Mi Fi a love story in 2050 books and stories free download online pdf in Gujarati

Mi Fi એક પ્રેમકથા 2050 મા

સમય - 2050

" ના, એ ક્યારેય શક્ય નથી!" કેશવ શિન્હા પાણીના તટસ્થ અણુના સ્પંદનવાળા અવાજે બોલ્યા.

" પણ સર… " એડવિક અસ્થિર ઇલેક્ટ્રોન જેમ ધ્રુજતા અવાજે બોલ્યો.

" તું ઇચ્છે છે કે Mi - fi નો ઉપયોગ તું તારી પર્સનલ લવ સ્ટોરી માટે કરે અને હું તેના માટે તને પરમિશન આપુ એમ?

" કેશવ શિન્હાનો અવાજ તટસ્થ અણુમાથી પણ થોડો કરંટ અનુભવાતો હોઈ એમ થોડો તીવ્ર થયો.

" સર આપ મારા કહેવાનો અર્થ સમજી નથી રહ્યા!" એડવિક થોડા વિનંતીવાળા અવાજે કેશવ શિન્હાને સમજાવવા મથી રહ્યો હતો.

" હું માત્ર એટલું સમજી રહ્યો છું કે હું તને Mi fiનો ઉપયોગ કરવા માટે પરમિશન ક્યારેય નહીં આપુ!"કેશવ શિન્હાએ પોતાનો નિર્ણય પ્રબળ ચુંબકીયક્ષેત્રમા સ્થિર રહેતા પદાર્થ જેમ પ્રબળતાથી કહી દીધો.

" ઓકે સર" એટલું બોલી એડવિક બહાર નીકળી ગયો. કેબીનનો દરવાજો ઓટોમેટિક લાઈટ વડે બઁધ થયોઆખી દુનિયા લગભગ ત્રણ મહાસત્તાઓ ચીન,રશિયા,અમેરિકામાં વિભાજિત થઈ ગઈ હતી. વિકસિત દેશોમાં મોટાભાગના કામ ટેકનોલોજી દ્વારા જ કરવામાં આવતા હતા. મોટાભાગે યંત્રો જ બધા કામ કરી રહ્યા હતા. વિકસિત દેશોમાં ઇલેક્ટ્રિક કરંટ તથા ઇન્ટરનેટ, લાઈટ દ્વારા વાપરવામાં આવતું હતું. આ માટે કોઈ વાયર વગર લાઈટ દ્વારા જ ડેટા અને ઈલેક્ટ્રીસીટીનું ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ઇમારતો, વાહનો, જીવન ધોરણ બધુ જ વિજ્ઞાનમય થઈ ગયું હતું.


વિકસિત દેશોમાં લોકોએ એવા ઈલેક્ટ્રીક કપડાં

વિકસાવ્યા હતા કે જે ના ધોવા પડે અથવા તો ના બદલવા પડે! માત્ર ખાસ પ્રકારની લાઈટ દ્વારા શરીરને ઢાંકવા માં આવતું હતું. દરેક વ્યક્તિના શરીરમા ખાસ ઈલેકટ્રીક પોઇન્ટ નકી કરી ત્યાં એક ધાતુની તકતી ફિટ કરી દેવામાં આવતી હતી. આ તકતી પર ઇલેક્ટ્રિક કરંટ વડે કપડાંની ડિઝાઇન બની જતી અને શરીર ઢંકાઈ જતું હતું. આ રીતે સમય અને સંસાધનોનો બચાવ કરવામાં આવતો હતો. જયારે અવિકસિત દેશોમાં ખાસ પ્રકારના કાપડવાળા કપડાં વાપરવામાં આવતા જે એક ઇલેક્ટ્રિક મશીનમા સાફ થઈ જતા હતા.


" પ્લીઝ, તીક્ષા તું ધારી રહી છો એવું નથી." એડવીકે વિદ્યુતચુંબકિય તરંગોની જેમ ઉંચે નીચે થઈ રહેલા તરંગો જેવા અવાજે કહ્યું.

" તો શું છે એડી?" તીક્ષાએ સ્પષ્ટ અવાજમાં પૂછ્યું.

" હું કહી રહ્યો છું કે મારે માઇ ફાઇનો ઉપયોગ માત્ર એક વખત જ કરવાનો છે અને એમાં પણ કોઈનું નુકશાન નથી તો શું ખોટું છે?" એડવીકે દલીલ ભરેલા અવાજે પોતાની વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો.

" કોઈ નુકસાન નથી એમ! "

" મારે માત્ર એક વખત ડેટા જોઈએ છે, તું સમજ પ્લીઝ!"

" તું કેમ નથી સમજતો?"

" શું ?"

" સંબંધો પ્રયોગ કરવા માટે નથી"

" હું ક્યાં કોઈ પ્રયોગ કરી રહ્યો છું?"

" તો આ શું છે?"

" હું માત્ર મારી સમજ સ્પષ્ટ કરવા માંગુ છું."

" કેવી સમજ?"

" યાર! તીક્ષા બધુ બહુ કન્ફ્યુઝન વાળું છે, કશું સમજાય નહી રહ્યું"

" એટલે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે તું માઇ ફાઇ નો ઉપયોગ કરીશ એવું?"

" એમાં ખોટું શું છે યાર?"

" તું માઇ ફાઇ ના ડેટા પરથી એ ચેક કરવા માંગે છે કે મિલી તને પ્રેમ કરે છે કે નહીં એવું?"

" યાર! તો શું કરું? પછી ખબર તો પડવી જોઈએ ને?"

" અને મીલીને ખબર પડી જશે કે તુ માઇ ફાઇનો ઉપયોગ આવી રીતે કરી રહ્યો છે તો?"

" આઈ ડોન્ટ નો!"

" હું માત્ર એટલું જાણું છું કે હું માય ફાઈ લેબોટરીમાંથી ચોરવા માટે તારી કોઈ જ મદદ નહીં કરી શકું સમજ્યો?"

" પ્લીઝ..."એડવીકનો આ શબ્દ જાણે આખી નવલકથા હોઈ એમ અનુભવાતું હતું, પરંતુ એડવીક કશું બોલે તે પહેલા તીક્ષા ઝડપથી કેબીનના ગ્લાસ પર લાગેલ આઇ કોડ વડે ડોર ખોલીને જતી રહી.



ભારતની એક ગુપ્ત સંશોધન શાખાએ માઇ ફાઇ નામની ટેકનોલોજી વિકસાવી હતી. આ ટેકનોલોજી એક મગજ માંથી બીજા મગજમાં ડેટા ટ્રાન્સફર અને સ્ટોર કરી શકતી હતી. કોઈ વ્યક્તિના મગજમાં રહેલી માહિતી મેળવીને તેનું એનાલિસિસ થઈ શકતું હતું તથા આ માહિતી બીજા વ્યક્તિના મગજમાં સ્ટોર કરી શકાતી હતી. આ ગુપ્ત સંશોધન શાખાના હેડ પચાસ વર્ષના કેશવ સિંહા હતા. આ ગુપ્ત સંશોધન માં કુલ સીતેર વૈજ્ઞાનિકોની ટીમ કામ કરી રહી હતી, જેમાં એડવીક,તીક્ષા, મિલી, મયાન જેવા જુનિયર વૈજ્ઞાનિકો હતા. સમગ્ર સંશોધન ગુપ્ત રાખવામાં આવ્યું હતું. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ આ સંશોધનની ખબર હતી. તેમાં કામ કરનારા વૈજ્ઞાનિકોને પણ સમગ્ર મિશનની જાણ ન હતી. કેશવ સિંહા સમગ્ર મિશન હેન્ડલ કરી રહ્યા હતા.




દિવાલ પરની સ્ક્રીન પર એડવીકની આંખો સ્થિર થઇ ગઇ હતી. સ્પેક્ટ્રોસ્કોપી ડેટા એનાલિસિસ થઈ રહ્યો હતો પરંતુ એડવીક વિચારોમાં ખોવાયેલો હતો, આખરે શું થઈ ગયું છે મિલી ને? શા માટે આવું વર્તન કરી રહી છે? શું વાંક છે એનો? શું એ પ્રેમ નથી કરી રહી? કે ક્યારેય કરતી જ ન હતી? અનેક સવાલો એડવીકના મનમાં રમી રહ્યા હતા . ત્રણ વર્ષ પહેલા કેટલા ખુશ હતા બંને! કેટકેટલા સપનાઓ જોયા હતા સાથે! તેમનું મંગળ પર હનિમૂન પર જવાનો પ્લાન, ચંદ્ર પર જવાનો પ્લાન અરે!સૂર્યમંડળ બહાર પણ જવાનો પ્લાન હતો! શું આ બધું મગજના રાસાયણોનો ફેરફાર માત્ર હતો? બધું મીથ્યા હતું?

સ્ક્રીન પર લાલ અક્ષરે "FAILD" લખેલું આવતા એડવીકનું ધ્યાન સ્ક્રીન પર ગયું અને તેણે ડેટામાં રહેલી ખામી ચકાસવા લાગ્યો.

આ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ એ mifi નો ઉપયોગ કરીને મીલીના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માગતો હતો. પરંતુ આ માટે તીક્ષા કે કેશવ સિંહા તેની કોઈ જ મદદ કરી રહ્યા ન હતા.




ટેકનોલોજીએ છેલ્લા પચાસ વર્ષમાં ખૂબ હરણફાળ ભરી હતી. સૂર્યમંડળ બહાર નવા ગ્રહો પર સજીવ સૃષ્ટિ શોધાઈ ગઈ હતી. પૃથ્વીવાસીઓ નજીકના સૂર્યમંડળ પરના એ લોકો સાથે સંપર્કમાં હતા. મંગળ અને ચંદ્ર પર જવું એક દેશમાંથી બીજા દેશ પર જવા જેટલું આસાન હતું. વિકસિત દેશોમાં આગળ પડતા લોકો ફરવા માટે મંગળ અને ચંદ્ર પર જતા હતા. મંગળ અને ચંદ્ર પર ફરવા માટે ખાસ સ્થળો વિકસાવવામાં આવ્યા હતા જ્યાં બધા જ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હતી.મંગળ પર ખાસ સ્થળો પર ફરવા માટે ઉદ્યાનો, હોટલો, કુત્રિમ ઝરણાઓ, વન અને જરૂરી સુવિધાઓ બનાવવામાં આવી હતી. માણસો આ સ્થળોએ ફરવા માટે જતા હતા.


સ્ક્રીન પર આઈ. આર. ડેટા લોડ થઈ રહ્યા હતા.એડવીકની આંખો સ્ક્રીનની આરપાર થઈ ગઈ હોય તેમ સ્થિર થઈ ગઈ હતી.તે ખૂબ ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. તેના ચહેરા પરથી ખૂબ તણાવ હોય તેવું લાગી રહ્યું હતું. બાજુમાં બીજી સ્ક્રીન પર કામ કરી રહેલી તીક્ષા પોતાના કામમાં હતી. તેની નજર સ્ક્રીન પર હતી અને ડિજિટલ કી પર ટાઈપ કરી રહી હતી, ટાઈપ કરતા કરતા તે બોલી," શું વિચારે છે એડી?"

" યાર કશું સમજાય નહી રહ્યુ !" એડવીકે જવાબ આપ્યો.

" મીલી વિશે?"

" હા , તે એકદમ બદલાઈ ગઈ છે!"

" બની શકે... તું પણ બદલાઈ ગયો હોય?"

" ખબર નહીં પરંતુ બહુ કન્ફ્યુઝન છે!"

" ડોન્ટ વરી બધું સમજાઈ જશે"

" જો તું મદદ કરે તો!"

" ક્યારેય નહીં! માઇ ફાઇ લેબમાંથી ચોરવામાં ક્યારેય મદદ નહીં કરું એ પણ મીલી પર પ્રયોગ કરવા માટે તો બિલકુલ નહીં અને પ્લીઝ હવે ફરીથી આ મુદ્દે વાત નહીં કરતો." દીક્ષા એ સ્પષ્ટતાથી કહી દીધું.




મંગળ પર સૂર્યમંડળ નું સૌથી ઊંચુ શિખર ઓલિમ્પસ મોન્સ આવેલું હતું.તેને ફરવા માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌથી ઊંડી ખીણ વેલેસ મરીનેરીસને ફરવા માટે વિકસિત કરી હતી. મંગળ પર એક ઉદ્યાન એવો બનાવવામાં આવ્યો હતો કે ત્યાં જઈને ખરેખર કોઈ જંગલમાં હોય એવો અહેસાસ થતો હતો. કુત્રિમ ઝરણાં,જીવ સૃષ્ટિઓ વિકસાવવામાં આવી હતી.


મીલી મંગળ ગ્રહ પરના કોઈ ખાસ તત્વોનું રાસાયણિક બંધારણ પર એન.એમ. આર. સ્પેક્ટ્રમ તૈયાર કરી રહી હતી. મંગળ ગ્રહની લાલ માટીના સ્પેક્ટ્રમ જોઈને તે વિચારોમાં ખોવાઈ ગઈ. તે અને એડવીક મંગળ ગ્રહની ખૂબ જ ઊંડી ખીણ વેલેસ મરીનેરીશ કે જે આખા સૂર્યમંડળમાં ઊંડી છે, ત્યાં ફરી રહ્યા હતા. ખીણની આસપાસ ફરવાલાયક જગ્યા બનાવવામાં આવી હતી. એના ખુલ્લા વાળ ઠંડા પવન સાથે ખીણ તરફ લહેરાઈ રહ્યા હતા. બંને ખીણની નજીક ઉભા રહી અદભુત નજારો જોઈ રહ્યા હતા. ખીણ જેટલું ઊંડું ઉતરી જવું હતું એડવીકની અંદર ! એને એડવીકમા ખોવાઈ જવું હતું પરંતુ એડવીક ઠંડા પવનની જેમ કશી પરવા કર્યા વગર વહી રહ્યો હોય એમ અસ્થિર હતો, ખીણ જેમ પવનને રોકી રાખે તેમ મિલી પણ એડવીકને રોકી રાખવા માંગતી હતી! એટલામાં ગ્રાફ મશીનમાંથી ગ્રાફ આવી ગયો અને મિલીના વિચારો તૂટ્યા.


લેબોરેટરીમાં જુનિયર વૈજ્ઞાનિકોની ટીમ કામ કરી રહી હતી. જેમાં એડવીક , તીક્ષા અને મયાન પણ સામેલ હતા.મીલી લીવ ઉપર હતી. કામ કરતા કરતા તીક્ષા અને મયાન કંટાળી ગયા હતા. તેમને થોડું રિલેક્સ થવા વાતો શરૂ કરી.

" શું લાગે છે તીક્ષા? " મયાન કમ્પ્યુટરમા ડેટા પ્રોસેસ થતા હોય તે રીતે ઝડપથી બોલ્યો.

" હા આપણે માઇ ફાઇ ટેકનોલોજીમાં વધુ સંશોધન કરી શકીશું!" દીક્ષા સ્ક્રીન પર જોતા બોલી.

" અરે! મુકને આ માઇ ફાઇને , હું એડી અને મીલીની વાત કરું છું!" માયાને સ્પષ્ટતા કરી.

" ઓહ! એટલે તું જુનિયર સાઇન્ટીસ્ટની સાથે સાથે વકીલ પણ છો એમને!"

" વકીલ!"

" હા! તારે એમના મેરેજ કરાવવા હોય એમ તું રસ લઈ રહ્યો છે એટલે."

" ના ના એવું આપણને ના આવડે, પરંતુ હુંજો વકીલ હોવ તો ચોક્કસ લગ્ન તો ન જ કરાવું,બની શકે છૂટાછેડા કરાવું !"

" ખરેખર! આટલું બધું કેમ તને લાગી આવે છે એમની લવ સ્ટોરીમાં?"

" ના મને કશું નથી થતું, પરંતુ બિચારી મિલી નું શું? એ તો ખોટી ફસાઈ જાય પેલા ખડૂસ સાથે!"

" એટલે હવે વકીલ સાથે સાથે એક્ટિવિસ્ટ પણ બનવું છે?"

" ના ના આપણે જ્યાં છીએ ત્યાં સારા છીએ "

" તો ડેટા ડિકોડ કરવામાં ધ્યાન આપને!"

એમની વાતો ચાલી રહી હતી ત્યાં એડવીક આવી ગયો અને તેમની વાતો સ્ક્રીન પર એરર આવી હોય એમ અટકી.




મંગળ ગ્રહ પર ની લાલ માટી એક અલગ આકર્ષણ ઉભું કરતી હતી તથા સપાટી પરના નાના-મોટા ડુંગરાઓ રમણીય લાગતા હતા. પચાસ વર્ષ પહેલા જ્યારે પૃથ્વી વાસી મંગળ ગ્રહ પર જવાના સપનાઓ જોતો હતો તે આજે સાકાર થઇ રહ્યા હતા.


માણસોના જીવનધોરણમાં બધા જ કામ યંત્રો દ્વારા કરવામાં આવતા હતા. પુસ્તકો માત્ર સંગ્રહાલયના મોડેલ બની ગયા હતા. બધી જ વસ્તુઓ ડિજિટલ બની ગઈ હતી. શિક્ષણ, વેપાર, ઉદ્યોગો આ બધું જ મોટેભાગે ઓનલાઈન અને ડીજીટલ સ્વરૂપે થવા માંડ્યું હતું. લેપટોપ અને મોબાઇલ બહુ જુના સાધનો બની ગયા હતા. ઈલેક્ટ્રીક સીટી ડાયરેક્ટ સૂર્યપ્રકાશમાંથી તરંગોનું વિદ્યુતમાં રૂપાંતર કરી લેવામાં આવતું હતું અને આ સ્ટોર કરેલી વિદ્યુત સિલિકોન પર ટ્રાન્સફર કરવામાં આવતી હતી.જેની મદદથી ડાયરેક્ટ ઘરોમાં અથવા તો કોઈ સંસ્થામાં વાપરવામાં આવતી હતી. અવિકસિત દેશોમાં સૂર્યપ્રકાશમાંથી મેળવેલી ઈલેક્ટ્રીક સીટી ભૂગર્ભ નહેર દ્વારા વાપરવામાં આવતી હતી.


