Dilotsav of grief. (A love story) books and stories free download online pdf in Gujarati

ગમનો દિલોત્સવ. (એક પ્રેમકથા)

ગમનો દિલોત્સવ ... એક પ્રેમ કથા.

અમીતા ખેડા જિલ્લાના એક ગામની સીધી સાદી 20 વર્ષની છોકરી છે. તેના પરિવારમાં તેના મોટાકાકા શશાંકભાઈ, તેમનો દીકરો રોશન અને પુત્રવધુ રોહણી અને અમીતાના પપ્પા. બધો જ વ્યવહાર અમીતાના મોટાકાકા જ કરે. અમીતાની મમ્મી તો એ ત્રણ વર્ષની હતી ત્યારે દેવલોક પામેલાં. તેનો ઉછેર તેનાં મોટાંકાકી સવિતાબહેને કરેલો. રોશનના લગ્ન પછી થોડા દિવસે સવિતાબહેન પણ અનંતની યાત્રાએ ચાલ્યાં ગયાં
અમીતા પોતાના જ ગામના એક બ્રહ્મણ જ્ઞાતિના છોકરા અમીત ને મનથી અસીમ પ્રેમ કરતી હતી. જો કે અમીતને પણ અમીતા ઘણીપસંદ હતી. પરંતુ તે અમીતાને પોતાના દિલની વાત કરતાં ડરતો હતો.
એક દિવસ હિંમત કેળવી શરમાતા શરમાતા અમીતાને કહ્યું, "અમીતા, હું તને અસીમ પ્રેમ કરું છું, શું તું મને પ્રેમ કરે છે ?" અમીતા શરમાઈને ત્યાંથી ભાગી ગઈ. પછી તો ઘણા દિવસો સુધી એકબીજાને દૂરથી જ નિહાળ્યા કરવાનો સિલસિલો ચાલુ રહ્યો.
આમ ને આમ એક દિવસ અમીતા અને તેની સખી આરતી ખેતરમાં જઈ રહ્યાં હતાં. ત્યાં તો અમીત પણ તેમનો પીછો કરતો આવી પહોંચ્યોને અમીતાને રોકીને બોલ્યો, "અમીતા, મારા સવાલનો જવાબ તો આપ." અમીતા બોલી : "કાલે જવાબ આપીશ, અત્યારે તું જા, મારા મોટાકાકા જોઈ જશે. કાલે સાંજે 07:00 વાગે અહીં આ ફાર્મહાઉસમાં મળવા આવજે." અમીત ચાલ્યો ગયો.
આરતીએ અમીતાને છંછેડતાં કહ્યું, "કયાં સધી તું બિચારાને આમ તેને તડપાવીશ, કહી કેમ નથી દેતી." તો આરતી એકદમ હસતાં હસતાં બોલી, "હું તો કેટલાય વખતથી તેને ચાહું છું, પરંતુ આટલા દિવસથી તે મને તડપાવી રહ્યો હતો હવે તો મારી વારી છે!"
બીજા દિવસની સાંજનો બંન્ને આતુરતથી રાહ જોતા હતા, આરતીએ ઘણી સુંદર અને પોતાને મનગમતી નીલા રંગની કુર્તી અને સફેદ સલવારને ધારણ કરી હતી. કાન પર સરસ મજાની બુટ્ટી પહેરી હતી. ખુલ્લા વાળ અને કપાળ પરની ચમકદાર બિંદી તો તેના લાવણ્યમાં ઓર વધારો કરતી હતી. તો બીજી બાજુ અમીત ચેક્સનું ગુલાબી શર્ટ અને હાર્ડ બ્લ્યૂ જિન્સ પહેરીને પોતાને વારંવાર અરીસામાં નિહાળ્યા કરતો હતો.
