AVAK - 19-20 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 19-20

19

- ઓક્સિજનનું સિલિન્ડર ક્યાં મૂક્યું છે ?

ધીમા અવાજમાં એક શેરપા આવીને એજન્ટને પૂછે છે.

એજન્ટ મારી પાસે ઊભો હતો, ભોજન વખતે. આ સાંભળી મારા કાન ચમક્યા. એ ધીરે રહીને પાછળ ગયો છે. કોઈ ગાડીમાં મૂક્યું છે સિલિન્ડર. ગ્રૂપમાં ગભરાટ ફેલાઈ ન જાય.

કોણ બીમાર છે ?

-     તમને ખબર નથી ? ચેન્નાઈવાળા મહારાજજીની તબિયત બહુ ખરાબ છે.

નિયાલમ પછી એ ખરેખર દેખાયા નહોતા. અત્યારે વિચાર્યું તો યાદ આવ્યું. એકાદ વાર એમનો વિચાર પણ આવ્યો હતો, પછી થયું કે ગાડીઓના કાફલામાં ક્યાંક પાછળ રહી ગયા હશે.

જાણવા મળ્યું કે મધુમેહની બીમારી હતી. આયુર્વેદિક દવા લેતા હતા. અહીં એ દવાએ કામ ન કર્યું. સુગર વધી ગઈ. 490 સુધી પહોંચી ગઈ. હવે તેઓ લગભગ કોમામાં જતાં રહ્યા હતા....

કોઈ બીજાએ કહ્યું, યોગ કરતા હતા, અહીં ઊંચાઈ ઉપર આવીને એમની કુંડલીની ડિસ્ટર્બ થઈ ગઈ છે.....

ત્રીજાએ કહ્યું, આ મહાત્મા લોકો....તમે તો જાણો જ છો, એમની માનસિક શક્તિઓ કેટલી વિકસિત હોય છે ને શરીર એટલું જ શિથિલ.....જ્યારે ખબર તો હતી  કે કૈલાસ જઈ રહ્યા છીએ તો થોડા દિવસ સુગરની અંગ્રેજી દવા ખાઈ લેતા.....

જાણે, મહારાજજી ઇચ્છતા તો બીમારીથી બચી શકતા !

આ એ ભક્તગણ નહોતા જેમને નિયાલમમાં જોયા હતાં. આ હવે સલાહ આપનારા ડાહ્યા લોકો હતાં જેમની સલાહ એમણે સમય પર માગી નહોતી. પરીક્ષા આવી કે ભક્તિ ગાયબ થઈ ગઈ હતી. સૌ પોતપોતાના પૈસા ભરીને આવ્યાં હતાં. જીવનભરની આ સૌથી મોટી યાત્રા અને આ વિઘ્ન !

પોતાનું શરીર સંભાળે કે સ્વામીને !

-  પાણી પણ પીતા નથી. પી લે તો પેશબને રસ્તે સુગર નીકળે. અંગ્રેજી દવા આપી છે. કૈક તો અસર થશે.

- જો નિયલમમાં જ તબિયત ખરાબ થઈ ગઈ હતી તો ત્યાંજ રોકાઈ ગયા હોત. થોડું સાચવીને આવી જતા.

કોઈ કશું બોલ્યું નહીં.

વાત એ હતી કે સેવા માટે રોકાય કોણ ?

બધાંને આગળ જવાની ઇચ્છા હતી. ખબર હતી કે આગળ ત્રણ દિવસ પહેલાં કોઈ ડોક્ટર મળવાનો નથી, દારચેન પહેલાં. દારચેન માનસરોવર અને કૈલાસ વચ્ચેનો પડાવ હતો. ત્યાંથી લ્હાસા માટે હેલિકોપ્ટર સેવા પણ છે, જરૂર પડે તો....કોઈ રીતે માનસરોવરના દર્શન તો થઈ જાય....

તો છેલ્લા ત્રણ દિવસથી આ થઈ રહ્યું હતું. ગુરુજીને લઈને ત્રણ લોકો ગાડીમાં આગળની સીટ પર બેસતા અને પાછળની સીટ પર ભક્તો વારાફરતી બેસતાં.

