Gumnaam - Reviee books and stories free download online pdf in Gujarati

ગુમનામ - રિવ્યૂ

ફિલ્મ : ગુમનામ – રિવ્યૂ


ફિલ્મ : ગુમનામ

ભાષા : હિન્દી

રીલીઝ : ૨૪ ડીસેમ્બર ૧૯૬૫

નિર્દેશક : રાજા નવાથે

કલાકાર : નંદા, મનોજકુમાર, મેહમુદ, મદન પુરી, ધુમાળ, તરુણ બોસ, મનમોહન, હેલેન અને પ્રાણ


૧૯૬૫ ની આ મ્યુઝીકલ થ્રીલર અગાથા ક્રિસ્ટીની નવલકથા ‘એન્ડ ધેન ધેર વેર નન’ ના આધારે બનાવવામાં આવી હતી.

૧૯૨૪ માં રત્નાગિરીમાં જન્મેલા રાજા નવાથેએ ફિલ્મ કારકિર્દીની શરૂઆત સહાયક નિર્દેશક તરીકે કરી અને તેમણે રાજ કપૂરના સહાયક તરીકે આગ, બરસાત અને આવારા કામ કર્યું. તેમના કામથી ખુશ થઈને રાજ કપૂરે ‘આહ’ નું સ્વતંત્ર નિર્દેશન તેમના હાથમાં સોંપ્યું. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર જોઈએ એવી સફળ ન થઇ, પણ તે ફિલ્મના શંકર-જયકિશનના સંગીતે બહુ નામના મેળવી. ત્યારબાદ તેમણે ભારત ભૂષણને હીરો લઈને બે ફિલ્મો બનાવી, બસંત બહાર અને સોહની મહિવાલ. બસંત બહાર ફિલ્મમાં સંગીત શંકર-જયકિશને આપ્યું હતું અને તે ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૧૯૫૮ માં નિર્દેશિત કરેલી સોહની મહિવાલ પછી કુકડો છેક ૧૯૬૫ માં બોલ્યો અને રાજા નવાથેના નિર્દેશનમાં બનેલી ગુમનામ પ્રદર્શિત થઇ અને સારી સફળતા મેળવી.

રાજા નવાથેએ આટલી સફળતા મેળવવા છતાં પોતાના જીવનમાં ફક્ત સાત જ ફિલ્મો નિર્દેશિત કરી. આહ, બસંત બહાર, સોહની મહિવાલ, ગુમનામ, પથ્થર કે સનમ, ભાઈ-ભાઈ અને મનચલી. મનચલી નિર્દેશિત કર્યા પછી તેમણે રીટાયરમેન્ટ લઇ લીધું. ૨૦૦૫ માં ૮૧ વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાથી વિદાય લીધી, પણ તે નિર્દેશિત કરેલી પોતાની ફિલ્મોથી અમર થઇ ગયા. તેમની ફિલ્મોનું સંગીત હંમેશાં અદ્ભુત રહ્યું.

હવે વાત કરીએ ગુમનામની તો રાજા નવાથેએ આ ફિલ્મને બહુ સારી રીતે નિર્દેશિત કરી હતી. આ સંગીતમય થ્રીલર આજે પણ જોવી ગમે એવી છે. તેનો પ્લોટ અદ્ભુત છે ( તે સમયને અનુલક્ષીને). ફિલ્મની શરૂઆત એક મર્ડર સીનથી થાય છે. એક વ્યક્તિ સેઠ સોહનલાલને એક્સીડેન્ટમાં મરાવી નાખે છે અને સોહનલાલની ભત્રીજી આશાને તેના અંકલનું એક્સીડેન્ટમાં મૃત્યુ થયું એવી જાણકારી આપે છે અને તે સમયે તે વ્યક્તિનું ખૂન થઇ જાય છે.

સીન બદલાઈ જાય છે. સાત વ્યક્તિઓને એક હોટેલની પાર્ટીમાં વિદેશયાત્રાનું ઇનામ મળે છે. આશા (નંદા ), બેરિસ્ટર રાકેશ (પ્રાણ). ધરમદાસ (ધુમાળ), કિશન (મનમોહન), ડોક્ટર આચાર્ય (મદન પુરી) (મદન પુરીએ એવા એવા રોલ કર્યા છે કે તે ડોક્ટર છે એવું માનવાની મારા મગજે ના પાડી દીધી.), મધુસદન શર્મા (તરુણ બોસ) અને કીટી કેલી (માય ફેવરેટ હેલન). આ સાત લોકો ચાર્ટડ પ્લેનમાં વિદેશ જવા નીકળે છે, ત્યારબાદ પ્લેનમાં ખરાબી આવે છે અને એક ટાપુ ઉપર ઉતરાણ કરે છે. તેની ખરાબી દુર કરવામાં અડધો કલાક લાગવાનો હોય છે, તેથી બધાં બહાર નીકળી છે. તેમની સાથે તે પ્લેનનો પર્સર આનંદ (મનોજ કુમાર) પણ ઉતરે છે.