બંન્નેનું મન દિવાસ્વપ્નના હેતના હિડોળે હીંચતુંતું અને ઘડિયાળમાં સાત ક્યારે વાગે તેની આતુરતાથી રાહ જોતું હતું. અમીત તો નિર્ધારિત સમય પહેલાં જ ફાર્મહાઉસ પહોંચી ગયો અને અમીતાની રાહ જોતો રહ્યો. થોડી રાહ જોવડાવી પણ અમીતા આવી તો ખરી જ. અમીત તો એને જોતો જ રહી ગયો. તેના મોંઢામાંથી એકપણ શબ્દ નીકળતો નહોતો. અમીતાએ કહ્યું કે, "જોયા જ કરીશ કે પછી કંઈક બોલીશ." એટલે તે ઝબકીને જાગ્યો હોય તેમ બેબાકળો બની અમીતાને કહે કે, " અમીતા, આજે તું ખૂબ જ સુંદર લાગે છે. પેલી નીલગગનની સ્વપ્નપરી જેવી." અમીતના આ શબ્દો સાંભળી બોલી પડી, "આ બધો તારા પ્રેમના પ્રતાપનો જાદુ છે !" આશ્ચર્ય વ્યક્ત કરતાં અમીત બોલ્યો, "તો પછી આટલા દિવસ સુધી તે મને તડપાવ્યો કેમ ? તેં જવાબ કેમ ના આપ્યો ?". અમીતા બોલી "તને આમ તડપાઉ નહીં તો મને કેવી રીતે ખબર પડે કે તારા દિલમાં મારા માટે કેટલો પ્રેમ છે."
બંને ફાર્મહાઉસની અગાસીમાં ગોઠવેલા હીંચકા પર બેસીને ઝૂલવા લાગ્યા. અમીતા અને અમીત રોજ
આ રીતે મળતાં અને કલાકો સુધી વાતો કરતાં ઝૂલે ઝૂલતાં. અમીતા ઘણી વખત અમીત માટે નાસ્તો કે
ખાવાનું લઈને આવતી અને અમીતને પોતાના હાથે ખવડાવતી. તો અમીત પણ તેને માટે ફૂલ, કંગન કે ઝાંઝર જેવી અવનવી ભેટ લવતો અને અમીતાને આપતો હતો. બંને ઘણા ખુશ હતાં અને પોતાની પ્રેમભરી આ સૃષ્ટિમાં ધ્યાનસ્થ રહેતાં.
પરંતું આ નાનકડા ગામમાં આવી વાત કેવી રીતે છાની રહી શકે ! એક બે વાર ગામના લોકોએ આ બંનેને ફાર્મહાઉસની અગાસીમાં હીંચતા જોયા. આમ ને આમ આ વાત વાયુવેગે ફેલાતી ફેલાતી અમીતાના મોટાકાકા પાસે પહોંચી. આમેય તેઓ ગામના જમીનદાર અને પૈસાવાળા વ્યક્તિ હતા. અમીતના પિતાજી તો એક સામાન્ય ગણાતા બ્રાહ્મણ, જે એક નાનકડી દુકાન ધરાવતા માણસ હતા.
એક દિવસે રોજની જેમ જ અમીતા અને અમીત ફાર્મહાઉસની અગાશીના ઝૂલે એકબીજાની ગોદમાં ખોવયેલા હતા. અચાનક અમીતાના મોટાકાકા તથા ભાઈ રોશન અને ગામના 3 થી 4 માથાભારે માણસો સાથે આવી પહોંચ્યા. આ લોકોએ અમીતને અને અમીતાને નીચે બોલાવ્યા. અમીતને તે લોકોએ ઢોરને
મારતા હોય તેમ મારવાનું ચાલું કર્યું. અમીતા તો "અમીતને ના મારો" બૂમો પાડતી જ રહી. તેને તેના કાકા અને ભાઈ ઊંચકીને ગાડીમાં બેસાડી ઘેર લઈ ગયા. અમીતાને સૂચના આપતાં કહ્યું કે, "કાલથી તું આ ઘરની બહાર નહીં નીકળી શકે." અમીતાના પપ્પા પણ બોલ્યા કે, " જેમ બને તેમ, જલદી તેનો સંબંધ નક્કી કરીને પરણાવી દો."
અમીતને મારતા મારતા તેને ઘેર લાવ્યા.એટલામાં અમીતાના મોટાકાકા અહીં આવી ગયા. તેમણે અમીતના પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, "જુઓ શાંતિલાલ, કાલથી તમારો આ છોકરો ગામમાં દેખાવો ના જોઇએ. નહીંતર તમે તેને જીવતો નહીં ભાળી શકો." અમીતના પિતાજી પણ અમીત પર ઘણા ગુસ્સે હતા. તેમણે અમીતને બીજા દિવસે તેના માસાને ત્યાં આણંદ મોકલી દેવાનો નિર્ણય કર્યો.
અમીતાના પપ્પા પણ ગુસ્સે ભરાયા. તેમણે પણ અમીતાને ઘણી મારી. તેમણે અમીતાને કહ્યું કે, "તેં તો આ ખાનદાનની આબરૂ ધૂળધાણી કરી નાખી. હવે તારું ઠેકાણું હું શોધી ન લઉં ત્યાં સુધી આ ઓરડાની બહાર પગ નથી મૂકવાનો. આમ પ્યાર પર પહેરેગીર ગોઠવાયા.
બીજે દિવસે માસાને ઘેર જતા પહેલાં અમીતે અમીતાને એક પત્ર લખૅ આરતી દ્વારા મોકલાવ્યો અને તેમાં લખ્યું હતું કે આજે રાતે તું પરબડીએ મને મળજે. આપણે શહેર ભાગી જઈશું અને કોઈ રસ્તો ગોઠવીશું. અમીતે રાત્રે પરબડીએ અમીતાની ઘણી રાહ જોઈ પણ તે ના આવી. અમીતે માની લીધું કે અમીતાને મારે માટે પ્રેમ નથી અને તે તેના માસાને ઘેર જવા નીકળી ગયો. પછી તો ના કોઈ ફોન કે ના કોઈ જ વાતચીત. કોઈ એકબીજાને મળ્યા જ નહીં.
સમય વહેતો હતો. અમીતાનાં વિવાહ અખિલેશ સાથે નક્કી થયો. તે એક ભણેલો ગણેલો યુવાન હતો. નજીકના ગામમાં જ રહેતો હતો. અમીતાના દિલમાં આજે પણ અમીતના પ્રેમની જ્યોત જલતી હતી. અમીતા અને અખિલેશના લગ્ન પણ થઈ ગયાં. અમીતા શરીરથી અખિલેશની હતી પણ પરંતુ મનથી તો અમીતની હતી. આમ લગ્નને ત્રણેક વર્ષ થયાં અને અમીતા ગર્ભવતી બની. તેણે પૂરા સમયે એક દીકરાને જન્મ આપ્યો. હવે તે અમીતને ભૂલી ચૂકી હતી અને તેના બાળકમાં રત રહેતી હતી.
બીજી બાજુ અમીત પણ આણંદમાં P. T.C. કરી તે વડોદરામાં મ્યુનિસિપલ શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ગોઠવાઈ ગયો. તેણે ત્યાં અવની નામની શિક્ષિકા સાથે લગ્ન પણ કરી લીધાં હતાં. તેને ત્યાં એક દીકરી પણ હતી.
અમીતાનો દીકરો હિતાર્થ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનના વિષયો સાથે A ગ્રેડમાં સફળ થયો અને તેને પારૂલ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર ઍન્જિનિયરિગમાં પ્રવેશ મેળવી લીધો. તે ત્યાં જ હોસ્ટેલમાં રહી ભણતો હતો. બીજે વરસે તેની જ હોસ્ટેલ પાસે યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલમાં બધી જ ફેકલ્ટીમાંથી પસંદગી પામેલ 'ગીત ગૂંજન' સ્પર્ધકો ભેગા થયા હતા. હિતાર્થ પણ તેમાં જોડાયો હતો. આ સમગ્ર ગીત સ્પર્ધામાં છોકરાઓમાં પ્રથમ સ્થાને હિતાર્થ પટેલ અને છોકરીઓમાં હેત્વી મહેતા પ્રથમ હતા. હેત્વી મેડીકલ ફેકલ્ટીના પ્રથમ વરસમાં આ વર્ષે જ આવી હતી. તેના પિતાનું નામ અમીત મહેતા હતું. તે વડોદરાથી જ આવતી હતી, પણ યુનિવર્સિટીના નિયમ મુજબ ગર્લ્સ હોસ્ટેલમાં જ રહેતી હતી.
