Dustbin books and stories free download online pdf in Gujarati

ડસ્ટબિન

ડસ્ટબિન

"વોચમેન કાકા આજે પણ આ ડસ્ટબિન ખાલી ના કરાવી તમે ? બધો કચરો જુવોને બહાર નીકળ્યો છે ને આજુબાજુ કેટલી ગંદકી થઈ છે." પ્રતિમાએ એની સોસાયટીના વોચમેનને ખખડાવતા કહ્યું...

"કાલે કરાવી દઈશ બેન. આજે હું કામમાં હતો તો રહી ગયું." વોચમેને લગભગ રોજ જેવો જવાબ આપ્યો...

"કોઈને કંઈ પડી જ નથી. ત્રણ દિવસથી હું બોલું છું, પણ નથી સોસાયટીના લોકો સાંભળતા કે નથી વોચમેન સાંભળતો. બધા જ વ્યસ્ત જાણે ને હું એકલી જ નવરી બધું ધ્યાન રાખવા. હા બધાને વાપરવી છે ખરી... હમણાં એક દિવસ જો એને હટાવી દેવામાં આવે તો આખી સોસાયટી બૂમાબૂમ કરશે. પણ એને ખાલી કરવી પડે એવી કોઈને તમા જ નથી." સ્વગત બોલતા પ્રતિમા પોતાના ઘર તરફ ગઈ...

"કેમ છે પ્રતિમા ? આજે મારી ગુડ્ડીને સ્કૂલમાંથી ક્રાફટનું પ્રોજેક્ટ વર્ક આપ્યું છે. હમણાં મોકલું છું તું કરાવી દેજેને જરા." બાજુના ઘરમાં રહેતી એની હમઉમ્ર કાજલે કહ્યું...

પ્રતિમા આજે સખત થાકી ગઈ હતી. ઑફિસમાં આમ પણ કામ હતું ને એની બાજુના ટેબલ પર બેસતી રીનાને આજે મૂવી જોવા જવાનું હતું એટલે એ વહેલી નીકળી ગઈ અને એના ભાગનું કામ પણ પ્રતિમાને કરવાનું આવ્યું હતું. એને આજે વહેલું ઘરે આવવું હતું એની બાર વર્ષની દીકરી દિયાને આજે પ્રોમિસ આપ્યું હતું કે મોલમાં ફરવા જઈશું પણ કામના લીધે આવતા આવતા મોડું થઈ ગયું ને ઉપરથી આ ગુડ્ડી આવશે હમણાં ઘરે. આવા વિચારોમાં ને વિચારોમાં એ ઘર આગળ પહોંચી.

પ્રતિમા પ્રાઈવેટ કંપનીમાં એકાઉનટન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં એક લાંબી લડત બાદ એના અને એના પતિના છૂટાછેડા થયા હતા. જો દીકરી દિયાની ચિંતા ના હોત તો એણે ક્યારનોય પોતાની જિંદગીનો અંત આણ્યો હોત એ હદે એનો પતિ એને હેરાન કરતો હતો. એના ભાઈ ભાભીની મદદથી એણે છૂટાછેડા તો લીધા પણ એ શરતે કે એ પિયરમાં ખાલી મહેમાનની જેમ જ આવશે, બાકી એનો કોઈ હક રહેશે નહીં. જોકે એને એલમની ની ખાસી રકમ મળી હતી જે એણે બેંકમાં એફડી કરાવી દીધી હતી. એના વ્યાજમાંથી જોકે થોડાઘણા ખર્ચા નીકળી જતા પણ ઘરનું ભાડું, દીકરીની સ્કૂલ ફી જેવા પ્રશ્નો તો મોં ફાડીને ઊભા હતા અને તે માટે કોઈની આગળ હાથ ના લંબાવો પડે એ માટે એણે તરત જ નોકરી શોધી લીધી હતી.

દરવાજો ખોલતા જ એની દીકરી દિયાનો નારાજ સ્વર કાને પડે છે, "કેટલી મોડી આવી મમ્મી. આજે તેં પ્રોમિસ કર્યું હતુંને કે આપણે મોલમાં જઈશું. વહેલા જઈએ તો વધારે ફરવા મળેને આપણને.! કંઈ નઈ ચલ તું ફ્રેશ થઈ જા, હું તો તૈયાર જ છું, પછી ફટાફટ નીકળીએ."

