Dumb cry - 2 books and stories free download online pdf in Gujarati

મૂંગુ રુદન - 2



ગતાંકમાં આપણે જોયું કે દિનકરભાઈ પોતાની દીકરીની વિદાયના વિરહમાં દુઃખી હોય છે અને લગ્નના છ મહિના બાદ રિયાનો ફોન આવે છે અને એનો રડમસ અવાજ સાંભળીને એમનાં મનમાં અનેક વિચારો દોડવા લાગે છે.

હવે આગળ......
" રિયા ! તને શું થયું ! કેમ આવું રડમસ અવાજે બોલે છે? " દિનકરભાઈ ગભરાયેલા અવાજે બોલ્યાં.

" પપ્પા ! હું હમણાં જ ત્યાં ઘરે આવું છું. " રડતાં - રડતાં એ બોલી.

" હા... બેટા! તું ક્યાં છે મને કહે તો હું લેવા આવું." થોડાં ગભરાયેલાં અવાજે દિનકરભાઈ બોલ્યાં.

" ના. હું ઑટોથી આવી જાઉં છું." એટલું કહીને એણે ફોન કટ કરી દીધો.

રિયાની વાત સાંભળીને ઘરનું વાતાવરણ તંગ અને તણાવવાળું બની ગયું. બધા કાગડોળે રિયાની આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. થોડી જ વારમાં રિયા આવી પહોંચી એ એની મમ્મીને ગળે લાગીને રડવા લાગી. ઘરનાએ એને ચૂપ કરાવી પાણીનો ગ્લાસ આપ્યો એને શાંતિથી બેસવા કહ્યું પછી શું થયું એ જણાવવા કહેલું.

" પપ્પા ! સાકેતનો અને એના ઘરનાનો મારા તરફનો વ્યવહાર બદલાઈ ગયો, સાકેત મારી સાથે વાત નથી કરતાં અને એના મમ્મી પણ મને બધી વાતે હેરાન કરે છે કામની બાબતમાં અને મારી સાથેના વ્યવહારમાં પણ ખરાબ વર્તે છે. સીધી રીતે કાઈ નથી બોલતાં, જ્યારે પણ હું સાકેતને આ વિશે પૂછું છું તો એમની ચુપ્પી તોડવાનું નામ નથી લેતા અને એક પણ હરફ ઉચાર્યા વિના ત્યાંથી ચાલ્યાં જાય છે. "

આટલું કહીને રિયા બંને હથેળી વડે ચહેરો છુપાવી રડવા લાગી. એના પપ્પાની આંખો ભરાઈ આવી હતી.

બે - ત્રણ કલાક બાદ એની સાસરીમાંથી દિનકરભાઈના ફોન પર ફોન આવ્યો "રિયા ત્યાં આવી છે ?"

" હા ! પણ સાકેતકુમાર થયું છે શું તમેં અને ..... "

દિનકરભાઈ આટલું જ બોલે છે ત્યાં જ સામેથી સાકેતની મમ્મીનો મોટેથી બોલવાનો અવાજ આવ્યો " તમારી દીકરી તો અમે ઘરમાં નહોતાં ત્યારે અમને કહ્યા વગર ત્યાં આવી ગઈ તો હવે તમારી દીકરીને ત્યાં જ રાખજો. તમને કાંઈ સમાજની પડી છે કે નહીં. તમારું નામ ખરાબ થશે, સમાજમાં અને ઓળખીતામાં તમારી દીકરીની વાતો થશે, લોકો શું કહેશે એની પણ પરવા નથી તમને !" અને ફોન કટ થઈ ગયો.

દિનકરભાઈ વિચારોમાં પડી ગયા અને ઘરની બહાર હીંચકા પર જઈને બેસે છે અને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. એ દિવસ તો એમ જ પસાર થાય છે. બીજે દિવસે સવારે અનેક વિચારોના યુધ્ધમાંથી પસાર થયા બાદ દિનકરભાઈ ચા પીને સીધા રિયાને પોતાની પાસે બોલાવે છે અને પરિવારના બધા સદસ્ય પણ ત્યાં જ હોય છે.

દિનકરભાઈ ઉદાસ ચહેરે અને અચકાતા અવાજે
" રિયા ! જે પણ વાત હોય આપણે શાંતિથી સુલેહ અને સમજૂતી કરવાની હોય, લગ્ન બાદ તો દીકરી એના ઘરે જ શોભે. આપણે જાતે જ લોકોને, સમાજને આપણી વાતો કરવાનો મોકો શું કામ આપવાનો ? ચાલ હું તને મુકવા આવું. "

પપ્પાના મોંઢે આવા શબ્દ સાંભળીને રિયાને આશ્ચર્ય સાથે આઘાત પણ લાગે છે. "આ મારા પપ્પા બોલે છે? શું લગ્ન પછી એમના માટે આટલું બધું પરિવર્તન આવી ગયું કે આજે મારી માનસિક હાલત કેવી છે એ પણ સમજવા તૈયાર નથી !" રિયા મનમાં અનેક પ્રશ્ન જન્મે છે અને એ વિચારમાં પડી જાય છે.

" પપ્પા ! તમે રહેવા દો. રિયાને એના ઘરે હું મૂકી આવું."
રિયાનો ભાઈ અમિત ગાડીની ચાવી હાથમાં લેતાં બોલ્યો.

એના પપ્પાની આવી વાતો સાંભળીને રિયા સુન્ન થઈ ગઈ. એની સાથે ત્યાં જે વ્યવહાર થયો અને એણે જે પરિસ્થિતિનો સામનો કર્યો હતો એનું કારણ શું હોઈ શકે એ પણ એને જાણવાનો અધિકાર નહોતો? મનોમન અનેક વિચાર અને પ્રશ્નોથી ઘેરાયેલી એ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. એના પપ્પાના વિચારોને ધિક્કારતી કંઈપણ બોલ્યાં વગર પોતાની બેગ લઈ આવી અને આંખોમાં આંસુ સાથે ચુપચાપ ઘરની બહાર જઈને ઊભી થઈ ગઈ. એના ભાઈ સાથે એ પોતાની સાસરીમાં જવા નીકળી એણે પાછળ ફરીને એકવાર પણ કોઈપણ સદસ્ય તરફ જોયું નહીં. આ ઘર અને ઘરના બધા સદસ્ય એને અત્યારે પરાયા હોય એમ લાગ્યું. એ દિવસે એ ઘરે પહોંચીને પોતાના રૂમમાં જઈને ધ્રુસકે - ધ્રુસકે રડેલી.

એના ત્યાં ગયા બાદ પંદર દિવસ થઈ ગયાં હતાં પણ એનો એકપણ ફોન ન આવ્યો. દિનકરભાઈ અને એમના પત્ની બેચેન હતાં. એમણે એના ઘરે જ જવાનું નક્કી કર્યું. જેથી એ ત્યાંની સ્થિતિનો તાગ મેળવી શકે. એ બંને જરા પણ સમય બગાડ્યા વગર તરત જ જવા નીકળ્યા.

રિયાના ઘરનો ડોરબેલ વાગે છે. રિયાના સસરા દરવાજો ખોલે છે. એ બંનેને ઘરમાં આવકાર આપે છે પણ એમને જોતા જ એની સાસુ મોઢું ચઢી ગયું હતું. એ સ્પષ્ટ જણાતું હતું.

"જય શ્રી કૃષ્ણ" આટલું બોલીને એ રસોડામાં ચાલ્યા જાય છે, તરત જ રિયા પાણીના ગ્લાસ લઈને આવે છે. એના ચહેરા પર થાક અને નિરાશા વ્યાપેલા હતાં. એના મમ્મી પપ્પાને જોઈને પણ એને કોઈ આનંદ થયો નહોતો. બંનેને પગે લાગી એ પાછી રસોડામાં ચાલી ગઈ.

એના મમ્મી - પપ્પા આશ્ચર્યમાં પડી જાય છે એમને હતું કે એમની દીકરી એમને જોઈને તરત ગળે લાગી જશે પણ એ ખોટા પડ્યાં હતાં. એ જેટલીવાર સુધી ત્યાં બેઠાં એમાં એકવાર પણ રિયા આવી નહીં ફક્ત ચા આપીને જતી રહેલી.

એની મમ્મીએ એની પાસે જઈને વાત કરવા પ્રયત્ન કરેલો પણ એણે કોઈ રસ દાખવ્યો નહોતો. એ લોકો દુઃખી અને હારેલા મનથી ઘરે પાછા ફર્યા. આ વાતને ચાર મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. એકદિવસ અચાનક રિયાનો ફોન આવ્યો એણે એની મમ્મીને રડતાં - રડતાં કહેલું " મમ્મી ! હું શું કરું મને સમાજતું નથી. સાકેત અને એની મમ્મીનો વ્યવહાર મારા તરફ વધુને વધુ ખરાબ બન્યો છે."

" બેટા ! તું શાંત થા. રડીશ નહીં, હું તારા પપ્પાને વાત કરીશ અને કંઈક રસ્તો ચોક્કસ નીકળશે.

જ્યારે રિયાની મમ્મીએ પોતાના પતિ દિનકરને બધી વાત કરી ત્યારે એ વિચારમાં પડી ગયાં. હવે શું કરવું એ એમને સમજાતું નહોતું. 'હવે શું કરવું ' એ વિચારમાં એમણે બંને પક્ષના નજીકના સગાને જાણ કરવા વિચાર્યું પણ એમના પત્ની તરત બોલી ઉઠ્યાં હતાં " ના. આપણે કોઈને કાઈ જાણ કરવી નથી. એ લોકો પછી બધે ન હોય એવી વાતો ફેલાવશે અને આપણી અને આપણી દીકરીની બદનામી થશે. "

આ વાત રિયાના પપ્પાને ઘણે અંશે સાચી લાગી એમના મતે પણ એમની દીકરીનું દુઃખ કે વેદના નહીં પણ સમાજ અને અન્ય લોકો મહત્વ રાખતા હતાં.

એમણે એના સાસરીવાળા સાથે વાત કરવા પ્રયત્ન કર્યો તો "તમારી દીકરીને કોઈ દુઃખ નથી અને તમને એમ લાગતું હોય તો લઈ જાઓ. " આવો જવાબ સાંભળીને એમણે ચુપ્પી સાધી લીધી.

થોડાં દિવસો પસાર થયા કે તરત સાકેતનો ફોન આવ્યો
" હલો ! હલો...! રિયા હોસ્પિટલમાં છે." એના અવાજ પરથી એ ગભરાયેલો જણાતો હતો.

"કઈ હોસ્પિટલમાં"

"લાઈફકેર હોસ્પિટલ"

સાકેતની વાત સાંભળીને દિનકરભાઈ ત્યાં સોફામાં ફસડાઈ પડ્યાં. એ જોઈને ઘરના અન્ય સદસ્ય એમની પાસે આવીને અનેક પ્રશ્નો સાથે એમને ઘેરી વળ્યાં. દિનકરભાઈએ બધી હકીકત જણાવી અને પોતાના દીકરા અને પત્ની સાથે હોસ્પિટલ જવા નીકળ્યા.

જેવા એ લોકો ત્યાં પહોંચ્યા તો એના સાસુ - સસરા અને સાકેત ચુપ્પી સાધી એમને જોઈ રહ્યાં. એણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો એ જાણીને રિયાના મમ્મી - પપ્પાના માથા પર જાણે આભ તૂટી પડ્યું હોય એવું લાગ્યું.
દિનકરભાઈને પોતના પર ગુસ્સા સાથે ઘૃણા પણ થવા લાગી કે પોતાની દીકરીએ બધું જણાવેલું છતાં વાતને ગંભીરતાથી લીધી નહિ અને સમાજના ડરથી ચૂપ રહ્યાં માટે જ આજે દીકરીની આ હાલત થઈ. કલાકો પસાર થયા બાદ ડોક્ટર સઘળા પ્રયત્ન બાદ પણ રિયાને બચાવી શક્યાં નહોતાં એ જાણીને એ હૈયાંફાટ રુદન કરવા લાગ્યાં. એની અંતિમક્રિયાની વિધિ પત્યા બાદ એનો ભાઈ અમિત એના રૂમમાં ગયો અને એની ડાયરી લઈને આવી ગયો. એ જાણતો હતો કે રિયા છેલ્લાં પાંચ વર્ષથી એના જીવનની મહત્વની દરેક ઘટનાઓ ડાયરીમાં લખતી. એ ડાયરીમાં શું લખ્યું હશે એ જાણવાની એને ઉત્સુકતા હતી પણ ત્યાં ઉપસ્થિત અન્ય સગા - સંબંધી અને ઓળખીતાને ધ્યાનમાં રાખીને એણે ઘરે આવ્યા બાદ ઘરના બધા સભ્ય સામે એ ડાયરી વાંચી સંભળાવી.

એ વાંચતા સમજાયું કે એનો પતિ સાકેત અન્ય છોકરીને પસંદ કરતો હતો અને એને જ પ્રેમ કરતો હતો પણ એનો પરિવાર એ છોકરીને પસંદ કરતો નહોતો. એણે રિયા સાથે લગ્ન પણ એના પરિવારના દબાણથી જ કર્યા હતાં. આ જ કારણથી એનો રિયા પ્રત્યેનો વ્યવહાર ગુસ્સા વાળો અને નિરશ રહેતો. એ રિયાને કોઈપણ રીતે પત્ની તરીકે અપનાવી શકતો નહોતો.

બીજી તરફ સાકેતની મમ્મી રૂપિયા અને મોંઘી વસ્તુઓની લાલચુ હતી. એ સામે મોંઢે કાંઈ કહે કે માંગે તો ગુનામાં આવે માટે એ રિયાને આડકતરી રીતે, બીજા કામમાં હેરાન કરતી જેથી રિયા એ વાત સમજે અને એના પરિવારને જણાવે તો એના ઘરના પોતાની દીકરીનું ઘર સાચવવા અને એને ખુશ જોવા એમની જરૂરિયાત અને ઇચ્છાઓ પુરી કરે. ડાયરીમાં લખાયેલી આ બધી ઘટનાઓ જાણ્યા બાદ દિનકરભાઈ અને એમની પત્ની પોક મૂકીને રડવા લાગ્યાં. આ બધું જાણ્યા બાદ અમિતે એના સાસરી પક્ષ સામે કાયદેસર કાર્યવાહી કરવા તૈયારી દાખવી પણ ત્યારે પણ દિનકરભાઈએ " બેટા ! એ બધું કરવાથી રિયા થોડી પાછી આવવાની ? જ્યારે ખરા અર્થમાં કરવું જોઈતું હતું ત્યારે તો આપણે કાંઈ કર્યું નહીં " આંખોમાં આંસુ સાથે આટલું કહીને એમણે અમિતને પણ કાર્યવાહી કરવાથી રોકી લીધેલો.

રિયાના પપ્પાના આ વ્યવહાર પાછળ એમનો સ્વભાવ જવાબદાર હતો. એ પહેલેથી જ શાંત અને જતું કરવાવાળા કોઈને નુકશાન ન પહોંચાડવામાં માનતા.

આ ઘટનાને જેમ સમય પસાર થતો ગયો બધા પોતપોતાના જીવનમાં ઢળવા લાગ્યાં અને બધું ભૂલતાં ગયાં પણ દિનકરભાઈ એ દિવસથી આજ સુધી એ પોતાનો દોષ હોવાનું માનીને ભાર હેઠળ જીવતા હતાં. ક્યારેક એકાંતમાં રડતાં અને રિયાના ફોટોને જોઈને એની સાથે વાતો કરતાં એ રિયાના ફોટોને એમની પત્નીથી છુપાવીને બીજા ડ્રોઅરમાં લોક કરીને રાખતાં હતાં. જેથી એ જોઈ ન શકે કેમ કે એમની પત્ની જ્યારે પણ રિયાનો ફોટો જોતી કે વાત સાંભળતી તો સતત રડતી રહેતી અને એની તબિયત ખરાબ થઈ જતી.

આજે પણ દિનકરભાઈ વુડનની નાની ફ્રેમમાં ફિટ કરેલાં રિયાના ફોટોને જોઈને " બેટા ! મારે તને ઘણું કેહવું છે પણ કઈરીતે કહું? મારું દુર્ભાગ્ય કહું કે મારી ભૂલની સજા કહું ! હું તો તારી સાથે વાત કરીને મારા હૈયાંનો ભાર પણ હળવો નથી કરી શકતો. હું સમાજના ડરથી ખોખલી કહેવાતી આબરૂ માટે મેં તને મરવા મજબૂર કરી. જે કંઈપણ થયું એના માટે હું જ જવાબદાર છું. હું સ્વાર્થી થઈ ગયો હતો.

હું જાણતો હતો કે તું બહુ જ નાજુક સ્વભાવની હતી તારાથી કોઈનું ખરાબ વર્તન સહન ન થતું અને તું રડવા લાગતી અને ખાવાનું પણ ન ખાતી અને કોઈ સામે ક્યારેય મોટા અવાજે ન બોલતી, માટે જ મને શરૂઆતમાં તો લાગ્યું હતું કે તું તારા સ્વભાવના કારણે નાની નાની વાતોમાં આવું કરતી હોઈશ પણ પછી સમજાયું કે ત્યારે પણ હું ચૂપ જ ....." મનોમન આવું બોલતાં રિયાના પપ્પા મૂંગા ડૂસકાં ભરવા લાગ્યાં. એમને અસહ્ય પીડા થઈ રહી હતી પણ એ કંઈપણ બોલી કે કરી શકતાં નહોતાં. આ પીડા તો એમની સાથે આજીવન જોડાઈ ગઈ હતી. પોતાની દીકરીના લગ્નના સમયનો વિરહ તો હતો પણ એને એના ઘરે વળાવ્યાનો આનંદ પણ હતો પણ એણે પોતાનો જીવ ગુમાવ્યો અને એનો સાથ અને હાથ છૂટ્યો એની અસહ્ય પીડા એમના મૂંગા ડૂસકાંમાં સમાઈ ગઈ હતી.

સમાપ્ત
✍.... ઉર્વશી "આભા"