journey books and stories free download online pdf in Gujarati

પ્રવાસ

પ્રવાસ
વાત્સલ્ય હોસ્પિટલ
સવારના ચાર વાગ્યા છે, વાત્સલ્ય હોસ્પિટલના ICU વિભાગમાં થોડી દોડાદોડી મચી ગઈ છે. એક પેશન્ટનું ઓક્સીજન લેવલ અચાનક બહુ વધારે ઘટી ગયું છે. વાત્સલ્ય કોવીડ કેરના ICU વિભાગના જનરલ વોર્ડમાં દસ પેશન્ટ એડમીટ છે. ચાર નંબરના બેડ પરના ચમનભાઈની તબિયત હવે વધારે બગડી રહી છે. નાઈટ ડયુટી પરના ડોક્ટર નર્સ બધા જ પોતાના થી બનતી દરેક કોશિશ કરે છે પણ એ લોકો ચીમનભાઈને બચાવી નથી શકતા. હોસ્પિટલ સ્ટાફએ તકેદારી રાખી હતી કે ICU વોર્ડના બીજા પેશન્ટને ચમનભાઈની વિદાય વિષે ખ્યાલ ના આવે પણ તેમ છતાંય આજુ બાજુના બે ત્રણ પેશન્ટને ચમનભાઈના મૃત્યુની ખબર પડી જ ગઈ.
આઠ વાગ્યે જયારે ડે ડયુટી પરના ડોકટર રાઉન્ડમાં આવ્યા ત્યારે ત્રણ નંબરના બેડ પરના વિમલાબેન બહુ ઉદાસ હતા એમનું મન બહુ વિચલિત હતું. ડોક્ટર બેડ નંબર એકના પેશન્ટને જોઈ રહ્યા ત્યારે અચાનક વિમલાબેન બુમો પાડવા લાગ્યા,
“જલદી મને આ ઓક્સીજન માસ્ક કાઢી આપો.આ બાટલાની સોય જલદી કાઢો. મારે ઘરે જવું છે. મારે અહિયાં નથી મરવું. મારે ઘરે જવું છે. મારે અહિયાં નથી રહેવું. મને જવા દો....”
ડોકટર શાહ જલદી જલદી એમની પાસે જાય છે. ત્યાં તો વિમલાબેન જાતે જ ઓક્સીજન માસ્ક કાઢી નાખે છે, હાથમાં લગાવેલી બાટલાની સોય કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. એ ખુબ જ વ્યગ્ર દેખાઈ રહ્યા હતા.
ડોક્ટર એમની પાસે જઈને પ્રેમથી બોલ્યા,
“માસી શું થયું તમને...? કેમ આટલા બધા ગુસ્સામાં, ઉકળાટમાં છો..?”
“કઈ નહી સાહેબ મારે અહિયાં રહેવું જ નથી. મારે જવું છે. બસ તમને મારી આ સોય કાઢી આપો. મારે જવું છે.”
“અરે અરે... માસી એવું ના કરો. જો બે ત્રણ દિવસમાં તમારી તબિયત સારી થઇ જાય એટલે તમને જવા જ દેવા છે. થોડી ધીરજ રાખો.” કહીને ડોકટરે વિમલાબેનનું ઓક્સીજન માસ્ક બરાબર લગાવી દીધું.
“ના હો ડોકટર મારે અહિયાં રહેવું જ નથી ને. મારે ચમનભાઈની જેમ.....” બોલતા બોલતા રડવા લાગ્યા.
હવે ડોકટર શાહ સમજી ગયા કે કેમ વિમલાબેન ઘરે જવાની જીદ કરી રહ્યા હતા. એમની આ જીદ પાછળ વહેલી સવારે ચાર નંબરના બેડ પર થયેલું ચમનભાઈનું દેહાંત કારણભૂત છે. ડોકટર શાહ અમુક ક્ષણો માટે એમ જ ચુપ રહે છે. કદાચ એ વિચારી રહ્યા છે કે વિમલાબેન જેવી જ સ્થિતિ આ વોર્ડના બીજા પેશન્ટસની પણ હશે, તો આ બધાને કઈ રીતે સમજાવવા. આ કોવીડ જેટલું માણસના શરીર પર અસર કરે છે એટલું જ એના મન પર પણ બહુ ખરાબ રીતે હાવી થઇ જાય છે. હવે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ મનથી હારી જશે તો પછી કોઈ મેડીકલ ટ્રીટમેન્ટ માટે એનું શરીર રિસ્પોન્સ જ નહી આપે અથવા જોઈએ એટલો રિસ્પોન્સ એનું બોડી નાં આપે. આ તો મન હોય તો માળવે જવાય એ કહેવત જેવું છે. જેટલો માણસ મનથી મક્કમ હશે, એની સાજા થવાની ઈચ્છા જેટલી પ્રબળ હશે એટલી જલદી એના પર દવાઓની અસર થવા માંડશે.આ વાતને તો મેડીકલ સાયન્સ પણ સારી રીતે માને છે. આખરે ડોકટર શાહે પોતાનું મૌંન તોડ્યું,
“વિમલા માસી હું તમને એક વાત કહેવા માંગું છું, તમે શાંતિ થી મારી વાત સાંભળજો.” ડોકટર વાત તો વિમલાબેન સાથે કરી રહ્યા હતા પણ એ થોડું મોટેથી બોલી રહ્યા હતા જેથી બીજા પેશન્ટ્સ પણ સાંભળી શકે.
“જુઓ માસી આપણું આ જીવન છે એક યાત્રા છે, પ્રવાસ છે. એમાં કોઈ પ્રવાસીનું સ્ટોપ,એનો મુકામ વહેલા આવી જાય તો એમાં આપણે થોડી એની સાથે જતું રહેવાનું વિચારી લેવાય...? માની લો કે તમે મોરબીથી રાજકોટ જવા બસમાં બેઠા, તમારા બાજુની સીટ વાળા ભાઈ કે બેનને ટંકારા સુધી જ જવાનું છે અને તમારે રાજકોટ જવાનું છે તો એ ટંકારા ઉતરી જાય તો તમે થોડું એવું વિચારવા લાગો કે ના ના મારે તો ટંકારા જ ઉતરી જવું છે,આગળ જવું જ નથી. આ તો જીવનનો પ્રવાસ છે એમાં કોઈ પ્રવાસીનું સ્ટોપ આવતા એ ઉતરી જાય તો બીજો કોઈ નવો પ્રવાસી પણ તમારી યાત્રામાં,પ્રવાસમાં જોડાય છે.ઉતરી ગયેલા,છૂટી ગયેલા પ્રવાસીની વિદાયના વસવસામાં વ્યસ્ત રહીશું તો નવા પ્રવાસીના આગમનનો આનંદ કેમ ઉઠાવીશું...? જુઓ આ તમારી બાજુના બેડ વાળા ચમનભાઈનું સ્ટોપ આવી ગયું તું, પણ તમારે તો હજુ બહુ દુર જવાનું છે.હજુ તો ઘરે જઈને કેટલા બધા કામ કરવાના હશે...દીકરા-દીકરીના લગ્ન કરવાના હશે અને જો થઇ ગયા હશે તો એમના દીકરા-દીકરીને રમાડવાના ને એમની સાથે ફરી બાળક બનીને રમવાનું છે. હજુ તો તમારા સ્તોપને બહુ વાર છે.ત્યાં સુધી આ જીવન યાત્રાનો આનંદ ઉઠાવો,એની ક્ષણે ક્ષણ ને જીવો. મનભરીને જીવો મનમાં ભરીને નહી. તમે હિંમત રાખો બધું સારું થઇ જશે. જુઓ હવે તો બે ત્રણ દિવસમાં તમને હોસ્પીટલથી ડીસ્ચાર્જ આપવાનો જ છે. ત્યાં સુધી ધીરજ અને હિંમત રાખો અને અમારા હોસ્પિટલ અને ડોક્ટર સાથેની આ યાત્રામાં અમને સહકાર આપો તમે જ આમ હિંમત હારી જશો તો અમે તમને સાજા કેમ કરીશું, બોલો...? વર્ષો બાદ તમારા બાળકો અને એમના બાળકોને આ કોરોનાની વાતો કરવા પણ જીવતા રહેવાનું છે ને..તો એના માટે અત્યારે હસતા રહો..મસ્ત રહો..આ પ્રવાસની મજા માણો અને અમને સહકાર આપો તો અમને પણ મજા આવશે તમારી સાથે આ પ્રવાસમાં. ચાલો આપણે બધા મળીને એક સરસ ગીત ગાઈએ, જેને જેવું આવડે એવું પણ ગાઈએ. ડોકટર શાહ બધા પેશન્ટ્સ સામે જોઇને બોલ્યા.
યુ હી કટ જાયેગા સફર સાથ ચલને સે..
કે મંઝીલ આયેગી નઝર સાથ ચલને સે...
યુ હી કટ જાયેગા સફર સાથ ચલને સે...
કે મંઝીલ આયેગી નઝર સાથ ચલને સે...
હમ હેં રાહી પ્યારકે ચલના અપના કામ...
પલભર મેં હો જાયેગી હર મુશ્કિલ આસન...
હોંસલા ના હારેંગે, હમ તો બાઝી મારેંગે...
યુ હી કટ જાયેગા સફર સાથ ચલને સે..
કે મંઝીલ આયેગી નઝર સાથ ચલને સે...
બધા પેશન્ટ્સ અને હોસ્પિટલ સ્ટાફ તાળી પાડતા પાડતા ગીતની મજા લઇ રહ્યા હતા. છેલ્લે ડોકટર શાહે કહ્યું કે,
“હવે કોઈએ હિંમત નથી હારવાની, આ કોરોના સામેની જંગ આપણે લોકોએ મળીને જીતવાની છે. ચાલો હવે હું તમારા બધાનું ચેક અપ કરી લઉં. પછી બધા નિરાંતે ચા-નાસ્તો કરી લો.”
“સાચી વાત છે ડોકટર તમારી હવે અમે બધા હિંમત રાખીશું અને હસતા રહીશું. જલદી સાજા થઈને ઘરે જવા માટે ભગવાનને પ્રાર્થના કરીશું.” વિમલાબેન હસીને બોલ્યા.
પૂર્ણાશની ડાયરીમાંથી
ડૉ.પુનિતા હિરેન સંઘાણી