Shamanani Shodhama - 8 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 8

          સવારના આઠેક વાગ્યા હશે. રવિવાર હતો. છેલ્લા કેટલાક દિવસથી અર્ચના સતત એને દિવાળી પછી આવવાનું છે એની કોઈના કોઈ બહાને યાદ આપતી રહેતી હતી. આપ આઓગે તબ મેં આપકે લિયે યે ખાના બનાકે રખુગી. મેં બ્લયુ ડ્રેસ પહનું યા પિંક. એ બધા વાકયો એને યાદ અપવાવવા માટે જ એ વાતચીતમાં વાપરતી હતી અને શ્યામને ખ્યાલ પણ આવી ગયો હતો.

          રવિવારના કારણે એ આઠ વાગ્યે ઉઠ્યો હતો પણ ત્યાજ મમ્મી આવી. એને ઘરમાં સૌથી વધુ મમ્મી સાથે જ બનતું. મમ્મી એની વાત સાંભળતી. એને સમજતી. આજે એ મમ્મીને અર્ચના વિષે વાત કરશે એવું એ ગઈકાલે નક્કી કરીને સુતો હતો.

          “બેટા, નહિ ધોઈને તૈયાર થઇ જા”

          “કેમ મમ્મી?”

          “તારા પિતાજીને કંઇક તારું કામ છે.” કહીને મમ્મી ચાલી ગઈ.

          શ્યામે વિચાર્યું કે રવિવાર બગડ્યો. પપ્પાને એનું કામ મતલબ યજમાનને ઘરે જવાનું હોય અને ત્યાં આખો દિવસ નીકળી જાય. પપ્પાને તો મજા. ત્રણ ચાર વાર ચા પીવા મળે. એમની ઉમરના જોડે અલક મલકની વાતો કર્યા કરે. પણ એ શું કરે...? લોકોના પ્રશ્નોના જવાબ આપવાના. એ જ પ્રશ્નો, એ જ શ્યામ... માત્ર બદલાયો હોય તો યજમાન.

          “મા’રાજનો છે...?”

          “તું મોટો...?”

          “ના, હું બીજો નંબર”

          “શું કરે છે...?”

          “ટ્યુશન”

          “એમ માસ્તર છે. છોકરા ભણાવે છે. સારું.”

          એ આ બધા સવાલોથી કંટાળી ગયો હતો પણ શું કરી શકે? નવ વાગ્યે એ તૈયાર થઈને નીચે ગયો.

          “ક્યાં જવાનું છે, પિતાજી?”

          “ક્યાંય જવાનું નથી.” એ જ કડક અને રુક્ષ અવાજ.

          “તો શું કામ છે?”

          “કોઈ મળવા આવવાનું છે.” એ બોલ્યા.

          “મને?”

          “હા”

          “કોણ?”

          “છેલ્લા એક મહિનાથી હું દોડાદોડીમાં હતો.”

          એના પિતાજી ચોવીસે કલાક દોડાદોડી કરતા જ રહેતા અને આમ નવરા ના નવરા. યજમાનોના ઘરે જવાનું. બેસવાનું. ગપ્પા મારવાના. સગાવ્હાલામાં જવાનું અને ગપ્પા મારવાના. પણ એ કઈ બોલ્યો નહિ.

           “તારી સગાઈની વાત પાકી કરી દીધી છે. આજે છોકરીના પિતાજી અને કાકા અહી આવશે. આવતા રવિવારે આપણે જઈશું છોકરી જોવા. એકાદ મહિનામાં લગ્ન પણ કરી નાખવા છે. મારે અને રમણીકલાલને વાત થઇ ગઈ છે.”

           સમસ્યાને એ ટાળતો હતો પણ આજે આવીને ઉભી રહી સામે. એને આજે પણ ટાળી શકાય તો ટાળવી એમ વિચારી શ્યામે પૂછ્યું, “રમણીકલાલ કોણ...?”

           “લક્ષ્મીનો બાપ.”

           “લક્ષ્મી કોણ...?” એણે પૂછ્યું કેમકે એને શું બોલવું એ સુજતુ ન હતું.

           “મુર્ખ છે તું? લક્ષ્મી જેની સાથે તારી સગાઈ નક્કી કરી છે.”

           “કેટલા વાગ્યે આવશે એ લોકો?”

           “એકાદ કલાકમાં આવી જશે. થરાદથી આવતા એટલો સમય તો લાગી જ જશે.” પિતાજી બોલ્યા.

           “હું દસ મીનીટમાં બજારમાં જઈને આવું છે.” કહીને પિતાજીએ હા પાડી કે નહિ એ સાંભળવા રહ્યા વગર એ ઉપરના માળે ગયો. એનો મોબાઈલ લીધો અને ઘરની બહાર ગયો. ઘરથી થોડેક દુર જઈને એણે અર્ચનાને ફોન કર્યો. એને બધી વાત કરી. જીવનમાં એ પહેલીવાર રડ્યો અને એ પણ અર્ચના આગળ.

           “પ્લીઝ મત રો..”

           “તો મે કયા કરું?” શ્યામે પૂછ્યું.

           “પિતાજી કી બાત માન લે. શાદી કર લે. ખુશી સે જી. તુમ ખુશ રહોગે તો મે ભી ખુશ.”

           “મે નહિ કર શકતા...કયા તુમ મેરે સાથ હો..?”

           “તુમ તકલીફ ઔર સંઘર્ષ સે દુખી રહોગે. તુમે દુઃખી દેખકે મે ભી દુઃખી રહુંગી.”

           “તુમ મેરે સાથ હો કી નહિ..?”

           “મે હું... મેરે લિયે તુમે લડતા દેખ મુજે અભિમાન હોગા ઔર મે તુમ્હારા હર તરહ સે સાથ દુંગી.”

           કોલ ડીસકનેક્ટ થયો. પ્યાર બગાવત શીખાતા હે એ વાત સાચી હોય એમ શ્યામ ઘરે ગયો.

           “કયાં ગયો હતો...?” એના ચહેરા પરથી પિતાજીને કંઇક અણસાર આવી ગયો હોય એમ પૂછ્યું.

           પચીસ વર્ષથી પિતાજીના દરેક સવાલનો જવાબ આપનાર શ્યામ એમના સવાલનો જવાબ આપ્યા વગર બોલ્યો, “મારે આ છોકરી સાથે લગ્ન નથી કરવા.”

           “કેમ..?”

           “મને બીજી છોકરી પસંદ છે.”

           “તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે..? મહેમાનો આવશે હમણાં. હું એમણે શું કહું..?”  પિતાજીને શોક લાગ્યો હોય તેમ એ બોલ્યા.

           “તમે મને એકવાર પૂછ્યું પણ હતું..?” શ્યામે પોતાનો બચાવ કરતા કહ્યું.

          એના એ સવાલથી પિતાજીનો ગુસ્સ્સો ભડક્યો, “તને પૂછવાની વાત કયાં આવે..? રમણીકલાલને મેં વાત કરી. એ માની ગયો. બધું નક્કી છે. શું મારામાં બુદ્ધિ નથી...? હું તારું અહિત થાય એવા નિર્ણય લેતો હોઈશ..? લક્ષ્મી સરસ છોકરી છે. બી.એ. પાસ છે. સુંદર છે અને સંસ્કારી છે..”

          “પણ મને કોઈ બીજી પસંદ છે.” શ્યામમાં કોણ જાણે ક્યાંથી હિમ્મત આવી ગઈ હતી.

          પિતાજી એને મારવા આગળ આવ્યા. બે ત્રણ લાફા પણ લગાવી દીધા.. સત્યમ અને કલ્પેશે પિતાજીને પકડીને બેસાડ્યા. અનિરુદ્ધ ટીવી સીરીયલ ચાલતી હોય એમ હતપ્રભ બનીને જોઈ રહ્યો.

          પિતાજીને શ્વાસ ચડી ગયો. 

          “એટલે હવે તું મારું નાક કપાવીશ...? હું રમણીકલાલને શું જવાબ આપીશ?”

          શ્યામ મૂંગો રહ્યો.

          “મારી આબરૂનું શું...?” 

          “આબરુ કરતા વચનનું મહત્વ વધુ હોય છે. હું કોઈને વચન આપી ચુક્યો છું. મને માફ કરો.. તમે મને પહેલા પૂછ્યું હોત તો..?” શ્યામનો અવાજ રડમસ બની ગયો.

          “મને ખબર નહોતી કે તું આટલો નફફટ નીકળીશ.”

          પિતાજીએ ફોન કાઢ્યો. રમણીકલાલને ફોન કરીને કહ્યું કે એના છોકરાને છોકરી પસંદ નથી. એમણે ફોન કાપીને શ્યામ સામે જોયું, “આજે તો તું મારી વાત માન્યો નથી પણ...”