દીકરી હજી પણ જવાની આશ લઈને બેઠી છે એ સાંભળીને પ્રતિમાના હૈયામાં રીતસરની ફાળ પડી. એને સમજ નહતી પડતી કે દીકરીને સમજાવે કે કાજલને. એણે દિયાને સમજાવવાની એક નાકામ કોશિશ કરી જોઈ પણ દિયા જવાની જ રટ લગાવી બેઠી હતી. જોકે પ્રતિમા પણ જાણતી હતી કે એની જવાબદારી અને કોઈને ના પાડી ન શકવા વાળા નરમ સ્વભાવના લીધે એ દિયાને અને પોતાની જાતને ઘણી વાર અન્યાય કરી બેસતી હતી. એણે દિયાના માયુસ ચેહરા સામે જોયું અને તરત જ નિર્ણય લઈ લીધો. એણે કાજલને ફોન કર્યો અને પોતાને બહાર જવાનું હોવાથી ક્રાફટનો સમાન મંગાવી દીધો અને સાથે ઉમેર્યું કે એ ક્રાફટ વર્ક રાતે આવીને કરશે તો કાજલ સવારે એની દીકરી સ્કૂલે જાય એ પહેલા એના ઘરેથી લઈ લે. એ ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈ ગઈ અને એ અને દિયા રિક્ષામાં બેસીને મોલ તરફ જવા રવાના થયા. મોલ બંધ થાય ત્યાં સુધી એ બંને એ ત્યાં ખૂબ જ મઝા કરી, જાણે એકધારી જિંદગીને થોડા દિવસ માટે રિચાર્જ કરી લીધી.

ઘરે પહોંચતા જ થાકેલી દિયા તો તરત ઊંઘી ગઈ પણ પ્રતિમા ઘર અવેરવામાં લાગી ગઈ. એણે બીજા દિવસ માટે દાળ ચોખા વાસણમાં ઢાંકીને મૂક્યા, શાક સમાર્યું ને બાજુવાળી ગુડ્ડીનું ક્રાફટ વર્ક કરવા બેઠી. સૂતાં સૂતાં એને લગભગ સાડા બાર થઈ ગયા. સવારે છ વાગે માંડ માંડ એ ઉઠી, કાજલના ઘરે જઈને ક્રાફટ વર્ક આપ્યું ને પછી પગમાં પૈડાં લગાવ્યા હોય એમ આખા ઘરમાં કામ કરવા લાગી. સાડા છ એ એકબાજુ દિયાને ઉઠાડીને તૈયાર કરી અને બીજી બાજુ રોટલી શાક તૈયાર કરીને એનું અને પોતાનું ટિફિન રેડી કરી દીધું. દિયાને સ્કૂલ વેનમાં બેસાડીને એ થોડી વાર છાપુ હાથમાં લઈને બેઠી. ચા પીતા પીતા એણે હેડ લાઇન્સ પર નજર નાખી અને થોડી વાર આંખો બંધ કરીને બેસી રહી. એણે મનોમન આખા દિવસના કામની યાદી બનાવી અને પાછી ઊભી થઈને રૂટિન પતાવવામાં લાગી ગઈ.

બેંકનું કામ હોવાથી એ આજે થોડી વહેલી નીકળી તોય ઑફિસની બસ છૂટી ગઈ. માત્ર દસ જ મિનિટ મોડી પડવા છતાં એને બોસની વઢ પડી. હજી ટેબલ પર જઈને બેસે છે ત્યાં રીનાએ એના કાલના કામને લઈને ટિપ્પણી કરી. પોતાનો વાંક ન હોવા છતાં એ સાંભળી રહી. એક તો કાલનો થાક ને ઉપરથી આ બધું, સવાર સવારમાં એનું મન ઉદાસ થઈ ગયું. ઓફિસમાં તો લગભગ એ આખો દિવસ એનો ખરાબ ગયો પણ હજી મુસીબત એની રાહ જોતી હતી. એ જેવી સોસાયટીમાં ગઈ સામેથી આવતી કાજલે બહારથી એને પકડી અને ગુડ્ડીનો ક્રાફટ વર્કમાં નંબર ના આવવા માટે એને દોષી ઠેરવી. પ્રતિમાની આંખોમાં રીતસરના ઝળઝિળયાં આવી ગયા. એ ઉદાસ પગલે સોસાયટીમાં અંદર પ્રવેશી ત્યાં જ એની નજર ડસ્ટબિન પર પડી જે હજી એમ જ પડેલી હતી, સોસાયટીના કચરાથી ભરચક અને તોય લોકો એમાં કચરો ઠાલવતા જતા હતા.