ન સંભાળી શકાય ન છોડી શકાય.

ક્યાં મહારાજજીને આ બધા માટે પુજા કરવાની હતી ને આ લોકોએ ચિઠ્ઠીમાં નામ લખીને આપવાના હતાં....

મહારાજજી શિવના પરમ ભક્ત હતા. કૈલાસ-મહિમા માનસરોવર પહોંચીને સંભળાવશે, મને એમણે નિયલમમાં વચન આપ્યું હતું.

-જરૂર ભક્તિમાં ક્યાંક ભારે ભૂલ કરી બેઠા હતા, એટલે ભગવાન શિવે એમની યાત્રા સ્વીકાર ન કરી, એમણે દર્શન આપવાની ના કહી દીધી....એમની સ્થિતિ જોઈ એકબીજા સાથે ગુસપુસ વાતો થતી.

ખબર નહીં, સ્વામીજીના કાનમાં આ શંકા પહોંચતી હતી કે નહીં ? હરની ઇચ્છા હોત તો તેઓ આ બધાંને શિવના ચરણોમાં પહોંચવાનું માધ્યમ બન્યા હોત. હવે એ ગાડીની આગળની સીટમાં ચત્તા પડ્યા હતા. મોં રૂમાલથી ઢાંકેલું હતું.

મહાદેવજી એમની ક્યાંક બલી તો નહીં લઈ લે ?

પંદર લોકોની યાત્રા દાવ પર લાગી હતી.

પંઢરપુરવાળા મહાત્મા અને એમના ત્રણ સાથી માનસરોવર અને કૈલાસના એક મુખના દર્શન કરીને જ પાછા વળવાના હતા. વૈષ્ણવો કૈલાસની પરિક્રમા કરતાં નથી એવું એમણે કહ્યું હતું.

હવે આ લોકોએ પણ નક્કી કર્યું કે જેમ-તેમ, અડધા-પડધા દર્શન કરીને જતાં રહીએ. સ્વામીજીને કંઈ થઈ ગયું તો પાપ એમનાં માથે આવશે !

મહાભારતમાં સ્વર્ગના રસ્તામાં જેમ પાંડવ અને દ્રૌપદી વારાફરતી પડતાં હતાં તેમ આ યાત્રામાં અમારા સાથી ખરી રહ્યાં હતાં....

એ બપોરે અમે માનસરોવર પહોંચ્યા, આ લગભગ નક્કી જ હતું કે ઓગણત્રીસ લોકોના સમૂહમાંથી માત્ર ત્રીજા ભાગના કૈલાસ – પરિક્રમા માટે બચશે !

*

સૌથી પવિત્ર એક જળ

*

20

સડક છે કે દરિયાના મોજાં ?

ગાડી ઉપર આવે છે, નીચે જાય છે, ઉપર આવે છે, નીચે જાય છે.

એક બાજુ એક નદી છે, નીચે. આ બાજુ પહાડ સાથે સાથે દોડતી અમારી ગાડી. જાણે ક્ષિતિજ પર કોઈ આસમાની, પીરોજી રંગ ચમકી રહ્યો છે. અમે સુન્ના ડ્રાઈવરને નાના બાળકની જેમ પૂછીએ છીએ.

-     આવી ગયાં સુન્ના ?

-     હજી ક્યાં ? એ માથું હલાવે છે.

ગાડી છે કે શ્વાસ છે ? તરંગોની જેમ ઉપર આવતી, નીચે જતી દેખાય છે.....અમે હવે પહોંચવામાં જ છીએ !

એક અંતિમ તરંગ, ખાસ્સું ઊંચું.

ગાડી રોકી દીધી છે સુન્નાએ. ધૂળની ડમરીમાં એ હજી દેખાતો નથી. સુન્ના મને જોઈ રહ્યો છે.

-     શું ?

મને કંઈ સમજાતું નથી. મૂઢની જેમ જોઈ રહી છું.

