Mangal - 28 books and stories free download online pdf in Gujarati

મંગલ - 28

મંગલ
Chapter 28 – શેઠની વિદાય
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860







-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં અઠ્યાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. ગયા પ્રકરણમાં આપણે જોયું કે મંગલ અને ધાનીનાં પ્રસન્ન દાંપત્યજીવનનાં પરિપાક રૂપે સુંદર દીકરીનો જન્મ થાય છે. લાંબા સમય પછી પરિવારમાં આનંદનો અવસર આવ્યો છે. શું હવે બધુ સારું થઈ જશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઠ્યાવીસમું પ્રકરણ
મંગલ Chapter 28 – શેઠની વિદાય







Chapter 28 – શેઠની વિદાય
ગતાંકથી ચાલુ
મંગલ પહેલા કરતાં વધુ પરિપક્વ થઈ ગયો હતો. કિંજલનાં જન્મ સાથે એક પિતાનો અને એક માતાનો જન્મ પણ થયો હતો. નાનકડી કિંજલ પોતાની સાથે ખુશીઓનો ભંડાર લાવી હતી. પરિવારમાં હરખનો માહોલ છવાઈ ગયો. ધાની તેની નાજુક, નમણી આંગળીઓ પર પોતાની આંગળી ફેરવતી. રાત્રે અચાનક તે ઉઠીને રડતી તો મંગલ સફાળો જાગી જતો. ‘પોતાની દીકરીને કશું થયું નથી ને ?’ એવી આશંકાઓથી માડીને અર્ધી ઊંઘમાંથી ઉઠાડી દેતો અને તેનાં ઘોડિયાને હીંચકાવવા લાગી જતો. ધાનીને તે તકલીફ આપવા દેવા માંગતો નહીં.
બહું હીંચકાવ્યા પછી પણ તે છાની ન રહે તો માડીને અર્ધી રાત્રે ઉઠાડતો અને કહેતો, “માડી, જો તો ખરા. કેટલુંય હીંચકાવું છું તો પણ આ સૂતી નથી. તેને કશું થયું તો નહીં હોય ને ?”
માડી ત્યાં જોઈને કહે, “નાનું બાળક છે. ભૂખ્યું હોય તો રડે. એમાં ચિંતા કરવાની જરૂર નથી.”
“માડી, હું પણ એ જ કહું છું પણ એ સમજે તો ને ! એમ હીંચકાવ્યે છાની ના રહે.” ધાનીએ કહ્યું.
“એકદમ તારા ઉપર ગઈ છે, મંગલ. તું પણ આવડો હતો ને ત્યારે રાત્રે સૂતો નહીં.” માડીએ કહ્યું.
“પછી...? પછી શું કરતાં ?” મંગલે કુતૂહલવશ પૂછ્યું.
“પછી ! પછી તને હાલરડાં ગાઈને સુવડાવતી.”
“અને હું સૂઈ જતો ?”
“હા. હાલરડાં સાંભળીને તો બધા છોકરા સૂઈ જાય.” માડી કહેતી.
“માડી, એક વાત કહું ? મને પણ એક હાલરડું શીખવી દે ને ? આ તો શું છે કે રાત્રે કિંજુ ઉઠી જાય તો હું એને ગાઈને સુવડાવી શકું.” મંગલની વાતો સાંભળીને માડી અને ધાની હસી પડતાં. તેને હસતાં જોઈને મંગલ ચીઢાઈ જતો.
“કેમ ? હું ના ગાઈ શકું હાલરડું ?” મંગલે પ્રશ્ન કર્યો.
“અરે ! જણ થોડા હાલરડાં ગાય ? ક્યાંય સાંભળ્યું છે ?” ધાનીએ કહ્યું.
“એને આવડતું નહીં હોય, પણ હું શીખી લઈશ. પછી કિંજુને ગાઈને સુવડાવીશ.” મંગલ પણ કિંજલની જેમ નાનકડું બાળક બનીને કહેવા લાગ્યો.
તેની જીદ જોઈને માડી હસીને કહેતા, “એ કામ તું રહેવા દે. હાલરડાં ધાની ગાઈ દેશે.”
