Geetabodh - 5 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 5

અધ્યાય પાંચમો

અર્જુન કહે છે : તમે જ્ઞાનને અધિક કહો છો એટલે હું સમજું છું કે કર્મ કરવાની જરૂર નથી, સંન્યાસ જ સારો. પણ વળી કર્મની પણ સ્તુતિ કરો છો એટલે યોગ જ સારો એમ લાગે છે. આ બેમાં વધારે સારું શું એ મને નિશ્ચયપૂર્વક કહો તોજ કંઈક શાંતિ વળે.

આ સાંભળીને ભગવાન બોલ્યા : સંન્યાસ એટલે જ્ઞાન અને કર્મયોગ એટલે નિષ્કામ કર્મ. એ બંને સારાં છે. પણ જો મારે પસંદગી જ કરવાની હોય તો હું કહું છું કે યોગ, એટલે અનાસક્તિપૂર્વક કર્મ વધારે સારો છે. જે મનુષ્ય નથી કશાનો કે કોઈનો દ્વેષ કરતો, નથી કશી ઈચ્છા રાખતો ને સુખદુઃખ, ટાઢતડકો વગેરે દ્વંદ્વોથી અલગ રહે છે તે સંન્યાસી જ છે, - પછી તે કર્મ કરતો હોય કે ન કરતો હોય. આવો માણસ સહેજે બંધનમુક્ત થાય છે. અજ્ઞાની જ્ઞાનને અને યોગને નોખાં ગણે છે. જ્ઞાની તેમ નથી ગણતા. બંનેમાંથી એક જ પરિણામ નીપજે છે, એટલે કે બંનેથી તે જ સ્થાન મળે છે. તેથી તે બંનેનો એકરૂપ ઓળખે છે તે જ ખરો જાણનાર છે. કેમ કે જેને શુદ્ધ જ્ઞાન છે તે સંકલ્પમાત્રથી કાર્યસિદ્ધ પામે છે, એટલે બાહ્ય કર્મ કરવાની તેને જરૂર નથી રહેતી. જનકપુરી બળતી ત્યારે બીજાઓનો ધર્મ આગ ઓલવવા જવાનો હતો. જનકના સંકલ્પમાં જ તે આગ ઓલવવાનો ફાળો મળતો હતો, કેમ કે તેના સેવકો તેને આધીન હતા. તે ઘડો લઈને દોડત તો સમૂળગું નુકસાન થાત. બીજા તેની સામું જોયા કરત ને પોતાનું કર્તવ્ય ભૂલત, ને ભલા થાય તો હાંફલાફાંફલા થઈ જનકની રક્ષા કરવા દોડત. પણ બધાથી ઝટ જનક થવાતું નથી. જનકની સ્થિતિ બહુ દુર્લભ છે. કરોડોમાંથી એકને ઘણા જન્મની સેવાને લીધે તે પ્રાપ્ત થઈ શકે. એ પ્રાપ્ત થયે કંઈક વિશેષ શાંતિ છે એમ પણ નથી. ઉત્તરોત્તર નિષ્કામ કર્મ કરતાં મનુષ્યનું સંકલ્પબળ વધતું જાય છે ને બાહ્ય કર્મ ઓછાં થતાં જાય છે. એની ખરું જોતાં એને ખબર પણ નથી પડતી એમ કહી શકાય. એને સારુ એનો પ્રયત્ન પણ નથી હોતો. એ તો સેવાકાર્યમાં જ નિમગ્ન રહે છે, ને તેમ રહે તો સેવાશક્તિ એટલી બધી વધે છે કે, તે સેવામાંથી થાક લેતો જણાતો જ નથી. તેથી છેવટે તેની સંકલ્પનામાં જ સેવા આવી જાય છે, જેમ બહુ ગતિમાન વસ્તુ સ્થિર જેવી લાગે છે તેમ. આવો મનુષ્ય કંઈ કરતો નથી એમ કહેવું દેખીતું અયોગ્ય છે. પણ આવી સ્થિતિ સામાન્ય રીતે કલ્પી જ શકાય છે, અનુભવાતી નથી. તેથી મેં ક્રમયોગને વિશેષ કહ્યો છે. કરોડો નિષ્કામ કર્મમાંથી જ સંન્યાસનું ફળ મેળવે છે. તેઓ સંન્યાસી થવા જાય તો બાવાનાં બેય બગડ્યા જેવું થાય. સંન્યાસી થવા જતાં મિથ્યાચારી થવાનો પૂરો સંભવ છે; ને કર્મમાંથી તો પડ્યા જ એટલે બધું ખોયું. પણ જે માણસ અનાસક્તિપૂર્વક કર્મ કરતો શુદ્ધ થયો છે, જેણે પોતાના મનને જીત્યું છે, જેણે પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં રાખી છે, જેણે બધા જીવો સાથે પોતાનું ઐક્ય સાધ્યું છે ને બધાને પોતાના જેવા જ ગણે છે, તે કર્મ કરતો છતો તેનાથી અલગ રહે છે, એટલે કે બંધનમાં નથી પડતો. આવો