અચાનક તે પ્લેન શરુ થાય છે અને તે આઠ લોકોને રહસ્યમય ટાપુ ઉપર છોડીને રવાના થઇ જાય છે. બધાંને ખબર પડતી નથી કે અચાનક શું થયું, પણ એટલું તો સમજી જાય છે બધાં મુસીબતમાં ફસાઈ ગયાં છે. તેમના સદનસીબે તેમને એક હવેલી મળે છે, જેમાં કામ કરતા ભેજાગેપ નોકર બટલર (મેહમુદ)ને તેમના આગમનની અગાઉથી જાણ હોય છે.

એક ડાયરી દ્વારા જાણવા મળે છે તે બધાંને મારવા માટે અહીં લાવવામાં આવ્યા હોય છે. એક પછી એક ખૂન થવાનું શરુ થાય છે અને બધાં એકબીજાને સંદેહની નજરથી જોવા લાગે છે. દરેકને લાગે છે કે ખૂની સામેવાળી વ્યક્તિ છે. અંતે ખૂની કોણ છે તેનું રહસ્ય ખુલે છે. જો કે રહસ્ય જાણવા માટે તો આ ફિલ્મ જોવી રહી.

એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મની સ્ટારકાસ્ટ ધરખમ છે. દારૂડિયાના રોલમાં પ્રાણ બાજી મારી ગયો છે. પ્રાણ એક અદ્ભુત કલાકાર હતો અને એટલો જ અદ્ભુત એનો સ્વભાવ હતો. તેણે ખલનાયક તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પણ જયારે મહાન ખલનાયક વિષે પુછાય છે ત્યારે તેનું નામ સૌથી પહેલું લેવાય છે. આ ફિલ્મ પછી પણ બે વર્ષ સુધી તેની ખલનાયક તરીકેની છાપ જળવાઈ રહી, જે ૧૯૬૭ માં આવેલી ઉપકાર પછી બદલાઈ.

આ ફિલ્મની હિરોઈન ભલે નંદા હોય, પણ હેલન આ ફિલ્મમાં છવાઈ ગઈ છે. હેપી ગો લકી પ્રકારનો રોલ તે બખૂબી નિભાવી ગઈ છે. હેલનની નૃત્યકલા વિષે કોઈ બેમત નથી, પણ ફિલ્મમાં નૃત્ય સાથે એક્ટિંગ પણ એટલી જ અદ્ભુત કરી છે. તેણે ‘હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ’ અને ‘માન લો જો કહે કીટી કેલી’ માં તો નૃત્યની કમાલ કરી છે. તેની દરેક સ્ટેપ એકદમ અદ્ભુત અને દરેક પ્રકારનાં નૃત્યમાં તેની પારંગતતા છે. ‘હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ’ ગીત ફક્ત હેલનના ડાન્સ માટે ચાર વાર જોયું.

એક ભેજાગેપ હૈદરાબાદી બટલરના રોલમાં મેહમુદે કમાલ કરી દીધી છે. હેલેન જેવી ડાન્સરનો સાથ પુરાવવો એ આસન કામ નથી, પણ તે કામ બહુ સરસ રીતે પાર પાડ્યું છે. આ ફિલ્મમાં મેહમુદની કોમેડી ન હોત તો ફિલ્મ ભારેખમ થઈને પોતાના વજન નીચે જ દબાઈ ગઈ હોત. મનોજકુમારે હમ કાલે હૈ તો ગીત કઢાવવા માટે બહુ મહેનત કરી હતી, પણ ડાયરેકટર ન માન્યા અને ફિલ્મ રીલીઝ થયા પછી આ ગીત અને મેહમુદ બહુ પોપ્યુલર થયા. મેહમુદ પોતાના સમયમાં હીરો કરતાં પણ વધુ મહેનતાણું લેતો કારણ ફિલ્મો તેની કોમેડીને લીધે તરી જતી.

બાકી કલાકારોએ પણ સરસ કામ કર્યું છે. મદન પુરી પણ નામના પામેલો ખલનાયક હતો અને તેણે કુલ મળીને ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ખલનાયક અને ચરિત્ર અભિનેતા તરીકે પ્રસ્તુત થયો. તેના નાના ભાઈ અમરીશ પુરીએ તેના કરતાં વધુ સફળતા મેળવી.

