Ikarar - 3 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૩)

મારા નયન અવનીને તેની કેબીન સુધી વળાવી રહ્યા હતા ત્યારે મારા પગ મને મારી કેબીન તરફ વળવાનો સંકેત આપી રહ્યા હતા. મેં મારા કેબીનમાં આવીને મારી બેગમાંથી ટીફીન કાઢીને મારા ડેસ્કના છેલ્લા ડ્રોઅરમાં મુક્યું ને બેગને મારી ખુરશીની ડાબી તરફની ખાલી જગ્યામાં ગોઠવી.

મારી રોજની દિનચર્યા શરૂ થઈ. હા તો તમને જણાવી દઉં કે હું A To Z નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરું છું પણ હજી મારા વિઝા આવ્યા નથી. કેમ કે મારે તો ત્યાં જ જવું છે જે રોજ મારા સપનામાં આવે છે, ઓસ્ટ્રેલીયા. ઓસ્ટ્રેલીયાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે મારી પાસે લાયકાત નથી. એવું નથી કે હું ભણ્યો નથી, પણ સ્ટડી ગેપ વધી ગયો હતો. કોઈવાર મારા ઘરે મહેમાન આવ્યા હોય અને મારા પપ્પા મમ્મી એમને એમ કહે કે મહર્ષિ માટે તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો જોજો ને. એટલે મહેમાન પૂછે કે શું ભણ્યો છે, ને મમ્મી પપ્પા કહે કે બી કોમ કર્યું છે તો મહેમાન એવી રીતે મોં બગાડીને જુએ જાણે હું અભણ હોઉં ને એમના ઉતારેલા મોંમાંથી શબ્દો છોડે, “બી કોમ.” એ જે રીતે બોલે એમાં એ મને ગાળ બોલ્યા હોય એવો રણકાર સંભળાય અને બી કોમ નો ભાવાર્થ એ બેચલર ઓફ કોમર્સ ને બદલે બીજી કોમનો એવો સમજ્યા હોય એવું લાગે. મને એમ થઈ જાય કે આટલી જ વેલ્યુ બી કોમની.

એક પછી એક વિદેશગમન કરવા માંગતા ક્લાયન્ટો આવતા જાય ને હું એમને જે દેશમાં જવું હોય એની માહિતી સમજાવતો જાઉં. એમાં ને એમાં બપોર થઈ જાય ને લંચ લેવાનો સમય થઈ જાય.

આજે પણ હું લંચ કરીને મારી કેબીનમાં બેઠો બેઠો મોબાઈલમાં સોશ્યલ મીડિયા પર અપડેટ જોતો હતો ત્યાં જ મારી કેબીનનું બારણું ખુલ્યું. જે વ્યક્તિ મારા કેબીનમાં પ્રવેશી એને જોઇને મારા શરીરમાં લોહીના પરિભ્રમણની ગતિ વધી ગઈ અને એની સીધી અસર મારા હૃદય પર થવા માંડી. હૃદયના ધબકારા તેજ થવા માંડ્યા. એ અવની હતી. હું પહેલા જ કહી ચુક્યો છું કે આજના ચોઘડિયા કંઇક અલગ જ લાગે છે. છ મહિનામાં પહેલીવાર એ મારા કેબીનમાં આવી હતી, કારણ કે મારો અને એનો ડીપાર્ટમેન્ટ અલગ હતો એટલે મારે એનું કે એને મારું કોઈ દિવસ કામ જ નહોતું પડ્યું. પણ આજે એ સાક્ષાત મારા કેબીનમાં આવી હતી. એની પવિત્ર સુગંધથી મારી આખી કેબીન મઘમઘી ઊઠી. એક સાથે એક હજાર વાંસળીઓ વાગવા માંડી હોય એવું સંભળાયું. મને સમજાતું ન હતું કે એની આગતાસ્વાગતા માટે શું કરું? હું હજી વિચારી જ રહ્યો હતો ત્યાં તો અવની શાંત વહેતી નદી જેમ બાંધ આગળ આવીને સ્થિર થાય તેની માફક મારી સામે આવીને ખુરશીમાં સ્થિર થઈ.

