Prarambh - 20 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 20

પ્રારંભ - 20

પ્રારંભ પ્રકરણ 20

કેતને જ્યારે પૂછ્યું કે બોલ તારે મારું શું કામ હતું ત્યારે જવાબ આપવામાં અસલમ થોડોક મૂંઝાઈ ગયો. કારણકે ડ્રગ્સનો ધંધો શરૂ કરવા માટે ૨૦ ૨૫ કરોડની આશાથી અસલમ કેતન પાસે આવ્યો હતો. પરંતુ કેતનની હાજરીથી અને કેતનની આધ્યાત્મિક પોઝિટિવ ઉર્જાથી અસલમના વિચારો બદલાઈ ગયા ! એની જીભ જ જાણે કે સિવાઇ ગઇ !!

અસલમ વર્ષોથી સુરતમાં કેતનના ઘરે આવતો જતો હતો અને એના સમગ્ર પરિવારને ઓળખતો હતો. કેતનનું ફેમિલી સ્વામિનારાયણ ધર્મ પાળતું હતું. કેતન જો કે એમાંથી બાકાત હતો છતાં એ આધ્યાત્મિક તો હતો જ.

હવે એની આગળ ડ્રગ્સના ધંધા માટે આટલી મોટી રકમ માગવી અસલમને યોગ્ય નહોતું લાગતું. કરોડો રૂપિયા કમાવા માટે ભલે આ એકદમ શોર્ટકટ હતો છતાં દેશના યુવાનોને ઉંધા રવાડે ચડાવવાનો અને વ્યસની બનાવવાનો આ બિઝનેસ હતો. આ ધંધામાં કેટલાય યુવાનોની જિંદગી બરબાદ થઈ શકતી હતી.

આવા ધંધામાં કેતન બિલકુલ સાથ ન આપે. અને કદાચ આ વાત કેતનથી છાની રાખવામાં આવે તો પણ પોતાના આ ખાસ મિત્ર સાથે એક વિશ્વાસઘાત જ ગણાય ! ના.. ના.. મારાથી કેતનને આવી વાત નહીં કરી શકાય !!

"કંઈ નહીં કેતન. કોઈ ખાસ કામ ન હતું. તને તો ખબર છે જ કે અમારા ધંધામાં હાથ ઉપર પૈસો હોય તો ઘણાં બધાં કામો કરી શકાતાં હોય છે. તેં જે પૈસા આપેલા એ તો ધંધો સેટ કરવામાં લાગી ગયા છે. હવે હાથ ઉપર થોડી રકમ હોય તો ધંધાને સારી રીતે ચલાવી શકાય." અસલમ બોલ્યો.

"તો એમાં આટલો બધો મૂંઝાય છે શું કામ ? તેં ફોન ઉપર કહ્યું હોત તો પણ તને મોકલી આપત. બીજા કેટલા રૂપિયાની જરૂર છે ? " કેતને પૂછ્યું.

"વધારે નહીં. એકાદ ખોખું હાથ ઉપર હોય તો વાંધો ના આવે. કારણ કે જામનગરના બુટલેગરે થોડા મહિના પહેલાં જરા માથું ઊંચક્યું હતું એટલે મામુજાને રશીદખાનને મોકલીને એની ગાડીમાં જ એને પતાવી દીધેલો. હવે આખું નવું સેટિંગ જામનગરમાં કરવું પડશે. " અસલમ બોલ્યો.

"જામનગરના એ બુટલેગરનું નામ શું ? મેં પેપરમાં આ સમાચાર વાંચ્યા હતા." કેતન બોલ્યો.

" રાકેશ. રાકેશ વાઘેલા." અસલમ બોલ્યો.

કેતન સમજી ગયો. એને બધો તાળો મળી ગયો. જયેશ ઝવેરી સાથે એ પટેલ કોલોનીના બંગલાનો સોદો કરવા માટે પહેલીવાર જામનગર આવ્યો ત્યારે હોટલમાં પડેલા ન્યુઝ પેપરમાં આ સમાચાર એણે છેલ્લા પાને વાંચેલા. હકીકતમાં રાકેશ વાઘેલાનું મર્ડર માયાવી જગતમાં પણ ગાડીમાં જ થયેલું અને એમાં અસલમ નિમિત્ત બનેલો.