“હું ગાઉં તો શું વાંધો ?”
“વાંધો તો બીજો કંઈ નથી પણ તારા હાલરડાં સાંભળીને કિંજુ સૂવે કે ના સૂવે, પાડોશી જરૂર ઉઠી જશે.” ધાની મજાકમાં બોલી.
“સાવ એવું નથી હો. એમ તો આપણને ગાતા સારું આવડે છે. અને તારો રાગ એવો બધો ક્યાં સારો છે કે તું હાલરડું ગાઈ લે ને એ સૂઈ જાય ? ક્યાંક વધારે જોર જોરથી રડવા ના માંડે ?” મંગલ ધાનીને ચીઢવતાં બોલ્યો.
“બસ… બસ. આ શું નાના છોકરાઓની જેમ અડધી રાત્રે મંડાયા છો ? આ કિંજુને સુવડાવવાની છે. તમારે અંદરોઅંદર લડવાનું નથી. ધાની સુવડાવી દેશે. તું રહેવા દે. તું દિવસે સાચવી લેજે.” માડીએ કહ્યું.
“સાચું કહું છું, મંગલ. સૂઈ જા. સવારે વહેલું ઉઠવાનું પણ છે. બીજા કામ પણ ઘણા છે. હું સુવડાવી દઈશ.” ધાનીએ કહ્યું.
“પાકું ?”
“અરે હા ! પાકું.” ધાનીએ કહ્યું.
કિંજલને લઈને મંગલે કેટલાંય અરમાનો સેવ્યા હતા. ‘કિંજલ મોટી થશે ત્યારે એનાં ખર્ચ કેવી રીતે કાઢશે ? પોતાને પણ જિંદગીમાં કંઈક નવું કરવું હતું. તેની ફર્નિચરની દુકાનમાં નોકરી કરીને તે પોતાની સાહસવૃત્તિને ડામવા દેવા માંગતો ન હતો. આટલાં પૈસામાં તે શું કરી શકશે ? નવી બોટ લેવા જેટલા પૈસા પણ નથી. અલંગ જઈને દુકાને હિસાબકિતાબ કરતાં કરતાં પણ તેને એ જ વિચારો આવવા લાગ્યા. તે વિચારી રહ્યો હતો કે એક દિવસ તે પણ પોતાની નૌકા લેશે અને તેનું નામ પણ એ જ રાખશે જે એનાં બાપુંએ રાખ્યું હતું – ‘મંગલમ’.
તેને બાપું યાદ આવી ગયા. ‘આજે બાપું હોત તો કિંજુને લઈને કેટલાં ખુશ હોત ? આખો દિવસ તેને રમાડત. આખરે મુદ્દલ કરતાં વ્યાજ કોને વ્હાલું ન હોય ?’ એવા વિચારોમાં તે ખોવાઈ જતો.
તે દિવસે ધક્કેથી એક મોટું વહાણ બંદરે ભંગાવા માટે આવેલું. શેઠનાં કહેવાથી મંગલે તેમાં નીકળેલા કબાટ, પલંગ જેવા ફર્નિચરોની હરરાજી કરીને ખરીદી કરીને દુકાને કામ કરતાં માણસોને માલ દુકાને મોકલવાનું કહ્યું. માણસોએ ટ્રકમાં નાખીને તેને દુકાન સૂધી લઈ આવ્યા. દુકાને સામાન માણસો ગોઠવતા હતા. મંગલ આવકમાં આવેલા માલની નોંધ એક બીજા ચોપડે કરી રહ્યો હતો. શેઠ સુરેશભાઈ બિલ ગોઠવી રહ્યા હતા. સામાન્ય દિવસોમાં દુકાન પાછળ આવેલા ગોડાઉનમાં રહીને તે માણસોને સામાન સરખી રીતે વ્યવસ્થિત ગોઠવવાનાં સલાહ સૂચન આપ્યા કરતાં. પણ આજે તે દુકાનમાં આગળ રાખેલી પોતાની ખુરશીમાં જ બેઠા રહ્યા. આમ તો સવારથી તેની તબિયત ખાસ સારી ન હતી પણ તેણે ખરાબ તબિયતને અવગણી અને કામ કરતાં રહ્યા. સુરેશભાઈ સમજી શકતા ન હતા કે આવું શા માટે થાય છે ? બહાર તો પવન વાતો હતો, છતાં તેને કોણ જાણે કેમ પરસેવો વળી રહ્યો હતો ? અચાનક તેની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. પોતાની ખુરશીમાં બેઠા બેઠા ‘મંગલ...