મેં પહેલાં પણ કહ્યું હતું કે એની સામે જોવાની મારી હિંમત જ નહતી થતી. એની આંખોમાં જે તેજ હતું એનાથી મને એને જોતા જ ઝટકો લાગતો. મેં એના ચેહરા પરથી નજર હટાવી લીધી. મારી સમજમાં નહોતું આવતું કે વાતની શરૂઆત કેવી રીતે કરું? હું કંઈ બોલી જ ન શક્યો, ફક્ત વિચારોમાં સરી પડ્યો. મને અમે બંને કાફેમાં કોફી પીતાં, રીવરફ્રન્ટ પર એકમેકના હાથમાં હાથ નાંખી લટાર મારતા, લગ્નના પહેરવેશમાં સજ્જ અગ્નિના ફેરા ફરતા, લગ્નની પહેલી રાત્રે એકમેકમાં સમાતા દેખાયા, ઓસ્ટ્રેલીયાની ગલીઓમાં એકબીજાને આઈસ્ક્રીમ ખવડાવતા, ઓસ્ટ્રેલીયાના બીચ પર મસ્તી કરતા ને વારેવારે કિસની આપલે કરતાં દેખાયા. હજી હું અમારા બાળકને હોસ્પીટલમાં હાથમાં લેવા જ જતો હતો ત્યાં જ ચપટી વાગવાનો એકધારો અવાજ ગુંજવા લાગ્યો.

એના હલ્લોના અવાજે મને સ્વપ્નમાંથી બહાર કાઢી હચમચાવી મુક્યો. મેં સ્વસ્થ થતા મારા પ્રેમને કાબુમાં રાખી નોર્મલ અવાજમાં પૂછ્યું, “કંઈ કામ હતું?”

એણે મારી સામે એકધારું જોતા કહ્યું, “હા, બહુ ખાસ કામ છે એટલે જ આવી છું.” એનું મારી સામે આ રીતે મને જોવું, મને વિહવળ કરી રહ્યું હતું.

મને એણે ખાસ શબ્દ પર જે રીતે ભાર મુક્યો હતો એમાં ખરેખર મારા માટે જ આવી હોય એવું લાગ્યું એટલે મેં ધીરે ધીરે અવાજમાં પ્રેમ ઉમેરવાનું શરૂ કર્યું, “હા.. હા બોલોને મારા લાયક જે હોય એ કહો.”

“તમે મને છાને છાને જુઓ છો એ સાચું છે?” એનું આટલું બોલવું કાફી હતું, મને અમારા જે બાળકને હમણાં હું હાથમાં લેવાનો હતો એ બાળકની કિલકારીઓ સંભળાવા માંડી.

મારા ચેહરા પર આવી ગયેલી લાલાશ જોઈ એ મારી હા સમજી ગઈ હોય એમ બોલી, “ઘોડીના.”

બાળકની કિલકારીઓ વચ્ચે આ મેં શું સાંભર્યું? એ એટલા પ્રેમથી ઘોડીના બોલી હતી કે મને એમાં ગાળ સંભળાઈ જ નહીં. મને એવું લાગ્યું કે પ્રેમ માટે એમનામાં વપરાતો કોઈ શબ્દ હશે. મેં મારી તંદ્રામાં જ હોંઠ ફફડાવ્યા, “હા”

મારા હા બોલતા જ મારા ગાલ પરની લાલાશ એની આંખોના ગુસ્સાની લાલાશમાં ક્યારે પરિવર્તિત થઈ ગઈ એ મને જાણ જ ન થઈ, કારણ કે હજી તો મારા કાનમાં બાળકની કિલકારીનો છેલ્લો પડઘો ક્યાંક દૂર ગુંજી રહ્યો હતો.

હું સફાળો જાગ્યો એ જ સમયે એ મારી સામેની ખુરશીમાંથી ઊભી થઈ ગઈ હતી. હજી તો હું કંઈ સમજીને જવાબ આપું એ પહેલાં તો એ તાડૂકી, “તારું ડાચું જોયું છે કોઈ દિવસ.” કહેવું તો હતું કે રોજ જોઉં છું, પરંતુ શાંત વહેતી આવેલી નદી અચાનક ધસમસવા માંડી હતી. એના ગુસ્સા સામે મારા શબ્દોએ સ્વેચ્છાએ આત્મસમર્પણ કહ્યું હોય એમ ગળાની બહાર જ ન આવ્યા.

