Love Revenge Spin Off Season - 2 - 24 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-24

લવ રિવેન્જ

પ્રકરણ-24

 

            “પપ્પા....!?”  

            સુરેશસિંઘના ઘરે સુધી પહોંચતાં સુધી સિદ્ધાર્થના કાનમાં હજીપણ એ શબ્દો પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ એ વિષે વિચારી રહ્યો. કારમાં નેહા પોતાની જોડેજ બેઠી હોવાં છતાંય સિદ્ધાર્થ તેણીને કશું પૂછી ના શક્યો કેમકે કારમાં તેની બીજી બાજુ તેનાં રાગિણીબેન અને આગળની સીટમાં પપ્પા કરણસિંઘ બેઠાં હતાં.

            જોડે બેઠેલી નેહાના ચેહરા ઉપર તેણે અજબ શાંતિ જોઈ હતી. મંદ-મંદ મલકાઈ રહીને કારની વિન્ડોની બહાર જોઈ રહેલી નેહાના ચેહરા ઉપરના એ ભાવો જોઈને સિદ્ધાર્થ એટલું તો સમજી ગયો હતો કે આ તોફાની પહેલાની શાંતિ હતી.

            “તારે કોઈ જરૂરી સામાન લેવાનો હોય....તો લઈ લેજે....!” ફ્લેટે પહોંચતાંની સાથેજ કરણસિંઘે સિદ્ધાર્થને કહ્યું “તારે બરોડા આ’વાનું છે....!”

            “બરોડા....!?” સોફામાં બેસી રહેલાં કરણસિંઘ સામે આશ્ચર્યથી જોઈને સિદ્ધાર્થે પૂછ્યું.

            “હાં....! તને સારું થાય....! ત્યાં સુધી ત્યાં રે’જે....!” કરણસિંઘ બોલ્યા અને પછી સામે ઊભેલી નેહા સામે જોયું “બેટાં....પાણી આપજે....!”

            “હાં પપ્પા.....!” નેહા બોલી.

            “પપ્પા” શબ્દ સાંભળીને સિદ્ધાર્થે પાછું જોઈને નેહા સામે જોયું.

            સ્મિત કરીને નેહા કિચન તરફ જતી રહી.

            “પણ...અચાનક બરોડા....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “જોવો ભાઉ....આ દસ્તાવેજ છે....!” ત્યાંજ સુરેશસિંઘ સોફામાં આવીને કરણસિંઘની જોડે બેઠાં અને પોતાના હાથમાં રહેલાં કાગળ તેમને બતાવવા લાગ્યાં.

            સોફાની જોડેની સોફાં ચેયરમાં વિજયસિંઘ બેઠાં.

            “બેટાં....તું આરામ કર...!” નેહાના મમ્મીએ સિદ્ધાર્થને કહ્યું.

            “હાં....અને સામાન પણ પેક કરી લેજે....!”  કાગળોમાંથી નજર ઊંચી કરીને કરણસિંઘે કહ્યું અને પાછું કાગળોમાં જોવા લાગ્યાં.

            તેઓ સુરેશસિંઘ સાથે ચર્ચા કરવા લાગ્યાં.

            આશ્ચર્ય પામી રહેલો સિદ્ધાર્થ થોડીવાર તેમને જોઈ રહ્યો પછી પોતાનાં રૂમ તરફ જવા લાગ્યો.

            “અચાનક બરોડા ક્યાંથી આયુ....!?” રૂમમાં આવતાંની સાથે સિદ્ધાર્થ સ્વગત બબડ્યો.

            વિચારવાને લીધે તેણે માથું દુ:ખાતું અનુભવ્યું.

            “લાવણ્યાને કૉલ કરીને કે’વું પડશે....!” માથું દુ:ખાતાં જ સિદ્ધાર્થને લાવણ્યા યાદ આવી ગઈ અને તરતજ તેણે તેણીનો નંબર ડાયલ કરવા પોતાનાં ખિસ્સામાં મોબાઇલ શોધવાં માંડ્યો.

            “મોબાઈલ ક્યાં ગ્યો...!?” ખિસ્સામાં મોબાઈલ ન મળતાં સિદ્ધાર્થે વિચાર્યું પછી તેને યાદ આવ્યું કે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવાં જતી વખતે તેણે મોબાઈલ સુરેશસિંઘને આપ્યો હતો.

            રૂમમાંથી બહાર આવીને સિદ્ધાર્થ પાછો ડ્રૉઈંગ રૂમમાં આવ્યો.

            સુરેશસિંઘ, કરણસિંઘ અને વિજયસિંઘ સાથે હજીપણ ચર્ચા કરી રહ્યાં હતાં.

            “નવરાત્રિમાં શિફ્ટ થવાનો વિચાર છે....!” સુરેશસિંઘ બોલ્યાં.

            “મામા...મારો મોબાઈલ....!?” સિદ્ધાર્થે બહાર આવતાજ પૂછ્યું.

            “નેહાને આપ્યો ‘તો....!” સુરેશસિંઘ બોલ્યાં અને પાછું કરણસિંઘ જોડે ચર્ચા કરવાં લાગ્યાં.

            સિદ્ધાર્થ સીધો કિચન તરફ ગયો.

            “મારો મોબાઈલ તારી જોડે છે....!?” કિચનમાં ગેસ પાસે ઊભા રહીને કામ કરી રહેલી નેહાને સિદ્ધાર્થે સીધું જ પૂછ્યું.

            “હાં....!” પાછું જોઈને નેહાએ કહ્યું.

            “મારે જોઈએ છે....!” સિદ્ધાર્થ કોઈ જાતના ભાવ વગર બોલ્યો.

            “અમ્મ.....મને યાદ નઈ...મેં કદાચ મારાં હેન્ડબેગમાં મૂક્યો ‘તો...!” નેહા બોલી.

            “હાં તો....જોઈ આપ....!”

            “હું બીઝી છું...!” નેહાએ કાલું સ્મિત કર્યું અને લોટવાળા પોતાનાં હાથ બતાવીને કહ્યું.  

            “પણ તું જાતે જ લઈલેને....!”  પ્લેટફૉર્મ ઉપર નેહાની જોડે ઊભાં-ઊભાં શાક સમારી રહેલાં રાગિણીબેન બોલ્યાં “અને તે તારો સામાન પેક કર્યો...!? પપ્પા જમીને નીકળવાનું કે’તા’તા....!”

            “આટલું બધુ જલ્દી કેમ...!?” સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

            “અરે બવ બધુ કામ છે...!” રાગિણીબેન બોલ્યાં અને નેહાએ તેમની સામે જોઈને સ્મિત કર્યું અને પાછું લોટ બાંધવા લાગી.

            નેહાનું સ્મિત સિદ્ધાર્થને ભેદી લાગ્યું અને તે વિચારી રહ્યો.

            “જા જલ્દી....! સહેજ ઉતાવળ રાખજે….!” રાગિણીબેન બોલ્યાં.

            વિચારતો-વિચારતો સિદ્ધાર્થ પોતાનાં રૂમ તરફ જવા લાગ્યો.   

            રૂમમાં આવીને સિદ્ધાર્થે પોતાનાં વૉર્ડરોબમાંથી પોતાની નળાકાર જીમ બેગ કાઢી તેમાં જરૂર પૂરતો સામાન ભરવા માંડ્યો.

            “આટલી બધી શું ઉતાવળ હશે....!?” મનમાં વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ બેગ ભરવાં લાગ્યો.

****

            "આ બધું શું થઈ ગ્યું.....!?" અંકિતાનાં ખભે માથું મૂકીને કામ્યા મોટેથી રડી રહી હતી.

            હોસ્પિટલનાં પાર્કિંગમાં બેભાન થયાં પછી લાવણ્યાને એજ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી જ્યાંથી થોડીવાર પહેલાં સિદ્ધાર્થને ડિસ્ચાર્જ અપાઈ હતી.

            "આ....છોકરી....!શ.... શું થશે....એનું...!?" કામ્યા હવે ડૂસકાં ભરવાં લાગી.

            અંકિતા તેની પીઠ પસવારી રહી હતી. જોકે તે પોતે પણ રડી રહી હતી. બંને ઈમરજન્સી રૂમની સામે બેઠક ઉપર બેઠાં હતાં. ત્રિશા પણ ઢીલી થઈને કામ્યાની બીજી બાજુ બેઠી-બેઠી તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરી રહી હતી. જોડે ઉભેલો પ્રેમ માંડ પોતાને ભાંગી પડતાં રોકી રહ્યો હતો. રોનકની હાજરીને લીધે પ્રેમ પોતાને ભાંગી પડતાં સંભાળી શક્યો હતો.   

            લાવણ્યાને દાખલ કર્યાબાદ પ્રેમે તરતજ પહેલાં વિશાલને અને પછી ગ્રૂપનાં બાકીનાં મિત્રોને ફોન કરી દીધાં હતાં. વિશાલ સિવાય બીજાં બધાંજ પોતપોતાની રીતે હોસ્પિટલ આવી ગયાં હતાં. 

            "કામ્યા....!" પ્રેમે કામ્યાનાં ખભે હાથ મૂક્યો "ચિંતાનાં કર....!"

            કામ્યા ક્યાંય સુધી રડતી રહી. અંકિતા, ત્રિશા અને પ્રેમ તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરતાં રહ્યાં. એડમિટ કરાયાં બાદ ઈમરજન્સી રૂમમાં લાવણ્યાની સારવાર ચાલી રહી હતી.