ડેટા સ્ક્રીન પર લોડ થઈ રહ્યા હતા. આ સમય દરમ્યાન સ્ક્રીન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમ થોડા સમય માટે ફ્રી હતી અને માઈન્ડ ફ્રેશ કરવા માટે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા.

" જો મારી પાસે માઇ ફાઇ આવી જાય તો હું તેનો બહુ સારો એવો ઉપયોગ કરી શકુ!" મયાન બોલ્યો.

" સારો એવો મતલબ?" તીક્ષાએ એની વાતમાં રસ લીધો.

" સારો એવો મતલબ કે મને ગમતી વ્યક્તિ ના મગજ માં મારા પ્રત્યે લાગણીઓ બદલાવી શકું!"

" અચ્છા! સીધે સીધું કે ને કે કોઈ છોકરીનું મગજ હેક કરી લે એમ!"

" હા લગભગ લગભગ એવું જ!"

" એટલે જ આપણે માઇ ફાઇ ટેકનોલોજીથી દૂર રાખવામાં આવ્યા છે સમજી ગયો?"

" જી…."

આગળ કશું બોલે તે પહેલા ડેટા લોટ થઈ ગયા હતા અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત બન્યા.





ઇન્ટરનેટની સ્પીડ સો ગણી ઝડપી થઈ ગઈ હતી. ઇન્ટરનેટ અને ડેટા ટ્રાન્સફર મોટેભાગે li fi દ્વારા કરવામાં આવતો હતો. li fi એક એવી ટેક્નોલોજી કે જેમાં લાઈટ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં આવતું. 2011માં આ ટેકનોલોજી શોધાઈ હતી પરંતુ તેને વ્યવહારિક રીતે ઉપયોગમાં 2035 પછી લેવામાં આવતી હતી. આજ કોન્સેપ્ટ પરથી ભારતના વૈજ્ઞાનિકોએ માઇ ફાઇની શોધ કરી હતી કે જેમાં ડેટા મગજમાંથી મગજમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.


જુનિયર વૈજ્ઞાનિકોની ટીમ લેબોરેટરીમાં કામ કરી રહી હતી . એક નવા તત્વના રાસાયણિક બંધારણ પર બધા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા હતા. આ નવું તત્વ તટસ્થ હોવા છતાં પણ એક ખાસ પ્રકારના વિકીરણનું ઉત્સર્જન કરતું હતું. આથી આ વિકિરણો પરથી માઇ ફાઇ ટેકનોલોજીમાં નવો સુધારો લાવી શકાય તેમ હતું. જો આવા વિકિરણો દ્વારા મગજના વિદ્યુતચુંબકિય તરંગોને ડિકોડ કરવામાં આવે તો બની શકે કે માઇ ફાઇ ટેકનોલોજી દ્વારા ઇચ્છિત પરિણામ મેળવી શકાય. આથી દરેક વૈજ્ઞાનિક આવા વિકીરણનો અભ્યાસ કરી રહ્યા હતા અને પ્રયોગો કરી રહ્યા હતા.આ દરમિયાન લેબોરેટરીમાં એક રાસાયણિક બંધારણ અંગે બધા વૈજ્ઞાનિકોમાં ચર્ચાઓ થઈ રહી હતી,

" જો આપણે રાસાયણિક તત્વનું સ્પેક્ટ્રમ સમજી શકીએ તો આવા વિકિરણોને આપણે સમજી શકીએ છીએ"

" રાસાયણિક બંધારણ સમજવું ખૂબ મુશ્કેલ છે કારણ કે આ વિકિરણો ખૂબ જ ઝડપથી પોતાની તરંગ લંબાઈ બદલાવે છે"

" આવા વિકિરણો ને કોઈ ધાતુ પર ઝીલી શકવા ખૂબ મુશ્કેલ છે, આ તત્વોના સ્પેક્ટ્રમ સમજવા માટે ખાસ પ્રકારની ચિપ વિકસાવવી પડે તેમ છે"

બધા વૈજ્ઞાનિક પોતાના વ્યુ આપી રહ્યા હતા. આ દરમિયાન મયાન અને તીક્ષા આ સંવાદથી કંટાળી ગયા હોય તેમ પોતાની વાત કરી રહ્યા હતા,

" શું કોઈ એવું રાસાયણિક તત્વ શોધી શકાય કે જે માણસને ટાઈમ ટ્રાવેલ કરાવી શકે?" મયાન જાણીજોઈને તીક્ષાની મશ્કરી કરવા માટે સવાલ પૂછે છે.

" હા મને જો એવું તત્વ મળે તો પેલા હું તને આદિમાનવ ના યુગમાં મૂકી આવું!" તીક્ષાએ વળતો જવાબ આપ્યો.

" વાહ! તો તો મજા આવી જાય, ના કોઈ બંધનો ,ના કોઈ કામ, ના લગ્નને ના છોકરીઓની માથાકૂટ... કશું જ સહન કરવું પડે!" મયાને ફરી તીક્ષાને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો.

" તને ક્યાંય મૂકવા જવાની જરૂર જ નથી, જોકે તું છો જ આદિમાનવ જેવો, અસંવેદનશીલ!" તીક્ષા થોડી ચિડાઈને બોલી.

" વાહ! કંઇક તો છું, આદિમાનવ તો આદિમાનવ!" મૈયા ને પોતાની મશ્કરીનો હળવો જવાબ આપ્યો.

લેબોરેટરીમાં અન્ય સિનિયર વૈજ્ઞાનિક આવતા તેમની વાતો બંધ થઈ.


વાહનો અતિ ઝડપી બન્યા હતા અને ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવતા હતા મોટેભાગે વાહનો ઇલેક્ટ્રિકસીટી અથવા તો સૂર્યપ્રકાશથી ચાલતા હતા. પ્રદૂષણ પર ખાસ્સુ એવું કાબુ લેવામાં આવ્યું હતું. પૃથ્વી પરનું જીવન ડિજિટલ થઈ ગયું હતું. ખેતી મોટેભાગે લેબોરેટરીમાં કરવામાં આવતી હતી. ખૂબ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી હતી. આ ઉપરાંત ખેતી પર વાતાવરણની અસર ના રહે તે રીતે એક લેબોરેટરીમાં ખેતી કરવામાં આવતી હતી કે જેથી પાક નિષ્ફળ જવાની કોઈ જ શક્યતા રહેતી નહતી.


એડવિક પોતાના કેબીનમા બેઠો હતો. મન ખુબ બેચેન હતું અને કામ કરવામાં લાગી રહ્યું નહતું. તેના મગજમા અનેક વિચારો આવી રહ્યા હતા. પ્રેમ એટલે શુ? માત્ર રાસાયણિક ફેરફાર મગજ નો? ડોપામેઇન વધે તો આનંદ અનુભવાય, સેરોટીનીન થી ઊંઘ આવે, ઓક્સિટોસીનથી સ્પર્શ, ગ્લુટામેટથી મેમરી...આવા અલગ અલગ રસાયણ વધે ઘટે એ મુજબ આપને અનુભવી અને વિચારી શકી. તો પ્રેમ એટલે બસ આ વધતા ઘટતા રસાયણ જ?બીજું કશુ સત્ય નથી?

અનેક વિચારો એના મગજમા ઘેરાઈ ગયા હતા એવામાં કેબિનના દરવાજા પર રહેલ ઈલેકટ્રીક બેલ રેડ લાઈટ સાથે વાગ્યો. એડવિક વિચારોમાથી બહાર આવ્યો. એને આઈ કોડ થી દરવાજો ખોલ્યો. બહાર રોબોટ હતો જે ઓફિસનો સમય પૂરો થતા, ઓફિસ લોક કરવા આવ્યો હતો. એડવિક પોતાની કેબીનની સ્ક્રીન લોક કરી ઘરે જવા નીકળ્યો.


દરવાજા બહાર લાગેલો ઈલેક્ટ્રીક ડોરબેલ ત્રણ વાર વાગીને બંધ થઈ ગયો હતો ડોરબેલ ચોથીવાર વાગ્યો ત્યાં રે રોબોટ એ દરવાજો ખોલ્યો. બહાર ઊભેલો એડમીન ચિડાઈ ગયો હતો થાકીને આવેલો અને મગજમાં ચાલતા કન્ફ્યુઝન ને લીધે ગુસ્સામાં હતો. એડવીકે આઈ કોડથી દરવાજો ક્લોઝ કર્યો અને ફ્રેશ થવા માટે નાહવાના મશીનમાં ગયો.

થોડીવારમાં એ બહાર આવી ડાઇનિંગ પર જમવા બેઠો ઓટોમેટીક રોબોટ જમવાનું ચોક્કસ જગ્યાએ મૂકી ગયો . એડમીન જાણીજોઈને મીલીને ઇગ્નોર કરી રહ્યો હતો જાણે મિલી ઘરમાં ન હોય એમ!

આખરે મિલીએ વાત કરવાની પહેલ કરી," આવી ગયો?"