          “શું...?” શ્યામે એના પિતાજીના અધૂરા વાક્યને જાણવાનો પ્રયાસ કર્યો.

          “મારા માર્યા પછી પણ મને અડતો નહિ. આ ત્રણ ભાઈઓ અને ચોથો કોઈ પણ હશે તો હું સ્વર્ગે જઈશ પણ તું મને અગ્નિદાહ આપવા ન આવતો.” 

          શ્યામની આંખોમાં આંસુ આવી ગયા. પિતાજીની આંખમાં પણ ઝળઝળીયા હતા. હું રમણીકને શું મો બતાવીશ..? એ એક જ સવાલ એમના મનમાં ઘૂંટાયા કરતો હતો.

          શ્યામ રડવા લાગ્યો અને રડતો જ ઉપરના માળે એના રૂમમાં ગયો. એ આખો દિવસ રડ્યા કર્યો હશે. બપોરે એ જમવા પણ ન ગયો. બપોરે એ ભૂખ્યો જ ઊંઘી ગયો. સાંજે આઠેક વાગ્યે ઉઠ્યો ત્યારે ટીપોય પર જમવાનું મુકેલું હતું.

          એ જાણતો હતો મમ્મી મૂકી ગઈ હશે. જમવાની ઈચ્છા ન હતી પણ મમ્મી મૂકી ગઈ હતી માટે એ જમવા બેઠો. જમીને એણે લેપટોપ ચાલી કર્યું. અર્ચના ઓનલાઈન આવી એટલે એણે એને બધી વાત કરી. થોડીક આડા અવળી વાતો કરીને એ ઊંઘી ગયો.

                                                                                                          *

          સોમથી શનિ એ ભણાવવામાં વ્યસ્ત રહેતો અને એ અઠવાડિયે પણ રહ્યો હતો. એની દિનચર્યામાં એક જ ફરક આવ્યો હતો. બપોરે અને સાંજે એ જમવા નીચે જતો. બધા સાથે બેસીને જમતા હતા. હવે બપોરે અને સાંજે મમ્મી જમવાનું ઉપર આપી જતી.

          રવિવારના દિવસે એ આઠેક વાગ્યે ઉઠ્યો. એક અઠવાડિયાથી ઘરમાં કોઈની સાથે વાત થઇ ન હતી. એણે વિચાર્યું કે નીચે જઈને બેસું. પિતાજીની માફી માંગુ અને એમને સમજાવું.

          “પિતાજી હું ગયા રવિવારના વર્તન બદલ માફી માગું છું. મારે એમ કરવું જોઈતું ન હતું પણ મારી મજબૂરી હતી.”

          “શું મજબૂરી..? મારી આબરૂને ધૂળધાણી કરવાની મજબૂરી હતી?”

          “પિતાજી, મેં એ છોકરીને વચન આપ્યું છે કે હું એની સાથે લગ્ન કરીશ.”

          “છોકરીની જાત શું છે..?”

          “પિતાજી, બે વિકલ્પ છે. એક હું બધાની નજરોમાંથી ઉતરી જાઉં અને બીજું ખુદ મારી નજરોમાંથી ઉતરી જાઉં.”

          “આખી રાત પુસ્તકો વાંચ્યા છે કે હિન્દી ફિલ્મો જોઈ છે. સીધો સીધો જવાબ આપ એની જાત શું છે.”

          “બ્રાહ્મણ તો નથી. અને બીજી કોઈ જાતની હશે તો તમે એને સ્વીકારશો નહિ.”

          “આજકાલ જાત ભાતનું એટલું ક્યાં રહ્યું છે?” એની મમ્મી બોલી.

          એના પિતાએ એની મમ્મી સામે ગુસ્સાભરી નજરે જોયું. કલ્પેશ અને સત્યમ પણ આવીને બેસી ગયા. અનિરુદ્ધ દરવાજે ઊભો હતો.

          “એ છોકરીની જાત શું છે...?”

          “ઉંચી જાતની છે કે નીચી જાતની? કમસે કામ ઉંચી જાતની તો હોવી જ જોઈએ”

          “આપણે હોટલમાં જઈએ ત્યારે આપણને ખબર હોય છે કે ચા બનાવનાર કઈ જાતનો છે? આપણે અમુલનો આઈસ્ક્રીમ ખરીદીએ ત્યારે ખબર હોય છે કે આઈસ્ક્રીમમાં વપરાયેલ દૂધ ડેરીમાં ભરાવનાર દલિત છે કે બ્રાહ્મણ?”