જમણી બાજુ પહાડ તરફ ઈશારો કરી હાથ જોડવાનું કહે છે.

-     આપણે આવી ગયાં ?

પહેલાં કૈલાસ દેખાય છે, પછી માનસરોવર.

આસપાસ ભૂરા પહાડ, વચ્ચે બરફથી ઢંકાયેલું કૈલાસ ....પ્રકૃતિ જાણે અભિષેક કરી ગઈ છે....કૈલાસ પરના બરફમાં પગથિયાં બન્યાં છે. પર્વતનું આ દક્ષિણ મુખ છે.

આ જ છે સ્વર્ગની સીડી ?

પીટર બૃક્સના મહાભારતમાં આવી જ સીડીઓ જોઈ હતી, યુધિષ્ઠિરના સ્વર્ગારોહણ વખતે. નાટકમાં જોયેલી સીડીઓ અહીં ખરેખર છે ! કહે છે, વિમાનમાંથી જુઓ તો કૈલાસ પર્વત સ્વસ્તિક જેવો દેખાય છે.....સામે માનસરોવર ફેલાયેલુ છે સમુદ્રની જેમ.

આ જ છે બ્રહ્માનું મન ? એમના મનમાંથી નિકળ્યું માનસરોવર ? કહે છે કે એમના એક તપસ્વી પુત્ર પાસે આચમન માટે જળ નહોતું, ત્યારે આ વેરાનમાં બ્રહ્માએ આને ઉત્પન્ન કર્યું – દેવતાઓની અર્ચના માટે.....અમે ટેકરી ઉપર છીએ. નીચે ઉતરી જઈએ તો સીધા પાણીમાં જઈ શકીએ....

ડાબી બાજુ ગુરલા માંધાતાના પાંચ જોડાયેલા પહાડ છે. એમાંના એક પર દેવી સરસ્વતીનો નિવાસ છે એવું માનવામાં આવે છે....

બંને કાનને સ્પર્શ કરું છું. વારંવાર. ઘણી ભૂલો કરી હશે પ્રભુ ! ક્ષમા કરજો. તમારું રક્ષણ આપજો.

પ્રાર્થના-ધ્વજ અહીં ગાડીમાં પાછળ મૂકેલી બેગમાં છે. એને બાંધી દઉં ! બહુ કૃપા થઈ કે અહીં સુધી સારી રીતે પહોંચી ગયા.....

કેટલા લોકોની પ્રાર્થનાઓ મારા પહેલાં હવામાં ફરફરી રહી છે.

ધ્વજ બાંધતું આ શરીર, આ કંઠ સ્વયં એક પ્રાર્થના બની ગયાં છે.

માનસરોવરનું પવિત્ર જળ...ભૂરું. પારદર્શી.

તળિયે પડેલા પત્થર પણ દેખાય છે.

આ જળમાં પગ મૂકીશું અમે. આ જળને માથે ચડાવીશું આશીર્વાદની જેમ. આ જળથી આંખો ભીંજાશે, માથું ભીંજાશે. સૌથી પવિત્ર જળ આપણી સભ્યતાનું.

જળ, તમારા આશીર્વાદ લઉં છું, મારા પૂર્વજો માટે, આગળ આવનારાઓ માટે, મારી ભીતરની ગાંઠને, દુ:ખને, ક્લેશને વહાવી દો. મને મુક્ત કરો, સ્વચ્છ કરો.

કેવળ જળ જ સ્વચ્છ નથી કરતું, પ્રાર્થના પણ કરે છે.

ધીરે ધીરે નિકળું છું જળમાંથી. પ્રાર્થનાથી બહાર આવવામાં વાર લાગે છે.

હજી તો બપોરનો સમય છે. આંખની સામે આ અંધકાર-જેવું કેમ છે ?

પ્રકૃતિ પ્રકાશિત છે. મન પડદો કરીને બેઠું છે ભીતર જેથી હું એને જોઈ શકું, જે હજી હમણાં જ ભીતર આવી છે પ્રકાશની રેખા......

તીર્થ આ જ કરે છે ને ?