" ના હજુ રિસર્ચ સેન્ટર પર જ છું."

" તું સીધી રીતે વાત નથી કરી શકતો નહીં?"

" એમ રાખ તો!"

" ખરેખર!"

" હા ખરેખર!"

મિલી આગળ વધુ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. એ હમણાં સિક લીવ પર હતી.એડવીક વિચારી રહ્યો હતો, એક સમયે બંને કેટલા ખુશ હતા! એકબીજાની વાતો ખૂટતી ન હતી. કલાકોના કલાકો એકબીજા સાથે સમય પસાર કરી શકતા હતા. એકબીજાની આંખોમાં જઈને કલાકો સુધી એકબીજાને વાંચી શકતા હતા. તેને મિલી સાથે ન હોય તેવું ક્યારેય નહોતું લાગ્યું. હંમેશા પોતાની પાસે હોય તેવું લાગતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાણે મેલી ને કશું થઈ ગયું હોય તેવું સાથે હોવા છતાં પણ સાથે ન હોય તેવું લાગી રહ્યું હતું.વાતો કરવા માટે શબ્દો ગોતવા પડતા હતા અને એકબીજાને જાણે સહન કરી રહ્યા હોય તેવું અનુભવ થતુ હતું! શું એ માત્ર મગજના રાસાયણિક ફેરફારો થતા? એમની વચ્ચે ક્યારેય પ્રેમ જ નહોતો? કે પ્રેમ જેવું કશું નથી હોતું? બધા સવાલો જાણે એડવીક જમતા જમતા ખાઈ રહ્યો હતો.




સ્થળ - ભારત ગુપ્ત સંશોધન લેબ


Mi fi પર ચાલી રહેલા ગુપ્ત સંશોધન અંગે ટોચના વૈજ્ઞાનિકોની ટિમ આ ટેક્નોલોજીમા વધુ સંશોધન અંગે ચર્ચા કરી રહી હતી.


" માઇ ફાઇ ટેકનોલોજી ભવિષ્ય માટે ખુબ જ એડવાન્સ ટેકનોલોજી સાબિત થઈ શકે છે!"


" આપને હજુ માત્ર એક મગજ માંથી બીજા મગજમાં ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ પરંતુ આપણે એવું કરી શકે બીજા મગજ ના ડેટા ચેન્જ કરી શકીએ તો આપણને ઘણા ફાયદાઓ થઈ શકે છે."


" આપને દુશ્મન દેશની માહિતી મેળવી શકીએ છીએ દુશ્મન દેશના ગુપ્તચરોના મગજના ડેટા પરથી તથા એમાં ફેરફાર કરી આપને દુશમન દેશને હરાવી શકી છીએ."


"દેશમા સુરક્ષા વધુ મજબુત કરી શકી છીએ જેમ કે બોડર પર કામ કરતા સૈનિકોને ડાયરેક્ટ દુસ્મન દેશની બધી માહિતી એમના મગજમાં સ્ટોર કરી શકી છીએ જેથી સમય આવ્યે એ માહિતી નો ઉપયોગ સૈનિક કરી શકે."


"દેશમાં શિક્ષણ ક્ષેત્રમા પણ આ ટેક્નોલોજી ક્રાંતિ લાવી શકે, બાળકોને જે ટોપિક નથી સમજી શકતા એ ટોપિકની સમજ આપને એમના મગજ મા સ્ટોર કરી શકી. "


" સ્વાથ્ય ક્ષેત્રમા પણ આ ટેક્નોલોજી ક્રાંતિ લાવી શકે છે, દેશના તમામ ડૉક્ટરોના મગજમા મેડિકલ ક્ષેત્રનું જરૂર પૂરતું જ્ઞાન સ્ટોર કરી શકી કે જે ડોક્ટરને ઓપરેશન દરમિયાન ઊભી થતી આકસ્મિક પરિસ્થિતિમા મદદ મળી રહે. "


" આ ટેક્નોલોજીની મદદથી ડિઝાસ્ટર શાખા પણ વધુ મજબુત કરી શકાય. દેશમા ઊભી થતી આગ લાગવાની, વાવાઝોડા, ભૂકંમ્પ, હોનારત, સુનામી, કિરણોત્સરગી વિકિરણ ઉદભવમા, પ્રદુષણ, અતિવૃષ્ટિ, વાતાવરણમા ફેરફારો, એસિડવર્ષા, ગ્લોબલ વોર્મિંગ આ બધી જ ઘટનાનો ના પગલા અંગે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે ડિઝાસ્ટર શાખાના અગ્રણી અધિકારીઓના મગજમા માહિતી સ્ટોર કરી શકાય. "


" વિકસિત અને અવિકસિત દેશો વચ્ચેની ખાઈ ઓછી કરી શકી."


" છેલ્લા પચાસ વર્ષમાં આપને ગરીબી, બેરોજગારી, જ્ઞાતિવાદ, જાતિવાદ, નારીવાદ, કોમવાદ,વગેરે પણ નિયંત્રણ લાવી શક્યા છીએ પરંતુ હજુ પણ આ મુદ્દા ઉપર ટેકનોલોજી દ્વારા સુધારો લાવી શકાય."


" માઇ ફાઇ ટેકનોલોજી દ્વારા કલા અને સાહિત્ય ક્ષેત્રે બહોળા પ્રમાણમાં નવસર્જન કરી શકાય છે જો આપણે ક્રિએટિવ દિમાગની રાસાયણિક પ્રક્રિયાઓ સમજી શકે તો એ મુજબ મગજને રાસાયણિક પ્રક્રિયાઓ થી બદલીને નવી રચનાઓ કરી શકાય."


" આ ટેકનોલોજી દ્વારા રમત ક્ષેત્રે પણ ક્રાંતિકારી પગલાઓ લઇ શકાય જેમકે કોઈ રમત માટે રણનીતિ ઘડવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય."


" આ ટેકનોલોજીની મદદથી વૈજ્ઞાનિકોના મગજમાં જરૂરી ડેટા સ્ટોર કરી નવા સંશોધનો કરી શકાય આ ઉપરાંત આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોના દિમાગને સમજીને એ પ્રકારના નવા દિમાગ તૈયાર કરી શકાય."



" આ ટેકનોલોજીની મદદથી ખાસ પ્રકારની દવાઓ શોધી ને નવા રોગો સામે લડવા માટે રાસાયણિક બંધારણ વિકસાવી શકાય."

" આ ટેકનોલોજીની માહિતી યંત્ર શાસ્ત્રમાં પણ વિકાસ લાવી શકાય."

" આ ટેકનોલોજીની મદદથી બિઝનેસમા પણ નવી દિશાઓ ખુલી શકે છે."

" આ ટેકનોલોજીની મદદથી મોટાભાગે દરેક ક્ષેત્રે ક્રાંતિ લાવી શકાય તેમ છે કારણકે જો આપણે દરેક ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોના દિમાગને સમજી શકે અને તે મુજબ ડેટા સ્ટોર કરી શકીએ તો અદભુત ક્રાંતિ લાવી શકાય."


બધા વૈજ્ઞાનિકો ની ચર્ચાઓ પૂર્ણ થયા બાદ અધ્યક્ષશ્રી ઉદબોધન માટે ઊભા થયા અને બોલ્યા'" મિત્રો, આપ સહુના સહકારથી આપણે માઇ ફાઇ ટેક્નોલોજી વિકસાવવામાં ઘણે અંશે સફળ રહ્યા છીએ પરંતુ હજુ પણ આ ટેકનોલોજીમાં વધુ સંશોધન નો અવકાશ રહેલ છે. હજુ પણ આપણે આ ટેકનોલોજીની મદદથી જો ડેટા આપણી જરૂર મુજબ બદલી શકીએ એટલે કે હાલ આપણે માત્ર એક મગજ માંથી બીજા મગજમાં ડેટા ટ્રાન્સફર અને સ્ટોર કરી શકીએ છીએ પરંતુ આપણે જો આ ડેટા જરૂર મુજબ સુધારી શકે એટલે કે વ્યક્તિના દિમાગમાં રહેલી બાબત બદલાવી શકીએ તો ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ. પરંતુ મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જે કંઈ આપણે નિર્માણ કરીએ તે એક જવાબદારી અને જોખમ લઈને આવે છે,એ જ રીતે આ ટેકનોલોજી પણ જે રીતે ઉપયોગી છે એ જ રીતે ભયાનક પણ નીવડી શકે છે. આ માટે માઇ ફાઇ ટેકનોલોજી ઉપયોગ કરવાના કડક નિયમોની જરૂર પડશે.જે માટે રણનીતિ બનાવવા માટે ફરીથી મિટિંગનું આયોજન કરવામાં આવશે. હાલ આપ સહુના સહકાર બદલઆપ સૌનો ખૂબ ખૂબ આભાર ,ધન્યવાદ."



લેબમાં બધા કામ કરી રહ્યા હતા.આ દરમિયાન એડવીક , મયાન,તીક્ષા અને બીજા જુનિયર વૈજ્ઞાનિકો સાથે ટી બ્રેક માણી રહ્યા હતા,

" આ પ્રેમ પણ ચા જેવો જ કહેવાય ને! ગરમ ગરમ પી ના શકાય ને ઠરેલ ભાવે નહીં!" મયાન ચાના મગને હાથમાં લેતા બોલો.