અવની એ જ પીચ પકડી રાખીને મને ધમકાવતા બોલી, “તારી હિંમત કેવી રીતે થઈ મારા ખ્વાબ જોવાની? તારી ઓકાતમાં રહેજે.” એ બોલી રહી હતી ને હું એની સામે જોઈ રહ્યો હતો એમાં પણ એને મારા ચેહરા પર આવેલો ડર નહીં દેખાયો હોય કે શું એમ ફરી તાડૂકી, “હજી મારી સામે જુએ છે?” મેં તરત મુંડી નીચે ઝુકાવી દીધી.

મેં જાણે મુંડી નીચે ઝુકાવીને તેનું અપમાન કર્યું હોય એમ એ વધારે વિફરી, “નીચે શું જુએ છે ઉપર જો?”

મને મૂંઝવણ થતી હતી કે ઉપર જોવું કે નીચે જોવું. મેં મધ્યમાર્ગ પસંદ કર્યો. ગરદન સહેજ ઊંચી કરીને સામે જોયું. કદાચ આજે આટલો ડોઝ કાફી છે એમ છેલ્લું વાક્ય “દૂર રહેજે મારાથી” બોલીને એણે બહાર તરફ જવા પીઠ ફેરવી.

હંમેશની જેમ મેં એને પાછળથી જોવા એની તરફ નજર ફેરવી, તમને તો ખબર છે એ જ મારા નસીબમાં હતું. એને જોઇને મારા હોંઠ ફફડ્યા, “જાલિમ”. એ સાંભળી ગઈ હોય એમ અચાનક દરવાજેથી ધસમસતી નદી ગાંડીતૂર બની હોય એ ઝડપે મારી સામે પીસત્તાલીસ અંશના ખૂણે આવી મારી સામે આંગળી ચીંધતા બોલી, “એક વાત સાંભળી લે. હું રિલેશનશિપમાં છું.” મારે પૂછવું તો હતું કે કોણ છે એ નસીબદાર? પણ તમને લાગે છે આ કમઠાણમાં કોઈની હિંમત થઈ શકે એવું પૂછવાની? આટલું કહી દરવાજો પછાડી અવની મારી કેબિનમાંથી બહાર નીકળી ગઈ.

હું નજર સામે રાખીને થોડીવાર સુધી સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેસી રહ્યો. મને ખાતરી હતી કે ચોક્કસ મારી કેબીન બહાર આખી ઓફીસનો સ્ટાફ આ કમઠાણ સાંભળતો હશે. હજી મારા કાનમાં એના છેલ્લા શબ્દો ‘હું રિલેશનશિપમાં છું’ ગુંજી રહ્યા હતા. મગજ કહી રહ્યું હતું કે ‘જવા દે જવા દે એના જેવી દસ મળશે’, પણ હૃદય કહી રહ્યું હતું કે ‘દસની નથી જરૂર એ મળે એટલે બસ.’ થોડીવાર પહેલા જ બની રહેલો સ્વપ્નનો મહેલ, પત્તાનાં મહેલની જેમ કકડભૂસ થઈ ગયો હતો. ‘હું રિલેશનશિપમાં છું’ ના કહ્યું હોત તો ન ચાલત.

હદ તો ત્યાં થાય છે, મેં એને પ્રપોઝ કર્યું નથી તોય આ રમખાણ કરી ગઈ. મને ખબર છે તમને તો મજા આવતી હશે. લો તમ તમારે મજા.

ખેર દસેક મિનીટ પછી વીતી ગયેલા વાવાઝોડાથી પોતાની જાતને સ્વથ કરવા ફ્રેશ થવાના ઈરાદે બાથરૂમમાં જવા મારી કેબીનનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. મને ખાતરી હતી કે હમણાં જ રિસેસ પૂરી થઈ છે એટલે કોઈ બહાર નહીં હોય, પણ જેના નસીબમાં હોય પાંદડું એને ગમે ત્યારે લાફો મારી જાય વાંદરું. લેંબો બહાર મારી રાહ જોઇને જ ઉભો હતો. મને જોઇને એણે આંખો ઉલાળી મારી મજાક કરી. મનમાં તો થયું કે ‘મેલું પાટું તો જાય ગડથોલું ખાતો.’ પણ પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.” મેં તેને અવગણીને બાથરૂમ તરફ પગ ઉપાડ્યા.