" ઠીક છે. પરંતુ આ વખતે તને હું ચેક આપી દઈશ. કારણ કે મોટાભાઈ હવે મુંબઈ શિફ્ટ થઈ ગયા છે એટલે રોકડાનો હવાલો કદાચ શક્ય નહીં બને. " કેતને કહ્યું.

" મને કોઈ પ્રોબ્લેમ નથી કેતન. ચેક પણ ચાલશે. અને આ બધી જ રકમ હું તને વ્યાજ સાથે રિટર્ન કરી દઈશ. તેં જે મદદ કરી છે એ હું ક્યારેય પણ ભૂલી શકું એમ નથી." અસલમ થોડોક લાગણીવશ થઈ ગયો. એક કરોડ જેવી રકમ પણ ઘણી મોટી હતી.

"મેં તને પહેલાં પણ કહ્યું હતું અને ફરી રીપીટ કરું છું કે તું મારો દોસ્ત છે અને આપણા સંબંધોમાં આભાર માનવાનો ક્યારેય પણ હોતો નથી. તું રિટર્ન ના કરે તો પણ મને કોઈ ફરક પડવાનો નથી. તારી લાઈફ બની જતી હોય તો હું ખુશ છું. " કેતન બોલ્યો અને એણે ઊભા થઈને પોતાની બ્રીફકેસમાંથી ચેકબુક કાઢીને અસલમને એક ચેક લખી આપ્યો.

"કેતન એક વાત પૂછું ? " અસલમ બોલ્યો.

" અરે ભાઈ તારે પણ રજા લેવી પડે છે ? " કેતન બોલ્યો.

"મને ડ્રગ્સના ધંધાની ઓફર આવી છે. ઓખાપોર્ટ થી હેરોઈન મળે છે અને બહુ જ ઊંચા ભાવે વેચાય છે. શ્રીમંત બનવાનો જબરદસ્ત શોર્ટકટ છે. તારી સલાહ લેવી છે. આગળ વધાય ? " અસલમે બીજી રીતે વાત શરૂ કરી જેથી કેતનનું મન જાણી શકાય.

કેતનને યાદ આવી ગયું કે પોતે જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે અસલમને મુંબઈમાં ડ્રગની ઓફર મળી હતી અને પોતે જ એને આગળ વધતો અટકાવ્યો હતો.

"કોઈપણ સંજોગોમાં નહીં અસલમ. અને જો આ પૈસાથી તું ડ્રગ્સના ધંધાની શરૂઆત કરવાનો હોય તો ચેક મને પાછો આપી દે. મારો આત્મા તારા ડ્રગ્સના ધંધા સાથે બિલકુલ સંમત નહીં થાય. ભવિષ્યમાં પણ જો તું આ ડ્રગ્સના ધંધામાં પડીશ તો આપણા સંબંધો ત્યાં જ પૂરા થઈ જશે." કેતન થોડા આક્રોશથી બોલ્યો.

" એટલા માટે તો તારી સલાહ લેવા આવ્યો છું. મારુ પોતાનું મન પણ ના જ પાડે છે. આ તો મામુજાનને ઓફર આવી હતી એટલે મેં તને જસ્ટ વાત કરી. તેં ના પાડી એટલે વાત પૂરી થઈ ગઈ. હું મામુજાનને ના પાડી દઈશ કે આપણે એમાં કોઈ રસ લેવો નથી." અસલમ બોલ્યો.

" યુવાનોને બરબાદ કરતા એ ધંધામાં આપણે ના પડાય. આ તો દેશ સાથે ગદ્દારી કહેવાય. " કેતન બોલ્યો.

"તારી વાત સાચી છે. હવે ડિનર માટે હોટલમાં જવાનું છે કે પછી ઘરે જ પ્રોગ્રામ બનાવ્યો છે ? " અસલમે વાત બદલી.

