Avsadini - 1 books and stories free download online pdf in Gujarati

અવસાદિની - 1

મઝાનાં ગુલાબી રંગે રંગેલા ઝરૂખામાં, સીસમનાં લાકડાની બારીક કોતરણીવાળી, રજવાડી દેખાવ ધરાવતી અને પોચી ગાદી મઢેલી આરામખુરશીમાં આથમતા ફાગણની સમીસાંજે મધુમાલતી બેઠી હતી.

તેની આંખો ક્ષિતિજની પેલે પાર ડૂબી રહેલા સૂર્યનું સરનામું શોધતી હોય એમ ખોવાયેલી હતી. તેનાં સહેજે રૂપાળાં ચહેરા ઉપર ચિંતનની રેખાઓ તેની વયને ઓર વધારી દેતી હતી. પશ્ચિમથી વહી રહેલો પવન તેનાં કેશકલાપને અને સાડીનાં છેડાને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. ઝરૂખામાં લગાડેલી ત્રણેય વિન્ડચાઇમ પૂરાં જોશથી રણકાર કરી રહી હતી પણ મધુમાલતીનાં કાન તો કાંઈ બીજું જ સાંભળવા તલપાપડ હતાં.

મધુમાલતીનાં કાનનાં હીરે મઢેલાં સોનાનાં મોટાં કર્ણફૂલ, તેની સાથે જોડાયેલી ચાર - ચાર હાર ધરાવતી ઘૂઘરિયાળી કાનસેર, ગળામાં મોરનાં આકારનું, મોટું, કલાત્મક, હીરાજડિત પેન્ડન્ટ ધરાવતું નાભિ સુધી પહોંચતું મંગળસૂત્ર અને તેવું જ પણ થોડું નાનું પેન્ડન્ટ ધરાવતો ચોળીનાં આરંભ સુધી પહોંચતો, એક ઈંચની પહોળાઈ ધરાવતો સોનાનો હાર, તેનાં થોડાં ભરાવદાર ગળાને શોભાવતાં, પણ જાણે આ વૈભવ પણ મધુમાલતીને ફિક્કો લાગતો હોય એમ તે મોર કરમાયેલા લાગતાં.

તેનાં બેય હાથમાં બાર - બાર સોનાની લાલ ચૂડીઓ અને હીરે મઢેલાં ચાર - ચાર કંકણ, હાથની નાની શી હિલચાલથીયે રણકી ઉઠતાં. એક - બે, હલકી સફેદ લટ ધરાવતાં કથ્થાઈ રંગનાં લાંબા કેશની બરાબર વચ્ચેથી સુરેખ સેંથો જેમાં અડધે સુધી આથમણા સૂરજનાં રંગને મેળખાતું સિંદૂર ભરેલું હતું અને કપાળે મઝાનો, કોરા કંકુનો, દોઢ સેન્ટિમીટરનો વ્યાસ ધરાવતો ચાંદલો શોભતો હતો.

કાળી ભમ્મર ભ્રમરોની નીચે ગૌર પોપચાં હેઠળ બે કાળાં નયન જાણે, કોઈની સતત રાહ જોઈ રહ્યાં હતાં. સંપત્તિ ન હોય ત્યારે માનવીને લાગે કે સંપત્તિથી જ સુખ હોય પણ જ્યારે સમૃદ્ધિ ચોપાસ હોય ત્યારે જ ખ્યાલ આવે કે સંપત્તિ જ સર્વસ્વ નથી,સુખ માટે બીજાં ઘણાંય પરિબળો કારણભૂત હોય છે.

અગાશીમાંથી ઝરુખામાં ડાબે-જમણે બેય તરફ મધુમાલતીનાં છોડની વેલ ઉતારાયેલ હતી જે ઝરૂખાનાં ગુલાબી રંગ ઉપર પોતાની લીલી ભાત ઉપસાવતી હતી.

ઝરૂખાની અંદરનો ઓરડો મધુમાલતીનો શયનખંડ હતો. તે જ માળ ઉપર બીજાં બે શયનખંડ હતાં જે હવે સૂના હતાં. નીચેના માળે, મોટો બેઠકખંડ, એક નાનકડો અભ્યાસ ખંડ, એક શયન ખંડ અને મોટું, આલીશાન રસોડું હતાં જ્યાં એક કાળે લગભગ પચીસ માણસોની રસોઈ નિયમિત બનતી. મધુમાલતીનાંં શયનખંડની ઉપરનાં ભાગે વિશાળ અગાશી હતી અને તે અગાશીમાં પ્રવેશદ્વારે જ એક નાનકડી ઓરડી પણ જ્યાં બે-ત્રણ ગાદલાં, ચાર ખુરશીઓ અને એક કાથી ભરેલો ખાટલો પડી રહેતાં પણ હવે તેમનો કોઈ વપરાશ નહોતો.

અગાશીમાં ચારેય તરફ નહીં નહીં તો પચાસ-પંચાવન કુંડાંમાં જાતભાતનાં ફૂલછોડ ઉગાડાયાં. તાં જે અગાસીની સફેદ દિવાલોને અનેકરંગી બનાવતાં હતાં.

નીચે, ભોંયતળિયે પણ માત્ર પ્રવેશદ્વારની જગ્યા છોડી, ઘરની ચારેય તરફ મઝાનાં ફૂલછોડ માવજતથી ઉછેરાયાં હતાં. આંગણાંની ડાબી તરફ નાનકડો કૂવો હતો જે કોઈ કાળે બાળકો અને મોટેરાંનાં ગોકીરાથી ગાજતો રહેતો. તેની આસપાસ હંમેશ પાણી ઢોળાયેલું રહેતું. મધુમાલતીને પોતાની જ બૂમ સંભળાઈ, "આટલું પાણી ઢોળો છો તે થોડું ભરવાય લાગતાં હો તો?"

પછી કોઈ પ્રત્યુત્તર ન મળતાં તે તંદ્રામાંથી જાગી. લગભગ અંધારુ છવાઈ ગયું હતું. વર્ષો સુધી તે આ સમયે રસોડામાં ખૂંપેલી રહેતી અને ભાતભાતની વાનગીઓ થાક અને કંટાળો ઉમેરી બનાવતી રહેતી પણ આજે હવે કેટલાંય સમયથી તેને કશું ન કર્યાંનો થાક અને કંટાળો વર્તાતો હતો. તે સમયે રસોડામાં ન તો કામ ખૂટતું, ન તો બળતણ, ન સામગ્રી કે ન ખાનારાંની ભૂખ. હવે તો, સવાર-સાંજ માત્ર દૂધ અને રોટલે જ ચાલી જતું. જાતભાતનાં મસાલા ઘરે લાવી સાફ કરી, સૂકવવા - ખાંડવા - કૂટવા - સાચવવાની કડાકૂટેય નહોતી.

તેને આંગણાંમાં ઢાળેલાં ખાટલાની બાજુમાં જૂનાં સાડલા પાથરી સૂકવાયેલાં, સૂરજના તાપ સામે મીટ માંડતાં પીળચટ્ટાં હળદરનાં ગાંઠિયા, તેનાં ભાલનો ચાંદલોય ઝાંખો પાડે એવાં લાલચોળ મરચાં, હરિયાળીને કાળાં ટપકાં કર્યાં હોય એવાં ધાણાનાં નાનાં - નાનાં અણીદાર, લંબગોળ દાણા દેખાઈ રહ્યાં. અચાનક ધૂળની ડમરી ઊડી. તેને ચિંતા થઈ આવી કે કેમ કરી આ બધું સમેટું પણ તંદ્રા તૂટતાં દેખાયું કે સાંજ ઢળી ચૂકી છે અને આંગણું કોરુંધાકોર પડ્યું છે, ત્યાં કાંઈ જ નથી.

તે પરાણે આરામખુરશીમાંથી ઊભી થઈ અને આરામખુરશીની બાજુમાં ટેકવેલ ચાંદીની મૂઠવાળી સીસમની પાતળી લાકડીની મદદથી દાદર તરફ ડગલાં માંડ્યાં. તેનાં સહેજ ખોડંગાતાં ડાબા પગે તેની ચાંદીમાં મીનાનાં મોર અને પોપટ મઢેલી ઝાંઝરીઓ રણકી ઊઠી.

* મધુમાલતીની સમૃદ્ધિ વચ્ચેની ઉદાસીનું કારણ શું છે?

ક્રમશઃ

વાંચતા રહો નવલકથા અને ગમે તો પાંચ તારા તેમજ સુંદર પ્રતિભાવથી વધાવતાં રહો.

🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા