AVAK 17-18 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 17-18

17

સમય ખબર નહીં ક્યારે પસાર થઈ ગયો....

સભ્યતા માત્ર ક્યાંય પાછળ રહી ગઈ નથી, હવે એની જરૂરિયાત પણ અનુભવાતી નથી. એક આદિમ પવિત્ર સમયમાં જઈ રહ્યાં છીએ અમે.

ન ક્યાંય લાઇટ, ન પાણી, ન નળ, ન ટોઇલેટ, ન ગટર.

સમયમાં સ્થિર એક ગામ છે, નામ છે પ્રયાગ. ઉંચાઇ સાડા ચૌદ હજાર ફૂટ. માનસરોવરને રસ્તે અમારો છેલ્લો પડાવ. જાણે પાંચસો વર્ષ પાછળ ચાલ્યા ગયાં હોઈએ, પોતાના પૂર્વજોને મળવા.

એક સુંદર હોલમાં છ પલંગ મૂકેલા છે. માટીની છત. તિબેટી રંગોથી દીવાલ રંગેલી છે. દીવાલ પર બોર્ડ છે, લીલા, વાદળી, લાલ રંગનું.

પ્રકૃતિના મૂળ તત્વના રંગ. જેથી કોઈ ભૂલે નહીં, તે એનાથી ઘેરાયેલું છે, એનાથી બનેલું છે.

કાલે અમે માનસરોવર પહોંચી જઈશું.

ઘર. ઓંસરી.

વચ્ચે એક કૂવો, લાકડાના ઢાંકણા વાળો. એમાં સાંકળ સાથે તાળું છે. શેરપા પાણી કાઢે છે. હું પૂછું છું,

-અંદર જોઈ શકું ?

-હા, હા કેમ નહીં?

કૂવાની જમીનમાં આકાશ તરી રહ્યું છે....બિલકુલ તારકોવસ્કીની ફિલ્મની જેમ.....

આ બાજુ રહેવા માટેના ઓરડા, પેલી બાજુ સીડી ચઢીને ખાડા વાળા સંડાસ. ખુલ્લા આકાશની નીચે. તૂટેલું એક પાટિયું, આડશ માટે.

આ નિર્જનમાં આડશ કરવાની કોનાથી છે? સિવાય પોતાના સહયાત્રિઓથી ?

આંગણામાં નળવાળી ડોલમાં શેરપા ગરમ પાણી મૂકી જાય છે. એનાથી અમે હાથ-મોં ધોઈએ છીએ, મંજન કરીએ છીએ.

-     તમે લોકો એક વાતનું ધ્યાન રાખજો, સાંજે એકલાં બહાર ન નિકળશો, ટોઇલેટ માટે પણ નહીં. બે જણ સાથે રહેજો અને સાથે એક લાકડી. અહીંના કુતરા બહુ ખતરનાક છે. એમને માણસના માંસની ટેવ છે.

અમે શેરપાનું મોં જોઈ રહ્યાં છીએ.

-     તિબેટમાં દાહ-સંસ્કાર થતાં નથી ને, બાળવા માટે લાકડું નથી. માણસ મરી જાય તો લામા એના ટુકડા કરીને પહાડ પર ફેંકી દે છે. ફેંકે છે તો ગીધ માટે પણ મોટેભાગે કુતરા જ ખાઈ જાય છે....

વિચારતા જ હૈયું કંપી ઊઠે છે. ભલે સમગ્ર પ્રકૃતિ એક-બીજાનું ભક્ષણ હંમેશા કરી રહી હોય છે, તો પણ પોતાના જ હાથે પોતાના જ પ્રિયજનને આ રીતે સોંપી દેવાનું ? બહુ હિમ્મત જોઈએ.

અત્યારે બપોર થઈ છે. આ દિવસોમાં તિબેટના આ ભાગમાં રાતના નવ-સાડા નવ સુધી અજવાળું રહે છે.

અમે ફરવા નીકળ્યા છીએ. બે દિવસ પછી કૈલાસ પરિક્રમા શરૂ કરવાની છે. એકવાર ઉપર ફસાઈ ગયાં તો પાછા નહીં આવી શકીએ.

પોતાની પરિસ્થિતિને તપાસી લેવી જોઈએ.     

હવા તેજ છે, અને ઠંડી. જોકે અત્યારે આકરો તડકો છે. વાંદરા ટોપી ન પહેરી હોય તો તરત ગળું પકડાઈ જાય અને રાત થતાં થતાંમાં તાવ.

