Vishv Rinchh Divas books and stories free download online pdf in Gujarati

વિશ્વ રીંછ દિવસ


વિશ્વ રીંછ દિવસ

“રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી , સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી” નાનપણમાં આ કવિતા સાંભળતા એવા રીંછ માટે આજે સાચા અર્થમાં આફત આવી છે એના અસ્તિત્વને ટકાવી રાખવાની. ગુજરાતમાં સિંહ પછી બીજા નંબરે ઓછું જોવા મળતું પ્રાણી રીંછ છે. વિશ્વમાં વિવિધ પ્રાણીઓના દિવસો ઉજવવામાં આવે છે. જેને સામાન્ય રીતે ભાલુ એટલે કે રીંછના નામથી આપણે જાણીએ છીએ આજે તે ભારતીય રીંછ અર્થાત સ્લોથ બીઅર દિવસ છે. હવે રીંછના સંરક્ષણ અને લોકોમાં જાગૃતતા આવે તેમજ રીંછો ઉપર થતા હુમલા અટકે અને માનવીઓમાં ગેરસમજ દૂર થાય તે માટે જાગૃતતા ફેલાવવાના આશ્રય સાથે વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગ ભારત સરકાર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અમેરિકા , વાઈલ્ડ લાઇફ SOS આગ્રા, વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન બાયોલોજી રિસર્ચ ફાઉન્ડેશન પાટણ તેમજ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ચર્ચા બાદ નક્કી થયા મુજબ 12 ઓક્ટોબરને વિશ્વ રીંછ દિવસ જાહેર કરી, દરવર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવું નક્કી કરાયું છે.ભારત સહિત વિશ્વમાં 12 ઓક્ટોબર હવે વિશ્વ રીંછ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં સામાન્યપણે જોવા મળતા રીંછને અંગ્રેજીમાં ‘sloth bear’ કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Melurus ursinus.

ભારતમાં ગુજરાત ઉપરાંત આસામ, મિઝોરમ, અરુણાચલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ભારતનાં જંગલોમાં પણ કેટલીક જગ્યાએ તે જોવા મળે છે. ગુજરાત સહિત ભારત , નેપાળ અને શ્રીલંકા ત્રણ દેશોમાં જ ફ્કત હાલ રીંછ પ્રાણી જોવા મળે છે.ભારતમાં રીંછને એક નષ્ટપ્રાય (endangered) પ્રાણી તરીકે સ્વીકારવામાં આવેલું છે અને તેથી તેને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. ગુજરાતનાં રતનમહાલ અને જેસ્સોર – આ બે અભયારણ્યો માત્ર રીંછ માટે જ ખોલવામાં આવ્યાં છે. તદુપરાંત બારિયા, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળાનાં અભયારણ્યોમાં પણ રીંછ વાસ કરતાં જોવા મળે છે.