"મેં તને કહ્યું તો હતું કે અમારાં સુધામાસી રસોઈ ખૂબ જ સરસ બનાવે છે. આજે એમના હાથનું ભોજન તારે જમવાનું છે. " કેતન બોલ્યો.

અચાનક કેતનને એક વિચાર આવ્યો અને એણે જામનગરના નવા પોલીસ સુપ્રીનટેન્ડેન્ટ આશિષ અંકલને ફોન લગાવ્યો. આશિષ જોષી સુરતના હતા અને એમની સાથે કેતનના ઘર જેવા સંબંધો હતા. આશિષ જોષી જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે જગદીશભાઈએ એમને ખૂબ જ મદદ કરેલી. આશિષભાઈ કોલેજમાં ભણતા ત્યારે આઈપીએસ થવા માટે પણ જગદીશભાઈએ જ પ્રેરણા આપેલી.

" આશિષ અંકલ કેતન બોલું. ટાઈમ હોય તો અત્યારે ઘરે જમવા પધારો. સુધામાસીએ સરસ રસોઈ બનાવી છે. એ બહાને આપણી મુલાકાત પણ થશે અને મારુ ઘર પણ જોઈ લેવાશે. " કેતન બોલ્યો.

કેતનની ગણતરી અસલમ સાથે આશિષ અંકલની ઓળખાણ કરાવવાની હતી. અસલમ જે લાઇનમાં હતો એ લાઈનમાં અવારનવાર પોલીસ સાથે પનારો પડવાનો જ હતો. અસલમ મારો મિત્ર છે અને સુરતનો જ છે એવી એમને ખબર પડે તો ભવિષ્યમાં એ એને સાવધાન પણ કરી શકે અને સોફ્ટ કોર્નર પણ રહે !

" થેન્ક્યુ કેતન. પરંતુ અત્યારે નહીં ફાવે. ફરી કોઈ વાર ચોક્કસ ગોઠવીશું. આજે રાત્રે ઓખા પોર્ટ ઉપર રેડ પાડવાનો પ્રોગ્રામ છે. આજકાલ ત્યાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે. આજે ડ્રગ્સ લઈને એક બોટ ત્યાં આવવાની છે એવી બાતમી મળી છે. એટલે આજે ત્યાં દરિયા કિનારે વૉચ ગોઠવી છે. " આશિષ અંકલ બોલ્યા.

" ઠીક છે અંકલ. તો ફરી કોઈ વાર ગોઠવીશું. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

" ચાલો હવે જમી લઈએ.... અરે સુધામાસી બે થાળી પીરસી દેજો ને." કેતન મોટેથી બોલ્યો.

સુધાબેને ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર રસોઈના મોટા બાઉલ ગોઠવી દીધા. પાણીના ગ્લાસ પણ ભરી દીધા અને પછી કેતનને બૂમ પાડી.

" આવી જાઓ સાહેબ. " સુધાબેન બોલ્યાં.

કેતન અને અસલમ ઉભા થયા અને વોશબેસિન પાસે જઈ હાથ ધોઈ જમવા માટે બેસી ગયા.

અસલમ તો પીરસાયેલી થાળી તરફ જોઈ જ રહ્યો. શિખંડ, પૂરી, પાત્રાં, બટેટાની સૂકી ભાજી, કઢી, ભાત અને ચોખાના તળેલા પાપડ ! ડીશ એકદમ ભરચક હતી.

" તારી વાત એકદમ સાચી છે કેતન. આવી બટેટાની સૂકી ભાજી તો હોટલમાં પણ નથી બનતી. મીઠા લીમડા અને ધાણાની અલગ જ ફ્લેવર શાકમાં છે. પાત્રાં પણ રસદાર છે. " બે ચાર કોળિયા જમ્યા પછી અસલમ બોલ્યો.

"એટલા માટે જ મેં તને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. " કેતન હસીને બોલ્યો.