          “બહારની વાત અલગ હોય છે પણ ઘરની અલગ”

          “છોકરી કુંભાર છે”

          “કુંભાર...?” 

          “ભણેલી છે?” મમ્મી એનો સાથ આપતી હોય એમ બોલી.

          “ભણેલી અને નોકરી કરે છે. ચંડીગઢમાં સચિવાલયમાં સરકારી નોકરી કરે છે.” શ્યામે દલીલ કરી.

          “એટલે એ છોકરી અહી નહિ આવે પણ તું ત્યાં જઈશ. સાબાશ” પિતાજીના અવાજમાં કટાક્ષ હતો.

          “છોકરી અપંગ છે” શ્યામ એ દિવસે જાણે બધી જ ચોખવટ કરી લેવા માંગતો હતો.

          “તારા અવાજ અને વાતચીત કરવાની છટા પરથી દેખાઈ આવે છે કે તું  ફેસલો કરી ચુક્યો છે.”

          “હા, પિતાજી. તમે રાજી થઈને મને પરવાનગી આપો કે હું વગર પરવાનગીએ જાઉં.”

          “ભલે, તારી મરજી. તારે જે કરવું હોય તે કરજે. પણ સમજી વિચારીને કરજે. આખી જિંદગી સાથે જીવવામાં અને એક હિન્દી ફિલ્મની પ્રેમકહાની જોવામાં ઘણો ફરક હોય છે.”

          “પિતાજી, હું અહી કોઈને ખબર નહિ પડવા દઉં કે એ કુંભાર છે. અહી તમે એમ જ કહેજો કે બ્રાહ્મણની છોકરી છે."

          “તું એકવાર એને જોઈ આવ પછી નિર્ણય કરજે.”

          “ભલે, પિતાજી.”

          શ્યામે આખો સંવાદ મનમાં જ રચ્યો હતો. એ  બધા સવાલો અને જવાબો વિચારીને નીચે ગયો. પણ એને જોઇને પિતાજીએ નજરો ફેરવી લીધી. એ એનો ચહેરો જોવા માંગતા ન હતા. શ્યામ અને એના પિતાજી ઝઘડી ન પડે એ માટે શ્યામની મા કિચનમાંથી બહાર આવી ગઈ.

          “એને કહી દે કે એ નીચે મારી નજરો સામે ન આવે. નહિતર ના છૂટકે મારે આ ઘર છોડવું પડશે.” શ્યામના પિતાજીએ શ્યામની માને ઉદેશીને શ્યામને સંભળાવતા કહ્યું.

          મમ્મીએ શ્યામને ઉપર જવા ઈશારો કર્યો. સત્યમ, કલ્પેશ અને અનિરુદ્ધ આવ્યા ત્યાં સુધીમાં એ વળતો થઇ ગયો હતો. એને સીડીઓ ચડતી વખતે પિતાજીનો અવાજ સંભળાયો, “ એને કહી દેજો કે હું જીવું છું ત્યાં સુધી મારી સામે ન આવે.”

          શ્યામ ઉપર એના રૂમમાં ગયો. એણે વિચાર્યું હતું એવું કોઈ દ્રશ્ય કે સંવાદ થયો જ નહિ. પણ એને ખબર પડી ગઈ કે પિતાજી હવે એની સાથે વાત તો શું કરે પણ એની સામે જોશે પણ નહિ. મમ્મી એની સાથે રહેતી દરેક વાતમાં પણ આ વખતે વાત જ એવી હતી કે મમ્મી એની તરફેણ કરી શકે તેમ ન હતી. કલ્પેશ પિતાજી આગળ બોલી શકે તેમ ન હતો. અનિરુદ્ધ સૌથી નાનો અને પિતાજી એના પર ગુસ્સે થતા નહિ પણ અત્યારે અનિરુદ્ધ પણ કંઈ કામ આવી શકે તેમ હતો નહિ. સત્યમ જોડેથી એને કંઈ મદદ મળે તેવી આશા એ રાખી શકે એમ હતો નહિ કેમકે સત્યમ અને પિતાજીના વિચારો, સ્વભાવ અને ગુસ્સામાં કંઈ પણ ફર્ક ન હતો. એ એકલો હતો કે પછી એને એકલું લાગતું હતું.

          કંઈક નવો વળાંક શ્યામના જીવનમાં આવી ગયો હતો.

ક્રમશ: