Gothvan dot com books and stories free download online pdf in Gujarati

ગોઠવણ ડોટ કોમ.

‘‘સાહેબ, આપણી ઓફિસનાં સ્ટાફની યુનીટી ખૂબજ સારી છે. બધાં હળીમળીને રહે છે. આપની જગ્યાએ પટેલ સાહેબ હતાં તેમણે ક્યારેય કોઈને લાગવા જ ન્હોતું દીધું કે તેઓ બોસ છે.’’ પટાવાળાએ વિનાયક ગાંધીને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું.

બે વર્ષનો પ્રબેશન પીરીય઼ડ પૂરો કરીને અઠ્ઠાવીસ વર્ષનો વિનાયક આજે જ સરકારી કચેરીમાં હાજર થયો હતો. શહેરથી દૂર બની રહેલાં ડેમ પાસે કચેરીનું બેઠા ઘાટનું મકાન હતું. સ્ટાફનાં તમામ નવ માણસો સાથે હેડક્લાર્ક પંડ્યાજીએ દરેક ટેબલ પર ફરીને વિનાયકનો પરીચય કરાવ્યો હતો. પરીચયવિધિ પૂરી થઈ ગયા બાદ વિનાયકે તેની કેબીનમાં બેસીને ઊંડો શ્વાસ લીધો.

વિનાયકે ટેબલ પર પડેલી ફાઈલો જોવાનું શરૂ કર્યું. અચાનક પંચાવન આસપાસના પંડ્યાજી આવી પહોંચ્યા. ‘‘સાહેબ, અહીં તમામ સ્ટાફ વચ્ચે સંપ ખૂબ સારો છે.’’

વિનાયકે  ફાઈલમાંથી માથું ઊંચુ કરીને પંડ્યાજીની સામે જોયું.

‘‘ગાંધી સાહેબ, મારે તો માંડ ત્રણેક વર્ષ બાકી છે. તમારે તો આખી જિંદગી આ ડીપાર્ટમેન્ટમાં કાઢવાની છે.’’

‘‘પંડ્યાજી, મુદ્દાની વાત કરો.’’ વિનાયકે પંડ્યાજીની આંખમાં જોઈને કહ્યું.

‘‘ગાંધી સાહેબ, અહીં બધું ગોઠવણ ડોટ કોમ. પ્રમાણે જ ચાલે છે.’’

‘‘એ વળી કઈ સાઈટનું નામ છે?”

‘‘સાહેબ, એ સાઈટનું નામ નથી. અહીં વર્ષોથી બધું એ રીતે ગોઠવાઈ ગયું છે કે દર પહેલી તારીખે કોન્ટ્રાક્ટર વાગ્લેનો માણસ બધાંને નિયત રકમનું કવર આપી જ જાય છે. ‘પગારની જેમ જ.’ પંડયાજીએ ખંધુ હસીને કહ્યું. પાન ખાધેલા તેમના લાલ દાંત જોઈને વિનાયકને વધારે ચીડ ચડી.

વિનાયક ઉંમરનાં પ્રમાણમાં ઘણો ઠરેલ હતો. પહેલે જ દિવસે તે કોઈ સમસ્યા ઉભી કરવા માંગતો ન્હોતો. પંડ્યાજી જે રીતે હિમ્મતપૂર્વક તેની સામે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા હતા તેનાં પરથી વિનાયકને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે અહીં બધાં હળી મળીને લાંચ લે છે તેથી ફરીયાદ પણ કોણ કોની કરે ?

વિનાયકનું ધ્યાન સામેની દિવાલે લટકાવેલાં ગાંધીજીનાં ફોટા પર પડ્યું. ફોટા નીચે લખ્યું હતું. Honesty is the Best Policy. પંડ્યાજી ગયા એટલે વિનાયક વિચારે ચડી ગયો. પ્રોબેશનનાં બે વર્ષનો પીરીયડ તેણે શહેરની હેડઓફિસમાં જ ગાળ્યો હતો. સદનસીબે ત્યાં તેને આવી કોઈ પરીસ્થિતિનો સામનો કરવાનું આવ્યું જ ન્હોતું. વળી આ કચેરીમાં ઉંમરમાં સૌથી નાનો વિનાયક જ હતો.

વિનાયકને પપ્પા યાદ આવી ગયા. પપ્પા શહેરની શ્રેષ્ઠ સરકારી શાળામાં શિક્ષક હતાં. ખૂબજ પ્રમાણિકતા પૂર્વક જીવન જીવ્યા હતાં. પપ્પાનું અવસાન થયું ત્યારે વિનાયક બારમાં ધોરણમાં હતો. સીવીલ એન્જીનીયરીંગમાં એડમીશન તો મળી ગયું હતું. પણ ફી ભરવાની મોટી મુશ્કેલી ઉભી થઈ હતી કારણ કે પપ્પા પાસે બચતનાં નામે મોટું મીંડુ હતું.

