Bhul Bhulaiya 2 books and stories free download online pdf in Gujarati

ભુલ ભુલૈયા ૨

ભુલ ભુલૈયા ૨

-રાકેશ ઠક્કર

કાર્તિક આર્યનની 'ભુલ ભુલૈયા ૨' માં કોઇ ભૂલ નથી એવું નથી પણ કાર્તિકની જબરદસ્ત કોમેડી હોવાથી એમાં ખોવાઇ જવાનું મન થાય એમ છે. અનિસ બઝમીના નિર્દેશનમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 2022 સુધીમાં કાર્તિકની કારકિર્દીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઇ છે. કાર્તિકે પોતાને અક્ષયકુમારથી વધુ કમાણી કરતો હીરો સાબિત કર્યો છે. ૧૪ વર્ષ પછી નિર્દેશક પ્રિયદર્શનની અક્ષયકુમાર-વિદ્યા બાલન સાથેની 'ભુલ ભુલૈયા' ને કોઇ ભૂલી શકે એમ નથી. કાર્તિકની સરખામણી અક્ષયકુમાર સાથે કરવાની જરૂર નથી. કેમકે 'ભુલ ભુલૈયા ૨' ની વાર્તાને એની સાથે કોઇ લેવાદેવા નથી. છતાં એ ફિલ્મના નામને વટાવવામાં આવ્યું છે. પહેલા ભાગ સાથે સરખામણી કરવાથી મજા આવશે નહીં. કાર્તિકે 'ધમાકા' પછી એ પણ સાબિત કર્યું છે કે હીરો તરીકે આખી ફિલ્મને ખેંચવા માટે એકલો જ કાફી છે. તેનું કોમિક ટાઇમિંગ એટલું જબરદસ્ત છે કે કેટલાક ફાલતુ સંવાદ પણ હસવા મજબૂર કરે એવા છે. એનો અભિનય ફિલ્મની ખામીઓને ઢાંકી દે છે. તેની ફિલ્મને તબ્બુનો સારો સાથ મળ્યો છે. બીજા ભાગમાં તબ્બુને કારણે જ દર્શકો ખુરશી સાથે જકડાઇને બેસી રહે છે. કાર્તિક અને તબ્બુના શાનદાર અભિનયને કારણે 'ભુલ ભુલૈયા ૨' અલગ છાપ છોડી શકી છે. દર્શકો ભલે કાર્તિકના નામ પર ફિલ્મ જોવા ગયા હશે પણ છેલ્લે તબ્બુની જ ચર્ચા વધુ કરતા દેખાશે. ટ્રેલર જોઇને કોઇએ એવી અપેક્ષા કરી ન હતી કે હોરર-કોમેડી આટલી મજા આપી શકશે. ફિલ્મની કોમેડીએ દર્શકોના પૈસા વસૂલ કરી આપ્યા છે. વાર્તા એવી છે કે એક હવેલીમાં ઘરની વહુ (તબ્બુ) ને ચુડેલ મંજૂલિકાથી બચાવવા માટે તાંત્રિકની મદદ લેવામાં આવે છે. તાંત્રિક મંજૂલિકાની આત્માને હવેલીના એક રૂમમાં બંધ કરી દે છે અને આખો પરિવાર હવેલી છોડી જાય છે. વર્તમાનમાં જ્યારે રીત (કિયારા) મેડિકલનો અભ્યાસ પૂરો કરીને પરિવારની મરજીથી લગ્ન કરવા ઘરે પાછી ફરતી હોય છે ત્યારે રસ્તામાં તેની મુલાકાત રુહાન રંધાવા સાથે થાય છે. સંજોગો એવા નિર્માણ પામે છે કે રીતને તેની બહેન અને મંગેતરના પ્રેમની ખબર પડે છે. તેમને એક કરવા તે રુહાનની મદદથી પોતાના મૃત્યુનું નાટક કરે છે. અને છુપાઇ જવા એ જ હવેલી પર પહોંચે છે જ્યાં મંજૂલિકાની આત્મા કેદ હોય છે. અને પછી એ ભૂતની હવેલીમાં હોરર અને કોમેડીની ધમાલ મચી જાય છે. રુહાન આત્મા સાથે વાત કરતો રુહ બાબા બની જાય છે. આવી વાર્તામાં પણ લોજિકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એનું ઉદાહરણ તબ્બુની 'મંજુલિકા' ની ભૂમિકા અંગેનું છે. વાર્તાની વિગતો આપવામાં આવી છે. કેમ થયું કેવી રીતે થયું એ જણાવવાની લેખકે તસ્દી લીધી છે. એમાં ટ્વીસ્ટ અને ટર્ન એટલા છે કે પડદા પરથી નજર હટતી નથી. કેટલાક દ્રશ્યો એટલા કમાલના છે કે સંવાદ વગર હસાવી જાય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ પહેલા ભાગની જેમ વધારે રહસ્યથી ભરપૂર બનાવવાની જરૂર હતી. મોટાભાગનું રહસ્ય પહેલાંથી જ ખૂલી ગયું હોવાથી રોમાંચ ઓછો થાય છે. અંત જોયા પછી કેટલાકને બિપાશા બસુની એક ફિલ્મ યાદ આવી જશે.
ફિલ્મમાં કાર્તિકે કોમેડી કરીને કિયારા સાથે રોમાન્સ કર્યો છે. કિયારાને નવું કરવાની કોઇ તક મળી નથી. પરંતુ તેની હરિફ અભિનેત્રીઓને સ્પર્ધા પૂરી પાડી શકી છે. ત્યારે કાર્તિકે જાહેર કર્યું છે કે દર્શકોને ગમતી એકસરખી રોમ-કોમ ફિલ્મો કરવામાં તેને વાંધો નથી. રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને રાજેશ શર્માએ કોમેડીમાં ધમાલ મચાવી છે. બાળકલાકાર સિધ્ધાંતનું કામ સારું છે. નિર્દેશક અનીસ બઝમીએ કલાકારો પાસે સારો અભિનય કરાવીને હોરર અને કોમેડી વચ્ચે સારું સંતુલન જાળવી રાખ્યું છે. ફિલ્મ હસાવવા સાથે ડરાવતી રહે છે. ફિલ્મને પ્રીતમ અને તનિષ્ક બાગચીના સંગીતનો ખાસ લાભ મળ્યો નથી. અગાઉના 'હરે રામ- હરે રામ' ગીતનો અનેક જગ્યાએ સારો ઉપયોગ થયો છે. 'મેરે ઢોલના અને 'દે તાલી' ઠીક કહી શકાય એવા છે. માત્ર અને માત્ર મનોરંજન માટે સપરિવાર જોઇ શકાય એવી સાફસુથરી ફિલ્મ છે.