Case No 369 Satyani Shodh - 1 books and stories free download online pdf in Gujarati

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 1

નમસ્કાર વ્હાલા મિત્રો.  મારી પ્રથમ નવલકથા ત્રણ વિકલ્પને આપ લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે એના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું.  હવે હું તમારી સમક્ષ એક બીજી નવલકથા લઈને ઉપસ્થિત છું.  આશા રાખું છું મારી નવી નવલકથા પણ આપ લોકોને પસંદ આવશે.  મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે.  ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે.  એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે.  સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ બતાવ્યું છે.  મારો સંપૂર્ણ પ્રયાસ હશે કે ખુબ રસપ્રદ અને રહસ્યથી ભરપૂર નવલકથા લખી શકું.  આપનો સહયોગ પ્રાપ્ત થશે તો અવશ્ય સારી નવલકથા લખી શકીશ.  આપનો અમૂલ્ય સમય ફાળવી મારી નવી નવલકથા વાંચી, અભિપ્રાય આપવા વિનંતી છે.

 

કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧

 

સવારનાં છ વાગ્યાની આસપાસનો સમય હતો.  પરોઢિયાનાં ઠંડા વાતાવરણમાં ઘણાં લોકો સવારની મીઠી ઉંધની મજા લેતા હતાં.  કોઈ ઘરમાં વહેલાં ઉઠી જનારા લોકો આંખો ચોળતા જાગવા લાગ્યા હતાં.  અમુક લોકો ઠંડી દૂર કરવા સવારનું workout કરતાં હતાં.  પક્ષીઓ એમની આગવી શૈલીમાં હારબંધ આકાશમાં ઉડવા લાગ્યા હતાં.  થોડી-થોડી વારે કૂતરાઓનો ભસવાનો અવાજ વાતાવરણની શાંતિ ડહોળાવી રહ્યો હતો.  મંદિરોમાં સવારની આરતીની તૈયારી શરૂ થઈ હતી.  દૂર દૂર દરિયાના મોજાનો અવિરત અવાજ વહેતો હતો.  ધીરે ધીરે સવારનું શાંત જનજીવન ધબકતું થતું હતું. 

આમ તો કહેવાય છે કે મુંબઈનું જનજીવન ૨૪x૭ ધબકતું રહે છે.  પણ મુંબઈનો શારદાનગર વિસ્તાર રાત્રે શાંત થઈ જાય.  મુંબઈનો શારદાનગર વિસ્તાર મધ્યમ વર્ગીય પરિવારોને નિવાસ કરવા માટે સ્વર્ગ સમાન ગણાય.  સુખ-દુ:ખમાં એક-બીજા સાથે ખભે-ખભા મેળવી રહેવા માટે પ્રખ્યાત વિસ્તાર.

શરદનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશન પણ બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં એવું હતું.  એકંદરે પોલીસ સ્ટેશનની આસપાસનાં વિસ્તારમાં આખી રાત શાંતિ રહેતી હતી.  પણ આજ રાતની વાત જુદી હતી.  બાજુમાં ચાની એક લારીમાંથી દર કલાકે ગરમાગરમ ચા પોલીસચોકીમાં કામ કરતાં કર્મચારીઓ માટે જતી હતી.  શારદાનગર પોલીસચોકીમાં આખી રાત કોઈ સૂતું નહોતું.  ચાર હવાલદાર અને બે પોલીસ સબઈન્સ્પેકટર નાઇટ ડ્યૂટિમાં આખી રાત જાગવાનો થાક ઉતારવા માટે બિસ્કિટ અને ગરમ ચા ની ચૂસકી લેતા હતા.  આમ તો રાત્રે એ લોકો થોડી ઉંધ ખેંચી લેવામાં પાવરધા હતાં, પણ ગઇકાલે રાત્રે ત્રણ નામચીન અપરાધીઓને લાવવામાં આવ્યા હતા.  પોલીસ ઈન્સ્પેકટર કરણસિંહ રાઠોડે એ બધાને સખત શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો કોઈ ઊંઘતું ઝડપાસે તો નોકરીમાંથી રદબાતલ કરવામાં આવશે. 

કરણસિંહ સ્વભાવનો ખૂબ ગરમ અને કડક મિજાજ ધરાવતો હતો.  એની ફરજ પ્રત્યે પણ એટલો જ વફાદાર અને કર્તવ્યનિષ્ઠ હતો.  નાઈટ ડ્યૂટિ કરતાં છ માંથી કોઇની તાકાત નહોતી કે કરણસિંહની વાતની અવહેલના કરે.  કરણસિંહનું આ કડક વલણ એ લોકો સમજતા હતા.  માથાભારે અપરાધીઓને કોર્ટમાં હાજર કરવાના હોય તો dy.s.p. એ કામની જવાબદારી કરણસિંહને સોંપતા.  કરણસિંહ પણ ઉપરી અધિકારીનો પડ્યો બોલ ઝીલી લેતા.  પાંચ વર્ષની ટૂંકાગાળાની નોકરીમાં અનેક અનસોલ્વ કેસ સોલ્વ કર્યા હતા એટલે એની કામગીરીથી પૂરું પોલીસ ડિપાર્ટમેન્ટ ગર્વ અનુભવતું હતું.  એવી જ એક મોટી જવાબદારી કરણસિંહને ગઇકાલે આપવામાં આવી હતી.  એ જ વખતે ચાર હવાલદાર અને બે સબ ઇન્સ્પેક્ટરને અંદાજ આવી ગયો હતો કે કેસ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી ઉંધ પૂરી થવાની નથી.  આડા દિવસોમાં નાઈટ ડ્યૂટિમાં એક હવાલદાર અને એક સબઇન્સ્પેક્ટર હાજર રહેતા.  પણ કાલે જે અપરાધીઓને લાવવામાં આવ્યા હતા એ બહુ ખતરનાક હતા.  કાલે રાત્રે લાવવામાં આવેલા ત્રણ અપરાધીઓએ નાનોસૂનો અપરાધ નહોતો કર્યો.  

જ્યારે કોઈ પેચીદો કેસ આવે ત્યારે કરણસિંહ જાતે જ રાત્રે પોલીસચોકી રોકાવાનું પસંદ કરતો હતો. પરંતુ આ વખતે ઘરની જવાબદારીનું કામ એવું હતું કે, તે પોલીસચોકી આવી શક્યો નહોતો.  પોતાના પરિવારને લઇ અમદાવાદ એક લગ્ન સમારંભમાં ગયો હતો.  જ્યારે dy.s.p. એ એને આ કેસની સંપૂર્ણ વિગત આપી કેસ તેને સોંપ્યો ત્યારે પોતે અમદાવાદ હતો.  તેથી તેણે બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ચાર હવાલદારને આખી રાત જાગી, ત્રણ ગુનેગારો પર ચાંપતી નજર રાખવા માટે તાકીદ આપી હતી.  કરણસિંહને પણ નઠારા ગુનેગારોને કોર્ટમાં લઈ જઈ સજા અપાવવાની ડ્યૂટી ખુબ પસંદ હતી.  જે નામચીન ગુંડાઓ પુરાવાના અભાવના કારણે કોર્ટમાંથી નિર્દોષ છુટી જાય, એવા ગુનેગારોની વિરુદ્ધ પુરાવા શોધવામાં તથા તેમને સજા અપાવવામાં કરણસિંહનો ડંકો મુંબઈ શહેરમાં વાગતો હતો.  કરણસિંહના નામથી ભલભલા ગુનેગારો પણ ડર અનુભવવા લાગ્યા હતા.  ગુનેગારોની નાનકડી અમથી ભૂલમાંથી તે ચોકસાઇપૂર્વક પુરાવાનું પગેરું શોધી લેતો.  તેની ચપળ યાદશક્તિ અને કુનેહપૂર્વક કામ કરવાની રીત ના કારણે તેને દરેક કેસમાં અપરાધીને સજા અપાવવામાં સફળતા મળતી.

બધા ચા પી રહ્યા એટલે એક સબ ઇન્સ્પેક્ટર ઘડિયાળ સામે જોતા બોલે છે: “રાવજી, છ વાગી ગયા છે...  હમણાં સર આવશે...  ચા પીવાઇ ગઈ છે...  એટલે તું, મનુ અને રસિક જલ્દી ત્રણેય પાછા કોટડી સામે જઇ બેસી જાઓ...  કોટડીની સામે કોઈ બેઠું નહીં હોય તો સર નાહકના આપણા બધાનો ઉધડો લઈ લેશે...”

રાવજી: “હા સાહેબ...  અમે પાછા કોટડી સામે જઇ ને બેસીએ છીએ...”

પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરો એટલે પહેલા હવાલદારને બેસવા માટે નાની ઓરડી જેવું હતું.  એનાથી અંદર મોટા રૂમમાં સબઇન્સ્પેક્ટરને બેસવા માટે ટેબલ-ખુરશીઓ હતા.  રૂમની ડાબી બાજુ ઈન્સ્પેકટરની ઓફિસમાં જવાનો દરવાજો હતો.  જમણી બાજુ જેલની કોટડીઓમાં જવાનો પેસેજ હતો.  પેસેજ પૂરો થાય પછી કતારબંધ નાની ત્રણ કોટડીઓ હતી.  ત્રણ હવાલદાર એક-એક અપરાધીની કોટડી સામે ખુરશી લઈને ગોઠવાઈ જાય છે.  આખી રાત ત્રણેય કોટડીની બહાર એક-એક હવાલદાર ચાંપતી નજર રાખીને બેઠા હતા.  dy.s.p. ના જણાવ્યા પ્રમાણે ત્રણેય અપરાધીને જુદી-જુદી કોટડીમાં રાખવામાં આવ્યા હતા.  શરદનગર પોલીસચોકીમાં ત્રણ કોટડી હતી અને આજે એ ત્રણેય ખૂંખાર અપરાધીઓથી ભરેલી હતી.  પહેલા પણ અનેક વાર ત્રણેય કોટડીઓ ગુનેગારોથી ભરાઈ જતી પણ આજે જે ગુનેગારો આવ્યા હતા એ બધાનાથી એકદમ અલગ તારી આવ્યા હતા.

રાવજીને મગજથી કામ લેવું વધારે આવડતું નહોતું.  આજે એને ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે, ‘આ કેદીઓને એક મિનિટ પણ નજરથી દુર ના કરવાનું કારણ શું છે?’  કારણ કે જ્યારથી ત્રણેય કેદીઓને કોટડીની અંદર પુરવામાં આવ્યા હતા ત્યારથી ત્રણેય ઉંધા ફરીને ધ્યાન અવસ્થામાં બેસી ગયા હતા.  ત્રણમાંથી  કોઈએ કોઈ જાતની વાતચીત કરી નહોતી, કે કોઈ વસ્તુ માંગી નહોતી.  ત્રણમાંથી કોઈ સૂઈ પણ ગયા નહોતા.  તો જે વ્યક્તિ શાંતિથી બેસી રહે છે તેના ઉપર ચાંપતી નજર શું કામ રાખવી, તે તેને સમજ પડતી નથી.  રાવજીએ ખૂંખાર અપરાધીઓને કોઈ દિવસ ધ્યાન કરતાં જોયા નહોતા એટલે તેને વધારે નવાઈ લાગતી હતી.  રાવજીની સાથે મનુ અને રસિકની પણ એવી જ હાલત હતી.  આખી રાત ત્રણેય હવાલદારોએ પણ એકબીજાનું મોઢું જોઈ, કોઈપણ વાત કર્યા વગર પસાર કરી હતી.

ચોથો હવાલદાર મંગળ અને બે સબઇન્સ્પેક્ટર સંજય અને વિશાલ પણ વિચારે ચઢ્યા હતા.  સંજય અને વિશાલ ઇન્સ્પેક્ટર કરણની કાગડોળે રાહ જોતા હતા.  એકવાર કરણ આવે એટલે માથા પરથી થોડો ભાર હળવો થાય એવું બન્ને વિચારતા હતા.  સંજય અને વિશાલે ત્રણેય અપરાધીની ફાઇલ આખી વાંચી હતી એમને પણ ફાઇલમાં લખેલી વિગતો અને અપરાધીઓનું વર્તન બન્ને મેળ ખાતું લાગતું નહોતું.  સંજય અને વિશાલને ફાઇલમાં દર્શાવેલી દરેક વિગત ઝીણવટથી વાંચવાની આદત પડી ગઈ હતી.  કરણ સાથે કામ કરી અનેક આંટીઘૂંટી વાળા કેસનો ઉકેલ લાવવાની કરામત શીખ્યા હતા.  પરંતુ એ બન્નેને પણ આ કેસ નં. - ૩૬૯ અન્ય કેસ કરતાં જુદો લાગે છે.  બન્ને કેસ બાબતે ઉપરછલ્લી ચર્ચા કરતા હતા.  એટલામાં મંગળ આવીને કહે છે કે “કરણસિંહ સાહેબ આવી ગયા.”  સંજય અને વિશાલ ઝડપથી  કરણના રૂમમાં આવી ટેબલ ઉપર કેસ નં. - ૩૬૯ની ફાઇલ અને પુરાવા બરાબર ગોઠવવા લાગે છે.

કરણસિંહ જેવો ચોકીમાં પ્રવેશ કરે છે, તરત મંગળ, સંજય અને વિશાલ સેલ્યુટ કરે છે.  કરણ એની આગવી છટામાં પોતાના રૂમમાં જઇ પહેલા ટેબલને પગે લાગે છે.  ટેબલ પર મૂકેલા તિરંગાને સેલ્યુટ કરે છે અને એની ખુરશી પર બેસે છે.  ઉંમર ૩૦ વર્ષની આસપાસ.  ઊંચાઈ ૬ ફૂટમાં એકાદ ઇંચ ઓછી, મજબૂત બાંધો, સોહામણા ચહેરા પર રાજપૂતી આભાની ચમક પ્રસરતી હતી.  આંખોમાં ફરજ પ્રત્યેનો ગુમાન ચોવીસ કલાક ચમકતો રહેતો.  પણ અત્યારે એની આંખોમાં આખી રાતનો ઉજાગરો તથા સફરનો થાક સ્પષ્ટ દેખાતો હતો. 