માણસ બોલવાચાલવા વગેરેની ક્રિયા કરતો છતો, તેની ક્રિયાઓ ઈન્દ્રિયો પોતાના ધર્મ પ્રમાણે કરે છે એમ જણાય છે; પોતે કંઈ નથી કરતો. શરીરે આરોગ્યવાન મનુષ્યની ક્રિયાઓ સ્વાભાવિક હોય છે. તેની હોજરી ઈત્યાદિ પોતાની મેળે કામ કરે છે, તેમાં તેને ધ્યાન દેવાપણું નથી હોતું તેમ જ જેનો આત્મા આરોગ્યવાન છે તે શરીરમાં રહ્યો છતો પોતે અલિપ્ત છે, કંઈ કરતો નથી, એમ કહી શખાય. તેથી મનુષ્યે બધાં કર્મો બ્રહ્માર્પણ કરવાં, બ્રહ્મને જ નિમિત્તે કરવાં. એટલે તે કરતો ઠતો પાપપુણ્યનો પુંજ નહીં રચે. પાણીમાં રહેલા કમળની જેમ કોરો ને કોરો રહેશે એટલે જેણે આસક્તિ કેળવી છે એ યોગી કાયાથી, મનથી, બુદ્ધિથી કાર્ય કરતો છતો સંગરહિત થઈને, હુંપણું છોડીને વર્તે છે ને શુદ્ધ થાય છે અને શાંતિ પામે છે. બીજો અયોગી પરિણામમાં પરોવાયેલો રહેવાથી કેદીની જેમ પોતાની કામનાઓમાં બંધાયેલો રહે છે. આ નવ દરવાજાવાળા દેહરૂપી શહેરમાં બધાં કર્મોનો મનથી ત્યાગ કરીને પોતે કંઈ કરતો કરાવતો નથી એમ માનીને યોગી સુખે રહે. સંસ્કારી સંશુદ્ધ આત્મા નથી પાપ કરતો, નથી પુણ્ય કરતો. જેણે કર્મમાંથી આસક્તિ ખેંચી લીધી છે, અહંભાવનો નાશ કર્યો છે, ફળનો ત્યાગ કર્યો છે તે જડવત્‌ થઈ વર્તે છે, નિમિત્તમાત્ર બને છે; તેને પાપપુણ્યનો સ્પર્શ કેમ થઈ શકે ? એથી ઊલટું, જેઓ અજ્ઞાનમાં પડ્યા છે તે રોજ ગણતરી કરે છે, ‘આટલું પુણ્ય કર્યું,આટલું પાપ કર્યું,’ એમ કરતો તે રોજ ખાડામાં ઊતરતો જાય છે ને છેવટે તેને ભાગે પાપ જ રહી જાય છે, પણ જે જ્ઞાન વડે પોતાના અજ્ઞાનનો રોજ નાશ કરતો જાય છે તેના કાર્યમાં રોજ નિર્મળતા વધતી જાય છે. જગતની નજરે તેનાં કર્મોમાં પૂર્ણતા અને પુણ્યતા હોય છે. આવા મનુષ્યનાં બધા કર્મો સ્વાભાવિક જોવામાં આવે છે. આવલો મનુષ્ય સમદર્શી હોય છે. તેને મન વિદ્યા અને વિનયવાળો, બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો, વિવેકહીન - પશુ કરતાં પણ ઊતરી ગયેલો એવો - મનુષ્ય આ બધાં એકસરખાં છે. એટલે કે બધાંની એકસરખે ભાવે સેવા કરશે - એકને મોટા ગણીને તેને માન આપશે ને બીજાને તુચ્છ ગણી તુચ્છકારશે નહીં. અનાસક્ત પોતાને બધાનો કરજદાર ગણશે અને સહુને પોતપોતાનું લેણું ચૂકવશે અને પૂર્ણ ન્યાય કરશે. આવા મનુષ્યે અહીં જ જગતને જીતી લીધું છે અને તે બ્રહ્મમય છે. એનું કોઈ પ્રિય કરે તેથી તે ફુલાતો નથી. કોઈ ગાળ દે તો દુભાતો નથી. આસક્તિવાળો પોતાનું સુખ બહારથી શોધે છે, અનાસક્તને નિરંતર અંતરમાંથી શાંતિ મળે છે, કેમ કે તેણે બહારથી જીવને ખેંચી લીધો છે, ઈન્દ્રિયજન્ય ભોગોમાત્ર દુઃખનાં કારણ છે. મનુષ્યે કામક્રોધ ઈત્યાદિથી થતા ઉપદ્રવો સહન કરી લેવા ઘટે છે. અનાસક્ત યોગી બધાં પ્રાણીઓના હિતને વિશે જ મચ્યા રહે છે. તે શંકાઓથી પીડાતા નથી. આવો યોગી બાહ્ય જગતથી નિરાળો રહે છે, પ્રાણાયામાદિના પ્રયોગો કરી અંતર્ધાન થવા મથે છે અને ઈચ્છા, ભય, ક્રોધાદિથી વેગળો રહે છે. તે મને જ બધાનો મહેશ્વર, મિત્ર તરીકે, યજ્ઞાદિના ભોક્તા તરીકે જાણે ને શાંતિ મેળવે છે.