Wheels keep spinning - 8 books and stories free download online pdf in Gujarati

પૈડાં ફરતાં રહે - 8

8

'તો બે કલાક રેસ્ટ લઈ દસ વાઇગાની દાહોદ નવસારી ટ્રીપમાં મારી વાલી (વહાલી) 1212ને લઈને જાવાનું હતું. હવાર હવારમાં સા પીધી, દાહોદમાં મળતા ઈંદોરી બટેટાપૌઆ ખાધા, ઇસ્ટોલ પર ઊભીને સાપું વાઈંસું, નાયા ધોયા ને ફરેશ હોત થ્યા. કંડકટર ઈ નો ઈ રફીક પાસો વળવાનો હતો.

વર્કશોપમાં જ હું કપડું ને પાણીનો ફુવારો મારવાનું લઈ મારી 1212 ના ટાયર પર સડ્યો. ઈના મોઢે હાથ નો ફેરવું તો મને નો સોરવે ને ઈને ય નો ગમે. મોઢું ઈટલે આગલા બે કાચ.

હું લુસતો'તો ન્યાં રેંકડી હારે મજુરને લઈ કોઈ જુવાન આઈવો. એક ગાદલું, એક લોઢાનો ફોલ્ડિંગ પલંગ, એકાદ નાનો ઘોડો ને એક ફોલ્ડિંગ ખુરશી. વર્કશોપના ઇન્ચાર્જ સાયેબે ઈને રોઇકો. કયે "આમ સીધા અંદર કેમ ઘુસી આવો છો ભાઈ?"

ઈ જુવાનીયો કયે, 'ઓફિસમાંથી પરમિશન લીધી સે. દાહોદ- નવસારી બસમાં સામાન સાથે લઈ જવાનો છે. લ્યો આ રીસીટ.'

બરાબર. બુક થયેલો સામાન હારે લઈ જવાનો હતો. મેં જ કીધું કે આ બસની ઉપર સડાવી દ્યો. પેલાં મજૂર ઉપર સડ્યો. ઇને ઉપર જુવાન અંબાવે (નીચેથી મોકલે) ઈમ નો ફાઈવું. ખુરશી અંબાવવા માટે હાથ ટૂંકો પઈડો ને ગાદલું બાંધેલું ઈ ખુલી ગ્યું. પસી જુવાન ને સડવું (ચડવું) પઈડું. નીસેથી મજુર અંબાવે ઈ એણે ખેંસવાનું. મજુરે ગાદલાંને ધક્કો મારી થોડું ઉપર ફેંઈકું. જુવાને ગાદલું બાંધેલું ઈ દોરડું હેન્ડલની જેમ પકડી ગાદલું સડાઈવું. ઈમ જ પલંગ, ઘોડો ને ખુરશી અંબાઈવાં. સામાન સડી ગ્યો ઈ કણે જુવાન ઉતરી ગ્યો. મજૂર ઉપર ગ્યો ને સામાન બસની ઉપર કેરીયરના રોડ હારે બાઈંધો. ઈ નીસે ઉતરી પૈસા લેતો'તો ન્યાં બીજાં પાર્સલ અમારા માણહે સડી ને બાઈંધાં.

રફીક આઇવો ને અમે બસ સ્ટાર્ટ કરી પ્લેટફોર્મ પર લાઈવા.

રફીકે પુઈસું કે આ સામાન એ એકલો કેમ લઈ જાય સે. જુવાન કયે ઈની બદલી નવસારી થઈ સે ને જણ હજી એકલો હોઈ રૂમ મળતાં એની આ ઘરવખરી હારે જ લઈ જાય સે.

રફીકે બધા સામાનની ટિકિટ ફાડી. બસ ઉપડી. અટાણે તો ટ્રાફિક હતો પણ હું તો આમ થી તેમ બસ કાઢતો, વસે આવે ઈને પોં પોં વગાડતો, પાસ લાઇટું મારતો હડેડાટ ભાઈગો. ખાસ કોઈ નવાજૂની વના વડોદરા આવી ગ્યું. વીસ મિનિટનો હોલ્ટ હતો.

બસ. હવે બે દી'. પસી ઠકરાણાંના હાથના રોટલા ખાવાના. આજે તો ઈ ની ઈ કેન્ટીન.

હું દાળભાત પ્લેટ ને છાશ મગાવું ન્યાં આજે હામેથી કારતિક દેખાણો. ઈ આવીને આજે તો મારી હામે બેઠો ને કયે 'કેમ સો મોટા ભાઈ?'

 

મને હારું લાઈગું. મેં કેવી રઈ ઈની પેલી ટ્રીપ ઈ પુઈસું. ઈ રાજી રાજી થતાં ઈની વાત કે'વા માઈંડો. જીવણ મા'રાજે હાસવ્યો તો. ઈની વાત પસી. ઈ નિરાંતે બસ હાંકતાં હાંકતાં કેવાસે. પેલાં મારે જે મારી આ ટ્રીપમાં બઈનું ઈ તમને પેલાં કઉં.

લો, વીસ મિનિટ થઈ ગઈ. હું કારતિકને રામરામ કરી, કેન્ટીનવાળાને ઈને ડાયરી રાખવી હોય તો ઈ કઈ, ઈને હાટુ ઈના પુરી શાક મારી ડાયરીમાં લખી ઈને એક સા (ચા) આપવા કહી બસમાં બેઠો ને સ્ટાર્ટ કરી.

બસ વડોદરા છોડી વળી એક્સપ્રેસ હાઇવે ઉપર વીસેક મિનિટ હાલી હશે. ન્યાં રફીકને કોઈએ કીધું, ઓલો જુવાન વડોદરાથી નો'તો સઈડો. નીચે રહી ગ્યો 'તો.

પાસા ઊંધા જાવા માટે બહુ આગળ નીકળી ગ્યા તા. હું થાય? જાવા દ્યો. ઉપર ઈનો સામાન સે ને?'

**

'તો હવે ભોમિયાની ભાષા સાંભળી તમે કંટાળ્યા હશો. કેટલુંક નહીં સમજાયું હોય. હું તો એના વગર કહ્યે એના મગજમાં શું ચાલે છે એ પણ સમજી જાઉં. હું સુરત જતા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડતી હતી.

પેલો જુવાન વડોદરા રહી ગયેલો. એનો સામાન મારી ઉપર કેરિયરમાં બાંધ્યો હતો. ભોમિયાએ કહ્યું તેમ માલિક રહી ગયો ને સામાન અમારી સાથે હતો. સામાનની ટિકિટ પણ એ યુવાન પાસે જ હોય ને?

બસ ઉપાડતા પહેલાં રફીકે બૂમ પાડી પૂછેલું કે બધા આવી ગયા છે ને? પેલા યુવાને આજુબાજુમાં પણ કોઈને પોતે ઉતર્યો છે એ કહ્યું નહીં હોય.

ભોમિયા કે રફીકથી કાંઈ થાય એમ નહોતું.

અમે સુરત પહોંચ્યાં. હવે અહીં પણ દસેક મિનિટ હોલ્ટ કરી એની રાહ જોઈ. ફરી રફીકે બેલ મારી અને ભોમિયાએ કંઈક સંતરાંની ચીર જેવું મોંમાં ચગળતાં મને ભગાવી. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સંતરાં સારાં મળે.

હજી હોર્ન મારતી બહાર નીકળી રસ્તે ચડું ત્યાં સિગ્નલની સામે બસ ડીપો તરફ આવતી એક બસ ઉભી. એનું બારણું ખોલતો પેલો રહી ગયેલો જુવાન હાથ ઊંચો કરતાં દોડતો મને દેખાયો. પણ ભોમિયાને દેખાવો જોઈએ ને? હું ટ્રાફિકમાં વળાંક વળીને આગળ નીકળી ગઈ.

સુરતનું સ્ટોપ તો પાઘડીપટ્ટે છે. એક બાજુથી એન્ટ્રી ને ખાસ્સી દૂર બીજી બાજુથી એક્ઝિટ. એટલે આવતી બસ માટે ઊંધા તો જવાય નહીં. સખત ટ્રાફિકમાં વચ્ચે ઉભા રહેવાય એમ પણ નહોતું.

નવસારી પહેલાં હવે એક જ સ્ટોપ રહે. વેસ્મા.

એ ગયું તો સામાન નવસારી ને જુવાન- એટલીસ્ટ સુરત તો પહોંચેલો. શું થશે એના બુક કરેલા સામાનનું? લોસ્ટ એન્ડ ફાઉન્ડ કે બિનવારસી ચીજ તરીકે રફીકને બધી ચીજ જમા કરાવવી પડશે. પછી એ સામાન ક્યાં ને કેવી હાલતમાં રહે એ નક્કી નહીં. એને છોડાવવા વળી લાંબી વિધી, ફરિયાદ, ફોર્મ, ને સાક્ષી - એ બધું કરવું પડે.

લોકો સહેજ તકેદારી રાખતા હોય તો!

ભર બપોરના શાંત રસ્તાઓ વચ્ચે હું પલાસણા થઈ વેસ્મા પહોંચવા આવી. પ્લેટફોર્મ ગોતી ઉભું ન ઉભું ત્યાં તો પાછળથી બીજી બસ થોડી ઝડપથી, અમારો પીછો કરતી હોય એમ આવી. અરે! આ તો જીવણ મા'રાજ. અને પાછલા દરવાજામાંથી હાથ કાઢતો કાર્તિક!

**

'જીવણ મા'રાજે ઈની બસ અમારી બસની મોર (આગળ) લઈ આડી કરી ઉભી રાખી દીધી. અમારો, અમારી બસને રીવર્સમાં લઈ પ્લેટફોર્મ પર જવાનો રસ્તો જ બ્લોક કરી દીધો.

બારીમાંથી કાર્તિકે બૂમ મારી, 'રફીકભાઈ, આ તમારી બસનો સામાન વાળો પેસેન્જર.'

કાર્તિક એક્ઝિટ ડોરની આડી ઠેસી ખોલે એ પહેલાં તો એ જુવાન ઘાંઘો થઈ પોતે જ દરવાજો ખોલી કૂદી પડ્યો. સાચે જ પડ્યો. ઘૂંટણ છોલાયું હશે.

સહેજ પણ ગતિ કરતાં વાહનમાંથી કૂદીએ એટલે પડીએ જ. વાહનની ગતિ પાછળ તરફ હોય અને તમે આગળ તરફ, એ પણ સામેની બાજુ લંબ દિશામાં કાટખૂણે કુદો. એટલે તમારું શરીર બસ સાથે ધીમી ગતિ કરતું હોય એની સાવ નેવું અંશ બાજુ જાઓ. તમારું શરીર સીધું ઉતરી જ ન શકે.

કાર્તિક 'અલા ડફોળ, એક ભૂલ તો કરી. આ બીજી મોટી ભૂલ થાત. તું બસનાં પાછલાં વ્હીલમાં આવી જાત.' કહી ખીજાયો. સાંભળ્યું ન સાંભળ્યું કરતો તે યુવાન ઉતરીને અમારી તરફ દોડ્યો. રફીક પાછળથી સીટી વગાડતો મારી પીઠે ધમ ધમ કરતા થપ્પા મારતો હતો ને અત્યંત ધીમે ધીમે ભોમિયો બસ પાછળ લેતો હતો. અરીસાનો ભરોસો છોડી પોતે સતત પાછળ જોતો આવતો હતો. એણે વચ્ચેથી મને ઉભી રાખી. પોતે કૂદીને યુવાનને કોલરથી પકડ્યો.

'ગધેડા, સહેજ ભૂલ થઈ હોત તો તારા પેટ પરથી વ્હીલ ફરી જાત. અડધી મિનિટ ઉભાતું નથી?' કહી પેલાને હચમચાવી નાખ્યો. કદાચ એક ઠોકી દીધી. પછી પોતે જ ઠંડો પડી કહે 'અમને વડોદરા સોડતાં જ ખ્યાલ આઇવો કે તમે નીસે રૈ ગ્યા સો. બસ આગળ નીકળી ગઈ. હવે ચંત્યા (ચિંતા) ન કરો. તમારો સામાન આ ર્યો.'

રફીક સામે જોઈ કયે, 'જણ બસી ગ્યો. ઈની ફરિયાદ નથી કરવી. બસારો નવી નોકરીએ જાય સે ને મુશ્કેલીમાં મુકાઈ જાહે. રોજ આંય ધક્કા ખાવા પડહે. તું કેબીને જઈને બસ લખાવી આવ. આને બાંધી રાખવાનો જ બાકી રાખીને હું ઈનો પેરો (પહેરો) ભરું સું.'

**

પછી એ યુવાન વડોદરા રહી કેમ ગયેલો? એની નીચે ઉતરી કાર્તિકે આમ વાત કરી.

તે યુવાન કેન્ટીનને બદલે સ્ટેન્ડની બહાર જમવાની દુકાનો છે ત્યાં કઈંક ખાવા ગયેલો. વીસ મિનિટ તો પૂરતી છે એમ માનીને. પછી પાછો આવ્યો ત્યાં હજી બસ ઉભી જોઈ તે બસસ્ટેન્ડના બીજા છેડે ટોયલેટમાં ગયો. ત્યાં તો બસ ઉપડી ગઈ.

આજુબાજુ કોઈ દાહોદથી આવતા પેસેન્જર નહોતા. આજુબાજુ બધા જ નવા લોકો ચડેલા એટલે કોને તેનો ખ્યાલ હોય?

તે મૂંઝાઈને કન્ટ્રોલ કેબીન પર આવ્યો. કંટ્રોલર એ વખતે એક સાથે આવતી ઉપડતી બસોનું એનાઉન્સ કરવામાં અતિ વ્યસ્ત હતો. યુવાન ફરી હાંફળોફાંફળો દોડતો આવ્યો. નસીબ સારાં કે કાર્તિક અને જીવણ મહારાજની બસ એ જ પ્લેટફોર્મ પર હતી અને પાછળ જ ઉપડતી હતી.

યુવાને પોતાની ઉંમરનો યુવાન કંડકટર જોઈ પોતાની આપવીતી કહી. ટિકિટ બતાવી.

આમ તો કન્ટ્રોલ કેબિન જાણ કરવી પડે. જીવણ મા'રાજે વળી દયા ખાધી. કાર્તિકને કહે, 'થવાનું થઈ ગયું. ભાઈની ટિકિટ નવસારી સુધી બીજી લઈ લો. રસ્તે ચેકીંગ આવે તો તમને તકલીફ ન પડે. નહીંતો કોઈને મફત મુસાફરી કરાવવા બદલ તમને સજા ને દંડ થાય. જે ટ્રીપમાં જતા હો એની જ ટિકિટ જોઈએ.'

કચવાતા મને યુવાને ટિકિટ લીધી. લઘુશંકા એને 125 રૂ.માં પડી. 120 વડોદરા નવસારી ટિકીટ અને 5 શૌચાલયના.

જીવણ મહારાજ સતત આગળ નજર રાખતા હતા. કદાચ 1212 આગળ દેખાય તો. એક વાર તો દેખાઈ પણ ખરી. મહારાજ હોર્ન પર હોર્ન મારતા બસ દોડાવતા આવ્યા પણ આ તો ભોમિયો! સીધા રસ્તે મજાલ છે કોઈની કે એને ઓવરટેક કરી શકે? એ કદાચ પાછળ જુએ તો પણ 85-90ની સ્પીડે પાછળ જીવણ મા'રાજ આવે છે ને તેને ઉભવા કહે છે એવો ક્યાંથી ખ્યાલ આવે?

તો પાછી હું1212. જીવણ મહારાજે પૂરતી સ્પીડ લીધી. હું સુરત છોડું ત્યાં તો પાછળ આવી પણ પહોંચ્યા. પણ અતિ વ્યસ્ત બસસ્ટોપ, અંદર ઠેરઠેર લોકોનાં ટોળાં અને સીધી લીટીમાં પ્લેટફોર્મ.

હું બહાર નીકળી ચુકેલી. મહારાજ સામેની બાજુ હતા. વળી યુવાને સામાન જતો જોયો ને પોતે કાંઈ કરી શક્યો નહીં.

ફરી યુવાન રડમસ થઈ ગયો. કાર્તિકે તેને આશ્વાસન આપ્યું કે લગભગ તો એક જ સ્ટોપ બાકી છે ત્યાં પકડી પાડશું.

કાર્તિકે સુરત પર હતો તેનાથી ઘણો ઓછો હોલ્ટ લેવરાવ્યો. સહુ પેસેન્જરને પણ આ યુવાનની સ્થિતિ કહી. સહુ સંમત થયા. મહારાજે જલ્દી બસ ઉપાડી અને અહીં લાવી મારી આડી તેમની બસ ખડકી દીધી.

હું છુસ્સ.. કરતી ગરમ હવા છોડતી ઉભી રહી. ગરમ ફ્લો આવતાં પ્લેટફોર્મથી ઉતરી પાકીટ કે થેલી ફેંકી જગ્યા રાખનારાઓ પાછળ હટયા.

**

'તઈં મારી 1212ને ઉભી રાખી મા'રાજ ની બસ એની બાજુમાં ઉભાડી જુવાનને પાસો મારી હાસી બસમાં સડાયવો. ઈનો સામાન બરાબર હતો. ઈ નો'તો. નવસારી સુધી ઈ નીસું જોઈ બેઠો ર્યો.

અમારે આવું ય થયે રાખે. એસટી એટલે હાસું ગુજરાત ને હાસા ગુજરાતીઓ.

ક્રમશઃ