Smallpox VII books and stories free download online pdf in Gujarati

શીતળા સાતમ

"શીતળા સાતમ : જન્માષ્ટમી."

શ્રાવણ આયો રે...
આજે ટાઢી સાતમ આપણે એને "શીતળા સાતમ" પણ કહીએ છીએ.દક્ષિણ ગુજરાતમાં આ માસની અગાઉની સાતમના દિવસે શીતળા સાતમ ઉજવે છે.ગામડાની સ્ત્રીઓ આ દિવસે ન્હાઈ ધોઈ પાણિયારે અને રસોડાની સાફ સફાઈ કરી શીતળા માતાની માટીની કે ઈંટની જાતે ઘડીને મૂર્તિ બનાવી સ્થાપના કરી દીવો કરી પૂજા કરે છે.અને આ દિવસે ચૂલા(અગ્નિદેવ)નું પૂજન કરે છે.આ દિવસે નિયમિત રંધાતા આ ચૂલા ઉપર આજના સાતમના દિવસ દરમ્યાન અગ્નિ પ્રગટાવી કોઈ રાધતું નથી.
માનતા એવી છે કે શીતળા માતા ચૂલામાં પગલાં પાડવા ગમે ત્યારે આવે એટલે ચૂલો ઠરેલો જોઈએ.નહીં તો બાળા સ્વરૂપે પગલાં પાડવા આવતાં શીતળા માતાના પગ દાઝી જાય જેથી રાંધનાર સ્ત્રીને શ્રાપ આપે કે તેં આજના દિવસે પણ ચૂલો ગરમ રાખી મારા પગ અને હૈયું દઝાડ્યું છે,તો તારું હૈયું પણ દાઝશે.માટે કોઈ ગૃહિણી આજના દિવસે નિયમિત રંધાતા ચૂલા પર આઠમની સવાર સુધી રાંધતી નથી.
આ વાત નવા જમાનના લોકોને જુનવાણી લાગશે પરંતુ આ વાર્તા પ્રતીકાત્મક છે.દરરોજ વપરાતા કોઈ પણ સાધન કે વસ્તુને આપણે સાફ સફાઈ માટે કે સર્વિસ માટે અઠવાડિયું,માસ,વરસ સુધી તેની કાળજી ના લઈએ તો તે વસ્તુ ક્યારેક આપણને દગો આપે છે.માટે સીધી રીતે આ ઉદેશ કોઈ માને ના ત્યારે ઋષિ તપસ્વીઓએ આ રીતે વાર્તા સ્વરૂપે સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે.
આજના દિવસે વરસાદી સીઝનને કારણે નદી,સરોવર,ખેતર,ખાડા,ખાબોચિયાંમાં પાણી ભર્યું હોય ત્યારે ઘરની બહાર ન્હાવાની અનોખી મજા હોય છે.ભીને કપડે ઘરે આવી બદલીને નવાં કપડાં પરિધાન કરી,સોળ શણગાર સજી જે ઠેકાણે શીતળા માતાનું મંદિર હોય ત્યાં દર્શને જાય છે.આ દિવસે ઘણે ઠેકાણે મેળા ભરાય છે.અલગ અલગ પ્રાંતમાં ભાતીગળ સંસ્કૃતિનાં દર્શન થાય છે.સ્ત્રીઓ અને બાળાઓ ગોળ ગોળ ઘૂમી ગીતો ગાય છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ છેક એકમથી માંડી જન્માષ્ટમી અને પારણાં નોમ સુધી સ્ત્રીઓ કાનુડો રમે છે.અહીંના લોકો તેને "પરબલાં" રમવા ના નામથી આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવે છે.મહાભારત કાળમાં તે વખતની સુંદર સ્ત્રીઓનું જયાં ત્યાંથી અપહરણ કરતો રાક્ષસ "નરકાસૂર" ના જનાન ખાનામાંથી 1600 સ્ત્રીઓને છોડાવી હતી.તેથી તે દરેક સ્ત્રીને કાનુડો વ્હાલો છે.કેમકે હજારો સ્ત્રીઓ વરસોથી પીડા સહન કરતી હતી.ભગવાન કૃષ્ણે નરકાસૂર સામે યુદ્ધે ચડી આ તમામ સ્ત્રીઓ છોડાવી હતી તેથી ઉપકારવશ આપણા દેશની સ્ત્રીઓ તેના કંઠે વખાણ કરી ગીતો ગાતી ધરાતી નથી.
જન્માષ્ટમીમાં ગામની તમામ બહેનો કાનુડાનાં ગીતો ગાઈ આ ઉત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવે છે.મતલબ કે સળંગ સાત દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે.સાસરે ગયેલી દીકરી આ દિવસોમાં પિયર પરબલાં રમવા આવે છે.ઉત્તર ગુજરાતના બહેનો આ ઉત્સવને સારી પેઠે માણે છે.સખી સહેલીઓ સૌ સૌ સરખી ઉંમરના ગ્રુપમાં ગામની દીકરીઓ,, વહુઓ તળાવને કાંઠે સ્નાનાદી બાદ શીતળા માતાની વાર્તા સાંભળે છે.મંદિર ના હોય તો ખુલ્લામાં બેસી પૂજા કરે છે.આજના દિવસે ઘણી મહિલાઓ ઉપવાસ કે એકટાણાં પણ કરે છે.કુંવારી કન્યાને ભારત દેશમાં સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે.બીજા દિવસે આઠમ હોવાથી સતમની રાત્રે બાર વાગે જમ્યા બાદ આઠમ અને નોમનો પણ સળંગ ઉપવાસ કરે છે.આ પાછળનું તર્ક એ છે કે નદી માતામાં ન્હાવાથી આખા વરસમાં ચાલતાં, કામ કરતાં,રસોઈ રાંધતા કે અન્ય કામો કરતાં જાણ્યે અજાણ્યે કોઈ જીવને તેમના હાથ,પગ,મુખ દ્વારા હિંસા થઇ હોય ત્યારે પાપ લાગે છે.જૂના સમયમાં શીતળાનો રોગ ફાટી નીકળ્યો હતો.લાખો લોકો આ રોગથી પ્રભાવિત હતાં. પરંતુ ભલું થજો "ડૉ.એડવીન જેનર"નું કે તેમણે આ રોગની રસી શોધી અને આ રોગ કાબુમાં દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં નામશેષ કરી દીધો.તે પાપ ધોવાનો દિવસ એટલે"શ્રાવણ મહિનાની વદની સાતમ છે."
આ દિવસે નદી કે સરોવરમાં ન્હાવાથી નિષ્કલંક થવાય છે.
લગભગ દેશના દરેક પ્રાંતમાં આ ઉત્સવ ત્યાંની પરંપરા મુજબ ઉજવાય છે.સૌને શીતળા માતાની જય.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)