Preet kari Pachhtay - 38 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 38

પ્રિત કરી પછતાય*

38

"હશે મામી.જે બનવા કાળ હતું એ બની ગયુ.ઝરણા સલામત છે મારે મન એ ઘણું છે."

સાગરે ગળગળા સાદે પોતાની સાસુને આશ્વાસન આપ્યું છતાં એમનું રુદન ચાલુ જ હતુ.

"અમારા કુટુંબમાં છોકરીની સુવાવડ સદતી જ નથી.મારી નણંદને પણ આવું જ થયું હતુ.અને હવે કાન પકડુ છુ કે ભવિષ્યમાં ક્યારેય કોઈ દીકરીને સુવાવડ કરવા તો નહીં જ લાવુ."

સાસુની વહેમીલી વાતોને નજર અંદાજ કરી સાગર ઝરણાને જોઈ રહ્યો.

ઝરણાને એની આંખો જાણે કહી રહી હતી.કે

"ઝરણા જો હું આવી ગયો છુ.આંખ ઉઘાડી ને જો.તારો સાગર તારી પાસે. તારા દુઃખમાં ભાગ પડાવવા આવી પહોંચ્યો છે."

પણ ઝરણાં એ આંખો ન ઉઘાડી. પહેલાની જેમ જ એ ઘસઘસાટ ઉંઘી રહી હતી.બે ખબર.બે ધ્યાન.

લગભગ દસેક વાગ્યે ઝરણા આપમેળે જાગી.સુવાવડ પછી એ એટલી બધી કમજોર થઈ ગઈ હતી કે તેનાથી સહારા વગર બેઠુ પણ થઈ શકાતું ન હતુ.સરિતાએ ટેકો આપીને એને બેઠી કરી.અને પોતાના હાથે એનુ મોઢુ ધોવરાવ્યુ.

સાગર ઝરણાના પલંગ ઉપર જ બેઠો હતો.ઝરણા અને સાગરને એકાંત આપવા સરિતા બાજુના રૂમમાં ચાલી ગઈ.

સરિતાના ગયા પછી ઝરણાએ અને સાગરે એકબીજા સામે જોયુ.ઝરણાની આંખોમાં ઉદાસી ઝળૂંબી રહી હતી. પાંપણે આંસુના તોરણ બંધાવા લાગ્યા હતા.સાગર ઝરણાની નજીક સરક્યો. અને ઘડીભર એના મુરઝાયેલા ચહેરાને જોઈ રહ્યો.ઝરણા પણ થોડીવાર છલકતી આંખે સાગરની આંખોમાં પોતાનું પ્રતિબંધ જોઈ રહી.અને પછી રુંધાયેલા સ્વરે બોલી.

"..બા..બો..આવી..ને ચા..લ્યો ગયો."

આટલા શબ્દો એણે માંડ માંડ પુરા કર્યા. અને પછી સાગરની છાતી ઉપર માથુ રાખીને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.સાગર ની પણ આંખોં છલકાઈ ગઈ.

પણ એ જાણતો હતો કે જો પોતે પણ ટુટી જશે તો ઝરણાને સંભાળવી મુશ્કેલ થઈ પડશે.એટલે એ હ્રદય પર પથ્થર રાખીને પોતાના આંસુઓ ને ખાળવા ની કોશિષ કરવા લાગ્યો.એણે ઝરણાને એનું હૈયુ ખાલી થાય ત્યાં સુધી એને રડવા દીધી.ઝરણાં ઘણીવાર સુધી રડતી રહી.અને સાગર ધીમે ધીમે એની પીઠ ઉપર પોતાનો હાથ પસરાવતો રહ્યો. જ્યારે ઝરણાના ધ્રુસકા બંધ થયા.ત્યારે સાગરે એને પોતાની છાતીએ થી અળગી કરી.અને પોતાની આંગળીઓ થી એના આંસુ લુછતા કહ્યુ.

"બસ રડી લીધુ ઝરણા?"

જવાબમા ઝરણા કાંઈ ન બોલી.ત્યારે સાગર જ આગળ બોલ્યો.

"હવે રડવાથી કે છાતી પીટવા થી જે ચાલ્યો ગયો છે.તે થોડો જ પાછો આવવાનો છે.પુત્રના મૃત્યુ નુ દુઃખ થાય એ સ્વાભાવિક છે ઝરણા.પણ એ દુઃખ નુ માતમ કરતા કેટલા દિવસ બેઠું રહેવાય."

"તો હું શું કરું? વારે ઘડીએ મારી નજર સામે એનો ફુલ જેવું કોમળ શરીર તરી આવે છે.અને હું મારા આંસુઓને નથી રોકી શકતી."

"પણ તું મારી સામે તો જો ઝરણા.શું મને આપણા પુત્રના અવસાન નું દુઃખ નહીં હોય?મને પણ એટલું જ દુઃખ છે ઝરણા.છતાં મારી આંખોમાં જો દેખાય છે એકેય આંસુ.નથી ને?કારણ કે હું જાણું છું કે રોવા ધોવાથી.આંસુઓ સારવા થી કે છાતી કુટી માતમ કરવાથી દુઃખ ઘટતું નથી ઉલટાનું વધે છે.બીજું તારા કરતાં વધારે તો મારે રડવું જોઈએ ઝરણા.કારણ કે તે તો કમ થી કમ આપણી ઔલાદ નું મોઢું તો જોયુ. જ્યારે મને તો બદકિસ્મતી થી એ પણ નસીબ નથી થયુ.મને તો આ વાતનો આખી જિંદગી વસવસો રહેશે.કે હું મારા દીકરાનું મોં પણ ન જોઈ શક્યો. અને છતાં તું જોઈ શકે છે ઝરણા.કે મારા હૃદયના દર્દને મેં હૃદયમાં જ ઘરબી રાખ્યું છે.એને મેં મારી આંખોથી છલકવા નથી દીધુ.અને પ્લીઝ તું પણ હવે આંસુઓ ન વહાવતી.મારા ખાતર."