            "લ....લાવણ્યાના મમ્મીને ફોન કર્યો.....!?" કામ્યાએ લથડાંતાં સ્વરમાં પૂછ્યું.

            રડી-રડીને તે હમણાંજ શાંત થઈ હતી. છતાંપણ બોલતાં-બોલતાં તેને ડૂસકાં આવી જતાં હતાં અને મોઢાંમાં લાળ વળતી હતી.

            "ના.....!" દીવાલનાં ટેકે ઊભાં રહેતાં પ્રેમ બોલ્યો "વિશાલ આવે પછી કરીએ...!"  

            વિશાલ હજી સુધી નહોતો આવ્યો.

            "બહુવાર થઈ ગઈ એને...!" રોનક તેનાં કાંડે બાંધેલી વૉચમાં જોતાં બોલ્યો.

            "એક્સક્યુઝ મી...!" કોરિડોરમાં રિસેપ્શન બાજુથી કોઈ નર્સે તે લોકોની જોડે આવતાં કહ્યું "રિસેપ્શન ઉપર આવીને એડ્મિટ કર્યાનું ફોર્મ વગેરે ભરી દેજોને....!"

            "હાં....ચાલો...!" પ્રેમ બોલ્યો અને તે નર્સ જોડે ચાલવાં લાગ્યો. જતાં-જતાં તેણે પાછળવળીને રોનકને કહ્યું "તું અહિયાંજ રે'જે .....! કોઈ જરૂર હોયતો...!"

            રોનકે હકારમાં માથું ધૂણાવી દીધું અને દીવાલનાં ટેકે ઊભો રહી ગયો.

            પંદરેક મિનિટ પછી પ્રેમ પાછો આવ્યો.

            "શું થયું. ....!?" અંકિતાને પ્રેમનો ચેહરો થોડો ટેન્શનમાં જણાતાં અંકિતાએ પૂછ્યું.

            "અમ્મ....! આ લોકોએ બાર હજાર જમાં કરાવાંનાં કીધાં.....!" પ્રેમ બોલ્યો.

            "ઊભોરે'.....!" એટલું કહીને અંકિતાએ તેની હેન્ડબેગની ચેઇન ખોલવાં માંડી "મારી પાસે લગભગ છએક હજાર હશે....!"

            "તું ક્યારે લઈને આવી....!?" કામ્યાએ નવાઈપામીને પૂછ્યું "અરે....! મેં આજે લાવણ્યા અને બધાં જોડે ચણિયાચોલી લેવાંનું પ્લાનિંગ કર્યું'તું.....!" અંકિતાએ તેનાં હેન્ડબેગમાંથી નાનું પર્સ કાઢ્યું અને પાંચસો રૂપિયાની નોટોની વળેલી ગડી કાઢી "પણ હું વાત કરું એ પહેલાંજ ઓલી ચાંપલીએ સિદ્ધાર્થને ટોર્ચર કર્યો અને એ ગુસ્સામાં જતો રહ્યો અને એનો એસ્કિડેંન્ટ થઈ ગયો....! લે ગણતો....!"

            અંકિતાએ પૈસાં પ્રેમ સામે ધર્યા. પ્રેમે પૈસાં હાથમાં લીધાં.

            "મારી પાસે પંદરસો છે...!" રોનકે પણ તેનાં પર્સમાંથી પૈસાં કાઢીને પ્રેમ સામે ધર્યા.

            "મારાં અકાઉંટમાં બે હજાર પડ્યાં હશે....!" કામ્યા ઊભી થતાં બોલી "આપણે ATMમાં જતાં આવીએ....!"

            "હું પણ આવુંછું....!" ત્રિશા પણ ઊભી થઈ "મારાં અકાઉંટમાં પણ પડ્યાં હશે.....!"

            "એવું કઈં નથી કરવું.....!" ત્યાંજ પ્રેમની પાછળથી વિશાલનો અવાજ આવ્યો "મેં પૈસાં ભરી દીધાં છે....!"

            વિશાલ હવે બધાંની નજીક આવી પ્રેમ જોડે ઊભો રહ્યો.

            "તને કેમની ખબર પડી...!?" પ્રેમે આશ્ચર્યથી પૂછ્યું.

            "એમાં ખબર શું પડવાની....!?" વિશાલ બોલ્યો "તે કીધું એને ઈમરજન્સીમાં એડમિટ કરી છે એટ્લે હું સમજી ગયો કે હોસ્પિટલમાં પૈસાં જમાં કરાવવાં પડશે....! હું રિસેપ્શન ઉપર પૂછીનેજ આવ્યો...! અને પૈસાં ભરીને આવ્યો...!"

            "પ્રેમ...! એ પૈસાં વિશાલને આપીદે...!" અંકિતા બોલી.

            "નાં....! મારે જરૂર હશેતો માંગી લઇશ...!" વિશાલ બોલ્યો અને તેણે કામ્યા સામે ચિંતાતુર નજરે જોઈને પૂછ્યું "લાવણ્યા...! શું થયું એને....!? કેવું છે એને...!?".  

            "હું કહું છું....!" કામ્યા ફરી ઈમોશનલ થઈને રડી ના પડે એટલાં માટે અંકિતા વચ્ચે બોલી.

            તે આખી વાત વિશાલને કહેવાં લાગી. 

***

            "કામ્યા....! અંકિતા....!" રોનક બોલ્યો "તમારે કોઈને ચ્હા-કોફી કઈં પીવુંછે ...! હું લેતો આવું....!? મારુંતો માથું દુખે છે...!"

            "કોફી લેતો આવ...!" જોડે ઉભેલો વિશાલ બોલ્યો "બધાં માટે...!"

            અંકિતાએ આખી વાત કહ્યાં પછી લાવણ્યા વિષે વિચારી-વિચારીને વિશાલનું માથું પણ દુખવાં લાગ્યું હતું.

            "વિશાલ .....! લાવણ્યાનાં મમ્મીને ફોન કરીને જાણ નથી કરવી....!?" બેઠકમાં કામ્યાની જોડે બેઠેલી ત્રિશાએ યાદ અપાવ્યું.   

            "ડોક્ટર જોડે વાત કર્યા પછી કરીએ....!" વિશાલે ઈમરજન્સી રૂમનાં દરવાજા સામે ચિંતાતુર નજરે જોઈ રહેતાં કહ્યું.

            થોડીવાર પછી ઈમરજન્સી રૂમનો દરવાજો ખૂલ્યો અને ડોક્ટર વિનય શાહ બહાર આવ્યાં.

            "ડોક્ટર....! કેવું છે....! એને....!?" કામ્યા અને વિશાલે લગભગ સાથેજ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.

            બધાં હવે ડોક્ટરની આજુબાજુ ઊભાં રહી ગયાં.

            "Oh she is absolutely fine....!" ડો. વિનય સસ્મિત બોલ્યાં. કામ્યા સહિત બધાંનાં જીવને ટાઢક વળી.

            "ડોક્ટર ....! થયું'તું શું એને....!?" અંકિતાએ પૂછ્યું.

            "BP લૉ થઈ ગયું હતું....! મને લાગે છે છેલ્લાં લગભગ ચોવીસ કલ્લાકમાં એમણે એક દાણો પણ ખાધો નથી.....! એમનું બોડી ટોટલી ડિહાઈડ્રેટ થઈ ગયું હતું....! કદાચ પાણી પણ નથી પીધું એમણે....!" ડોક્ટર બોલ્યાં "નકોડાં ઉપવાસ કર્યા હતાં કે શું એમણે....?!"

            બધાંએ એકબીજાનાં મોઢાં તાક્યાં.

            "હાં ડોક્ટર.....! એવુંજ કઈંક.....!" પ્રેમ કામ્યા તરફ શૂન્યમનસ્ક તાકી રહેતાં બોલ્યો. 

            "અમે મળી શકીએ છે એને....!?" અંકિતાએ ડોક્ટરને પૂછ્યું.

            "હાં કેમ નઇ....! થોડીવારમાં એ ભાનમાં આવી જશે....! આજની રાત એમણે બોટલ ચઢવાંદો.....! એ જાગે પછી કઈંક ખવડાવી દેજો....! કાલે ડિસ્ચાર્જ આપી દઇશું....!".

            ડોક્ટર વિનય બોલ્યાં અને ત્યાંથી જતાં રહ્યાં. કામ્યા ઉતાવળે લાવણ્યાનાં રૂમમાં દાખલ થઈ ગઈ. તેની પાછળ પ્રેમ, વિશાલ, અંકિતા વગેરે પણ દાખલ થયાં. અંદર એક નર્સ લાવણ્યાનાં ફોલ્ડેબલ બેડને ઊંચો કરી રહી હતી. તેણે બેડ નીચે લાગેલું લીવર ફેરવીને બેડને ઊંચો કરી દીધો. 

            "આ બેન જાગે એટ્લે અમને જાણ કરજો....! એમને જમવાનું આપવાનું છે...!" નર્સ બોલી અને રૂમમાંથી બહાર જતી રહી.

            વિશાલે બેડની નીચેથી એક સ્ટૂલ કાઢ્યું અને તેની ઉપર બેઠો. કામ્યા બેડ ઉપર લાવણ્યાનાં પગ જોડે બેઠી. અંકિતા પણ બીજી બાજુ લાવણ્યાનાં પગ જોડે બેઠી. પ્રેમ વિશાલની પાછળ ઊભો રહ્યો.

            "આ રોનક હજી કોફી લઈને આવ્યો નઈ....!?" અંકિતાની જોડે ઊભેલી ત્રિશાએ પૂછ્યું.