હવે તો યુનિવર્સિટીમાં કોઈપણ પોગ્રામ હોય તો આ જોડી ગીત ગાવા હાજર જ હોય. આમ કરતાં તે બંનેના દિલ ક્યારે જોડાઈ ગયા તે કોઈને ખબર જ ન પડી. રવિવારે બહાર ફરવા પણ જતા. તેમનો પ્રેમ સમય સાથે ગાઢ થતો ગયો. બંનેએ આ ડીગ્રી પૂરી થતાં કૅનેડા આગળ ભણવા જવાનું નક્કી કરી લીધું. હિતાર્થ હેત્વી કરતાં એક વર્ષ આગળ હતો. તે આ યુનિવર્સિટીમાં 89% સાથે પ્રથમ સ્થાને આવ્યો અને
તેને કેનેડાના ટોરન્ટોમાં એડમિશન પણ મળી ગયું. એ જ રીતે બીજે વર્ષે હેત્વી પણ મેડિકલ માં સારા એવા ટકાથી ડૉકટર બની ટોરન્ટો આગળ અભ્યાસ માટે પહોંચી ગઈ. હિતાર્થ તેની રાહ જોતો હતો.
ભારતમાં બંને પરિવારો પોતાના બાળકો પરદેશથી ભણીને પાછા આવે તે માટે ઉત્સુક હતાં.
હિતાર્થ કે હેત્વી કોઈએ પોતાના પ્રેમની જાહેરાત પરિવારમાં કરી જ ન હતી. બંનેને પોતાનો પરિવાર જૂનવાણી લાગતો હતો. બંનેએ ટોરન્ટોમાં ભણવા સાથે જરૂરી વ્યવસાય શરૂ કર્યો. સાથે જ રહેવા લાગ્યા. બે વર્ષ પછી પરિવારને જાણ કરી કે તેઓએ લગ્ન કરી લીધાં છે. લગ્નના ફોટા પણ મોકલ્યા. પાંચ વર્ષ પછી આ બંને એક ત્રીજા સદસ્ય સાથે ભારત આવ્યાં.
અમદાવાદના વિમાની મથકે હર્ષનું એક અનેરું દૃશ્ય સર્જાયું. અમીત અને અમીતાની આંખોમાં અંત સમયે મળ્યાનાં આંસુ હતા. સાથે સંતોષ એ વાતનો હતો કે તે બંનેના બાળકોએ એક નવી રાહ ઊભી કરી હતી. અમીતા તેના દીકરાના દીકરાથી અને ડૉક્ટર બહુબેટાથી રાજી હતી તો અમીત તેની દીકરીના દીકરા અને ઍન્જિનિયર જમાઈ અને દીકરીને મળી રાજી થયો. બંને પરિવાર પ્રથમ નડીઆદ આવ્યા. સાંજ પડતાં અમીત અને તેની પત્ની વડોદરા ચાલ્યા ગયા. બે દિવસ પછી બધા વડોદરા ભેગા થયા. તેઓ પણ સાંજે નડીઆદ પાછા આવ્યા.
રાત્રે અમીતાને હ્રદયરોગનો હુમલો થતાં તેને મહાગુજરાત હોસ્પિટલમાં દાખલ કરી. સવારમાં તેને દેહત્યાગ કર્યો. બધી વિધી પતાવી હિતાર્થ અને હેત્વી તેમના દીકરા સાથે કેનેડા પહોંચી ગયા. છ મહિનામાં હિતાર્થે તેના પિતા અખિલેશભાઈને પણ કેનેડા બોલાવી લીધા. તેઓ સમય પ્રમાણે ટોરન્ટો અને નડીઆદ આવતા જતા રહેતા.
આમ, એક નિરાશ પ્રેમ કથા આશાના તાંતણે ઉમળકા વચ્ચે હેતના હિલોળે ઝૂલતી કથામાં રૂપાંતર પામી તેનો આનંદ જોવા અમીતા તો ના રહી, પરંતુ અમીત એ પ્રેમના ઘૂંટને 'કભી ખુશી કભી ગમ'ને માણતો તે જિંદગી તેની 'નીલગગનની સ્વપ્નપરી'ની યાદમાં પસાર કરી રહ્યો છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ).
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