જોગાનુજોગ પપ્પાનાં જ હાથ નીચે ભણી ગયેલ ધનરાજ શેઠે વિનાયકની ફી નો ખર્ચ ઉપાડી લીધો હતો. ધનરાજ શેઠ શહેરનાં નહિં બલ્કે સમગ્ર રાજ્યનાં સૌથી મોટાં ઉદ્યોગપતિ હતાં. સરકારી નોકરી મળી ત્યારે વિનાયકે ધનરાજ શેઠનાં આશિર્વાદ લીધા હતાં. ધનરાજ શેઠ બોલ્યા હતાં. ‘‘વિનાયક હું બીઝનેસમાં પણ ખૂબ જ પ્રમાણિકતાથી આગળ વધ્યો છું. પ્રમાણિકતાને હું મારો જીવનમંત્ર બનાવવાનું તારા પપ્પા પાસેથી જ શીખ્યો હતો. તું પણ પ્રમાણિકતાથી નોકરી કરજે.”

વિનાયકે ઓફીસમાં થોડા દિવસોમાં જ સુપેરે કામ સંભાળી લીધું હતું.  વિનાયક સ્ટાફ સાથે  કામ સિવાય વાત કરતો ન્હોતો. ઓફિસ સ્ટાફમાં વિનાયકની છાપ શાંત, ઠરેલ અને સાઈલેન્ટ વર્કરની પ્રસ્થાપિત થઈ ગઈ હતી. પહેલી તારીખ આવી એટલે કોન્ટ્રાક્ટર વાગ્લેનો માણસ રાબેતા મુજબ દરેકનાં ટેબલે કવર મૂકીને છેલ્લે વિનાયકની કેબીનમાં પ્રવેશ્યો. વિનાયકે કોન્ટ્રાક્ટરનાં કાળા અને હટ્ટાકટ્ટા માણસનું નિરીક્ષણ કર્યું.

‘‘સાહેબ... બક્ષિસ’’ એટલું બોલીને કાળીયાએ કવર વિનાયકનાં ટેબલ પર મૂક્યું.

‘‘ભાઈ, તું આ કવર પાછું લઈ લે. હું લાંચ લેતો નથી.’’ વિનાયકે મક્કમતાથી કહ્યું. પેલો  માણસ દુનિયાની આઠમી અજાયબી જોતો હોય તેમ વિનાયકને તાકી રહ્યો. હકીકતમાં તે કાળીયા માણસે કેબીનમાં આવતાં પહેલાં હેડકલાર્ક પંડ્યાજીની સામે કવર સાથે હાજર થયો હતો.

અચાનક પંડ્યાજી કેબીનમાં પ્રવેશ્યા ‘‘ગાંધી સાહેબ, તમે આ કવર નહિં લો તો આપણો દેશ ભષ્ટ્રાચાર મુક્ત થઈ જશે તેમ માનો છો ? ’’

‘‘મીસ્ટર પંડ્યા, હું શું માનું છું. તે નક્કી કરનાર તમે કોણ’’ વિનાયકે પંડ્યાજીની ઉંમરનો લિહાઝ રાખીને નીચા અવાજે કહ્યું.

‘‘સાહેબ, આટલી નાની ઉંમરે શા માટે મોટાં માથાઓ સામે પંગો લો છો? પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર બાંધવાનું?’’ કાળીયાએ વણમાગી સલાહ આપતાં કહ્યું.

હવે વિનાયકનું મગજ છટક્યું. ‘‘તમે લોકો મારું શું બગાડી લેશો ? બહુ બહુ તો મારી ટ્રાન્સફર કરાવશો એટલું જ ને...’’

દરમ્યાનમાં કોન્ટ્રાક્ટર વાગ્લે ખુદ આવી પહોંચ્યો. તેણે વિનાયકનું છેલ્લું વાક્ય સાંભળ્યું હતું.

‘‘ગાંધી સાહેબ, માની લઉં છું કે તમે બદલીથી ડરતાં નથી. તમને ખબર નથી આ વેરાન જગ્યામાં કેટલાંય માર્ગ અકસ્માતો થાય છે. હજુ સુધી બાઈકને ટક્કર મારીને ગયેલ ટ્રકનો ડ્રાઈવર ક્યારેક પકડાયો નથી.’’