            એટલાંમાંજ રૂમનું બારણું ખૂલ્યું અને રોનક દાખલ થયો. તેનાં હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં કોફી અને થરમૉકૉલનાં નાનાં કપ હતાં. બેડની બાજુનાં સ્ટૂલ ઉપર કપ મૂકીને રોનકે બધાં માટે કપમાં કોફી કાઢી અને વારાફરતી બધાંએ કોફી પીધી. કામ્યાએ નાં પાડવાં છતાં વિશાલનાં આગ્રહને વશ થઈને તેણે છેવટે કોફી પીધી. વિશાલ સહિત બધાં લાવણ્યાનાં ભાનમાં આવવાંની રાહ જોઈ રહ્યાં.

***

            “અરે ફૉન તો નેહા જોડેજ રઈ ગ્યો....!” જીન્સમાં પોતાનાં પોકેટ ઉપર હાથ મૂકી યાદ આવતાં જ સિદ્ધાર્થ બબડ્યો.

             જમીને બપોરે બરોડા જવા તેઓ નીકળી ગયાં હતાં. જમ્યા પછી પણ સિદ્ધાર્થ નેહા પાસેથી ફૉન લેવા માટે બે-ત્રણવાર જઈ આવ્યો હતો જોકે ઘરકામમાં બીઝી રહેલી નેહા જોડેથી મોબાઈલ લેવાનો મેળ નહોતો પડ્યો. એમાંય સુરેશસિંઘે બોપલ વિસ્તારમાં નવું ઘર લીધું છે અને ત્યાં શિફ્ટ થવાનું પ્લાન કરી રહ્યાં છે એ વાત જાણીને સિદ્ધાર્થ બધાની સાથે અમસ્તુંજ બોલવા ઊભો રહ્યો. પણ એક પછી એક કોઈને કોઈ વાતે સિદ્ધાર્થને બધાની સાથે ચર્ચામાં રોકાઈ રહેવું પડ્યું. એમાંય કરણસિંઘે અમદાવાદમાં નવા શેડની વાત છેડી દેતાં સિદ્ધાર્થનું ત્યાંથી ખસવું પણ પોસિબલ ના થયું કે નેહા પાસેથી મોબાઈલ લઈ લાવણ્યા સાથે વાત કરવાનું પણ પોસિબલ ના થયું. કામમાંથી જેવાં બધાં લેડિઝ ફ્રી થયાં કે તરતજ કરણસિંઘે બરોડા નિકળવાનું કહી દીધું. બધી ભાગદોડમાં સિદ્ધાર્થ મોબાઈલ લેવાનું ભૂલી ગયો.     

            “હજી તો નજીક જ છીએ....!” બરોડા જવા હજી તેઓ થોડીવાર પહેલાંજ તેઓ નીકળ્યાં હોવાથી સિદ્ધાર્થે પાછાં જવાનું વિચાર્યું.

            “મારો મોબાઈલ નેહા જોડેજ રઈ ગ્યો....!”  આગળની સીટમાં બેઠેલાં કરણસિંઘ સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

            “કાલે વિજય ને બરોડા આ’વાનુંજ છે....!” કરણસિંઘ શાંત સ્વરમાં બોલ્યાં “એ લેતો આવશે...!”

            સિદ્ધાર્થ સમજી ગયો કે તે પાછાં જવાનું કહેશે તોય કોઈ અર્થ નથી. બારીમાંથી બહાર શૂન્યમનસ્ક જોઈ રહી સિદ્ધાર્થ વિચારી રહ્યો. હવે લાવણ્યા સાથે ક્યારે વાત થશે એ તેને નહોતી ખબર. એમાંય નવરાત્રિ નજીક હોવાથી લાવણ્યાનો એ માટેનો ઉત્સાહ જાણતો હતો. જોકે લાવણ્યાની જગ્યાએ અત્યારે નેહાના વિચારોએ સિદ્ધાર્થનાં મનમાં સ્થાન લઈ લીધું હતું. અચાનક તેને બરોડા લઈ જવાનું કેમ નક્કી થયું એ પણ સિદ્ધાર્થને હજી નહોતું સમજાયું. જોકે જમીન કે બિઝનેસને લગતું કોઈ ને કોઈ કામ નીકળી આવ્યું હશે એમ માનીને તેણે મન મનાવ્યું હતું.

             નેહા શું રમત રહી છે, એ તે છેક બરોડા પહોંચ્યાં સુધી અને ત્યાર પછી પણ વિચારતો રહેવાનો હતો.

****

            "અમ્મ....! સ.....સિડ...!" લાવણ્યા ધીમે-ધીમે ભાનમાં આવી રહી હતી.

            "લાવણ્યા....!" જોડે ઉભેલો પ્રેમ તરતજ તેની નજીક આવી ગયો અને ભાવુક થઈ ગયો.

            કામ્યા અને અંકિતા હજીપણ બેડ ઉપર તેનાં પગ પાસેજ બેઠેલાં હતાં. વિશાલ સ્ટૂલ ઉપર બેઠો હતો. રૂમમાં બેસવાની જગ્યા નાં હોવાથી રોનક અને ત્રિશા બહાર બેઠક ઉપર બેઠાં હતાં.

            લાવણ્યાએ ધીરે-ધીરે તેની આંખ ખોલી. બેડ વચ્ચેથી ફોલ્ડ કરેલો હોવાથી લાવણ્યાને તેનાં પગ જોડે બેઠેલાં અંકિતા અને કામ્યાનાં ચેહરાં પહેલાં દેખાયાં. અંકિતા અને કામ્યા બંનેની આંખો એકસાથે ભીંજાઇ ગઈ.

            "ક.....! કામ્યા....! " કામ્યા તરફ નજર ફેરવીને લાવણ્યાએ ભીંજાયેલી આંખે કાંપતાં સ્વરમાં કહ્યું  "સિદ્ધાર્થ....!?

            "લાવણ્યા...! તું આરામ કર.....! પ્લીઝ....! એ સાજોજ છે....!" અંકિતા માંડ બોલી. કામ્યા તેની સામે ભીંજાયેલી આંખે જોઈ રહી.

            "he is fine લાવણ્યા...!" વિશાલે સ્ટૂલ ઉપર બેઠાં-બેઠાંજ લાવણ્યાનો હાથ પકડીને કહ્યું. વિશાલ પ્રેમથી લાવણ્યા સામે જોઈ રહ્યો.

            લાવણ્યાએ તેની આંખો બંધ કરી દીધી. તેની બંધ આંખોમાંથી આંસુઓની ધાર વહીને નીકળતી રહી. ક્યાંય સુધી તે આંખો બંધ રાખીનેજ રડતી રહી.

            આંખો ખોલ્યા પછીપણ કામ્યા અને અંકિતાએ ક્યાંય સુધી તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ લાવણ્યાએ કોઈપણ પ્રતિભાવ નાં આપ્યો. ફોલ્ડ કરેલાં બેડ ઉપર સૂતાં-સૂતાં તેણે સામે દેખાતાં રૂમનાં દરવાજા તરફ શૂન્યમનસ્ક જોયે રાખ્યું. દરવાજામાંથી કોઈ આવજા કરે તોપણ તે એજરીતે જોયાં કરતી.

            પ્રેમે બહાર જઈને નર્સને લાવણ્યા માટે જમવાનું મોકલી આપવાનું કહ્યું. જમવાનું આવી ગયાં પછી વિશાલે લીવર ફેરવી બેડને થોડો વધુ ફોલ્ડ કર્યો જેથી લાવણ્યા બેડનાં ટેકે બેઠી રહી શકે અને જમી શકે.

            "લાવણ્યા....! લે....!" કામ્યાએ ચમચીમાં ઢીલી ખિચડીનો કોળિયો ભરીને લાવણ્યાનાં હોંઠ સામે ધર્યો.

            લાવણ્યા હજીપણ એજરીતે શૂન્યમનસ્ક તાકી રહી હતી. થોડીવાર સુધી કોઈપણ પ્રતીભાવ આપ્યાં વિના લાવણ્યા એજરીતે જોઈ રહી. કામ્યા અને પ્રેમની આંખો ભીંજાઇ ગઈ.

            "લાવણ્યા....! જ...જમીલે બકા...!" કામ્યાએ ફરી કાંપતાં સ્વરમાં કહ્યું.

            થોડી વધુવાર તાકી રહ્યાં પછી છેવટે લાવણ્યાએ ચમચીમાં રહેલી ખિચડીનો કોળિયો ભર્યો અને થોડું ચાવીને ગળેથી નીચે ઉતારી દીધો. કામ્યા વારાફરતી એક-એક કોળિયો તેની સામે ધરતી ગઈ અને લાવણ્યા ચૂપચાપ કઇંપણ બોલ્યાં વગર ખાતી ગઈ. પ્રેમ સહિત બધાં તેની સામે જોઈ રહ્યાં. સિદ્ધાર્થનાં તેનાં જીવનમાં આવ્યાં પહેલાં જે લાવણ્યા ઉત્સાહથી ભરેલું પાત્ર હતી એ હવે જાણે સાવ ખાલી અને નીરસ થઈ ગઈ હોય એમ તે બેસી રહી હતી.

            જમ્યા પછી લાવણ્યાએ થોડો જ્યુસ પણ પીધો. જોકે તે કશુંજ બોલી નહીં. છેવટે વિશાલે બેડ ફરીવાર થોડો નીચે ફોલ્ડ કરી દીધો. લાવણ્યા હવે છત સામે જોઈને તાકી રહી.