મંગલ...’ જેવા માંડ નીકળતા શબ્દો બોલી શકતા હતા. જો કે સામાન ગોઠવતાં મજૂરોનાં અવાજમાં શેઠનો અવાજ દબાઈ રહ્યો હતો. ત્યાં જ શેઠ ખુરશી પરથી જમીન પર ફસડાઈ પડ્યા. એક માણસ આ જોઈ ગયો. તે સીધો ત્યાં પહોંચી ગયો. “શેઠ... શેઠ... શું થયું ?” શેઠને ઊભા કરતાં એક માણસે જોર જોરથી બૂમો પાડીને કહ્યું, “એ... જલ્દી આવો... જલ્દી આવો. મંગલભાઈ... કોક મંગલભાઈને બોલાવો. શેઠને કંઈક થઈ ગયું.”
માણસનો અવાજ સાંભળીને માણસો કામ પડતું મૂકીને દોટ મૂકી. મંગલ સીધો દોડી આવ્યો. મંગલ લગભગ પરિસ્થિતિ પામી ગયો. માણસોને સૂચના આપીને તેણે તરત રીક્ષા મંગાવી શેઠને તેમાં બેસાડી નજીકની સરકારી હોસ્પિટલ બાજુ નીકળી ગયા. શહેરની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોએ સ્ટ્રેચર પર સૂતેલાં શેઠની નાડી તપાસીને કહ્યું, “તમે આ ભાઈનાં શું સગા થાઓ ?”
મંગલ ડૉક્ટરનાં કહેવાનો અર્થ સમજી શક્યો નહીં. તેણે ડૉક્ટરનાં પ્રશ્નનો ઉત્તર આપ્યો, “હું તો કોઈ સગો નથી થતો. મારુ નામ મંગલ છે. હું એની દુકાનમાં કામ કરું છું. મને કહો ને ! શું થયું છે શેઠને ?”
“તમે એનાં ઘરનાં લોકોને બોલાવી લો. એનાં કોઈ દીકરા હોય તો એને બોલાવી લો. છેલ્લી વિધિ તો તેણે જ કરવી પડશે ને ?” ડૉક્ટરે કહ્યું.
“છેલ્લી વિધિ ?” ડૉક્ટરનાં આ શબ્દો સાંભળીને મંગલ અવાચક થઈ ગયો. “છેલ્લી વિધિ એટલે ? શું થયું શેઠને ?”
“મંગલભાઈ, શેઠને હુમલો આવ્યો છે. હૃદય બંધ પડી ગયું છે અને મૃત્યું પામ્યા છે.”
આવા અણધારા સમાચાર સાંભળીને મંગલ ક્ષણભર માટે હતપ્રભ બની ગયો. થોડી વાર તો શું કરવું એ ગતાગમ ન પડી. પણ પછી તરત જ તેણે પોતાની સાથે આવેલા બે માણસો પૈકી એક માણસને શેઠનાં અવસાનનાં સમાચાર આપવા સીધો તેનાં ઘર તરફ રવાના કર્યો અને બીજા માણસને ભાવનગર રહેતાં તેનાં દીકરાને સમાચાર આપવા રવાના કર્યા. ફોનની સગવડ તો હતી નહીં અને હતી એ ખૂબ જ ઓછા માણસો પૂરતી મર્યાદિત હતી. તાર કે ટપાલથી જ સંદેશાવ્યવહાર થતો પણ આ સંજોગોમાં ટપાલથી સમાચાર આપી શકાય તેમ ન હતા અને આમ પણ ભાવનગર ખાસ દૂર હતું નહીં.
સ્ટ્રેચર બહાર લોબીમાં રાખી દીધું હતું. હોસ્પિટલનાં માણસો તો પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા. બીજા દર્દીઓ પણ આવતા જતાં હતા. માણસોનાં ગયા પછી મંગલ સામે રહેલ બાંકડા પર બેઠો. શેઠનાં મુખ સામે તે એકીટશે જોઈ રહ્યો હતો. હજું એકાદ કલાક પહેલા હાલતો ચાલતો માણસ અચાનક સાવ આમ જ નિશ્ચેતન સ્થિતિમાં સૂઈ રહ્યો હતો. શેઠ સુરેશચંદ્ર મહેતા અનંતની વાટ પકડી ચૂક્યા હતા. એકાદ કલાકમાં તેનાં પત્ની અને નાની દીકરી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. શેઠને આવી સ્થિતિમાં જોઈને તે પોતાને રોકી શક્યા નહીં અને જોર જોરથી પોક મૂકીને રડવા લાગ્યા. હોસ્પિટલનો એક કંપાઉન્ડર સફેદ કપડું લઈને ત્યાં આવ્યો અને તેનાં માથા સૂધી ઢાંકી દીધું અને તેને પાસેની એક ઓરડીમાં મૂકાવી દીધું. અમુક ચારેક કલાકોમાં જ તેનો મોટો દીકરો ભાવનગરથી ત્યાં પહોંચી ગયો. સાંજ પડી ચૂકી હતી. ત્યારે અગ્નિદાહ આપવો શક્ય ન હતો. મહેમાનોને તરત ગમે તેમ કરીને સમાચાર અપાયા. સાંજ પડી ત્યાં સૂધીમાં આખી ‘સેકન્ડ હેન્ડ માલ’ની કહેવાતી એ બજારમાં વાયુવેગે સમાચાર પહોંચવા લાગ્યા.
બીજા દિવસની સવારે હોસ્પિટલેથી શેઠનું પાર્થિવ શરીર ઘરે લાવવામાં આવ્યું. સવાર સૂધીમાં સુરેશભાઈનાં નિવાસસ્થાને માણસોની ભીડ એકઠી થઈ ચૂકી હતી. ઘણાં સગા સંબંધીઓ, તેને ત્યાં કામ કરતાં માણસો, બજારનાં ધંધા ભાઈઓ, ઉપસ્થિત હતા. આખી બજારમાં ‘લાકડાવાલા’ નાં નામે ઓળખાતા સુરેશભાઈનાં નિધન નિમિત્તે એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો. પરિવારજનોને સાંત્વના આપવાનો દોર પણ ચાલુ રહ્યો. ત્યાર પછી સુરેશભાઈની નનામી નીકળી. સ્મશાને પહોંચેલી નનામી અંતે છેલ્લું મુકામ હતું. અહીં માણસ પોતાનું નામ, કિર્તિ, ધન, સંપદા, સગા સંબંધી, મિત્રો સઘળું છોડીને એક નવી જ સફરે નીકળી જાય છે. ચિતા તૈયાર કરવામાં આવી અને સુરેશભાઈનાં મૃત શરીરને તેની ઉપર સુવડાવવામાં આવ્યો. દીકરાએ ચિતાની ફરતે પ્રદક્ષિણા કરીને તેને અગ્નિદાહ આપ્યો. થોડી કલાકોમાં શેઠનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. સ્નેહીજનો સિવાય તો બીજાને તો વ્યાપારિક સંબંધો હતા પણ મંગલ તેનાં સ્વભાવ પ્રમાણે ઔપચારિક સંબંધમાં વિશ્વાસ રાખતો ન હતો. સજળ નેત્રે તેણે શેઠને અંતિમ વિદાય આપી.
બાર દિવસમાં લૌકિક ક્રિયાઓ પત્યા પછી દુકાનનું શું કરવું તેનો નિર્ણય તેનાં દીકરા પર છોડી દેવામાં આવ્યો. દીકરો ભાવનગર સ્થિત પોતાનો ધંધો સંભાળી રહ્યો હતો અને પૈસે ટકે પણ સદ્ધર હતો. ત્યાં પોતાનું ઘર પણ હતું. આથી દુકાનનાં માલ-સામાન વેચીને પંદરેક દિવસોમાં દુકાન બંધ કરી દેવામાં આવી. ત્યાં કામ કરતાં માણસો તો બીજી જગ્યાએ લાગી ગયા. પણ મંગલ ? મંગલનું મન હવે ત્યાં લાગતું ન હતું. નાની દીકરીની યાદ પણ સતાવવા લાગી. હવે ત્યાં કોઈ કામ પણ બાકી રહેતું ન હતું. સામાન બાંધીને તે પોતાનાં ઓરડીનાં મકાનમાલિકને તે મહિનાનું બાકી રહેતું ભાડું ચૂકવીને ઘર તરફ નીકળી પડ્યો.
તે હવે પોરબંદર આવી ચૂક્યો હતો. શરૂઆતમાં તે દસેક દિવસ દીકરીની સાથે વિતાવ્યા. પણ હવે અહીં પણ કમાવવું તો પડશે ને ! બેઠા બેઠા તો રાજાનાં ભંડારો પણ ખાલી થઈ જાય, તો વળી પોતાની પાસે એવો ક્યો મોટો ખજાનો હતો કે જેથી બેઠા બેઠા મહિનો પણ નીકળી જાય ? તેણે પોરબંદરમાં રહીને જ પોતાને છાજે અને આનંદ આવે એવું કામ શોધવાનું નક્કી કર્યું.
તેનું ધ્યેય હવે કશું નવું કરવાનું હતું. ખારવાનાં દીકરાની દ્રષ્ટિ ધરતી પર ઓછી અને સમુદ્ર તરફ વધારે મંડરાતી હોય. શેઠની દુકાનમાં મુનિમની જેમ હિસાબી કામકાજ સંભાળતા સંભાળતા પણ ક્યારેય તે પોતાની અંદર રહેલા સાહસિક જીવને મરવા દેવા માંગતો ન હતો. આસપાસનાં મોટેરાઓ અને બાપું પાસેથી ઘણી દરિયાઈ સાહસકથાઓ સાંભળેલી. એ સાંભળતા જ તે પોતાને દરિયામાં ઉછળતાં મોજાઓ વચ્ચે હાલકડોલક થતાં વહાણનાં સુકાન સંભાળતો હોય તેવા નાખુદાનાં સ્વરૂપમાં જોતો. પણ એ સાહસ કરવા માટે જવું ક્યાં ? પોતાની પાસે તો ફૂટી કોડી પણ ન હતી.
અંતે એક તક મળી ગઈ. ખારવાવાસમાં રહેતા અને ચાળીસી વટાવી ગયેલા મગન નાથા પરમારને પોતાની નૌકા માટે એક માણસની જરૂર હતી. સામાન્ય દિવસોમાં માથે ફાળિયું અને શરીરે અંગરખું, સુરવાળ અને ચોરણી પહેરતાં મગન નાથા પરમાર દરિયામાં જતી વખતે સાદા, જૂના કપડાંમાં પહેરી લેતા પણ કામમાં તેને ખાસ ચોક્સાઈ જોઈતી. તેની પાસે સઢ વાળું એક વહાણ પણ રહેતું ને એનાં સિવાય એકાદ મધ્યમ કદની નૌકા. વહાણ મારફતે માલ સામાનને નજીકનાં બીજા દેશોમાં મોકલવામાં આવતા. કુલ મળીને મગન નાથાની સારી નામના પણ ખરી. જો કે એ વહાણ તો એનાં બાપાનાં સમયનું હતું. ધીમે ધીમે તેનો વ્યાપ ઘટવા લાગ્યો પણ બજારમાં હજું ઠીક ઠીક શાખ જામેલી હતી. મંગલ તેને ત્યાં કામ માટે પહોંચી ગયો.
“મગનભાઈ, હું મંગલ. વાલજી ટંડેલને તો ઓળખો ને ? એનો છોકરો.”
“કુણ વાલજી ટંડેલ ? થોડા વરહ પે’લા સામે વાળા મલક જેને પકડી ગયેલા ઈ કે બીજા કોઈ ?” થોડું યાદ કરીને મગન નાથા બોલ્યા.
મંગલને મગન નાથાનાં શબ્દો થોડા ખૂંચ્યા પણ અત્યારે તેને એની જરૂર હતી. એટલે તેની પાસે આજીજી કરવા સિવાય વિકલ્પ જ ન હતો.
“હા”, તે બોલ્યો, “હું એ જ વાલજી ટંડેલનો છોકરો. બાપું દરિયામાં ગયા હતા ને પાકિસ્તાન વાળાની તો તમને ખબર જ છે. વાત એમ છે કે મારે અત્યારે કામની જરૂર છે. મેં સાંભળ્યુ છે કે તમારે માણસની જરૂર છે. હું કામ કરવા તૈયાર છું.”
“જો છોરા, કે’વું સહેલું છે. અમે દરિયે જઈએ તો કેટલાંય દિવસો ત્યાં જ રહેવાનું થતું હોય. એટલે વહાણમાં રસોઈયાની જરૂર છે. બોલ, રસોઈ બનાવતા આવડશે ? પહેલા ક્યારેય કોઈને ત્યાં રહોડું હંભાળ્યું સે ?” મગન નાથાએ કહ્યું.
‘મારા બાપા ટંડેલ હતા, વહાણનું સુખાણ સંભાળતા. મારું મન એવું કંઈક કરવા માંગે છે ને આ છે કે દરિયામાં અધવચ્ચે જઈને મારી પાસે તાવડા જ ચલાવવા માંગે છે. શું વિચારીને આવ્યો હતો ને આ મને શું કામ સોંપે છે ?’ મંગલ મનમાં વિચારવા લાગ્યો.
“હું મનમાં ને મનમાં વિચાર કર્યે જા છો ? મોઢેથી તો કંઈક બોલ.”
“કંઈ નહીં, મગનભાઈ. એ તો બસ એમ જ.”
“તો ? રાંધતા આવડે છે ?”
‘શું કહું ? હા પાડી દઉં ? આમ પણ ક્યાં બીજું કોઈ કામ છે ? જ્યાં સૂધી ગમતું કામ ન મળે ત્યાં સૂધી આ કામ કરવામાં ખોટું શું છે ?’ મંગલ મનમાં વિચારવા લાગ્યો. મગન નાથાની કરડી નજર મંગલ પર હતી. આમ પણ એનો સ્વભાવ જ એવો હતો કે બીજાનું નીરીક્ષણ જ કર્યા કરે.
અંતે મંગલે કહ્યું, “ઠીક છે મગનભાઈ, હું તૈયાર છું.”
“ઠાવકું, દસ દિ’ પસી આપડી હોડી દરિયે જાવાની સે. ત્યારથી આવવાનું સે. અને હા, હાંભળ. મહિને પંદર સો રૂપિયા મળશે. બોલ મંજૂર સે ?” એક હથેળીમાં તમાકું બીજી હથેળીથી મસળીને ડાબા ગલોફે મૂકતાં મગન નાથાએ પગારની વાત કરી.
“ખાલી પંદર સો ?” મંગલથી બોલાઈ ગયું.
“બહુ કે’વાય. પંદર સો બહું કે’વાય. રસોઈયાનાં કામે લઈ જાઉં સુ. વહાણનું સુખાણ હંભારવાનું નથી તારે. એનાં હાટું પંદર સો ઝાઝા કે’વાય. કામ હારુ હશે ને તો પગાર વધારી દઈશ.” તોછડાઈથી મગન નાથા બોલ્યો.
અલંગમાં બંને જગ્યાએ કામ કર્યું પણ આવો તુંડમિજાજી માણસ જોયો ન હતો. સુરેશચંદ્ર શેઠ તો બધા માણસોને દીકરાની જેમ સાચવતા. પણ હવે તે ભૂતકાળ થઈ ગયો. આ જ વર્તમાન છે. આમાં જ જીવવાનું છે. સારા ભવિષ્યનાં ઓરતાં મનમાં જ રાખીને આગળનું વિધાતાને ભરોસે મૂકીને મંગલ અનિચ્છાએ પણ તૈયાર થઈ ગયો.

To be Continued…
Wait For Next Time…