મધુમતી, સુજાતા, બંદિની, મુઝે જીને દો જેવી ફિલ્મોમાં દેખાયેલ તરુણ બોસ આ ફિલ્મમાં પણ એટલો જ દમદાર અભિનય કરી જાય છે.

મનમોહન એ બોલીવુડનો સૌથી કન્સીસટન્ટ કલાકાર રહ્યો. મોટાભાગની ફિલ્મોમાં તેને ફાળે લેવલ ટુ ખલનાયકના રોલ આવ્યા, જે તેણે સુપેરે નિભાવ્યા છે. આમાં પણ તે છાપ છોડી જાય છે.

આ ફિલ્મમાં મનોજકુમાર નંદા કરતાં વધુ રૂપાળો લાગે છે અને પોતાની ભૂમિકા સારી રીતે ભજવી જાય છે. આ ફિલ્મ સુધી તે ભારતકુમાર બન્યો નહોતો, પણ આ ફિલ્મ રીલીઝ થઇ તે વર્ષમાં જ તેની શહીદ ભગતસિંહ રીલીઝ થઇ હતી, જેમાં તેણે શહીદ ભગતસિંહનો રોલ ભજવ્યો હતો. જો કે તેને એક્ટિંગ સાથે બહુ લેવાદેવા નહોતી, પણ ડાયરેક્ટર તરીકે તેણે દેશભક્તિની બહુ સારી ફિલ્મો આપી છે, જે આજે પણ માઈલસ્ટોન ગણાય છે.

નંદાએ પણ આ ફિલ્મમાં સારું કામ કર્યું છે. તે સમયે મનોજકુમાર કરતાં મોટું નામ હતું, જે શરૂઆતમાં આવતાં ટાઈટલ ક્રેડીટ દ્વારા સમજી શકાય છે. મનોજકુમારની નામ મનોજ તરીકે આવે છે અને તેનાથી પહેલાં નંદાનું નામ છે. નંદાનું પૂર્ણ નામ નંદા કર્ણાટકી હતું અને તેનો જન્મ કોલ્હાપુરમાં થયો હતો. તેણે બાળકલાકાર તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને મુખ્ય કલાકાર તરીકે ૧૯૫૬ માં વી. શાંતારામની ‘તુફાન ઔર દિયા’ થી પદાર્પણ કર્યું.

તે સમયની ફિલ્મોનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો હિરોઈનના માથાની વિગ હતો. ખબર નહિ કયા કારણસર હિરોઈનો મોટી વિગો પહેરી રાખતી. આ ફિલ્મમાં પણ નંદાને માથે તેના વજન જેટલી જ મોટી વિગ પહેરાવી છે.( આ તો જોઇને જ કહું છું બાકી નંદાની વજન મેં નથી કર્યું.)

સીનેમેટોગ્રાફીની વાત કરીએ તો તે સમયને હિસાબે કે. એચ. કાપડિયાએ સારું કામ કર્યું છે. સોપારીની બાગ અને દરિયાકિનારાનાં દ્રશ્યો સરસ છે.

સંગીતની વાત કરીએ તો શરૂઆતમાં આવતું રફી સાહેબના કકંઠે ગવાયેલું ‘જાન પેહચાન હો’ પગ થીરકવા મજબૂર કરી દે છે. લતા મંગેશકરનું ‘ગુમનામ હૈ કોઈ’ ગીત તો આજે પણ એટલું લોકપ્રિય છે. ‘એક લાડકી જિસને જીના મુશ્કિલ કર દિયા’ (રફી સાહેબ), ‘જાને ચમન શોલા બદન’ ( રફી સાહેબ અને શારદા), ‘પીકે હમ તુમ જો’ (આશા ભોસલે અને ઉષા મંગેશકર) , ‘ગમ છોડકે મનાઓ રંગરેલી ઔર માન લો જો કહે કીટી કેલી’ (લતા મંગેશકર) અને આ ફિલ્મની જાન એવું ‘હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ’ (રફી સાહેબ). તે સિવાય એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પણ તેને ફિલ્મને બદલે આલ્બમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

શોલેમાં ગબ્બરનો એક યાદગાર સીન છે, તેની પ્રેરણા આ ફિલ્મના કલાઈમેક્સ સીનમાંથી મેળવવામાં આવી હતી. કયો સીન તે જોવા ફિલ્મ જરૂર જોઈ કાઢજો.


સમાપ્ત