ઝરણાની દુબળી પડી ગયેલી કાયાને નજીક ખેંચતા સાગરે કહ્યુ.જવાબમાં બળાપો ઠાલવતા ઝરણા બોલી.

"પણ હું શું કરુ?હું મારા આંસુઓને કેમેય કરીને નથી રોકી શકતી.મેં ઈશ્વરનું શું બગાડ્યું હશે.કે એણે મને ફૂલ જેવો દીકરો આપીને પાછો લઈ લીધો?"

"એવું ન બોલ ઝરણા."

ઝરણાની કાળી લટો સાથે રમત કરતા સાગર બોલ્યો.

"એની પાછળ કુદરતનો કોઈ આશય છુપાયેલો હશે?અથવા આપણા પહેલા પુત્રનુ આયુષ્ય જ વિધાતાએ એટલું જ લખ્યું હશે.એની ઈચ્છા આગળ આપણે શું કરી શકવાના હતા.અને જો એની ઈચ્છા હશે તો આવતા બે ચાર વર્ષોમાં આપણે ત્યાં બીજા બે ચાર બાબા રમતા હશે."

સાગરની વાત સાંભળીને અતિ કમજોર થઈ ગઈ હોવા છતા ઝરણાની આંખોમાં મસ્તી ઉભરાઈ આવી.અને એના હોઠો પર નશીલુ સ્મિત આવી આપોઆપ ગયુ.અને શરારત ભર્યા સ્વરે એ ટહુકી.

"સાચે જ?"

"હા.હા.કેમ નહીં?આપણે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ.હજી તો આપણે પૂરેપૂરા જુવાન છીએ ઝરણા.તુ જરા તંદુરસ્ત થઈ જા.પછી જોઈ લે ઈશ્વરની લીલા નો ચમત્કાર.દર વર્ષે આપણે ત્યાં એક ફૂલ ખીલશે.ખીલશે.અને ખીલશે જ."

જે લહેકાતી સાગરે આ વાક્ય પૂરું કર્યું એ ઉપર ઝરણાથી શરમાઈ જવાયુ. સાથોસાથ હસી પણ પડાયું.અને એના હસવા માટે પહોળા થયેલા હોઠ ઉપર જ્યારે સાગરે પોતાના હોઠ દબાવ્યા. ત્યારે ઝરણાએ પરાણે એ હાસ્યને ટુંકાવવું પડ્યુ.

સાગરના પ્યાર ભર્યા સહારા.અને આશ્વાસનની હૂંફમાં.ઝરણાની તબિયત ધીમે ધીમે સુધારવા લાગી.શરૂઆતમાં તો એવું લાગતું હતું કે ઝરણા ઓછામાં ઓછા છ મહિના સુધી તો પથારીમાંથી બેઠી નહીં થઈ શકે.એના બદલે છ દિવસમાં જ એ હરતી ફરતી થઈ ગઈ. અને ઝરણાને હરતી ફરતી કરવામાં ડોક્ટરની દવા કરતા વિશેષ સાગરના પ્યારનો ફાળો અધિક હતો.ઝરણાને દવા પીવડાવવાથી લઈને.એનું ખાવા પીવાનું ધ્યાન પણ સાગર જ રાખતો.એ ઝરણાને એક સેકન્ડ પણ એકલી ન મુકતો.એ જાણતો હતો કે એકાંતમાં ઝરણાને પુત્રની યાદ સતાવશે જે એની તબિયતને ઘેરી અસર કરશે.આથી એ ઝરણાથી જરા વાર માટે પણ દૂર ન થતો.આખો દિવસ એ ઝરણા સાથે પ્રેમ ભરી વાતો કર્યા કરતો.ઝરણાના મગજ માં એ બને ત્યાં સુધી પાછા થયેલા પુત્ર ના વિચારોને આવવા જ ન દેતો.અને ક્યારેક જો એ પુત્રની યાદમાં થોડીક ઉદાસ થઈ જતી.તો સાગર તરત જ હળવી અને રમુજી વાતો કરીને એના હોઠોની ઉદાસીને હાસ્યમાં ફેરવી નાખતો.સાગરનો પ્યાર અને હળવાશ ભરી વાતો.બસ આ જ કારણ હતું ઝરણાની તબિયત ઝડપથી સુધારવાનું. સાગરે આ વાત સાબિત કરી દેખાડી કે કોઈપણ વ્યક્તિને દવાની નહીં પણ દવા કરતાં વધુ.સાચા પ્યારની.સાચા પ્રેમની. અને પોતાના જીવનસાથી ની હૂંફની જરૂર હોય છે.સાગરની હુંફ અને માવજતથી છ દિવસમાં જ ઝરણા અડધી સારી થઈ ગઈ.