

આ સાંભળીને પ્રિયા તો સ્તબ્ધ જ થઈ ગઈ. એ એકદમ હિબકે ચડી ગઈ. એનાં આંખમાંથી આંસુ સરકવા માંડ્યાં. એને એમ હતું કે સુશીલ પણ થોડીવાર એની સાથે મસ્તી કરશે. થોડીક હસી - મજાક કરશે. પણ એણે કરેલાં વિચારથી તદ્ન્ન જ વિપરીત પરિસ્થિતિ સર્જાય ગઈ. એણે તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે સુશીલ એની સાથે આવી રીતે વર્તન કરશે. એ બાથરૂમમાં ભરાઈને જોર - જોરથી રડવા લાગી.

થોડીકવાર રહીને સુશીલ ઉઠ્યો. ઉઠીને એણે પ્રિયાને એણે ચા - નાશ્તો આપવા કીધું. સુશીલ એવી રીતે વર્તન કરવાં લાગ્યો કે જાણે એણે પ્રિયા સાથે કોઈ ગેરવર્તણૂક કરી જ ન હોય. સુશીલનું આવું વર્તન પ્રિયાની સમજમાં આવ્યું જ નહિ.

"હમણાં થોડીવાર પહેલાં તો તમે...."

"શું સવાર - સવારમાં મગજમારી લઈને બેસી ગઈ છે...મમ્મી...., મમ્મી....ક્યાં છે ...તું....મને ચા - નાશ્તો આપી દે તો તું...."

"હું મંદિરમાં છું......, પ્રિયા વહુ નથી....?"

પ્રિયા ચૂપચાપ ઉઠીને સુશીલ માટે ચા - નાશ્તો લઈ આવી. એટલામાં સાસુજી બડબડ કરતાં મંદિરનાં રૂમમાંથી બહાર આવ્યાં.

"મારાં દીકરાને તેં હજી સુધી ચા - નાશ્તો નથી...આપ્યો..!? પ્રિયા...વહુ...."

આ સાંભળીને તો પ્રિયાને સ્તબ્ધતાનો મોટો આંચકો લાગ્યો.

(ક્રમશ:)