દુનિયાનો દરવાજો બંધ કરી દે છે જેથી આપણે એને જોઈ લઈએ, જે ભીતર ક્યાંક હતું, જે ભીતર અત્યારે જ આવ્યું છે.

પોતાનો દીવો બનીને પ્રજ્વલિત થવું – આનો મર્મ સમજવાનો કોઈ સરળ રસ્તો કેમ નથી ?

અમે પરિક્રમા કરી રહ્યાં છીએ માનસરોવરની, ગાડીમાં. બીજી બાજુ રાક્ષસતાલ છે. લોકો ત્યાં જતાં નથી. કહે છે ત્યાં ખરાબ આત્માઓ રહે છે. આપણે શા માટે જવું છે ? આપણે સારાની સાથે રહીએ એ જ ઘણું છે.

પરિક્રમાના રસ્તે એક ગોમ્પા આવે છે.

-     અંદર જવું છે ?

-     હા, કેમ નહીં.

કોઈ કહેતું હતું, એને બધા ગોમ્પા એક સરખા લાગે છે...મને તો....

નથી લાગતાં.....

એક એકલો કિશોર ભિક્ષુ ગોમ્પાની રખેવાળી કરતો બેઠો છે. બાકીના બધાં ક્યાં છે ?

ભગવાન બુધ્ધની મૂર્તિઓના ચરણોમાં ‘માઓ’ મૂકેલા છે. એક-એક યુઆનની નોટ, માઓના ફોટા વાળી, જે ‘માઓ’ કહેવાય છે.

માઓએ ગોમ્પા સાથે જે કર્યું, એ પછી એકદમ યોગ્ય લાગે છે, દૈવી ન્યાય, કે એને ત્યાં બુદ્ધના ચરણોમાં રોજ મૂકવામાં આવે.....

હંસ ક્યાં છે ? બાળપણમાં વાંચતાં હતાં, માનસરોવરમાં રાજહંસ હોય છે. આટલાં મોટાં વિસ્તારમાં એક હંસ નહીં ?

થોડા માઈલ આગળ ગયા પછી પીળાં-સોનેરી હંસ દેખાય છે, પાંચ-છ જોડાં. બસ. સફેદ ક્યાં ગયા ?

દિલ્હીમાં પણ સાંજે ઝુંડના ઝુંડ પક્ષીઓ પોતાના ઘરે પાછા ફરે છે !

એક વળાંક પર વળ્યાં તો સરોવરનો સુકકો પટ દેખાયો. ભીની માટીમાં તિરાડના નિશાન છે. જળ ઝડપથી સુકાઈ રહ્યું છે. ન્યુઝ વીક સામયિકમાં વાંચ્યું હતું, માનસરોવર સંકટમાં છે. જો આમ જ ચાલતું રહ્યું તો કદાચ થોડાં વર્ષમાં લુપ્ત જ થઈ જશે...

સુન્ના ક્યાંક ગાડી ઊભી રાખ તો પાણી ભરી લઈએ, અમૃત. અહીં દૂર દૂર સુધી કોઈ વસ્તી નથી, ચોખ્ખું પાણી મળી શકશે.

એક નહીં, બે નહીં, ત્રણ-ચાર જગ્યાએ અમે રોકાઈએ છીએ. જ્યાંથી પણ પાણી ભરીએ છીએ, ચોકખું નથી, કૈંક ને કૈંક તરે છે, ફેંકી દો એને. ક્યાંક તો ચોખ્ખું પાણી મળશે.

ક્યાંય નહીં. ચાર દિવસ પછી પાછાં વળતાં, અમે એવું માટીયાળું પાણી ભરીને સંતોષ માનીએ છીએ કે મેલુ છે તો શું થયું, માનસરોવરનું તો છે ! અમે એને પીશું નહીં, જઈને પુજાસ્થાનમા મૂકી દઇશું...

વિડંબના – શું આને આપણે આપણી સભ્યતાની વિડંબના કહી શકીએ ?

જે પીવા યોગ્ય નથી તો પણ એ પુજા યોગ્ય છે.