પ્રતિમાનું મગજ ફાટ ફાટ થઈ રહ્યું હતું, ઘરે જઈને એણે દિયાને વહાલ કર્યું અને ગેસ પર ચા ચડાવી. ચામાં આવતા ઉભરાની સાથે સાથે એના મગજમાં કેટલાય વિચારોના ઉભરા આવતા હતા. કડક મસાલા વાળી ચા પીતા જ એનું મન થોડું શાંત થયું ને એણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. જમવાનું બની જતાં એ દિયા સાથે બેઠી. એની નોટ બુક ચેક કરી, દિવસ દરમ્યાન એણે શું શું કર્યું એ બધી ચર્ચા કરી અને એને ભણાવવા બેઠી. જમ્યા પછી થોડો સમય એ બંને મોલમાંથી નવી લાવેલી બોર્ડ ગેમ રમ્યા ને ત્યાં રાતે દિયાના ઊંઘવાનો સમય થઈ ગયો.

"મમ્મી વાર્તા કહે ને." દિયા એ પ્રતિમાના ગળામાં હાથ નાખતા કહ્યું.

"આજે એમનેમ ઊંઘીજાને દીકરા." દિવસ દરમ્યાન થયેલી ઘટનાથી ખિન્ન પ્રતિમાએ દિયાને સમજાવતા કહ્યું.

"ઓકે મમ્મી.. " સહેજ ઉદાસ સ્વરે દિયા બોલી.

"મમ્મી કાજલ આન્ટી તને બોલ્યા એટલે તું ઉદાસ છે ને.?" દિયાએ પૂછ્યું..

પ્રતિમા એકદમ ચોંકી ગઈ અને બોલી, "તને કોણે કહ્યું.?"

"સાંજે અમે બધા રમતા હતા ને ત્યારે મેં ગુડ્ડીની પસંદગીની ગેમ રમવાની ના પાડી તો એણે મારી કીટ્ટા કરી દીધી અને બીજા બધા જોડે પણ કીટ્ટા કરાવી દીધી અને પછી એણે મને કહ્યું કે મારી મમ્મીને લીધે એનો ક્લાસમાં નંબર ના આવ્યો એટલે એની મમ્મી તને વઢશે. એની વાત સાંભળીને ત્યાં બધા મારી ઉપર હસતા હતા." દિયા એકદમ રડવા જેવી થઈ ગઈ.

પ્રતિમાએ દિયા ને તરત છાતી સરસી ચાંપી દીધી અને મનોમન નિર્ણય લઈ લીધો કે એ હવે ક્યારેય આવી રીતે મરી મરીને મદદ નહીં કરે. હા એ બીજાને મદદ કરવાનો પોતાનો મૂળભૂત સ્વભાવ ક્યારેય નહીં છોડે પણ હવે એ બીજાની જેમ જ પોતાની સહુલિયત પહેલા જોશે. સોસાયટીના નાકે પડેલી ડસ્ટબિન જેવી હવે એ નહીં રહે જેમાં બધા ઇચ્છે ત્યારે એમના દિમાગનો કચરો નાખી જાય. પોતાની દીકરી માટે રોલ મોડેલ ના બની શકે તો કંઈ જ નહીં પણ આવું ખોટું ઉદાહરણ તો એ ક્યારેય નહીં જ બને.

અને મન પરથી મોટો ભાર ઓછો થયો હોય એમ એ ગાઢ નિંદ્રામાં સરી ગઈ.

જય જિનેન્દ્ર 🙏🏼
©શેફાલી શાહ