ખુરશી પર બેસી તરત સંજય સામે જોઈ બોલે છે: “એ અપરાધીઓએ વધારે ધમાલ તો નહીં કરીને?”

સંજય ટટ્ટાર ઊભો રહી બન્ને હાથ કમરની પાછળ લઈ જાય છે: “ના સર...  ત્રણમાંથી કોઇપણ એક શબ્દ બોલ્યા નથી...  આખી રાત સૂતા પણ નથી...  સર એક અજીબ વાત છે…  એ ત્રણેય આખી રાત ધ્યાન અવસ્થામાં ઉંધા ફરીને બેસી રહ્યા છે...”

કરણને પણ વાત સાંભળી નવાઈ લાગે છે.  એ થાકના કારણે થોડી વાર માટે આંખો બંધ કરી દે છે.  જ્યારે મોટા અપરાધીઓ ચોકીમાં આવ્યા હોય ત્યારે કરણ કોઈ દિવસ ખુરશી પર બેસી સૂઈ જાય નહીં.  પણ આજે તે ખરેખર ખૂબ થાકેલો હતો.  આંખો બંદ કરી ને જ એ મંગળને ઈશારો કરી ચા લાવવા કહે છે.  મંગળ તરત જ કરણ માટે ચા લેવા જાય છે.  મંગળને ચા લઈને આવતા દસ મિનિટ થાય છે ત્યાં સુધી કરણ એક ઉંધ ખેંચી કાઢે છે.  સંજય અને વિશાલ જાણતા હતા કે થોડી મિનિટોના આરામ પછી પણ કરણને લાંબી ઊંઘ પૂરી થઈ હોય એવું લાગશે.  એ દસ મિનિટ ચોકીમાં સહેજપણ અવાજ થતો નથી.  મંગળ ચા લઈને આવે છે ત્યારે દરવાજો ખુલવાનો અવાજ આવે છે એનાથી કરણની આંખ ખૂલે છે.  કરણ આળસ મરડી ઊભી થાય છે અને ખૂબ ઝડપથી ચા પી જાય છે.

સંજય અને વિશાલ કેસને લગતી વાત કરવાની શરૂઆત કરે છે ત્યારે કરણ બન્નેને રોકે છે: “સંજય, હું પહેલા માથાભારે અને ધ્યાનમગ્ન અપરાધીઓના સડી ગયેલા થોબડા જોવા માંગુ છું...  પછી આપણે કેસ ફાઇલ જોઈએ...”

કરણ, સંજય અને વિશાલ કોટડી તરફ આગળ વધે છે.  રાવજી, મનુ અને રસિક ઊભા થાય છે.  કરણ પહેલી કોટડી પાસે જાય છે.  અપરાધી ધ્યાન અવસ્થામાં બેઠો હોય છે.  એ અચરજ સાથે બીજી કોટડી તરફ આગળ વધે છે.  એમાં પણ એ જ સ્થિતિ જુએ છે.  છેલ્લી કોટડી તરફ આગળ વધે છે ત્યાં પણ અપરાધી શાંત રીતે ધ્યાન ધરતો હોય છે.  ત્રણેય અપરાધી જેલના સળિયા આગળ તેમની પીઠ દેખાય એવી રીતે બેઠા હતા એ વાત પણ કરણને અને બધાને વિચાર કરતી કરે છે.  કરણને પણ આવો કેસ જીવનમાં પહેલી વખત આવ્યો છે એવું લાગે છે.  ત્યાં અપરાધી આખી રાત કોઈ વાત કર્યા વગર પીઠ ફેરવી ધ્યાન કરતાં હોય એવું પહેલી વાર બન્યું હતું.  જાણે આજે જેલમાં વાતાવરણ પણ ધ્યાનમય બની ગયું હતું.  કરણ અને બીજા બધાને એ જેલની કોટડી નહીં પણ ધ્યાન ધરવા માટેનું આધ્યાત્મિક સ્થળ હોય એવું લાગે છે. 

કરણને ખબર નથી પડતી કે કયા અપરાધી સાથે અને કેવી રીતે વાતની શરૂઆત કરવી જોઈએ.  એ વિચાર કરતો ઊભો હોય છે ત્યાં છેલ્લી કોટડીની અંદરના અપરાધીનો અવાજ જેલમાં ચારે બાજુ ગુંજે છે. “ગુડ મોર્નિગ કરણભાઈ...  આવી ગયા તમે... હું તમારી જ રાહ જોતો હતો...”

 

ક્રમશ: