Fun or punishment at the mall? books and stories free download online pdf in Gujarati

મોલમાં મજા કે સજા?

આ હાસ્યલેખ નથી છતાં હસવું આવે તો આ લેખ વાંચનનો બોનસ છે એ સમજીને હંસી લેવું. આ વ્યક્તિગત અનુભવ છે અને એક મધ્યમ વર્ગીય પરિવાર જ્યારે મોલમાં જાય ત્યારે કેવા અનુભવ થાય છે એનો અનુભવેલો વર્ણન છે, બાકી સિંગલિયાઓ માટે અનુભવ જુદા હોઇ શકે એટલે તેઓ આ લેખ સ્વૈચ્છાએ વાંચવાનું ટાળશે તો એમનો ફાયદો છે. નુકસાન કંઇજ નથી, કોક દિવસ તો લગ્ન થશે, પછી આવજો વાંચવા.

હાલમાં જ અમદાવાદના એક મોટા નવા મોલમાં સહ પરિવાર જવાનું થયું. નવું ગણો કે જૂનું, આ અનુભવ બધા મોટા મોલને લાગુ પડશે. શરૂઆત થાય છે એન્ટ્રી ગેટથી.

ખબર નહીં કેમ લોકો જો કે અમે પણ હર્ષ ઘેલા થઈને મોલમાં જવા ઉતાવળા થઈએ છીએ. પણ શનિ રવી માં મોલમાં એન્ટ્રી થાય એ પહેલાં જ બહાર મસમોટી ફોર વ્હીલરની લાઈનો લાગે. આ લાઈન કાચબાની ગતિએ આગળ વધે અને જો લાઈન આગળ વધે નહીં તો હૃદયના ધબકારા વધી જાય, એક બીક લાગે કે કદાચ પાર્કિંગ ફુલ થઈ જાય તો તકલીફ. ગાડી ક્યાં પાર્ક કરીશું? પણ મોલ પાસે પાર્કિંગ ગણી હોય છે બસ તમે કલાક એક નો સમય ગાડી પાર્ક કરવા માટે લઈને આવજો. ગાડી પાર્કિંગના મુખ દ્વારે આવે એટલે એક હાશકારો અનુભવાય, હવે તો ચોક્કસ પાર્કિંગ મળશે.

હજી પહેલાં બેઝમેન્ટમાં આવો એટલે ગાડી ને લેફ્ટ પછી રાઈટ પછી સીધા અને ફરી નીચે બીજા બેઝમેન્ટ જવા તમને માણસ ઈશારો કરે. આપણા મનમાં ફરી બીક લાગે, સાલું આ લોચા તો નથી, પાર્કિંગ છે ને?. પણ તમે બીજા બેઝમેંટ સુધી આવો, ફરી લેફટ ફરી રાઈટ અને સીધા એમ છેક છેલ્લી દીવાલ સુધી પહોંચાડી પછી પાર્કિંગ વાળા એક બીજા સાથે વાત કરે છે એવું લાગશે, આપણે ફરી મનમાં હલચલ, આ આપણને બહાર જવા તો નહીં કે ને? પણ તમને હજી નીચે ત્રીજા બેજમેન્ટ માં જવા કહેશે, ત્યાં થોડા લેફ્ટ અને રાઈટ પછી કોક ખૂણામાં પાર્કિંગ મળશે. થોડીક સાચવીને ગાડી રાખીએ એટલે આપણી ગાડી ઠોકાઈ ન જાય. પાર્કિંગ ના થાંભલા નું નંબર નોંધી લેવું, ફોટો પાડી લેવો એટલે ગાડી શોધવામાં તકલીફ ન પડે.

મોટાભાગની ગાડીઓ મારુતિ, હ્યુન્ડાઈ કે ટાટાની દેખાશે કે ૧૦ લાખ અંદરની હોય છે. એટલે મધ્યમ વર્ગજ મોલમાં વધુ આવે છે એવું મારું તારણ છે, ખરીદી માટે નહીં, એ જોવા માટે કે ઉપલો વર્ગ મોલમાં કેમ જાય છે.