            "લાવણ્યા....! પ્લીઝ....! કઈંકતો બોલ....!" પ્રેમ ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો.

            લાવણ્યા તોપણ કઇંનાં બોલી અને છત તરફ તાકતી રહી. બધાં તેની આજુબાજુ રહીને તેને દયાભાવથી જોતાં રહ્યાં.

****

            “સિદ્ધાર્થ......! સિદ્ધાર્થ ....!” બરોડાં આવતાંની સાથેજ સિદ્ધાર્થ પોતાનાં બેડરૂમ આવી સૂઈ ગયો હતો.

            મોડી સાંજે જમવાના સમયે રાગિણીબેન તેને જગાડી રહ્યાં હતાં.

            “ઉઠતો.....!” બેડમાં પડખું ફેરવીને સૂતેલાં સિદ્ધાર્થને તેઓ ઢંઢોળી રહ્યાં હતાં.

            “અમ્મ.....!? શું થ્યું....!?” માંડ-માંડ આંખ ખોલતાં સિદ્ધાર્થે પડખું ફેરવીને પૂછ્યું.

            “લે... નેહાનો ફૉન છે.....!” રાગિણીબેન મોબાઈલ તેની સામે ધરતાં બોલ્યાં.

            “નેહા.....!?” બેડમાં બેઠાં થતાં-થતાં આશ્ચર્યથી જોઈ સિદ્ધાર્થે રાગણીબેનના હાથમાંથી ફૉન લીધો અને બાલ્કની તરફ જવાં લાગ્યો.

            રાગિણીબેન ત્યાંથી જવાં લાગ્યાં.

            “ફૉન પતે ....એટ્લે જમવા આઈ જજે....!” દરવાજે અટકી એટલું બોલી તેઓ નીચે જવાં સીડીઓ ઉતરી ગયાં.

            “હાં બોલ....!” બાલ્કનીમાં આવીને સિદ્ધાર્થ નેહા સાથે વાત કરવા લાગ્યો.

            “કેવી તબિયત છે.....!?” સામેથી નેહાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

            નેહાના સ્વરમાં રહેલાં ઉત્સાહથી સિદ્ધાર્થને વધુ આશ્ચર્ય થયું.

            “સારી છે....!” સિદ્ધાર્થ ઔપચારિક સ્વરમાં બોલ્યો.

            “હમ્મ....! તારો ફૉન ભૂલી ગ્યોને તું....!?” નેહાએ યાદ અપાવ્યું.

            “કાલે વિજય અંકલ આ’વાના છે....!” સિદ્ધાર્થ સીધુંજ બોલ્યો “એમની જોડે મોકલી દેજે...!”

            “હમ્મ...! પણ તારો ફૉન ચાલતો નઈ....!” નેહા બોલી “બંધ થઈ ગ્યો છે...!”

            “બેટરી ઉતરી ગઈ હશે....!”

            “સ્ક્રીન તૂટી ગઈ છે....!” નેહા બોલી.

            “અરે યાર....! મને એમ ચાલે એવું છે...!” સિદ્ધાર્થ માથે હાથ દઈને બોલ્યો.

            એક્સિડેન્ટમાં સિદ્ધાર્થના ફૉનની સ્ક્રીન સહેજ તૂટી ગઈ હોવાં છતાંય ફૉન જેમ-તેમ ચાલું હતો.

            “ચાલતો ‘તો....!” નેહા બોલી “પણ હેન્ડબેગમાંથી મારો સામાન કાઢતી વખતે મારાથી પડી ગ્યો....! એટ્લે સ્ક્રીન આખી તૂટી ગઈ.....!”

            સિદ્ધાર્થ કશું બોલ્યો નહીં અને મૌન રહ્યો. બાલ્કનીની સામે દેખાતાં ગાર્ડન સામે સિદ્ધાર્થ જોઈ રહ્યો.

            શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ હતી. અને હજીપણ વરસાદી ઝાપટાંઓ ચાલું જ હતાં. આમ બેવડી ઋતુને લીધે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. શિયાળાને લીધે સાંજ વહેલી ઢળવાં આવી હતી.

            “સોરી....!”  સિદ્ધાર્થ મૌન થઈ જતાં નેહા બોલી.

            “હમ્મ.....!” સિદ્ધાર્થે માત્ર હુંકારો ભર્યો.

            વળી પાછું બંને વચ્ચે થોડીવાર મૌન છવાઈ ગયું. 

            “શું ચાલે છે તારે....!?” સિદ્ધાર્થે  પૂછ્યું.

            “સિદ્ધાર્થ....!” ત્યાંજ નીચેથી કરણસિંઘની બૂમ સંભળાઈ.

            “પપ્પા બોલાવે છે....! હું પછી વાત કરું...!” એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને હાથમાં ફૉન લઈને બાલ્કનીમાંથી બેડરૂમમાં આવ્યો અને બેડરૂમમાંથી બહાર નીકળી સીડીઓ ઉતરી ગયો.

            “હાં...પપ્પા...!” નીચે ડ્રૉઈંગરૂમમાં આવીને સિદ્ધાર્થે કિચન પાસે ડાઈનિંગ ટેબલ તરફ જઇ રહેલા કરણસિંઘને પૂછ્યું.

            “જમવું નથી...!?” કરણસિંઘ ડાઈનિંગ ટેબલ તરફ જતાં બોલ્યાં અને પૂછ્યું “હવે ઠીક છે તને...!?”

            “હાં....ઠીક છે...!” સિદ્ધાર્થ તેમની પાછળ-પાછળ ચાલ્યો.

            ત્યાંજ કિચનમાંથી રાગણીબેન હાથમાં બાઉલ લઈને આવ્યા અને ડાઈનિંગ ટેબલ ઉપર મૂકવા લાગ્યાં.

            “મમ્મી....તમારો મોબાઈલ...!” રાગિણીબેનનો મોબાઈલ તેમની તરફ ધરીને સિદ્ધાર્થ બોલ્યો.

            પોતાનો મોબાઈલ લઈને રાગિણીબેન પાછા કિચનમાં જતાં રહ્યાં.

            ડાઈનિંગ ટેબલની વચ્ચેની ખુરશીમાં કરણસિંઘના બેઠાં પછી તેમની એકબાજુની ચેયરમાં સિદ્ધાર્થ બેઠો. થોડું-ઘણું જમી લઈને સિદ્ધાર્થ ઊભો થઈ ગયો. બંને વચ્ચે માત્ર ઔપચારિક વાતચિત થઈ.

            “હું થોડું બહાર ફરતો આઉ....!?” સિદ્ધાર્થે ચેયરમાંથી ઊભા થઈને પૂછ્યું.

            “હમ્મ....!”કોળિયો ચાવતાં-ચાવતાં કરણસિંઘ બોલ્યાં “રાગિણીનો મોબાઈલ લેતો જજે....! જરૂર પડ્યે કૉલ કરી શકાય...!”

            “સારું....!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછો પોતાના બેડરૂમમાં જવાં સીડીઓ તરફ આવ્યો.

            પાછાં બેડરૂમમાં આવી સિદ્ધાર્થે ફ્રેશ થઈને કપડાં બદલી લીધા. કરણસિંઘે બોલાવતા સિદ્ધાર્થ મોઢું ધોયા વગર કે ફ્રેશ થયા વગર જ નીચે જઈને જમવા બેસી ગયો હતો.

            રાગિણીબેનનો મોબાઈલ લઈને સિદ્ધાર્થ ઘરેથી નીકળ્યો. ઘરે સ્પેયરમાં પડી રહેતું એક્ટિવા લઈને તે વિકટ અને તેની ફેવરિટ જગ્યા બોબી ટી-સ્ટૉલ જવાં નીકળી ગયો.

****

            “તમે જે નંબરનો સંપર્ક કરવાં માંગો છો તે મોબાઈલ સ્વિચ ઑફ છે......!”

            વિકટને ફૉન લગાડતાં સિદ્ધાર્થને સામેથી રેકોર્ડેડ મેસેજ સંભળાયો. નકારમાં માથું ધૂણાવીને સિદ્ધાર્થે મોબાઈલ પાછો પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં મૂક્યો. ગર્વમેન્ટ પોલિટેકનિકની સામે આવેલી બોબી ટી-સ્ટૉલ આવીને સિદ્ધાર્થ એક્ટિવા ડબલ સ્ટેન્ડ કરીને બેઠો હતો. વિકટનો ફૉન નઈ લાગે એ વાત જાણતો હોવાં છતાંય સિદ્ધાર્થ ઠાલી આશાએ વિકટને ફૉન લગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બે-ત્રણ વાર કૉલ લગાડવાનો પ્રયત્ન કર્યા પછી જ્યારે કૉલ ના લાગ્યો તો સિદ્ધાર્થે નિરાશ થઈને મોબાઈલ પોતાનાં ખિસ્સામાં મૂક્યો.

            નવરાત્રિ હોવાથી બોબી સ્ટૉલ પર મસ્ત મજાની સિરિઝોનું લાઇટિંગ કરવામાં આવ્યું હતું. રોજની જેમ ટી-સ્ટૉલની આગળ વ્હીકલ પાર્ક કરીને અનેક લોકો ચ્હાની ચૂસકીઓ ભરી રહ્યા હતાં. સિદ્ધાર્થ અહિયાં મોટેભાગે વિકટ સાથે આવતો. ક્યારેક-ક્યારેક વિકટના કહેવાથી તે ગ્રૂપના અન્ય ફ્રેન્ડ્સ સાથે પણ આવતો. વિકટ સાથે તે અહિયાં કલ્લાકોના-કલ્લાકો બેસી રહેતો. બોબી ટી-સ્ટૉલના માલિક મનુકાકા અને ટી-સ્ટૉલ પર કામ કરતાં લગભગ બધાજ છોકરાઓને તેઓ ઓળખતાં. ટી-સ્ટૉલ પર કામ કરતાં એક છોકરા લોકેશ સાથે સિદ્ધાર્થને સારું ફાવતું. સિદ્ધાર્થની જેમ ઓછા બોલો એ છોકરો ઉમ્મરમાં માત્ર ચૌદ વર્ષનો હતો ત્યારથી ત્યાં કામ કરતો હતો. લોકેશનું નામ બદલીને સિદ્ધાર્થે “લંકેશ” પાડી દીધું હતું.

            “એ લંકેશ.....!” સિદ્ધાર્થે બૂમ પાડીને ટ્રેમાં મૂકેલા કપમાં ચ્હા ભરી રહેલાં લોકેશને ચ્હા લાવવા માટે ઈશારો કર્યો.

            “લંકેશ” નામ સાંભળી લોકેશ હળવું હસ્યો અને ચ્હાના કપની ટ્રે લઈને સિદ્ધાર્થ તરફ આવવા લાગ્યો. સિદ્ધાર્થ તરફ આવતાં રસ્તામાં બેઠેલા અન્ય લોકોને પણ તે આપતો-આપતો આવતો.

            “બવ દિવસે દેખાયા...!?” લોકેશે સિદ્ધાર્થ સામે ટ્રે ધરતા સ્મિત કરીને પૂછ્યું.

            “હમણાં અમદાવાદ રે’વા ગ્યો છુ...!” ટ્રેમાં મૂકેલો ચ્હાનો કપ લઈ સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું.

            “વિકટભાઈ....!?”  લોકેશે ટૂંકમાં પૂછ્યું.

            “સુરેન્દ્રનગર કામ માટે ગ્યો છે....!” સિદ્ધાર્થ બોલ્યો “હમણાં નઈ આવે...!”

            હળવું સ્મિત કરીને લોકેશ ટ્રે લઈને આગળ ચાલ્યો ગયો અને સિદ્ધાર્થ પછી બેઠેલાં અન્ય ચ્હાના રસિયાઓને ચ્હા આપવા લાગ્યો. કેટલીક ક્ષણો સિદ્ધાર્થ પાછું ફરીને લોકેશને જોઈ રહ્યો. વિકટ સાથે જૂના દિવસોની યાદ આવી જતાંસિદ્ધાર્થને થોડું હળવું ફીલ થયું. 

            “તું સાચું કે’તો’તો દોસ્ત....!” વિકટની વાત યાદ કરીને સિદ્ધાર્થ બબડ્યો  “આ જગ્યાના વાઈબ્સ કઈંક અલગજ છે....!”

            નવરાત્રિ અને ત્યારપછી આવી રહેલી દિવાળીના તહેવારના લીધે જામેલાં મસ્ત મજાનાં ઉત્સાહી માહોલના “વાઈબ્સ” ફીલ થતાં હોય એમ સિદ્ધાર્થ બોલ્યો અને ચ્હાના કપમાંથી એક સિપ ભરી.

            થોડીવાર પછી ચ્હા પીતા-પીતા ફરીવાર વિકટ યાદ આવી જતાં સિદ્ધાર્થે વધુ એકવાર તેનો નંબર ડાયલ કરી જોયો. ફરીવાર એજ રેકોર્ડેડ મેસેજ સંભાળતા સિદ્ધાર્થે પાછો ફૉન કાનેથી દૂર કર્યો અને પાછો ચ્હા પીવા લાગ્યો.

            ફરીવાર તેને નેહાના વિચારો ઘેરી વળ્યાં. નેહા યાદ આવતાજ સિદ્ધાર્થને માથામાં સણકા આવતાં હોવાનું લાગ્યું. સ્ટ્રેસ જેવુ ફીલ થતાં તેને લાવણ્યા યાદ આવી ગઈ. તેનું મન તેણીને કૉલ કરવાનું થઈ આવ્યું.

            “પણ તેનો નંબર યાદ નઈ....!” તેને યાદ આવતાં ટેને માથું ધૂણાવ્યું.

            “નંબર યાદ હોય તો પણ ફૉન તારો નઈ ભાઈ...!” સિદ્ધાર્થને જાણે અંદરથી “કોઈક” યાદ અપાવતું હોય એમ તે મનમાં બબડ્યો અને હસી પડ્યો “રાગણી મમ્મીનો છે....!”

              “તો શું યાર.....!” સિદ્ધાર્થ હવે સ્વગત વાતો કરવા લાગ્યો “પછી લાવણ્યાને આ નંબર મળ્યો...તો એ ફૉન મૂકવાનું નામ નઈ લે...અને વારે ઘડીએ કૉલ કર્યા કરશે.....!”

            “હાં....એ તો છે....!” સિદ્ધાર્થ હસ્યો અને ચ્હાના કપમાંથી ઘૂંટ ભર્યો.

            લાવણ્યા સાથે વિતાવેલી એ દરેક સુંદર ક્ષણો યાદ આવતાં સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. માથા ઉપર ભાર હળવો થતો હોવાનું તેણે અનુભવ્યું.

            સિદ્ધાર્થ હવે પોતે અનેકવાર આ બાબતે આશ્ચર્ય અનુભવતો અને વિચાર્યા કરતો, કે એક સમયે જે નેહાને તે અનહદ પ્રેમ કરતો હતો અને જેને જોઈને તે ખુશ થઈ જતો, તે નેહા આજે તેને યાદ આવે કે તેણીની હાજરી હોય, તો સિદ્ધાર્થ અનહદ સ્ટ્રેસ અનુભવતો; જ્યારે એક સમયે જે લાવણ્યાને જોતાંજ તેને ગુસ્સો આવતો, એ લાવણ્યાની હાજરી તે હવે સતત ઝંખતો અને તેના વિચારો સુદ્ધાંથી તેને પોતાનું હળવું ફીલ થતું.

            “ઘણું બધું બદલાઈ ગ્યું....!” સિદ્ધાર્થ પોતેજ બબડ્યો.

            ચ્હાનો કપ ખાલી થઈ જતાં તેણે પાછું ટી-સ્ટૉલ તરફ જોયું. એજ વખતે લોકેશની નજર પણ સિદ્ધાર્થ તરફ પડતાં સિદ્ધાર્થે વધુ એક ચ્હાનો ઓર્ડર ઇશારામાં કહી કર્યો.

            લોકેશ ચ્હા લઈને આવે ત્યાં સુધી સિદ્ધાર્થ પાછો લાવણ્યાના વિચારોમાં ખોવાઈ ગયો. ઈચ્છવા છતાંય અને લાવણ્યાની જરૂર હોવા છતાં તેણી સાથે વાત થઈ શકે એમ ના હોવાથી તે નિ:સહાયતાં અનુભવવા લાગ્યો.

            “એને નવરાત્રિનો કેટલો ઉત્સાહ છે....!” નવરાત્રિ માટે લાવણ્યાનો એ ઉત્સાહ યાદ આવી જતાં સિદ્ધાર્થે વધુ નિરાશા અનુભવી “હવે બેજ દિવસ બાકી રહ્યાં....!”

            નવરાત્રિને હવે માંડ બે દિવસ બાકી રહ્યાં હોવાથી સિદ્ધાર્થને લાવણ્યા માટે દયા આવી ગઈ.

            “સોરી લવ....સોરી....!” સિદ્ધાર્થ નિરાશ સ્વરમાં બબડ્યો.

            “ચ્હા....!” ત્યાંજ લોકેશે ચ્હાનો કપ ભરેલી ટ્રે સિદ્ધાર્થ સામે ધરી.

            ચ્હાનો કપ ટ્રેમાંથી લઈ સિદ્ધાર્થે સ્મિત કર્યું અને લોકેશ ચાલતો થયો.

            “ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સિદ્ધાર્થે ખિસ્સામાં મૂકેલો રાગિણીબેનનો મોબાઈલ રણક્યો.

            લાવણ્યાનો ફૉન હશે એવું ભૂલથી માની લઈને સિદ્ધાર્થે તરતજ ફૉન ખિસ્સામાંથી કાઢ્યો. મોબાઈલ રાગિણીબેનનો છે એ યાદ આવતાં સિદ્ધાર્થનું મન પાછું નિરાશ થઈ ગયું.

            “હાં પપ્પા....!” કરણસિંઘનો ફૉન હોવાથી સિદ્ધાર્થે રિસીવ કરીને કહ્યું.

            “ઘેર આવ હવે....! થોડો આરામ કર...તો શરીરને રાહત થાય.....!” સામેથી કરણસિંઘનો ઘેરો, સખત અવાજ સંભળાયો.

            જોકે તેમના સ્વરમાં રહેલી ચિંતાને સિદ્ધાર્થ મેહસૂસ કરી શક્યો.

            “આવું જ છું....!”

            એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

            પોતાની સાથે જે થઈ રહ્યું છે વિષે થોડીવાર સુધી વિચારો કર્યા બાદ સિદ્ધાર્થે લોકેશને બોલાવીને ચ્હાના પૈસા આપ્યા અને ઘેર જવા નીકળી ગયો.

****

             "અંકિતા...! તું એક્ટિવા લઈને આવી છેને..!?" લાવણ્યાએ બેડ ઉપરથી નીચે ઉતરતાં કહ્યું.

            સવારે લગભગ આઠેક વાગ્યે ડો.વિનય શાહની વિઝિટ પછી લાવણ્યાને ડિસ્ચાર્જ આપી દેવાયું હતું. બધાં હવે હોસ્પિટલમાંથી જવાની તૈયારી કરી રહ્યાં હતાં. વિશાલે હોસ્પિટલનું ફાઇનલ બિલ પે કરી દીધું હતું. પ્રેમ અને વિશાલ હોસ્પિટલની ડિસ્પેન્સરીમાંથી ડોક્ટરે લખી આપેલી દવા લેવાં ગયાં હતાં. કામ્યા અને અંકિતા લાવણ્યા જોડે રૂમમાં હતાં.

            "હાં....! લાવી છુંને...!" અંકિતાએ તેની સામે જોયું "કેમ...!? શું કામ છે...!?"

            "અરે કેમ....!? તું ભૂલી ગઈ....!? સિદ્ધાર્થનાં ઘરે નઇ જવાનું...!?" લાવણ્યાએ ઉચાટભર્યા સ્વરમાં યાદ દેવડાવ્યું.

            "અરે પણ....! પે'લ્લાં તું તારાં ઘરેતો ચાલ....!" કામ્યા બોલી "તું ફ્રેશ થા...! પછી...!આવીને આવી થોડી જઈશ તું એને મળવાં....!?

            "હાં લાવણ્યા....!" અંકિતાએ સૂર પુરાવ્યો "આમ થોડું જવાય....! સરસ તૈયાર થઈને જઈશ તો...! તો સારું રે'શે...!" 

            "પણ....! પણ એનું ઘર અંહિયાથી બહુ નજીક છે..!" લાવણ્યા હવે ઈમોશનલ થઈ ગઈ "હું ક્યારે મારાં ઘરે જઈશ...! ક્યારે તૈયાર થઈશ...! ક્યારે એનાં ઘરે જઈશ....! નઈ...! નઈ....! બહુ મોડું થઈ જશે યાર....!"

            "પણ લાવણ્યા...!" હવે અંકિતાએ લાવણ્યાને ઉપરથી નીચે જોતાં કહ્યું “આવી સાવ લઘરવઘર યાર....!?”

            લાવણ્યાએ પણ હવે પોતાને ઉપરથી નીચે જોયું. ગઈકાલથી પેહરેલો એકનો એક બ્લેક ડ્રેસ, જે લગભગ ચોળાઈ ગયો હતો. એડ્મિટ કરાયાં પછી લાવણ્યાને હોસ્પિટલનાં કપડાં પહેરાવી દેવાયાં હતાં. જેને લીધે લાવણ્યાનાં શરીરમાંથી વિચિત્ર સ્મેલ પણ આવી રહી હતી. ડિસ્ચાર્જ પછી હોસ્પિટલનાં કપડાં કાઢી તેણે પાછો પોતાનો બ્લેક ડ્રેસ પહેરી લીધો હતો. તેની હાલત એટલી દયનીય થઈ ગઈ હતી કે તેનું પોતાનું મોઢું બગડી ગયું.

            “તારું ઘર પણ નજીકજ છેને...!?” અંકિતા બોલી “તો પછી ચાલને ફટાફટ....! ફ્રેશ થઈ ...તૈયાર થઈજા...પછી જઈએ...!” 

            “હાં ...! સાચી વાત...!” લાવણ્યા છેવટે માની “ચાલ ...! પેલ્લાં ઘરે જતાં આવીએ...!ફટાફટ”

            એટલું કહીને લાવણ્યા રૂમની બહાર જવાં લાગી. અંકિતાએ કામ્યા સામે જોતાં કામ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

            "એને પછી કોલેજ લઈનેજ આવજે....! એનું મન ડાયવર્ટ થાય" કામ્યા બોલી "અમે અહીં બધુ પતાવીને નિકળીએજ છે....!"

            અંકિતાએ હકારમાં માથું ધૂણાવ્યું અને લાવણ્યાની પાછળ ચાલવાં લાગી.

***

            “હાં...અંકલ બસ....તમારી ફાઇલ લઈ લીધી છે.....!” નેહા બોલી “બસ નિકળું જ છું...!”

            વહેલી સવારે સુરેશસિંઘ અને સરગુનબેન બરોડા જવા નીકળી ગયાં હતાં. જતાં-જતાં સુરેશસિંઘ પોતાનાં કામની મહત્વની કોઈ ફાઇલ ઘરે ભૂલી ગયાં હતાં.  ખાસ્સું દૂર નીકળી ગયાં પછી તેમને યાદ આવતાં સુરેશસિંઘે વિજયસિંઘને ફૉન કરીને તેમનાં ફ્લેટેથી ફાઈલ લઈ આવવાં કહ્યું હતું. નેહાના પપ્પા વિજયસિંઘ અને નેહાના મમ્મી હજી તેમનાં ઘરે બરોડા જવા તૈયાર થઈ રહ્યાં હોવાથી નેહા ત્યાં સુધી નેહા ડ્રાઇવરને લઈ સુરેશસિંઘના ઘરે આવી હતી. ફાઈલ લઈને તેણી કારમાં પાછી ઘરે જઈ રહી હતી.             

            “બવ લેટ ના કરતાં હવે....!” સુરેશસિંઘ ફૉનમાં બોલ્યાં “મેં રઘુને કીધુંજ છે....! એ સીધો તમને કરણભાઉને ત્યાંજ લઈ આવશે.....!”

            વિજયસિંઘની કાર સર્વિસમાં હોવાથી સુરેશસિંઘે તેમની એક બીએમડબલ્યુ અને ડ્રાઇવર રઘુનાથભાઈને પણ અમદાવાદ નેહા એન્ડ ફેમિલીને લઈ આવવાં રાખ્યાં હતાં.

            “રસ્તામાં કશું લેવા ના રોકાતા.....! હું બધું લઈનેજ જાઉં છું.....!” સુરેશસિંઘ બોલ્યાં.

            “સારું અંકલ....!” નેહા બોલી અને તેમની સાથે વાત કરીને કૉલ કટ કર્યો અને ફ્લેટનાં કમ્પાઉન્ડનાં ગેટમાંથી ઢાળ ઉતરીને કાર તરફ જવા લાગી. રોડ તરફની દિશામાંથી કોઈ વાહનનો અવાજ સંભળાતા  નેહાએ એ તરફ જોયું. એક્ટિવા લઈને તેણે અંકિતાને પોતાની તરફ આવતા જોઈ. નેહાને જોતાંજ અંકિતાએ કારથી સહેજ છેટે કમ્પાઉન્ડનાં ગેટ પાસે એક્ટિવા ઊભી રાખી. અંકિતાને જોતાં નેહા કમ્પાઉન્ડનાં ઢાળમાંજ ઊભી રહી.

            “આ હરામખોર અહિયાં ક્યાંથી આઈ ગઈ....!?” એક્ટિવાની પાછલી સીટ ઉપર બેસેલી લાવણ્યાને જોતાંજ નેહાનાં ચેહરાંનો ભાવ બદલાઈ ગયો અને તે બબડી.

અંકિતાએ એક્ટિવા ઊભી રાખતાંજ લાવણ્યા સીટ ઉપરથી ઉતરીને ઊભી રહી. લાવણ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાતાં તેઓ સિદ્ધાર્થના ઘેર તેની ખબર કાઢવાં આવ્યાં હતાં. એક્ટિવાને સાઈડ સ્ટેન્ડ કરી અંકિતાએ લાવણ્યા સામે જોઈ નેહા તરફ જોયું અને ચાલવાં માંડ્યુ. લાવણ્યા ડરતી-ડરતી અંકિતાની પાછળ ચાલી. છેવટે તેઓ નેહાની જોડે આવીને ઊભાં રહ્યાં. 

            લાવણ્યાએ જોયુંકે નેહાએ મરૂન કલરનું ટોપ પહેર્યું હતું. તે હવે વાળ ખુલ્લાં રાખવાં લાગી હતી. તેની આંખોમાંથી લાવણ્યા માટે ભારોભાર તિરસ્કાર છલકાતો હતો.

આજેપણ લાવણ્યાને નેહા પોતાનાં કરતું વધુ સુંદર અને સિદ્ધાર્થ માટે પોતાનાં કરતાં વધુ યોગ્ય લાગી રહી હતી.

            "તું અંહિયાં શું કરે છે....!?" અંકિતાની પાછળ સંતાવાનો પ્રયત્ન કરી રહેલી લાવણ્યાને નેહાએ ડોકું નમાવીને જોઈને પૂછ્યું.  

            "સ....સિદ....!સિદ્ધાર્થને....!સિદ્ધાર્થને" ગભરાંહટને લીધે લાવણ્યાની જીભ થોથવાઈ ગઈ. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં અને તેને પરસેવો વળવાં લાગ્યો. તેણીને આગળ ઊભેલી અંકિતાની હથેળી પોતાનાં હાથમાં દબાવી.

            "અમે સિદ્ધાર્થની ખબર કાઢવાં આવ્યાં છે....!" અંકિતાએ વચ્ચે બોલતાં કહ્યું.

            "પણ......!” નેહા થોડું અટકી અને અને લાવણ્યા સામે જોઈ વેધક સ્મિત કરતાં બોલ “સિદ્ધાર્થતો બરોડાં જતો ર’યો....!"

