vadalchhaya vyavahar books and stories free download online pdf in Gujarati

વાદળછાયા વ્યવહાર

“ભાઈ, આપણા જુના પાડોશી ગીરધર મહારાજની દીકરીના લગ્નપ્રસંગે આપણે આજે સહપરિવાર ભોજન સમારંભમાં જવાનું આમંત્રણ કાર્ડ આવેલ છે. હું, તારા પપ્પા અને ટીના તૈયાર રહીશું અને તુ પણ ઓફિસેથી જરા વહેલો આવી જઈશને?” રતનબહેને ઓફિસે જવા માટે તૈયાર થઇ રહેલા પુત્ર સુધીરને પૂછ્યું.

“ના મમ્મી, હું નહિ આવી શકું. કેમ કે મારે પણ આજે જ અમારા ઓફીસના કેશિયર જાનીભાઈના દીકરાના મેરેજ પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં જવાનું છે. મને તેમના તરફથી અઠવાડિયા અગાઉ જ નિમંત્રણ કાર્ડ મળી ગયેલ છે અને અમારા સ્ટાફવાળા બધા જ એકસાથે જવાના છે. મારે ત્યાં જ જવું પડશે. તેથી હું ગીરધર મહારાજને ત્યાં નહીં આવી શકું. તુ, પપ્પા અને ટીના તમે ત્રણેય ત્યાં જઈ આવજો અને વ્યવહાર કરી આવજો.” સુધીરે જવાબ આપતા કહ્યું.

“સારું ભાઈ. તુ તારો વ્યવહાર સાચવી લેજે. અમે ત્રણેય અમારા વ્યવહારે જઈ આવશું પણ બેટા અહીં ચાંલ્લો લખાવવા માટે મને પૈસા તો આપતો જા.”

“હા મમ્મી, આ લે સો રૂપિયા લખાવી દેજે.” કહીને સુધીર પોતાના પાકીટમાંથી સો રૂપિયાની નોટ મમ્મીને આપતો હતો ત્યાં જ તેના મમ્મીએ કહ્યું,

“આ શું બેટા? માત્ર સો રૂપિયા? તને ખબર છે? ગીરધર મહારાજ બહુ ગરીબ માણસ છે. બિચારા રાત-દિન પરિશ્રમ કરીને અને બ્રાહ્મણીયું કામ કરીને ઘર ચલાવી રહ્યા છે. એમાં પણ એ તો ગરીબ બ્રાહ્મણની દીકરીના લગ્ન. આ મોંઘવારીમાં એક જ ઘરના ત્રણ-ચાર જણા જમી આવીએ તો સો રૂપિયા ચાંલ્લો કંઈ ન કહેવાય. ઓછામાં ઓછા બસો એકાવન તો કરવા જ પડે.”

“સોરી મમ્મી હું સો રૂપિયાથી વધુ આપી શકું તેમ નથી. કેમ કે મારે પણ કેશિયરના પુત્રના આયોજિત ભોજન સમારંભમાં કવર આપવું પડશે. અમે બધા જ સ્ટાફવાળાઓએ નક્કી કર્યું છે કે દરેકે પોતપોતાના કવરમાં ઓછામાં ઓછા પાંચસો રૂપિયા તો રાખવાના જ.”

“પણ બેટા, તારા કેશિયર તો શ્રીમંત છે. એમને ત્યાં તો પાંચસો રૂપિયા પણ ઓછા કહેવાશે, કેમ કે શ્રીમંત લોકોના સગા-સંબંધીઓ મોંઘીદાટ ગિફ્ટો લઈને આવી જશે. જ્યારે ગીરધર મહારાજ તો ગરીબ છે અને પાછા ભૂદેવ છે. એની દીકરીને બસો એકવાન જેવી મામુલી રકમ આપવામાં પણ તારું મન કેમ કચવાય છે?” સુધીરનો જવાબ સાંભળી તેના મમ્મીએ કહ્યું.

“મમ્મી. અમારે આજની જનરેશન મુજબ વ્યવહાર સાચવવા પડે. એ તને નહીં સમજાય.” કહીને સુધીર ઝડપથી ઓફીસ જવા નીકળી ગયો.

ઓફિસમાં પ્રવેશતા જ સુધીરે જોયું તો સ્ટાફના છ-સાત જણા એક જ ટેબલ પર બેસી કંઇક ચર્ચા-વિચારણા કરતા નજરે ચઢ્યા, “હલ્લો. ગુડ મોર્નિંગ” સુધીરે બેગ બાજુમાં ખાલી ખુરશી પર રાખતા કહ્યું, “શું વાત છે! આજે તો તમે લોકો કંઇક ગંભીર ચર્ચા-વિચારણા કરતા હોય એવું લાગે છે.”

“હા યાર કંઇક એવું જ છે. આપણને આજે જાનીભાઈને ત્યાં તેમના દીકરાના લગ્ન પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં જવાનું હતુ તે...”

“તે શું? તમે લોકો કવર સાથે કંઇક ગીફ્ટ આપવાનું તો નથી વિચારી રહ્યાને? જો એવું કંઈ વિચારતા હો તો હું તેમાં સહમત છુ.” ધર્મેશની વાત અધવચ્ચેથી કાપતા સુધીરે કહ્યું.

“અરે ના યાર એવું કંઈ નથી. તુ પહેલા એ તો પૂછ કે વાત શું છે? સચિને કહ્યું.

“હા તો બોલને શું વાત છે?”

“તારા મોબાઈલમાં તે મેસેજ ચેક કર્યા નથી લાગતા. જો કર્યા હોત તો તારે આ પ્રશ્ન ન કરવો પડત.”

“ના મેં કોઈ મેસેજ ચેક નથી કર્યા.”

“આપણા બધાના મોબાઈલમાં જાનીભાઈનો મેસેજ આવ્યો છે કે, તેમના પરિવારમાં કોઈ અણધાર્યો બનાવ બની જવાના કારણે ભોજન સમારંભ રદ થયેલ છે. અમે જાનીભાઈને ફોન કર્યા પરંતુ એમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હોવાથી શું બનાવ બન્યો છે તેની જાણ નથી.” સચિને સુધીરને જણાવતા કહ્યું.

“ઓહ બિચારા જાનીભાઈ કેટલા ઉત્સાહિત હતા! અને અચાનક ટેન્શનમાં આવી ગયા. હવે તો આપણાથી કંઈ ન થઇ શકે. ખૈર આપણે હવે ભોજન સમારંભમાં નથી જવાનું. ખરુંને?” સુધીરે અફસોસ વ્યક્ત કર્યો.

લંચબ્રેકનો સમય થતા જ સુધીર ઘેર પહોંચ્યો. તેણે હવે પરિવાર સાથે ગીરધર મહારાજના ઘેર જ ભોજન સમારંભમાં સમયસર પહોંચી જવાનું મનોમન નક્કી કર્યું. ઘેર પહોંચતા જ મમ્મીએ સીધો સવાલ કર્યો, “અરે બેટા, તુ બહુ જલ્દી આવી ગયો? જાનીભાઈને ત્યાં જઈ આવ્યો કે શું?”

“ના મમ્મી. અનિવાર્ય સંજોગોના કારણે એ લોકોનો ભોજન સમારંભ રદ થયાનો મેસેજ આવ્યો હોવાથી હું ઘેર આવી ગયો છું અને હું પણ તમારા સાથે જ ગીરધર મહારાજના ઘેર ભોજન સમારંભમાં આવી રહ્યો છું.”

સુધીરની વાત સાંભળી તેના મમ્મીએ ખુશી દર્શાવી. તે સમયે સુધીરે પાંચસો એક રૂપિયાનું કવર બેગમાંથી બહાર કાઢ્યું અને ઉપર તેના પપ્પાનું નામ લખી મમ્મીને આપતા કહ્યું, “લે મમ્મી. આ કવરમાં પાંચસો એક રૂપિયા છે. ગીરધર મહારાજની દીકરીને ચાંલ્લા તરીકે. મારા પપ્પા તરફથી કન્યાને હાથોહાથ આપી દેજે.” મમ્મીએ કવર હાથમાં લીધું અને સુધીરને કહ્યું,

“બેટા. તે ખૂબજ ઉતમ નિર્ણય કર્યો. મને ઘણી ખુશી થઇ.”

“મમ્મી આ પાંચસો એક રૂપિયા એ ગરીબ બ્રાહ્મણની દીકરીના જ હશે. ખરુને?”

“હા દીકરા. આને કહેવાય વાદળછાયા વ્યવહાર! વાદળને જ્યાં વરસવાનું હોય ત્યાં જ વૃષ્ટિ કરે. આજે આ વાદળને ગરીબ કન્યાને ઘેર જ વૃષ્ટિ કરવી હશે!”

મમ્મીની વાત સાંભળીને સુધીરને હર્ષ થયો. “ચાલો મમ્મી. હવે નીકળીએ? ગીરધર મહારાજ મહેમાનોની રાહ જોઈ રહ્યા હશે” કહેતા જ પરિવાર સુધીર સાથે ગીરધર મહારાજના ઘેર જવા નીકળ્યો...

વાંચવા બદલ આભાર