ગામની બહાર હાડકાનો ઢગલો પડ્યો છે. યાક અને ઘેટાઓના હાડકાં, શિંગડા.

તિબેટી લોકો બૌધ્ધ હોવાં છતાં માંસ ખાય છે. અહીં બીજું કશું થતું નથી. ગામની દુકાનોમાં સૂકું માંસ, છત પર લટકાવેલું દેખાય છે. આ દિવસોમાં સાગાદાવા છે, શાક્ય મુનિનો પવિત્ર માસ, તેથી તાજું માંસ કાપવામાં આવતું નથી.

એક ભાંગ્યું-તૂટ્યું ગોમ્પા છે. એને તાજો રંગ કરવાની તૈયારી છે. નવા લાવેલા પ્રાર્થના ચક્ર એક ખૂણામાં પડ્યા છે.

સાઠ અને સિત્તેરના દશકમાં, માઓની આગેવાનીમાં, ચીનાઓએ પહેલાં બધાં મઠ તોડ્યા, લૂટયા, સળગાવ્યા. હવે બહારની દુનિયાનું દબાણ છે, પર્યટક આવે છે, તાજા રંગમાં પુનરુધ્ધાર કરેલા ગોમ્પા જોવા મળે છે. એ ય ઠીક.

ગોમ્પાની બહાર ઘરડાં-બાળકો બેઠાં છે. ગોમ્પાની જગ્યા કઈક આપણાં ગામના ચોરા જેવી છે. ઘરડાઓ પ્રાર્થના ચક્ર ઘૂમવી રહ્યાં છે.

હૃદયને આઘાત તો લાગ્યો હશે જ્યારે એમના મંદિર તોડવામાં આવ્યા હશે !

દીન-દુનિયાથી એટલાં દૂર છે તેઓ. એમને સમજાયું જ નહીં હોય કે આ બધું શા માટે થઈ રહ્યું છે !!

18

આજે બપોરે અમે માનસરોવર પહોંચી જઈશું.

આંખો અત્યારથી જ દૂર દિગંતમાં જોઈ રહી છે.

કેવું હશે માનસરોવર ?

ભૂરું કે પીરોજી ?

આખું એકવારમાં જોવાઈ જશે ?

મુશ્કેલ લાગે છે. અહીના બધા સરોવર કેવા મોટાં મોટાં છે. માનસરોવરનું ક્ષેત્રફળ જ સાડા ત્રણસો કિલોમીટર છે. કહે છે કે ચાર નદીઓનું ઉદ્ભવ સ્થાન છે અહીં – સતલજ, સિંધુ, બ્રહ્મપુત્ર, કરનાલી.....

રસ્તામાં સડકને કિનારે એક મેદાનમાં અમે રોકાયા છીએ. કાફલાના ભોજનના ટ્રક હજી પહોંચ્યા નથી.

રોજની જેમ રસ્તામાં અધવચ્ચે રોકાઈને આજે અહીં ભોજન લેવાનું હતું.

એક તરફ એક નાનકડું ઘર છે, એમાથી એક તિબેટી પરિવાર ઢાબું ચલાવે છે. મહેમાનોને જોઈને એક સ્ત્રી માખણવાળી નમકીન ચાનું થર્મોસ અને કપ મૂકી ગઈ છે. કેટલાક લોકો ખુલ્લામાં મૂકેલી ખુરસીઓ પર બેસી ગયા છે.

હું, રૂબી અને રૂપા ઘરની પાછળના મેદાનમાં ફરવા નીકળી ગયાં છીએ. જેટલી જલ્દી પોતાની શક્તિ એકઠી થાય, કરી લઈએ તેટલું સારું છે. પરમ દિવસથી પરીક્ષા શરૂ થવાની છે.

ત્રણ ચક્કરમાં જ શ્વાસ ચડી ગયો છે, બધી તાકાત એક દિવસમાં તો નહીં બને.

ખબર નહીં, ટ્રકને શું થયું.

એક બાજુ અમારા શેરપા ઘાસ ઉપર બેસીને નમકીન ચા પી રહ્યા છે. આસપાસ બીજી કોઈ જગ્યા નથી જ્યાં બેસી શકું. એમની પાસે જઈને બેસી જાઉં છું.

- ચા લેશો ?

- હા.

