KOIJ AAVYU NATHI books and stories free download online pdf in Gujarati

કોઈ જ આવ્યું નથી.....

મોક્ષ ઝડપથી ઘરે આવતો હતો.

કોઈ જ કારણ વિના આજે રોજ કરતાં વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો. કોણ જાણે કેમ પણ કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કશુંક આનંદપ્રદ ના બનવાનું હોય...!! ક્યારેક અશુભના ઍધાણ મળી જતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જ જાય છે ને.!

ઘરે આવી પહોંચ્યો.

રોજના ક્રમ પ્રમાણે દરવાજે લગાડેલું લેટરબૉક્સ ખોલ્યું. ત્રણચાર ટપાલ હતી. એક કવરતો એકદમ પરિચિત અક્ષરોવાળું હતું જે જોઇને મોક્ષ ચોંકી ગયો...ધ્રાસકો પડ્યો...અરે..આ પાછું શું તોફાન આવ્યું ? બહુ વર્ષો પછી જોવા મળ્યાં આ અક્ષરો.....અગાઉ તો જ્યારે પણ આ અક્ષરવાળું એન્વલપ આવતું ત્યારે એમાં કશીક ઉપાધિ આવી જ હોય કે પછી માનસિક તાણ થાય એવું કશુંક લખ્યું હોય અને નહિ તો પછી અસંસ્કારી ભાષામાં કરાયેલા પારાવાર આક્ષેપો હોય.

બીજી ત્રણ-ચાર સામાન્ય ટપાલ હતી જો કે એનું ખાસ મહત્વ ન હતું ગાર્બેજ હતી. ખિસ્સામાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું. અંદર આવી બ્રીફકેસ ક્લોઝેટમાં મૂકી દીવાન પર બેસી ગયો. આ બધી ક્રિયાઓ યંત્રવત પતાવી કવર ખોલ્યું. વિગતવાર પત્ર વાંચતા પહેલા પત્રના અંતે લખેલાં નામ પર નજર નાંખી. આનંદ પણ થયો અને ચિંતા પણ થઇ. શું હશે પત્રમાં ??? મોક્ષે સડસડાટ પત્ર વાંચવા માંડ્યો.

જો કે એક-બે વાક્ય વાંચ્યા પછી એટલી તો ખાતરી થઈજ ગઈ કે કશું તોફાન નથી આવ્યું, સહેજ નિરાંત થઈ. આરામથી પત્ર વાંચવા માંડ્યો. લગભગ વીસ વર્ષ પછી સંસ્કૃતિનો પત્ર આવ્યો. એકવાર આખો પત્ર ખૂબ ઝડપથી વાંચી ગયો પણ પછી નિરાંત થતાં ફરીથી શાંતિથી પત્ર વાંચવા માંડ્યો

“મોક્ષ,

કુશળ હશો, હું પણ છું.

કુશળતા ઇચ્છવાનો મારો અધિકાર હજુ મેં જતો નથી કર્યો હોં કે!! તમને કદાચ આશ્ચર્ય થશે પણ સાચું કહું, તમને એક સુખદ આંચકો આપવાનો વર્ષો પછી અભરખો થઈ આવ્યો. ખબર નથી પણ કેમ પણ ઘણાં સમય સુધી મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો પણ ના થઈ શક્યું એમ... અસફળ રહી....અને એમાંય પાછું નિમિત્ત મળી ગયું. સંહિતા પ્રેમ કરવાની ઉંમરે પહોંચી ગઈ છે અને પ્રેમ કરી બેઠી છે. સાચું કહું મોક્ષ, આમ પણ એ પૂરેપુરી બાપ પર ગઈ છે ...બધી જ રીતે.. રૂપે-રંગે સ્વભાવે અને બુદ્ધિમાં પણ....અફસોસ મને અને એને માત્ર એટલો જ છે કે બાપનો સહવાસ એને ના મળ્યો. જોકે તમને દોષ દેવાનો મારો કોઈ જ ઇરાદો નથી પણ નિયતિએ કરેલી એ ક્રૂર મજાકનો અફસોસ તો થાય જ ને? સાચું કહું ...મને થાય છે... ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને અંતે આપણું એકબીજાંથી જોજનો દૂર ચાલ્યા જવું..... આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો ? કેટલાં બધા દૂર નીકળી ગયા છીએ ને આપણે મોક્ષ ???? પાછાં વળવાનું દુષ્કર છે મોક્ષ..???