" ખરેખર તું નસીબદાર છે કેતન. અહી જામનગરમાં પણ આટલી સરસ રસોઈ તને જમવા મળે છે." અસલમ બોલ્યો.

" આજે જમવાનું સારું હતું એટલે જ મેં અમારા જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ આશિષ અંકલને પણ ડિનર માટે હમણાં ફોન કર્યો હતો. જેથી તારી સાથે ઓળખાણ કરાવી શકાય. મારે એમની સાથે ઘર જેવા સંબંધો છે. તારે ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો કામ આવે એવી વ્યક્તિ છે. " કેતન બોલ્યો.

" એમણે ના પાડી ? "અસલમે પૂછ્યું.

" એ ચોક્કસ ઘરે જમવા આવત પરંતુ આજે ઓખાના દરિયા કિનારે રાત્રે રેડ પાડવાની છે. ત્યાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે એવા સમાચાર મળ્યા છે. ડ્રગ્સની કોઈ બોટ ત્યાં દરિયા કિનારે આજે આવવાની છે. " કેતન બોલ્યો.

આ સમાચાર સાંભળીને અસલમનો કોળિયો એના હાથમાં જ રહી ગયો. એ ટેન્શનમાં આવી ગયો. જમવામાંથી રસ પણ ઉડી ગયો.

એનો ખાસ માણસ સુલેમાન રોજ રાત્રે દરિયાકિનારે વૉચ રાખતો હતો. આજે પણ ઇંગ્લીશ દારૂનો માલ બોટમાં આવવાનો હતો એટલે એ જવાનો જ હતો. જો સુલેમાન પકડાઈ જાય તો એને પણ પોલીસ ડ્રગ્સના મામલામાં જ દબોચી લે. સુલેમાન જો પકડાઈ અને માર ખાઈને પોતાનું કે મામુજાનનું નામ બોલી દે તો લેવાદેવા વગરની મોટી ઉપાધિ આવી જાય. એના પકડાઈ જવાથી ઓખાથી ઇંગ્લિશ દારૂનું આખું નેટવર્ક પણ તૂટી જાય.

અસલમે ફટાફટ જમી લીધું. કોઈપણ હિસાબે સુલેમાનનો સંપર્ક કરવો જ પડશે.

"ચલો કેતન હું જાઉં. જમવાની ખરેખર ખૂબ જ મજા આવી. હવે ક્યારેક રાજકોટનો પ્રોગ્રામ બનાવ." અસલમ બોલ્યો અને એણે ઈકબાલને ગાડી લઈને આવી જવા ફોન કર્યો.

પાંચ સાત મિનિટમાં જ ઈકબાલ આવી ગયો. એક કરોડ માટે ફરી કેતનનો આભાર માનીને અસલમ ગાડીમાં બેઠો અને ઈકબાલે ગાડી સ્ટાર્ટ કરી.

" ઈકબાલ જરા ગાડી સાઈડ મે ખડી કર દે. " ગાડી જેવી પટેલ કોલોનીમાંથી બહાર નીકળી કે તરત જ અસલમે આદેશ આપ્યો.

ગાડી ઉભી રહી કે તરત જ અસલમે સુલેમાનને ફોન જોડ્યો. બેટ દ્વારકામાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે ફોન ન લાગ્યો. બે થી ત્રણ વાર ટ્રાય કર્યા. છેવટે એક મેસેજ કર્યો કે ' અર્જન્ટ મને ફોન કર. '

રાત સુધી ફોન ન લાગે તો શું ? કદાચ નેટવર્ક ચાલુ થઈ જાય પણ સુલેમાન મેસેજ ન વાંચે તો ? સુલેમાનનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી હતો.

" ઈકબાલ એક કામ કર. સાડે સાત બજને વાલે હૈ. તું ગાડી કો બસ સ્ટેન્ડ લે જા ઓર મુઝે છોડ દે. મેં ટેક્સી પકડ કે રાજકોટ ચલા જાઉંગા. તું ઓખા પોર્ટ જાને કે લિયે નિકલ જા." અસલમ બોલી રહ્યો હતો.

" રાસ્તે મેં સુલેમાન સે બાત કરનેકી કોશિશ કર. અગર બાત હો જાતી હૈ તો મુઝે અર્જન્ટ કોન્ટેક્ટ કરનેકા ઉસકો બોલ દે ઔર તુ વાપસ લોટ જા. અગર નહીં હોતી હૈ તો ઓખા પહોચ જા ઔર કિસી ભી તરહ બેટ દ્વારકા જાને વાલી જેટી પર જા કર સુલેમાન કો રોક લે. બોલ દે કી આજ રાત ઓખા માલ છુડાને ના જાયે ઓર બેટ દ્વારકા વાપસ ચલા જાયે." અસલમ બોલ્યો.

" જી ભાઈજાન. કોઈ ખતરા હે ક્યા ?" ઈકબાલે પૂછ્યું.

" રાતકો પોલીસકી રેડ પડને વાલી હૈ. અગર સુલેમાન પકડા ગયા તો ડ્રગ્સ કે કેસમેં વો ભી અંદર જાયેગા ઔર બહુત બુરા રિમાન્ડ હોગા ઉસકા. આજ ડ્રગ્સ કા માલ આનેવાલા હૈ. પોલીસ સબકો પકડ લેગી. છૂટના મુશ્કિલ હો જાયેગા. " અસલમ બોલ્યો.

" જી ભાઈ સમજ ગયા. મૈં કેસે ભી કરકે ઉસકો રોક લુંગા. " ઈકબાલ બોલ્યો.

" મુજે બસ સ્ટેન્ડ છોડ કે તુમ ફટાફટ નિકલ જાઓ. સાડે સાત બજ ચૂકે હૈ. સમય બહોત કમ હૈ. તુમ જેટી પર પહોંચ જાના. વો રાત ૧૧ કે બાદ સ્પેશિયલ બોટ કરકે ઓખા આતા હૈ." અસલમ બોલ્યો.

ઈકબાલે ગાડી જામનગરના બસ સ્ટેન્ડ પાસે લીધી જ્યાં ટેક્સીઓ ઉભી રહેતી હતી. અસલમ ત્યાં ઉતરી ગયો અને ઈકબાલે સ્કોર્પિયોને ફરી ઓખા તરફ ભગાવી. ઈકબાલનું ડ્રાઇવિંગ ઘણું સારું હતું. જ્યાં જ્યાં રોડ ખુલ્લો હતો ત્યાં ૧૨૦ થી ૧૩૦ની સ્પીડે એણે ગાડી ચલાવી.

રસ્તામાં સતત એ સુલેમાનને ફોન કરતો રહ્યો પરંતુ સુલેમાનનો ફોન હવે સ્વીચ ઓફ જ આવતો હતો.

અસલમ બસ સ્ટેન્ડની બહાર ઊભેલી એક એ.સી ટેક્સીમાં બેસી ગયો અને ડ્રાઇવરને ગાડી રાજકોટ લઈ લેવા કહી દીધું.

અસલમ પણ રસ્તામાં સુલેમાનને સતત ફોન કરતો રહ્યો પરંતુ એક પણ વાર એનો ફોન લાગ્યો નહીં. ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. અસલમને સુલેમાન ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ બીજો કોઈ રસ્તો જ ન હતો.

ઈકબાલ રાત્રે લગભગ ૧૦:૩૦ વાગે ઓખાપોર્ટની બેટ દ્વારકા જવાની જેટી ઉપર પહોંચી ગયો. અત્યારે બેટ દ્વારકા જવાવાળા કોઈ મુસાફરો ન હોવાથી જેટી એકદમ સુમસામ હતી. લોકલ માણસો ઇમરજન્સી હોય તો સ્પેશ્યલ બોટ કરીને બેટ દ્વારકા જતા આવતા. પેસેન્જરો માટેની બોટ રાત્રે આઠ વાગ્યા સુધી ચાલતી.

અહીં આવીને ઈકબાલ જેટીની બહાર મેઈન રોડ ઉપર એક નાનકડી હોટલના બાંકડા ઉપર બેઠો અને એક ચા નો ઓર્ડર આપ્યો. સામે એક પોલીસ વાન ઊભી હતી. ઈકબાલ સાવધાન જ હતો. જો કે પોલીસવાનમાં ડ્રાઇવિંગ સંભાળતો પોલીસ એકલો જ બેઠેલો હતો એટલે ઈકબાલને થોડી ધરપત હતી.

હજુ પણ સુલેમાનનો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. બૉસના કહ્યા પ્રમાણે સુલેમાન ૧૧ વાગ્યા પછી આવતો હતો એટલે ગેટ ઉપર નજર રાખીને ઈકબાલ સિગરેટ પીતો બેસી રહ્યો.

વચ્ચે એકવાર બૉસનો ફોન પણ આવી ગયો.

" ઈકબાલ કહાં હો તુમ ? " અસલમ બોલ્યો.

" જી ભાઈજાન મૈં જેટી પર પહોંચ ગયા હું. મેરી નજર ગેટ પર હી હૈ. સુલેમાન કા ફોન અભી ભી સ્વીચ ઓફ આતા હૈ." ઈકબાલે જવાબ આપ્યો.

" ઠીક હૈ. તુમ ઉસકે ઉપર નજર રખ્ખો ઓર પોલીસસે સાવધાન રહેના. આજ રેડ હૈ તો પોલીસ વહાં ભી ચક્કર લગાતી હોગી." અસલમ બોલ્યો.

અસલમની વાત સાચી પડી હોય તેમ થોડી વારમાં સાચે જ જેટીના ગેટમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ બહાર આવ્યો અને ઈકબાલને મોડી રાત્રે એકલો બેઠેલો જોઈને એની પાસે આવ્યો.

"અત્યારે મોડી રાત્રે અહીં કેમ બેઠા છો ? ક્યાંથી આવો છો ? " કોન્સ્ટેબલ બોલ્યો.

"મેં ડ્રાઇવર હું સાબ. મેરે શેઠ કે ગેસ્ટ કો લેકર આયા હું. વો સ્પેશિયલ બોટ કરકે બેટ દ્વારકા ગયે હૈ. યે સામને જો સ્કોર્પિયો પડી હૈ વો હમારે શેઠ કી ગાડી હૈ. રાજકોટ સે આયા હું. ગેસ્ટ અભી આ જાયેંગે તો ઉનકો લેકર ચલા જાઉંગા." ઇકબાલે એકદમ સ્વસ્થતાથી જવાબ આપ્યો.

અહીં ઘણી વાર આ રીતે સ્પેશિયલ બોટ કરીને કેટલાક યાત્રાળુ રાત્રે પણ બેટ દ્વારકા જતા હોય છે એટલે એની વાતથી કોન્સ્ટેબલને કોઈ આશ્ચર્ય ના થયું. ઈકબાલનો જવાબ સાંભળીને કોન્સ્ટેબલ આગળ વધી ગયો અને પોલીસ વાનમાં બેસીને જતો રહ્યો.

બીજી દસેક મિનિટ થઈ ત્યાં ગેટ ઉપર સુલેમાન દેખાયો. ઈકબાલના જીવમાં જીવ આવ્યો. ચિત્તાની ઝડપે એ ઉભો થઈને સુલેમાન પાસે ગયો અને એનો હાથ પકડીને પાછો જેટી તરફ લઈ ગયો.

આટલી મોડી રાત્રે ઈકબાલને અહીં જેટી ઉપર જોઈને સુલેમાન પણ નવાઈ પામ્યો !

સુલેમાનને ત્યારે કલ્પના ન હતી કે ફોન સ્વીચ ઓફ રાખવાની એને કેટલી મોટી સજા મળવાની છે !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Rate & Review

Nita Patel

Nita Patel 2 weeks ago

Dilip Pethani

Dilip Pethani 3 weeks ago

Riddhi Shah

Riddhi Shah 4 weeks ago

Pravin shah

Pravin shah 4 weeks ago

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 month ago