ચાખી જોઉં કેવી છે. નમકીન, મીઠી ચા છે. માખણની સુગંધ આવી રહી છે. જાણે ગરમ પાણી અને માખણનો સૂપ હોય. ગળાને તરત રાહત મળી. ખબર નહીં ક્યારનું દુખતું હતું.

તેઓ એમની વાતો કરી રહ્યા છે. શબ્દો પકડાતાં નથી. આ નેપાળી ભાષા નથી.

-     તમે લોકો તિબેટીમાં વાતો કરો છો ?

અંગ્રેજીમાં પૂછું છું. એમનામાં એક છોકરો છે જે ભાંગી-તૂટી અંગ્રેજી બોલી શકે છે.

-     હા.

એ મારા ગાળામાં રહેલું પ્રાર્થના ચક્રવાળું પેંડલ જોઈ રહ્યો છે.

- તમે હિન્દુ છો ?

- અડધી બૌધ્ધ.

- દિલ્હીથી ?

- હા. તમે લોકો ?

- થોડા નેપાળથી, થોડા અહીં તિબેટથી. આમ અમે બધા તિબેટી છીએ.

- દલાઇ લામાને માનો છો ?

- હા.

- હું પણ.

એ બધા જોડાઈ જાય છે.

- તમે મળ્યાં છો એમને ? એમને જોયા છે ?

- હા.

- પાસેથી ?

એ લોકો કાઠમંડુથી મસુરી ગયાં હતા, દલાઈ લામાનું પ્રવચન સાંભળવા. ધર્મશાળા જવાની અનુમતિ નહોતી. દલાઈ લામાના દર્શન થયાં હતા પરંતુ બહુ દૂરથી.

- બહુ પાસેથી. એક પ્રતિનિધિમંડળમાં મળી હતી. એમને રેશમી ખેસ આપ્યો હતો, આવતા હતા, તો એમણે એ ખેસ મારાં ગળામાં પહેરાવી દીધો...

- સાચ્ચે?

ઉત્તેજનામાં એમનો શ્વાસ રોકાઈ ગયો છે.

-     આ તો બહુ મોટી વાત કહેવાય.

હમણાં સુધી બે જ જાણ હતા. ખબર નહીં કેવી રીતે સાત-આઠ થઈ ગયા છે. ખૂસ-પુસથી બધાને ખબર પડી ગઈ છે કે દલાઈ લામાએ મને આશીર્વાદ આપ્યા છે....બધા મને આશ્ચર્યથી જોઈ રહ્યા છે.

-     તમે લોકો એમને બહુ પ્રેમ કરો છો ?

એમના માથા હાલે છે. એ પણ કાઇં પૂછવાની વાત છે ?

એમના ઉજ્જડ ચહેરા પર બધું લખ્યું છે કે દલાઈ લામા વિના કેવાં અનાથ છે એ લોકો.

-     અને તમે ? તમે દલાઈ લામાને પ્રેમ કરો છો ?

હું ચૂપ, હસી રહી છું. કરું છું કે નહીં, તમે લોકો નક્કી કરો !

- તમારા લોકોનો જીવનનિર્વાહ કેવો ચાલે છે ચીનમાં ?

- બહુ જ ખરાબ સ્થિતિ છે. તમે અમને જુઓ છો. અમે દિવસ-રાત કેવા મરીએ છીએ ? તો પણ નિર્વાહ થતો નથી. અમારી પાસે કોઈ નોકરીઓ નથી. બસ નાના-મોટાં કામ. સ્કૂલ પણ નહીં.

એમને ભારત ચાલ્યા ગયેલાં તિબેટીઓના ભાગ્યની ઈર્ષ્યા છે. પહેલાં નેપાળ સરકાર હમદર્દી રાખતી હતી. હવે સરહદ પાર કરો તો નેપાળ સરકાર જ પકડીને ચીનીઓને સોંપી દે છે.

- ભાગેલા તિબેટીને ચીનાઓના હાથમાં સોંપી દે, તમે વિચારી શકો છો ?

- હા, ઓછાં જ બચતાં હશે.

દસ્તાવેજી ફિલ્મોમાં જોયું છે, કેવી પિટાઈ થાય છે.....

- ફોટો (દલાઈ લામાનો) રાખવાની હજી મનાઈ છે ?

- આ સેરિંગ છે. એમણે એની પીઠ તોડી નાખી હતી મારી મારીને. જેલમાં હતો.

- તારી પાસેથી ફોટો મળ્યો હતો ?

એ મૌન રહીને મને જોઈ રહ્યો છે.

- તમે પ્રદક્ષિણા કરશો ?

- કરવાની ઇચ્છા તો ઘણી છે. જોઈએ ભાગ્યમાં છે કે નહીં.

થોડીવાર બધા ચૂપ રહે છે.

- તમને શું લાગે છે, દલાઈ લામા પાછા આવી શકશે ?

- બહુ અઘરું છે. આ લોકો બહુ દુષ્ટ છે. ....જોઈએ અમેરિકા શું કરે છે.

એમને દલાઈ લામાના આંદોલન વિશે બધી ખબર છે.

-     તમને એક ખાનગી વાત કહું ?

બધા આગળ આવે છે. હું રિન્પોંછે માટે પ્રદક્ષિણા કરવાની છું.....આ જુઓ એમનો નખ...

નખ મારા ખિસ્સામાં જ છે, મનીબેલ્ટમાં. ગુલાબી કાગળમાં. ખોલીને બતાવું છું.

બધાં મસ્તક જોડાઈ ગયાં છે.

- રિન્પોંછે ?

- સામદોંગ રિન્પોંછે.

એ બધાં કુતૂહલથી ગુલાબી કાગળ પર પડેલા નખના ટુકડાને જોઈ રહ્યા છે...

સામદોંગ રિન્પોંછે.

નિર્વાસિત તિબેટ સરકારના પ્રધાનમંત્રી. તિબેટીઓના પ્રિય નેતા. ચૂંટણીમાં ઊભા રહ્યા નહોતા, તો પણ નેવું ટકા વોટ મળ્યા. તિબેટીઓનો પ્રેમ જીતવાનો અભૂતપૂર્વ ઇતિહાસ છે આ.

ખબર નહીં ક્યારે કાગળનું પાનું બંધ થયું.

બધા લોકો પોતાને માથે અડાડી રહ્યા છે, માથા ઉપરથી એક-બીજાને આપી રહ્યા છે.....

આ સમૂહમાં ક્યારે અમારો ગાઈડ કેલસાંગ પણ આવીને ઊભો રહી ગયો હતો તે ખબર ન પડી.

-     દીદી, શું ખરેખર દલાઈ લામાજીએ તમારા ગળામાં ખેસ નાખ્યો હતો ?

હું મલકું છું.

-  ત્યારે તો તમે બહુ...બહુ... ઉંચા હશો. તેઓ દરેક સાથે આવું કરતાં નથી.

- ખબર નહીં, પરંતુ તે દિવસે તો એમના આશીર્વાદથી ઉંચી થઈ ગઈ હતી....

- એક વાત કહું દીદી ?

એણે આસપાસ જોયું.

-     આ વાત તમે બીજા કોઈ માણસ પાસે ન કરતાં. ભારે મુસીબત થઈ જશે.

સાચું તો કહે છે ! અમે સૌ વિખેરવા લાગ્યા છીએ.

રસ્તાનો એક પડાવ, ખોવાયેલો અમારો ટ્રક, પ્રતિક્ષા કરતાં અમે લોકો.

આ બધો સંયોગ ન થયો હોત તો કદી આ વાત થઈ શકતી ?

આખરે ટ્રક પણ પહોંચી ગયો. ભોજન કર્યું અને અમે પોતપોતાની ગાડીમાં બેસવા ચાલ્યા.

-     દીદી ?

પાછું વાળીને જોયું, સેરિંગ છે. આ બપોર પછી કેલસાંગ જ નહીં બધા તિબેટી શેરપા મને આમ જ બોલાવશે.

-     તમને એક વસ્તુ દેખાડું ?

એ એના ટી શર્ટની નીચેથી કઈક ખેંચી રહ્યો છે.

દોરીમાં બાંધેલું એક પેંડેંટ.

પાસે જઈને જોઉં છું – દલાઇ લામાનો એક ફોટો છે.

-     આના માટે જ તમને આટલું મારવામાં આવે છે ?

એ વિજયી ભાવથી હસી રહ્યો છે. એના ચહેરા પર વિતેલી પીડાની કોઈ અસર નથી....

જેમનું રાજ્ય આ હૃદયો પર છે, ખરેખર તો એમનું જ રાજ થયું !

ચીન આ લડાઈ ક્યારનું હારી ગયું.....

ખબર નહીં આ હું કોને કહું છું ?

અમે બંને હસી રહ્યાં છીએ.