હવે મથામણ શરૂ થાય છે લિફ્ટ કે એસ્કેલેટર શોધવાની. આ બધું નજીક નથી હોતું. ત્યાં છોકરાઓને બરોબર બીજી ગડીઓથી સાચવીને, તમારી મેડમની ચાલવાની ગતિએ લિફ્ટ સુધી પહોંચવાનું હોય છે. ચાલવામાં ઉતાવળ કરવી નહીં, નહીં તો નીચેથી બબાલ શરૂ થશે કે તમે જાઓ, અમે આવીએ છીએ. હવે નીચે બધું ખાલી પાર્કિંગ નથી એ લિફ્ટ નજીક પહોંચીને ખબર પડે, થોડીક દુકાનો પાર્કિંગ લેવલથી શરૂ થાય છે, એટલે ગૂંચવણમાં પડીએ કે અહીંથી જોવાનું શરૂ કરીએ કે ઉપરથી નીચે આવીને જોઈએ? છેવટે છોકરાઓ આપણને માનવી લે કે ઉપર પહેલાં જવાય. ત્યાં સારી દુકાનો છે. આપણે ઉપર તરફ પ્રયાણ કરીએ.

એસ્કેલેટર પર ફાવટ હોય તો ભલે જવું , વડીલ સાથે હોય તો લીફ્ટમાં જ જવું, વડીલ માટે એસ્કેલેટર બહુ વધારે પડતું ગતિશીલ હોય છે.

હવે આપણે આવ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર, જો તમે ફિલ્મ જ જોવા આવ્યા હોવ તો તમારી મોલનો યાત્રા નક્કી છે, તમે છેક ઉપર ફિલ્મ જોવા જશો, પછી થોડા પૈસા વધ્યા હશે તો ત્યાં જ ફૂડ કોર્ટમાં જમશો, પછી હજી થોડાક હોય કે કાર્ડ વગેરેની વ્યવસ્થા હોય તો આગળ શોપિંગ માટે મન બનાવશો.

પણ જો ફિલ્મ જોવા નથી આવ્યા તો તમે નક્કી અહીં વિદેશી સ્ટોરમાંથી ખાવા આવ્યા છો. ખાવા સુધી પહોંચીએ એ પહેલાં એસ્કેલેટર વાપરી એક એક માળ બરોબર તપાસીને જવું એક ટેવ નહીં પણ મોજ માણવાની સ્ટાઈલ છે.

એમાંય બ્રાન્ડેડ સ્ટોર બહાર ઊભા રહી એમ એક એક ડ્રેસ વગેરે જોઈને, મનમાં પોતે એ ડ્રેસ પહેરીને ઊભા છો એવા દૃશ્યો વિચારી, આગળ વધતા રહેવું. જો કશું ક ખરીદવાની હિંમત કરશો તો મહિનાનો બજેટ ખોરવાઈ જવાની ગેરંટી હોય છે. આ મધ્યમ વર્ગની વાત છે, ઉપલો વર્ગ એને કહેવાય જે કોઈ દિવસ વસ્તુની કિંમત ના જુએ, બસ માલ જુએ અને પૈસા આપી ખરીદી લે. જ્યાં સુધી તમે કિંમત જોઈને વસ્તુ ખરીદો છો, તમારા બેંક બેલેન્સ ચેક કરો છો, લોનના હપ્તા ભરો છો ત્યાં સુધી તમે મધ્યમ વર્ગ છો એવું માનવું.

હવે તમે ૪-૫ માળ ઉપર મુજબ શોપિંગમાં સપનાઓ જોઈને આવ્યા તો છેલ્લા માળે તમને ફૂડ કોર્ટ મળશે. સૌથી પ્રિય જગ્યા જ્યાં જીવનનો ખાદ્ય રસ દરેક દિશાએ વહે છે. દેશી અને વિદેશી ખાવાના સ્ટોર અને તે નીતનવી પ્રકારની ખુશ્બુઓ. પણ ઊભા ખાઈશું કે બેસીને? નીચેથી ઉપર આવતા કલાક થયો હોય, હજી ક્યાંક બેઠા ન હોઈએ એટલે બેસવાની તીવ્ર ઈચ્છા થાય. ક્યાં બેસીએ? ખુરશીઓ તો ફુલ. જ્યાં જુઓ ત્યાં પરિવારો અને લવરિયાઓ. એટલે તમારું પરિવાર બધી દિશાઓમાં વિખેરીને મિશન ખુરશી શોધોમાં લાગે.થોડીક જફા પછી ખુરશીઓ ટેબલ સાથે મળે. અથવા કોક પરિવાર જમીને ઉઠે એટલે ફટાફટ ખુરશી પકડી લેવી.

વિદેશી દુકાનોમાં લાઈનો, લાઈનમાં ઊભા રહો પછી કાઉન્ટર સુધી નંબર આવે, ઓર્ડર આપો અને ફરી ડિલિવરી કાઉન્ટર પર તમારો ઓર્ડર નંબર આવે એવી મીટ માંડીને બાઝ નજર રાખો. ત્યારે પેલું સરસ સ્વદેશી રેસ્ટોરન્ટ યાદ આવે, ત્યાં તો પહેલાં બેસાડે, પછી પાણી આપે, પછી મેનુ આપે, પછી ઓર્ડર લે અને પછી પ્લેટો આવે, પાછી ખાવાનું આવે, તેઓ પીરસી આપે, મસ્ત સર્વિસ. અહીં વિદેશી ખાવામાં આપણે ગ્રાહક છીએ એવી ફિલિંગ આવે જ નહીં, સાલું પૈસા આપી આપણે જ મજૂરી કરીને ખાવાનું લેવા લાઈન લગાડવી. પછી છોકરાઓને અલગ અલગ ખાવવું હોય એટલે મોટા ભાગે બાપા દોડધામ કરે, એક કાઉન્ટરથી બીજે.

ખાવાનું પતે એટલે હવે મોલમાં થોડું ફરીએ એવી ઈચ્છા થાય. ક્યાંક સસ્તા ભાવની કાપડની કે ઘરઘથું સામાનની દુકાનમાં જતાં રહીએ , ત્યાં ૫૦૦-૧૦૦૦ ની અંદર થોડીક સજાવટ કે ઘરના કામની વસ્તુઓ કપ રકાબી ટ્રે વગેરે મળે એટલે ત્યાં ફરીને જોઈએ, થોડુંક ખરીદીએ એટલે સંતોષ થાય કે સાવ મફતમાં નથી નીકળ્યા, કશુંક તો લઈને જઈશું, મધ્યમવર્ગમાં આ ખાસિયત, કોકને તો ધંધો કરાવે, સાવ કોરા નહીં નીકળે.

રસ્તામાં થોડા સહ પરિવાર ફોટા વગેરે પાડી મોલની યાદો સાથે લઈએ, કોક આઈસ્ક્રીમ સ્કૂપ મળે તો ખાઈએ, બ્રાન્ડેડ દુકાનો પર ફરી નજર કરીએ અને મનમાં વાયદો કરીએ કે કોક દિવસ અહીંથી ખરીદી કરીશું, બસ આ લોનના હપ્તા થોડા ઓછા થાય. ત્યાં સુધી પાર્કિંગ ફ્લોર આવે, છોકરાઓ આગળ, પતી પત્ની પાછ્ળ, હાથમાં હાથ દઈને એક બીજાને જાણે પૂછતા હોય કે આજે એને બધું ગમ્યું હશે ને?

- મહેન્દ્ર શર્મા ૧૦.૦૪.૨૦૨૩