સંહિતાએ એની જ સાથે કામ કરતા એના મિત્ર માનવને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે અને મારી સંમતિ માંગી છે., મૂંઝાઈ છું.... એને પાછી વાળવી નથી પણ એની બાબતનો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમને પૂછવાનું, તમારી સલાહ લેવાનું મન થયું..., મને એમ જ કરવાનું મુનાસિબ લાગ્યું. મેં ખોટું કર્યું ?? અને હા, આમ પણ એની બાબતમાં હું એકલી કઈ રીતે નિર્ણય લઈ શકું મોક્ષ ?? સંહિતા તો આપણી સંયુક્ત જવાબદારી નહિ.. ?? ભલે કોર્ટે એની કસ્ટડી મને સોંપી અને વયસ્ક થયાં પછી સંહિતાએ મારી સાથે રહેવાનું પસંદ કર્યું.... જો કે એ તમને જરા પણ ભૂલી નથી મોક્ષ.,

કેમ છો તમે ? એકલાં જ છો કે પછી ????

તમારા આકર્ષણમાં તો કાંઈ કેટલાંય લોકો ભરમાઈ જાય.... મારી જેમ જ તો.. નહીં..? ખેર, તમને થશે કે આટલાં વર્ષોના જુદાગરા પછી પણ હજુ હું એજ કડવાશ લઈને જીવું છું ..?? બહુ સંયમ રાખવા છતાં પણ.... મારી કલમમાંથી આજે પણ એમ જ વ્યક્ત થઈ ગઈ. મને ગુમાન હતું કે તમારા જીવનમાં મારા પ્રવેશ પછી ફક્ત હું જ હોઈશ..હા,ફક્ત હું જ.

પણ....મારો એ અહમ્ ઠગારો નીવડ્યો હતો ને ?

મારી એ પઝેસીવનેસ અને સંશય... મને સત્ય અસત્યનો ભેદ પારખવા જ નહોતા દેતા....હું એકરાર કરું છું મોક્ષ કે હું ત્યારે પણ દુવિધામાં હતી અને આજે પણ છું. જુવાનીના ગુમાનમાં બધું વેરવિખેર કરી નાખ્યું અને તમેય ક્યાં પરવા કરી પાછું વળીને જોવાની... મોક્ષ !!! એક વાત કહું ..? સાચી માનશો.?? મેં ભગ્ન હૃદય બીજે ક્યાંય જોડ્યું નથી. મારા શરીર પરનો તમારો એકાધિકાર આજે પણ, હા... આજે પણ યથાવત્ રહેવા દીધો છે.

ક્યારેક વિચારું છું કે તમેય કાંઈ ઓછા જિદ્દી તો નથી જ ને? સાત વર્ષની દીકરી મને સોંપી દીધી અને ચાલી નીકળ્યા..? બસ...! પછી એનાં તરફ પાછાં વળીને જોવાનું પણ મન ના થયું...? સંહિતા આજે પણ તમને બહુ જ મિસ કરે છે....અને એટલે એનો આગ્રહ છે કે એના થનારા પતિને તમે એકવાર જૂઓ.

ઘણા બધા વખતથી તમારા કોઈ વાવડ નથી કે તમારા માનસિક વલણની કે તમારા જીવનની ગતિવિધિઓની પણ ખબર નથી એટલે ખૂબ સંકોચ સાથે પહેલાં તમારી સંમતિ મેળવવા આ પત્ર તમને લખ્યો. જો કે એમાંય સહેજ અંચઈ તો કરી જ છે હોં મોક્ષ..! સંહિતાની ઇચ્છા હતી કે વર્ષો પછી એનો બર્થ ડે તમે બાપ-દીકરી સાથે સેલીબ્રેટ કરો....એક પંથ અને દો કાજ અને એટલે જ તો તમને પૂછ્યા સીવાય જ સંહિતાની અને માનવની છઠ્ઠી સપ્ટેમ્બરની, એના બર્થ ડેના દિવસની ફલાઈટ અને હોટેલ બુક કરાવ્યાં છે. જો કે હજુ એકાદ મહિનાનો સમય છે પ્લાનમાં ફેરફારને સંપૂર્ણ અવકાશ છે.. કોઈ અડચણ હોય તો પણ બેઝીઝક કહેજો..કારણ હવે કાયદેસર રીતે તો અમારો કોઈ જ હક્ક નથી ને...!!.

પણ, એક દીકરી બહુ વર્ષો પછી એનાથી વિખૂટાં પડી ગયેલા બાપ ને મળવા આવી રહી છે... એટલે હું તાગ મેળવવાનો પ્રયત્ન કરું છું તમારા આનંદનો. મારી સગર્ભાવસ્થામાં આપણે કરેલા અનુમાનમાં તમે જ તો સાચા પુરવાર થયા હતા ને મોક્ષ ? તમારે દીકરી જોઇતી હતી તો કુદરતે તમને આપી..પણ આપીને પછી તમારાથી દૂર કરી દીધી. મોક્ષ, સલામ કરવાનું મન થાય છે તમારી જીદને દોસ્ત.તમારા જીગરના એ ટુકડા સામે પાછું વળીને જોયું પણ નહીં? ભૂલી જ ગયા એક દુઃસ્વપ્નની જેમ ???

જવાદો એ વાત, મૂળ વાત પર આવું. એક વિનંતી કરૂં ?? લગ્નમાં આવજો. ભલે કદાચ કાયદેસર રીતે એ શક્ય ન હોય પણ કન્યાદાન આપણે સાથે કરીએ ?

કશુંક અણગમતું લખાઈ ગયું હોય તો માફ કરજો એમ નથી કહેતી પણ હું તો એવીજ છું એમ માનીને સ્વીકારી લેશો ? સંહિતાના અહીંથી નીકળતા પહેલાં ફોન કરીશ.”

મોક્ષ, મનના ભાવો નથી રોકી શકાતા વ્યક્ત થઈ જ જાય છે.

આ પત્ર મારા પ્રાયશ્ચિત સ્વરૂપે કે મારા ગુનાઈત મનોભાવ વ્યક્ત કરવા માટે નથી લખ્યો મોક્ષ....પણ...પણ જવાદો એ વાત.....કેટલું બધું પાછળ છૂટી ગયું છે નહીં ..???

- સંસ્કૃતિ

મોક્ષ ત્રણ-ચાર વાર પત્ર વાંચી ગયો. કંઈક વિચિત્ર મનોભાવ થઈ ગયા. વિચારતો હતો. “આ એ જ સ્ત્રી છે જેણે એક વખત ભરપેટ નફરત કરી હતી. બેસૂમાર આક્ષેપો કર્યા હતા, વકીલો મારફત નોટિસ અપાવી હતી અને કોર્ટમાં ઢસડી ગઈ હતી. મારા ચારિત્ર્ય પર જેટલા ઉડાડી શકાય તેટલા છાંટા ઉડાડ્યાં હતાં.’’

વિચારવા લાગ્યો. “કુદરત પણ ગજબ ખેલ કરે છે, માણસને જબરો રમાડે છે... ક્યારેક ઊંચકે છે તો ક્યારેક પછાડે છે ક્યારેક ગગનવિહાર કરાવે છે તો ક્યારેક ભોંય ભેગો કરી દે છે.” વાહ રે કુદરત...!!!

કૉર્નર ટીપોઈ પર કાગળ મૂકીને એ ફ્રૅશ થવા ગયો. અરીસામાં ચહેરાને જોતાંજોતાં ખોવાઈ ગયો સંહિતાના વિચારોમાં.

“કેવડી મોટી થઈ ગઈ હશે મારી દીકરી ??? કેવી દેખાતી હશે ? હવે તો ચહેરે મહોરે પણ બદલાઈ ગઈ હશે. ઓળખી શકીશ હું..? નાનુંનાનું પીંક ફ્રોક પહેરતી હતી અને કાલુંકાલું બોલતી હતી. પીંક કલર એને બહુ ગમતો એટલે એના માટે તો બધી જ વસ્તુ પીંક લાવવી પડતી. આખા રૂમને પણ પીંક કલર કરાવેલો.”

બાથરૂમમાંથી બહાર આવીને મોક્ષે પાણી પીધું. ચાહ બનાવવા લાગ્યો. ટિફિન તો સાડા આઠ વાગે આવશે. ફરી એકવાર કાગળ વાંચી ગયો. કોઈક વિચારના ઝબકારે એકદમ ઊભો થયો અને વોર્ડરોબમાં મૂકેલા સંસ્કૃતિના બધાં જ જૂનાં કાગળો લઈ આવ્યો. પ્રેમ કર્યો હતો ત્યારના, સાથે જીવ્યા હતા ત્યારના, નફરત કરી હતી ત્યારના અને છૂટા પડ્યા હતા ત્યારના બધાં જ કાગળો પર નજર નાંખી ગયો. શોધી કાઢ્યો એ બધામાંથી સંસ્કૃતિએ સૌથી પહેલો જે કાગળ લખેલો એ.

“મોક્ષ,

જબરજસ્ત ચુંબકીય વ્યક્તિત્વ છે તારું. લાખ પ્રયત્ન કર્યા છતાં ના રોકી શકી મારી જાતને... ખેંચાઈ આવી છું તારા તરફ... આઈ લવ યુ મોક્ષ, મેં કદાચ કલ્પના પણ નહતી કરી કે આપણે મળીશું. તારી ફરતે છોકરીઓનાં ઝુંડ અને એમાંય તારો રોમેન્ટીક સ્વભાવ...

સાચું કહું...! બહુ નફરત હતી મને એ બધાં માટે અને તારા માટે પણ... પણ કેવી રીતે તારા તરફ હું ખેંચાઈ આવી એની મને ખબરેય ન પડી.

-સંસ્કૃતિ.”

મોક્ષ ફરી એકવાર કાગળ વાંચી ગયો. મનમાં અને આંખોમાં ફરી એકવાર રોમાન્સ પ્રગટ્યો. બીજા કાગળો ઉથલાવ્યાં. લગ્ન પછી દોઢેક વર્ષે સંસ્કૃતિએ કન્સીવ કર્યું અને છેલ્લા દિવસોમાં એનાં મમ્મીને ત્યાં ગઈ પછી એણે લખેલો પત્ર વાંચવા માંડ્યો.

મોક્ષ,

કેટલી બધી નસીબદાર છું હું કે તારા જેવો પતિ મળ્યો, અને હવે તારા જેવો જ બદમાશ છોકરો મળશે !!! હા, હું છોકરો લઈને જ આવવાની છું જોજે... મને છોકરી નહીં જ જોઈએ કારણ ખબર છે? છોકરી બિચારી તારા જેવા લંપટના હાથે ચડી જાય તો? હું તો ફસાઈ ગઈને? એય મોક્ષ, ખરાબ લાગ્યું, નહીં ને? હસતો, પ્લીઝ હસને મોક્ષ !!

- સંસ્કૃતી

(ખડખડાટ હાસ્ય) હસતા હસતા આંખો ભરાઈ આવી. ક્યાંય સુધી એ કાગળ છાતી પર મૂકીને બેસી રહ્યો, ખોવાઈ ગયો ભૂતકાળમાં. ડૉક્ટરે ૭મી સપ્ટેમ્બર ડેટ આપી હતી પણ મોક્ષ તો ત્રણ-ચાર દિવસ પહેલાંથી જ સંસ્કૃતિ પાસે પહોંચી ગયો હતો. બહુ કેર લેતો હતો. છોકરો આવશે કે છોકરી એ પ્રેમાળ ઝઘડો તો ચાલુ જ હતો. અંતે એ દિવસ આવી ગયો. છઠ્ઠી સપ્ટેમ્બરે દીકરી આવી... જીતી ગયો મોક્ષ. ખુશ થયાં બન્ને.

********* ****** *********

ટીફીન આવ્યું. જમી તો લીધું પણ આજે માત્ર જમવા ખાતર જ. પાછો ખોવાઈ ગયો અતીતમાં.

સંહિતા કાયમ પપ્પાના ખોળામાં બેસીને જમવાની જીદ કરતી. બહુ લાડકી હતી પપ્પાની. રોજ એને પીંક આઇસ્કીમ જોઈએ પછી જ જમવાનું. જમીને માંડ ઊભો થયો. ભૂતકાળ એનો પીછો છોડતો ન હતો. વીસ વર્ષ પહેલાંની બધી જ ઘટનાઓ હજુ ગઈકાલની જ હોય એમ આંખ સામે તાદશ્ય થતી હતી. સિગરેટ સળગાવી ઝૂલે હીંચકવા લાગ્યો.. ક્યાંય સુધી શૂન્યમનસ્ક બેસી જ રહ્યો. અચાનક એક ઝબકારો થયો. સંસ્કૃતિનો છેલ્લો પત્ર લઈ આવ્યો.