" વાહ! તું ક્યાંથી આવો કવિ જેવો ક્યારથી બની ગયો?" એડવીક થોડું રહસ્યમય રીતે બોલ્યો.

" આને કવિ નહીં ધૂની કહેવાય!" તીક્ષા આંખો ઝીણી કરીને બોલી.

" હા એક ધૂની જ બીજા ધૂનીને ઓળખી શકે!" મયાને જવાબ આપ્યો.

" પણ આપણે ક્યાં આપણી સાથે હોય તેને ઓળખી શકીએ છીએ ?" એડવીક થોડો ગંભીર થઈને બોલ્યો.

" પ્લીઝ હવે તું આવી વાતો કરીને ટી બ્રેકના બગાડતો!" મ યાન થોડું ઉતાવળમાં બોલ્યો.

એટલામાં ટી બ્રેકનો સમય સમાપ્ત થવાની સૂચના સ્ક્રીન પર આવતા બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.



ટેકનોલોજીએ છેલ્લા પચાસ વર્ષમાં અદભુત ફેરફારો કર્યા હતા. માણસો ટેકનોલોજી મય બની ગયા હતા.દરેક કામ મશીનો દ્વારા થતા હતા. પચાસ વર્ષ પહેલાં જે પ્રશ્નો હતા જેવા કે ગરીબી ,પ્રદૂષણ ,બેરોજગારી, જ્ઞાતિવાદ, નિરક્ષરતા, કોમવાદ વગેરે પ્રશ્નો પણ સુધારો લાવી શકાયો હતો પરંતુ માણસોની અતિ ઝડપી અને યંત્ર મય જીવનથી અમુક દૂષણો પણ ઉમેરાયા હતા. એકલતા, માનસિક તણાવ, સ્પર્ધા, લાગણીઓના બદલતા જતા સમીકરણો, બદલતી જતી સામાજિક વ્યવસ્થા આ બધું માનવ સભ્યતામા ઝડપી બદલાવ થઈ રહ્યો હતો.શોપિંગ માટે અત્યાધુનિક મોલ વિકસાવવામાં આવ્યા હતા જ્યાં બધું જ કામ રોબોટ કરી રહ્યા હતા. વસ્તુઓની હેરાફેરી, બિલ, સાફ-સફાઈ, ગોઠવણ ફી લઈને દરેક કામ મશીન દ્વારા થઇ રહ્યા હતા. મોલમાં ઈલેક્ટ્રીક કપડા, ખાણીપીણીના ફુડ પેકેટ, સાવર માટેની બેટરીઓ, સ્ટીમ મશીન, તથા ટેકનિકલ ગેજેટ જોવા મળતા હતા. આ મોલમાં મયાન,તીક્ષા અને તેના મિત્રો શોપિંગ માટે આવ્યા હતા તથા તેઓ જરૂરિયાત મુજબ શોપિંગ કરી રહ્યા હતા,

" શું કોઈ એવું યંત્ર આપણે વિકસાવી શકીએ કે જે બધી ભૌતિક વસ્તુ ને કોપી-પેસ્ટ કરી શકે?" એડવીક ટેકનિકલ ગેજેટ વિભાગમાં ગેજેટ જોતા જતા બોલ્યો.

" પ્લીઝ યાર! અહીં તારું વૈજ્ઞાનિક દિમાગ બંધ રાખીને શોપિંગની મજા લે!" તીક્ષા બોલી.

" હા એવું યંત્ર બનાવી શકીએ તો કોઈપણ વસ્તુ ખૂટે જ નહીં સતત ડબલ બન્યા રાખે." મયાન બોલ્યો.

" તમે બંને એક કામ કરો એવું યંત્ર બનાવો કે છે મગજ વગરના લોકોને ડીલીટ કરી શકે !" દીક્ષા ચિડાઈને બોલી.

"હા,અમારો વિચાર હતો જ એવુ મશીન બનાવવાનો પણ અમે તને ખોવા નોતા માંગતા એટલે પછી એ વિચાર રહેવા દીધો!"એડવીકે વળતો જવાબ આપ્યો.

"તમે લોકો એવુ કેવા માંગો છો કે હૂ દિમાગ વિનાની છું એમ!"તીક્ષા આંખો ઝીણી કરીને બોલી.

"અરે! ફક્ત ' હૂ 'નહીં.. બધી છોકરીઓ કે"મયાને એડવીક તરફ હાઈફાઈ કરવા હાથ લંબાવીને હસતા હસતા કહ્યું.

તીક્ષા જવાબ આપ્યા વિના ઇલેક્ટ્રિક કપડાંના વિભાગમા જતી રહી.




ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઇ હતી કે બાળકનો જન્મ પણ લેબોરેટરીમાં થઈ રહ્યો હતો. જે ઉછેર અને વિકાસ માતાના પેટમાં થતો હતો તે હવે લેબોરેટરીમાં કુટી ઘરમાં કરવામાં આવતો હતો. આ ઉપરાંત બાળકમાં ઇચ્છિત લક્ષણો પણ લાવી શકાતા હતા. બાળકની વિકાસની પ્રક્રિયા પર ઝીણામાં ઝીણી નજર રાખવામાં આવી હતી.કયા સમયે કેટલો વિકાસ થઈ રહ્યો છે તેની ચોક્કસ ડેટા સ્ટોર થઇ અને જ્યાં ખામી જણાય ત્યાં તાત્કાલિક બદલાવો કરવામાં આવતા હતા. આને લીધે માણસોના મગજ અતિ શક્તિશાળી અને પાવરફુલ બનતા હતા.


હોટેલો બહુમાળી ઇમારતો ગાર્ડન રેસ્ટોરન્ટ રસ્તાઓ વાહનો ઉપરાંત સંદેશા વ્યવહારથી લઈને એન્ટરટેનમેન્ટ સુધી બધે જ ટેકનોલોજીનો પ્રભાવ જોવા મળતો હતો. બગીચાઓમાં બાળકોની સંભાળ માટે ઓટોમેટિક મશીનો રાખવામાં આવતા હતા કે જેથી કોઈ બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. શાળાઓ અને કોલેજોમાં બાળકોના મગજની એક ખાસ બ્લુ પ્રિન્ટ દરેક શાળામાં કે કોલેજમાં સ્ટોર કરવામાં આવતી હતી કે જેના પરથી બાળકોની માનસિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય અંગે પૂરી જાણકારી મળી રહેતી હતી. બાળકોના વિકાસના દરેક તબક્કે જરૂરિયાત મુજબ ખોરાક, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યની પુરી જાણકારી રાખવામાં આવતી હતી.


હોટેલોમાં અત્યાધુનિક ટેકનોલોજી જોવા મળતી હતી. ઓટોમેટીક સાવરમાં વોટરના ટેમ્પરેચર સેટ કરી ઈચ્છા મુજબ તાપમાને સ્નાન લઇ શકાતું હતું. આ ઉપરાંત ઓટોમેટિક ડ્રાય મશીનનો જોવા મળતા હતા.ઓટોમેટીક ક્લીનીંગ મશીન અને ફ્રેશનર રાખવામાં આવતા હતા.


મિલી પોતાની સ્ક્રીન પર કામ કરી રહી હતી. એડવીક તેની સાથે વાત કરવા માટે નજીક ગયો અને બોલ્યો," બે મિનિટ વાત થઇ શકશે?"

" બોલ" મિલીએ સ્ક્રીન પર જોતાં જોતાં કહ્યું

" તને શું લાગી રહ્યું છે? "

" ફોર વોટ ?"

"અબાઉટ લવ !"

"આઈ ડોન્ટ નો એનીથીંગ... બટ આઈ કેન સે ઓન્લી ધેટ આઈ લવ યુ!"

" કેવી રીતે શક્ય બને યાર?"

" કેમ?"

" તું પ્રેમ વિશે જાણતી નથી અને છતાં કેવી રીતે કહી શકે કે.... i love u "

" જો આ કોઈ ગણિતનું સમીકરણ નથી કે ચોક્કસ કિંમતો મૂકીને ઉકેલી શકાય!"

" તો કેમ સમજવું કે i love someone?"

" ઇટ્સ અબાઉટ ફીલિંગ, નોટ એક્સપ્લેઇન ઈટ!“ એડમીન વધુ કન્ફ્યુઝ થઇ રહ્યો હતો અને કશું જ બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો.


ભારતમા પણ ટેકનોલોજી હરણફાળ ભરી હતી. ભારતમા પોતાનું સર્ચ એન્જિન" ચાણક્ય" વિકસાવવામાં આવ્યું હતું. જેની ઝડપ એક સેકન્ડમાં 90 ટ્રિલિયન આર. પી એસ..જેટલી હતી. મંગળ પર અને ચંદ્ર પરના અલગ કેલેન્ડરો બનાવવામાં આવ્યા હતા . સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ ઝરકોનિયમ દ્વારા ઈલેક્ટ્રીક સીટી મેળવવામાં આવતી હતી અને તેમાંથી વાહનો ચલાવવામાં આવતા હતા.


