Geetabodh - 6 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 6

અધ્યાય છઠ્ઠો

યરોડામંદિર

મંગળપ્રભાત

શ્રી ભગવાન કહે છે : કર્મફળને છોડીને જે મનુષ્ય કરત્વ્ય-કર્મ કરે છે તે સંન્યાસી કહેવાય અને યોગી પણ કહેવાય, ક્રિયામાત્રનો ત્યાગ કરી બેસે તે આળસુ છે. ખરી વાત મનના ઘોડા દોડાવવાનું કામ છોડવાની છે. જે યોગ એટલે સમત્વ સાધવા માગે છે તેને કર્મ વિના ચાલે જ નહીં. જેને સમત્વ પ્રાપ્ત થયું છે એ શાંત જોવામાં આવશે એટલે કે તેના વિચારમાત્રમાં કર્મનું બળ આવ્યું હોય છે. જ્યારે મનુષ્ય ઈન્દ્રિયના વિષયોમાં કે કર્મમાં રાચતો નથી અને મનના તરંગો માત્રને છોડી દે છે ત્યારે તેણે યોગ સાધ્યો - તે યોગારૂઢ થયો - કહેવાય.

આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ થાય. તેથી કહી શકાય કે પોતે જ પોતાનો શત્રુ બને છે કે મિત્ર બને છે. જેણે મનને જીત્યું છે તેનો આત્મા મિત્ર છે, જેણે મનને જીત્યું નથી તેનો આત્મેા શત્રુ છે. જેણે મનને જીત્યું છે તેની ઓળખ એ છે કે તેને ટાઢતડકો, સુખદુઃખ, માનઅપમાન બધાં એકસરખાં હોય. જેને જ્ઞાન છે, જેને અનુભવ છે, જે અવિચલ છે, જેણે ઈન્દ્રિયો ઉપર જય મેળવ્યો છે ને જેને સોનું, માટી કે પથ્થર સમાન લાગે છે તેનું નામ યોગી. એવો મનુષ્ય શત્રુ, મિત્ર, સાધુ, અસાધુ વગેરે પ્રત્યે સમભાવ રાખે છે. આવી સ્થિતિને પહોંચવા સારુ મન સ્થિર કરવું, વાસનાઓનો ત્યાગ કરવો, એકાંતમાં બેસી પરમાત્માનું ધ્યાન ધરવું. કેવળ આસનાદિ કર્યાથી બસ નથી. સમત્વને પહોંચવા ઈચ્છનારે બ્રહ્મચર્યાદિ મહાવ્રતોનું સારી રીતે પાલન કરવું જોઈએ. અને આસનબદ્ધ થયેલ યમનિયમોનું પાલન કરતો મનુષ્‌ પોતાનું મન પરમાત્મામાં સ્થિર કરે એટલે તેને પરમશાંતિ મળે છે. આવું સમત્વ અકરાંતિયાની જેમ જમનારને તો ન જ મળે, પણ નકરા ઉપવાસમાંથીયે ન મળે; બહુ ઊંઘનારને ન મળે, તેમ ઉજાગરા કરવાથી પણ ન મળે. સમત્વ પામવા ઈચ્છનારે તો બધામાં - ખાવામાં, પીવામાં, ઊંઘવા-જાગવામાં પણ પ્રમાણ જાળવવું જોઈએ. એક દિવસે બહુ ખાધું ને બીજે દિવસે ઉપવાસ, એક દિવસે ખૂબ ઊંઘી બીજે દિવસે ઉજાગરો, એક દિવસે ખૂબ કામ કરો, બીજે દિવસે આળસ કરવું, એ યોગની નિશાની જ નથી. યોગી તો સદાય સ્થિરચિત્ત હોય ને કામનામાત્રનો તેણે સહેજે ત્યાગ કર્યો હોય. એવા યોગીની સ્થિતિ વાયુ ન હોય તેવી જગ્યામાં જેમ દીવો સ્થિર રહે છે તેવી હોય છે. તેને જગતમાં બનતા ખેલો અથવા તેના મનમાં ઊઠતા વિચારોનાં મોજાં આમતેમ અફળાવી શકતાં નથી. આ યોગ ધીરે ધીરે પણ દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી સાધી શકાય છે. મન ચંચળ છે તેથી તે આમતેમ દોડે છે, તેને ધીમે ધીમે સ્થિર કરવું ઘટે છે. તે સ્થિર થાય તો જ શાંતિ મળે. આમ મનને સ્થિર કરવા સારું નિરંતર આત્માનું ચિંતવન રાખવું. આવો મનુષ્ય બધા જીવોને પોતાના વિશે જુએ છે ને પોતાને બધાને વિશે જુએ છે. કેમ કે તે મને બધાને વિશે ને બધાને મારે વિશે જુએ છે. મારામાં જે લીન થયો છે, જે મને બધેય જુએ છે તે ‘પોતે’ મટ્યો છે; એટલે ગમે તે કરતો છતાં મારામાં જ પરોવાયેલો રહે છે. એટલે તેને હાથે ન કરવાનું કંઈ કદી થનાર જ નથી.

અર્જુનને આવો યોગ કઠણ લાગ્યો ને તે બોલી ઊઠ્યો : આ આત્મસ્થિરતા કેમ પમાય ? મન તો વાંદરા જેવું છે. પવન દબાવાય તો મન દબાવાય. આવું મન કેમ ને ક્યારે વશમાં આવે ?

ભગવાને ઉત્તર વાળ્યો : તું કહે છે એ સાચું છે. પણ રાગદ્વેષ જીતવાથી ને પ્રયત્ન કરવાથી કઠણ છે તે સહેલું કરી શકાય છે. મન જીત્યા વિના યોગ ન સધાય એ વિશે શંકા નથી.

ત્યારે વળી અર્જુન પૂછે છે : ધારો કે મનુષ્યને શ્રદ્ધા છે પણ તેનો પ્રયત્ન મંદ છે. તેથી તે સફળ નથી થતો. આવા માણસની કેવી ગતિ થાય ? તે છૂટા પડેલા વાદળાની જેમ નાશ નથી પામતો ?

ભગવાન બોલ્યા : એવા શ્રદ્ધાળુનો નાશ થાય જ નહીં. કલ્યાણમાર્ગ લેનારની અવગતિ ન જ થાય. એવો માણસ મરણ પછી પુણ્યલોકમાં કર્મ પ્રમાણે વસી પાછો પૃથ્વી પર આવે છે ને પવિત્ર ઘરમાં જન્મ પામે છે. આવો જન્મ લોકોમાં દુર્લભ છે. આવે ઘેર તેના પૂર્વના શુભ સંસ્કારનો ઉદય થાય છે, તેનો હવેનો પ્રયત્ન તીવ્ર બને છે, ને છેવટે તે સિદ્ધિ પામે છે. આમ પ્રયત્ન કરતાં, કોઈ વહેલા ને કોઈ અનેક જન્મ પછી, પોતની શ્રદ્ધા ને પ્રયત્નમાં બળ પ્રમાણે સમત્વને પામે છે. તપ, જ્ઞાન, કર્મકાંડનાં કર્મો - આ બધાં કરતાં સમત્વ વિશેષ છે. કેમ કે તપાદિમાંથી પણ છેવટે તો સમતા જ નીકળવી જોઈએ. તેથી તું સમત્વ પામ ને યોગી થા. તેમાં પણ જે પોતાનું સર્વસ્વ મને અર્પે છે ને શ્રદ્ધાપૂર્વક મારી જ આરાધના કરે છે તેને શ્રેષ્ઠ સમજ.

ચઆ અધ્યાયમાં પ્રાણાયમ આસનાદિની સ્તુતિ છે. પણ યાદ રાખવાનું છે કે તેની સાથે જ બ્રહ્મચર્યની એટલે બ્રહ્મને પામવામાં યમનિયમાદિના પાલનની આવશ્યકતા ભગવાને કહી છે. આસનાદિ એકલી ક્રિયાથી કદી સમત્વને ન પાય એ સમજી લેવાની જરૂર છે. આસન પ્રાણાયમાદિ મનને સ્થિર કરવામાં, એકાગ્ર કરવામાં થોડીક મદદ કરે, જો તે હેતુથી તે ક્રિયાઓ થતી હોય તો. નહીં તો તેને બીજા શારીરિક વ્યાયામની જેમ સમજી તેની શરીર પૂરતી કિંમત આંકવી. શારીરિક વ્યાયામરૂપે પ્રાણાયમાદિનો બહુ ઉપયોગ છે અને વ્યાયામોમાં આ વ્યાયામ સાત્વિક છે એમ મારી માન્યતા છે. શારીરિક દૃષ્ટિએ એ કેળવવા યોગ્ય છે. પણ તે વડે સિદ્ધિઓ મેળવવા અને ચમત્કારો જોવાને અર્થે આ ક્રિયાઓ કરાય છે, એથી લાભને બદલે હાનિ થતી મેં જોઈ છે. આ અધ્યાય ત્રીજા, ચોથા ને પાંચમાના ઉપસંહારરૂપે સમજવા લાયક છે, ને પ્રયત્નશીલને આશ્વાસન આપે છે. આપણે હારીને સમતા મેળવવાનો પ્રયત્ન કદી ન છોડીએ.