આજે ભારતીય રીંછ દિવસ નિમિતે આવો જાણીએ આ શરમાળ પણ બુદ્ધિશાળી અને ચતુર પ્રાણીની થોડી અવનવી જાણકારી...રીંછ એ નિશાચર પ્રાણી છે. જે હંમેશા રાત્રિ દરમિયાન ફરતું દેખાઈ રહે છે. રીંછ ખોરાકની શોધમાં રાત્રિ દરમિયાન વિચરતું હોય છે. રીંછનુ મુખ્ય ખોરાકમાં ઉંધઈ, મધ, ટીમરૃ, કરમદા, બોર, ગરમાળો, બિલા, રાયણ, ગુંદા, વડ, જાંબુ, કીડી, મકોડા, ઉબરા, મહુડા વિગેરેનો ઉપયોગ કરે છે. રીંછ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. રીંછની હાલમાં કુલ ૮ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે અને તેઓ ઉત્તર ગોળાર્ધમાં વિપુલ પ્રમાણમાં અને આંશિક રીતે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. રીંછ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને એશિયામાં જોવા મળે છે. રીંછોની સામાન્ય લાક્ષણિકતાઓ વિશાળ કદ, નાનાં કાન, ટૂંકા પગ, વાળ, પંજા, પાંચ દંત ધરાવતા જડબાં અને ટૂંકી પૂંછડી છે. ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બરછટ વાળવાળું માંસાહારી (carnivora) શ્રેણીનું પ્રાણી. કુળ ઉર્સિડે. મધમાખી અને ઊધઈ જેવા કીટકો, તેનો મનગમતો ખોરાક. પોતાના તીણા અને લાંબા નહોરથી આવા કીટકોને તેમના રાફડા, મધપૂડા વગેરેમાંથી ખોતરીને ભરખી જાય છે. રીંછને મધ ઘણું ભાવે છે. રીંછના લચીલા હોઠ, ચીકણી જીભ, તેમજ દાંત આવા પ્રકારનો ખોરાક લેવા માટે અનુકૂલન પામેલા છે. જોકે સસ્તનોમાં દેખાતા આગલા દાંત રીંછને હોતા નથી. આમ તો રીંછ મિશ્રાહારી છે અને તે કીટકો ઉપરાંત મીઠાં ફળ (દા.ત., બોરાં) અને ફૂલ પણ ખાય છે. તે મધ તેમજ વાનસ્પતિક ખોરાક મેળવવા માટે સીધું ઝાડ પર ચડે છે અને ખોરાક લીધા પછી ઊંધું જ ઝાડ પરથી નીચે ઊતરે છે. દિવસ દરમિયાન તે ખડકો વચ્ચે અથવા તો ગુફા જેવી જગ્યાએ આરામ કરે છે અને સંધ્યા સમયે ખોરાકની શોધમાં બહાર નીકળે છે.રીંછ સામાન્યપણે એકલજીવન પસાર કરે છે. તે અન્ય સસ્તનોની જેમ જમીન પર આંગળીઓ ટેકવીને ચાલવાને બદલે માનવીની જેમ પગનાં તળિયાં પૂરેપૂરાં ટેકવીને ચાલે છે. મોટા કદના રીંછના પાછલા પગ 30–40 સેમી. જેટલા લાંબા હોઈ શકે છે. વળી રીંછની આંખો નબળી ગણાય છે અને તે ખોરાક માટે મુખ્યત્વે ગંધગ્રાહી સંવેદનાંગ નાક પર આધાર રાખે છે. રીંછ શરમાળ પ્રાણી છે અને માનવથી દૂર રહેવાનું પસંદ કરે છે; પરંતુ સંજોગવશાત્ જો રીંછની નજદીક માણસ આવે તો તે સ્વરક્ષણાર્થે તીણા નખ વડે તેના પર હુમલો કરે છે; જે માનવી માટે ખતરનાક પણ નીવડી શકે છે. રીંછ એક બુદ્ધિ શાલી પ્રાણી હોય છે. તેનો શિકાર કરવો અઘરો છે,. તેના શિકાર માટે શિકારી એ નાખેલ ચારા ને તે ખુબજ સાવધાની પૂર્વક ખાય છે. એક રીંછ ની દોડવાની સ્પીડ 64 કિલોમીટર સુધી હોય છે, જે એક ઘોડા નો પણ શિકાર કરી શકે છે. મનુષ્ય ની સામાન્ય સ્પીડ 20 થી 32 સુધી હોય છે, આથી રીંછ થી ભાગી ને પણ મનુષ્ય માટે બચવું અઘરું છે. રીંછ પોતાના પાછલા બે પગ પર ઊભા રહી મનુષ્ય જેમ ચાલી શકે છે આથી દૂર થી જોતાં કોઈ મનુષ્ય વિચિત્ર રીતે ચાલતો હોય તેવું લાગે છે. એક રીંછ પાણી માં પણ આઠ ફૂટ લાંબી છ્લાંગ લગાવી શકે છે. થાક્યા વગર 160 કિલોમીટર સુધી પાણી માં તરી શકે છે. જંગલ માં રહેતા રીંછનું આયુષ્ય 30 વર્ષ સુધીનું હોય છે. જ્યારે કેદ કરેલ અને પ્રાણી સંગ્રહાલય ના રીંછ નું આયુષ્ય 47 વર્ષ સુધી નું હોઈ શકે છે.

ગુજરાતમાં સૌથી વધારે રીંછ બનાસકાંઠાના જંગલ વિસ્તારોમાં આવેલ છે. જેમાં જેસોર વન્ય અભ્યારણ્યમાં સૌથી વધુ ૭૫ જ્યારે બનાસકાંઠાના બાલારામ અને અંબાજી અભ્યારણ્યમાં મળી આશરે કુલ ૧૨૦ જેટલા રીંછો બનાસકાંઠાના જંગલોમાં વિચરી રહ્યા છે. જેસોર અભયારણ્યમાં રીંછો પાણી તથા ખોરાકની શોધમાં ગામડાઓમાં આવી ચડે છે અને ઘણીવાર મનુષ્યો ઉપર જીવલેણ હુમલાઓ કરે છે. માટે આ સમસ્યાના સમાધાન માટે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા અને ઝરખ જેવા પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવી તેમાં ટેન્કરો મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે. જેથી મનુષ્યો ઉપર થતા હુમલાઓને અટકાવી શકાય છતાંપણ સ્વબચાવ માટે તંત્ર લોકોને અપીલ કરેલ છે. નાશ:પ્રાય થતી જાતિ માંથી રીંછને બચાવીએ.