કેશવ સિંહાની કેબિનનો દરવાજાની ઉપર રહેલી લાલ લાઈટ ઝબૂકવા લાગી.આ જોઈ સિંહા એક સ્ક્રીન પર" કમ ઇન" કોડ ટાઈપ કર્યો. આ સાથે જ કેબિનનો દરવાજો ખુલી ગયો અને રોબોટ નાસ્તો લઈને હાજર હતો. પરંતુ નાસ્તામાં ચા ન હતો. આથી સિંહાએ રોબોટ માં ચા લાવવા માટે સુચના આપી. આ વાત પરથી સિંહા પોતાના 30 વર્ષ જૂના ભૂતકાળમાં સરી પડ્યો. ત્રીસ વર્ષ પહેલાં એક કાફેમાં તેમના મિત્રો સાથે ગપ્પા મારી રહ્યા હતા. એ સમય યાદ આવ્યું. બધા વાતો કરી રહ્યા હતા,

" કેશવ, એટીકેટીની પાર્ટીનું શું છે?"

" બાપાની ઝાપટ!"

" હોય લ્યા ? નિયમ એ નિયમ , જેને જેને કેટી આવી છે બધાએ પાર્ટી આપી છે. તો તારે પણ આપવી જ પડે ને!"

" કેશવ તું કાંઈ સેલિબ્રિટીનો દીકરો તો છો નહીં કે તને ખાસ લાભ મળે!"

" હા પાર્ટી તો બને જ ગમે તે થાય!"

" ઠીક છે તો આજની પાર્ટી મારા તરફથી"

થોડીવારમાં નાસ્તો આવ્યો પરંતુ સાથે ચા ના આવી. મયુરે વેઇટરને બોલાવી કહ્યું," ભાઈ , ચા ક્યાં છે?"

" જી સાહેબ લાવું!"

" જે વ્યક્તિ ચાનો પીવે તે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે પરંતુ ગુજરાતી ન હોઈ શકે!" મયુરે જાણે કહેવત હોય એ રીતે પોતાની વાત કરી.

રોબોટ ચા લઈને હાજર થયું.આ સાથે જ કેશવ ભૂતકાળમાંથી બહાર આવી વર્તમાનમાં કામ કરવા લાગ્યો.



ટેકનોલોજીમાં બહુ ઝડપી ફેરફાર થઈ રહ્યો હતો છેલ્લા પચાસ વર્ષમાં રસાયણશાસ્ત્રમાં ત્રણસો જેટલા નવા તત્વો શોધાયા હતા.આ ઉપરાંત કેટલાક રાસાયણિક બંધારણ બ્રહ્માંડનું રહસ્ય ઉકેલવામાં મદદરૂપ થયા હતા.આ રાસાયણિક બંધારણોને આધારે માઇ ફાઇ ટેકનોલોજી શોધવામાં મદદ મળી હતી. આ સાથે જ આંખની તરંગ લંબાઈ વધારે ઘટાડીને કોઈપણ ખૂબ દૂરના દ્રશ્ય જોઈ શકાતા હતા. જરૂર મુજબ આ દ્રશ્યો સ્ટોર પણ કરી શકાતા હતા. માણસોએ સાંભળવામાં પણ ક્રાંતિ મેળવી હતી. અવાજની તરંગલંબાઈ બદલાવીને ખૂબ દૂરના અવાજો પણ સાંભળી શકાય તેવું હેડસેટ વિકસાવ્યું હતું. આ ઉપરાંત માણસોની કાર્યોક્ષમતા ટેકનોલોજી વડે ખૂબ વધી ગયા હતા. શારીરિક અને માનસિક રીતે ખુબ શક્તિશાળી બન્યા હતા.


સિંહા પોતાની કેબીનમાં કામ કરી રહ્યા હતા.તેઓ કોઈ ડેટાને ડિકોડ કરી રહ્યા હતા. આ ડેટાની કોડ કરતા કરતા તેમની સ્ક્રીન પર કસી એરર આવી. તેમણે એરર દૂર કરવા માટે ફરીથી ડેટા એન્ટ્રી કરી. પરંતુ ફરીથી પાછી એરર આવા. કેશવ સિંહા ફરીથી પ્રયાસો કર્યા પરંતુ વારંવાર આવ્યા કરે સ્ક્રીન પર રહેલી સિસ્ટમમાં એક નોટિસ આવી" પ્લીઝ ટ્રા ય લેટર!". સ્ક્રીન પર પ્લીઝ શબ્દ જોતા સિંહાને એડવીકની યાદ આવી ગઈ! એડવીક જે રીતે એને માઇ ફાઇ યુઝ કરવા માટે વિનંતી કરી રહ્યો હતો, તે વાત યાદ આવી. સિંહા ટેકનોલોજીના દુરુપયોગથી બરોબર વાકેફ હતા કારણકે 2040 માં બનેલા જૈવિક વોરમા તેમણે નજીકથી ટેકનોલોજીના દુરુપયોગનું પરિણામ જોયું હતું. તેઓ આજે પણ એ તારાજી અનુભવી શકતા હતા.


2040 માં વિશ્વના ત્રણ મોટા દેશો અમેરિકા,રશિયા,ચીન ખૂબ જ શક્તિશાળી બન્યા હતા.આ દેશો પાસે રાસાયણિક હથિયારો અને જૈવિક હથિયારોનો ભરપૂર ખજાનો હતો. ત્રણે મહાસત્તાઓ એકબીજાની હરીફાઈને લીધે એકબીજાથી પ્રતિસ્પર્ધી બન્યા હતા અને આખી દુનિયા ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી . સતત વધી રહેલા તણાવનું પરિણામ આવ્યું જૈવિક યુદ્ધ...


કેશવ સિંહા આજે વિશ્વ યુદ્ધના નજીકના સાક્ષી હતા. જૈવિક યુદ્ધમાં ત્રણે દેશોએ પોતાના દુશ્મન દેશો અને તેમની સાથે રહેલા દેશો પર જૈવિક હથિયારોનો મારો ચલાવ્યો હતો. અમેરિકા, ચીન અને રશિયા પોતાની પાસે રહેલા જૈવિક હથિયાર એકબીજા પર વાપર્યા હતા. વિનાશક વાયરસ માણસોના શરીરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વાયરસ માણસોને માનસિક રીતે અસર કરી રહ્યા હતા. જૈવિક વાયરસ માણસોના મગજમા જઈ રાસાયણિક બંધારણ પર અસર કરીને કાર્યક્ષમતાને અસર કરી રહ્યા હતા. કોઈ દેશના લોકો ડોપામાઈનનો સ્ટોક ખોઈ ચૂક્યા હતા, તે લોકો કોઈપણ વસ્તુ માં આનંદ લઇ શકતા નહોતા. તો કોઈ દેશના લોકો ગ્લુટામેટનો સ્ત્રોત કોઈ ચૂક્યા હતા તે લોકો ની યાદ શક્તિ મંદ પડી ગઈ હતી. કોઈ દેશના લોકો સતત તણાવમાં રહેતા. અમુક લોકો સેરોટોનિન નો સ્ત્રોત ખોઈ ચૂક્યા હતા લોકો ઊંઘ ન આવવાથી બેચેન બન્યા હતા.ઓક્સીટોસિનના ઘટાડાને લીધે ચેતાકોષની કાર્યક્ષમતા પર અસર થવાથી વિચાર શક્તિ પર અસર થઈ હતી. આ રીતે અલગ અલગ દેશોના લોકો અલગ અલગ સમસ્યાઓથી માનસિક રીતે માંગી પડ્યા હતા.આ માનસિક મહામારીમાંથી નીકળતા સમગ્ર પૃથ્વીને ઘણો સમય લાગ્યો હતો. કેશવ સિંહા ફરીથી આવી તારાજી જોવા માગતા નહોતા કારણકે જો ટેકનોલોજીનો ગેર ઉપયોગ કરવામાં આવે તો ભયાનક પરિણામો ભોગવવા પડે તે નજરે જોઈ ચુક્યા હતા.આથી સિંહા ઇચ્છતા નહોતા કે માઇ ફાઈ ટેકનોલોજીનો કોઈપણ વ્યક્તિ ગેરલાભ ઉઠાવી શકે.આ સાથે જ તેઓ ટેકનોલોજીના ઉપયોગ અને મહત્વ અંગે ગંભીર બન્યા હતા.આથી જ તેઓ કડક વલણ અપનાવતા હતા.


મિલી લેબમાં કામ કરી રહી હતી.તે માઇ ફાઇ ટેક્નોલોજી પર વધુ સંશોધન કરી રહી હતી. તેને એન. એમ. આર. ડેટા ડિકોડ કરી તેના પરથી મનુષ્યના મગજના અચેતન મન વિશે વધુ જાનકારી મેળવવાનું કામ સોંપ્યું હતું. માઇ ફાઇ પરથી મળેલ અમુક ડેટા તેને સમજાઈ રહ્યા ન હતા. તે આ ડેટા વિશે ચર્ચા કરવા કેશવ શિન્હાની કેબીનમા ગઈ.

"કમ ઈન સર?"

"યસ.."શિન્હા બોલ્યા

"સર, આઈ વોન્ટ ટુ ટોલ્ક ટુ યુ અબાઉટ માઈ ફાઇ ડેટા સ્પેક્ટ્રમ "

"સે "

"સર, હિયર ધ પીક ઓફ એનર્જી ઇસ ઇંફાનાઈટ! આ કેવી રીતે શક્ય છે? કોઈ વ્યક્તિના લાગણીના અનુભવની ઉર્જા અનંત કેમ હોઈ શકે? આ કઈ લાગણી કેવી?"

"પ્રેમ!"

"શુ? એટલે હૂ સમજી નહીં!"

" માણસના મગજમા સો બીલીયન ન્યુરોન્સ છે જે એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈ ને 0.15 કવાડ્રિલિયન જોડાણ કરે છે. આ મગજના રસાયણનું જોડાણનો ગ્રાફ એટલે માઈ ફાઇ ગ્રાફ! માઇ ફાઇના ગ્રાફ પરથી માણસે એના જીવનમા અનુભવેલી લાગણીઓનો ગ્રાફ! જો નિરાશા હશે તો ડોપામેઇન રીઝનમા ગ્રાફ આવશે, જો અનીદ્રા હશે તો સેરોટીનીન રીઝન, એવી રીતે જેતે રસાયણ પરથી ગ્રાફ મળશે. "

" પરંતુ આ અંનત એનર્જી વાળું ક્યુ રસાયણ? "

" દુનિયામાં ઘણી બધી થિયરી ઓફ માઈન્ડ આવી છે.. બધાના મત અલગ અલગ છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે સાબિત થ્યું છે કે માણસના મગજમા રહેલી અસાધારણ ચેતના ઘણીવાર બિનગાણીતિક આવે છે. અને આ અસાધારણ ચેતના જ હજુ સુધી આપને ઉકેલી શક્યા નથી! એટલે ગ્રાફ મા જે અંનત એનર્જી આવે છે એ માણસનો કોઈ ખાસ અનુભવ બતાવે છે. "

" આ ખાસ અનુભવ ને તમે પ્રેમ નો અનુભવ કહો છો એવુ!"

" હા "

" એટલે કે જયારે ગ્રાફમા અનંત એનર્જી આવે તો તે માણસે તયારે પ્રેમ અનુભવ્યું હશે એવુ? "

"હા "

"થેન્ક યુ સર "

મિલીના ચેહરા પર એક હાસ્ય હતું. તે મલકતા ચેહરે કેબીન બહાર આવી પોતાની લેબમા ગઈ.


લેબોરેટરીમાં બધા કામ કરી રહ્યા હતા પરંતુ એડવીકનું મન ક્યાંય નથી લાગી રહ્યું.બેચેની ખૂબ જ વધી રહી હતી. તણાવ અને અશાંતિ તેના ચહેરા પર પોસ્ટ વર્તાતી હતી . તી ક્ષા અને મયાન તેની અશાંતિ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે

" તીક્ષા આપણે એક વાત તો ભૂલી ગયા!" મયાને એડવીકનું ધ્યાન દોરવા માટે જાણીજોઈને તીક્ષા તરફ ઇસારો કરતા કહ્યું.

" કઈ વાત?' તીક્ષા એડી તરફ ત્રાસી નજર નાખતા બોલી.

" કેશવ સિંહાની લવ સ્ટોરી!" મયાન બોલ્યો.

" હા એ તો રહી જ ગઈ!" તીક્ષા બોલી.

એડી હજુ પોતાના વિચારોમાં ખોવાયેલ હતો તેને આ લોકોની વાતોમાં કોઈ જ રસ ન હતો. એડવીકને વિચારો માંથી બહાર આવવા માટે તીક્ષા બોલી" સાંભળવી છે તારે?"

" શું?" એડવીકે કશું સાંભળ્યું હોય તેવી રીતે બોલ્યો.

એડવીકની ગંભીરતા જોઈને તીક્ષાએ વાત બદલી ," ક્યાં ખોવાયેલો રહે છે?"

" ખબર નહીં!"

" ડોન્ટ વરી"

" આઈ એમ નોટ વરી બટ આઈ વોન્ટ ટુ અંડરસટેન્ડ લવ !"

" અમે તારી કેવી રીતે મદદ કરી શકી ?" મયાને વાત

ટૂંકાવતા કહ્યું.

" માઇ ફાઈ ચોરવામાં મદદ કરી શકો!"

" ફરીથી એ જ વાત....." તીક્ષા પોતાની વાત પૂરી કરે તે પહેલાં,

મયાને કહ્યું" ઠીક છે અમે કરીશું તારી મદદ."

તીક્ષા મયાન સામે જોતી રહી... મયાને આંખોના ઈશારા વડે તીક્ષાને સમજાવી દીધી.


ભારતના ગુપ્ત સંશોધનના ટોચના વૈજ્ઞાનિકોને ફરી મીટીંગ બોલાવાઈ હતી.આ મિટિંગમાં તેઓ માઇ ફાઇના ઉપયોગ અંગે કરાર અને તેની ગુપ્તા અંગે નિયમો તથા રણનીતિ બનાવવાના હતા, આ માટે બધા એકઠા થયા ને મીટીંગ ચાલુ થઈ.

" માઇફાઇ ટેકનોલોજીનો ગેરોઉપયોગ વિશ્વની ફરીથી ચોથા યુદ્ધ તરફ ધકેલી શકે છે"


" જો માઇ ફાઇ ટેકનોલોજીથી મગજના ડેટા બદલાવી શકાય તો બની શકે છે કે દુશ્મન દેશો એકબીજાના દેશોના માણસોની મગજ ની માહિતી બદલાવીને ગેરમાર્ગે દોરી શકે છે"


" જો કોઈ દેશ અન્ય દેશના ગુપ્તચર વિભાગના એજન્ટ કે અધિકારીના ડેટા ચોરી ને તે બદલાવી નાખે તો દેશ ની સુરક્ષા જોખમમાં મુકાઈ જાય અને અન્ય દેશ ગેરલાભ ઉઠાવી શકે"



" વૈજ્ઞાનિકો,ડોક્ટરો,કલાના ક્ષેત્રમાં રહેલા પ્રતિભાશાળી લોકો ને ખતરો રહે કારણકે આવા પ્રતિભાશાળી લોકો ના મગજના ડેટા બદલાવીને તેમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થઈ શકે"


" બિઝનેસમાં હરીફ લોકો એકબીજાને નુકસાન પહોંચાડવા માટે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી શકે"


" કોઈ અસામાજિક તત્વો ચોક્કસ સમુદાયના લોકોને ટાર્ગેટ કરી શકે છે આથી ફરીથી લોકોમાં સમુદાયો કે જૂથમાં વેચાઈ શકે અને સમાજ ફરીથી કુરિવાજો નો ભોગ બની શકે છે"


" કોઈ વ્યક્તિ કે સંસ્થાને ટાર્ગેટ કરી તેમને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઇ શકે"


" જો કોઈ દેશ અન્ય દેશને ટાર્ગેટ કરી નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો તણાવ વધી શકે છે અને આ તણાવ ફરીથી વૈશ્વિક યુદ્ધને આમંત્રણ આપી શકે છે"



" કોઈ હોસ્પિટલ કે ડોક્ટર દર્દીને ગેરમાર્ગે દોરી તેનું શોષણ કરી શકે છે"


" કોઇ શૈક્ષણિક સંસ્થા જાણી જોઈને કોઈ વિદ્યાર્થીને કે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે"


" જે તે ક્ષેત્રમાં પ્રતિભાશાળી વ્યક્તિને નુકસાન પહોંચાડવા અમુક લોકો દ્વારા પ્રયાસો થઇ શકે છે"


આમ આ ટેક્નોલોજીના ગેરઉપયોગ અંગે વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યા હતા અને હાલ પૂરતું આ ટેકનોલોજી ગુપ્ત રાખવાનું નક્કી થયું કારણકે જો આ ટેકનોલોજી બહાર આવે તો તેના ઉપયોગ કરતા ગેરઉપયોગ થવાની શક્યતાઓ વધુ હતી. તેથી હાલ ટેકનોલોજી ગુપ્ત રાખવાનું નક્કી થયું તથા કરાર પત્ર પર દરેક વૈજ્ઞાનિકોની સહી લેવામાં આવી. જેથી કોઈ વૈજ્ઞાનિક ટેકનોલોજી બહાર આપી ના શકે તથા તેનું ગેર ઉપયોગ કરવામાં કોઈનો સાથ ના આપે. આમ સ્પષ્ટ રીતે નિર્ણય આવ્યો કે "માઇ ફાઇ ટેકનોલોજી હાલ પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે જે કોઈ વ્યક્તિ આ ટેક્નોલોજી ગુપ્તા જાહેર કરશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે"

આ સાથે મિટિંગ પૂરી થઈ.