            “બરોડા જતો ર’યો....! મને કીધું પણ નઇ...!?” લાવણ્યા નેહા સામે હતપ્રભ થઈ શૂન્યમનસ્ક તાકતાં મનમાં બબડી.

            "પણ....પણ એતો અંહિયાંજ રે'તો'તોને ....! એનાં મામાને ત્યાં....!?" લાવણ્યા હવે રડમસ થઈ ગઈ અને માંડ-માંડ નેહા સામે જોઈને બોલી.

            "હાં....! પણ અંકલે થોડાં દિવસ પહેલાંજ બોપલમાં નવું ઘર લીધુંછે ....!" લાવણ્યાની તકલીફનો પિશાચી આનંદ લેતી હોય એમ નેહા તેનાં ખભાં ઉલાળતી બોલી "અને હવે આ ફ્લેટ ફર્નિચર સાથે વેચવાનો છે....! અને અંકલ ત્યાં ક્યારનાં શિફ્ટ થઈ ગયાં છે....! તો સિદ્ધાર્થનું ધ્યાન અંહી કોણ રાખતું...!? એટ્લે એને બરોડાં લઈ ગયાં....!"

            સહેજ પણ સંકોચ વિના નેહા અડધું જુઠ્ઠું બોલી ગઈ.

            "પણ....પણ... એનો ફ...ફોન કેમ નઈ લાગતો...!?" લાવણ્યાએ ફરીવાર એજરીતે પૂછ્યું.

            "એક્સિડેંન્ટમાં ડેમેજ થયાં પછી બરાબર નોહોતો ચાલતો....!" નેહાએ માંડ પોતાનું કુટિલ સ્મિત દબાવી રાખીને કહ્યું.

            "તો....તો....મને એનાં પપ્પાનો નંબર આપને...!" લાવણ્યા હવે આજીજીભર્યા સ્વરમાં બોલી. તેનો ચેહરો હવે પરસેવે રેબઝેબ થઈ ગયો.

            "કેમ...!? એનાં પપ્પાનું તારે શું કામ...!?" નેહાએ ઝીણી આંખ કરીને પૂછ્યું.

            "એનાં ...એનાં...પપ્પા એની જોડે હશેને...! તો....તો...હું એમનાં ફોનથી સિડ જોડે વાત કરી લઇશ..!" લાવણ્યા બોલી.

            અંકિતા હવે રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાને દયાથી જોઈ રહી. નેહા જાણીજોઈને લાવણ્યાને સતાવી રહી હતી.

            "સોરી...! હું તને સિદ્ધાર્થનાં કોઈપણ ફેમિલી મેમ્બરનો નંબર એ લોકોને પૂછ્યા વિના નાં આપી શકું...!".  

            નેહા લાવણ્યાની સામે હથેળી દેખાડતાં બોલી અને કારનો દરવાજો ખોલવાં ઢાળમાંથી ઉતારવાં લાગી.

            "તો...તો...!તું તારાં ફોનથી વ...વ...વાત કરને.....! પછી મ્મ....મને ફોન આપજે...! પ્લીઝ....!" લાવણ્યાએ હવે નેહાનું બાવડું ઝાલી લીધું અને આજીજી કરવાં લાગી.

            "હું શું કરવાં તારી વાત કરાવું...!?" નેહાએ ફરીવાર તેનાં ખભાં ઉલાળ્યાં.

            "આવું.....આવું...નાં કરને નેહા....! પ્લીઝ....!" લાવણ્યા હવે સાવ ભાંગી પડી "ખાલી...ખાલી એકવાર....એકવારતો વાત કરવાંદે....! પ્લીઝ...!"

            ત્યાંજ નેહાનો ફૉન વાઇબ્રેટ થયો.

            ઓલરેડી મોડું થઈ રહ્યું હોવાથી નેહા હવે લાવણ્યા ઉપર ચિડાઈ.                   

            "લાવણ્યા...! મારું માથું નાં ખાઈશ...!" નેહાએ ફરીવાર લાવણ્યાનો હાથ ઝાટક્યો.

            "નેહા....! નેહા...! હું ...હું હ...હાથ...જ..જોડ..!"

            "લાવણ્યા સ્ટોપ ઈટ....!" લાવણ્યાને હાથ જોડતાં જોઈને અંકિતા વચ્ચે બરાડી ઉઠી અને તેણે લાવણ્યાનાં હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી"શું કરે છે તું...!?"

            "અ...! અંકિતા....! તું કે'ને....! મારે કેટલી જરૂરી વાત કરવી છે..! તું કે'ને...!"

            "જો લાવણ્યા....!" નેહાએ વધુ ચિડાઈને બોલી "મારે પણ બરોડાં પહોંચવાંનું છે....! મને લેટ થાય છે...!"

            "તો....તો ....હું પણ આવું તારી જોડે બરોડાં....!?" લાવણ્યાએ ફરીવાર નેહાનું બાવડું પકડ્યું "સિદ્ધાર્થને મળીને ....હું...હું મારી જાતે પાછી આવતી રઈશ....!" 

            અંકિતા ઢીલી થઈને લાવણ્યાને જોઈ રહી.

            "લાવણ્યા....! સિદ્ધાર્થનાં ઘરે ફેમિલી ફંકશન છે....! મારે એમાં પહોંચવાનું  છે....!" નેહાએ ફરીવાર લાવણ્યાનો હાથ ઝાટક્યો. 

            "સિદ્ધાર્થનાં ઘરમાં ફંકશન....!?" લાવણ્યાનાં પેટમાં ફાળ પડી. તે ડઘાઈ ગઈ.

            નેહા હવે કારનો દરવાજો ખોલીને પાછળની સીટમાં બેસી ગઈ. 

            "શ...શેનું ..શેનું ફંકશન છે...!?" લાવણ્યા હવે રઘવાઈ થઈને ગાડીનાં કાંચની ખુલ્લી  બારીમાં હાથ મૂકીને પૂછવાં લાગી.

            નેહા કઈંપણ બોલ્યાં વગર તેનાં વાળ સરખાં કરવાં લાગી.

            "ન...નેહા ...! બોલને શેનું ફંકશન છે...!?" લાવણ્યાએ ફરીવાર એજરીતે પૂછ્યું.

            "તુંજ સિદ્ધાર્થને પૂછી લેજેને....!” નેહાએ બોલીને લુચ્ચું સ્મિત કર્યું અને બોલી “જો એ બરોડાંથી પાછો આવેતો...!"

            અંકિતાનું ધૈર્ય હવે ખૂટવાં લાગ્યું.

            "પાછો આવેતો...! એટ્લે...! એટ્લે...!" લાવણ્યાનું મગજ ફરી બહેર મારી ગયું અને તે હોંઠ ફફડાવવાં લાગી.

            "ચાલો ડ્રાઇવર....!" નેહાએ કહેતાંજ કારનાં ડ્રાઇવરે ધીરે-ધીરે ગાડી ચલાવવાં માંડી.

            "ન...નેહા....!" લાવણ્યા હવે હાંફવાં લાગી અને કારની જોડે-જોડે ચાલતી-ચાલતી પૂછવાં લાગી "પાછો આવેતો...! એટ્લે...! એટ્લે...!એ પાછો નઈ આવાનો...!?"

            “હમ્મ....યુઝલેસ....!” ઘૃણાથી મોઢું મચકોડી નેહા કઈંપણ બોલ્યાં વગર મનમાં બબડી અને ગાડીનાં કાંચનું બટન દબાવી દેતાં બારીનો કાંચ ઓટોમેટિક બંધ થવાં લાગ્યો.  

            "નેહા....! નેહા ....!" ગાડીની સ્પીડ વધતાં લાવણ્યા હવે સહેજ ઉતાવળાં પગલે ગાડી પાછળ દોડવાં લાગી "મને કે'ને....! એ પાછો નઈ આવવાનો....!? બ...બોલને નેહા...!આવું ના કરને....!"  

            "લાવણ્યા ઊભી રે'...!" અંકિતા પણ લાવણ્યાની પાછળ-પાછળ ચાલવાં લાગી.

            ગાડીની વિન્ડોનો કાંચ બંધ થઈ જવાં છતાં લાવણ્યા કારની પાછળ ઉતાવળાં પગલે દોડતી રહી. છેક મુખ્ય રોડ સુધી લાવણ્યા રઘવાઈ થઈને નેહાને એકની એક વાત પૂછતી રહી.

            અંકિતા લાવણ્યા પાછળ થોડું દોડી, પણ લાવણ્યાની હાલત જોઈને છેવટે તે પણ ભાંગી પડી અને એક જગ્યાએ ઊભી રહીને ગાડીની પાછળ-પાછળ નેહા જોડે વાત કરવાં ઉતાવળાં પગલે દોડી રહેલી લાવણ્યાને જોઈ રહી અને રડવાં લાગી.

            "લાવણ્યા .....પ્લીઝ યાર....! ના જઈશ....!" અંકિતાની આંખોમાંથી આસુંઓની ધાર વહી રહી.

            "ન....નેહા....! પ્લીઝ....!" પહેલેથીજ હાંફી રહેલી લાવણ્યાનો શ્વાસ હવે વધુ ફૂલવાં લાગતાં છેવટે તે અટકી ગઈ. રડતી આંખે તે કારને જતી રહી.  

            “માથું ચડાઈ દીધું સાલીએ.....!” મનમાં બબડતાં-બબડતાં નેહા માથું ધૂણાવી રહી અને કારની આગળ લાગેલા નાના લંબચોરસ મિરરમાં દૂર જઈ રહેલી લાવણ્યાની આકૃતિને જોઈ રહી. 