‘‘મીસ્ટર વાગ્લે, તમે મને ધમકી આપો છો?”  વિનાયકનું યુવાન લોહી વધારે ગરમ થઈ ગયું. આખો સ્ટાફ વિનાયકની કેબીનમાં ભેગો થઈ ગયો.

આખરે પંડ્યાજીએ કોન્ટ્રાક્ટર વાગ્લેને વાળતાં કહ્યું ‘‘શેઠ, તમે અત્યારે રવાના થાવ. સાહેબ ગુસ્સામાં છે.’’

વાગ્લે તેનાં માણસ સાથે રવાના થઈ ગયો. વિનાયકના ચહેરા પર ઘસી આવેલું જૂનુન જોઈને સ્ટાફના તમામ માણસો પણ કેબીનની બહાર નીકળી ગયા. વિનાયક ખુરશી પર બંને હાથે માથું પકડીને ક્યાંય સુધી બેસી રહ્યો. બીજે દિવસે રવિવાર હતો તેથી સાંજે ઓફિસથી છૂટીને વિનાયક સીધો શહેરમાં તેના ઘરે પહોંચી ગયો. જમતી વખતે મમ્મીને આ બાબતનો બીલકુલ અણસાર આવવા ન દીધો. રાત્રે વિનાયકને ઊંઘ આવતી ન્હોતી. તેને એક જ વિચાર આવતો હતો કે એકવાર કોન્ટ્રાક્ટરનું કવર હાથમાં પકડે એટલે તેનાં તમામ બીલો જોયા વગર પાસ કરવા જ પડે. આખરે માંડ માંડ વિનાયકને ઊંઘ ચડી. સ્વપ્નમાં સફેદ લેંઘા ઝભ્ભામાં સજ્જ પપ્પા દેખાયા. ‘‘શું તકલિફ છે દિકરા? કેમ મુંઝાયેલો લાગે છે ?”

વિનાયકે વિસ્તારથી વાત કરી.

‘‘વિનાયક, કોઈપણ ભોગે ઈમાનદારી છોડતો નહિં.’’

‘‘પપ્પા, અહીં ઇમાનદારી સાથે નોકરી થાય તેવું છે જ નહિં. હું તો નોકરી છોડવાનું વિચારું છું.’’

‘‘વિનાયક. એ તો પલાયનવાદ કહેવાય. તારે તો તારા હાથ નીચેનાં સ્ટાફને પણ લાંચ લેતાં રોકવો જોઈએ’’

‘‘પપ્પા. એ તો બધાં જમાનાનાં ખાધેલ છે. વળી ઉંમરમાં પણ બધાં મારાથી મોટા છે.’’

‘‘તો શું થયું ? ખોટું એ તો ખોટું જ છે ને?  મારાં જેવાં પ્રમાણિક શિક્ષકનો દિકરો આવું ઢીલું ઢીલું બોલે?  હિમ્મતથી રસ્તો કાઢ’’

ઘડીયાળમાં ચાર ડંકા પડયા. વિનાયક સફાળો બેઠો થઈ ગયો. સ્વપ્નમાં પપ્પા આવીને ગાયબ થઈ ગયા હતાં. વિનાયકનાં આખા શરીરે પરસેવો વળી ગયો હતો.

બીજા મહિને પહેલી તારીખે ફરીથી તેજ વાતનું પુનરાવર્તન થયું. આ વખતે વાગ્લે જાતે કવર લઈને આવ્યો હતો. બહાર વહીવટ કરીને વાગ્લે હાથમાં કવર સાથે કેબીનમાં પ્રવેશ્યો. વિનાયકે સસ્મિત ચહેરે તેને આવકાર્યો.

‘‘સાહેબ. આ લાંચ નથી. વ્યવહાર છે’’  વાગ્લેએ ટેબલ પર કવર મૂકતાં કહ્યું.

‘‘છેલ્લાં સાત વર્ષથી તમારું અહીં કામ ચાલે છે બરોબરને?’’

‘‘હા... સાહેબ, હું એક પણ મહિનાની પહેલી તારીખ ચૂક્યો નથી. તમારાં પહેલાં ચાર સાહેબો આવી ગયા. તેઓ પણ હસતાં મોઢે મારો વ્યવહાર સ્વીકારી જ લેતા હતાં’’ વાગ્લેએ ખંધુ હસીને કહ્યું.

વિનાયકે ત્રણ ચાર બેલ મારી. પટાવાળો દોડીને અંદર આવ્યો. વિનાયકે બેલ દબાવેલી જ રાખી, અચાનક સફારીમાં સજ્જ ચાર હટ્ટાકટ્ટા માણસો કેબીનમાં પ્રવેશ્યા. ચારેય એન્ટીકરપ્શનનાં અધિકારીઓ હતા. તેમની સાથે પોલીસ પણ હતી.

‘‘વાગ્લે, ગઈકાલે રાત્રે બે વાગે જ આ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. આજે તમામ સ્ટાફ તારા હાથે લાંચ લેતાં કેમેરામાં કેદ થઈ ગયો છે. અત્યારે મને પણ લાંચ આપતાં તું રંગે હાથ પકડાઈ ગયો છે’’ વિનાયકે મોટેથી કહ્યું.

એન્ટી કરપ્શનના તમામ અધિકારીઓ છૂપી રીતે વાહનો દૂર પાર્ક કરીને પાછળનાં રસ્તેથી આવીને ઓફિસનાં બીલ્ડીંગનાં ધાબા પર પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા. સ્ટાફનાં તમામ માણસોને નજીકનાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. ડ્યૂટી પરનાં પોલીસ ઈન્સ્પેક્ટર ફોન પર ‘‘સાહેબ .. સાહેબ’’ કહીને કોઈને સાથે વાત કરી રહ્યા હતાં. ફોન મૂકીને ઇન્સ્પેક્ટર કપાળ પર પરસેવો લૂછતા કહ્યું. ‘‘વિનાયક ગાંધી કોણ છે ? ‘‘જી.. હું છું સાહેબ’’ વિનાયક આગળ આવ્યો. મુખ્યમંત્રીના પી.એ.નો ફોન હતો. તમને મુખ્યમંત્રીએ આવતીકાલે મળવા માટે બોલાવ્યા છે. ઇન્સ્પેક્ટરે વાગ્લે સહીત તમામ સ્ટાફ સામે કાર્યવાહી ચાલુ કરી. બીજા દિવસનાં અખબારમાં યુવાન સરકારી અધિકારી વિનાયક ગાંધીએ તેનાં તમામ સ્ટાફને તથા કોન્ટ્રાક્ટર વાગ્લેને લાંચરુશ્વત વિરોધી કાયદા હેઠળ રંગે હાથ પકડાવી દીધાનાં સમાચાર ઝળક્યા હતાં. સવારે અગિયાર વાગે વિનાયક મુખ્યમંત્રીની સામે બેઠો હતો.

‘‘વેલ ડન... મીસ્ટર વિનાયક ગાંધી, તમારા ખાતાંનાં પ્રધાનને પણ મેં ચીમકી આપી દીધી છે કે હવે પછી તમારા ખાતામાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટ્રાચાર પકડાશે તો તમારે રાજીનામું આપવું પડશે.’’

મુખ્યમંત્રીનો આભાર માનીને વિનાયક શહેરમાં જ આવેલાં તેનાં ઘરે પહોંચ્યો. તેનાં આશ્ચર્ય વચ્ચે ધનરાજ શેઠ મમ્મી પાસે બેઠા હતાં.

વિનાયક ધનરાજ શેઠને પગે લાગ્યો.

‘‘શાબ્બાશ વિનાયક, દેશને તારા જેવા યુવાનોની જ જરૂર છે.’’

’’શેઠજી. કાશ તમે દિલ્હીમાં તમારાં ચક્રો ગતિમાન કરીને મારી વાત પ્રધાનમંત્રી સુધી ન  પહોંચાડી હોત તો મારી હેસિયત તો રાજ્ય સરકાર સુધી જવાની પણ ક્યાં હતી?”

‘‘વિનાયક, હેસિયત નહિં હિંમત જોવાય’’ ધનરાજ શેઠે વિનાયકનો ખભો થાબડ્યો. વિનાયકથી અનાયાસે જ સામે દિવાલ પર લગાવેલાં પપ્પાનાં ફોટા સામે જોવાઈ ગયું. તે મનોમન વિચારી રહ્યો... હિમ્મત તો સ્વપ્નમાં આવીને પપ્પાએ જ આપી હતી ને?  વળી એ પણ કેવો યોગાનુયોગ હતો કે સ્કૂલમાં પપ્પાની પાસે ભણેલાં ધનરાજ શેઠ મુંબઈની કોલેજમાં પ્રધાનમંત્રીનાં ક્લાસમેટ હતાં. બંનેની જૂની દોસ્તી હતી. જેને કારણે જ વિનાયકનો ગોઠવણ ડોટ કોમ. ના ભ્રષ્ટ્રાચાર સામેનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

-- પ્રફુલ્લ કાનાબાર

-0-0 સમાપ્ત 0-0-