સંશોધન કેન્દ્ર પર બધા કામ કરી રહ્યા હતા. એડવિક, મયાન અને તીક્ષા પોતાનો પ્લાન બનાવવામા વ્યસ્ત હતા. તીક્ષા અને મયાન લેબોરેટરીમાંથી માઇ ફાઇ ચોરવામાં એડવીકની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને ત્રણેય વચ્ચે નક્કી થ્યું કે તેઓ લેબોરેટરીમાંથી માઇ ફાઇ ચોરીને માત્ર એક વખત જ મીલી મગજમાંથી ડેટા લઈ અને ફરીથી લેબોરેટરીમાં રાખી દેવુ જેમ હતું એમ!


નક્કી કર્યા મુજબ ત્રણેય મિત્રો રાત્રે લેબોરેટરીમાં ગયા. ત્રણેય લોક ડીકોડ કરવાની ટ્રાય કરી પરંતુ લોક ખુલ્યો નહિ. તેઓ લેબોરેટરીમાં લોક ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. લેબોરેટરી ખોલવા માટે સિંહાની આઇકોડની જરૂર પડતી હતી પરંતુ હવે લેબોરેટરી ખોલવી કેવી રીતે? સિંહા આ માટે કોઈ રીતે મદદ કરે નહીં. એ પાકું હતું ત્રણેય નિરાશ થઈને લેબ બહાર બેઠા હતા.


એવામાં એક કાર ત્યાં આવી.કારમાંથી સિંહા બહાર આવ્યા. આ જોઇ ત્રણેય આશ્ચર્યચકિત બની ગયા. અત્યારે સિંહા અહીં? કેમ? ત્રણે એ એક બીજા સામે જોઈ રહ્યા હતા એવામાં સિંહા તેમની નજીક આવ્યા

અને બોલ્યા," ખુલી લેબોરેટરી?"

જવાબમાં ત્રણેય મિત્રો આશ્ચર્ય રીતે સિંહાની જોઈ રહ્યા હતા.

સિંહા ફરીથી બોલ્યા" આવો મારી સાથે!"

ત્રણે ફરીથી આશ્ચર્ય પામ્યા, સિંહા તેમની પર ગુસ્સે થવાને બદલે તેમની મદદ કરી રહ્યા હતા. શું આ ખરેખર શક્ય છે? ખરેખર સિંહા જ હતા કે બીજું કોઈ? ત્રણેય મિત્રો એકબીજા સામે જોઈને અનેક પ્રશ્નોની આપ-લે કરી રહ્યા હતા.

ફરીથી અવાજ સંભળાયો " અંદર આવો".

ત્રણેય જણા અંદર ગયા અને સિંહાનું વર્તન જોઈ રહ્યા. એ લોકોને કશું સમજાઈ રહ્યું નહોતું.

સિંન્હા બોલ્યા" માઇ ફાઇ ટેકનોલોજી ગુપ્ત રાખવામાં આવી છે, છતાં પણ તમારી મદદ માટે હું માત્ર એક વખત તમને વાપરવા માટે આપી શકુ કારણકે એડવીકનું ધ્યેય ખરાબ નથી. પરંતુ ધ્યાન રહે ટેકનોલોજીનો દુરુપયોગ ના થાય."

ત્રણે જણા માઇ ફાઇની ચિપ લઈને લેબ બહાર નીકળી ગયા. હજુ પણ કશું સમજી રહ્યા ન હતા કે સિંન્હા તેમની મદદ કેવી રીતે કરી શકે?


ચિપ લઈને તેઓ એડવીકના ઘરે આવ્યા. મિલી ઊંઘી ગઈ હતી.

" મને તો હજુ સુધી નથી સમજાઈ રહ્યું કે શિન્હા આપને મદદ કેવી રીતે કરી શકે છે?" તીક્ષા બોલી.

" એ જે હોય તે મુક..., મીલીના મગજમાં આ ચિપ કેવી રીતે ફીટ કરવી તે વિચાર!" એડવીક ઉત્સાહપૂર્વક બોલ્યો.

" ઠીક છે જે કામ કરવાનું છે એ જલ્દી કરવું પડશે અને મીલીને ખબર ના પડે તે રીતે,અવાજ કર્યા વગર!" તીક્ષા બોલી.

ત્રણે જણા મિલીના રૂમમાં ગયા અને મીલી મગજને માઇ ફાઇ સાથે જોડી અને ડેટા ટ્રાન્સફર કર્યા.

ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી ત્રણેય જણા ફરીથી લેબમા માઇ ફાઇ ચિપ આપી આવ્યા.


બીજા દિવસે ત્રણેય જણા લેબોરેટરી પર મીલીના મગજના ડેટા ડીકોડ કરવા માટે સ્પેક્ટ્રમ મશીનમાં ડેટા ઇનપુટ કર્યા.

થોડીવારમાં પ્રોસેસ થઈને કાર્ડિયોગ્રામ જેવા સ્પેક્ટ્રમ તૈયાર થઈને બહાર આવ્યા.

ડેટા પરથી અમુક વાતો સ્પષ્ટ હતી તો અમુક વાતો ના સમજાય એવી હતી.

મીલી મગજમાં રહેલી માહિતી હવે ત્રણેયની સામે હતી.

આ માહિતી મુજબ મિલી જ્યારે એડવીક સાથે હતી ત્યારે ખરેખર તેની સાથે ન હતી. તેના મગજના રાસાયણિક ડેટા પરથી તેની લાગણીઓ એડવીક માટે બદલાઈ હોવાનું જાણવા મળ્યું.અમુક ડેટા હજુ સમજાય રહ્યા નહતા. એ ડેટા ખરેખર શુ કહેવા માંગતા હતા એ ત્રણેય જણા વિચારી રહ્યા હતા.

ડેટા જોઈને એડવીક બેચેન બની ગયો અને બોલ્યો," જોયું ને મેં કહ્યું હતું ને તમને લોકોને કે મિલી બદલાઈ ગઈ છે!"

" હા પરંતુ આ સ્પેક્ટ્રમ સરખી રીતે જો" તીક્ષા બોલી.

" શું જોવું સરખી રીતે બધું જ સ્પષ્ટ છે"

" નથી સરખુ જો! સ્પેક્ટ્રમ માં બે જગ્યાએ એનર્જી અનંત બતાવે છે અને ગ્રાફ ખૂબ ઊંચો આવે છે આનો અર્થ શું સમજવું?"


ત્રણેય જણા વાતો કરી રહ્યા હતા ત્યાં પાછળથી મિલી આવી.

" હું સમજાવું?" મિલી બોલી.

ત્રણે જણા આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા હતા. તેઓ પોતાની ચોરી પકડાઈ ગઈ હોવાથી તેમની સામે નજર મિલાવી શકતા ન હતા . મિલીના ચહેરા પર એક શાંતિ અને આત્મવિશ્વાસ હતો. એને કશો ફરક પડી રહ્યો નહોતો.

" હા હવે સમજાવી જ દે !" એડવીક ગુસ્સા સાથે બોલ્યો.

" માઇ ફાઇ ટેકનોલોજીએ મગજનો ડેટા આપે છે, અનુભવેલા લાગણીના ગ્રાફ છે . મેં ક્યારે શું વિચાર્યું હતું તે બધું જ તેમાં છે.આપણું મગજ સો બિલીયન ન્યુરોન્સ નું બનેલું છે. તથા અનેક રસાયણો આવેલા છે આ રસાયણો ક્યારે કોની સાથે પ્રક્રિયા કરે અને શું અનુભવ કરે તે અતિ જટિલ પ્રક્રિયા છે..."

મિલી આગળ બોલે તે પહેલા એડીવીકે કહ્યું" હા, અમને ખબર છે ન્યુરોસાયન્સ અમે પણ ભણ્યા છીએ.તું માત્ર પેલા બે અંનત એનર્જી પીક વિશે કહે!"

" પેલા બે અનુભવ કે જે ગ્રાફમાં એનર્જી અનંત બતાવે છે તે?" મિલી બોલી

" હા"

"તો એ બે પીક માથી એક પીક,જયારે તું ઊંઘમા હતો તયારે મેં તને કરેલ વ્હાલના અનુભવનું પીક...ગ્રાફમા હાઈ પીક આવ્યું અને એનર્જી અંનત આવી "મિલી આંખમાં આંસુ સાથે બોલી.

" અને બીજો અનુભવ? " એડવિકના ગળામાથી અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો.

" જયારે તે મારા શરીર પરથી વસ્ત્ર હટાવ્યા હતા તયારે મેં તને ઓઢી લીધો હતો એવુ અનુભવ્યું હતું….. "મિલી આગળ કશુ બોલે એ પહેલા એડવીકે પોતાની આંગળી મિલીના હોઠ પર રાખી દીધી. બંનેની આંખોમાથી આંસુઓ વહી રહ્યા હતા.

પાછળથી તીક્ષા બોલી,"અત્યારે પણ તમારા મગજના જે ગ્રાફ આવશે એ અંનત આવશે...માપવા છે એડવિક?"

તીક્ષાનો અવાજ સાંભળી બને સ્વસ્થ થયા.

એડવિક બોલ્યો, " મહેરબાની! હવે mi fi ની જરૂર નહીં પડે!"

અને બધા હસી પડ્યા.

(સંપૂર્ણ )


.