            થોડીવારમાં કાર મુખ્ય રોડ ઉપર આવી જતાં લાવણ્યા નજરોથી ઓઝલ થઈ ગઈ.  

****

             “સિદ્ધાર્થ આયો કે નઈ.....!?” કરણસિંઘે રાગિણીબેનને પૂછ્યું અને સોફામાં બેઠાં.

            “સવાર-સવારમાં ક્યાં મોકલ્યો છે એને....!” રાગિણીબેને પૂછ્યું “મે’માન આવે છે ને.....!”

            “સ્ટાફનાં પગારનાં ચેકોમાં એની સહી કરવાની ‘તી....! હું ભૂલી ગ્યો’તો.....! એકસીડેંન્ટની ખબર મળી...તો ઉતાવળમાં ચેક ઓફિસજ રઈ ગ્યાં....!” કરણસિંઘ બોલ્યા અને કૉફી ટેબલ ઉપર પડેલું છાપું હાથમાં લેવા લાગ્યાં.

            “સાહેબ....! પુરોહિતજી આઈ ગ્યાં.....!” ત્યાંજ મેઇન ડોરની અંદર આવીને એક સિક્યુરિટી ગાર્ડે આવીને કીધું અને તેમની પાછળ કેસરી કલરનું ધોતિયું અને સહેજ ઓફ વ્હાઇટ કલરનો જભ્ભો પહેરેલા એક વૃધ્ધ  અંદર આવવા લાગ્યાં.

            “અરે પુરોહિતજી....આવો..આવો....!” તેમને જોતાંજ છાપું પાછું કૉફી ટેબલ ઉપર મૂકીને કરણસિંઘ સોફામાંથી ઊભાં થઈ તેમની તરફ જવાં લાગ્યાં.

            “કેમ છો કરણભાઉ....!” હાથ જોડીને નમસ્તે કરતાં-કરતાં પુરોહિતજીએ તેમનું અભિવાદન કર્યું.

            અભિવાદનની ઔપચારિકતા પછી તેઓ સોફામાં બેઠા અને પોતાના ખભે ભરાવેલો કપડાનો થેલો સોફા ચેયરની એક બાજુ  મૂક્યો. રાગિણીબેન તેમનાં માટે પાણી લેવા માટે કિચન તરફ જતાં રહ્યાં.

            “હજી મે’માન આયા નઇ લાગતાં....!?” પુરોહિતજી બોલ્યાં.

            “સુરેશને અમદાવાદથી ક્યારના નીકળી જ ગ્યાં છે....!” કરણસિંઘ સસ્મિત બોલ્યાં “આવતાંજ હશે....! આ વખતે બવ મે’માન નઈ તેડાયાં....! ઘરનાનેજ કીધું છે....!”

            ત્યાંજ રાગિણીબેને પુરોહિતજી સામે ટ્રેમાં મૂકેલો પાણીનો ગ્લાસ ધર્યો.

            “બાજુમાં  જઈને વિક્રમને કે’ને.....! પુરોહિતજીઆઈ ગ્યાં છે....!” કરણસિંઘે રાગણીબેનને કહ્યું.

            “મેં પાછળ વરંડામાંથી વંદનાને બૂમ પાડીને કીધું છે.....!” રાગણીબેન બોલ્યાં “વૈશાલી તૈયાર થાય એટ્લે આવેજ છે લોકો....!”

            “એમનાં ઘરમાં બધાયના નામ “વ” થીજ શરૂ થાય છે નઈ....!?” હળવી મજાક કરતાં હોય એમ બકુલભાઈ પુરોહિત બોલ્યાં અને હસ્યાં.

            કરણસિંઘે પણ હળવું હસીને પ્રત્યુત્તર આપ્યો.

            “બધાની કુંડલી તમેજ તો બનાઈ છે બકુલભાઈ....!” ત્યાંજ વિક્રમસિંહ મુખ્ય દરવાજેથી અંદર આવતાં બોલ્યાં અને હસતાં-હસતાં બધાની સામે જોઈને તેમનું અભિવાદન કર્યું.

            તેમની પાછળ તેમનાં પત્ની વંદનાબેન પણ આવ્યાં.

            “વૈશાલી આવે જ છે....!”  વંદનાબેન સસ્મિત  બોલ્યાં અને રાગણીબેનની જોડે સોફાની એકબાજુ આવીને ઊભાં રહ્યાં.

            વિક્રમસિંહ કરણસિંઘના નાના ભાઈ હતાં જેઓ તેમની બાજુમાંજ તેમના ફેમિલી સાથે રહેતાં હતાં.

            “વેવાઈને ફૉન કર્યો...!?” મોટા સોફામાં બેસી રહેલાં વિક્રમસિંહને કરણસિંઘે પૂછ્યું અને તેઓ પોતે બાજુની સોફા ચેયરમાં ગોઠવાયાં.

            “હવે આવવાની તૈયારીમાંજ છે....!” વિક્રમસિંહ બોલ્યાં “સુરેશભાઈને ના આયા હજી....!?”

            “એ લોકો ક્યારના નીકળી ગ્યાં છે....!” કરણસિંઘ બોલ્યાં “આવતાંજ હશે....!”

            “હું ચ્હા બનાઉ છું....!” રાગિણીબેન બોલ્યાં અને કિચન તરફ જવા લાગ્યાં.

            “મારી ના બનાવતી....! હું સુરેશ આવે પછી પીવું છું...!” કરણસિંઘ બોલ્યાં.

            “ભાભી...હુંય જોડે આવું જ છું....!” વંદનાબેન બોલ્યાં અને રાગિણીબેનની સાથે જવા લાગ્યાં.

            “કેવું છે હવે વેવાણને...!?” જતાં-જતાં રાગિણીબેને વંદનાબેનને પૂછ્યું.

            “જોઈ એટલું સારું નથી...! બીજો એટેક હતો....!” વંદનાબેન બોલ્યાં “એમના લીધેજ ઉતાવળ કરવી પડે એવું છે....! બાકી અમારે તો કોઈ જલ્દી નઈ....!”

            તેમનાં કિચનમાં જતાં રહ્યાં પછી કરણસિંઘ બધા જોડે વાતે વળગ્યાં.

            “વેવાણથી તો અવાશે નઈને....!?”  કરણસિંઘે પૂછ્યું.

            “ના....! વનરાજસિંહે કીધુંજ તું...કે ડોક્ટરે હમણાં ના પાડી છે...!” વિક્રમસિંહ બોલ્યાં “એમને આ બીજો એટેક હતો....! હવે કશું નક્કી નઈ...!”

            “તમારે તો સામે વેવાઈ પક્ષે પણ બધા “વ” વાળાજ છે નઈ...!?” બકુલભાઈ ફરીવા હળવા સ્વરમાં બોલ્યાં “વનરાજસિંહ...એમના પત્ની વિદ્યાબેન...એમનો છોકરો વિવેક....! હા...હા...!”

            તેઓ ફરીવાર હળવું હસતાં કરણસિંઘ અને વિક્રમસિંહ પણ હળવું હસ્યાં.

            “જબરો સંયોગ છે હોં બાકી....!” બકુલભાઈ બોલ્યાં.

            ત્યાંજ મેઇન ડોરમાંથી સિદ્ધાર્થ દાખલ થયો.

            અંદર આવ્યાં પછી સોફામાં બેઠેલાં પુરોહિતજી બકુલભાઇને જોતાં તેને હળવું આશ્ચર્ય થયું જોકે તે જાણતો હતો કે વિદ્યાનું લગન ઉતાવળે લેવાનું હોવાથી કદાચ તેઓ લગનનું મુહૂર્ત જોવા આવ્યાં હશે.

            જોડે સોફામાં બેઠેલાં વિક્રમસિંહને જોતાંજ તેણે મનમાં જ આ વાત “કન્ફર્મ” કરી.

            “મજામાં પુરોહિતજી...!? બવ દિવસે આ બાજુ....!?” સિદ્ધાર્થે સ્મિત કર્યું અને બકુલભાઈની સામેની સોફા ચેયરમાં બેઠેલાં કરણસિંઘની એકબાજુ સિદ્ધાર્થ ઊભો રહ્યો.

            “અરે બેટા....! હવે તારું લગન જોવાનું હોય....તો તો આવવુંજ પડેને....!” બકુલભાઈ પાછા મજાકિયા સ્વરમાં બોલ્યાં અને સિદ્ધાર્થ ચોંકયો અને તેના પેટમાં ફાળ પડી.

            “ઓહો....લો...સુરેશનેય આઈ ગ્યાં...!” સોફામાં બેઠેલાં વિક્રમસિંહ દરવાજેથી અંદર આવતાં સુરેશસિંઘને જોઈને ઊભાં થઈ ગયા.

            સુરેશસિંઘની પાછળ-પાછળ સરગુનબેન અને વિજયસિંઘ અને નેહા પણ દાખલ થઈ રહ્યાં હતાં. મસ્તમજાની ચણિયા ચોળી પહેરીને નેહા સિદ્ધાર્થ સામે જોતાં-જોતાં મલકાઈને અંદર આવી રહી હતી.

             “હવે તારું લગન જોવાનું હોય....તો તો આવવુંજ પડેને....!”   બકુલભાઈએ જે કહ્યું એ સાંભળીને સિદ્ધાર્થ ચોંકયો હતો અને નેહાને જોતાંજ સિદ્ધાર્થ હવે આઘાતથી તેણી સામે જોઈ રહ્યો.

■■■■

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014