“મોક્ષ,

તારા સ્વભાવમાં તું કોઈ જ પરિવર્તન લાવી શકે એમ નથી. હું તારા આ સ્વભાવથી કંટાળી ગઈ છું. રોજ કોઈ સ્ત્રી મિત્ર તારી સાથે હોય. રોજ લોકોના ફોન આવે અને તું હા હા હી હી કરે...લાંબી લાંબી વાતો કર્યા કરે...આ બધું મારાથી સહન નહીં થાય. મારો અહમ્ અને વિશ્વાસ તૂટી ગયાં છે. મને ગુમાન હતું કે તારા જીવનમાં મારા પ્રવેશ પછી તું સુધરીશ. પણ ના, એ શક્ય નથી લાગતું. મેં નિર્ણય કરી લીધો છે, છૂટા થવાનો. મારા ગયા પછી તને મનફાવે તેવા સંબંધો વિસ્તારવાની છૂટ છે, અને એ સ્વતંત્રતા હું પણ હવે મેળવી લઉં છું. આ ઘરને છેલ્લીવાર સજાવીને જાઉં છું જેવું મેં લગ્ન પછી આવીને સજાવ્યું હતું. હા, એ લોભ હું જતો નથી કરતી કારણ કે આ મારું ઘર હતું, મેં એની સાથે મારી કેટલી બધી સ્મૃતિઓ જોડેલી છે. આ કાગળ લખું છું ત્યારે મનોમંથન છે પણ જરાય દુવિધા નથી. આ ઘરનો એકેએક ખૂણો-દિવાલો આપણો બેડરૂમ, એ પલંગ જ્યાં આપણે...!!!! અને...એ કર્ટન્સ, જે આપણા રોમાન્સનાં મૂક સાક્ષી છે. પલંગની બાજુમાં પડેલું ફલાવર વાઝ જેમાં હું રાતરાણીના ફૂલ રોજ રાત્રે સજાવતી અને મારી અને એની ખુશ્બુમાં તને મદહોશ કરતી હતી. મોક્ષ, તારો સ્પર્શ જેણે શરૂઆતમાં મને અત્યંત રોમાંચિત કરી હતી અને...અને પાછળથી એણે અંગારાની આગ પણ આપી હતી. પલંગની સામે પડેલું ડ્રેસિંગ ટેબલ જેમાં મારું યૌવન જોવા માટે તું તડપતો હતો એ બધું જ....હા...એ બધુંજ એમનું એમ મૂકીને હું જાઉં છું.

મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ઘરમાં કોઈક બીજું આવશે કે રોજ કોઈક બદલાતું રહેશે અને એ કોઈક નવું મારી બધી જ સ્મૃતિઓ ભૂંસી નાખશે.. તને જરા પણ ખેદ નહીં હોય પણ મને છે..... પણ મારી પાસે હવે ઘર છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જાઉં છું. અને હા ! નીચે નામ નથી લખતી કારણ કે હવે તો આપણે અજનબી બની જઈશું ને ???

મોક્ષની આંખો ભરાઈ આવી. સ્વગત જ બોલવા લાગ્યો. “સંસ્કૃતિ ઓ સંસ્કૃતિ, તને શું ખબર...તારા ગયા પછી એ બેડરૂમ જ્યાં તેં સપનાં સજાવ્યા હતા એ તદ્દન બંધ થઈ ગયો છે. તારી યાદોની જેમ જ એ રૂમમાં પણ વર્ષોની ધૂળ જામી ગઈ છે.”

ફસડાઈ પડ્યો મોક્ષ. ક્યાંય સુધી બેસી જ રહ્યો. રાત વીતવા માંડી હતી. ક્યારે ઝોકું આવી ગયું એય ખબર ન રહી... રાત્રે જ્યારે જાગ્યો ત્યારે બે વાગ્યા હતા. ઊઠયો, પાણી પીધું. સિગરેટ સળગાવી. ફરી પાછો આજે આવેલો કાગળ વાંચવા માંડ્યો. પસ્તાવાની આગમાં શેકાતી સંસ્કૃતિ તરફ લાગણી થઈ આવી. વિચારવા લાગ્યો. સંસ્કૃતિના શબ્દો પર:

“નિયતિએ કરેલી એ ક્રૂર મજાકનો અફસોસ તો થાય જ ને? સાચું કહું ...મને થાય છે...

ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને અંતે આપણું એકબીજાંથી જોજનો દૂર ચાલ્યા જવું..... આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો ? કેટલાં બધા દૂર નીકળી ગયા છીએ ને આપણે મોક્ષ ???? પાછાં વળવાનું દુષ્કર છે મોક્ષ..???

“ના સંસ્કૃતિ ના જરા પણ દુષ્કર નથી.” સ્વગત બોલ્યો. “તને શું ખબર તારા એ પઝેસિવ અને શંકાશીલ સ્વભાવે કેટલું બધું નુકસાન કર્યું છે આપણું..કેટલા દુ:ખી કર્યા છે આપણને બન્નેને? તારા ગયા પછી કોઈ જ આવ્યું નથી કે ન તો કોઈ આવશે. સંસ્કૃતિ આ ઘરમાં જો કોઈ આવશે તો તે તું જ હોઈશ.”

બીજા દિવસે સવારે ઓફિસ જતાં પહેલા એક જ લીટીનો કાગળ લખ્યો.

“સંસ્કૃતિ,

સંહિતા અને માનવની સાથે તું પણ આવીશ તો મને ગમશે. આવીને જો તો ખરી તારા ઘરને.... હજુ તારી યાદમાં બધું જ તડપે છે.”

– મોક્ષ

************